અંધારી રાતના ઓછાયા-6

ધીમે-ધીમે મેરુ ના શરીર પર હાવી થઈ ગયેલી શૈતાની શક્તિ હવે મોહનના દિલોદિમાગ પર કબજો જમાવી રહી હતી. શૈતાની શક્તિ હવે બે આત્માઓના શુધ્ધ તત્વને મેલુ કરી રહી હતી.

અત્યારે આ સમયે કુલદીપની હાજરી ન હોત તો કુમાર અને શ્રી પોતાનો જીવ ખોઈ બેઠાં હોત.. કુલદીપ અને એમની વચ્ચે દસેક મિટરના દાયરામાં એ લોકો પોતાની મરજી મુજબનો વરતાવ કરવા સક્ષમ ન હતા. બાકી એ દાયરાની બહાર એ લોકો રાજા હતા. એટલે જ અત્યારે કુમારના ઘરમાં એ બંનેની દાળ ગળે એમ નહોતી.

ડાઈનિંગ ટેબલ પર રસોઈ પીરસાઈ જતાં શ્રીએ બધાને જમવાનો હુકમ કર્યો. કુલદીપે મોહનનો હાથ ખેંચતા ડાયનિંગ ટેબલ પર બેસવાનો ઈશારો કર્યો.

કુલદીપના હાથનો સ્પર્શ મોહનને થતાં વીજ પ્રવાહનો ઝટકો લાગ્યો હોય એમ એનું શરીર ધ્રુજી ઉઠ્યું. પછી તરત જ આળસ મરડી એ બેઠો થઈ ગયો. ઊભા થતી વખતે એણે સહેજ લથડિયું આવી ગયું. હવે એનું શરીર હળવુંફૂલ હતું. મલિન તત્વ એનાથી દૂર થઈ ગયું હતું. કુલદિપે એવી જ રીતે મેરુને પણ હાથ પકડી ઊભો કર્યો.

કુલદીપના સ્પર્શથી ચમકી ગયેલા મેરુંનું શરીર પણ મલિન ચેતનાની અસરથી મુક્ત થઈ ગયું હતું. સૌ જમીને બેઠકખંડમાં બેઠાં.. મોહન અને મેરુને ચેન જરા પણ ન હતું. એમના શુધ્ધ આત્માનું મલિન તત્ત્વ સામે કોઈ ગજૂ નહોતુ. અશુદ્ધ શક્તિ જાણે હવે એમનો પીછો છોડવા માગતી નહોતી. રક્ત પ્યાસ એટલી બધી તીવ્ર બની હતી કે એ બંનેથી રહેવાતું નહોતું. છેવટે મેરુએ કહ્યું.

"કુમારભાઈ... અમારા એક દૂરના સંબધી અહી રહે છે તો હુ અને મોહન એમને મળી આવીએ.. !"

"ત્યાં વહેલી સવારે જવાયને ..?" કુમારે કુલદિપ સામે જોતાં કહ્યુ.

" સવારે વહેલા અમે ઘરે જવા રવાના થઈ જવાના એટલે અત્યારે જઈ આવીએ તો બે ઘડી બેસીને વાત થઇ શકે..!"

શ્રીને આમ પણ મેરુ અને મોહનની હાજરી રુચિ નહોતી. એ તો મનોમન એ જ ઈચ્છતી હતી કે આ બંને અહીંથી જાય તો સારું. પોતાની ઉપર ધૂરખીયા કરતી એમની નજરો એને જરાય ગમી નહોતી. કુલદિપનો જીવ ઊંચો નીચો થયો હતો. ના કરે નારાયણ અને આ બંને જણા ઉપર શૈતાની શક્તિ હાવી થઈ જાય તો અનર્થ થઈ જાય. જેના ઘરે જવાના છે બિચારો વણમોતે માર્યોજાય.

આવા વિચારથી ખળભળી ઊઠેલો કુલદીપ બોલી ઉઠ્યો.

"મળવા જ જવું હોય તો હું પણ સાથે આવું ..!"

કુલદીપની વાતથી બંને મિત્રો ને આઘાત લાગ્યો. બંનેએ પરસ્પર સામે જોયું. પછી જાણે આંખોથી સમાધાન કરી લેતા હોય એમ બંને જણા સહમત થઈ ગયા. કુલદિપે જવાની વાત કરી એ કુમાર ને ના ગમ્યું છતાં તેના નિર્ણયને યોગ્ય ગણી લઈ કુમાર બોલ્યો.

