પરખના મત , પરખને મેં કોઈ અપના નહિ રહતા ,
કિસી ભી આયને મેં દેર તક ચહેરા નહિ રહતા ,
બડે લોગો સે મીલને મે હમેશા ફાસલા રખના ,
જહાં દરિયા સમંદર મેં મિલે , દરિયા નહિ રહતા ,
તુમ્હારા શહર તો બિલકુલ નયે અંદાઝવાલા હૈ ,
હમારે શહરમે ભી અબ કોઈ હમસા નહિ રહતા !!!
૨ જુલાઈ ૧૯૭૨ ના રોજ સિમલામાં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વજીરે આઝમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે એક કરાર થયો અને ૩ જુલાઈના અખબારોમાં બંનેનો હાથ મિલાવતો ફોટો છપાયો , એ તસ્વીરની નીચે એક શેર છપાયેલો : “ દુશ્મની જમ કે કરો લેકિન યે ગુંજાઈશ રહે કી જબ કભી હમ દોસ્ત હો જાયે તો શરમિંદા ના હો “ ........એ જ ઇન્દિરા ગાંધીએ એની સહેલી ઋતા શુક્લાને લખેલા એક પત્રમાં એક શેર ટાંકેલો : “ ઉઝાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો ..નાં જાને કિસ ગલીમેં જીન્દગીકી શામ હો જાયે ...” બિલકુલ આ જ શેરનો ઉલ્લેખ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ એ પોતાના આખરી ભાષણમાં પણ કરેલો .... અટલબિહારી બાજપેઈ જે બસમાં સવાર થઈને લાહોર ગયેલા એ બસની પાછળ બે લાઈનો લખવામાં આવેલી : “ દુશ્મની કા સફર એક કદમ દો કદમ , તુમ ભી થક જાઓગે હમ ભી થક જાયેંગે ..” પણ દોસ્તીનો સંદેશો લઈને લાહોર ગયેલા અટલની પીઠમાં કારગીલરૂપી ખંજર મારી દેવામાં આવ્યું એનો ઘા રુજાવવા મુશરફ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે દિલ્હીમાં સાંજે એમના માનમાં એક મુશાયરો થયેલો જેમાં એક શાયરે મુશરફને આ શેર સંભળાવેલો : “ મુહોબ્બત મેં દિખાવે કી દોસ્તી નાં મિલા , અગર ગલે નહિ મિલતા તો હાથ ભી નાં મિલા ...”
૩ જુલાઈની તસ્વીર નીચે છપાયેલો શેર , ઇન્દિરાએ કાગળમાં ટાંકેલો શેર , બાજપેઈની બસ પાછળ લખેલો શેર ( એ શેર લખનાર પણ એ જ બસમાં સામેલ હતો લાહોર જવામાં ) અને મુશરફને ભરી મહેફિલમાં આવો સજ્જડ શેર સંભળાવનાર એ બીજું કોઈ નહિ પણ આજના અતિ લોકપ્રિય શાયર બશીર બદ્ર સાહેબ હતા . બશીર બદ્ર આ સદીના સૌથી મહાન ઉર્દુ શાયર છે એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી . બશીરસાબ એક એવા શાયર છે કે જેમના શેર અને ગઝલો લોકજીભે ચડી ગયેલી છે . જેમની સીધી અને સરળ રચનાઓને વારંવાર વાચવી ગમે છે . એમની ગઝલોમાં વ્યક્ત થતી આમ આદમીઓની ભાવનાઓને વાંચતા વાંચતા તમે આ શાયરની સરળ અને ઊંડે સુધી અસર કરી જતી શાયરીમાં કહેવાતી વાતની સાથે પોતાની જાતને જોડી શકો છો .
