9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 9 books and stories free download online pdf in Gujarati

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 9

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 9

પ્રશાંત દયાળ

મોત એક હાથ છેટું રહી ગયું

મારી મારા તંત્રી વિક્રમ વકીલ સાથે ફોન ઉપર રોજ વાત થતી હતી.તોફાનોનો દોર ચાલુ હતો. તે દિવસે વિક્રમ સાથે ની વાતચીત માં મેં કહ્યું કે, ‘અમદાવાદમાં આટલા દિવસોથી પોલીસ ફરજ ઉપર છે તેના વિષે કોઈએ કંઇ લખ્યું નથી. પોલીસવાળા રાતદિવસ જોયા વગર પોતાના પરિવાર થી દૂર ભૂખ્યા-તરસ્યા દોડ્યા કરે છે. મને લાગે છે આપણે તેના ઉપર કંઇ લખીએ.’ તેણે વિષય સાંભળતા મને કહ્યું, ‘સારી રીતે સ્ટોરી કર, આપણે ક્વરસ્ટોરી કરીશું.’ મારા ધ્યાનમાં વિષય આવ્યો એના બે-ત્રણ કારણો હતા. પહેલા તબક્કામાં તોફાનો ચાલતા હતાં ત્યારે એક મુસ્લિમ પોલીસ કોન્સ્ટેબલ રજા લઇ શિવાનંદ ઝા ની ચેમ્બરમાં દાખલ થયો. ઝાની સ્ટ્રાઈકિંગ ફોર્સ ના જવાને પણ ગમે ત્યારે દોડવું પડતું હતું. તેમની હાલત પણ ખરાબ હતી. ચેમ્બરમાં આવી કડક સલામ મારતા કોન્સ્ટેબલે બે કલાક માટે શિવાનંદ પાસે રજા માંગી. સમય ખરાબ હતો તેના કારણે કોઇપણ પોલીસ કર્મચારી રજા માંગે અને તેને રજા મળે તેવી સ્થિતિ નહોતી, છતાં કોન્સ્ટેબલે રજા માંગી અને તે પણ માત્ર બે કલાક માટે. રજા માંગતા શિવાનંદ ણે આશ્ચર્ય થયું હતું. તેમણે કોન્સ્ટેબલ ને રજા નું કારણ પૂછતાં તે ગળગળો થઇ ગયો હતો. કોન્સ્ટેબલની સમસ્યા હતી કે તેનાં માતા-પિતા દાણીલીમડા વિસ્તારમાં રહેતાં હતા અને આજુબાજુ હિન્દુ વિસ્તાર હતો, જ્યાંથી સતત પથ્થરમારો થતો હતો અને તેમને જીવનું જોખમ હતું. એટલે કોન્સ્ટેબલને સતત તેના માતા-પિતાની ચિંતા થતી હતી. તે ઈચ્છતો હતો કે તે જઈ તેમને ત્યાં લઈ આવે અને કોઈ સલામત સ્થળે મુકી આવે, પરંતુ તોફાનો એટલા ચાલતા હતા કે તેમને રજા મળે તેમ નહોતી. તે હિંમત કરી ચેમ્બરમાં આવ્યો હતો. રેન્ક પ્રમાણે કોન્સ્ટેબલ માટે ડી.આઇ.જી. કક્ષાના અધિકારીની ચેમ્બરમાં જવું નાનીસૂની વાત નહોતી. કોન્સ્ટેબલે પોતાની સમસ્યા ત્યારે તેની આંખમાં આસું આવી ગયા હતા. થોડીવાર માટે શિવાનંદ પણ શાંત થઈ ગયા, કારણકે તેમને તેમના કોન્સ્ટેબલની સમસ્યા સમજાતી હતી. આમતો દાણીલીમડા વિસ્તાર શિવાનંદ ઝાના કાર્યક્ષેત્રમાં આવતો હતો, છતાં તેમના કોન્સ્ટેબલના માતાપિતાની વાત હતી. જે પોલીસવાળો પ્રજાના જાનમાલની ચિંતા કરતો હતો તેના પરિવારની ચિંતા કરવાની જવાબદારી પણ પોલીસની હતી. શિવાનંદ ઝા તરત પોતાની સ્ટ્રાઇકિંગ ફોર્સના સબ-ઇન્સ્પેકટર ને બોલાવ્યા અને સૂચના આપી કે, પૂરતા માણસો સાથે કોન્સ્ટેબલ સાથે જાવ અને તેના માતા-પિતાને સલામત સ્થળે ખસેડો. શિવાનંદ ઝા નું અભિગમ જોઈ કોન્સ્ટેબલ પાસે કોઇ શબ્દો નહોતા. કોન્સ્ટેબલે આંખમાં આંસુ સાથે બે હાથ જોડી આભાર માન્યો હતો પણ શહેર પોલીસમાં ફરજ બજાવતા બધા પોલીસવાળા આટલા નસીબદાર નહોતા.

