9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 10 in Gujarati Fiction Stories by Prashant Dayal books and stories PDF | ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 10

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 10

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 10

પ્રશાંત દયાળ

નરેન્દ્ર મોદી ક્યારેય કટ્ટર હિન્દુ નહોતા

રાજ્યમાં તોફાનો વકરી રહ્યાં હતાં. મોટાભાગના પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં હતા પણ પોતાની ફરજ પ્રત્યે પ્રામાણિક પોલીસ અધિકારીઓની સંખ્યા જૂજ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં તોફાન ડામી દેવાની તેમજ ગુનેગારોને નસિયત કરવાની વાત કરતા હતા, પરંતુ તેમના અને સરકારના વ્યવહારમાંથી કંઈક જુદી વાત બહાર આવતી હતી. જો ખરેખર તેમની ઇચ્છા તોફાનો ડામવાની હતી તો પછી કોઈ પણ પોલીસ અધિકારીની હિંમત નહોતી કે પોતાના વિસ્તારના તોફાનો બંધ કરાવી શકે. સ્થાનિક નેતાઓને સરકાર કે પક્ષ તરફથી તોફાનો ડામવા માટે સહયોગ આપવાની કોઈ સૂચના મળી નહોતી. તોફાનો રાજ્યપ્રેરિત હતાં તે વાત સાથે હું ક્યારેય સંમત નહોતો અને નથી, છતાં તોફાનો ડામવા માટે રાજ્યના પ્રામાણિક પ્રયાસો પણ નહોતા. બીજા શબ્દોમાં કહું તો રાજ્યની ઇચ્છાશક્તિનો અભાવ હતો. નરેન્દ્ર મોદીએ ક્યારેય મુસ્લિમોનો ખાત્મો કરવાની વાત કરી હોય તે હું માનતો નથી, પણ મેં જે જોયું અને અનુભવ્યું તે પ્રમાણે જેમ કોંગ્રેસે વર્ષો સુધી મુસ્લિમોને પારાવાર નુકસાન કરી તેમને મૂર્ખ બનાવી તેમના મતો દ્વારા સરકાર બનાવી, તે રીતે નરેન્દ્ર મોદી પણ કંઈ કર્યા વગર હિન્દુઓની લાગણી સાથે રમી રહ્યા હતા તેમાં કોઈ શંકા નહોતી. મોદીને હિન્દુઓ ઉપર પ્રેમ ઉભરાયો હતો તેવું પણ નહોતું. જ્યાં સુધી હું નરેન્દ્ર મોદીને ઓળખું છું ત્યાં સુધી તે ક્યારેય કટ્ટર હિન્દુ હતા નહી અને રહ્યા પણ નથી, છતાં હિન્દુઓનો જે સ્વયંભૂ ગુસ્સો હતો તે બહાર આવી રહ્યો હતો. તે સાચો હતો કે ખોટો તે જુદી વાત છે પણ હિન્દુઓ વર્ષોથી એવી માનસિકતાથી પીડાય છે કે દેશમાં કોઇ પણ પક્ષની સરકાર આવે છે તે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે. તેના કારણે ગોધરાકાંડ પછી જે ઘટનાઓ બની રહી હતી જેમાં નરેન્દ્ર મોદીની તો ઠીક વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોની એક વ્યક્તિ કે સંસ્થા તરીકેની કોઈ આક્રમક ભૂમિકા નહોતી. પરંતુ જે રીતે તોફાનો થતાં હતાં તેને લઈને અંગ્રેજી છાપાઓ, ટેલિવિઝન ચેનલો અને દુનિયાભરના કહેવાતા બિનસાંપ્રદાયિકો નરેન્દ્ર મોદી પ્રેરિત હોવાનો આક્ષેપ કરતાં હતાં. જેનો મોદીએ તરત ફાયદો ઉઠાવી લીધો હતો. તેમણે ક્યારેય તેમની ઉપર થતા આક્ષેપનો વિરોધ ના કર્યો, જેના કારણે હિન્દુઓનો બહુમતી વર્ગ એવું માનવા લાગ્યો કે મોદીએ પોતાના તંત્ર-કાર્યકરોને મુસ્લિમોનો સફાયો કરવાની સૂચના આપી હતી. જોકે વખતે મોદીને ખ્યાલ આવી ગયો હતો કે હિન્દુઓની જે માન્યતા છે તે દૃઢ બને તે જરૂરી છે. તેના કારણે તો તરત તોફાનો બંધ થાય તો લોકોની યાદશક્તિ ટૂંકી હોવાને કારણે મોદી ફાયદો ઉઠાવવા માંગતા હતા તે ઉઠાવી શકત. તે માટે તેમણે ક્યારેય તોફાન બંધ કરાવવા માટે તંત્રને આક્રમક થવા કહ્યું નહોતું. તેના કારણે જૂજ પોલીસના પ્રયાસો છતાં તોફાનો કાબૂમાં આવતા નહોતાં.

