આત્માના અંતિમ સસ્કાર - 3

પ્રોફેસર સિન્હા - “ શું કૃષ્ણ આ ધરતી પર વિહરતા હતા, શું બુદ્ધા નું અસ્તિત્વ હતું, શું રામ નો જનમ અહી થયો હતો, શું શિવજી અહી નૃત્ય કરતા હતા? જ્યાં સુધી તમને જવાબ હા માં ના મળે કોઈ પ્રૂફ સાથે તો પછી તમે તેને અવગણી કેમ શકો ? કેમ કે તમને એના જવાબો શોધવાનો કોઈ રસ્તો નથી મળતો ? કેમ કે તમને લાગે છે કે એ કોઈ ઋષિ મુની એ ભાવાવેશ માં આવી ને લખેલી કપોળ કલ્પિત વાર્તાઓ છે ? સમાજ માં ધર્મ ના નામે ફેલાયેલી અફવાઓ માત્ર છે ? પોતાના આરાધ્ય દેવો ને સર્વપરી સ્થાપિત કરવા નું ષડયંત્ર છે ?” પ્રોફેસર ની આંખો માં ખુન્નસ ઉતરી આવ્યું અને અવાજ ધારદાર થઇ ગયો. “આંખો ખોલવાનો સમય પાકી ગયો છે બેટા, કોઈ નું કીધેલું કે સમાજ નાં એક વર્ગ દ્વારા માન્યતા પામેલું અને છપાયેલું જ માનવાનું છોડી દો, મન ને છુટું મૂકી દો અને એને જાતે એનો માર્ગ શોધવાનો એક મોકો આપો. સત્ય કદી કોઈ એક સ્થૂળ વસ્તુ નથી કે જે ખોવાઈ જાય અને પછી આપણે એને શોધી શકીએ, સત્ય આપણી અંદર હોય છે, બસ એને સમજવાનું અને પામવાનું જ બાકી હોય છે, જે લોકો એને સમજી શકે છે એ લોકો એને પામવાની દરકાર નથી કરતા અને જે લોકો એને પામી લે છે એને સમજવાની કે સમજાવવાની દરકાર નથી કરતા, જે એ બંને ને સાથે રાખી ને સત્ય નો આદર કરે છે એ જ લોકો ને એના સાક્ષાત્કાર થાય છે. ગમે તેવા ડીજીટલ કેમેરા આવે કે એક્સરે મશીન આવે પણ શું આપણે આત્મા નો ફોટો પાડી શકી એ છીએ ? શું આપણે એને સ્કેન કરી ને આપણા કમ્પુટર નાં ડેસ્કટોપ કર મૂકી શકી એ છીએ ? આત્મા ને સમજો, પામો અને પછી એને અનુભવો તો આ બધું કઈ કરવાની જરૂર નથી, બસ એ આપોઆપ જ આપણા મન નાં ડેસ્કટોપ પર સંઘરાઈ જાય છે.” બધુજ સુક્ષ્મ હોવું, સ્થૂળ હોવું જરૂરી નથી, અલૌકિક અગોચરી અવર્ણનીય અદભૂત્ત અવિસ્મરણીય અમાપ આવિષ્કારિક અદ્વિતીય પણ હોય છે અને એનો મુગ્ધ થઇ ને આનંદ માણવો એ જ એની હાજરી છાતી કરતો પુરાવો હોય છે.”

આત્મા ના અંતિમ સંસ્કાર – ૩

એણે વેધક નજરે ઠીંગણા સીબ્બુ તરફ જોયું ! એ માથું નીચું રાખી ને ઉભો હતો ! એની આંખો માંથી આગ ઝરતી હતી ! “શું કામ એને માર્યો તમે લોકોએ” ? એનો ઘેરો પહાડી અવાજ જાણેકે ગર્જના થઇ હોય એમ આવ્યો. “કઈ ખબર પડે છે કે એ કોણ છે ? એને કૈંક થશે તો પોલીસ અને આર્મી બંને આપણી પાછળ પડી જશે !”

