9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 12 books and stories free download online pdf in Gujarati

‘૯૧૬૬ અપ: 12 - પોલીસ અધિકારીઓ ખાનગી ગોળીબાર કરતા હતા

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 12

પ્રશાંત દયાળ

પોલીસ અધિકારીઓ ખાનગી ગોળીબાર કરતા હતા

હેડિંગ વાંચીને તમને આઘાત લાગશે. કદાચ તમે જે વાંચ્યું છે તે સાચું નથી તેવુ માની તમે ફરી હેડિંગ વાંચશો પણ ખરા, પરંતુ તેમાં જરા પણ અતિશયોક્તિ નથી, કે પછી સનસનાટી ઊભી કરવાનો ઇરાદો પણ નથી. મારી પાસે ખાનગી બંદુકનો ઉપયોગ કરનાર પોલીસ અધિકારીઓના નામ છે, છતાં પુરાવાના અભાવે તેમના નામનો ઉલ્લેખ અહીયા કરતો નથી. એક વાત ચોક્કસ છે કે ખાનગી બંદૂકોના ઉપયોગ પાછળ તેમનો ઇરાદો પ્રત્યેક વખતે ખોટો હતો તેવું પણ નહોતું, છતાં તે ખોટું હતું અને છે તે હું દૃઢપણે માનું છું. ગોધરાકાંડ પછી સૌથી વધારે તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા, તેમજ મારું કાર્યક્ષેત્ર અમદાવાદ હોવાને કારણે હું તેનો સાક્ષી રહ્યો છું. અમદાવાદમાં તોફાનો સતત ત્રણ મહિના સુધી ચાલ્યા હતા, જેમાં ૩૮૬ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી દેવામાં આવી હતી, ૬૮ વ્યક્તિઓ છુરાબાજી ને કારણે મૃત્યુ પામી હતી, ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામી હતી, જ્યારે ૩૯ વ્યક્તિઓ ખાનગી ગોળીબારમાં મૃત્યુ પામી હતી. બાકીની ૩૯ વ્યક્તિઓ ગુમ થતાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. આ આંકડાઓ કઈ મારી વ્યક્તિગત ગણતરીના નથી, પરંતુ તોફાનોના સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરનાર તપાસપંચ સામે અમદાવાદ પોલીસે રજૂ કરેલા છે, જેમાં મારા અંદાજ પ્રમાણે વણનોંધાયેલા મોત ની સંખ્યા ઘણી વધારે હશે. જેમકે ગુલબર્ગ સોસાયટીમાં ૨૯ વ્યક્તિઓને ગુમ થયેલી બતાવવામાં આવી હતી. તે ખરેખર ગુમ નથી પણ તેમને મારી ક્યાંક દાટી દેવામાં આવી હશે .આવી સંખ્યા બહુ મોટી છે પણ કાયદો પુરાવા માંગતો હોવાને કારણે તેમના મોત નો કોઈ હિસાબ મળતો નથી. આપણે વાત કરતા હતા ખાનગી ગોળીબારની. તોફાનો દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેને પત્રકારોએ અનેક વખત ખાનગી ગોળીબાર અંગે પ્રશ્ન પૂછ્યો હતો તેઓ વાતને નકારી કાઢતા હતા, કારણકે કોઈ પણ વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન પોલીસને રિવોલ્વર કે તમંચા મળી આવતા નહોતા જેના આધારે પાંડે ખાનગી ગોળીબારની વાતનો ઇન્કાર કરતા હતા, છતાં જે લોકો મૃત્યુ પામતા હતા તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે વાત પોલીસ સામે આવી હતી કે ખાનગી ગોળીબારમાં