આત્માના અંતિમ સંસ્કાર ! - ૪

પ્રોફેસર સિન્હા - “ શું કૃષ્ણ આ ધરતી પર વિહરતા હતા, શું બુદ્ધા નું અસ્તિત્વ હતું, શું રામ નો જનમ અહી થયો હતો, શું શિવજી અહી નૃત્ય કરતા હતા? જ્યાં સુધી તમને જવાબ હા માં ના મળે કોઈ પ્રૂફ સાથે તો પછી તમે તેને અવગણી કેમ શકો ? કેમ કે તમને એના જવાબો શોધવાનો કોઈ રસ્તો નથી મળતો ? કેમ કે તમને લાગે છે કે એ કોઈ ઋષિ મુની એ ભાવાવેશ માં આવી ને લખેલી કપોળ કલ્પિત વાર્તાઓ છે ? સમાજ માં ધર્મ ના નામે ફેલાયેલી અફવાઓ માત્ર છે ? પોતાના આરાધ્ય દેવો ને સર્વપરી સ્થાપિત કરવા નું ષડયંત્ર છે ?” પ્રોફેસર ની આંખો માં ખુન્નસ ઉતરી આવ્યું અને અવાજ ધારદાર થઇ ગયો. “આંખો ખોલવાનો સમય પાકી ગયો છે બેટા, કોઈ નું કીધેલું કે સમાજ નાં એક વર્ગ દ્વારા માન્યતા પામેલું અને છપાયેલું જ માનવાનું છોડી દો, મન ને છુટું મૂકી દો અને એને જાતે એનો માર્ગ શોધવાનો એક મોકો આપો. સત્ય કદી કોઈ એક સ્થૂળ વસ્તુ નથી કે જે ખોવાઈ જાય અને પછી આપણે એને શોધી શકીએ, સત્ય આપણી અંદર હોય છે, બસ એને સમજવાનું અને પામવાનું જ બાકી હોય છે, જે લોકો એને સમજી શકે છે એ લોકો એને પામવાની દરકાર નથી કરતા અને જે લોકો એને પામી લે છે એને સમજવાની કે સમજાવવાની દરકાર નથી કરતા, જે એ બંને ને સાથે રાખી ને સત્ય નો આદર કરે છે એ જ લોકો ને એના સાક્ષાત્કાર થાય છે. ગમે તેવા ડીજીટલ કેમેરા આવે કે એક્સરે મશીન આવે પણ શું આપણે આત્મા નો ફોટો પાડી શકી એ છીએ ? શું આપણે એને સ્કેન કરી ને આપણા કમ્પુટર નાં ડેસ્કટોપ કર મૂકી શકી એ છીએ ? આત્મા ને સમજો, પામો અને પછી એને અનુભવો તો આ બધું કઈ કરવાની જરૂર નથી, બસ એ આપોઆપ જ આપણા મન નાં ડેસ્કટોપ પર સંઘરાઈ જાય છે.” બધુજ સુક્ષ્મ હોવું, સ્થૂળ હોવું જરૂરી નથી, અલૌકિક અગોચરી અવર્ણનીય અદભૂત્ત અવિસ્મરણીય અમાપ આવિષ્કારિક અદ્વિતીય પણ હોય છે અને એનો મુગ્ધ થઇ ને આનંદ માણવો એ જ એની હાજરી છાતી કરતો પુરાવો હોય છે.”

