આત્માના અંતિમ સંસ્કાર - ૧

આ મારી પ્રથમ નવલકથા છે. વિષય પણ રસપ્રદ છે ! પ્રાચીન અને અર્વાચીન સમય જાણે કે સાથે સાથે ચાલે છે ! બે હજાર વર્ષ પહેલા ના એક ચીની સમ્રાટ ની મહત્વકાન્ક્ષા અને એને સમાંતર ભારતમાં અર્વાચીન યુગ માં એવીજ મહત્વકાન્ક્ષા ધરાવતા લોકો ! બંને વચ્ચે બે હજાર વર્ષો નો ગાળો છે પણ અદભુત રીતે બંને એકજ સાથે બનતી હોય એવું લાગે છે ! ધર્મ – દિવ્ય શક્તિઓ – માન્યતાઓ થી પર થઇ ને પરંતુ સત્ય શું છે અને સત્ય “સત્ય” છે એ જાણવા આને માણજો. આમાં રોમાંચ છે, ભય છે, પ્રેમ છે, ત્યાગ છે, સાહસ છે અને પરાક્રમ છે. લાલચી લોકો કે દેહ નાં તો શું, આત્મા ના પણ અંતિમ સંસ્કાર કરી નાખે એની વાતો છે. આવો આ અદભુત રોમાંચક થ્રીલરનાં સફર માં મારી સાથે સામેલ થાઓ.

આત્મા ના અંતિમ સંસ્કાર ! – (૧)

સમગ્ર આકાશ લાલ થઇ ગયું હતું, શિયાળા ની સવાર થયાને હજી થોડી જ વાર થઇ હતી, દૂર દૂર ઉત્તુંગ પર્વતમાળાઓ જાણે કે શ્વેત કપડાઓ પહેરી ને સ્કૂલ માં ઉભેલા વિદ્યાર્થી ઓ ની જેમ ટટ્ટાર લાઈનસર ઉભી હતી ! હવા માં ઠંડક ની સાથે અજીબ પ્રકારની સુગંધ પણ ભળેલી હતી. લાંબા લાંબા ડગલા ભરતા ભરતા એમણે મુઠીઓ વાળી, લાંબા જટાળા વાળ સરખા કર્યા, સુરજ જાણે કે એમને જોઈ ને સ્મિત કરતો હોય અને પ્રણામ કરતો હોય એમ એમની આંખો માં જોઈ રહ્યો. એમણે હવે દોડવાનું શરુ કર્યું, એમના માથા નો પરસેવો કપાળ પર લગાવેલી ભભૂત માં થઇ ને એમના ચહેરા પર ઉતરી આવ્યો, છતાં પણ એમણે એમની ઝડપ ઓછી ના કરી, એમની લાલ લાલ આંખો વધારે મોટી થઇ ગઈ. એક હાથ માં પકડેલું ત્રિશુલ અને ડમરુ એમના દોડવાની સાથે સાથે જાણે કે તાલ મિલાવતું હોય એમ એમના હાથ માં ઉપર નીચે લયબધ્ધ થવા લાગ્યું. અત્યંત ભયાનક ઝડપ થી દોડી ને એ પાસે ઉભેલી ઉત્તુંગ પર્વતમાળા ના સહુ થી ઉંચા પહાડ પર ચડવા લાગ્યા. પર્વતમાળા ની ગોદ માં રહેલા રમણીય સરોવર ના પાણી માં હલન ચલન થઇ. એક બે પાણી પીતાં અને માછલીઓ પકડતા પક્ષીઓ અચાનક થયેલા પરિવર્તન થી ગભરાઈ ને ઉડી ગયા. સરોવર પોતાના સ્ફટિક શુદ્ધ જળ માં એમનું પ્રતિબિંબ નતમસ્તકે ઝીલી રહ્યું હતું.

એમણે પર્વત ની ટોચ પર પહોંચી ને એક પગ ઉંચો કર્યો, અને ભયાનક અવાજ સાથે નૃત્ય કરવાનું ચાલુ કર્યું ! એમના ડમરુ નો ભયાનક રણકાર દૂર દૂર સુધી પ્રસરી ગયો. જાણે કે ધરતીકંપ આવ્યો હોય એમ આજુ બાજુ ની ધરા ધ્રુજી ગયી. સમગ્ર જગ્યા આ અદભૂત પણ ભયાવહ નૃત્ય ને જાણે કે સ્તબ્ધ થઇ ને માણી રહી હોય એમ સ્થિર થઇ ગયી. દૂર થી જોતા જાણે કે પર્વત પોતે ડોલતો હોય એવો આભાસ થઇ રહ્યો હતો. સવારના ઝાંખા પ્રકાશ માં પર્વત ની ટોચ ઉપર એક પગે નાચતી એ આકૃતિ એક અજીબ પ્રકારનો રોમાંચ અને રોમ રોમ માં દોડી જતી વીજળીક સંવેદના ઉભી કરતી હતી. કદી ઝીંદગીમાં પણ નાં જોવા મળે અને કદી કલ્પ્યું પણ નાં હોય એવું એ અદભૂત અને અલૌકિક દ્રશ્ય હતું !