"કુલદિપ આપણી ગાડી સાથે લેતા જાવ. અહીના કુતરા ખતરનાક છે. કુમારના સૂચનને આવકારી કુલદીપે ગાડીની ચાવી લઇ લીધી. અને ત્રણે મિત્રો ઘર બહાર નીકળ્યા. એમના ગયા પછી કુમારે ઘરનું મુખ્ય દ્વાર બંધ કર્યું. પછી બંને બેડ રૂમમાં આવ્યાં. બેડ ઉપર બેસતાં શ્રીએ કહ્યું.

"કુમાર તમારો મિત્ર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. ખૂબ નિખાલસ માણસ છે. પણ એમના બંને મિત્રો મને જરાય ગમતા નથી..!"

"અરે હા તને ગાડી માં શું થયેલું શ્રી..! તક મળતાં કુમારને સાચી હકિકત જાણવાની તાલાવેલી જાગી.

કિચનમાં પણ તુ ડરીને ચીસ પાડી ઉઠેલી..! મારો તો જીવ જ અધ્ધર થઈ ગયેલો...! શુ થયેલુ..?"

"હું ડરી ગઈ હતી કુમાર .. હું ખોટું નથી બોલતી. શ્રીએ ખૂલાસો કરતાં કહ્યુ.

"બીજી વખતના ડર માટે મને પહેલી વખતનો ભ્રમ કે તથ્ય નડેલુ."

"તુ મને સમજાય એવું બોલ શ્રી..!"

'તો સાંભળો એ બન્ને મિત્રોની ઉપસ્થિતિ મને કેમ ગમતી નહોતી..!" શ્રી એ બાગમાંથી પાછા ફરતા ગાડીના નાના મિરરમાં લાલસા ભરી મેરુ અને મોહનની દ્રષ્ટિ પછી એ જ રૂપને શેતાની સ્વરૂપ ધારણ કરતાં જોઈ ડરી ગયાની વાત કરી. કીચનમાં પણ એવું જ થયું એની આંખોમાં એ દ્રશ્ય તરવરી ઉઠ્યું. એકાએક ખૂલી ગયેલી બારીમાંથી ધુમાડાનો ગોટો ભીતર પ્રવેશ્યો. તે ધુમાડાના ગોટામાં ગાડીના મિરરમાં જોયેલો શેતાની ચહેરો જળના પ્રતિબિંબની જેમ લહેરાતો હતો.

શ્રીની વાત સાંભળી કુમાર ચોકી ગયો. કુમાર શિક્ષિત વ્યક્તિ હતો. છતાં પ્રેતાત્માની અસરમાં આવેલા લોકોને જોયા સમજ્યા પછી આવું કંઈક છે. એવું એ માનતો હતો. જેથી પત્નીની વાત જાણી એને લાગ્યું કે એણે જે જોયુ એ કદાચ ભ્રમ નહોતો. મલિન તત્વ કુલદીપના મિત્રો સાથે જાણે-અજાણે પોતાના ઘરમાં જરૂર પ્રવેશ્યું હતું. હવે આ લોકોથી ચેતતા રહેવું પડશે.

"don't worry શ્રી હું બેઠો છું ને..!"કુમારે પોતાની પત્નીને ધરપત આપી. બેડરૂમની લાઈટ ઓફ કરતાં શ્રીએ કહ્યું .

"એ લોકો પાછા ફરે ત્યારે સાવચેત રહેવું પડશે. મને તો બહુ ડર લાગે છે ..!"

"ડરવાની જરૂર નથી. કુલદીપ ઉપર ભરોસો રાખ. એની હાજરી આપણા માટે ઢાલ બરાબર છે. નિશ્ચિત બની તુ સુઈ જા..!"

"ઓલ રાઈટ..!" પતિના આશ્વાસન અને મજબૂત મનોબળથી શ્રીએ રાહતનો શ્વાસ લીધો.