સાચા અને લોકપ્રિય શાયરની પહેચાન એ છે કે એના શેર કે ગઝલનો રોજબરોજની જીંદગીમાં કેટલો ઉપયોગ થાય છે અથવા તો એવા શેર કેટલા છે કે જે લગભગ બધા જ ગઝલ ચાહકોને કંઠસ્થ છે . ફિરોઝ ગોરખપુરીના મતે ઉર્દુ શાયરીમાં એમ કહેવાય છે કે ગઝલનો કોઈ સર્વોચ્ચ શાયર છે તો એ મીર તકી મીર છે કે જેના લખેલા કે કહેવાયેલા અંદાઝે ૧૮૦૦૦ શેરમાંથી ૧૦૦ જેવા શેર એવા છે કે જે લોકજીભે ચડી ગયેલા છે અને વારંવાર એનો પ્રયોગ થતો રહે છે . મીર તકી મીર પછી ગાલીબને આ માન મળે છે ગાલીબના અંદાજે ૨૦૦૦ જેવા શેરમાંથી પચાસેક જેવા શેર આપણે વારંવાર અને વિવિધ જગ્યાએ કે લોકોના મોઢે સંભાળતા આવ્યા છીએ . ઇકબાલ , ફિરાક કે કૈફી જેવા શાયરોના શેર પણ અમુક અંશે લોકપ્રિય છે પણ બશીરસાબ એક એવા શાયર છે કે જેમના બહુધા શેર વારંવાર અને લાખો ચાહકોના મોઢે રમતા રહે છે . કોઈને આ અતિશયોક્તિ લાગે પણ આ જ હકીકત છે .
૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯ માં મહાન શાયર મિર્ઝા ગાલિબે વિદાય લીધી અને જોગાનુજોગ ૧૫ ફેબ્રુઆરી ૧૯૩૫ માં કાનપુરની ધરતી પર બશીરસાબનો જન્મ થયો . કોઈએ સાચું જ કહેલું છે કે શાયર બનતા નથી હોતા પણ પેદા થાય છે . માત્ર ૧૦ જ વર્ષની ઉમરમાં બશીરસાબે પોતાની જિંદગીનો પ્રથમ શેર લખ્યો : “ તેરે ઈશ્ક મેં મરા જાં રહા હું , હવા ચલ રહી હૈ ઉડા જાં રહા હું “ પ્રથમ શેરમાં જ બશીરસાબનો અંદાઝ જુવો કે જે આગળ જતા એક લોકપ્રિય અને મહાન શાયરના સ્વરૂપે જગતભરમાં ફેલાવાનો હતો અને આજે સાત દાયકા પછી પણ બશીરસાબનો એ પ્રથમ શેરવાળો જાદુ અકબંધ છે .. બશીરસાબના પિતાજી પોલીસમાં હતા એક મુલાકાતમાં પોતાના આ પ્રથમ શેર વિષે બશીરસાબ કહે છે કે મેં આ મારો પ્રથમ શેર પિતાજીને સંભળાવ્યો એ પછી પિતાજી તરફથી સારો એવો માર પણ પડેલો . પણ આગળ કહ્યું એમ આ કાઈ થોડો બનાવેલો શાયર હતો , આ તો ભગવાને નસોમાં લોહીની જગ્યાએ શાયરીઓ ભરીને દુનિયા પર મોકલેલો શાયર હતો .
પિતાજી સાથે ભાવનાત્મક મજબૂતાઈથી જોડાયેલા બશીરસાબને પિતાની માંદગીને લીધે ભણતર છોડીને પોલીસની નોકરીમાં લાગી જવું પડ્યું પણ શાયરી ચાલુ રહી .ઘણા વર્ષો સુધી નોકરી કર્યા પછી એમણે અલીગઢ યુનીવર્સીટીમાંથી ઉર્દુમાં એમ.એ. વિથ ગોલ્ડ મેડલ અને પી.એચ.ડી.પણ કર્યું અને એ જ યુનીવર્સીટીમાં પ્રોફેસર તરીકે ની નોકરી પણ કરી . બશીરસાબ એકમાત્ર એવા શાયર હશે કે જેમણે પોતે લખેલા પુસ્તકો વિદ્યાર્થીઓને પોતે જ ભણાવ્યા . અલીગઢ યુનીવર્સીટી પછી એમણે મેરઠની કોલેજમાં પણ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું .પણ ૧૯૮૪માં મેરઠમાં થયેલા તોફાનોમાં તોફાનીઓએ બશીરસાબનું ઘર સળગાવી દીધું પછી આ શાયર ભોપાલ રહેવા જતા રહ્યા પણ મેરઠના તોફાનોનું દર્દ એમના આ અતિ પ્રસિદ્ધ શેરમાં હજુ આજે પણ સંઘરાયેલું છે : “ લોગ તૂટ જાતે હૈ એક ઘર બંનાને મે , તુમ તરસ નહિ ખાતે બસ્તિયા જલાનેમે ...”