આજ થી લગભગ બે હાજર વર્ષ પહેલા- પ્રાચીન ચીન માં -

સુંગયુન એ કપડા ખંખેર્યા, ઉપર આકાશ નીલ વર્ણ થઇ ગયું હતું, દુર દુર સુધી ફેલાતો પવન હવે મંદ પડી ગયો હતો. શિયાળા ની સવાર આવી પહોંચી હતી. સમગ્ર ધરતી પર બરફ ની શ્વેત ચાદર બિછાઈ ગયી હતી ! ઉત્તુંગ પર્વતો ની હારમાળા જાણે કે કોઈ મહાન દિવ્ય શક્તિ એ પહેરેલા હાર ની માફક વહેલી સવાર માં ચમકતી હતી.

"બધું જ ભવ્ય છે અહી તો! બધું જ વિશાળ છે, શ્વેત છે, અકલ્પનીય છે, દિવ્ય છે, મને પળે પળે એવો અહેસાસ થાય છે કે કોઈ મારી સાથે ચાલી રહ્યું છે, સ્મિત કરી રહ્યું છે, ઠંડા પવન ની લહેરખી મારા ગાલો પર પ્રેમ થી હાથ ફેરવી રહી છે ! મહાન ચક્રવર્તી સમ્રાટ ની વિશાળ સેના થી પણ ભવ્ય એવી પર્વતમાળાઓ મને સાદ પાડી ને બોલાવી રહી છે ! ઓહ ઓહ ઓહ ! શું ભવ્ય દ્રશ્ય છે, કાશ કે હું એક સારો ચિત્રકાર હોત અને આ ભવ્યતા ને કંડારી ને તમારા માટે ભેંટ તરીકે લેતો આવ્યો હોત, ઓ મહાન ચક્રવર્તી સમ્રાટ !" સુંગ યુન મન માં વિચારતો ગયો અને હિમાલય ની પર્વતમાળાઓ ની સુંદરતા માં ખોવાતો ગયો !

ભારત વિષે એણે ઘણું સાંભળ્યુ હતું. ભારત ના મહાન ચક્રવર્તી રાજાઓ, એમનો અપાર વૈભવ, વિચિત્ર જાત ની દૈવીય પૂજા અને રીવાજો, અને વિશેષ તો એમના ધર્મ વિષે નું જ્ઞાન સુંગ યુન ને ભારત પ્રત્યે કુતુહલતા કરતા વિશેષ માન પૂર્વક ખેંચી લાવતું હતું ! એના મોટા ભાઈ એ પણ ૨ વર્ષ પહેલા ભારત જવા નું નક્કી કર્યું હતું પણ સમ્રાટએ એ વખતે એને મંજૂરી નહોતી આપી ! એ જાતે જ નીકળી પડ્યો હતો ! ૨-૨ વર્ષ થઇ ગયા હતા, પણ એનો કોઈ પત્તો ન હતો ! શું થયું હશે લી સાથે ? કેમ એણે મને સાથે ના લીધો ? લી એને ખુબજ યાદ આવતો હતો, પિતાજી ના નિધન પછી એ એકજ હતો જે એને ખુબજ પ્રેમ કરતો હતો ! બંને ના માં નાની ઉમર માંજ ગુજરી ગયા હતા અને એમની દૂર ની કાકી એ એમને મોટા કર્યા હતા. સુંગ યેન ની આંખ ભીની થયી ગયી લી ને યાદ કરતા કરતા, જાણે કે આ પર્વતો ની પાછળ સંતાઈ ને બેઠેલો એનો ભાઈ એને સાદ પડી ને બોલાવી રહ્યો હતો એવો એને આભાસ થયો ! લી, લીઈઈઈઇ, એને બૂમો પાડી પણ જવાબ માં પવન ના સૂસવાટા સિવાય કઈ જ ના સંભળાયું !