પણ લોકો માર્યા જાય છે. આ વાત તોફાનો દરમિયાન તો પોલીસે દબાવી રાખી હતી પણ તપાસપંચ સામે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં તે વાત બહાર આવી હતી. to હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ખાનગી ગોળીબાર કોણ કરતું હતું અને શું કામ કરતું હતું? તે માટેનું સૌથી પહેલું કારણ એવું છે કે તોફાનો બાદમાં પોલીસ માટે સૌથી મોટો માથાનો દુખાવો એ હોય છે કે તેમણે ગોળીબાર કેમ કર્યો? ગોળીબાર કરવાની જરૂર હતી કે નહીં? ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો? વગેરે અનેક પ્રશ્નોના તેમણે જવાબ આપવાના હોય છે જેના કારણે પોલીસ પોતાની અંગત રિવોલ્વરનો ઉપયોગ કરતી હોય છે. આવું કંઈ પહેલી વખત નહોતું બન્યું. ભૂતકાળમાં પણ આવું બનતું હતું પણ ગોધરાકાંડ પછી પણ પોલીસ અધિકારીઓ પોતાની અંગત રિવોલ્વરનો ઉપયોગ કરતા હતા, કારણકે તેના કારતૂસો નો હિસાબ સરકારને આપવો પડતો નથી.કેટલાક પોલીસ અધિકારીઓ તો રાજકીય નેતાઓની લાઇસન્સવાળી રિવોલ્વરના પણ ઉપયોગ કરતા હતા. આ એક પાતળી ભેદરેખા હતી, કારણ કે પોલીસ તમામ વખતે કાયદામાં રહી કાયદાનો અમલ કરાવી શકતી નથી. તેના કારણે ઘણી વખત કાયદાની બહાર જઈને પણ કામ કરવું પડે છે. મારી પાસે નામ હોવા છતાં ચોક્કસ પુરાવા વગર પણ હું તે કહેવાની હિમ્મત કરું છું કે જે પોલીસ અધિકારીઓ ખાનગી હથિયારોનો ઉપયોગ કરતા હતા તેનો ઉપયોગ માત્ર મુસ્લિમો સામે જ થતો હતો. હિન્દુ અધિકારીઓ માટે આ વાત બહુ સહજ હોય છે, કારણ કે આવા સમયે તે પોતાની સાથે પોતાના વિશ્વાસુ હિન્દુ પોલીસ કર્મચારીઓને જ રાખે તેમાં કોઈ શંકા નથી. માની લો કે કોઇ મુસ્લિમ પોલીસઅધિકારી આવી રીતે ખાનગી હથિયારનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેમના માટે આ મુશ્કેલ હતું, કારણ કે મુસ્લિમ પોલીસ અધિકારી સાથે માત્ર મુસ્લિમ કોન્સ્ટેબલો હોય તેવું શક્ય નહોતું. આમ તો મોટાભાગના તોફાનો દરમિયાન કેટલાક હિન્દુ અને મુસ્લિમ પોલીસ અધિકારીઓ ઉપર તેમની કાર્યપ્રણાલીને લઈ આક્ષેપો થતાં હોય છે કે તેઓ પક્ષપાત કરે છે, પરંતુ એ વખતના તોફાનો દરમિયાન જેટલા મુસ્લિમ પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં હતા તે સતત એવો પ્રયાસ કરતા હતા કે તેમને મુસ્લિમ તરફી માનવામાં ના આવે. તેના કારણે તે હિન્દુઓ નો વિશ્વાસ સંપાદન કરવા પ્રયાસ કરતા હતા, જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર એન. એન. પઠાણ. પણ એક હતા, જે સાદા અધિકારી હતાં. જેમનું પાછળથી એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