***

મધ્યરાત્રીએ અંધકારના મોજાંથી ઘૂઘવતી હતી. અંધકારના ઓળાઓને હેડલાઇટથી અજવાળતી ખરબચડા અને ધોળીયા માર્ગ ઉપર કાર આવડતી હતી કાર ડ્રાઈવ કરતા કુલદીપને દ્રષ્ટિ સામે રહેલા મિરરમાં નજરે પડતા મેરું અને મોહનના ચહેરા ઉપર વારંવાર સ્થિર થઈ જતી હતી. લાલઘૂમ આંખો વાળા બંને ચહેરા પળે-પળે રંગ બદલતા હતા. ઘડીમાં એમના ચહેરા ફિક્કા શ્વેત બની જતા હતા, તો ઘડીકમાં એ ચહેરા પીળાશ પડતા લાગતા હતા. ક્યારેક વળી ચહેરાની ત્વચા લોહિયાળ બની જતી હતી. ઘરેથી નીકળ્યા ત્યારે એક કાળી બિલાડી આડી ફંટાઇ હતી. કોઈ અઘટિત ઘટનાના ભયથી કુલદીપનું તન-મન ધ્રૂજી ઉઠયું હતું. મેરુ મને મોહનની સાથે જવા કોઈ ગેબી શક્તિ એ એને ઉશ્કેર્યો હતો કુલદીપને લાગ્યું એ ગેબી શક્તિ પોતે જ અત્યારે એનું હલનચલન કરતી હતી. આદેશ કરતી હતી. જાણે પોતાના શરીર અને દિમાગ પર દોરી સંચાર એ ગેબી શક્તિનો જ હતો. શિયાળવાં દૂર-દૂર રડતાં હતાં. વહી જતી કારની પાછળ કૂતરા પોક મૂકીને રડતા હતા. કુલદીપ નું ચિત સ્થિર નહોતું. એ વિચારતો હતો. જે બનવાનું છે તે માટે મારે શુ મૂક સાક્ષી બની રહેવાનું હતુ..?" એવી વિધાતાની ઈચ્છા હશે. મારી ઈચ્છાને અંકુશમાં રાખી મને યંત્રવત જોવાની ફરજ પાડનાર ગુરુની ઈચ્છા છે. અર્ધચંદ્ર મધ્ય આકાશે ઝગમતો હતો. 15 મિનિટનો માર્ગ પસાર કરી કાર પટેલ ફાર્મ નામના બોર્ડ ટીંગાડેલા ગેટ સામે ઉભી રહી. કુમારને સમજ ના પડી ગાડીને બ્રેક કેવી રીતે લાગી ગઈ...?"

માણસ જ્યારે ખરાબ કામ કરવા જાય છે ત્યારે નસીબ પણ એને યારી આપે છે આજે વિધાતાની રહેમ નજર જાણે પૂરેપૂરી મેરુ અને મોહન પર હતી. સોમા પટેલના બંગલા આગળ ગાડી ઊભી હતી. કુલદીપ જાણતો હતો. સોમા પટેલના સંબંધીઓ માલદીવમાં રહેતા હતા. પટેલ માલદીવ આવતા-જતા. ગામની ઘણી પ્રજા આ ધનાઢ્ય માણસને ઓળખતી હતી.

મોહનનાં માતા-પિતા સાથે પટેલને ઘર જેવો સંબંધ હતો. પણ અડધી રાતે ઓળખીતાના ઘરે જવાનું પ્રયોજન શંકાસ્પદ હોવા છતાં પરાધિન યોદ્ધા પેઠે પોતાની જગ્યા ઉપર કુલદીપ જકડાઈ ગયો હતો. ઝડપથી દરવાજો ખોલી મેરુ અને મોહન ગાડીમાંથી બહાર નીકળી ગયા. પછી જે ઘટના ઘટી એ ખૂબ ભયંકર હતી. બંને મિત્રોની રક્ત પ્યાસ તૃપ્ત થઈ હતી. થોડાક સમયમાં તાંડવ ખેલી શૈતાનો પોતાની લીલા સંકેલી પરત આવી ગયેલા. કુલદિપ એમને રોકવા અસમર્થ હતો. આ ક્ષણે એ ગુરુની આજ્ઞા પ્રમાણે કશુ કરી શકે એમ નહોતો.. કદાચ એમને રોકવા જાય તો પણ આ સમયે એ લોકો કુલદિપ પર ભારે પડે એમ હતા. એટલે વિવશ બની બધુ જોવા સિવાય છૂટકો નહોતો. એમનુ શૈતાની રુપ જોયા પછી ગુસ્સે ભરાયેલા કુલદીપે મેરુનુ મલિન રક્ત બાળી આકરી સજા કરી. મેરુની હાલત જોઈ ગભરાઈ ગયેલો મોહન કુલદીપને કરગરી પડ્યો. અને પોતાને માફ કરી દેવા આજીજી કરી. ગુસ્સાથી છળી ઉઠેલો કુલદિપ ધૂંવાપૂવા થતાં ગાડી હંકારતો ગયો. બંનેના વસ્ત્રો પરના ધબ્બાઓથી કુલદિપ ચિંતિત હતો. ગાડી 'શ્રી વિલા' કમ્પાઉન્ડમાં થોભી ત્યારે કાળી રાત ભેંકાર બની હતી.