મેં પહેલા કહ્યું તેમ નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દૂ તો ઠીક પણ હિન્દુતરફી પણ નહોતા. જો ખરેખર મોદી હિન્દુતરફી હોત તો તેમણે પોલીસને હિન્દુઓને પકડતાં નહીં તેવી સૂચના આપી હોત પણ તે બોલ્યા વગર હિન્દુઓને મૂર્ખ બનાવવા માગતા હતા. હિન્દુઓ તોફાન કરે તેમાં તેમને રસ હતો પણ તે હિન્દુઓ પકડાય ત્યારે તેમને છોડાવવા માટે નરેન્દ્ર મોદીએ ખાનગીમાં કોઇપણ પ્રયત્ન કર્યા હોય તેવું મારા ધ્યાનમાં નથી, કારણકે હું હિન્દુ સંગઠનો સાથે પણ નજીક હતો એટલે મને ખબર છે કે મોદીના કહેવાથી કોઈ હિન્દુ આરોપીને કોર્ટમાં કે જેલમાં મદદ મળી નથી. તેના બદલે મેં કેટલાક કોંગ્રેસી નેતાઓને જોયા હતા, જે પક્ષ ની મર્યાદાને કારણે જાહેરમાં તોફાનમાં પકડાયેલા કોઈ હિન્દુને મદદ કરી શકે તેમ નહોતા છતાં કોર્ટમાં ચૂપચાપ મદદ કરવા આવી જતા હતા. કોંગ્રેસી નેતાઓની તો કમનસીબી હતી કે તે તોફાનોમાં ખાનગી અને જાહેરમાં મદદ કરવા છતાં ક્રેડિટ લઈ શકતા નહોતા, જ્યારે જેલમાં હજારોની સંખ્યામાં હિંદુઓ હતા તેમને છોડાવવા માટે કોઈ પ્રયાસ મોદી અને તેમના ટેકેદારોએ કર્યો હતો. જોકે વિશ્વ હિન્દુ પરિષદે કંઈક અંશે પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે પોતાના તંત્રને કામે લગાડયું હતું. જેમાં કેટલીક બાબત આશ્ચર્યજનક હતી. જેમકે, વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમના પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, તેમજ ભાજપ સરકારમાં આવ્યા પછી તેમની મહેસાણામાં સરકારી વકીલ તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી. દિલીપભાઈ જ્યારે પરિષદ કાર્યાલયમાં હોય ત્યારે તેમને હિન્દુતરફી વાત કરવી પડતી હતી અને મહેસાણા કોર્ટમાં હોય ત્યારે પોલીસે ખાસ તોફાનમાં પકડેલા હિન્દુઓ સામે મૂકવામાં આવેલા આરોપ પુરવાર કરવાની જવાબદારી તેમની હતી. જોકે તેમણે તેમની બંને જવાબદારી કેટલી પ્રામાણિક્પણે બજાવી તે કહેવું મુશ્કેલ છે. તોફાનોમાં હિંસા આચરવા માટે અમદાવાદના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયની કોઈ સક્રિય ભૂમિકા નહીં હોવા છતાં તેમાં પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે તેમણે પ્રયત્નો કર્યા હતા. જ્યારે તોફાનોની ક્રેડિટ લઈ તેનો મતમાં ગુણાકાર કરનાર નરેન્દ્ર મોદી એન્ડ પાર્ટીએ ખરેખર તોફાનો વખતે કે પછી પ્રજાનું કામ નહીં કર્યું હોવા છતાં જાતે વરની માં બની ગયા હતા.