***

આત્માના અંતિમ સંસ્કાર ! – ૪

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીન માં

“પણ હું તો ત્રાટક કરીને સામે પડેલા પાત્રનું પાણી માંડ હલાવી શકું છું.” કિશોર હુંગ બોલ્યો. વૃદ્ધ માસ્ટર ચાઓ એ એની સામે કરુણતાથી જોયું. એને ખબર હતી કે નાનપણથી એક અકસ્માતમાં હુંગની એક આંખની રોશની જતી રહી હતી. ત્રાટકની પ્રાચીન ચીની પરમ્પરા શીખવા માટે વ્યક્તિને બે આંખોની આવશ્યકતા હોય છે. ચાઓ પોતાના કિશોરવય નાં રાજકુમાર સામે જોઈ રહ્યો. ચાઓ ચીનનો સહુથી વૃદ્ધ વ્યક્તિ હતો. હુંગના પિતા અને એના પિતાને પણ એણે શિક્ષણ આપેલું. તમામ કળાઓમાં પારંગત કરેલા. એણે પોતે અલગ અલગ લગભગ ત્રીસ જાતની લડવાની કળાઓની શોધ કરેલી. યુદ્ધ માટેના અવનવા શસ્ત્રો પણ એ શોધી કાઢતો. તમામ ચીનની પ્રજા અને રાજા એક સમાન એની સામે નમતી અને એને માન આપતી. ચીની નવા વર્ષની ઉજવણી પણ ચાઓને રાજમહેલમાં બોલાવી ને એનું સન્માન કરીને એના હસ્તે થતી. પાછલા ઘણા વર્ષોથી ચાઓએ રાજકીય કામોમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી પણ રાજકીય પરિવારના પારાવાર આગ્રહ પછી રાજકુમારોને શસ્ત્ર અને પ્રાચીન ચીની માર્શલ આર્ટ ની અને અન્ય અદભુત કળાઓ જેવીકે ત્રાટક અને ચી ગોન્ગનું શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું હતું. ચી ગોન્ગ કે જે બે ચીની શબ્દોથી બનેલો છે. ચી નો સામાન્ય રીતે મતલબ જીવન બળ અથવા આવશ્યક ઉર્જા એવો થાય છે કે જે બ્રહ્માંડમાં બધી વસ્તુઓ દ્વારા વહે છે, ગોન્ગ એટલે સિદ્ધી અથવા કૌશલ્ય કે જે સાતત્યપૂર્વક પ્રેક્ટીસ દ્વારા પ્રાપ્ત થાય છે. બને શબ્દો સાથે મળીને સ્વાસ્થ્ય જાળવવા અને જીવનશક્તિ માં વધારો કરવા માટે ઉર્જાને વિકસવાનું અર્થ ધરાવે છે. તમામ રાજકીય પરિવારની વ્યકિત ને આનું શિક્ષણ ફરજીયાત હતું. અમુક એવી પણ પ્રાચીન વિદ્યાઓ હતી કે જે ચાઓ માત્ર રાજગાદી ના વારસદારોને જ શીખવાડતો.

ચાઓએ પ્રેમથી હુંગની સામે જોયું. થોડાજ વર્ષોમાં આ તરવરીયો જુવાન બધી વિદ્યાઓમાં પારંગત થઇ ગયો હતો. પણ એક આંખ ગુમાવી હોવાથી એનામાં રહેલી અસાધારણ શક્તિ પણ એને રાજા બનાવી શકવાની નહોતી. એનો નાનો ભાઈ રાજગાદી માટે ઉપયુક્ત મનાતો હતો અને એનો ગાદીવારસ તરીકેનો રાજ્યાભિષેક પણ થઇ ચુક્યો હતો. ચાઓએ પ્રેમથી હુંગના માથે હાથ ફેરવ્યો. હુંગ આશાભરી આંખે એની સામે જોઈ રહ્યો. અચાનક એ ઘુટણો પર બેસી પડ્યો અને માથું નમાવીને બોલ્યો “હે મહાન શિક્ષક, તમે તો રાજાઓ નાં પણ રાજા છો, જે રાજગાદી ને વારસદાર આપનાર માતા કરતા પણ મહાન છે એ સર્વગુણસંપન મહાન ચીની સંસ્કૃતિના સારથી છો. મને તમારી અઘરામાં અઘરી અને કોઈને નાં શીખવાડી હોય એવી શક્તિથી સજજ કરો. હું વચન આપું છું કે આવનારો સમય તમારા યોગદાન ને હંમેશા યાદ રાખશે.” ચાઓ અચંભિત થઈને આ નાના કિશોરને જોઈ રહ્યા. અચાનક કડાકા ભેર વીજળી ચમકવા માંડી અને આકાશ માં વાદળો ઉમટી આવ્યા. વરસાદ શરુ થઇ ગયો. “મહેલ જતા રહો રાજકુમાર, પલળી જશો, આજે તો આંધી અને તોફાન પણ આવે એવી શક્યતા લાગે છે.” ચાઓ આટલું બોલીને અંદર ઘરમાં જતા રહ્યા.