ગાડીમાંથી ઝડપથી બહાર નીકળી કુલદીપે બંને મિત્રોને આદેશાત્મક અવાજે કહ્યું.

" હું ઘરનો દરવાજો ખોલાવી કુમારને બેડરૂમ સુધી દોરી જઈશ.. પછી તરત તમે ઝડપથી ઘરમાં પ્રવેશી તમારા કમરામાં જઈ વસ્ત્રો ચેન્જ કરી લેજો..! કુમાર અને શ્રી તમને શંકાભરી નજરે જોવા લાગ્યાં છે. હવે આવી હાલતમાં તમને જોઈ લે તો મારું આવી જ બને..!"

કુલદીપે મુખ્ય દ્વાર આગળ આવી બેથી ત્રણવાર ડોરબેલ દબાવી. થોડાક સમય પછી કુમારે દરવાજો ખોલ્યો. સામે કુલદીપને એકલો ઊભેલો જોઈ કુમારને રાહત થઈ , છતાં એણે પૂછી લીધું.

" તારા મિત્રો ના આવ્યા..?"

"એ બંને લઘુશંકા માટે ગયા છે આવી જશે..!" કુલદીપ ગોઠવી રાખેલો ઉત્તર દોહરાવ્યો. કુમારના ચહેરા પરના ભાવો કુલદીપના ઉત્તરથી તરફ પલટાઈ ગયા. કુમારની પાછળ-પાછળ કુલદિપ ચાલવા લાગ્યો. એને ચિંતા ઘેરી વળી હતી. ગામમાં કોઈ વ્યક્તિનું ખુમ થયું છે એવા સમાચાર કુમાર જાણશે ત્યારે એનું અંતર અનેક શંકાઓ થી ભરાઈ જશે .હત્યારા તરીકે કુલદિપ પોતે પણ કુમારની શંકાના દાયરામાં આવે એ વાત જ એના માટે અસહ્ય હતી. ખૂની ઘટના વિષે કોઈ પણ આડા અવળા સવાલો પૂછી પોતાની તરફ કુમાર શંકાની સોય ભોંકે એ પહેલા કુમારને વચનબદ્ધ કરવાનું કુલદીપને યોગ્ય લાગ્યું. પોતાના વિચારનો અમલ તરત જરૂરી હોવાથી એ બોલ્યો.

"કુમાર, તારાથી કોઈ વાત છુપાવી હોય એવું આ જ લગી યાદ નથી. અમારા ચાર મહિના અજ્ઞાતવાસ વિષે ઘણી વાતો મારે તને કહેવી છે. પરંતુ આ યોગ્ય સમય નથી મને તારાથી વધુ કોણ સમજી શકે..?" પણ તારે હમણાં ધીરજ ધરવી પડશે. મને વચન આપ કુમાર .. જ્યાં લગી હું બધી આપવીતી ન કહું ત્યાં સુધી તારે મને કશું પૂછવું નહિ..!"

આમ અડધી રાત્રે આવી રીતે પોતાને વચન બધ્ધ કરી ચૂપ કરી દેવાનો આશય કુમારને ખટક્યો. કુમારનું વર્તન એને ભેદી લાગ્યું. કુલદીપ સાથે નજર મિલાવતાં એને ખચકાટ અનુભવ્યો.

"તને મારા પર વિશ્વાસ નથી કુમાર ..?" કુલદિપે આત્મીયતાથી પૂછ્યું.