તોફાનમાં બનતું એવું કે પોલીસ આવે એટલે તોફાનીઓની આગળ સ્થાનિક મહિલાઓ આવી જતી અને તે પોલીસને આગળ વધતી અટકાવતી હતી. જેના કારણે સ્થળ ઉપર પહોંચેલી પોલીસ પણ મૂંઝાઈ જતી હતી કારણ કે મહિલાઓ પર બળપ્રયોગ કરવામાં આવે તો તેમની મુશ્કેલી વધી જાય તેમ હતી. પણ શિવાનંદે તેનો ઉપાય શોધી કાઢયો હતો. તેમણે પોતાની સ્ટ્રાઇકિંગ ફોર્સમાં મહિલા પોલીસને પણ સામેલ કરી હતી. તે મહિલા પોલીસ પણ વિષમ પરિસ્થિતિઓમાં સામાન્ય પુરુષ અધિકારીની જેમ કામ કરતી હતી, જે દાદ માંગી લે તેવી સ્થિતિ હતી. પણ ત્યારે પોલીસ માટે કોઈ સારું બોલતું નહોતું

અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં પણ મહિલા પોલીસ ફરજ ઉપર હતી, જે ત્રણ ત્રણ દિવસ સુધી ઘરે જઈ શકતી નહોતી. બધી ઘટનાઓ જોયા પછી મને લાગ્યું કે પોલીસની કપરી કામગીરી અંગે પણ લખવું જોઈએ. મેં મારી સ્ટોરી નો વિષય એપ્રુવ કરાવી લીધો હતો. જોકે સ્ટોરીમાં પોલીસની કપરી કામગીરી દર્શાવવા માટે શબ્દો કરતાં ફોટોગ્રાફ ની વધારે જરૂર હોવાથી મેં મારા ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠીને જણાવ્યું હતું કે આપણે સાથે ફોટો કરવા જઇશું. દિવસે બપોરે અમે બંને મારા મોટરસાઇકલ ઉપર પોલીસ કમિશ્નર કચેરી જવા નીકળ્યા હતા. અમે પોલીસ કમિશનર કચેરી ની અંદર દાખલ થતાં હતાં બરાબર તે વખતે કચેરીની બહાર પોલીસના વાહનોનો કાફલો જઈ રહ્યો હતો, જેમાં પહેલી કાર શિવાનંદ ઝાની હતી. મને તેના પરથી અંદાજ આવી ગયો હતો કે કોઈક બનાવ બન્યો છે અને કાફલો ત્યાં જઈ રહ્યો છે. ખરેખર તો અમે જે એક્શન ફોટો ની શોધમાં હતા તેવા ફોટો મળે તેવી સંભાવના હતી. તેના કારણે તરત મેં મારા મોટરસાઈકલને બ્રેક મારી યુ-ટર્ન લીધો અને અમે પણ તે કાફલાની પાછળ જોડાયા. કમિશનર કચેરીની પાછળનો જે વિસ્તાર છે તેને માધવપુરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવેલા ધોબી ના ખાડા નામની જગ્યા ઉપર બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા. એટલે આખો કાફલો ત્યાં જઈ અટક્યો. કારમાંથી ઉતરતા શિવાનંદ ઝાએ પોતાની સ્ટાઈલ પ્રમાણે કામ શરૂ કર્યું અને બંને તરફના ટોળા ગાયબ થઇ ગયા. તે પોતાના અધિકારીને સુચના આપી રહ્યા હતા તે વખતે હું તેમની સાથે વાત કરવા માટે તેમની પાસે પહોંચ્યો. અમે વાત કરી રહ્યા હતા તે વખતે ત્યાં ગુજરાત સમાચારનો પત્રકાર અને મારો