***

આજનાં ભારતીય સમયકાળ માં -

મે મારા ફોનમાં જોયું, સવાર ના ૮ વાગી ગયા હતા, બહાર જોરદાર પવન સુસવાટા ભેર ફૂંકાતો હતો, ઠંડી હવા ની લહેરખી ઓ ની થપાટો લાકડી ની બારી ને હચમચાવી દેતી હતી ! શિયાળા ની શરૂઆત થઇ ચુકી હતી. આ અત્યંત કપરો સમય હતો માનસરોવર નાં પ્રવાસ માટે, પણ મને વિસા મળતા મળતા બે મહિના નીકળી ગયા અને ફરીવાર ક્યારે આવો લાભ મળે તે નક્કી ના હતું એટલે મારે ના છુટકે પણ નીકળવું પડ્યું હતું ! મે બેલ મારી ને સવારનો નાસ્તો અને ચા રૂમમાજ પહોંચાડવાનું કહી દીધું. પછી હું ઉભો થયો, બ્રશ કર્યું, ગરમ પાણી થી નહાયો, શેવ કરી કપડા બદલી ને બહાર આવ્યો તો નાસ્તો ટેબલ પર તૈયાર હતો અને ટ્રે લઇ ને એક ઠીંગણો ચુંચી આંખો વાળો માણસ મારી સામે ઉભો હતો ! મે મારા ખિસ્સા માં થી થોડા પૈસા લઈને એને આપ્યા, એણે નીચા વાળી ને વિનમ્રતાપૂર્વક લઇ લીધા. એનું ધ્યાન હવે મારા ટેબલ પર પડેલા માનસરોવર ની પ્રવાસી પુસ્તિકા પર પડ્યું ! એ હટ્યો નહિ, એણે એકીટશે એની સામે જોયા કર્યું ! મને અણગમો થયો, પણ હું કઈ બોલ્યો નહિ, અને એ જાય એની રાહ જોવા લાગ્યો, પણ એનું સમગ્ર ધ્યાન પ્રવાસી પુસ્તિકા માં જ હતું. મે પણ કઈ બોલ્યા વગર પુસ્તિકા તરફ જોયું તો એ એકીટશે પુસ્તિકા માં છપાયેલા શિવ ભગવાન ના ફોટા સામે જોઈ રહ્યો હતો ! મે પુસ્તિકા ઉપાડી ને જોયું તો એમાં ભગવાન શિવ નો પર્વત ઉપર એક પગ વાળી અને બંને હાથ ફેલાવેલો નૃત્ય ની મુદ્રા માં ઉભેલો ફોટો હતો ! એણે પુસ્તિકા સામે આંગળી ચીંધી અને શિવ ભગવાન ની જેમ નૃત્ય ની મુદ્રા કરી અને બારી ખોલી નાખી ! સૂસવાટા મારતો પવન રૂમ ની અંદર ધસી આવ્યો પણ એ બારી થી અલગ ના થયો ! એ કશુક બબડ્યો, હું ઉભો થઇ ને એની પાસે બારી નજીક આવ્યો, એણે હાથ લાંબો કરી ને મને દૂર ધુમ્મસ માં સંતાયેલા પહાડો તરફ ઈશારો કર્યો ! એ ખડખડાટ હસ્યો અને પછી પાછો વિનમ્રતા પૂર્વક બારી બંધ કરી ને માથું નીચું કરી ને ચાલ્યો ગયો !

“ઓ મહાન ચક્રવર્તી સમ્રાટ, ઓ સમ્રાટો ના સમ્રાટ, ઓ પાલનહાર, તમને શું કહું આ જગ્યા ના સૌન્દર્ય વિષે ? ચારે તરફ પહાડો જ પહાડો છે, બરફ ની ચાદર નીચે ઢંકાયેલા, જો તમે આ શ્વેત સૌન્દર્ય ને નિહાળો તો તમે પણ એના જાદુ માં ખોવાઈ જશો ઓ ચક્રવર્તી સમ્રાટ ! આજે હું ૮ દિવસ ના અતિ કઠીન પ્રવાસ પછી એક જાદુઈ જગ્યા એ આવી ચડ્યો છું ! એક અતિ સ્ફટિક અને શુદ્ધ નિર્મળ પાણી ભરેલું તળાવ મને નજરે ચડ્યું છે ! દૂર થી જોતા એનું પાણી ક્યારેક વાદળી તો ક્યારેક લીલું અને ક્યારેક સફેદ લાગે છે ! આજુ બાજુ ના પહાડો નું પ્રતિબિંબ ઝીલતું એ તળાવ ખુબજ આકર્ષક લાગે છે ! કાશ કે લી મારી સાથે હોત ! શું લી અહી આવ્યો હશે ? શું એણે અહી વિસામો લીધો હશે ? શું એ આ જગ્યા નું સૌન્દર્ય જોઈ ને દિગ્મૂઢ થઇ ગયો હશે ? કેમ નહિ ? લી જરૂર થી અહી થી ગયો હશે, એણે અહી રોકાઈ ને અહી નું સૌન્દર્ય પાન અવશ્ય કર્યું હશે, સમ્રાટ ! “