હુંગની આંખોમાં આંસુ આવી ગયા, એણે પોતાની એક આંખ દ્વારા દૂર ઝાંખા દેખાતા પહાડો તરફ ત્રાટક કર્યું. અચાનક જાણેકે ધરા ધ્રુજી ઉઠી, ચાઓ પોતાના ઓરડામાંથી બહાર આવીને વરસતા વરસાદમાં હુંગને ઉભેલો જોઈ રહ્યા અને સામેના પહાડો જાણે કે ડોલવા માંડ્યા હોય એવું લાગવા માંડ્યું. ચાઓ ફાટી આંખે જોઈ રહ્યા. પછી એમણે આ જીદ્દી રાજકુમાર તરફ વહાલથી જોયું અને એનો હાથ પકડી ને એને અંદર ઘરમાં લઇ ગયા.

“પ્રાચીન શક્તિ છે એ, સર્વનાશી, અદ્વિતીય, જેના પાસે હોય એનો કોઈ વિનાશ કરી શકતું નથી, અમર થઇ જાય છે.” ચાઓએ એક લાકડી લઇ ને રેતી ભરેલા પાત્રમાં ત્રિશુલ દોર્યું. હુંગ જાણે કે સંમોહિત થઇ ગયો હોય એવી રીતે એની સામે જોઈ રહ્યો. “આ શક્તિને જે પામે એ જગત પર રાજ કરે, વહાલા રાજકુમાર, પણ અફસોસ, મારી ઉમર થઇ ગઈ છે, હું તો બસ આ એક ગુપ્ત વાત તમને કહી શકું એમ છું. ચાંગ-રાજઘરાના નો જૂનો સેવક પણ આ વાત જાણે છે. ત્યાં જવાનો એક માત્ર માર્ગ પણ મારા સિવાય એ જાણે છે. શક્તિ બર્ફીલા પહાડો વચ્ચે થઇ ને અત્યંત દુર્ગમ માર્ગે જતા એક ઉન્નત બરફના શિખર માં આવેલી છે. મારા દાદાએ મને આ વાત કહેલી. મને એ રસ્તે લઇ પણ ગયેલા પણ અત્યંત ઠંડા બર્ફીલા પહાડો અને તોફાનો વચ્ચે અમે ફસાઈ ગયા અને અફસોસ અમારે એ યાત્રા પડતી મુકવી પડેલી. ત્યારબાદ હું અને ચાંગ આપના પિતાશ્રીના આદેશથી ત્યાં જવા નીકળેલા અને એ મહાન શક્તિના દર્શન દૂર થી કરવાનો અહોભાગ્ય પ્રાપ્ત કરેલો. એ શક્તિ ના રખેવાળે અમને ત્યાંથીજ પાછા ફરી જવાનું કહેલું અને અમે એમજ કરેલું. જે મન અને વચન અને કર્મથી શુદ્ધ હોય એનેજ એના દર્શન થાય છે. લાલચ અને લોભ એની પાસે પણ જઈ શકતો નથી. પણ અફસોસ, માત્ર રાજાઓને જ એ શક્તિ સુધી દોરી જવામાં આવે છે માટે તમે આ વાત પડતી મુકો રાજકુમાર હુંગ” ચાઓ બોલ્યા.

હુંગ ચાઓની સામે જોઈ રહ્યો, અચાનક એ ચાઓનાં ચરણોમાં ઝુકી પડ્યો અને એમને નમન કરીને ત્યાંથી ચાલી નીકળ્યો.

વરસતા વરસાદમાં રાજમહેલ તરફ જતા હુંગની આંખમાં આંસુ પણ હતા અને હોઠો પર સ્મિત પણ હતું. ચાઓએ એક ડચકું ખાધું અને એના મોઢામાંથી લોહી નીકળી આવ્યું. એની છાતીમાં બરોબર હૃદયમાં કટારી ખુંપી ગઈ હતી, માંડ માંડ ઉભા થયા અને આગળ વધવા લાગ્યા પણ રેતી ભરેલા પાત્ર પર ફસડાઈ પડ્યા. એની છાતીમાંથી નીકળતું લોહી વહીને રેતી ભરેલા પાત્રમાં દોરેલા ત્રીશુલને લાલ રંગ પુરતું હોય એવું લાગતું હતું. એની આંખો બંધ થવા લાગી, એને દૂર ઉત્તુંગ પર્વતો પર એક હાથમાં ત્રિશુલ અને એક હાથમાં ડમરું લઈને કોઈ આકૃતિ નાચતી હોય એવો આભાસ થવા લાગ્યો. “સામ્રાજ્યનું અને ભાવી પેઢીઓનું પતન થઇ જશે” એવો ઘેરો અવાજ એના કાનમાં ગુંજી રહ્યો. ડમરુંનો આવાજ તીવ્ર થઇ ગયો, “ઓમ” નો ઘેરો ધ્વની એના કાનોમાં ગુંજી ઉઠ્યો અને એની આંખો ભારે થવા લાગી અને એ ફસડાઈ પડ્યા.