મિત્ર અતુલ દાયાણી પણ આવી પહોંચ્યો. તે પણ અમારી સાથે વાતોમાં જોડાયો હતો. અમે વાત કરતા હતા તે વખતે શિવાનંદ ઝાની કારનો વાયરલેસ ઓપરેટર હાથમાં મૅસેજ મુક લઈ આવ્યો અને તેણે સલામ કરતાં કહ્યું, ' સાહેબ કંટ્રોલ જણાવે છે કે આસ્ટોડિયા ઢાળની પોળમાં પથ્થરમારો ચાલે છે.' તેમણે અમને હસતાં હસતાં કહ્યું,' ચલો ભાઈ મીલતે હૈ.' આટલું કહી તે પોતાની કારમાં ગોઠવાઈ ગયા. મને અને અતુલની લાગ્યું કે અમારે જવું જોઈએ એટલે અમે પણ મોટરસાઇકલ તેમના કાફલા પાછળ મારી મૂકયું. મેં મારી પાછળ બેઠેલા ગૌતમભાઈને સૂચના આપી કે કેમેરા તૈયાર રાખજો. અમારુ મોટરસાઈકલ શિવાનંદ ઝાની કારની બરાબર પાછળ હતું. તમે જેવા આસ્ટોડિયા ના રોડ ઉપર આવ્યા કે અમારી આગળ રહેલી કારમાં શિવાનંદ ઝા નો ગનમેન જે આગળની સીટમાં બેઠો હતો તેણે બારીમાંથી ડોકું બહાર કાઢી અમને કંઇક ઈશારો કર્યો, પરંતુ અમે તેની વાત સમજયા નહીં. જોકે તે સમજતા મને વાર પણ લાગી, કારણ કે હજી માંડ દસ ફુટ આગળ ગયા તો ખબર પડી કે રસ્તાની બન્ને તરફનાં છાપરાવાળા મકાનોની પાછળથી ભારે પથ્થરમારો થતો હતો. અમે ત્રણેય રોડની બરાબર વચ્ચે હતા. હવે રોકાઇ જવાય તેમ નહોતું, તેમજ પાછા જવાય તેમ પણ નહોતું. જેના કારણે નસીબના સહારે અમે માથું નીચે કરી એક્સિલરેટર દબાવ્યું, કારણકે માત્ર ૫૦૦ મીટર દૂર ઢાળની પોળ હતી અને તેનાં જૂનાં દરવાજા નીચે માથું બચાવવાની જગ્યા હતી. અમે ત્રણેય સદનસીબે સલામત રીતે ત્યાં પહોંચી ગયા શિવાનંદ પણ તેમના કાફલા સાથે રસ્તા ઉપર આવી ગયા હતા પણ બંને તરફથી થતાં પથ્થરમારાથી બચવા માટે રોડના કિનારે આવેલી દુકાનનાં છાપરાં નીચે થોડીવાર ઊભા રહ્યા અને પથ્થરો ક્યાંથી આવી રહ્યા છે તે જોવા માટે થોડી રાહ જોઈ. પછી ખ્યાલ આવતાં તેમણે બંને તરફ ટીયરગેસના સેલ છોડ્યા પણ તેની અસર થઈ નહીં, એટલે તેમણે ગોળીબાર કર્યા. જોઈ ત્યાં અગાઉથી હાજર એક પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના ડી.સી.પી. ને કહ્યું, ' શિવાનંદ હિન્દુઓ તરફ ગોળીબાર કરે છે.' તેનો અર્થ ઇન્સ્પેક્ટર અને ડી.સી.પી ને હિન્દુ ઉપર થઈ રહેલા પોલીસ ગોળીબાર ની વાત પસંદ પડી નહોતી. જોકે ડી.સી.પી. પણ ઇન્સ્પેક્ટરની વાત સાંભળી ગુસ્સામાં કહ્યું, ' તારો બાપ ડી.આઇ.જી છે, તેને ખબર પડતી હશે ને કે હિંદુઓ ઉપર ગોળીબાર કરાય.' એટલું નહીં દૃશ્ય ના જોવું પડે અથવા તેમના રાજકીય ગોડફાધરો ને જવાબ આપવો પડે તે માટે ડી.