હું વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીનો વિરોધી નથી પણ તેમને નજીકથી ઓળખું છું. મેં તેમને નજીકથી કામ કરતા જોયા છે. શંકરસિંહ મુખ્યપ્રધાન થયા પછી તેમને મહિનાની અંદર ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવવાનું હતું. તેના માટે તેમણે ઉત્તર ગુજરાતમાં આવેલા રાધનપુરમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને તેની સાથે ભાજપે રાધનપુરમાં નરેન્દ્ર મોદીને મોકલી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શંકરસિંહ બાપુ પણ નરેન્દ્ર મોદીની જમાતના(ભાજપના) હતા, તેના કારણે તેમને મોદીના બધાં દાવપેચની ખબર હતી. ચૂંટણી રસાકસીભરી હતી, જેના કવરેજ માટે રાધનપુર ગયો હતો. ત્યારે હું સંદેશમાં હતો. ચૂંટણી ના દિવસે અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પત્રકાર દિલીપ પટેલ, વિકાસ ઉપાધ્યાય ધવાયા પણ હતા. જોકે સાંજ પડતાં શંકરસિંહના ટેકેદારોએ એટલો આતંક મચાવ્યો કે અમે બધા ફફડી ગયા હતા. જાણે બિહાર હોય તેવું લાગતું હતું. મુખ્યમંત્રી થયા પછી ચારેબાજુ ઓટોમેટીક રાઈફલ સાથેના જવાનોની વચ્ચે છાતી કાઢી ફરતાં નરેન્દ્ર મોદીને રાધનપુરના ભાજપ કાર્યાલયમાં ફફડતા જોયા હતા. ત્યારે મને પહેલી વખત ખ્યાલ આવ્યો હતો કે મોદી ભીરુ પ્રકૃતિના છે. જોકે તેમાં તેમનો પણ કોઈ વાંક નથી. દરેકની પ્રકૃતિ જન્મજાત હોય છે. કદાચ પ્રકૃતિને કારણે નરેન્દ્ર મોદીને લોકોએ શારીરિક રીતે હચમચાવી નાંખ્યા હતા. તેના કારણે મોદી ખૂબ ડરેલા હતા અને તેથી તેમણે હિન્દુઓ નારાજ થાય તેવા કોઇ મુદ્દાને સ્પર્શવાની હિંમત કરી નહોતી. તોફાનો દરમિયાન હોટલાઈન સાપ્તાહિકમાં હતો અને મેં મારા સાથી પત્રકાર કિન્નર આચાર્યએ સાથે મળી હોટલાઈનમાં નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. જેના કારણે મોદી મારાથી લાંબો સમય નારાજ હતા, કદાચ હજી પણ હશે. હું તે પત્ર માં લખેલી કેટલીક બાબતો અહીંયા ટાંકવા માંગુ છું. જેમાં મેં લખ્યું હતું, 'લોકો પૂછે કે નરેન્દ્ર મોદી હિન્દુતરફી છે કે નહી, એટલે હું તેમને કહું છું કે મોદી હિન્દુતરફી નથી, કે મુસ્લિમ વિરોધી પણ નથી. તે માત્ર તકવાદી અને તકલાદી છે, તમને મુસ્લિમોની ખુશામતમાં ફાયદો લાગશે તે તેવું કરશે.’ કોંગ્રેસના શાસનમાં પણ તોફાનો થતાં હતાં. ત્યારે પણ અમદાવાદના જુહાપુરા થી એસ.ટી.બસો પસાર થતી હતી, પરંતુ મોદી શાસનમાં જુહાપુરામાંથી એસ.ટી. બસો બંધ કરી દેવામાં આવી હતી. મોદીના કહેવા પ્રમાણે કે.પી.એસ. ગીલને તેમની સૂચના પ્રમાણે ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે. ગીલે ગુજરાતમાં આવી હિન્દુઓ સામે કડક વલણ અપનાવ્યું. કઈ રીતે મોદી તમે હિન્દુતરફી હોવાની વાહ-વાહ લૂંટો છો. તમે હિન્દુવાદી મહોરું પહેરી ફરો છો પણ માસ્ક નીચે નો ચહેરો મોદીવાદી નો છે. તમે તમારા પ્રેમમાં છો, તમે જે કરો તે સાચું છે તેવું માનો છો અને તમારા અંગે તમને લાખો ભ્રમ છે. જો હિન્દુવાદી હોત તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મસ્જિદ ઉપરના માઈક ઉતારી લીધા હોત, પરંતુ તમારામાં તેવી હિંમત નથી. બીજી બાજુ હવે તમને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સામે પણ વાંધો છે વગેરે... વગેરે... ઘણું બધું લખ્યું હતું પણ બધું અહીંયા લખવાનો અર્થ નથી.