“સોરી બોસ” ! સીબ્બુએ નીચું જોઈ ને હોઠ ફફડાવ્યા ! “એ બારી માંથી જોતો હશે એવું મારા માણસોને લાગ્યું એટલે એને પાડી દીધો ! હવે પછી આવી ભૂલ નહિ થાય ! મને તો પાછળથી ખબર પડી કે એ વિરાટ શર્મા છે, કેપ્ટન સમરનો નાનો ભાઈ, અને આપણી હોટલમાજ રોકાયેલો છે. હું જ એને શહેર ફેરવવા લઇ ગયેલો”

સીબ્બુ એ નખ ચાવતા ચાવતા જવાબ આપ્યો. વેધક આંખો વધારે મોટી થઇ અને એણે સુચક રીતે સીબ્બુ સામે જોયું, સીબ્બુ ની આંખો માં ભય છવાઈ ગયો, એણે લાચાર નજરે જોયું પણ સામે બેઠેલી ભયાનક આંખો વધારે મોટી થઇ ગઈ. સીબ્બુ સમજી ગયો હોય એમ એણે માથું ધુણાવ્યું. સીબ્બુએ ગળામાં રહેલું માદળિયું તોડી ને ઝડપથી એની બાજુમાં રહેલા વ્યક્તિ ને પકડાવી દીધું. “મારા ઘેર આપી દેજે અને મારા ફેમીલીનું ધ્યાન રાખજે”. એની આંખોમાં લાચારી હતી.

વેધક આંખે અચાનક ભરાવદાર અવાજ માં શિવ સ્તુતિ ગાવા નું શરુ કર્યું. બાકી રહેલા એના માણસો પણ ત્યાંથી નીકળી ગયા. કમરા માં અંધારું છવાઈ ગયું. એણે વચ્ચે પડેલ અગ્નિકુંડ માં અગ્નિ પ્રજ્જ્વાલ્લિત કર્યો અને એમાં કૈક નાખ્યું. અચાનક અગ્નીનો મોટો ભડકો થયો અને ચારેકોર ધુમાડો છવાઈ ગયો. એણે મોટા મોટા અવાજે શિવ સ્તુતિ ગાવા નું શરુ કર્યું અને અચાનક ઉભા થઇ ને એક હાથ માં ડમરૂ લીધું અને બીજા હાથ માં ત્રિશુલ લઇ ને નાચવાનું શરુ કર્યું. દૂર થી અગ્નિની જવાળાઓ વચ્ચે ગાતી અને નાચતી એની આકૃતિ અત્યંત ભયાવહ લગતી હતી. સીબ્બુ જાણેકે કોઈના વશમાં હોય એમ ધુણવા લાગ્યો. ધૂણતા ધૂણતા એ નીચે સુઈ ગયો.

અગ્નિની જવાળાઓ માં નીચે પડેલા લોહી નીગળતા સીબ્બુની ઠીંગણી આકૃતિ બિહામણી લાગતી હતી. એના ડોળા ફાટીને બહાર આવી ગયા હતા. એની છાતી માં ખુપેલું ત્રિશુલ ભયાનકતા માં વધારો કરતુ હતું.

“કેમ છે હવે” ? યુવા હાથ માં સફરજનના ટુકડા કાપેલી પ્લેટ લઇ ને આવી.

યુવાએ બોટલ ગ્રીન કલર નું ટોપ અને ક્રીમ કલર નું પેન્ટ પહેરેલું હતું. આંખો માં ઉજાગરો ડોકાતો હતો. અત્યારે આવી સ્થિતિમાં પણ એ અત્યંત મોહક લાગી રહી હતી.

“સારું છે, ઝીણો તાવ છે.” મેં બેઠા થતા કહ્યું. “યુવા, આ બધું રહસ્યમય છે, મને અહી કોણ મારવાવાળું નીકળ્યું? મને કઈ સમજાતું નથી !”

યુવા ની આંખો માં ચિંતા આવી ગઈ, એની સુંદર મોટી મોટી આંખો વધારે મોટી થઇ અને એમાં રહેલી ભીનાશ હમણાં જાણે કે બહાર આંસુ ના રૂપે આવી જશે એવું લાગવા મંડ્યું. “વિરાટ, તું પ્લીઝ શાંતિ રાખજે, પાપા ગયા છે પોલીસ સ્ટેશન, એ ફરિયાદ લખાવશે, અને હવે તું જીદ છોડીને અમારે ત્યાં રહેવા આવી જા”. યુવા એ આજીજી કરી. એને ખબર હતી કે હું ગમે તેમ કરીને મારા પર હુમલો કરવાવાળા ને નહિ છોડું. એ મારી આંખો માં રહેલા રોષ ને વાંચી શકતી હતી.

