Ahi to laganio daav par lagi chhe books and stories free download online pdf in Gujarati

સફળતાનું કારણ ના પૂછ દોસ્ત (National Story Competition-Jan)

સફળતાનું કારણ ના પૂછ દોસ્ત,

અહીં તો લાગણીઓ દાવ પર લાગી છે....

Sandipa Thesiya

આજના સાહિત્ય અકાદમીના એવોડૅ સમારોહમાં જવા તૈયાર થઇ રહ્યા હતા તમે વાણી, ત્યાં અચાનક તમારી નજર અરીસામાં દેખાઇ રહેલાં તમારા પ્રતિબીંબ પર પડી ને તમે અટક્યાં. એમ તો ડાર્ક ઓરેંજ કલરની આ સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં તમે સોહામણાં જ લાગતા હતાં. વાળ પરની સફેદી જે પાંત્રીસીને પાર કર્યાનો અંદાજ આપી રહ્યા હતા એને તમે સિફતથી ડાઇ કરીને છુપાવ્યા હતા પણ ચહેરાનો ચાર્મ હજુ યુવાનીને વિદાઇ આપવાના મૂડમાં ન હતો. એ ખુશીમાં મનમાં જ મલકાતા મલકાતા તમે બહાર આવી ડ્રાઇવરને ગાડી કાઢવાની સૂચના આપી અને સાડીને સંભાળતા તમે તમારી હમણા જ લીધેલી નવી કારમાં નીકળી પડ્યાં.

આજે બહુ ખૂશ હતા તમે વાણી ભારદ્રાજ, ગાડીની બહાર વરસી રહેલો વરસાદ જાણે તમને અભિનંદન આપી રહ્યો હતો કેમ કે તમારી વર્ષોની મહેનત અને તપસ્રયા આજે રંગ લાવી હતી. લેખન તમારો શોખ હતો અને એને જ પ્રોફેશન બનાવવાનું નક્કી તમે કોલેજમાં આવ્યાના ફસ્ટૅ યરમાં જ કરી લીધું હતું. કોલેજના મેગેઝીનમાં લખવાથી શરૂ થયેલી તમારી સફર આજ સુધી અટકી જ નથી. મહિલા સશક્તિકરણ પરના તમારા લેખોએ જ તો તમે જે મેગેઝીનમાં લખતા હતા તેને મોસ્ટ સેલેબલ મેગેઝીન બનાવી દીધી હતી. સ્ત્રી માટેના શિક્ષણ, સ્વાતંત્ર્ય, અત્યાચાર, હકો અને ભેદભાવ પરના તમારા લેખો અને એમાં વાપરેલી તમારી જલદ ભાષાએ સ્ત્રીઓને તો ઠીક પુરૂષોને પણ તમારા ફૅન બનાવ્યા છે. એ પછી તો છપાયેલી તમારી 2 બેસ્ટ સેલર બૂક, બ્લોગ અને વિવિધ સેમીનારોમાં અપાતા તમારા લેક્ચર્સ, આ બધુ તમારી પ્રખ્યાતિમાં વધારો કરતું જ ગયું અને આજે એ બધા પરીશ્રમનું ફળ મળવા જઇ રહ્યુ છે ત્યારે તમે સાતમા આસમાન પર છો. જોકે એ ખુશી વહેંચવા માટે હમણા તમારી જોડે કોઇ નથી તેનો પણ રંજ તમને થયા કરે છે રહી રહી ને. એકલા આગળ વધવા તમે ટેવાયેલા છો, ને એટલે જ કેટ્કેટ્લાય સંબંધો ના સાથ છોડીને અહીં સુધી આવ્યા અને એમાં પણ...