અત્યંત ઠંડી અને પાતળી હવાથી સુંગ યુન ના હોઠ ફાટી ને સફેદ થઇ ગયા હતા, આંખો અંદર ઉતારી ગઈ હતી, ગાલ લાલ લાલ થઇ ગયા હતા. એ ખુબજ થાકી ગયો હતો. એક સપાટ જગ્યા જોઈ ને એણે નીચે બેસી ને ઊંડા ઊંડા શ્વાસ લીધા. સાથે લાવેલા પાત્ર મા પાણી પીવા કાઢ્યું, પણ એ પણ ઠંડી માં બરફ થઇ ગયું હતું. અચાનક એણે લાગ્યું કે એના પગ સુન્ન પડી ગયા છે. હવે વધારે ચલાય તેમ નથી ! એણે એક કપડું કાઢી ને એને ફાડી ને એના બે ભાગ કર્યા અને બંને ને એક પછી એક પગ માં લપેટી દીધા ! “હાશ” એ મન માં બબડ્યો, “બહુ થાક લાગ્યો છે, થોડો આરામ કરી ને થોડુંક ખાઈ ને આગળ વધીશ હું” એમ મનો મન નક્કી કરી ને એણે લંબાવ્યું ! ઉતાવળ માં બાંધેલો એનો કામચલાઉ કાપડ તો તંબૂ જોર થી ફૂંકાતા પવન માં હલક ડોલક થવા લાગ્યો ! “લી કેટલો સરસ તંબૂ બાંધતો હતો ! એણે મને પણ શીખવાડેલું, અને એવું તો કેટલું બધું એણે શીખવાડેલું !” લી ને યાદ કરતા જ એના હોઠો પર પાછું સ્મિત આવી ગયું !

આંખ મીચાઈ ગઈ છે, હવે કોણ મને સાદ પાડે છે, લી હશે ? ના ના એ તો હવા એવો ભ્રમ પેદા કરે છે, કે પછી કોઈ મને ખરે ખર સાદ પડે છે ? અરે, આ તો ખચ્ચરો ના અવાજ પણ લાગે છે. શું કોઈ વણઝાર આવી છે અહી ? સુંગ યુન એ આંખો ખોલી ને ધ્યાન થી સાંભળ્યુ પણ હજી એને કઈ સમજણ ના પડી !

મે નીચે આવી ને રૂમ ની ચાવી ટેબલ પર મૂકી, સામે ઉભેલા આધેડ વય ના આદમી એ લઇ લીધી અને મારી સામે સ્મિત કર્યું. મે આજુ બાજુ નજર દોડાવી પણ મને એ ઠીગણો માણસ ક્યાય ના દેખાયો. “સર તમારી ગાડી આવી ગઈ છે, તમે અત્યારે જ નીકળશો?” પાછળ થી કાઉન્ટર પર ઉભેલા આધેડ વય ના માણસે મને બૂમ પાડી. મે ડોકું ધુણાવી ને હા પાડી અને મારા ઓવર કોટ ના કોલાર ઉંચા કરી ને આંખો પર અરમાની ના ચશ્માં ચડાવી ને હું બહાર નીકળી ગયો. બહાર સફેદ ઇનોવા નો દરવાજો ખોલીને એજ ઠીંગણો માણસ વિનમ્રતા પૂર્વક ઉભો હતો. મે એની સામે જોયું અને એણે મારી સામે સ્મિત કર્યું અને દરવાજો બંધ કરી ને એ ડ્રાઈવર ની સીટ માં બેસી ગયો અને એણે ઇનોવા બજાર તરફ દોડાવી મૂકી. પાછલી સીટ માં બેઠા બેઠા મે આંખો બંધ કરી દીધી અને મારી આંખો સમક્ષ કેપ્ટન સમર નો ચેહરો તારી ઉઠ્યો. કેપ્ટન સમર સાડા છ ફીટ ઉંચો, પાતળી મૂંછો ધરાવતો મજબૂત બાંધા નો નવયુવાન હતો. ઘઉંવર્ણો વાન, પાણીદાર આંખો, સીધું પાતળું નાક, લાંબી ગરદન, ગળા માં ઉપસી આવેલું નાનું હાડકું, અને હોઠો પર રમતું નાનકડું સ્મિત, એ હમેશા અરમાની ગોગલ્સ પહેરી રાખતો, ટટ્ટાર ચાલતો અને ખૂબજ રમૂજી સ્વભાવ નો આદમી હતો. વાતો વાતો માં જોક કહેવા, અને મિત્રો ની સાથે રખડવું એણે બહુ જ ગમતું હતું. એ જયારે પણ રજા માં ઘેર આવતો ત્યારે ઘર જીવંત બની જતું. અખો દિવસ મજાક મસ્તી, પાર્ટી અને હાસ્ય ના ફુવારા ઉડતા હતા. પિતાજી લશ્કર માં જ શહીદ થયા હતા ૧૯૭૧ ના ભારત ચીન યુદ્ધ માં. અને માતાજી એ હમેશા એને લશ્કર માં જતો રોક્યો હતો પણ એણે કદી એમની વાત સાંભળી ના હતી અને એ લશ્કર માં જોડાઈ ગયો હતો. એ એની માં ને બહુજ પ્રેમ કરતો હતો અને રજા ઓ માં બીજે ક્યાય જવા ની જગ્યા એ એ હમેશા એની માં ની સાથે જ ગળતો. બંને ક્યાય સુધી બગીચા માં બેસી રહેતા, એક પછી એક કોફી ના ઘૂંટડા ભરતા ભરતા જૂની વાતો સંભારતા અને સંધ્યા ટાણે જ્યારે દૂર મંદિર ની ઘંટડી ઓ નો ધ્વની વાતાવરણ માં ગુંજતો ત્યારે બંને ઉભા થઇ ને વાળું કરવા અંદર જતા. સમર ઘરે આવતા કદી પણ એની મનપસંદ બકાર્ડી ને હાથ ના લગાડતો પણ માં સાથે કોફી અને માં ના બનાવેલા ખાખરા અને ચેવડાઓ ની લિજ્જત માણતો. ક્યારેક વહેલી સવારે ૫ વાગ્યે એ એના પિતાજી ની જૂની રાજદૂત ને લઇ ને પહાડો માં નીકળી પડતો.