ઓપિયમ/અફીણ પોપી પ્લાન્ટ માં થી આવે છે અને એને પાપાવર સોમ્નીફેરીયમ તરીકે પણ ઓળખાય છે. સોમ્નીફેરીયમ એ લેટીન શબ્દ છે જેનો અર્થ “હું આનંદ આપું છું” કે “હું નીંદર આપું છું” એવો થાય છે. અફીણથી ઊંઘ પણ આવે છે એટલે એનું આવું નામ સાર્થક પણ છે.

એક રસપ્રદ પ્રાચીન કહાણી અફીણની ઉત્પત્તિ વિષે બોધક રૂપે આપણને જણાવે છે.

પ્રાચીન ભારતમાં ગંગા નદીના કિનારે એક ઋષિ રહેતા હતા. એક વાર એક ઉંદર એમની ઝુંપડીમાં આવીને રહેવા લાગ્યો. ઉંદરને બિલાડીની બહુજ બીક રહેતી એટલે એણે ઋષિને પોતાને બિલાડીમાં રૂપાંતરિત કરવાનું કહ્યું. ઋષીએ એમજ કર્યું. પણ બિલાડી બન્યા પછી એને કુતરાઓ થી કનડગત થઇ, એટલે એની વિનંતીથી ઋષીએ એને કુતરો બનાવી દીધો પણ એ પછી પણ એને વાંદરાઓ હેરાન કરવા લાગ્યા, એટલે એમ એક પછી એક એનું રૂપાંતરણ કૂતરામાંથી વાંદરો, ડુક્કર, હાથી અને પછી એક સુંદર રૂપ રૂપની અંબાર એવી ઘમંડી યુવતીમાં થઇ ગયું. આ સુંદર યુવતીનું નામ પોસ્ટોમોની રાખવામાં આવ્યું. તે એક રાજાને પરણી. પરંતુ થોડાજ સમયમાં એ બીમાર પડી અને એનું મૃત્યુ થઇ ગયું. રાજાએ રડતા રડતા ઋષિ પાસે ઘા નાખી. ઋષીએ એની પત્નીને અમરત્વ બક્ષવા માટે એના શરીરને પોપી પ્લાન્ટમાં માં રૂપાંતરિત કરી નાખ્યું. ઋષીએ કહ્યું “આ છોડમાંથી અફીણ નીકળશે. લોકો એનું લાલચથી સેવન કરશે અને પછી એ દરેક પ્રાણીના ગુણો/અવગુણો એમના માં આવશે કે જે ઉંદરથી લઈને રૂપવતી સ્ત્રી માં હતા. આમ, ભાવાર્થ એ છે કે અફીણનું સેવન કરતા લોકોને ઉંદર જેવા બધું કાતરીને નુકસાન પહોંચાવાડવા વાળા, દુધની લાલચી બિલાડી જેવા લુચ્ચા, કુતરા જેવા ઝગડાલું, વાંદરા જેવા અવળચંડા અને વાસ મારતા, ડુક્કર જેવા ગંદા અને જંગલી, હાથી જેવા મજબૂત (માનસિક રીતે,અફીણ લીધા પછીની અસર હેઠળ) અને રૂપવતી રાણી જેવા ઘમંડી અને ઠસ્સેદાર થઇ જશે. પ્રાચીન હોય કે અર્વાચીન સમય, અફીણ અને એની આડપેદાશોએ દુનિયાભર માં લાખો લોકોને બંધાણી બનાવ્યા છે અને એની અસરથી કરોડો લોકો મૃત્યુ પામ્યા છે.

અફીણ શરૂઆત માં લોકો મેડીસીન તરીકે વાપરતા, ઊંઘ નાં આવવી, ઘાયલ સૈનિકોનું દર્દ ઓછું કરવા, અમુક કિસ્સાઓમાં માતાઓ પોતાના રડતા છોકરાઓને શાંત કરવા પણ અફીણનો ઉપયોગ કરતી. પ્રાચીન ચીનાઓ ના માટે અફીણ મુખ્યત્વે મર્દાનગી, શુક્રાણુંને મજબૂત કરવા અને ઉત્સાહ પાછો મેળવવા માટે વપરાતું. તેનો વારંવાર ઉપયોગ તીવ્ર ઝાડા મટાડવા માટે પણ થતો. મહિલાઓ પણ એનું સેવન બેધડક કરતી, તે સંભોગક્રિયા ને અત્યંત આનંદદાયક કરવા માટે પણ વપરાતું. પ્રાચીન ચીનની રૂપજીવીનીઓ બેધડક પોતે એનું સેવન કરતી અને પોતાના ધનવાન અને મોંઘેરા ગ્રાહકોને પીરસતી. તેની કીમત સોનાની બરોબર અથવા અમુક કિસ્સામાં એનાથી વધારે પણ ગણાતી.