કુલદિપના સ્વભાવથી સારી રીતે પરિચિત કુમારે મનનો મેલ દૂર કરતો હોય એમ કહ્યું. "તારા પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે.. તારી અનુકુળતાએ તું આપબીતી કહેજે.. ગમે ત્યારે સાંભળવા હું તત્પર રહીશ. કુમારે કુલદીપના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. "અરે પણ આ બે મિત્રો આવ્યા કેમ નહી..?" મેરૂ અને મોહનને આવવામાં વાર થતાં કુમારે પૂછ્યું.

" એક મિનિટ હું તપાસ કરું..! કુલદીપ સજાગ થઈ ગયો. બહાર દોડી આવી ગાડીમાં અને આસપાસ તપાસ કરી. પોતાના મિત્રોની ઉપસ્થિતિનો જરાય અણસાર ન મળતાં તેઓ ફરાર થઇ ગયા એ વાત સમજી ગયો. પલ ભર એ કિંકર્તવ્ય મૂઢ બની ગયો. પાછળથી કુમારે એની પડખે આવી ખભે હાથ મૂક્યો કુલદીપ ચમકી ગયો.

"શું થયું કુલદીપ તુ ડરી કેમ ગયો..?"

"આ લોકો ભાગી ગયા લાગે છે. બમણી મુસીબત ઊભી થઈ ગઈ. કુલદીપે ઠંડા કલેજે કહ્યું. "પરંતુ શા માટે કુલદીપ..? કેમ એમને ભાગી જવું પડ્યુ..?"

શાંતિથી બધી વાત કહીશ. અત્યારે ઊંઘી જા. કુલદિપ બેડરૂમ ભણી પરત થયો. કુમારના અંતરમાં રહસ્યના કુઙાળા ઉદભવ્યાં હતાં. કશું એની સમજમાં આવતું નહોતું. સવારે બધી વાત કુલદીપ કરશે એમ મનને મનાવી એ બેડ ઉપર આડો પડ્યો. વહેલી સવારે શ્રીએ કુમાર અને કુલદીપને જગાડ્યા. બંને સ્નાનાદિથી પરવારે ત્યાં સુધી શ્રીએ ચા-નાસ્તો તૈયાર કરી લીધો. કુલદીપના મિત્રો ચાલ્યા ગયા હતા એ વાત જાણતાસ્ત્રીને રાહત થઇ હતી. છતાં આમ અચાનક રાત્રે ભાગવાનું કારણ તેને સમજાતું ન હતું. એણે નાસ્તો કરતાં કરતાં પૂછ્યું.

"તમારા મિત્રોને અચાનક શું સુજ્યું દેવરજી ?"

કાચાં પગના માનવી આવું કરે ભાભીજી..! એ બન્નેના પેટે પાપ હતું. કુલદીપે એ લોકોની પોલ ખોલતા કહ્યું. ગાળિયો ગળામાં આવે તો ગમે તેવા કઠણ કાળજાના માણસને પણ ફફડાટ ફેલાઈ જાય. સ્વજન તો મારા પણ રાહ જુએ છે. આ લોકો તો જીવ બચાવી ભાગ્યા છે..!"

કશુંક બન્યું જરૂર હતુ. પરંતુ કુલદીપે વચનબદ્ધ કર્યો હોવાથી કુમાર મુંગો બની એની વાત સાંભળતો રહ્યો.

એકાએક કુમારનું મોબાઇલની ટોન વાગી. એણે ફોન કાને ધર્યો. "હેલ્લો.., કુમાર સ્પીકિંગ..!"

સામેથી પોલીસ ઇન્સપેકટર મીત માતરીનો અવાજ સંભળાયો.

" કુમાર એક બેહદ ઈન્ટ્રસ્ટિંગ કેસ છે. ઝડપથી પટેલ ફાર્મ પર પહોંચી જા.."

"યસ ઓલ રાઈટ..!" કુમારે પ્રત્યુત્તર વાળ્યો ,કે તરત ફોન ડિસકનેક્ટ થઈ ગયો . ફોન ગજવામાં મુકતાં કુમારે કહ્યું.

"ઈસપેકટર મીત માતરેનો ફોન હતો. તેઓ કહેતા હતા. કોઈ ઈન્ટેસ્ટિંગ કેસ છે. મારે તરત જવુ પડે એમ છે કુલદિપ..! તારી કોઈ નવી વાર્તા શ્રીને સંભળાવ જે એનો સમય પસાર થઈ જશે..! હું જલદી આવી જઈશ..!"