તેવી જ રીતે ખાનગી ગોળીબારમાં ૧૫૩ વ્યક્તિઓ ઘવાઈ હતી, જ્યારે એક સો કરતાં વધુ વ્યક્તિઓ ને છુરાબાજીમાં ઇજા થઇ હતી.બીજી મહત્વ ની વાત એવી હતી કે આટલા મોટા પ્રમાણમાં શહેરમાં છુરાબાજી થઇ હોવા છતાં પોલીસે છુરાબાજી કરતી એકપણ વ્યક્તિને પકડી નહોતી. આ તોફાનો દરમિયાન છુરાબાજીની ઘટના માટે કોઈ ચોક્કસ ગેંગ આવી નહોતી, જે ભૂતકાળમાં બનતું હતું. ૧૯૮૫ અને ૧૯૯૨ના તોફાનોમાં કટ્ટર મુસ્લિમો ખાસ કરી મુંબઇ અને ઉત્તર પ્રદેશ થી છુરાબાજી માટે ગુંડાઓ બોલાવતા હતા. મુસ્લિમો દ્વારા થતી છુરાબાજીમાં એક તર્ક હતો. મુસ્લિમો ખુલ્લેઆમ આવી હિંદુ વસ્તી ઉપર હુમલો કરી તેમને સાફ કરી નાખે તેવી સંભાવના બહુ ઓછી છે, છતાં તેવું બનતું જ નથી. તેના કારણે મુસ્લિમો હિન્દુઓ સામે બદલો લેવા માટે છુરાબાજીનો આશરો લેતાં હતાં. તેમાં કંઈ કરવાનું નહોતું, માત્ર એકલદોકલ પસાર થતાં નિર્દોષ હિન્દુને છુરો મારી દેવાનો હતો. દરેક તોફાનમાં હિન્દુ-મુસ્લિમો મોતનો સ્કોર ગણતા હોય છે કે કઈ કોમના કેટલા મર્યા. જેના કારણે કટ્ટર મુસ્લિમો છુરાબાજીનો સહારો લઇ પોતાનો સ્કોર સરખો કરી લેતા હતા. જો કે લતીફના મોત બાદ અમદાવાદમાં કોઈ સંગઠિત ગેંગ નહીં હોવાને કારણે પણ મુસ્લિમો એવું માનતા હતા કે નુકસાન વધારે થયું છે. આ તોફાનોને ડામવા માટે અમદાવાદ શહેરમાં પોલીસે ૮૪૨૦ ટીયર ગેસના સેલ છોડયા હતા, જ્યારે ૪૪૦૦ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં પોલીસને ક્યારેય ગોળીબાર કરવાની જરૂર પડી નથી. તોફાનો દરમિયાન ધરપકડનો દૌર ચાલુ હતો. જેમાં ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા, છતાં ત્રણ મહિના સુધી અમદાવાદ શહેર શાંત થયું નહોતું.

અમદાવાદ શહેરના તોફાનો કાબૂમાં નહીં આવતા મે મહિનામાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેને ખસેડવા, પરંતુ પછી તરત તેમને નહીં ખસેડવા જોઈએ તેવો મત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો હતો. જો કે તેની પાછળના કારણની ખબર નથી. પી. સી. પાંડેને શહેરમાં કમિશનર તરીકે ચાલુ રાખીને અમદાવાદ શહેરનો ચાર્જ રાજ્યના પોલીસવડા કે. ચક્રવર્તીને સોંપવો તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણય ચક્રવર્તીને વિશ્વાસમાં લઈને લેવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નહોતું. ખરેખર તો ખુદ ચક્રવર્તીએ સરકારની વાત માનવી જોઈતી નહોતી, કારણકે તેમના માટે પણ પોલીસ કમિશનરની જગ્યા ઉતરતો હોદ્દો હતો પણ તે મોદીને નારાજ કરી શક્યા નહીં અને તેને અમદાવાદ શહેરના કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ નિર્ણય પી.સી.પાંડે માટે અપમાનજનક હતો. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંડેએ પોતાને શહેરમાંથી બદલી નાંખવા જોઈએ તેવો મત મોદી સામે વ્યક્ત કર્યો હતો પણ મોદી કંઈક જુદી ગણતરીમાં હતા. કે. ચક્રવર્તી અમદાવાદમાં આવી પી.