નરેન્દ્ર મોદીને હિન્દુઓ તોફાન કરે તે વાત ગમતી હતી અને તેમાં આંખ આડા કાન કરનારા પોલીસ અધિકારીઓ પણ ગમતા હતા, પરંતુ હિન્દુઓને કે હિન્દુતરફી પોલીસને બચાવવા માં કોઈ રસ નહોતો. તે હિન્દુઓને ડરાવવા માટે મુસ્લિમોને ખેતરમાં ઉભા કરવામાં આવેલા ચાડીયા તરીકે ઉપયોગ કરતા હતા. જો હિન્દુ ડરે તો ભાજપને મત આપતા હતા તે ફોર્મ્યુલાનો મોદી ભરપૂર ફાયદો ઉઠાવતા હતા. તેમણે ક્યારેય બિલ્કિસબાનુ ના કેસમાં પકડાયેલા પોલીસ અધિકારીઓને છોડાવવા માટે જાહેરમાં તો નહીં પણ ખાનગીમાં પણ મદદ કરી નથી. મોદીને ખબર હતી કે તોફાન પછી નજીકના સમયમાં ચૂંટણી થવાની છે. તેના કારણે ચૂંટણી સુધી માહોલ ગરમ રાખવા માગતા હતા. તે પોતાના ભાષણોમાં શબ્દોની રમત કરતા હતા, જેમકે તે 'મિયાં મુશર્રફ' કહી વાતની શરૂઆત કરતા હતા પણ બીજા વાક્યમાં તે માત્ર 'મિયાં' શબ્દનો ઉપયોગ કરતા હતા ત્યાં બેઠેલા લોકો(હિન્દુઓ) તાળીઓના ગડગડાટથી મોદીને વધાવી લેતાં હતાં, કારણ કે મોદી ટેકનિકલ મિયાં મુશર્રફની વાત કરતા હોય તેવું બતાવી મુસ્લિમોને મિયાંના ઉદબોધનથી ભાંડતા હતા. ખરેખર તો મિયાં શબ્દ માનવાચક છે. મોદી ભાષાઓમાં રીતે મુસ્લિમોની ટીખળ કરી આમ હિન્દુઓને ખુશ કરતા હતા. કોઈ અઘરી કે બહાદુરીની વાત નહોતી. ચારેબાજુ પોલીસનો ચુસ્ત પહેરો હોય તારે તમે દુનિયાના કોઈપણ માણસ માટે કંઇપણ બોલી શકો એટલે તેમાં બહાદુરી તો નહોતી. સવાલ હતો વિવેકબુદ્ધિનો, તો તે અંગે હું કહેવા માટે ઘણું નાનો છું. મોદી શબ્દોનો ઉપયોગ સિફતપૂર્વક કરતાં હતાં. તોફાનોને કારણે ગુજરાતના વેપારને મોટું નુકસાન થવાથી તેની અસર આમ લોકો ઉપર થતી હતી અને થવાની હતી, પરંતુ મોદીએ લોકોની રોજીરોટીના પ્રશ્નને સલામતી સાથે જોડી દીધો હતો. તેલ-પેટ્રોલ અને ડુંગળીના ભાવ વધારો હતો પણ મોદીએ લોકોને એવું કહ્યું કે જો તેલ-પેટ્રોલ સસ્તા હશે પણ સવારે નોકરીએ ગયેલો તમારો પુત્ર સલામત રીતે ઘરે પાછો નહીં ફરે તો શું થશે? આમ લોકોને મુસ્લિમોના નામે ડરાવી તેમણે મોંઘવારીના પ્રશ્નોથી દૂર કરી દીધા હતા. પણ ગુજરાતના નહીં દુનિયાભરના નેવું ટકા હિન્દુઓ મોદી ઉપર આફરીન હતા. તે દ્રઢ પણે માનવા લાગ્યા હતા કે મોદી તેમનો ઉદ્ધારક છે. નરેન્દ્ર મોદીએ માત્ર ભાષણોમાં મુસ્લિમોને ભાંડવા સિવાય કોઈપણ રીતે હિન્દુત્વની સેવા કરી નહોતી. ગુજરાતમાં કોઈ નવા મંદિરો બન્યા, ગુરૂકુળો બન્યા તેવું પણ બન્યું નહોતું. જોકે મંદિરોનું નિર્માણ કરવું હિન્દુત્વ નથી પણ દુનિયાને બતાવવા માટે પણ તેવું કર્યું નહોતું.