બશીરસાબની ગઝલોની લોકપ્રિયતાનું રહસ્ય છે એમાં લખતા સરળ અને સૌને સમજાય એવા શબ્દો . ખુદ બશીરસસાહેબે એક વાર કહેલું કે મેં પણ શરૂઆતમાં અઘરા ફારસી અને અરબી શબ્દોનો ઉપયોગ કરેલો , ગઝલો તો સારી જ બનેલી પણ અઘરા અને કઠીન શબ્દોને લીધે લોકોના દિલમાં સ્થાન નાં મેળવી શકી . અભ્યાસ પછી મને લાગ્યું કે મીર , ગાલીબ વગેરેનું લોકપ્રિય થવાનું કારણ એ હતું કે તેઓ લોકો સમજી શકે એવી ભાષા અને શબ્દોમાં ગઝલો લખતા હતા પછી મેં પણ અઘરા શબ્દોની જગ્યાએ સરળ અને સમજાય એવા શબ્દો વાપરવાની શરૂઆત કરી . અને એનો જ પ્રભાવ છે કે બશીરસાબને આજે આમ આદમીના શાયર તરીકે આપણે ઓળખીએ છીએ . આ જુઓ બશીરસાબના આ સરળ શેરમાં કેટલી ગહન વાત છે : મુલાઈજા ચંદ શેર પેશ હૈ : “ મૈ હર લમ્હે મેં સદીયા દેખતા હું , તુમ્હારે સાથ એક લમ્હા બહોત હૈ ...” “ જિસ દિન સે મૈ ચલા હું મેરી મંઝીલ પે નઝર હૈ , આંખોને કભી મિલ કા પત્થર નહિ દેખા ...” “ મૈ ચુપ રહા તો ઓંર ભી ગલત ફહીમીયા બધી , વો ભી સુના ઉસને જો મૈને કહા હી નહિ ...” “ જી બહોત ચાહતા હૈ સચ બોલે , ક્યા કરે હોંસલા નહિ હોતા ..” “ ઇક દિન તુજસે મિલને જરૂર આઉંગા ...જિંદગી મુજે તેરા પત્તા ચાહિયે ..” અથવા આ માસ્ટરપીસ ... “ વો શાખ હૈ ન ફૂલ , અગર તીતલીયા નાં હો ....વો ઘર ભી કોઈ ઘર હૈ જહાં બચ્ચીયા નાં હો ...”
આગળ મુશરફની ભારતયાત્રાવાળી વાત લખી એના બીજા જ દિવસે મુશરફની તાજમહાલની મુલાકાત પછી આગ્રાની એક હોટેલમાં ઇન્ડો-પાક મુશાયરાનું આયોજન થયેલું . એ મુશાયરામાં બશીરસાબે બંને પ્રધાનમંત્રીઓને સંબોધીને આ શેર રજુ કરેલો : “ યે સોચ લો અબ આખરી સાયા હૈ મુહબ્બત , ઇસ દર સે ઉઠોગે તો કોઈ દર ન મિલેગા ..” આવા તો અનેક બનાવો અને કિસ્સાઓ છે કે જેમાં બશીરસાબના શેરનો ઉપયોગ હસ્તીઓના મુખેથી થયો હોય અને એનું કારણ છે કે બશીરસાબ ફક્ત હિન્દુસ્તાનમાં જ નહિ પણ વિશ્વના અનેક દેશોમાં લોકપ્રિય છે . આ એક જ વર્તમાન શાયર એવો છે કે જેની ગઝલો અને શેરો ભારતની સાથે સાથે પાકિસ્તાનના અખબારો અને મુશાયરાઓમાં હોંશે હોંશે રજુ કરાય છે . બશીરસાબ મિજાજના શાયર છે , લાગણીના શાયર છે અને ખાસ તો એવા સરળ શબ્દોના સ્વામી છે કે જેની હથોટી બહુ ઓછા શાયરો પાસે હોય છે . બશીરસાબનું માનવું છે કે શાયરીને કોઈ ભાષા હોય તો એ ફક્ત દિલની ભાષા જ હોવી જોઈએ , હિન્દી , ઉર્દુ કે અરબી એ તો ફક્ત લખવાની શૈલી છે .