ડ્રાઇવરે ગાડીને બ્રેક લગાવતા જ તમારા વિચારોની હારમાળા તૂટી. “સૃજન ભવન” કે જ્યાં આ ફંક્શન થવા જઇ રહ્યું હતુ એની બહાર ભીડ જામી હતી. કારની બહાર નીકળતા જ લોકોનું ટોળું તમને વીંટળાઇ વળ્યું. એકબાજુ જુદી જુદી ચેનલ્સના રીપોટર્સ તમારા પર સવાલોની ઝડી વરસાવી રહ્યા હતા તો બીજી બાજુ તમારા ફૅંન્સ તમારા ઑટૉગ્રાફ અને તમારી સાથેના સૅલ્ફી માટે પડાપડી કરી રહ્યા હતા. તમે હસીને બધાને રિસ્પોંસ આપવામાં વ્યસ્ત બન્યા અને એમાં અચાનક-

“વાણીજી, ઑટૉગ્રાફ પ્લીઝ”

તમે જોયું તો એક પાતળી પણ મજબૂત બાંધાની, પ્રમાણમાં સુંદર કહેવાય એવી યુવતી ભીડમાંથી નીકળીને તમારી નજીક આવી પહોંચી.

“હા, સ્યોર” કહેતા તમે એણે આગળ કરેલી ડાયરીને હાથમાં લીધી, પણ કંઇક જાણીતી હોવાનું લાગતા એના કવરને જોવાની કુતુહલતા તમે રોકી ન શક્યા.

અસંખ્ય મોરપીંછ અને રંગબેરંગી છીપલાઓથી મઢેલું એનું કવર અને વચ્ચે બ્લુ રિબિનથી લખેલું નામ “શબ્દ”- આ જોતા જ જાણે રોમ રોમમાં કંપારી છૂટી ગઇ. આ તો.. આ તો એજ ડાયરી જે તમે શબ્દને એના 22 મી બર્થ ડેટ પર આપી હતી પણ આ અહીંયા? તમે અસંમજસ ભરી નજરે પેલી યુવતી સામે જોયું અને તમારા મોં માંથી સરી પડ્યું: “ આ ડાયરી?”

“ગમી તમને વાણીજી?? મારા હસબંડની છે આ તો. એમની ફેવરીટ. એ પણ છે અહિંયા. એક મિનીટ” કહેતા એણે “શબ્દ” ના નામની બૂમ પાડી અને તમારા પગ નીચેની જમીન ધીરે ધીરે ખસી રહી હોય એવું લાગ્યું વાણી.

દૂરથી આવી રહેલી એ આકૃતિને તમે જોતા જ રહી ગયા. આ તો શબ્દ, પહેલા જેવો જ લાગતો હતો હજુ પણ.. એજ ચાલ, એવા જ વાંકડીયા વાળ, નિર્દોષ ભાવવાહી આંખો ને ભોળો ચહેરો બસ ચહેરા પર થોડી કરચલીઓ અને સફેદ વાળ સમયના થપાટની હાજરી પૂરાવતા હતા.

“શબ્દ” તમે મનમાં જ બબડ્યા પણ ધારવા છતાં પણ આગળ ન વધી શક્યા. શબ્દ એ નજીક આવતા જ “નમસ્કાર” ની ઔપચારીકતા નિભાવી પણ તમારામાં તો એ પણ બોલવાની તાકાત ન હતી.

“વાણીજી આ છે મારા હસબંડ શબ્દ... એમ તો એ પણ તમારા બહુ મોટા ફૅન, તમે લખેલા આર્ટીકલ સાચવી રાખવાની એમની ટેવ. આજે તમને મળવાનો મોકો હતો અને ખબર નહી કેમ ના ના કહ્યા કરતા હતા, પણ હું જ ખેંચી લાવી એમને. એમ તો મારો દીકરો વેદ પણ મળવા માંગતો હતો તમને પણ... “

”દીકરો??” તમારા મોં માંથી સરી પડ્યું વાણી.

“હા, અમારો દીકરો વેદ, એમ તો 9મી માં છે હજું, પણ બહું જ હોંશીયાર, આજે એનાથી અવાયું નથી નહીં તો મળી ને ખુશ થતે એ પણ.”

”ઓહ્હ, ઓકે, બહુ નાની ને હેપી ફેમીલી છે તમારી, નામ શું કહ્યું તમે?”

” જી, વાચા, મારા શબ્દની વાચા” એણે શબ્દનો હાથ પકડતા કહ્યું વાણી ને જાણે જખ્મો પર કોઇ એ મીઠું ભભરાવ્યાનો અહેસાસ થયો તમને. ડાયરીમાં પોતાનો ઑટૉગ્રાફ આપતા હાથ ધ્રુજી રહ્યા હતા તમારા જાણે કે જીવનના કોરા રહી ગયેલા પાનામાં પોતાની જ ભૂલના એકરારનામા પર આજે તમે હસ્તાક્ષર કરી રહ્યા છો. હા, પોતાની જ ભૂલ પોતાના એકલવાયા જીવન માટે.