સી.પી. ઇન્સ્પેક્ટરને સૂચના આપી કે, ' તમે પેલી તરફ જતા રહો અને હું પણ અહીંથી જતો રહું છું.' બંને પોલીસ અધિકારીઓ પોતાના વાહનોમાં બેસી વિસ્તાર છોડી ગયા હતા. ઘટના ઘણી આઘાતજનક નથી અને આવા પોલીસ અધિકારીઓને કારણે ગુજરાત પોલીસનું નાક આખા વિશ્વમાં કપાયું હતું.હિન્દુઓ તરફથી ગોળીબાર કરતાં ત્યાંથી પથ્થરમારો બંધ થયો હતો પણ ઢાળની પોળની સામે આવેલી મસ્જિદ તરફથી પથ્થરો આવતા હતા, જેને કાજીનો ધાબો કહેવાય છે. એટલે શિવાનંદ ઝા પોતાના સ્ટાફ સાથે તે ગલી માં દાખલ થયા હતા. ત્યારે ત્યાં આવી પહોંચેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તરુણ બારોટ પણ તેમની સાથે જોડાયા હતા. સાંકડી ગલી હતી. તેમાં પોલીસ ની પાછળ હું અને ગૌતમ ભાઈ પણ જોડાયા. પોલીસ ની પાછળ પાછળ ચાલતાં હતા. અંદર જતાં ત્રણ રસ્તા આવતા પોલીસ રોકાઈ, કારણ કે ડાબી તરફ જે રસ્તો જતો હતો તે તરફ દૂર થોડા મુસ્લિમો ઊભા હતા. તેમજ મકાનની બારીમાંથી પણ લોકો ડોકું કાઢી જોતા હતા. પહેલા તો શિવાનંદે પોતાની સાથે રહેલા કોન્સ્ટેબલ જેને ગેસ મેન કહેવામાં આવે છે તેને સેલ મારવાની સૂચના આપી પણ ગલીના છેડે ઊભા રહેલા લોકો સુધી સેલ પહોંચ્યો નહીં. એટલે ઝાએ બાજુમાં રહેલી એસ.આર.પી. જવાનની રાઈફલ પોતાના હાથમાં લીધી અને ટોળા તરફ તાંકી. તેમનો ઈરાદો માત્ર ડરાવવાનો હતો, કારણકે તેમણે રાઈફલ લોડ કરી નહોતી. સામે રહેલા ટોળામાંથી એક યુવતી થોડી આગળ આવી અને તેણે પોલીસને સંભળાય તે ભાષામાં ગાળો આપવાની શરૂઆત કરી, એટલે ફરી શિવાનંદ ઝા ભૂગોળએ ગોળીબાર કરતા હોય તેવો ડોળ કરી રાઈફલ ફાયરીંગ પોઝિશન માટે પોતાના જમણા ખભા ઉપર મૂકી છતાં તેની કોઈ અસર યુવતી ઉપર થઈ નહીં. એટલે તેમણે ખરેખર બોલ્ટ ખેંચ્યો અને રાઇફલ લોડ કરી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ગોળીબાર કર્યો, પરંતુ પેલી યુવતી એટલી ઝડપથી ત્યાંથી ખસી ગઈ કે તેને ગોળી વાગતાં રહી ગઈ. પોલીસના ગોળીબાર સાથે ફટ-ફટ અવાજ થવા લાગ્યો અને પોલીસ સમજી ગઈ કે તેમની ઉપર દેશી તમંચા વડે ગોળીબાર થવા લાગ્યો છે. શિવાનંદે પરિસ્થિતિનો તાગ મેળવી લેતાં તરત બૂમ પાડી, ' રાઈફલ લોડ કરો.' તેમના કહેતાં બધા પોલીસવાળાએ બંદૂકની બેરેલ આકાશ તરફ ઊંચી કરી રાઈફલ લોડ કરી અને ગોળીબાર કરતાં કરતાં ડાબી તરફની ગલી તરફ દોડ્યા.

