મેરી આશિકી બસ તુમ હી હો
રાકેશ ઠક્કર
મયન હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ડોક્ટરના આવવાની રાહ જોઇને મોબાઇલમાં વોટ્સએપના મેસેજ પર નજર નાખી રહ્યો હતો. મોટાભાગના મેસેજ સમય પસાર કરવા વાંચી શકાય એવા પણ ન હતા. આજે તે થોડો વહેલો આવી ગયો હતો. સામાન્ય શરદી-તાવ હતા. પણ ઉધોગપતિ પિતાનો પુત્ર સહેજ પણ પીડા ના સહન કરે એ માટે માતાએ તેને ફેમિલિ ડોકટર પાસે મોકલી આપ્યો હતો. બે-ચાર સેકંડસમાં પૂરા થઇ જાય એવા મેસેજ વાંચવાને બદલે તેણે બે-પાંચ મિનિટ ટાઇમપાસ થાય એવા વિડિયો મેસેજ શોધવા માંડ્યા. કયા મેસેજમાં શું હશે એ સમજાય એમ ન હતું. તેણે એક વિડિયો ડાઉનલોડ કર્યો. અને તેને શરૂ કર્યો ત્યાં જ ઝાંઝરનો રણકાર સંભળાયો. તેને થયું વિડિયો પર સુવિચારો શરૂ થયા એમાં ઝાંઝરનો અવાજ કેમ હશે? પણ ઝાંઝરનો રણકાર વધી ગયો ત્યારે તેની નજર એક પગ પર પડી. પગમાં ઘૂંટણ નીચે અડધુ પ્લાસ્ટર હતું. બીજો પગ આરસનો હોય એટલો સુંદર હતો. અને એ પગમાં રણકતી નાનકડી ઝાંઝરીઓએ તેના દિલની ધડકન તેજ કરવા માંડી. તેણે નજર ઉંચી કરીને જોયું તો એક સંગેમરમરની મૂર્તિ જેવી યુવતી લંગડાતી આવીને સામેની બેઠક પર બેસી ગઇ. તેણે સામેના ડોક્ટરના નામની પ્લેટ પર નજર નાખી. ઓર્થોપેડિક ડોક્ટરને બતાવવા આ યુવતી આવી હતી એ તેને સમજાઇ ગયું. તે યુવતીની સામે ટગરટગર જોઇ શકે એમ ન હતો. પણ તેનો ચહેરો તેના દિલમાં એક જ ક્ષણમાં અંકિત થઇ ગયો હતો. તેને થયું આ યુવતી એકલી જ આવી હશે? તે વધુ કંઇ વિચારે એ પહેલાં તેના પિતા ત્યાં આવી પહોંચ્યા. તેમના હાથમાં ઝૂલતી ચાવી જોઇને મયનને ખ્યાલ આવી ગયો કે તે વાહન પાર્ક કરવા રોકાયા હશે. ક્યારનોય સમય પસાર કરવા માગતો યમન હવે એમ ઇચ્છતો હતો કે તેના ફિઝિશિયન ડોક્ટર જલદી ના આવે. પણ એ જ સમયે ડોક્ટરનો દરવાજો ખૂલ્યો અને તેને અંદર બોલાવવામાં આવ્યો.
ડોક્ટરને ઝટપટ બતાવીને દવા લઇને તે બહાર આવ્યો. પણ એ પરી જેવી યુવતી ત્યાં ન હતી. કદાચ ડોક્ટરને બતાવવા અંદર ગઇ હશે એમ માની તે આમતેમ જોવા લાગ્યો. એક વોર્ડબોય ત્યાં ઉભો હતો. એને અજાણ્યા થઇ તેણે પૂછ્યું:"અહીં પેલી યુવતી અને તેના પિતા હતા એ કઇ બાજુ ગયા?" મયનનું નસીબ હતું કે વોર્ડબોય જૂનો હતો અને હોંશિયાર હતો. તેણે તરત જ માહિતી આપી કે તેને પાટો બદલવા અંદર લઇ ગયા છે. મયને વાતવાતમાં એ પણ જાણી લીધું કે દર બુધવારે તે પાટો બદલાવવા અને ફિઝિયોથેરાપીસ્ટ પાસે એક્સરસાઇઝ માટે આવે છે.