પરંતુ કુલદીપ સાવચેત થઈ ગયો કંઈ કાચું ન રંધાઈ જાય એટલે કુમાર સાથે રહેવું જરૂરી હતું. એ તરત બોલી ઊઠ્યો.

"કુમાર.. કશું ઇન્ટરેસ્ટિંગ મને જોવા જાણવા મળશે ખરું..? હું સાથે ન આવી શકુ..?"

"અફકોર્સ મને પણ કંપની રહેશે.. ચાલ આવતો હોયતો..!" પછી શ્રીને કોઈ ઈમ્પોર્ટન્ટ વાત કહેતો હોય એમ એની સામે હળવેથી કુમાર બોલ્યો. આજે તો તારી ફ્રેન્ડ "મિન્ની" જરૂર આવવી જોઈએ...!"

"હા કુમાર, આજે મારી સખી જરૂર આવશે..!"

'મિન્ની'નું નામ સાંભળતાં જ કુલદિપની આંખોમાં ચમક આવી ગઈ.

જિજ્ઞાસાવશ એ પૂછી બેઠો "આ મિન્ની કોણ છે ભાભીજી..?"

"કેમ તમે પણ કોઈ મિન્નીને ઓળખો છો દેવરજી..?" શ્રીએ શરારત કરતાં કહ્યુ.

"અમારી સખી પણ કમ નથી. એક વાર એને જે જુએ.. એ જોતા જ રહી જાય..!"

" તો પછી તમારી સખી મિન્નીને મારે જરૂર જોવી પડશે ભાભીજી..! તમે અમારી મુલાકાત ગોઠવી દે જો..! "

કુલદીપે કુમાર સામે આંખ મિચકારી. પછી બંને મિત્રો ઝડપથી ઘરની બહાર નીકળી ગયા.

ગાડી પટેલ ફાર્મ તરફ દોડતી હતી. મિન્ની નામ કુલદીપના દિલો દિમાગ પર છવાઈ ગયું.

"મિન્ની..ઓહ ..! મિન્ની ઈશ્વર પણ ઇચ્છે છે કે એક ક્ષણ માટે હું તારું સ્મરણ મારાથી દૂર ન થવા દઉં..! તુ મારું શમણું..! મારા જીવનની બહાર છે..! તારા વિના જીવનમાં મધુરપ નથી..! અધૂરપ છે..! મારા રોમેરોમમાં તારું અસ્તિત્વ છે...! તારાથી અળગો થઈ તારી વધુ નજીક આવી ગયો છું...! કદીક એવું લાગે છે તું મારી આસપાસ જ છે..!"

કુલદીપ મિન્નીના ખયાલોમાં ખોવાઈ ગયો હતો.

જ્યારે કુમારનું મન બીજી જ અટકળોમાં પડ્યું હતું. રાત્રિના સમયે મિત્રોનું બહાર જવું. ઘરે આવ્યા પછી મેરુ અને મોહનનું ભાગી જવું.. કુલદીપ દ્વારા વચનનું વેધકશસ્ત્ર ઉગામી પોતાને મૂંગો બનાવી દેવો. અને અચાનક ઈસ.મીત માતરીનો ઈન્ટ્રસ્ટિંગ કેસ વાળો કોલ આવવો ,જોગાનુજોગ જાણે કે બધી કડીઓ મળતી હતી. કંઇક અઘટિત ઘટનાનો ઓછાયો સામે મંડરાતો હતો. અત્યાર લગી અભેદ રહેલા સમસ્યાના ઉકેલ તરફ જતા પાટા પર કુમાર ચડી ગયો હતો.

એક હળવા આંચકા સાથે ગાડી ઉભી રહી. કુમાર અને કુલદિપ ઝડપથી ગાડીમાંથી નીચે ઉતર્યા . ગાડીને પટેલ ફાર્મ ઉપર ઊભી રહેલી જોઈ કુલદીપના પેટમાં ફાળ પડી. કુમારને બધી વાતની જાણતો નહીં થઈ ગઈ હોય ને..? બન્ને પટેલ બંગલાના પ્રાંગણમાં ઉભેલી પોલીસવાન તરફ આગળ વધ્યા.

(ક્રમશ:)

-સાબીરખાન

મો.9870063267

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Dilip Bhappa 7 months ago

Verified icon

Ajaysinh Chauhan 8 months ago

Verified icon

Bhavna 8 months ago