દશ્ય જોઈ હું અને ગૌતમ ભાઈ સ્તબ્ધ થઈ ગયા. હવે આગળ જવાની અમારી હિંમત નહોતી. અમે બંને ત્રણ રસ્તા ઉપર હતા અને ત્યાંથી એકલા પાછા જવામાં પણ જોખમ હતું. હવે અંદર ગયેલી પોલીસની પાછા આવવાની રાહ જોતા હતા. એટલામાં અમે જે રસ્તે અંદર આવ્યા હતા તે રસ્તે દોડતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસ. કે. દવે આવ્યા. તેમના હાથમાં રિવોલ્વર હતી અને તેમણે મને રીતસર દીવાલ તરફ ધક્કો મારતાં કહ્યું, ' પાછો હટો પ્રાઇવેટ ફાયરિંગ થાય છે.' તેમના ધક્કાથી હું દીવાલ સાથે અફળાયો તે ક્ષણે મારા કાન પાસેથી સનનન કરતી ગોળી પસાર થઈ. હું સહેજ માટે બચી ગયો હતો. જમણી તરફ રહેલા એક ઊંચા મકાનમાંથી એક યુવાને બરાબર મારું નિશાન લઈ ગોળી મારી હતી પણ તે ફાયર કરે તે પહેલાં બહારથી દોડી આવેલા .સી.પી દવે તેને જોઈ ગયા હતા. તેમણે તરત ઉપર રિવોલ્વર તાંકી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા. તેમના અચૂક નિશાનમાં તેને ગોળી વાગતા તે નીચે પટકાયો અને મૃત્યુ પામ્યો હતો માત્ર બે કોન્સ્ટેબલો સાથે જમણી ગલીમાં ગયેલા. દવે અંદર ઘેરાઈ ગયા હતા. એટલામાં એક ધાબા ઉપરથી ફૂટપાથના પથ્થર જેવો મોટો પથ્થર તેમની ઉપર ફેંકવામાં આવ્યો હતો. જોકે માથા ઉપર હેલ્મેટ હોવાના કારણે પથ્થર માથા સાથે અફળાઈ તેમના પગ પર પડ્યો. તેના કારણે બૂટ પણ ચીરાઇ ગયું હતું અને પગ લોહીલુહાણ થયો હતો. હવે તેવી હાલત માં રિવોલ્વર સાથે લંગડાતા લંગડાતા બહાર તરફ ભાગ્યા હતા. તે વખતે ડાબી ગલીમાં ગયેલા શિવાનંદ ઝા પણ પાછા આવ્યા હતા. અમે બધાં ગલીની બહાર નીકળી મુખ્ય રસ્તા ઉપર આવ્યા ત્યારે ત્યાં પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડે અને પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરેન્દ્ર રાવલ ઉભા હતા. પાંડે .સી.પી દવે ની હાલત જોતાં તરત પોતાનો હાથરૂમાલ કાઢી દવેને નીચે બેસાડી તેમના લોહી નીગળતા પગ ઉપર બાંધી દીધો હતો. દ્રશ્ય ખરેખર હૃદયને ગમી જાય તેવું હતું. જાણે એક પિતા પોતાના ઇજાગ્રસ્ત પુત્રની મદદથી આવ્યો હોય તેવું લાગતું હતું. તેમણે દવે ને આશ્વાસન આપી પાણી પીવડાવ્યું અને તરત હોસ્પિટલ રવાના કર્યા. પાંડેએ શિવાનંદને પણ તેમની ચિંતા કરતો ઠપકો આપ્યો હતો અને પ્રકારનું જોખમ પૂરી તૈયારી વગર લેવા જણાવ્યું