મયન હોસ્પિટલમાંથી નીકળી ગયો. તેના મનમાં યુવતીનો ચહેરો અડ્ડો જમાવીને બેસી ગયો હતો. પિતાની કંપનીની ઓફિસમાં તે ગયો. પણ આખો દિવસ એના વિચારોમાં જ તે ખોવાયેલો રહ્યો. સાંજે તે ઘરે પહોંચ્યો ત્યારે પણ મમ્મીએ તેને દવા નિયમિત લેવાનું યાદ અપાવ્યું. આખું સપ્તાહ એના વિચારોમાં જ નીકળી ગયું.
આજે ફરી બુધવાર હતો. તેનું શરીર સ્વસ્થ હતું. પણ મન તડપતું હતું તેના ચહેરાની એક ઝલક પામવા માટે. તેણે એક નિર્ણય લીધો અને જાતે જ કાર લઇને નીકળી ગયો. હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ખાસ ભીડ ન હતી. તેની નજર એ યુવતીને શોધતી હતી. તે ડોક્ટરની રાહ જોતો બેઠો. આજે એસીડીટીની દવા લઇ લેવી એવી યોજના તેણે બનાવી રાખી હતી.
થોડી વાર પછી એ યુવતી આવી. એક પગ ઘસડતી તે ચાલતી હતી. અચાનક તેનો પગ સંતુલન ગુમાવવા લાગ્યો. નજીકમાં જ બેંચ હતી. તેનો આધાર લેવા જાય એ પહેલા જ મયને દોડીને તેને આધાર આપવા દોટ મૂકી. તેનો હાથ યુવતીના હાથને સહેજ સ્પર્શ કરી ગયો. અને તેના તનમાં એક કરંટ પસાર થઇ ગયો. યુવતીએ બેંચનો આધાર લઇ જાતને સંભાળી લીધી હતી. પણ મયનની લાગણી જોઇ તેણે ઔપચારિક "થેન્કયુ" કહ્યું.
મયને મોકો ઝડપી લીધો. "સલામત છોને?"
"હા."
ત્યાં જ તેના પિતા આવી ગયા.
મયન પોતાના સ્થાન પર જઇને બેસી ગયો.
મયન માટે હવે દર બુધવારે સોનાનો સૂરજ ઉગતો હતો. તે સૂરજના આગમન પહેલા જ ઉઠી જતો હતો. દર વખતે તે નાની-મોટી બીમારીનો શિકાર દર્દી બનવાનો આનંદ ઉઠાવતો હતો. ડોક્ટરની ગોળીઓ તે લઇ લેતો હતો. તેને ખાવાની જરૂર ન હતી. એ યુવતી પ્રત્યેના પ્રેમમાં તે એટલો દિવાનો થઇ ગયો હતો કે બંદૂકની ગોળી પણ ખાવા તૈયાર હતો. વારંવારની મુલાકાતથી એ યુવતી જેનું નામ શયન હતું એ પરિચિત વ્યક્તિ બની ગઇ હતી. શયનનો પગ હવે સારો થઇ રહ્યો હતો. જ્યારે મયનનું દિલ તેના પર લપસી રહ્યું હતું. શયનને પણ મયન ગમવા લાગ્યો હતો. અને મિત્રતા કરી લીધી હતી.
શયનની સારવાર હવે પૂરી થવામાં હતી. શયન સમજતી હતી કે મયન તેની બીમારી માટે હોસ્પિટલમાં આવે છે. મયને પણ એક-બે વખત ખોટી બીમારી કહી દીધી હતી. શયનને એ વાતનો અહેસાસ ના થયો કે તેના પ્રેમમાં બીમાર પડેલો મયન તેની સાથે મુલાકાત કરવા બીમારીનું બહાનું કરી દર્દી બનીને આવતો હતો.
એક વખત મયને તેને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. શયનને ખ્યાલ આવી ગયો કે મયન તેના પરિવાર સાથે મુલાકાત કરાવવા માગે છે. તેને હવે કોઇ વાંધો ન હતો. તે પણ પોતાનું સાસરિયું જોવા માગતી હતી.
અને એક દિવસ મયનના બંગલામાં શયનની મુલાકાત ગોઠવાઇ ગઇ.