એને પહાડો માં ફરવા નું ખુબજ ગમતું. રસ્તા માં એ હમેશા જંગલી ફૂલો ચૂંટી ને એની માં માટે લાવતો. જયારે એ પાછો આવતો ત્યારે એની માં દરવાજા માં એની રાહ જોતી ઉભી રહેતી. એ હસી ને બાઈક પર થી ઉતરી ને એને ભેંટી પડતો અને એના ભીના વાળ માં એક પીળું જંગલી ફૂલ ખોસી દેતો અને એને ઊંચકી ને ઘર ની અંદર લઇ જતો. બંને પછી કોફી પીતા પીતા વાતો કરતા. વિષય હમેશા એક જ રહેતો, સમરે હવે પરણી જવું જોઈ એ. સમર હમેશા માં ની ઉડાવતો અને કહેતો કે એને જયારે એની માં જેવી સુંદર અને સુશીલ છોકરી મળશે ત્યારે જ એ વિચાર કરશે, જેના જવાબમાં એની માં હસતા હસતા કહેતી કે એ શક્ય નથી, કારણ કે હવે એવા નમૂનાઓ ભગવાન પાસે નથી બચ્યા. બંને માં દીકરાઓ ખુબજ ઝગડતા અને પુરા બે કલાક સુધી એક બીજા સાથે બોલતા નહિ, પછી સમર એની માં પાસે જતો, એના પગ પાસે બેસી ને એની પાણીદાર આંખો કે જે એની માં ને હમેશા એના પિતા ની યાદ અપાવતી, એની સામે નચાવતો અને એની માં ને ગાલ ઉપર એ જ્યાં સુધી બૂમો પાડી ને નાં ના કહે ત્યાં સુધી લાંબુ ચુંબન કર્યા કરતો. જયારે એની રજાઓ સમાપ્ત થઇ જતી ત્યારે એની રમતિયાળ આંખો માં ઉદાસી છવાઈ જતી. એ કદી પણ જવાની વહેલી સવારે એની માં ને ના ઉઠાડતો. ચુપચાપ મધરાત્રે માં ના રૂમ માં જતો, એના માથા પાસે બેસી ને એને એકીટશે જોયા કરતો અને એના ગાલો પર હાથ ફેરવ્યા કરતો. અચાનક એ ઉભો થઇ ને સામાન લઇ ને નીકળી જતો અને રેલ્વે સ્ટેશન પર પહોંચી જતો અને ત્યાં સવાર સુધી રાહ જોતો બેસી રહેતો. જેવો એ ઘર ની બહાર નીકળતો, એની માં આંખો ખોલી ને એને જતો જોઈ રહેતી, દૂર અંધારા માં જ્યાં સુધી એનો છાયો દેખાય ત્યાં સુધી એ બારી માં ઉભી રહેતી. પછી દરવાજા માં તાળું મારી ને હાથ માં નાનકડું ફાનસ લઇ ને સ્ટેશન સુધી નાની પગદંડી પકડી ને જતી અને જ્યાં સુધી સમર ની ટ્રેન આવે અને સમર એમાં બેસી ના જાય ત્યાં સુધી દૂર થી એને જોયા કરતી. સમર ને આની ખબર હતી પણ એ કદી એ દિશા માં જોતો ન હતો અને જયારે ટ્રેન ચાલવા માંડે ત્યારે પાછળ વળી ને ઘર તરફ જતી માં ની દિશા માં એક વહાલ ભરી નજર નાખી આંખો બંધ કરી દેતો. બંને નો આ એક બીજા પ્રત્યે નો પ્રેમ વિચિત્ર પણ સાચો હતો. બંને કશું બોલ્યા વગર એક બીજા ને વિદાય કરી દેતા.