જો કે અહીંયા નરેન્દ્ર મોદીની નિંદા કરવાનો ઇરાદો નથી. મોદી અંગે સાચી વાત કરનાર ખૂણામાં એકલા ઊભા હતા, કારણ કે મોદી જે રીતે મુસ્લિમો સામે બોલતા હતા તેને કારણે હિન્દુ સમાજનો મોટો વર્ગ તેમની સાથે હતો. તેથી જ્યારે તમે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કંઈપણ નિવેદન કરો એટલે તમને હિન્દુવિરોધી ગણવામાં આવતા હતા, હિંદુત્વ અને મોદીત્વ બંને અલગ-અલગ બાબતો હતી, છતાં મોદીના ટેકેદારો તેના એટલા પ્રભાવમાં હતા કે મોદીનો વિરોધ કરનાર તમામ મુસ્લિમ તરફી છે અને હિન્દુ વિરોધી છે તેવી માન્યતા દ્રઢ પણે આમ લોકોના મનમાં પણ ઠસી ગઇ હતી. જેના કારણે કોંગ્રેસને પારાવાર રાજકીય નુકસાન થતું હતું. તોફાનો પહેલાં કે પછી કોંગ્રેસે ક્યારેય હિન્દુઓના વિરુદ્ધમાં કોઈ વાત કરી નહોતી, છતાં કોંગ્રેસ નરેન્દ્ર મોદી નો વિરોધ કરતી હોવાને કારણે કોંગ્રેસ મુસ્લિમ તરફી છે અને હિન્દુ વિરોધી છે તેવી માન્યતા આમ નાગરિકોના મનમાં ઘર કરવા લાગી હતી. આખા રાજ્યમાં માહોલ એવો ઉભો થયો હતો કે નરેન્દ્ર મોદી સિવાય કોઈને હિન્દુઓની ચિંતા નથી. બાબત વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના નેતાઓ માટે પણ પીડાકારક હતી, કારણ કે જાણે તેમનું હિન્દુત્વ મોદી નો પાલવ પકડી ચાલી રહ્યું હોય તેવું લાગતું હતું. જેના કારણે અંદરથી પરિષદ અને ભાજપના નેતાઓ મોદીથી દૂર જઈ રહ્યાં હતાં. જોકે મોદી તેમના માટે એવો પ્રચાર કરતા હતા કે તેમને સત્તામાં ભાગબટાઈ મળતી નથી માટે તેઓ નારાજ છે. તોફાનોને કારણે નરેન્દ્ર મોદી કેટલીક રમતો સિફતપૂર્વક રમી રહ્યા હતા તેના કારણે નરેન્દ્ર મોદી ભાજપ કરતાં મોટા બની રહ્યા હતા, અને કોઈપણ સંસ્થા માટે તેનો કાર્યકર સંસ્થા કરતાં મોટો થાય તે બિલકુલ મંજૂર હોય તે સ્વાભાવિક છે. છતાં વર્ગ એવું માનતો હતો કે મોદીને રોકવા કે હટાવવા એટલે મુસ્લિમને ફાયદો કરી આપવા જેવું થશે. તેના કારણે મોદી જે દિશામાં જતા હતા અને ભાજપને પણ લઈ જતા હતા તેમને રોકવા કોઈના ગજા ની વાત નહોતી. નરેન્દ્ર મોદીની વાતમાં ક્યાંય પણ હિન્દુ તો નહી હોવા છતાં તેમણે ગુજરાતના તેમજ વિશ્વના હિન્દુઓમાં પોતાને હિન્દુઓના મસીહા તરીકે સાબિત કર્યા હતા. જોકે તેમાં ખાસ કંઈ કરવાનું નહોતું. માત્ર કેટલા મુસ્લિમો મર્યા તેના આંકડાઓને આગળ કરવાના હતા, તેમજ વધુ આંકડાઓ માટે પોતે કારણભૂત છે તેવી ઇમ્પ્રેશન તેમણે ઇરાદાપૂર્વક ઊભી કરી હતી.