“સમર નો કોઈ પત્તો નથી અને હવે હું તને પણ ખોવા નથી માંગતી વિરાટ, તું પ્લીઝ મારી જોડે ચાલ ઘરે” યુવાએ આદેશાત્મક ભાવે મને વિનંતી કરી. એને ખબર હતી કે હું એને નાં નહિ પાડી શકું.

“યુવા”, મેં એનો હાથ પકડી ને એને મારી પથારી ની બાજુ માં બેસાડી. “તું મારી ચિંતા ના કર, હું આવું છું ઘેર બસ ? અને સમર જ્યાં પણ હશે એની પણ ચિંતા ના કર. તું જાણે છે ને એને ? એ પથ્થર ફોડી ને પાણી કાઢે એવો છે. એકલા હાથે દસ દસ ને પહોંચીવળે એમ છે. આપણે ચોક્કસ એને શોધી કાઢીશું.”

યુવા એ હસી ને મારી સામે જોયું, એની ચમકતી આંખો માં આશાનું કિરણ ફૂટી નીકળ્યું અને એણે એક સફરજનનો ટુકડો મારા મોઢા માં નાખી દીધો.

યુવા બાજુના ખાટલામાં આંખો મીચી ને બેસી ગઈ અને કેપ્ટન સમર ના વિચારો માં ખોવાઈ ગઈ “કેવા મધુર દિવસો હતા એ !” એને પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ !

સમર ટ્રેનમાંથી નીચે ઉતર્યો, સાથે લાવેલો થેલો એણે જમીન પર નાખ્યો અને પેન્ટના ખીસામાંથી ફ્લાસ્ક કાઢી ને બકાર્ડી નો ઘૂંટડો ભર્યો ! આખું પ્લેટફોર્મ ખાલી હતું, દુર એક કુતરું હાંફતું હાંફતું બેઠું હતું. થોડાક કુલીઓ એક ખૂણામાં બેઠા બેઠા ચલમ પીતા હતા. અચાનક એને લાગ્યું કે કોઈ એના શર્ટ ને ખેંચી રહ્યું છે ! એણે નીચે જોયું તો એક નાનો બાળક એના શર્ટ ને પકડી ને ઉભો હતો ! સમરે વહાલથી એની તરફ જોયું અને એને ઊંચકી લીધો. સાડા છ ફીટ ઊંચા સમરે એને ખભે બેસાડી દીધો અને આજુબાજુ નજર નાખી. પ્લેટફોર્મ ના કિનારા પર થોડે દૂર બે ચાર સ્ત્રીઓ બેઠી હતી. એ બાળક ને લઇને ત્યાં ગયો. એમાંથી એક સ્ત્રી ઉભી થઇ ને ઝંખાવતા એની પાસે આવી. બાળક ખીલખીલ હસી પડ્યું. સમરે એને ઊંચકી ને એ સ્ત્રી ના હાથ માં સોંપી દીધો અને બાળકના ગાલ પર વહાલ કરી ને ખીસામાંથી એક ચોકલેટ કાઢી ને એને આપી દીધી. એ સ્ત્રીએ સમર ના હાથ માં તાજી બનાવેલી લસણની ચટણી ચોપડેલો જુવાર નો રોટલો પકડાવી દીધો. સમરે એને થોડા રૂપિયા આપ્યા અને ખાતા ખાતા સ્ટેશનની બહાર આવેલા રોડ તરફ ચાલવા મંડ્યું.

એ સ્ટેશનથી હવે ઘણો દૂર આવી ગયો હતો અને એક નાના ધૂળીયા રસ્તા પર ચાલતો જતો હતો.

અચાનક એના પગ થંભી ગયા, એને જોર જોર થી કોઈ ની બુમો સંભળાઈ. આર્મી માં ટ્રેનીંગ પામેલા એના કાન અને એની છઠી ઇન્દ્રિયએ એને સજાગ કરી દીધો. એ અવાજ ની દિશા માં એનો થેલો નીચે નાખી ને દોડ્યો.