અચાનક ઇનોવા ઝટકા થી ઉભી રહી ગઈ અને મે આંખો ખોલી, બહાર ધુમ્મસમાં એક કાળું પડી ગયેલું બિલ્ડીંગ દેખાયું જે જર્જરિત અવસ્થા માં પણ એની જૂની જાહોજહાલી ને યાદ અપાવતું એકલું અટુલું ઉભું હતું. રોમન સ્થાપત્ય ની યાદ આવે એવું એનું બાંધકામ સમય ની થપાટો માં પણ ટટ્ટાર અને જુના વારસા ની જણસ સમું ઊંચું મસ્તક રાખી ને પહાડો તરફ નજર નાખી ને જાણે કે એના જુના દિવસો યાદ કરતુ હોય એમ ઉભું હતું. ઈમારત ની બહાર એક તાતા સુમો અને એક જૂની એમ્બેસેડર ગાડી ઉભી હતી. ઈમારત ની બાજુ માં એક વિશાળ વ્રુક્ષ્ ની નીચે એક કુતરો બેઠો બેઠો જમીન માં કંઇક ખોદી રહ્યો હતો અને એની બાજુ માં એક જુનો ઈમારત ના જેવોજ જર્જરિત કુવો હતો. કુવા ની બાજુ માં એક ઘોડો બાંધેલો હતો જે નીચે નમી ને ઘાસ ખાઈ રહ્યો હતો. મે ગાડી નો દરવાજો ખોલ્યો અને ધીરે ધીરે ઈમારત ના દરવાજા તરફ ચાલવા માંડ્યું. ત્યાં તો દૂર થી બૂમો પડી, “એ એ એ એ, આ તરફ, જવાન આ તરફ્ફ્ફ્ફ,,,,,” !!! મે ચમકી ને કુવા ની ડાબી તરફ જોયું અને અવાજ ની દિશા માં ચાલવા માંડ્યું. યુવા દૂર થી હાથ હલાવતી બૂમો પાડતી મારા તરફ આવી રહી હતી. એણે માથા પર નારંગી સ્કાર્ફ બાંધ્યો હતો, ખાખી કલર નું ખમીસ અને એવાજ કલર નું બેગી પેન્ટ પહેરેલું હતું. એના એક હાથ માં પીળા ફૂલો ના ગુચ્છા હતા અને બીજા હાથ માં એક નાની બેટરી હતી. જાણે પહાડો માં થી ઉતરી ને કોઈ રમતિયાળ નદી જમીન પર વહી આવતી હોય એવી રીતે એ મારી દિશા માં ચાલી આવતી હતી. કુવા પાસે પહોંચી ને એણે ત્યાં બેઠેલા કુતરા ની પૂંછડી માં અવળચંડાઈ કરી અને એ બિચારું ઉભી પૂંછડી એ નાસી ઉઠ્યું, એ ખડખડાટ હસી પડી, દૂર થી પણ એની શ્વેત દંતાવલી જાણે કે હિમાલય ના સફેદ પહાડો ની હારમાળાઓ હોય એમ ચમકી ઉઠી. હાંફતી હાંફતી એ મારી દિશા માં આગળ વધી. “હાઈ જવાન” એણે મારા તરફ આંખો નચાવતા હાથ આગળ કર્યો.

