Hey, I am on Matrubharti!

પોસ્ટમેન.
ખાખી ટોપી ને ખાખી કપડાં,
ખભે ખાખી થેલો ને હાથમાં પત્રોનો ઢેલો;
પત્ર, પરબીડિયાં કે કાગળિયાં સરકારી,
મની ઓર્ડર હોય કે લગ્નની કંકોતરી,
લાવે સુખ-દુ:ખના સમાચાર,
ને વાંચી પણ આપે શબ્દોના હાર.
બધા જ જોતાં'તા તેના આવવાની રાહ,
બધાને જ રહેતી'તી તેને જોવાની ચાહ.
વડિલોની આંખો તકતી'તી તેના માટે,
લાવશે મની ઓર્ડર ને સંતાનની ભાળ સાથે.
નવ-વધૂ રહેતી આતુર તેના માટે,
લાવશે સંદેશો તેના પિયરનો સાથે.
જોતી વિરાંગના અનિમેષ તેની વાટ,
આવે કોઈ ચિઠ્ઠી સરહદથી તેને કાજ.
કોઈ'ક જુવાન જાય પૂછતો તેને,
નોકરીના હોય જો કોઈ સંદેશ?
કોઈ માતા પિતા પૂછતાં તેને,
હોય દિકરીના આવવાનાં અંદેશ?
બાળકો પણ શોધતા તેના ટ્રિંગ-ટ્રિંગનો અવાજ,
બધા જ જોતાં'તા તેના આવવાની રાહ.
પણ-
હવે ન રહી એવી કોઈ ચાહ,
હવે ન તકતી એવી કોઈ રાહ.
હવે ન કોઈ જુએ તેની વાટ,
હવે ન સંભળાતો ' પોસ્ટમેન કાકા આવિયા'
એવા બાળકોનો બાદ.
આજના તકનિકી યુગમાં છુપાઇ ગયો ક્યાંક,
પોસ્ટમેન તું,
કૉમ્પ્યુટરના ઈ-મેઈલમાં ને મોબાઈલના મેસેજમાં આજ.

#પોસ્ટમેન

Read More

'માણસ માત્ર ભૂલને પાત્ર',
'ભૂલ તો બ્રહ્માથી પણ થાય',
ન જાણે આવી કેટલીય કહેવતો,
માનવી જાણે છે, ને પંપાળે છે,
ને ભૂલો પર ભૂલો કરીને,
માફીઓ પણ માંગતો જાય છે!

માણસ ભટકાય ને ઠોકર ખાય,
પાછો ફરે ને માફી માંગે,
માણસ હ્દય તોડે , અપમાન કરે,
પછી સમજાય ને માફી માંગે,
બસ આજ જીવન માનવીનું!
ભૂલો કરતો જાય ને માફી માંગતો જાય.

સાંભળ્યું હતું ક્યાંક...

માફી માંગવી સહેલી નથી ને,
માફ કરવું છે બહુ જ કઠીણ,
માફ કરવા સંત થવું પડે ને,
માફી માંગવા હિંમત કેળવવી પડે,
માફી માંગવા ઝૂકવું પડે ને,
માફ કરવા ઉદાર થવું પડે.

તો ચાલો ઝૂકીને ગર્વ તોડીએ,
ઉદાર થઈ ગર્વાંવિત થઈયે,
ઈશ્વરની રચેલી આ સૃષ્ટિમાં,
ક્યારેક તો આપણે માનવી બનીયે?
પાષાણ ન થઈને નિર્ઝર બનીને,
પ્રેમ-વર્ષા ઝરમરતા રહીયે.

#માફી

Read More

વિજય - માન અપાવે,
સ્વમાન અપાવે.
જન-પદમાં પહેચાન કરાવે,
પોતાના અસ્તિત્વ નું ભાન કરાવે.

જણાવે એ કે ઘણો લાંબો સફર,
મુશ્કેલીનો ને પરિશ્રમનો,
પૂરો થયો હવે સફળતા પૂર્વક.

જણાવે એ કે 'તું' 'કંઇક' છે,
'તું' 'ક્યાંક' છે,
તારો પણ 'કોઇ'ક' પરિચય છે.

જણાવે એ કે આ સમય-ચક્રમાં, તું નથી એકલો,
તને માત દેવા સક્ષમ ,
બીજો પણ કોઈ'ક છે.

તોડ અહમ્, ઠોકર માર ગર્વને,
કારણ....
તારી હરિફાઇ છે.
તારી જ સાથે....

Read More

આતુર મારૂં તન-મન,
આતુર મારી હર પળ;
આતુર મારી આંખો,
આતુર મારી પ્રત્યેક ધડકન.
મારી રૂએ રૂએ આતુરતા,
તારા આવવાની, તારા દર્શનની;
હે શ્યામ! હે ગિરધર!
હે મદન મોહન! હે નટવર!
આતુરતા તારા સ્વયં ની,
આતુરતા રાધે સંગ જોવાની;
આતુરતા ક્ષણે ક્ષણે
તને પામવાની
બસ! તારા જ થઈ જવાની.
હે શ્યામ! હે ગિરધર!
હે મદન મોહન! હે નટવર!

#આતુર

Read More

ઊઠ મુસાફિર!
જાગ મુસાફિર!
જીવન તારું, પથ પણ તારો,
છે લક્ષ્ય સામે ઊભું બસ,
હિંમત કર, તું તોડ બેડીઓ,
જીવન-પથ પર ચાલતો જા, બસ ચાલતો જા.