ધીરે ધીરે એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ વધ્યો અને લોકોને એની આદત પાડવા લાગી, લોકો બંધાણી થઇ ગયા અને વધુમાં વધુ એનું વાવેતર કરવા લાગ્યા. માંગ આસમાને પહોંચી અને પ્રાચીન ચીનમાં તો એટલી હદ સુધી એનો ઉપયોગ થવા લાગ્યો કે આખી દુનિયામાં ચીન અફીણનું ઉત્પાદન અને ઉપયોગ કરતો દેશ બની ગયો.

“લે, લે ભાઈ, તનેજા આવશે, તને અત્યંત આનંદનો અનુભવ થશે” હુંગે એના નાના ભાઇને કહ્યું. યુવાન લૂઈ એ નશીલી આંખોથી એના મોટા ભાઈ સામે જોયું, હસી પડ્યો અને એણે આંખો મીચી દીધી. હુંગને ભેટીને ખડખડાટ હસી પડ્યો. હુંગે વહાલથી એના નાના ભાઈની પીઠ થપથપાવી. અફીણનો નશો લૂઈના દિલો દિમાગમાં છવાઈ ગયો હતો.

રાત્રે મહેલમાં દોડધામ થઇ ગઈ, હુંગ ને ચાંગે ઉઠાડ્યો, પણ લગભગ દોડતો બહાર વિશાળ ચોગાન માં આવી પહોંચ્યો.

ચોગાનમાં વચ્ચો વચ્ચ લૂઈ ને સૈનિકોએ એક લાલ કલરની ચાદરમાં સુવડાવેલો હતો. એની આંખો બંધ હતી, એના હોઠો વચ્ચેથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. રાજવૈદ ને તાત્કાલિક બોલવામાં આવ્યા, એમણે આવીને લૂની નાડ તપાસી પણ મોડું થઇ ચુક્યું હતું. પ્રાચીન ચીનનો ભવિષ્યનો યુવાન રાજા અફીણના ઓવર ડોઝથી મૃત્યુ પામ્યો હતો.

મહારાણીએ આ દ્રશ્ય જોઇને હૈયાફાટ રુદન શરુ કર્યું.

હુંગના પિતા સમ્રાટ હ્યુંગની આંખોમાં અંગારા વરસ્યા. એમણે તાત્કાલિક ધોરણે અફીણનો ઉપયોગ પ્રતિબંધિત કરાવ્યો. પણ ઘણું મોડું થઇ ચુક્યું હતું. લગભગ અડધું ચીન અફીણનું વ્યસની થઇ ચુક્યું હતું.

“લો, દવા લઇ લો, તમને સારું લાગશે.” એ આકૃતિએ રેવાને એક સફેદ ટીકડી આપી, રેવાએ આંખો બંધ કરી, ઊંડો નિશ્વાસ નાખ્યો, દીવાલ પર લટકતા મેજર સમ્રાટની તસ્વીર સામે જોયું અને હાથ લાંબો કરીને એ સફેદ ટીકડી લઇ લીધી.

એની આંખો બંધ થવા લાગી, એને ખુબજ ઊંઘ આવવા લાગી, એને હવે ખુબ સારું લાગતું હતું. એને મેજરના અને એના બંને પુત્રો- સમર અને વિરાટના સ્વપ્નાઓ આવવા લાગ્યા. મેજરને ગાયબ થયાને ઘણો ટાઈમ થયો હતો, એમને બહુજ મીસ કરતી હતી. અચાનક એને મગજમાં સળવળાટ થયો હોય એવું લાગ્યું. જાણેકે કોઈ મોટા રોલરકોસ્ટર પર બેઠી હોય એવું એને લાગ્યું. એણે હાથ લાંબા કર્યા અને આનંદથી ચિચિયારીઓ પાડી.