તોફાનો પછી તરત વિધાનસભાની ચૂંટણી આવતી હતી તેની ઉપર મોદીનું રાજકીય ભાવિ નિર્ભર હતું. જેની મોદીને પણ ચિંતા હતી એટલે તેમણે પોતાની રમત આગળ વધારી. તેમણે તમામ જાહેર સભામાં મિયાં મુશર્રફના નામનો ઉલ્લેખ કરી ગુજરાતના મુસ્લિમોને ગાળો ભાંડી હતી, જેના કારણે લોકોએ તાળીઓ સાથે ખોબો ભરી મત આપ્યા હતા. નરેન્દ્ર મોદી પાકિસ્તાન કે મુશર્રફને ગાળો આપે તેની સામે કોઈ ગુજરાતીને કે ભારતના નાગરિકોને વાંધો નહોતો પણ નરેન્દ્ર મોદી જે રીતે મુશર્રફને ગાળો આપતા હતા તે હસ્યાસ્પદ હતું. તે પોતાના ભાષણમાં કહેતાં કે, ' મિયાં મુશર્રફ ગુજરાત સામે આંખ ઊંચી કરી છે તો તમારી ખેર નથી.' મોદી એવી રીતે વાત કરતા હતા જાણે પાકિસ્તાનને ભારત સામે નહીં પણ માત્ર ગુજરાત સામે વાંધો છે. માની લો કે મુશર્રફે ગુજરાત સામે ડોળો કર્યો તો ગુજરાત પાસે પોતાનું લશ્કર હોય અને મોદી તેના સેનાપતિ બની સરહદ ઉપર જઈ લડાઈ લડવાના હોય તેના જેવી વાત હતી. પરંતુ આપણા દેશની કમનસીબી છે કે મોદીના આવા ભાષણોથી અભણો નહીં પણ શિક્ષિતો નો મોટો વર્ગ પણ પ્રભાવિત થયો હતો. મોદીની પાછળ યુવાનો અને સ્ત્રીઓ પાગલ થતાં હતાં. જોકે નરેન્દ્ર મોદી માત્ર શબ્દોનો વ્યભિચાર કરી મુશર્રફને ગાળો આપતા રહ્યા. તે વખતે મુશર્રફની સૂચનાથી બે ત્રાસવાદીઓ ભારત આવ્યા અને જ્યાં મોદીનો સરકારી બંગલો હતો તેની બરાબર સામે જાણીતો સ્વામિનારાયણ મંદિર અક્ષરધામમાં પ્રવેશ કરી અનેક શ્રદ્ધાળુઓ ને મારી નાખ્યા હતા અને ત્યારે મોદી અને તેમનું ગુપ્તચર તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. નરેન્દ્ર મોદીએ તોફાનો પછી ની ચૂંટણીના આયોજન પ્રમાણે ભાજપને સત્તા મળે તો નાપસંદ તેવા નેતાઓની બાદબાકી કરવાનો વ્યૂહ ઘડી કાઢયો હતો. જોકે નરેન્દ્ર મોદીને ૧૯૯૫ ના બળવા પછી ગુજરાત બહાર મોકલી આપવામાં આવ્યા ત્યારે તેમણે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હોવાનું નજીકના કહે છે.