આંખમાં અચાનક છવાઇ ગયેલી માયુસીના પડછાયા કોઇ જોઇ ના જાય એટલે ઝડપથી તમે અંદર ચાલ્યા ગયા વાણી, પણ એમ કંઇ ભૂતકાળની યાદો પીછો મૂકે તો માનવજાત આજ કરતા બહુ સુખી હોત. આજે તમે ફરી 12 વરસ જૂની યાદોના સિકંજામાં અટવાઇ ગયા. પળવારમાં જે ખુશીને બાહોંમાં સમાવી લેવા તમે આજે અહીં આવ્યા હતા તે તમને હવે મામૂલી લાગવા માંડી હતી. ઓર્ગેનાઇઝરનું અભિવાદન ઝીલી તમે ચુપચાપ પહેલી હરોળમાં ગોઠવાયા અલબત પોતાના વિચારો સાથે જ.

શબ્દ સાથે કોલેજમાં થયેલી તમારી દોસ્તી. એનો મિલનસાર સ્વભાવ, સાદગીનો પર્યાય અને લેખન માટેના મળતા આવતા શોખ, આ બધુ તમને એમના તરફ આકર્ષિત કરતું ગયું પણ એક હકીકત તો તમે પણ જાણતા હતા કે અજાણતા જ આગળ આવી ગયેલા આ રાહ પર તમે કેટલું ચાલસો એ નક્કી નહી અને એટલે જ,

”વાણી, ઘણી વાર શબ્દો મૌન થઇ જાય તો પણ ઘણું બધુ બોલાઇ જતું હોય છે, જેવું મેં તારી આંખોમાં વાંચ્યું છે આજે એવું જ કંઇક કહેવા માંગું છું. વાણી, આ શબ્દ વાણીને ઝંખે છે, એના સાથને ઝંખે છે. મારા પ્રેમને સ્વીકારી મારા જીવનને બોલતું કરી દે.” શબ્દનો એક એક શબ્દ એના હ્રદયનો અવાજ હતો જાણે. તમે એજ ઇચ્છતા હતા વાણી, પણ તમારી મંઝીલના રસ્તામાં આવતી દરેક ખૂશી સાથે તમે હંમેશા સમાધાન કર્યું છે ને આજે પણ તમે આવું જ કર્યું કંઇક.

“શબ્દ, હું જાણું છું તારી લાગણીઓને, હું પણ કંઇક આવું જ ફીલ કરું છું પણ હું આવી સામાન્ય જીંદગી જીવવા નથી માંગતી. મારા પોતાના સપના છે, પોતાના રસ્તાઓ છે. હું નોર્મલ ઘરેડમાં ગોઠવાઇને ગુંગળાવા નહી માંગતી, પ્લીઝ, સમજ મને”

“પણ હું તને તારા સપનાઓથી દૂર નહી કરું, સાથે મળીને એને પૂરા કરીશું, વાણી” એ તમને સમજાવતો રહ્યો અને તમે દીલ પર પથ્થર મૂકીને પોતાના સપનાઓ માટે આગળ વધ્યા, જોકે શબ્દની યાદોંને તમે દિલમાંથી વિદાય તો આપી જ નહોતી.

મોબાઇલમાં મેસેજનો ટૉન વાગતા તમે ચમક્યાં વાણી. અજાણ્યા નંબર પરથી આવેલો એ મેસેજ ખોલતાં જ- “વાણી, આજના આ પુરસ્કાર માટે દિલથી અભિનંદન. ખૂબ આનંદ થાય છે કે આખરે તે તારા સપનાઓને પૂરા કર્યાં. જે થતુ હોય છે તે સારુ જ હોય છે કદાચ. તું મારી સાથેની સામાન્ય લાઇફમાં ગોઠવાઇ નહી શક્તે. મેં પણ તારી યાદોંને હ્રદયમાં સંઘરીને વાચા સાથે પોતાનું જીવન શરૂ કરેલું. સામાન્ય છોકરી છે વાચા, પણ એણે મારા જીવનમાં ઘણા રંગો ભરી દીધા અજાણતા જ. આજે તો વાચા અને વેદ જ મારુ જીવન છે. બસ. આ પળને વધાવી લેજે વાણી, મનમાં કોઇ દુ:ખ વગર” – શબ્દ.