આજે મયન ખુશ હતો. તેણે ઘણા મુકામ પાર કર્યા હતા. હવે શયન સાથે લગ્ન અંગે વાત કરવાની જ બાકી હતી. આજે એ પણ આડકતરી રીતે કરી દેવી એવો નિર્ણય તે કરી ચૂક્યો હતો. તેના માતા-પિતાને તો કોઇ વાંધો ન હતો. પુત્રની ખુશીમાં તેમની ખુશી હતી.
જોગાનુજોગ આજે બુધવાર હતો. અને સમય પણ એ જ નક્કી થયો હતો. સવારે દસના ટકોરે શયન આવી પહોંચી. મયનને થયું કે શયનના રૂપથી તેનો બંગલો ઝગમગી ઉઠ્યો છે. હવે તે શયનખંડની રાણી બનશે ત્યારે... તેણે પોતાની ગુલાબી વિચારધારા અટકાવી. મયનના માતા-પિતાએ સહજ રીતે મયનની દોસ્ત તરીકે થોડી વાતચીત કરી અને બંનેને એકાંત આપવા માટે આમતેમ થઇ ગયા. બંગલાના હોલમાં વાગતા "અબ તુમ હી હો ચૈન ભી, મેરા દર્દ ભી, મેરી આશિકી, અબ તુમ હી હો" ગીતના ધીમા ઇંસ્ટ્રુમેંટલ સંગીતથી વાતાવરણ રોમાંચક બની રહ્યું હતું.
શયનને શું બોલવું તે સમજાતું ન હતું. તે મયનને પસંદ કરવા લાગી હતી. પરંતુ કંઇ કહી શકતી ન હતી. તે હોલમાં ટહેલવા લાગી. હોલમાં લગાવેલા ખૂબસૂરત પેઇન્ટિંગ્સ જોઇ રહી હતી. અચાનક તેની નજર એક ખૂણામાં પડેલા ફ્લાવરવાઝ પર પડી. તેમાંના ફૂલો કરમાઇ ગયા હતા. ઘણા દિવસથી બદલવામાં આવ્યા ન હતા. તેને એ ના ગમ્યું.
તે બોલી:"મયન આ શું? પ્રેમના પ્રતીક ગણાતા ફૂલો કરમાઇ ગયા તો પણ મૂકી રાખ્યા છે?" તેણે ફ્લાવરવાઝમાંથી ફૂલો કાઢ્યા. તેની સાથે દવાની બે-ત્રણ સ્ટ્રીપ નીકળી આવી. તેણે નજર નાખી તો દુ:ખાવાની, એસીડીટીની સામાન્ય દવાઓ હતી. તેણે અંદર હાથ નાખ્યો તો બીજા કેટલાક દવાના ગોળીઓ સાથેના પડીકા નીકળી આવ્યા.
શયન ચોંકી ગઇ. તેના મગજે તરત જ તાળો મેળવી લીધો. મયન તેને ખોટી બીમારીના બહાને મળતો રહ્યો અને ઘર સુધી ખેંચી લાવ્યો છે. તે ગુસ્સે થઇ ગઇ. "મયન, તારું નાટક મને સમજાઇ ગયું છે. તેં મારી સાથે દોસ્તી કરવા ખોટી રીતે બીમાર થવાનું બહાનું કર્યું છે... તારી આ હરકતથી મને દુ:ખ થયું છે. આપણી દોસ્તી આજથી પૂરી. જૂઠના પાયા પર રચાયેલી ઇમારત લાંબું ના ટકી શકે. હવે ફરી મને મળવાની કોશિષ ના કરતો...."
શયનને પગમાં સહેજ કળતર હતું છતાં સડસડાટ તેના બંગલામાંથી નીકળી ગઇ.
મયન હતપ્રભ થઇને ઉભો હતો. તેને પરસેવો વળવા માંડ્યો. બ્લડપ્રેસર વધી ગયું. તેણે પિતાને બૂમ પાડી. મમ્મી-પપ્પા દોડી આવ્યા. મયનને એકલો જોઇ તેમને કંઇ સમજાયું નહીં. પણ તે બીમાર છે એ સમજાઇ ગયું એટલે તરત જ ડ્રાઇવરને ફોન કરી કાર કાઢવા કહ્યું. અને મયનને પકડી કારમાં બેસાડી હોસ્પિટલ તરફ કારને લઇ જવા સૂચના આપી.
મયન આજે ખરેખર ગંભીર રીતે બીમાર થઇને હોસ્પિટલમાં સારવાર માટે જઇ રહ્યો હતો.