આવો માણીયે આ શાયરના થોડા વધુ શેર : મુજસે બિછડકર ખુશ રહેતે હો , મેરી તરહ તુમ ભી ઝૂઠે હો ...........યે શબનમી લહેજા હૈ આહિસ્તા ગઝલ પઢના , તિતલી કી કહાની હૈ ફૂલો કી જબાની હૈ .......જિસ પર હમારી આંખને મોતી બીછાયે રાતભર , ભેજા વહી કાગઝ ઉસે હમને લિખા કુછ ભી નહિ .......આ જાતા હૈ ખુદ ખીંચ કર દિલ સીને સે પટરી પર , જબ રાત કઈ સરહદ સે એક રેલ ગુજરતી હૈ .......જિંદગી તુને મુજે કબર સે કમ દી હૈ જમી , પાવ ફૈલાઉ તો દીવાર મેં સર લગતા હૈ ........તમામ રિશ્તો કો મૈ ઘર પે છોડ આયા થા , ફિર ઉસકે બાદ મુજે કોઈ અજનબી નહિ મિલા ......કિસ ને કિસકા નામ ઈંટ પે લિખા હૈ ખૂન સે , ઈશ્તીહારો સે એ દીવારે છુપા શકતે નહિ ........અઝીબ શખ્સ હૈ નારાઝ હો કે હસતા હૈ , મૈ ચાહતા હું ખફા હો તો વો ખફા હી લગે ......મૈ પૂછતાં હું મેરી ગલી મેં વો આયે હી કયો , જિસ દાકીયે કે પાસ તેરી ચિઠ્ઠીયા નાં હો .......આજ સુરજ ક રુખ હૈ હમારી તરફ , એ બદન મોમ કા હૈ પિઘલ જાયેગા ......મુજે માલુમ હૈ ઉસકા ઠીકાના ફિર કહા હોગા , પરિંદા આસમાં છુને મેં જબ નાકામ હો જાયે .....તુમ અભી શહર મેં ક્યાં નયે આયે હો , રુક ગયે રાહ મેં હાદસા દેખકર ......ચાંદ તારે સભી હમસફર થે મગર , જિંદગી રાત થી રાત કાલી રહી .......કોઈ હાથ ભી નાં મીલાયેગા જો ગલે મિલો તપાક સે , .યે નયે મિજાજ કા શહેર હૈ જરા ફાસલે સે મિલા કરો ... કુછ તો માંજ્બુરીયા રહી હોગી , યુ હી કોઈ બેવફા નહિ હોતા ....મિલ ભી જાતે હૈ તો કતરા કે નિકાલ જાતે હૈ , હાય દોસ્ત ભી મોસમ કી તરહ બદલ જાતે હૈ ....કભી ધૂપ દે કભી બદલીયા , દિલોજાન સે દોનો કબુલ હૈ ,મગર ઉસ નગર મેં નાં કૈદ કર જહાં જિંદગી કઈ હવા નાં હો ....ટુ જાણતા નહિ મેરી ચાહત અઝીબ હૈ , મુજકો મના રહ હૈ ખુદ તો કભી ખફા ભી હો . .....લખવા બેસીએ તો બશીરસાબ ના આવા અસંખ્ય શેર લખી શકાય .
બશીર બદ્રની લખેલી ગઝલો અનેક નોન ફિલ્મી અલ્બમો માં પ્રખ્યાત ગાયકોના કંઠે પણ ગવાઈ ચુકી છે જેમ કે : એ સાઉન્ડ અફેર , આઈના , હોપ , વિઝાન , તુમ તો નહિ હો ( જગજીત સિંહ ) , અમન ( પંકજ ઉધાસ ) પરવાઝ ( રૂપકુમાર રાઠોડ ) વગેરે વગેરે , દરેક કલાકાર સાથે થાય છે એમ બશીર બદ્રની સાથે પણ વિવાદો જોડાયેલા રહ્યા છે . મેરઠના તોફાનોમાં પોતાનું ઘર ગુમાવી ચુક્યા પછી દુબઈના એક મુશાયરામાં એમણે હિન્દુસ્તાનની બરબાદીવાળી કરેલી વાતથી સાહિત્યજગતમાં હલચલ મચી ગયેલી જો કે એ વાતમાં બશીર બદ્રએ અનુભવેલા તોફાનોનું દર્દ હતું એ વાત સમજતા લોકોની વાર નહોતી લાગી . ૧૯૯૯માં પદ્મશ્રી થી સન્માનિત આ શાયર અને આજના મશહુર શાયર અને ગીતકાર નુસરત બદ્રના પિતા અત્યારે તો ભોપાલના પોતાના મકાનમાં ૮૦ વર્ષની જૈફ ઉમરે બીમારીઓથી જંગ લડી રહેલ છે પણ ગઝલને સમજતો અને ચાહતો હરેક ઇન્સાન બસીરસાબની લખેલી એક એક નઝમ કે ગઝલ નો દીવાનો છે .
હમ ભી દરિયા હૈ હંમે અપના હુન્નર માલુમ હૈ , જિસ તરફ ભી ચલ પડેંગે રાસ્તા હો જાયેગા - બશીર બદ્ર