તોફાનો પછી નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા માટે આખા રાજ્યમાં પ્રવાસ કર્યો હતો અને તેમના ટેકેદારોની ભાષામાં કહીએ તો તેજાબી ભાષણો કરતાં હતાં. સ્થિતિમાં કોંગ્રેસની નેતાગીરી ડઘાઈ ગયેલી હાલતમાં હતી, કારણ કે તોફાનો દરમિયાન મોદીએ લોકોના મનમાં એવું ઠસાવી દીધું હતું કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. વાતમાં કોઈ નવી બાબત નથી પણ મોદીએ પોતાના ટોચના નેતાઓ માટે પણ લોકોના મનમાં એવું ઉતાર્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ કટ્ટર હિન્દુઓ નથી. એટલું નહીં તેમને મુસ્લિમો માટે સહાનુભૂતિ છે. ચૂંટણી પછીના જે પરિણામો આવ્યા તેમાં ભાજપને જંગી બહુમતી મળી હતી અને ૧૨૧ બેઠકો મળી હતી, તો ભાજપ સરકારના બાર મંત્રીઓ હાર્યા હતા. જેમાં એક વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતા સહિત શિક્ષક મતદારોમાં પ્રભાવશાળી ગણાતા જયનારાયણ વ્યાસ અને નીતિન પટેલ, ફકીર વાઘેલા જેવાં મંત્રીઓ પણ ઘરે આવ્યા હતા. જોકે તેમનો વાંક એટલો હતો કે જ્યારે આખું ગુજરાત ભડકે બળતું હતું ત્યારે ભાજપી નેતાઓએ પોતાના મતવિસ્તારમાં પોલીસ પાસે ચૂસ્ત બંદોબસ્ત ની વ્યવસ્થા કરાવી તેમજ લોકોને સમજાવી શાંતિ જાળવી રાખી હતી. જયનારાયણ વ્યાસના મતવિસ્તાર સિદ્ધપુરમાં તો મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો હોવા છતાં તોફાનો થયા નહોતા, જેના કારણે મુસ્લિમોની ખુમારી ફરી નહોતી. હવે આવા ભાજપી નેતાઓની હાલત તો એવી કફોડી થઇ હતી કે તેમણે પ્રમાણિકપણે પોતાની ફરજ બજાવી તોફાનો થવા દીધા તેથી કટ્ટર હિન્દુઓ નારાજ હતા. જ્યારે મુસ્લિમો સલામત હોવા છતાં ભાજપના નેતા ને મત આપવા તૈયાર નહોતા. ભાજપની નવી સરકારમાં તેઓ બહાર હતા. રીતે મોદી રાજયની એક પછી એક ચૂંટણી એકલા હાથે જીતી રહ્યા હતા. તેમાં તેમની સાથે ભાજપ-પરિષદ-સંઘ નહીં હોવા છતાં મોદીએ વિધાનસભાથી લઈ પંચાયત સુધીની ચૂંટણી જીતી સાબિત કરી આપ્યું હતું કે તે પાર્ટી કરતાં મોટા છે અને તેમના થકી ભાજપ છે. જોકે ભારતના રાજકારણમાં જે જીતે તે પ્રામાણિક હોય છે તે મોટાભાગના કિસ્સામાં બનતું નથી, કારણકે જ્યારે મોદીનો ગુજરાતમાં જયજયકાર થતો હતો ત્યારે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પણ ચૂંટણી જતા હતા અને કરાચીમાં બેસી દાઉદ ઈબ્રાહીમ ભારતમાં નેટવર્ક ચલાવતો હતો. એટલે તમામ સફળતાઓ પાછળ આંખો બંધ કરી દોડવાની જરૂર નહોતી, છતાં તેઓ બની રહ્યું હતું. નરેન્દ્ર મોદી હિન્દુત્વનું મોહ રૂપેરી હિન્દુઓને મુર્ખ બનાવી રહ્યા હતા અને હિન્દુઓ કોઈ વાત માનવા તૈયાર નહોતા.તેનું એક ઉત્તમ ઉદાહરણ નરહરિ અમીન છે. તોફાનો પછીની ચૂંટણીમાં નરહરિ અમીન અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. વિસ્તાર ચુસ્ત હિન્દુઓનો છે. નરહરિ અમીને વિસ્તારમાં ખૂબ કામ કર્યું હતું. હજારો મતદારો સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતા. ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી રહ્યા પછી નરહરિ ૧૯૯૫ પછીની બે ચૂંટણી હાર્યા હતા. તેનું એકમાત્ર કારણ કે કોંગ્રેસમાં હતા તે હતું, છતાં ત્રીજી ચૂંટણી તે જીત્યા હતા ત્યાર પછી તે ફરી ચૂંટણી લડી રહ્યા હતા. સાબરમતી મત વિસ્તારમાં એક પણ મુસ્લિમ રહેતો નથી એટલે તોફાનનો તો પ્રશ્ન નહોતો. વિસ્તારનું હિન્દુત્વ ગાદ્લાવાળા ની દુકાન બાળવા સુધી સીમિત હોય છે એટલે નરહરિ અમીન માટે ચિંતાનું ખાસ કારણ નહોતું. અમીન ની સામે ભાજપમાંથી ડો. જીતુ પટેલ ઉભા હતા, તે સાવ નવો ચહેરો હતો. જે નરહરિ અમીન માટે જમા પાસા સમાન હતું. અમીને ડોર ટુ ડોર પ્રચારની સાથે ગ્રુપ મિટિંગો પણ લેવાની શરૂઆત કરી હતી. તે મુજબ તેમણે જૈન સમાજની એક મિટિંગ બોલાવી હતી. જેમાં અંદાજે ચારસો-પાંચસો જૈન આગેવાનો હતા. બેઠકમાં પહેલાં મંચ ઉપર બેઠેલા જૈન અગ્રણીઓએ નરહરિ અમીનને મત આપવા અપીલ કરી હતી, ત્યારબાદ નરહરિએ પોતાના ભાષણમાં ભાજપના શાસનમાં પેટ્રોલ-ડીઝલ અને તેલનો ભાવ વધારો કેટલો થયો અને કોંગ્રેસના શાસનમાં શું ભાવ હતો તેની જાણકારી આપી હતી. લગભગ એક કલાકના ભાષણ પછી અમીને તેમને સાંભળી રહેલા લોકોને પૂછ્યું હતું કે તમારો કોઇ પ્રશ્ન હોય તો કહો. સાંભળી માત્ર એક માણસ ઊભો થયો હતો અને તેણે નરહરિ ને પુછ્યું હતું કે, ' હમણાં તેલનો ડબ્બો છસો રૂપિયા મળે છે તે પંદરસો રૂપિયા મળે તો પ્રજાને ચાલશે પણ સવારે નોકરીએ ગયેલો અમારો દીકરો સાંજે પાછો નહીં હવે તો શું કરીશું?' આ વાત મોદી પોતાના ભાષાઓમાં કરતા હતા. પ્રશ્ન સાંભળી નરહરિએ મોદી લોકોને કઈ રીતે કાલ્પનિક ભય બતાવે છે તેના ખુલાસા કર્યા હતા અને જો કોંગ્રેસનું શાસન આવશે તો પ્રજાને પૂરી સલામતી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પણ પરિણામ આવ્યું ત્યારે નરહરિ અમીન હાર્યા હતા. પરિણામના ત્રણ મહિના પછી નરહરિ અમીન મને મળ્યા ત્યારે તેમણે ઉપરોક્ત વાત કરતાં કહ્યું હતું કે, ' જે દિવસે મારી મિટિંગમાં મને પ્રશ્ન પુછવામાં આવ્યો અને પછી મેં જવાબ આપ્યો ત્યારે મને અંદાજ આવી ગયો હતો કે મારા એક કલાકના ભાષણ ઉપર એક પ્રશ્નએ પાણી ફેરવી નાખ્યું છે. પછી મેં જવાબ આપ્યો તે કોઈના ગળે ઉતર્યો નથી પણ બધાને પ્રશ્ન ગળે ઉતરી ગયો હતો. તે દિવસે મને ખ્યાલ આવી ગયો હતો કે મારી હાર નક્કી છે.' આમ નરેન્દ્ર મોદીએ આખા રાજ્યમાં ડર નો માહોલ ઊભો કર્યો હતો અને તેના દ્વારા તે સત્તા હાંસલ કરી રહ્યા હતા.

Rate & Review

Vinod Baria

Vinod Baria 9 months ago

Jayesh Talavia

Jayesh Talavia 1 year ago

Bharat

Bharat 2 years ago

Pavan rajput

Pavan rajput 2 years ago

Hindu always do riots

Kishor Gothi

Kishor Gothi 2 years ago

Share