Hey, I am reading on Matrubharti!

કૃપા ની વાત પોકળ છે,
પરમ નું હોવું અટકળ છે

તને જોડે સકળ સાથે
અઢી અક્ષર જ સાંકળ છે

તરસ મારી હરણ જેવી,
ને એનો પ્રેમ ઝાકળ છે

ફરી ખોલીશ ના એને,
સ્મૃતિનાં દ્વાર જે કળ છે

જઇશ ક્યાં? છે બધે સાંકડ,
હૃદય માં આવ, મોકળ છે

ડો. આરતી રૂપાણી

Read More

દાયકાઓ બાદ પૂછે હાલ, એમાં કંઈક તો છે..
પ્રશ્ન થી એનાં, અમે બેહાલ, એમાં કંઈક તો છે..

વાત ભમરા ને મળી કે, ફૂલ ખીલ્યું છે ચમન માં,
જોબનીયું પણ તરસતું વ્હાલ, એમાં કંઈક તો છે..

સોળ વરસે ઉંબરો, આળસ મરડતો થાય ઉભો,
રંગ પણ એને ચડ્યો છે લાલ, એમાં કંઈક તો છે...

હાથમાં તવ હાથ મારો, ને જુકેલી એક ડાળી,
કેમ ભૂલાતી નથી એ કાલ, એમાં કંઈક તો છે...

જાત સાથે ની જુગલબંધી સહેલી ક્યાં છે દોસ્તો!
લાગણી આગળ જ ચુક્યા તાલ, એમાં કંઈક તો છે.

ડો. આરતી રૂપાણી

Read More

ના કદી કુરઆન ની આયત પઢી એવું બને ,
તો જ તોડી હોય માતાની મઢી એવું બને..

પારકી મા કાન વીંધે એ જરૂરી તો નથી,
આંગળી એનાં જ નખને હો વઢી એવું બને..

સાધુ, મનમાં ડર પતન નો રાખવો સારો નહીં,
એક કીડી પણ હિમાલય હો ચઢી એવું બને..

હો કુશળ સંબંધ ની બારાખડી માં તો ય શું?
છેતરે જે, હોય તે અક્ષર અઢી એવું બને...

થાપ ના ખાશો તમે, હસતા ચહેરા જોઇને
વેદના હો સ્મિતથી થોડી મઢી એવું બને...

ડો. આરતી રૂપાણી

Read More

જિંદગી નાં પાઠ નો એ સાર સમજો,
સત્યનો તો થાય જયજયકાર, સમજો!

જા, અબોલા છે કહી, રીસાય કોઈ,
પ્રેમ એમાં હોય અધ્યાહાર, સમજો!

કાલ થી મળતો નહીં, સમજે છે ને તું?
લાગતો ત્યારે સમજ નો ભાર, સમજો!

જો, સતત સાથે રહેવું પણ ન સારું,
સ્નેહ પણ થઇ જાય શિષ્ટાચાર, સમજો!

એક કોયલ કેમ ટહુકે આજ ભીતર?
મેહ નો છે આંખ માં વરતાર, સમજો!


ડો. આરતી રૂપાણી

Read More

ઢાળેલા પાંપણોનાં પડદા,
ખુલ્લી એવી આંખો,
સ્મરણો નો અષાઢ,
ઝળકી ગયું કોઇ ક્ષણાર્ધ,
કોણ હશે એ?
આવી પવનની એક નાની લહેરકી,
ઉડાવી ગઇ વાળની લટો,
બાળ સહજ જિજ્ઞાસાથી,
મન દોડ્યું એ પવન ની પાછળ,
જઇ પ્હોંચ્યું આતમનાં એ ઉંડાણમાં,
જ્યાં કોઇનાં પગલાંનાં નિશાન હતાં..
ત્યાં જ અચાનક કોઇ આવી હળવેથી
અડકી ગયું મારા ગાલ ને,
પાંપણોનાં બોજ તળેથી,
આંખો એ પૂછ્યો એક સવાલ,
સ્પર્શ હતો એ એનાં હાથનો,
કે પછી મારાં જ ઉના અશ્રુઓનો???

ડો. આરતી રૂપાણી

Read More

સરગમ જાતે વાજિંત્રો નાં નાદ તપાસે,
પડઘાઓ પણ પડતી વખતે સાદ તપાસે..

પુસ્તકમાં સાચવતાં જ્યારે ફૂલ ગુલાબી,
પાનાં નંબર પંદર પર ની યાદ તપાસે..

જણનારાનાં ઝઘડા જોઈ મૂક છે શૈશવ,
શું વધશે જો ત્રણ માંથી બે બાદ તપાસે..

વરસો થી ડેલી એ જોતી વાટ એ ડોશી,
ધાવણ ને પાલવ વચ્ચે સંવાદ તપાસે..

હું છું તારી સાથે, ગીતામાં એ કહેતો,
વ્રજ ની ભીની રજ ની ક્યાં ફરિયાદ તપાસે..!

ડો. આરતી રૂપાણી

Read More

શબ્દો જ અમારા મિત્ર ને શબ્દો જ અમારા સાથી..
ચાલ ને સખા! મિત્રતા દિવસ ઉજવીએ...

હાથ માં હાથ નાંખી ટહેલતા ટહેલતા,
કવિતાનાં કાંઠે જઇ બેસશું,
ગઝલ નાં સરોવરમાં ડૂબકી લગાવશું,
લાગણીથી ભીના થાશું,
રૂંધાવા લાગે જો શ્વાસ છંદો માં
પાછા અછાંદશ માં જાશું..
ચાલ ને સખા! મિત્રતા દિવસ ઉજવીએ...

કલ્પનાની દુનિયામાં ફરતાં ફરતાં વળી,
વાર્તાનાં બગીચે જશું,
પ્રેમનાં પુષ્પો ને ચૂંટશું અને
માણસાઈની સુવાસ પામશું
યાદોનો વાગી જાય કાંટો જો હાથમાં,
તો એકાદ કરુણાંતિકા લખશું..
ચાલ ને સખા! મિત્રતા દિવસ ઉજવીએ...

સંસારનાં જાળાથી થાકશું ત્યારે,
ચિંતનનાં દરિયે જઈ બેસશું,
અગમ નિગમ ની વાતો ઘણી,
અને જાત ને જાત માં ઓગાળશું..
ક્ષિતિજે આથમતાં સૂરજ ને જોતાં ફરી,
આતમ પથ ને ઉજાળશું..

શબ્દો જ અમારા મિત્ર અને શબ્દો જ અમારા સાથી,
ચાલ ને સખા! મિત્રતા દિવસ ઉજવીએ...

ડો. આરતી રૂપાણી

Read More