સી.પાંડે ની ખુરશી માં બેસતા હતા અને પાંડે તેમની બાજુની ખુરશીમાં બેસતાં હતાં. આ વાત કોઈ પણ સ્વમાની માણસને ખટકે તેમ હતી. ચક્રવર્તિ પાસે ચાર્જ હતો પણ તે અમદાવાદના ભૂગોળ અને અધિકારીઓ થી પરિચિત ન હોવાથી તેમને તોફાન કેવી રીતે કાબૂમાં લેવા તેની સમજ પડતી નહોતી, કારણ કે તોફાનો કેમ થાય છે અને તેને કેવી રીતે અટકાવવા તે એ.સી. ચેમ્બરમાં બેસી સમજવાનો કે રોકવાનો વિષય નથી-તે ફીલ્ડ વિષય છે. તેના કારણે જે અધિકારીઓ ફિલ્ડમાં કાબેલ હતા તે પોતાના વિસ્તારમાં તોફાનો રોકી શક્યા હતા. અમદાવાદમાં પ્રથમ દિવસે એટલે કે તા. ૨૮મી ફેબ્રુઆરીના દિવસે જે કંઈ બન્યું તે અનઅપેક્ષિત હતું. કદાચ તેના માટે પાંડેને માફ કરી શકાય પણ ત્યાર પછી તોફાનો ચાલતા રહ્યા તેમાં પાંડેની સારી કરિયરને ચોક્કસ ધક્કો લાગ્યો હતો. અમદાવાદમાં તોફાનો શાંત થતા નથી તે વાત કેન્દ્રસરકાર સુધી પહોંચી હતી અને કેન્દ્ર ગૃહમંત્રી અડવાણીએ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે વાત કર્યા પછી ગુજરાતના તોફાનો શાંત કરવા માટે એક ફોર્મ્યુલા ઘડી કાઢી હતી. જેના ભાગરૂપે ગુજરાતમાં પંજાબના સુપરકોપ કે. પી. એસ. ગીલને તોફાનો ડામવા માટે મોકલવામાં આવ્યા હતા. આ વાતની નરેન્દ્ર મોદીને ખબર નહોતી તેવુ કહેવામાં આવે છે. આ નિર્ણય કરતાં પહેલાં કેન્દ્રસરકારે મોદીને વિશ્વાસમાં લીધા હોય તેવી સંભાવના બહુ ઓછી છે, કારણકે ગીલનું ગુજરાતમાં આગમન અને તે પણ કેન્દ્રના પ્રતિનિધિ તરીકે તે અપમાન જનક બાબત હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો વિષય રાજ્ય સરકારનો છે-નહીં કે કેન્દ્ર સરકારનો. કેન્દ્ર સરકાર તેવું માનવા લાગી હતી કે હવે ગુજરાતમાં તોફાનો રોકવા તે મોદીના હાથની વાત રહી નથી, તેમજ ભાજપના કેન્દ્રીય નેતાઓનું એક જૂથ એવું પણ માનતું હતું કે ખુદ મોદીને તોફાનો બંધ કરાવવામાં રસ નથી. આના કરતાં પણ ગંભીર બાબત એવી હતી કે ગુજરાતના મુસ્લિમોને ગુજરાત પોલીસ કે ગુજરાત સરકારમાં વિશ્વાસ રહ્યો નથી. તેવા સંજોગોમાં મુસ્લિમો કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકે તેવી વ્યક્તિની જરૂર હતી અને તેના માટે કે.પી.એસ ગિલને ગુજરાત મોકલ્યા હતા. એવું કહેવાય છે કે ગીલ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે જ નરેન્દ્ર મોદીને કેન્દ્રએ ગિલના નિર્ણયની જાણકારી આપી તેમનો પૂરતો સહકાર આપવાની સૂચના આપી હતી, કારણ કે કેન્દ્રની ભાજપની નેતાગીરી માટે ગુજરાતના તોફાનો શરમજનક હતા એ તેમણે ઊભી કરેલી પોતાની બિનસાંપ્રદાયિક છાપને મોદીએ ધોઈ નાખી હતી.