ઊઠ મુસાફિર!
જાગ મુસાફિર!
શેનો ભય? ને શેની ચિંતા?
શું થયું જો સાથ નથી તો!
હિંમત કર તું, એકલો જ નીજ સંગ,
જીવન-પથ પર ચાલતો જા, બસ ચાલતો જા.

ઊઠ મુસાફિર!
જાગ મુસાફિર!
શૂર છે તું, નિર્ભય છે તું,
દૂર કરી અંધકાર તારો ને,
હિંમત કર તું, બની અડીખમ,
જીવન-પથ પર ચાલતો જા, બસ ચાલતો જા.

#હિંમત

Read More

નુકસાની એમાં નથી
કે તમે પડી ગયા;
પણ પડીને ઊભા ન થયા
તે નિરાશા માં નુકસાની જરૂર છે.

એમ તો માણસ જાણે છે,
હાર અને જીત છે સિક્કા ની બે બાજુ;
પણ રાતના અંધકાર પછી સૂર્ય નું કિરણ ન ઝીલી શક્યા
તે નિરાશા માં નુકસાની જરૂર છે.

આજે તારો વારો તો કાલે મારો વારો,
સમય સમય ને માન છે;
કાલને પોતાનું ન કરી શક્યા
તે નિરાશા માં નુકસાની જરૂર છે.

ચડતી પડતી ના અસમંજસ ની
જાળમાં ફસાઈ ગયા પણ;
તોટા ને નફામાં ન ફેરવી શક્યા
તે નિરાશા માં નુકસાની જરૂર છે.

#નુકસાન

Read More

સાવધાન રહેજે તું માનવી!
તારી પહાડ જેવી મહત્વાકાંક્ષા થી,
નીચે જેની ન કચડાઈ જાય
નાના સુંદર તારાં સપના.

સાવધાન રહેજે તું માનવી!
તારા મદથી, અહંકારથી,
ચૂરચૂર ન થઈ જાય તેમાં
નાવડી તારાં નિર્મળ મનની.

સાવધાન રહેજે તું માનવી!
મોટી પણ ખોટી દુનિયાદારીથી,
તણાઇ ન જાય તેમાં તારાં
સ્નેહીજનો નાં તાણાવાણા.

અંતરના તું દ્વાર ખોલી
નિહાળ આસપાસ તું આંખો ખોલી,
હર મોડ પર રસ્તા ના લખ્યું છે-
'સાવધાની હટી દુર્ઘટના ઘટી'.

#સાવધાની

Read More

રે મન! ચાલ જીવી લઇએ થોડું
બેદરકારી થી બેફિકરાઈથી
છોડીને દુનિયાદારી ને જવાબદારી.

ચાલ ચાલિયે રસ્તા પર,
થોડી ધૂળ ઉડાડતા ને થોડા પગ ઉલાળતા.

ચાલ ઘુમિયે વરસાદ માં,
હાથોં માં હાથ નાખી ને, થોડા થોડા પલળાતા.

બધું જ સુઘડ અને બધું જ સુંદર પણ,
ચાલ મજા થોડી લઇયે બેદરકારી માં પણ.

થોડી બેદરકારી થી થતું નથી બધું જ બર્બાદ,
રે મન! થોડી બેફિકરાઈમાં પણ જીવન માં મજા ઘણી છે.

#બેદરકાર

Read More

સક્ષમ હોવું- આપણી કાર્ય-ક્ષમતાને પુરવાર કરે છે. તે સાથે જ બીજા નો આપણી ઉપર નો વિશ્વાસ સિદ્ધ કરે છે. જે વ્યક્તિ બધા જ પ્રકારના અવરોધો ને પાર કરી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા ની હિંમત દર્શાવે છે અને તે માટે તત્પર રહે છે, તે જ વ્યક્તિ સક્ષમ થઈ શકે છે. તે નિડર છે. તે સજાગ છે. તે આશાવાદી છે.બૌદ્ધિક વૈવિધ્ય પૂર્ણ વિચાર સરણી તેની આગવી લાક્ષણિકતા છે.જે પોતાની સક્ષમતા પૂરવાર કરી શકે છે, તે હંમેશા અગ્રેસર રહે છે.
#સક્ષમ

Read More

આજે મેં ખોલ્યો
મારો યાદોનો પટારો,
સંઘરીને રાખ્યો'તો જેમાં
મારો સામાન.
પટારો ખોલ્યો તો
દીઠી મેં મારી ઢીંગલી,
જેનું નામ ક્યારેક રાખ્યું'તું
લ્યૂસી મેં ઠાવથી.
દીઠાં મેં બૉલ ને પાના ની કૅટ,
ગોટીઓ ને દોરડાં,
સંભારણા બાળપણ ના.
સામાન માં જોયાં મેં
'સરસ્વતિ ચંદ્ર', 'ગબન' ને 'ગુજરાતનો નાથ',
યાદ આવી ગઈ કૉલેજ ની વાટ.
યુવાની ની મસ્તી, કૉલેજ માંથી ગુટલી,
સિનેમા થિયેટર ને જૂહુ ની ગોળા ની ચુસ્કી.
ઓહ!!!!
સામાન મારો યાદોનો ફક્ત સામાન જ નહોતો,
હતો એ તો મારો મીઠડો નજરાનો.
બન્યો અરિસો એ મારો સામાન,
જેમાં જોઈ રહી હું મારૂં ભૂતકાળ.

#સામાન

Read More