સુંગ યુન એ ડોકું ધુણાવ્યું, આંખો ને જોર થી મસળી અને ધસડાઈ ને આગળ વધી ને તંબુ ના કપડા ને સહેજ ખંખેરી ને બહાર નજર દોડાવી. બહાર સુસવતા પવન અને શ્વેત બરફ ની ચાદર સિવાય કઈ ના હતું. એ ઉભો થયો, થોડું ચાલ્યો અને તળાવ ની પાસે આવી ને ઉભો રહ્યો. શુદ્ધ ધવલ શ્વેત નિર્મળ જળ માં પોતાનું પ્રતિબિંબ જોતો ઉભો રહ્યો. સામે કોઈ બીજા માણસ ને જોઈ ને એ ચમકી ગયો, વધેલી દાઢી, ઊંડી ઉતરી ગયેલી આંખો વાળો એ કોણ હતો ? એણે નમીને પાણી માં હાથ નાખ્યો અને એક ભયંકર ધ્રુજારી એના શરીર માં દોડી ગયી ! ઠંડું પાણી એના રોમ રોમ માં ભયાનક ધ્રુજારી અને રોમાંચ દોડાવી ગયું. થોડી વાર પેહલા પાણી માં દેખાતો એનો ચેહરો ડહોળાઈ ગયો અને નાના ગોળ ગોળ વમળ પાણી માં ઉઠી ગયા.સુંગ યુન લી ને યાદ કરતો કરતો તળાવ ના કિનારે બેસી રહ્યો, અચાનક એને લાગ્યું કે એની પાછળ કોઈ ઉભું છે, એણે પાછળ જોયું તો એની સમક્ષ જાણે કે મી ઉભી હતી ! એની રમતિયાળ આંખો, મધુર હાસ્ય અને કાળા ભમ્મર વાળ હવા માં ઉડતા હતા. એ એને કંઇક કહેવા જતી હતી, સુંગ યુન એની તરફ હાથ લંબાવા ગયો અને મી નો ચેહરો ગાયબ થઇ ગયો ! જતા જતા એણે જોયું કે એની આંખો માંથી ઘેરી ઉદાસી ડોકાતી હતી. કેટલી સુંદર હતી મી, એણે યાદ આવી ગયું કે કેવા એ બંને ઘર ની અંદર જયારે શિયાળો જામ્યો હોય ત્યારે મસ્તી કરતા હતા ! સુંગ યુન હમેશા એની લાંબી ચોટલી ને ખેંચતો અને ભાગી જતો, એ ગુસ્સા માં એની પાછળ દોડતી અને એણે પકડી પાડવા મથતી. બંને ઘર માં દોડ દોડ કરી મુકતા. કાકી પણ બંને ને રમતા જોઈ ને ખડખડાટ હસી પડતા અને બંને ને પાનો ચડાવતા. સુંગ યુન ક્યારેક ઝાડ પર ચડી જતો અને મી એને ઉતરી જવા વિનવતી. એવામાં લી આવી ચડતો અને એ બંને ને અંદર આવી જવા હુકમ કરતો. મી હમેશા લી ને સુંગ યુન ને નીચે ઉતારવા વિનવતી અને બધ્ધો એનો જ વાંક છે એમ ચાળા પડી ને સમજાવવાની કોશિશ કરતી. લી એની વાતો સંભાળતો અને લાકડા કાપવા ના કુહાડા થી માપસરના લાકડા નો ઢગલો કરે જતો. આખરે કાકી ની બૂમો સાંભળી ને સુંગ યુન નીચે આવી જતો અને પછી બધ્ધા ઘર ની અંદર વાળું કરવા પહોંચી જતા.

કેવા મધુર મસ્તી ભર્યા દિવસો હતા એ બધા, સુંગ યુન ને ઘેરી ઉદાસી ફરી વળી, એને એક પછી એક બધા યાદ આવવા લાગ્યા. “હેઈ...હેઈ”, ત્યાજ દૂર થી એને કોક નો અવાજ સંભળાયો અને તે ચમકી ઉઠયો. દૂર થી ધૂમસ માં એને માનવ આકૃતિઓ દેખાઈ ! એણે જોયું કે સાત આઠ ખચ્ચરો ની સાથે કેટલાક વણઝારાઓ એની તરફ આવી રહ્યા હતા. એની આંખો માં ચમક આવી અને એણે હાથ ઉંચો કરી ને એમને પોતાની તરફ આવવા ઈશારો કર્યો.