કે.પી.એસ ગીલના ગુજરાત ના આગમન પછી તેમની સાથે આઈ.જી.પી.એ.આઈ. સૈયદને ફરજ ઉપરના ખાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા હતા. ગીલનું કામ તોફાનો બંધ કરવાની સાથે મુસ્લિમોમાં ફરી વિશ્વાસ ઉભો કરવાનું હતું. જેમાં તેમણે તોફાનો તો બંધ કરાવ્યા પણ મુસ્લિમોમાં વિશ્વાસ ઉભો કર્યો કે નહીં તે કહેવું મુશ્કેલ છે. કે.પી.એસ ગીલે પંજાબમાં આતંકવાદને નાબૂદ કર્યો હતો, તેના કારણે તેમની પાસે તોફાનો બંધ કરાવવાની પોતાની એક સમજ હતી. તેમણે તોફાન બંધ કરાવવા માટે નરેન્દ્ર મોદીને કેટલાક સૂચનો કર્યા હતા. સરકારી ભાષામાં તે સૂચનો હતા પણ ખરેખર કેન્દ્રના આદેશ પ્રમાણે ગીલ જે પણ ઇચ્છે તે કરવું ફરજિયાત હતું. ગિલે સૌથી પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર પી.સી.પાંડેને ખસેડી તેમના સ્થાને કે.આર.કૌશિકને મૂકાવ્યા હતા. તેવી જ રીતે આઇ.પી.એસ. અધિકારી સતીષ શર્મા અને સતીષ વર્માને અમદાવાદ શહેરના સેકટર-૧ અને સેકટર-૨માં મુકાવ્યા હતા. આ બંને અધિકારીઓ ની છાપ માથાભારે અધિકારીઓની છે, તેમજ તેમને ક્યારેય સરકાર સાથે સારો નાતો રહ્યો નથી. તેમના નામ થી ગુંડાઓ તો ઠીક પણ રાજનેતાઓ પણ ફફડે છે. કદાચ તેના કારણે તેમની સતત બદલીઓ થતી રહે છે.જો ગીલ ગુજરાત મા ના આવ્યા હોત તો આ બંને અધિકારીઓ ક્યારે અમદાવાદમાં સારી કહેવાતી જગ્યાઓ ઉપર આવતા નહીં. આમ ગીલે સરકારને અનેક બદલીઓ કરવાની ફરજ પાડી હતી. સતિષ વર્મા-શર્માએ શહેરનો હવાલો સંભાળતા તેમણે તોફાનીઓને દંડાની ભાષા સમજાવવાની શરૂઆત કરી હતી, જેના કારણે થોડો હોબાળો પણ થયો હતો પણ ક્રમશઃ તોફાન કાબૂમાં આવવા લાગ્યા હતા. જોકે પોલીસ અધિકારીઓનો એક વર્ગ એવી દલીલ કરે છે કે અમદાવાદમાં તોફાનો બંધ થયાં તેની ક્રેડિટ કે.આર.કૌશિક કે પછી શર્મા-વર્માને આપી શકાય નહીં, કારણ કે શહેરમાં સતત ત્રણ મહિનાથી તોફાનો ચાલતા હતા અને તોફાન કરનાર પણ થાકી ગયા હતા. જેના કારણે તોફાનો બંધ થયા હતાં. આમ કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો ઘાટ હતો.

અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારીઓની નવી ટીમ આવી ગઈ હતી, જેમાં કોઈ પણ નેતાને સાંભળવા તૈયાર નહોતા. હમણાં સુધી આપણી સરકાર છે તેવી બડાઇ મારતા ભાજપી નેતાઓની હવા નીકળી ગઈ હતી અને સંખ્યાબંધ હિન્દુઓની ધરપકડ પણ થવા લાગી હતી. જે નેતાઓ તોફાન કરતા હિન્દુઓની વાહવાહ કરતા હતા તે હવે જ્યારે હિન્દુઓ પકડાઈ રહ્યા હતા ત્યારે તેમને છોડાવી તો શકતા નહોતા પણ પકડયા પછી તેમને મદદ કરવી ના પડે તે માટે મોઢું સંતાડતા હતા. પોલીસની નવી ટીમ પોતાની રીતે પ્રામાણિકપણે કામ કરતી હતી પણ હિન્દુત્વની દુહાઇ દેનારા હવે ગાયબ થઇ ગયા હતા. ત્રણ મહિના પછી હિન્દુઓને ખ્યાલ આવ્યો હતો કે તેમના જ હિન્દુ નેતાઓએ તેમને મૂર્ખ બનાવ્યા હતા. પોલીસે જે હિન્દુઓને પકડયાં હતાં તેમાં મોટી સંખ્યામાં દલિતો હતા, કારણકે તોફાનમાં તે આગળ હતા. દલિત પરિવારો ઉપર આભ તૂટી પડયું હતું, કારણકે ઘરમાં કમાનારી વ્યક્તિને જેલમાં મોકલી આપી હતી અને જામીન પણ થતા નહોતા. તે વખતે કોઈ હિન્દુ નેતા જેલમાં ગયેલા યુવકના પરિવારને પૂછવા નહોતો આવતો પણ હવે ફરિયાદ કરવાનો કોઈ અર્થ નહોતો. મેઘાણીનગર ગુલબર્ગ સોસાયટીમાં તો એક પણ પરિવાર રહેવા માટે આવ્યો નહીં, જ્યારે નરોડા પાટિયા વિસ્તારમાં તો અત્યંત ગરીબ મુસ્લિમો રહેતાં હતા. તેમને ડરતા-ડરતા ત્યાં રહેવું પડે તેમ હતું, કારણકે તેમની પાસે તો બીજો કોઈ વિકલ્પ જ નહોતો. જોકે થોડા મુસ્લિમો ક્યારેય ત્યાં પાછા આવ્યા નહીં, કેમ કે પોતાની જાતને છોડીને તેના પરિવારની તમામ કોમી તોફાનો નો ભોગ બની ચૂકી હતી. તેવા કિસ્સામાં જીવતી રહેલી એકલી વ્યક્તિ ત્યાં રહેવા તૈયાર નહોતી, કારણકે તેના સ્વજનો ની યાદો તેમને ત્યાં રહેવા દેતી નહોતી. આવી ઘટનાઓ અમદાવાદ શહેર માટે નવી નહોતી.

આ તોફાનોએ ગામડાઓને પણ બક્ષ્યાં નહોતા. જ્યાં વર્ષોથી સાથે રહેતા મુસ્લિમોને ગોધરાકાંડ બાદ દુશ્મન તરીકે જોવામાં આવતા હતા અને નાનાં-નાનાં ગામડાંઓમાં સરદારપુરા ની જેમ મુસ્લિમોને સળગાવી દેવામાં આવ્યા હતા. પહેલી વખત કોમવાદ ગામડાંઓ સુધી પહોંચ્યો હતો. આવું કેમ બન્યું તે મને આજે પણ સમજાતું નથી. જે થવાનું હતું તે થઈ ગયું પણ મારા મનમાં આ અંગેના અનેક સવાલો હતા અને છે. તેના જવાબ શોધવા માટે હું અનેક લોકોને મળતો હતો. ગોધરાકાંડ અને ત્યારપછીના તોફાનો કોણે કરાવ્યા તેની તપાસનો વિષય મારો નહોતો. હું તેમાં સમય બગાડવા માગતો પણ નથી, કારણકે મને ખબર છે કે તેનો ઉત્તર ક્યારેય મળવાનો નથી. મળશે તો તેમાં સત્યના અંશ કેટલા હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હું મારા ગુજરાતમાં આવું કેમ બની રહ્યું છે તેના કારણો શોધવા તરફ હતો. મેં જેમની સાથે આ અંગે વાત કરી તેમાં ગુજરાતના આઈપીએસ અધિકારી એ.