ફરી ફરીને વાંચી ગયા તમે એ મેસેજ વાણી, આંખોમાંથી આંસૂ ગાલ પર આવી ગયા એની ખબર વગર જ. આ શું હતુ? મારી સિધ્ધી કે મારી હાર. ભાગતા ભાગતા આખરે હાથમાં કંઇ જ ના હોવાનો આ કેવો અહેસાસ!!!! ઉફ્ફ.. વિચારોમાં સરી પડો એ પહેલા તમારૂ નામ એનાઉંસ થયું વાણી અને તમે પોતાના આ સન્માનને સ્વીકારવા સ્ટેજ તરફ જવા આગળ વધ્યા.

“સ્ત્રી-જગતને નવી નજરથી જોવા આપણને મજબૂર કરનાર વાણી ભારદ્વાજ આજે આપણી સમક્ષ છે મિત્રો, હું રિક્વેસ્ટ કરીશ એમને કે આજના દિવસની એમની ખૂશી આપણી સાથે શૅર કરે અને પોતાના વિચારોને રજૂ કરે, પ્લીઝ વાણીજી” પારિતોષિકના સન્માન પછી એન્કરની રિક્વેસ્ટ પર તમે માઇક હાથમાં લીધું ન ચાહવા છતાં અને એક નજર ઓડીયન્સમાં બેઠેલા શબ્દ પર નાંખી.

“થેંક્યું માય ડીયર ફ્રેંડસ, હું આજે જે કંઇ પણ છું તે માત્ર તમારા પ્રેમને કારણે જ છું. થેંક્યું ફોર એવરીથીંગં. આજના આ પળ માટે મેં ઘણી રાહ જોઇ છે, ઘણી મહેનત અને ઘણો પરિશ્રમ, પણ મિત્રો હું આજે આ મારી સક્સેસ સ્ટોરી પર વાત કરવા નથી માંગતી, જોકે વિચારેલુ ઘણું પણ સક્સેસનો અર્થ આજે થોડો અલગ રીતે મહેસુસ કર્યો છે મેં. મંઝીલની તરફ આગળ વધવામાં ઘણી વાર આપણે મહત્વના સંબંધોને મૂકી દેતા હોઇએ છીએ. ત્યારે અંદાજો નહી હોતો આપણે શું ગુમાવ્યું, પણ આજે આ સ્થાન પર પહોંચ્યા પછી સમજાય છે કે મંઝીલ પર વાણી તો રહી ગયી પણ એના શબ્દો ખોવાઇ ગયા છે, આજે ચાહવા છતાં પણ એ પાછા નથી મળી શકવાના. એ જ અનુભવું છું આજે કે સાચી સફળતા સંબંધોને સાચવવામાં અને એનાથી મળતા સંતોષમાં છે, એના વગર માણસ એકલો રહી જાય છે એટલો કે એની સફળતાને માણવા પણ એની જોડે કોઇ નથી હોતું. લાઇફના આ નિયમો શીખી લેજો મિત્રો નહી તો એકલતા ના અંધારા તળે દબાઇ જવું પડશે, કોઇના સાથ વગર, કોઇ ના હાથ વગર”

આટલું કહીને ઝડપભેર તમે સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા વાણી, ત્યાં બેઠેલા બધા માટે તમારું આ રિએક્શન અજીબ જ હતું. એટલે જ પત્રકારો તમારી પાછળ દોડ્યા તમારી કાર સુધી એ પુછવા કે શું તમારી લાઇફમાં પણ કોઇ હતું જેને તમે રિજેક્ટ કરેલા, પણ ત્યાં સુધીમાં તમે તમારી કારમાં બેસીને નીકળી ગયા, હાથમાં સફળતાની ટ્રોફી અને આંખોમાં એકલતાના આંસુ સાથે.

***