હતું. તે ગલીમાં પોલીસે અડધો કલાક માં ૭૮ ગોળીબાર કર્યો હતો. તેના કારણે ત્યાં દોડી આવેલા સ્થાનિક ધારાસભ્ય ઉસ્માનગની દેવડીવાલાએ કમિશનરને ફરિયાદ કરી હતી કે પોલીસે કારણ વગર મુસ્લિમો ઉપર ગોળીબાર કર્યો હતો. પાંડેએ તેમને શાંત પાડતા કહ્યું કે ' હું મારી પોલીસને સંયમ રાખવા માટે કહીશ પણ તમે તમારા ભાઈઓ ને સલાહ આપો કે અમારી ઉપર સસલા મારવાની બંદૂકથી (દેશી તમંચા) ગોળીબાર કરે.' મારા કરિયર દરમિયાન આવી ઘટના મેં પહેલી વાર જોઈ હતી, તેમ .સી.પી એસ.કે.દવે ને કારણે હું બચી ગયો હતો. માર્ચ મહિનો આખો તોફાનો ચાલતાં રહ્યાં. તેમાં પણ શહેરનો પૂર્વ વિસ્તાર જેમને બે ટંક રોટલાની પણ ચિંતા હતી તેવા લોકો ધર્મની ચિંતા કરતા હતા. માર્ચ મહિનાનો એક પણ દિવસ એવો નહોતો કે શહેરના પૂર્વમાં કોઈ બનાવ ના બન્યો હોય. માની લો કે આખો દિવસ શાંતિ રહી હોય તો સાંજ પડતાં તોફાન ભડકી ઉઠતાં હતાં. એવા લોકો હતા જેમના ઘર માં ચૂલો સળગાવવા માટે કેરોસીનનો પણ પ્રશ્ન હતો. તે લોકો પાસે સાંજ પડે ક્યાંયથી પણ કાંકળા ફેંકવા માટે કેરોસીન આવી જતું હતું. પૂર્વ વિસ્તાર ની બીજી એક સમસ્યા હતી કે દલિતો-મુસ્લિમો નજીક રહેતાં હોવાથી પહેલી લડાઈ તેમની વચ્ચે શરુ થઇ જતી હતી. તે દિવસે પણ ગોમતીપુર માં એવો માહોલ હતો.દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરી રહ્યા હતા.પોલીસ પણ થાકી ગઈ હોવાના કારણે હવે જ્યાં સુધી કંટ્રોલ સૂચના ના આપે ત્યાં સુધી સ્થાનિક પોલીસ સ્થળ ઉપર જતી નહોતી. વણકરવાસ પાસે બંને કોમ ના ટોળા સામેસામે હતાં. એટલામાં ગોમતીપુર પોલીસસ્ટેશન ઉપર દલિતોનું એક ટોળું દોડતું આવ્યું હતું. તેમની ફરિયાદ હતી કે તેમના વણકરવાસમાં રહેતા અને સેલ્સટેક્ષ માં ફરજ બજાવતા દેવાણંદ સોલંકીને મુસ્લિમોનું ટોળું ખેંચી ગયું છે. ફરજ ઉપરની પોલીસે તેમની વાત સાંભળી પણ તેને તેમાં કોઈ દમ લાગ્યો નહિ, કારણ કે તોફાનો દરમિયાન આવી વાતો બહુ આવતી હતી. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સ્પ્રેસ ઉપર હુમલો થયો ત્યારે પણ એવું કહેવામાં આવતું હતું કે મુસ્લિમો ટ્રેનમાંથી બે હિન્દુ છોકરીઓને ઉપાડી ગયા હતા. પરંતુ તેમાં કોઈ તથ્ય નહોતું. તેથી ગોમતીપુર પોલીસસ્ટેશન ઉપર આવેલા ટોળાને પોલીસે તપાસ કરીએ છીએ તેમ કહી રવાના કરી દીધું હતું.