આઈ.સૈયદ પણ હતા. તા. ૨૮મી ફેબ્રુઆરીએ તેમને ટોળાએ મુસ્લિમ અધિકારી તરીકે ઘેરી લીધા હતા, તેમજ કે.પી.એસ.ગીલ ગુજરાતમાં આવ્યા ત્યારે એ.આઈ.સૈયદ ને ગીલની સાથે ખાસ ફરજ ઉપરના અધિકારી તરીકે મૂકવામાં આવ્યા હતા. તેમની પાસે પોલીસ અધિકારી તરીકેનો ખાસ્સો અનુભવ હતો, સાથે એક મુસ્લિમ હોવાને કારણે મુસ્લિમોની સમસ્યાથી પરિચિત પણ હતા. અહીં વારંવાર મુસ્લિમ અધિકારી હોવાનો ઉલ્લેખ કરવાથી તેમને પસંદ પડશે નહીં, પરંતુ તેમનાથી અપરિચિત લોકો પણ તેમને અને તેમની વાતોને સારી રીતે સમજી શકે તે માટે આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. એ.આઇ.સૈયદ સાથે મેં આ અંગે વાતનો દોર શરૂ કર્યો અને તેની સાથે તેમણે મને સામો સવાલ કર્યો, 'અમદાવાદના મુસ્લિમોની માતૃભાષા કઇ?' મેં વિચાર કરતાં પ્રશ્નાર્થમાં જવાબ આપ્યો, 'ઉર્દુ?' તેમણે કહ્યું, 'ના ઉર્દુ મુસ્લિમની માતૃભાષા નથી.' પછી તેમણે લંબાણપૂર્વક વાત કરી. તેમનું જે ઓબ્ઝર્વેશન છે તે પ્રમાણે આખા ભારતમાં જ્યાં પણ મુસ્લિમો રહે છે તેમની પોતાની કોઈ ભાષા જ નથી. કેરળમાં રહેનારો મુસ્લિમ ક્યારેય પણ ઉર્દુમાં મા કે હિન્દીમાં બોલતો નથી, તે મલયાલમ ભાષામાં જ બોલે છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં રહેનાર મુસ્લિમ પણ મરાઠીમાં બોલે છે, ગુજરાતના સૌરાષ્ટ્રમાં રહેનારો મુસ્લિમ ગુજરાતી જ બોલે છે અને તેમની સ્ત્રી સાડીઓ પણ પહેરે છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં રહેનારો મુસ્લિમ ગુજરાતીમાં બોલતો નથી. જોકે તે ઉર્દુ પણ બોલતો નથી અને સારી હિન્દી પણ બોલતો નથી. તે ત્રણેય ભાષાઓનું મિશ્રણ બોલે છે. જે કાનને પસંદ પડે તેવી ભાષા નથી. જેના કારણે સૌથી પ્રથમ અમદાવાદ અને મધ્ય ગુજરાતનો મુસ્લિમ ભાષાથી અલગ પડે છે, જે વાત કોમી એકતા માટે ન નડતરરૂપ છે. ભાષા માણસને માણસથી નજીક લાવવાનું કામ કરે છે. ખબર નહીં કેમ અમદાવાદનો મુસ્લિમ ગુજરાતી જાણતો હોવા છતાં તેનાં ઘરમાં કે પરિચિતો સાથે ભાગ્યે જ ગુજરાતીમાં બોલે છે. તેમાં પણ કોઈની સાથે ઝગડો થાય ત્યારે તે ખાસ કરી ગુજરાતીમાં બોલતો નથી, તેના કારણે અમદાવાદના મુસ્લિમ ની ઓળખ સતત અલગ થતી રહી છે. કદાચ તે જ કારણ છે કે અમદાવાદના હિન્દુ અને મુસ્લિમ સતત એક બીજાથી દૂર રહ્યા છે. માત્ર ભાષાના કારણે તોફાન થાય છે તેવો તર્ક સાચો નથી, છતાં અમદાવાદનો મુસ્લિમ ગુજરાતી બોલતો નથી તે તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન છે. સૈયદની આ વાત સાથે હું સંમત છું. ગુજરાત ટુડે માં ફરજ બજાવતા મારા મિત્ર જાહીદની પત્ની સૌરાષ્ટ્રની