થોડેક દુર સુધી દોડ્યા બાદ એણે જોયું કે દૂર એક ઝાડ નીચે બે ત્રણ જણા કોઈ ને ઘેરી ને ઉભા હતા અને જોર જોર થી હસતા હતા ! દૂરથી કોઈ ખાખી પેન્ટ અને એવુજ શર્ટ પહેરેલું લાંબા વાળવાળું વ્યક્તિ એને દેખાયું ! એ હજુ કઈ વિચારે એ પહેલાજ ધૂળની ડમરી ઉઠી અને એ વ્યક્તિએ જોરથી ચીસ પાડી ને સામે ઉભેલા ને મોઢા પર એક જોરદાર કિક મારી ! હાસ્ય થંભી ગયું અને એ ઘાયલ વ્યક્તિ ચીસો પાડતો નીચે પડી ગયો. એક બીજા એ એને પાછળ થી પકડવાનો પ્રયાસ કર્યો પણ એ વ્યક્તિએ એનું માથું પકડીને એને ખભા પરથી ઊંચકીને નીચે પછાડી દીધો ! અચાનક ત્રીજા વ્યક્તિ એ જોર થી હાથમાં રહેલી લાકડી ફટકારી અને એક કારમી ચીસ સાથે એ વ્યક્તિ ઉંધા માથે નીચે પડી ગઈ !

ત્યાં સુધીમાં સમર ત્યાં પહોંચી ગયો હતો. એણે લાકડી પકડેલી વ્યક્તિ ને પડકાર્યો ! સમરનું કસાયેલું શરીરસૌષ્ઠવ, ઉંચાઈ અને આંખો માં રહેલી વેધકતા ને જોઈ ને એ વ્યક્તિ ડરી ગયો અને લાકડી નીચે ફેંકી ને ભાગવા માંડયો. સમરે અતિ ભયાનક વેગે દોડીને એના ઉપર ડાઈ મારી. એ નીચે પછડાયો અને સમર એના પર ચડી ને બેસી ગયો. એણે એના વાળ પકડી ને એનું માથું નીચે જમીન પર પછાડ્યું. થોડું તરફડીને એ શાંત થઇ ગયો.

સમર ઉભો થયો અને બીજા ઘાયલ થયેલા વ્યકિતઓ તરફ ગયો અને એણે જોયું કે એમાંનો એક આંખ પર હાથ દબાવીને કણસતો હતો, એની આંખમાંથી લોહી નો ફુવારો નીકળતો હતો. બીજો અચેતન ત્યાંજ પડ્યો હતો. એનું ડોકું એક તરફ વિચિત્ર રીતે વળી ગયું હતું અને આંખો ફાટી ગઈ હતી. સમરે ઉંધી પડેલી વ્યક્તિ તરફ ધ્યાન દોર્યું. એ નીચે બેઠો અને કમરેથી એને સીધી કરી અને એની આંખો પહોળી થઇ ગઈ !

એ કોઈ યુવતી હતી ! એના કપાળમાંથી લોહી નીકળતું હતું અને એના સુંદર વાળમાં ચોંટી ગયું હતું. એના કપાળ પર નાનકડું ત્રિશુલ દોરેલું હતું. એની મોટી મોટી બદામ જેવી આંખો બંધ હતી અને એ ધીરે ધીરે શ્વાસ લેતી હતી. એનું નાક લાંબુ અને પાતળું હતું, એના પરવાળા જેવા હોઠ અને લાંબી ગરદન સામે સમર જોઈ રહ્યોં. એની છાતી ધમણ ની જેમ ઉપર નીચે થતી હતી. એણે આટલી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નહોતી. એ પાછો એના થેલા તરફ પાણી લેવા દોડ્યો.

એણે થોડા પાણીના છાંટા એના પર નાખ્યા. એ યુવતીએ થોડો સળવળાટ કર્યો અને આંખો ખોલી ! એની મોટી મોટી આંખો માં સમર મટકું માર્યા વગર જોઈજ રહ્યો ! આટલી સુંદર આંખો?