રાતે ફરી તે ટોળું પોલીસસ્ટેશન આવ્યું હતું. તે ટોળામાં જેને ખેંચી જવામાં આવ્યો હતો તે દેવાણંદ સોલંકી ની પત્ની પણ હતી. તેણે પણ પોલીસને રડતાં-રડતાં પોતાના પતિને ખેંચી જવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. તે વખતે પોલીસસ્ટેશન માં પોલીસ ઇન્સ્પેકટર એન.આર.જાદવ હાજર હતા. તેમને વાત ને ગંભીરતાથી લીધી અને તે અંગેની ફરિયાદ લેવા પોલીસસ્ટેશન ઓફિસર ને સૂચના આપી હતી,પરંતુ ત્યારે પોલીસ ની હાલત એવી હતી કે પોલીસ આખા મહિનાથી કૂતરાંની જેમ દોડાદોડ કરતી હતી. આવા સમયે કોઈ એક વ્યક્તિને શોધવાનું કામ કરવું પોલીસ માટે મુશ્કેલ હતું, કારણ કે ત્યારે પણ તોફાનો સતત ચાલુ હતાં અને જ્યાંથી પણ ફોન આવે ત્યાં દોડી જવાનું હતું. ઇન્સ્પેકટર જાદવે સોલંકીની પત્નીની વાત સાંભળી હતી. તેના કહેવા પ્રમાણે તેઓ વણકરવાસ માં રહે છે. સાંજ ના સુમારે પોતાના વાસ ના ટોળા સાથે દેવાણંદ નાકા ઉપર ઉભો હતો ત્યારે સામેથી મુસ્લિમો પથ્થરમારો કરતા હતા. અચાનક પથ્થરમારો કરી રહેલા મુસ્લિમો વાસ તરફ દોડ્યા એટલે બધા જીવ બચાવવા માટે અંદર ભાગ્યા હતા પણ દેવાણંદ પાછળ રહી જતાં તેને ટોળું ખેંચી પોતાની સાથે લઇ ગયું હતું. પોલીસે રાતે તપાસ કરી પણ દેવાણંદ ની ભાળ મળી નહી. બીજો દિવસ થતાં દલિત આગેવાનો પોલીસસ્ટેશને ઉમટી પડ્યા. તેમણે પોલીસની ઢીલી નીતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીઓએ તેમને ખાતરી આપી હતી કે તેને શોધી કાઢશે. જો કે આવી ખાતરી આપનાર પોલીસ અધિકારીઓ પણ અંદર થી ફફડતા હતા, કારણ કે તેમને ડર હતો કે રખે ને દેવાણંદ હવે તેમને ક્યારેય મળશે નહી. ૧૯૮૫નાં તોફાનો માં પણ આવું બન્યું હતું. તે તોફાનો દરમિયાન અનેક લોકો આવી રીતે ગુમ થયા હતા અને તેમનો દિવસો-મહિનાઓ નહીં પણ વર્ષો સુધી પતો લાગ્યો નહોતો. પછી અચાનક એક આરોપી પકડાયો અને તેણે આપેલી માહિતીના આધારે દરિયાપુરના કબ્રસ્તાનમાંથી અનેક ગુમ થયેલા લોકોની લાશ મળી આવી હતી. પોલીસસ્ટેશને આવેલા દલિતોને આશ્વાસન આપી પોલીસે રવાના કર્યા અને પોતાના બાતમીદારો પાસે થી દેવાણંદની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં કોઈ સફળતા મળી નહી. હવે તે વાત ને દિવસો જવા લાગ્યા હતા. જેના કારણે દલિતો નારાજ અને ઉશ્કેરાટમાં હતા. તેમણે પોલીસ કમિશનરને મળી બંધ નું એલાન આપવાની વાત કરતાં પોલીસ કમિશનર તપાસ ગોમતીપુર પોલીસ પાસેથી લઇ ક્રાઈમબ્રાંચને સોંપી દેવાનો આદેશ કર્યો. તેને લઇ તરત ક્રાઈમબ્રાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર આર.જે.સવાણી ને મળેલી સૂચના પ્રમાણે તેમણે પોતાના પોલીસ અધિકારીઓને બોલાવી કોઈ પણ રીતે દેવાણંદણે શોધી કાઢવા માટે તાકીદ કરી.