છે. તે ઘરમાં પણ ગુજરાતી બોલે છે અને લગ્ન પ્રસંગે સાડી પણ પહેરે છે. તેની ભાષા અને પહેરવેશમાં મને ક્યાંય તે મુસ્લિમ હોવાનો ખ્યાલ આવતો નથી. તેનો ધર્મ કે માન્યતાઓ તેના ઘર સુધી સીમિત છે. જાહીદની એક પિતરાઈ બહેન પરવીને સૌરાષ્ટ્રમાં જ ગોસ્વામી યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે. જે સેથીમાં સિંદૂર પૂરે છે અને દેવીની ઉપાસના કરે છે, સાથે ઇસ્લામ ધર્મ પણ પાડે છે. આવું સૌરાષ્ટ્રમાં બને છે કે જે અમદાવાદમાં જૂજ બનતી ઘટનાઓ છે. હિન્દુ-મુસ્લિમના લગ્ન સામે કોઈને વાંધો હોવો જોઈએ નહીં. જે ઘટનાઓ ગામડાંઓમાં બને છે તેવી શહેરમાં બને તો મોટું તોફાન થઈ જાય છે. જ્યાં સુધી આમ લોકો ઉપર ધર્મની પકડ નો સવાલ છે ત્યાં સુધી બંને કોમ બાકાત નથી, છતાં બહુ પ્રામાણિકપણે કહું છું કે મુસ્લિમની સરખામણીમાં હિન્દુ સુધારાવાદી છે. મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પણ શિક્ષિત મુસ્લિમ ઉચ્ચ હોદ્દાઓ ઉપર હોવા છતાં લાંબી દાઢી, મોટો ઝભ્ભો અને ટૂંકો લેંઘો પહેરશે. જ્યારે ભણ્યા પછી કોઈ બ્રાહ્મણ શિખા રાખતો હશે તેવું બહુ ઓછું બને છે. મુસ્લિમ લાંબી દાઢી રાખે કે બ્રાહ્મણ શિખા રાખે તેના કારણે કોઈનું ભલું થશે તેવું પણ માનતો નથી, છતાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે શિખા રાખનાર બ્રાહ્મણોની સંખ્યા ઘટી છે. જ્યારે મુસ્લિમોમાં તેના કરતાં ઊલટું થયું છે. શિક્ષણ તો વધ્યું પણ ધર્મની પકડ ઓછી થઇ નથી. હું માનુ છુ કે શિક્ષણ કોઈપણ સમાજના લોકોને સમજ આપે છે. સમજ પોતાને ઓળખવાની અને સમાજ સાથે તાલ મિલાવવાની હોય છે પણ હું મુસ્લિમોમાં શિક્ષણ કંઈક અંશે નિષ્ફળ ગયું હોવાનું માનું છું .કોઈ મુસ્લિમ વિસ્તારમાંથી પીતાંબર પહેર્યું શિખા રાખનારો હિન્દુ રોજ નીકળે તો ક્યારેક તે વાત મુસ્લિમોને ખટકશે. તેવી જ રીતે લાંબી દાઢી અને ઊંચો લેંઘો પહેરી નીકળતો મુસ્લિમ પણ ખટકશે, છતાં શિક્ષણથી જે ફેરફાર હિન્દુમાં થયો છે તેવો મુસ્લિમમાં થયો નથી.

અમદાવાદના કડક હિન્દુ વિસ્તાર ગણાતા નારણપુરામાં ગિરીશ પટેલ જેવો એડવોકેટ સરકાર કે હિન્દુઓથી ડર્યા વગર મુસ્લિમોને અન્યાય થયો હોવાનું કહે છે, જ્યારે જુહાપુરામાં રહેતો કોઈ મુસ્લિમ નેતા ગોધરાકાંડને વખોડી શકતો નથી. તેનો અર્થ એવો પણ નથી કે જુહાપુરામાં રહેતા તમામ મુસ્લિમો ગોધરાની ઘટનાને વાજબી માને છે. મોટો વર્ગ તેની સાથે સંમત નહીં હોવા છતાં તે પોતાની કોમના એક વર્ગને નારાજ કરતો નથી. કદાચ તેને ડર લાગતો હશે પણ હિન્દુતરફી બોલવું એટલે ઇસ્લામનો વિરોધ કરવો તેવી માન્યતા ખૂબ દૃઢ છે. કદાચ તેને કોમનો દુશ્મન માની લેવામાં આવશે તેવો પણ ડર સતાવતો હોય છે.