પહાડી વણઝારાઓ એ સુંગ યુન ની હાજરી પારખી ને એની દિશા માં આગળ વધ્યા. કુલ આઠ વણઝારાઓ હતા અને એ લોકો હવે કુતુહલ ભરી નજરે સુંગ યુન ને જોઈ રહ્યા હતા. એમના માં આગળ ચાલતો એક ઘરડો વણઝારો સુંગ યુન ને જોઈ ને આગળ વધ્યો અને એની સામે આવી ને ઉભો રહી ગયો. સુંગ યુને નમ્રતાપૂર્વક એની સામે મસ્તક નમાવ્યું અને બે હાથ જોડ્યા ! ઘરડા વણઝારા એ પણ થોડીક વાર એનું અવલોકન કરી ને એનું મસ્તક નમાવ્યું અને બે હાથ જોડ્યા અને એનો ખભો થપથપાવ્યો અને એના ગાલ ખેંચ્યા. સુંગ યુન ને તેનું વર્તન વિચિત્ર લાગ્યું પણ એ કઈ બોલ્યો નહિ. એણે એ વૃદ્ધ માણસ ને એના તંબુ માં આવવાનો ઈશારો કર્યો અને અંદર થી એ સાંભળી ને રાખેલું પોટલું લઇ આવ્યો અને એમાંથી એણે સમ્રાટ ના મહોર મારેલી એની યાત્રા નો પરવાનો દેખાડ્યો. એ વૃદ્ધ માણસ એ પરવાનો લઇ ને એના ટોળા માં ગયો અને એ લોકો એ કંઇક ગપશપ કરી મસલત કરી અને એ પરવાનો લઈને પાછો આવ્યો અને સુંગયુન ને પાછો આપી દીધો, હવે એના ચહેરા પર સ્મિત હતું અને આંખો માં આવકાર નો ભાવ. એણે એક પછી એક એના સાથીદારો ની મુલાકાત એની સાથે કરાવી અને સુંગ યુન સામે પ્રશ્નાર્થ રૂપે જોયું ! સુંગ યુન સમજી ગયો અને એણે એના પ્રવાસ ની શરૂઆત થી લઇ ને અહી આવી ચડ્યો એનું વર્ણન એ લોકો સમક્ષ કર્યું. વૃધ આદમી એ એના લોકો ને ફટાફટ તંબૂ ઓ બાંધવા નું અને ભોજન તૈયાર કરવા નું ફરમાન કર્યું અને એ પોતે એના તંબૂ માં આવી ને બેઠો. “તો તમે પાછળ ના રસ્તે થઇ ને અહી આવ્યા છો કેમ ?” એણે સુંગ યુન ને પૂછયું. જવાબ માં સુંગ યુને ડોકું ધુણાવી ને હા પાડી. “અશક્ય, તમે એ રસ્તે થી જ આવ્યા છો ?” વૃદ્ધ માણસે ફરીથી પૂછ્યું ! સુંગ યુન ને નવાઈ લાગી અને એણે કહ્યું કે એ જુઠું નથી બોલતો. “તમને રસ્તા માં કોઈ જટાધારી રાખોડી કલર નો લાલ આંખો વાળો ઉંચો ભય લાગે તેવો માણસ ના મળ્યો ?” એણે સુંગ યુન ની આંખો માં આંખ નાખી ને પૂછ્યું. હવે સુંગ યુન ને નવાઈ લાગી અને એને આ માણસ પાગલ લાગ્યો. છતાં પણ એણે એની ઉમર ને જોતા કઈ ના કીધું અને પાછું ડોકું ધુણાવી ને ના પાડી ! વૃદ્ધ માણસ એની સામે ટગર ટગર જોઈ રહ્યોં અને પછી એના સમાન માં થી ચલમ કાઢી ને એણે સળગાવવા માંડી પડ્યો. સુંગ યુન એ એના ભાઈ ની વાત એને કહી અને એ ઘણા વરસ થી ઘરે પાછો નથી આવ્યો એ પણ એણે કહ્યું. વૃદ્ધ માણસ એની સામે અનિમેષ નયને જોઈ રહ્યો અને પછી ઉભો થઇ ને એનો ખભો થપથપાવ્યો અને તંબૂ ની બહાર નીકળી ગયો. સુંગ યુન એને જતા જોઈ રહ્યોં અને પછી રાખોડી કલરનો ઉંચો જટાધારી ભય લાગે તેવા માણસ વિષે વિચારવા લાગ્યો ! કોણ હશે એ ? કોની વાત કરતો હશે આ વણઝારો ? અને એની સાથે મારે શું લેવાદેવા ? શું કોઈ ચોર કે લુંટારો અહી રખડતો હશે લોકો ને મારી ને લૂંટી લેવા ? કે પછી મને ભય પમાડવા આણે આવું કીધું હશે ? એના મન માં વિચારો ના વંટોળ ઉઠ્યા. એવામાં એક જુવાન વણઝારો એના તંબૂ માં આવ્યો અને એને વાળું કરવા બોલાવી ગયો. સુંગ યુન કપડા ખંખેરી ને ઉભો થયો અને તંબૂ માંથી બહાર નીકળ્યો.

(પ્રથમ ભાગ સમાપ્ત)...

***

Rate & Review

Tejal patel 2 days ago

Jignesh Garasia 3 months ago

Hiren 4 months ago

digvijaysinh jadeja 4 months ago