તેની સાથે ક્રાઈમબ્રાંચના પોલીસ અધિકારીઓ ગોમતીપુરમાં પહોંચી ગયા હતા. તેમણે પોતાના બાતમીદારોને કામે લગાડયા અને પોલીસ ડોગને પણ બોલાવી લીધો, પરંતુ પોલીસ ડોગ ચોક્કસ જગ્યા સુધી પહોંચી શક્યો નહી. પોલીસને બાતમીદારો પાસેથી એવી માહિતી મળી હતી કે દેવાણંદ સોલંકી ને જે દિવસે ખેંચી ગયા તે દિવસે તેની હત્યા કરી દેવામાં આવી હતી. ક્રાઈમબ્રાંચ ના અધિકારીઓ માટે આઘાતજનક સમાચાર હતા પણ જ્યાં સુધી પોલીસને દેવાણંદ ની લાશ મળે નહીં ત્યાં સુધી કોઈની હત્યા થઇ છે તેવી વાત જાહેર કરી શકે તેમ નહોતા. ક્રાઈમબ્રાંચ ને કેસ સોંપ્યા પછી પણ કોઈ પ્રગતિ થઇ નહી. આખરે પોલીસે તેમની ટેવ પ્રમાણે તે વિસ્તાર ના માથાભારે માણસોને પકડી ક્રાઈમબ્રાંચ માં લાવવાની શરુઆત કરી અને તેમને જે ભાષામાં સમજાય તે ભાષામાં તેમને સમજાવ્યા. તેમાં એક વ્યક્તિ તૂટી પડી હતી અને તેને દેવાણંદ ની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. જો કે પોલીસ માટે તેની લાશ મહત્વ ની હતી. એટલે પૂરતા પોલીસ બંદોબસ્ત અને ખાડા ખોદી શકે તેવા મજૂરો સાથે પોલીસ કાફલો કબૂલાત કરનાર આરોપી સાથે ગોમતીપુર વણકરવાસની બાજુમાં આવેલી મુસ્લિમ વસ્તીમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સાથે સંભવિત આરોપીએ પોલીસને જે જગ્યા બતાવી ત્યાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓ અનેક વખત આવી ગયા હતા. તે to ઠીક પણ પોતાની સાથે પોલીસ ડોગ પણ લઇ આવ્યા હતા. પરંતુ ત્યારે તેમને કોઈ કડી મળી હતી.

પોલીસ સાથે રહેલા આરોપીએ જગ્યા બતાવી ત્યાં મજૂરોએ ખોદવાની શરૂઆત કરતાં પહેલા તો માત્ર માટી નીકળી. પોલીસે સાથે રહેલા આરોપી સામે લાલ આંખ કરતાં તેણે પોલીસને ખાતરી સાથે કહ્યું હતું કે તેમણે દેવાણંદને અહીંયાં દાટ્યો છે. એટલે પોલીસે વધુ ખોદાવ્યું તેની સાથે પહેલા દુર્ગંધ આવવા લાગી અને પછી થોડી વારમાં એક પછી એક માનવ અંગના ટુકડા મળવા લાગ્યા હતા, જેમાં એક પછી એક અઢાર ટુકડા મળી આવ્યા હતા. પોલીસ માટે કોઈ પઝલ જેવું હતું. પોલીસને શરીરના જે ટુકડાઓ મળતા હતા તેને પોલીસ બહાર ગોઠવી એક શરીરનો આકાર આપતી હતી. આરોપીના કહેવા પ્રમાણે જે દિવસે દેવાણંદને ખેંચી ગયા તે દિવસે તેની હત્યા કરી દેવામાં આવી હતી અને જાણે બકરો કાપ્યો હોય તેમ તેના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને દાટતી વખતે લાશ ઓગળી જાય તે માટે મોટા પ્રમાણમાં મીઠું પણ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. પોલીસે શરીરના તમામ ટુકડાઓ બહાર કાઢી દેવાણંદ સોલંકીના પરિવારજનોને લાશની ઓળખવિધિ માટે બોલાવ્યા હતા. તે લોકો લાશ જોઇ ભાંગી પડ્યા હતા. કારણકે દેવાણંદ સોલંકીની હત્યા બહુ ક્રૂરતાપૂર્વક કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક તમામ આરોપીઓને પકડી લીધા હતા. તોફાનોમાં આવા તો અનેક દેવાણંદ સોલંકીની હત્યા કરી દેવામાં આવી હતી, જેમનો હજી સુધી કોઈ પત્તો નથી. પોલીસના ચોપડે તોફાનોમાં ગુમ થયેલાઓની યાદી બહુ લાંબી છે. તેમના પરિવારજનો આજે પણ તેમના સ્વજન પાછા આવશે તેની રાહ જોઇ રહ્યા છે.