અચાનક એ યુવતીએ જોર થી ચીસ પાડી ને સમર ના ચેહરા પર એક લાફો મારી દીધો ! અચાનક થયેલા હુમલાથી સમર થોડો પાછો હટી ગયો પણ એના કસાયેલા શરીર ને એટલા પ્રહાર થી કઈજ થાય એમ નહોતું ! એ યુવતી ચપળતાથી ઉભી થઇ ગઈ અને ફરીથી ચીસ પાડી ને ગોળ ફરીને સમર ને મોઢા પર કિક મારી. સમર સાવધ હતો એણે એનો હાથ વચ્ચે લાવી દીધો અને પ્રહાર રોક્યો. એ યુવતી ના પ્રહાર ને લઈને ફરીથી થોડો હલબલી ગયો હતો. એને એ યુવતી ના પ્રહાર માં રહેલા ફોર્સને લઈને આશ્ચર્ય થયું.

એ યુવતી ફરીથી પ્રહાર કરવા ગઈ પણ એ સાવધ હતો, એણે નીચા વળીને કમરેથી પકડી ને એને નીચે પાડી દીધી અને એના બે હાથ પકડી ને જમીન સરસા દબાવી દીધા. જોર થી હાંફતી એ યુવતી ની મોટી મોટી આંખોમાંથી અંગારાઓ વરસી રહ્યા હતા અને એ છટપટતી સમરના બંધનોમાંથી મુક્ત થવા મરણીયો પ્રયાસ કરી રહી હતી. અચાનક એણે સુતા સુતા એનો ડાબો પગ ઉંચો કરીને એની ઉપર બેઠેલા સમરના માથા પર પાછળ જોરદાર પ્રહાર કર્યો. સમર લથડ્યો અને એટલી વાર માં ચપળતાથી એ યુવતી સરકી ને એની બાજુમાંથી છટકી ગઈ.

યુવા મનમાં હંસી પડી. “કેવી બુધ્ધુ હતી હું ! બિચારાએ મારી મદદ કરવાનો પ્રયાસ કર્યો પણ મને શું ખબર કે એ કોણ છે?” એણે ફરીથી એ દ્રશ્ય તાદશ કર્યું.

હું હાંફતી હાંફતી ઉભી થઇ અને મેં જોયું કે એક વિશાળ ઉંચો આદમી એનું માથું પકડી ને નીચે પડ્યો હતો. સાલું લગભગ સાડા છ ફિટ નો કસાયેલો પહેલોવાન જેવો એ નીચે ધૂળ માં પડ્યો હતો. મારી બધી ટ્રેનીગ મેં દાવ પર લગાડી દીધી હતી, મને ઇઝરાઇલમાં દાવપેચ શીખડાવનાર મારા ગુરુ રબ્બી અકીવા ના કસમ, આટલા જોરથી કરેલો પ્રહાર ખાઈ ને પણ એ આદમી શાંતિથી ઉભો થઇ ને મારી સામે ઉભો હતો. મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. મને શરમ આવી, હું યુવા સિન્હા, ૧૨ વર્ષોથી અકીવાની ફેવરીટ વિદ્યાર્થી, મારી આખી ઝીંદગી મેં માર્શલ આર્ટની ટ્રેનીગ લેવા માં ગાળી અને મારાથી એક માણસ પણ પરાજિત નથી થઇ શકતો ? હવે મને ભયાનક ગુસ્સો આવ્યો, મારું સ્વમાન અને મારી વર્ષો ની તપસ્યા દાવ પર લાગી હતી, મેં ફરીથી એક જોરથી ત્રાડ પાડી ને ઉભો થતા એ પહેલવાન જેવા વ્યક્તિ પર હવામાં ઉછળીને મારા ડાબા પગ થી એની છાતી પર જોરદાર કિક મારી !

એ સાવધ હતો, એણે બાજુ માં ડાઈવ મારી ને ચીતા જેવી ચપળતાથી મારી કિક ચૂકવી દીધી. “સ્ટોપ ઈટ, વિલ યુ”? એણે ગુસ્સાથી બુમ પાડી અને હું ઉભી રહી ગઈ ! “મેડમ, હું તમને મદદ કરવા આવ્યો હતો, નહિ કે નુકસાન પહોંચાડવા, મેં દૂર થી તમને ઘેરીને આ લોકો ને જોયા અને હું દોડી ને હેલ્પ કરવા આવ્યો હતો, નહિ કે તમારા લાફા અને લાતો ખાવા” એ ગુસ્સાથી બોલ્યો !

હવે મેં એની સામે સરખી રીતે જોયું ! ડાબી બાજુ પાડેલી પાંથી માં એના આર્મી કટ વાળ, પાતળી મુછો, પહોળા ખભા, ઘઉંવર્ણો વાન, પાણીદાર આંખો, લાંબી ગરદન અને ગળા માં ઉપસી આવેલું નાનું હાડકું, હું જોતી જ રહી ગઈ, જાણે કે ગ્રીક દંતકથાઓમાંથી કોઈ પાત્ર સીધું ઉતરીને મારી સામે ઉભું રહી ગયું હતું ! મારી ભીતર કૈંક સળવળાટ થયો. મેં એને ક્યાંક પહેલા જોયો હોય એવું લાગ્યું પણ યાદ ના આવ્યું.

એણે એનો દૂર પડેલો થેલો ઉપાડ્યો અને ચાલવા મંડ્યું ! થોડી વાર તો હું જોતી જ રહી ગઈ અને પછી મેં એની પાછળ દોટ મૂકી !

“હેય મિસ્ટર, પ્લીઝ ઉભા રહો, આઈ એમ સોરી, મને ગુસ્સામાં ખબર ના પડી કે તમે કોણ છો, પ્લીઝ ઉભા રહો,” મેં એની પાછળ દોડતા દોડતા બુમ પાડી ને વિનંતી કરી. હું હજુ યાદ કરવા મથતી હતી કે એને મેં ક્યાં જોયો હતો.

એણે રોકાયા વગર ચાલે રાખ્યું ! મને ગુસ્સો તો બહુ આવ્યો પણ સાલો ખડૂસ ઉભો જ નહોતો રહેતો ! મેં છેલ્લો દાવ અજમાવ્યો “આ ખૂંખાર ગુંડાઓ ની વચ્ચે એક સ્ત્રી ને છોડીને જતા શરમ નથી આવતી, એટલીસ્ટ મારી મદદ તો કરો” મેં લુચ્ચાઈ વાપરી.

“હા હા હા” એ હસી પડ્યો, “ઓ મેડમ, પ્લીઝ હવે, મેં જોયું કે તમે કેવી રીતે એમને ઠેકાણે પાડ્યા, અને તમારા પ્રહાર મેં પણ ખમ્યા છે. આમાંથી કોઈ ઉભુ પણ થાય એમ નથી. ઝીન્દગીમાં આટલી ચપળતા અને ખુન્ન્નસ મેં ક્યાય જોયું નથી. તમે એક વેલ ટ્રેઇન્ડ માર્શલઆર્ટ માસ્ટર છો, મારી મદદ ની તમારે કોઈ જરૂર નથી” એ ખડૂસ સાલો ભાવ ખાતો હતો. હવે હું ઉભી રહી ગઈ અને ત્યાં રસ્તાની બાજુમાં એક પથરાની ઉપર બેસી ગઈ. મને સખ્ખત તરસ લાગી હતી. મારા માથામાંથી નીકળતું લોહી જામી ગયું હતું અને મને થોડું થોડું દુખી રહ્યું હતું. મેં ફરીથી એની દિશા માં જોયું પણ એ દેખાતો બંધ થઇ ગયેલો.

અચાનક મારી પાસે જોરદાર બ્રેક ની ચિચિયારી સંભળાઈ, મેં ઉપર જોયું તો એક કાળી એમ્બેસેડર કાર આવી ને મારી પાસે ઉભી રહી. પાપા અને વખતસિંગ એમાંથી ઉતરીને મારી પાસે આવ્યા. એમણે પ્રશ્નોની ઝડી વરસાવી અને મેં એમને બધી વાત માંડી ને કરી. વખતસિંગ ની આંખો માં ગુસ્સો સળગી ઉઠ્યો, એ દોડીને મારી જ્યાં મારામારી થયેલી ત્યાં પહોંચી ગયો.

હું ગાડી માં પાપા ની સાથે બેસી ગઈ અને થોડીવારમાજ વખતસિંગ આવી પહોંચ્યો. પાપા એ એની સામે સૂચક નજરે જોયું અને એણે આંખોથીજ કૈંક જવાબ આપ્યો અને પછી ગાડી મારી મૂકી.

સમર એક મોટા ઝાડ ની પાછળ ઉભો રહી ને આ જોતો હતો. જેવી યુવા ગાડી માં બેસી ને જતી રહી એ પાછો ખભે થેલો નાખીને સાંકડી કેડી પર ચાલી નીકળ્યો.

“ગજબ યુવતી હતી યાર” ! એણે મનમાં વિચાર્યું ! એની ભીતર કૈંક સળવળાટ થયો, આટલી સુંદર,મોહક અને ચપળ યુવતી એણે જીવન માં ક્યારેય જોયી નહોતી. એણે એક હાથે એનું માથું પકડ્યું, “સાલું જબરી હતી, શું કિક મારી છે યાર!” એને થયું કે મારે એનું નામ અને એડ્રેસ પૂછવું જોઈતું હતું, પણ હવે શું ? એ રોડ પર બેસી ગયેલી ત્યારે એ ઉભો રહીને એને પાછું મળવાનું વિચારતો હતો ત્યાંજ એ જતી રહી ! એક ઊંડો નિશ્વાસ નાખી ને મન માં ને મન માં મલકાતો એ ચાલી નીકળ્યો. “માં રાહ જોતી હશે”.

એણે રસ્તામાં ઉગેલા જંગલી પીળા ફૂલો ચૂંટી લીધા, એની માં ને એ બહુજ ગમતા. એ નાનો હતો ત્યારે એના પિતાજી આવા ફૂલો લઇ ને આવતા. જયારે જયારે ઘરની બહાર રાજદૂત નો અવાજ સંભળાતો, એ નાના ભાઈ વિરાટ નો હાથ પકડી ને દોડી જતો. એના પિતાજી મેજર સમ્રાટ વિક્રમ શર્મા, ઇન્ડિયન આર્મી, સાડા છ ફૂટ ઊંચા, કદાવર, કોઈ પણ પહેલવાન ને શરમાવે એવું શરીર, સુદ્રઢ બાંધો, પહોળી છાતી, પાણીદાર આંખો, ભરાવદાર મૂછો, ડાબી બાજુએ પાંથી પડેલા ટૂંકા વાળ, લાંબી ડોક, મક્કમ ચાલ અને એનાથી સાવ વિપરીત હોઠો પર ફરકતું આછું સ્મિત. મેજર જયારે જયારે બોલતા ત્યારે એમનો ધીર ગંભીર અવાજ અને એક એક શબ્દ પર ભાર મૂકી ને બોલવાની છટા, વાતે વાતે હાથો નો ઉપયોગ કરી ને બોડી મુવમેન્ટ કરવું, સામેવાળો જો નજીક નો વ્યક્તિ હોય તો એને હસતા હસતા ધબ્બો મારવો એ એમની ખાસિયતો હતી. જેમને એ મિત્ર માની લેતા એને એ દિલ દઈ ને પ્રેમ કરતા અને એના માટે સર્વસ્વ લૂંટાવા તૈયાર રહેતા.

એ રાજદૂત પરથી ઉતરી ને એમની સામે દોડતા આવતા બંને બાળકો ને ઊંચકી લેતા. વિરાટ અને સમર બંને એમને ભેંટી ને રોઈ પડતા. એ સાથે લાવેલી બેગ માંથી બંને બાળકો ને ચોકલેટો અને મીઠાઈઓ આપતા અને બંને ચુપ થઇ ને હસતા હસતા ઘરની અંદર દોડી જતા.

“કોનું કામ છે જવાન?” દરવાજે ઉભેલી લાંબા કાળા વાળ, ગોરું સુંદર મુખ, વિશાળ કપાળ વાળી મેદાનમાં ઉગેલા ઘાસનાં કલર જેવું લાંબુ ફ્રોક પહેરેલી ઉંચી યુવતી એમનો રસ્તો રોકી ને ઉભી રહેતી ! મેજર ઘૂંટણીએ બેસી ને પીઠ પાછળ છુપાવેલા પીળા જંગલી ફૂલો આગળ લાવતા. એ હસી પડતી, હસતી વખતે એના ગોરા ગાલો માં ખંજન પડતા. નીચે નમીને રેવા ફૂલો લઇ લેતી અને મેજરને એક ચુંબન કરી ને દોડી ને ઘરની અંદર જતા બારણું બંધ કરી દેતી !

મેજર કમરે હાથ રાખી ને બનાવટી ગુસ્સો કરીને ત્યાંજ ઉભા રહી જતા. અચાનક એમના ઘરની બાજુ માં આવેલા નાનકડા ગાર્ડન નું બારણું ખુલતું અને નાનો સમર એના પાપા ને ઈશારો કરી ને પાછળના દરવાજેથી ઘર માં બોલાવી લેતો.

પાછલા દરવાજેથી ઘરમાં ઘુસી ને મેજર સમ્રાટ, રેવા-એની પત્ની ને ઊંચકી લેતા અને ગોળ ગોળ ફેરવતા. બંને બાળકો જોર જોર થી તાલી પાડી ને હસતા. આખું ઘર જાણે કે જીવંત બની જતું.

સમર ના કાન માં એ મધુર હાસ્ય પડઘાઈ રહ્યું. એક વિષાદયુક્ત સ્મિત એના હોઠો પર ફરી વળ્યું. સાંકડી કેડી પૂરી થતા જ દેવદાર વ્રુક્ષો નું ઝુંડ આવ્યું અને એની સામે નીચે દૂર એક જરી પુરાણું બેઠા ઘાટ નું ઘર દેખાયું. ઘર ની બાજુમાં રાજદૂત પાર્ક થયેલું હતું. ઘરની ચીમનીમાંથી ધુમાડો નીકળતો હતો. “માં એ મારા ફેવરીટ ચીકન કરી અને ભરેલા ભીંડા બનાવ્યા લાગે છે” સમર મનમાં ખુશ થયો. “આજ તો ચુપકેદીથી ગાર્ડનમાં થઇ ને પાછળ ના રસ્તે જઉં અને માં ને ચોંકાવી દઉં” સમરે વિચાર્યું અને ઘર તરફ ચાલી નીકળ્યો.

જેવો એ ચુપકેથી ગાર્ડનમાં ઘુસવા ગયો કે ઘરનું મેઈન ડોર ખુલી ગયું !

“કોનું કામ છે જવાન?” એની માં એની સામે ઉભી હતી. એની આંખો માં સ્મિત હતું, એજ ચહેરો, લાંબા વાળ કે જે થોડા થોડા સફેદ થવા માંડયા હતા, ગાલો માં પડતા ખંજન, વિશાળ આંખો, સમર મટકું માર્યા વગર એની સામે જોઈ રહ્યો “માં ને કેવી રીતે ખબર પડી જતી હશે દર વખતે?” એણે ઘૂંટણીએ બેસી ને પાછળ સંતાડેલા જંગલી પીળા ફૂલો માં ને આપ્યા. રેવાએ હસી ને એ ફૂલો લઇ લીધા, નમીને સમરના કપાળ પર ચુંબન કર્યું અને ખડખડાટ હસતી હસતી દોડી ને સમર કઈ કહે એ પહેલા દરવાજો બંધ કરીને અંદર ભાગી ગઈ.

સમર ના દિલ માં જૂની યાદો છવાઈ ગઈ. એણે અનાયાસે ગાર્ડન ના દરવાજા તરફ જોયું કે અને એને લાગ્યું કે નાનો સમર અને વિરાટ ત્યાં ઉભા છે અને એને હાથ લાંબા કરીને ઘરની અંદર આવવા માટે બોલાવે છે. એણે માથું ખંખેર્યું અને જેવો ઉભો થયો કે ગાર્ડન નું બારણું ખુલ્યું અને એની આંખો પહોળી થઇ ગઈ !

ત્યાં એ જ યુવતી ઉભી હતી જેને એ થોડી વાર પહેલા મળ્યો હતો. એની મોટી મોટી આંખો એની સામે જોઈ રહી હતી ! “વેલકમ હોમ કેપ્ટન”, સમરને જોઈને એ મલકાઈ.

ભાગ-૩ સમાપ્ત.

***

Rate & Review

Verified icon

Jagdish Patel 1 month ago

Verified icon
Verified icon

Hitesh Patel 3 months ago

Verified icon

Krupa Dave 3 months ago

Verified icon

Bhavesh Sindhav 3 months ago