ખુણામાં બેઠેલી આકૃતિ ખડખડાટ હસી પડી. એણે એક બીજી સફેદ ટીકડી રેવા તરફ લંબાવી.

પૂર્વથી આવેલા બળવાખોરોના ધાડાઓ ને અટકાવીને હુંગ અને સેનાપતિ પોતાની છાવણીમાં સેના સાથે પાછા ફરી રહ્યા હતા. સમ્રાટનાં તંબુમાં જઈને હુંગેસમાચાર પોતાના પિતાને આપ્યા. સમ્રાટ બહુજ ખુશ થયા. એમણે હુંગની પીઠ થાબડી. “આ પીણું મેં ખાસ તમારા માટે બનાવ્યું છે સમ્રાટ, આનું સેવન કરીને આપણી ભવ્ય જીતને ઉજવો” હુંગ બોલ્યો. સમ્રાટે હુંગના હાથમાંથી પીણું લઈને એક શ્વાસે ગટગટાવી દીધું. થોડીવાર માં એમને એક ડચકુ આવ્યું અને એમની આંખો પહોળી થઇ ગઈ, એમણે અસહાય રીતે હુંગ તરફ જોયું અને ઢળી પડ્યા.

હુંગે પથારીમાં સુતેલા સમ્રાટના કપાળ પર વહાલથી હાથ ફેરવ્યો. એમના હોઠોમાંથી નીકળતા સફેદ પ્રવાહીને લુછ્યું. અચાનક એને ખુબજ રડવું આવી ગયું અને એ પોતાના પિતાને ભેટીને રડી પડ્યો. એને એમની અને પોતાના નાના ભાઈની બહુ યાદ આવી. અચાનકણે માથું ખંખેર્યું અને ખડખડાટ હસી પડ્યો.

હુંગ તંબુની બહાર નીકળી ને રાહ જોતા સેનાપતિને મળ્યો. એની આંખોમાં આંસુ હતા. એણે સેનાની તાત્કાલિક બેઠક બોલાવી. “ઓ મહાન ચીની સેનાના મહારથીઓ, પવનના ઘોડાઓ ઉપર સવાર થએલા મારા બહાદુરો, આજે ખુબજ દુખદ સમાચાર મારે તમને આપવાના છે, પણ એ પહેલા તમે મને વચન આપો કે તમે ચીનની મહાન સંસ્કૃતિ અને એના લોકોની હર હંમેશા સંભાળ રાખશો અને તમારી પ્રતિબદ્ધતા અને વફાદારી ચીનના શાસક પ્રત્યે હંમેશા રાખશો” હુંગે તલવાર ઉંચી કરીને સેનાને સંબોધી. એના સૈનિકોએ હવામાં તલવાર ઉંચી કરીને પોત પોતાના માથાઓ જુકાવીને મહાન ચીની સામ્રાજ્ય પ્રત્યે વફાદારી અને પ્રતિબદ્ધતાની ખાતરી આપી.

“આપણા મહાન સમ્રાટ નું આજે દુખદ નિધન થયું છે. આવો આપણે એમને એક વીર યોદ્ધાને છાજે એવી વિદાય આપીએ” હુંગે દુખદ સ્વરે જાહેર કર્યું. સેનાપતિએ આશ્ચર્યથી એની સામું જોયું પણ હુંગની આંખોમાં રહેલી મહત્વકાન્ક્ષાને જોઇને માથું જુકાવી દીધું.

મહેલના ચોગાનમાં એક ઉંચો મંડપ બાંધવામાં આવ્યો હતો. એની ઉપર લાલ મખમલી કલરની ચાદર બિછાવેલી હતી. સમ્રાટનું શબ ત્યાં રાખવામાં આવેલું હતું. બાજુમાં એમની હમેશની સાથી એવી તલવાર પણ રાખેલી હતી. બાજુમાં વફાદાર ચાંગ માથું જુકાવીને ઉભો હતો. એક બાજુ હુંગ આંખમાં આંસુ સાથે ચુપચાપ ઉભો હતો. એની એક વધેલી આંખમાં રાજ સિંહાસન દેખાતું હતું. મહારાણીએ આ દ્રશ્ય જોઇને હૈયાફાટ રુદન શરુ કર્યું. આજુબાજુ ઉભેલા લોકોની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. એમાંના ઘણાબધા અંદરખાનેથી ખુશ પણ હતા, સમ્રાટે અફીણની પેદાશ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો જે એમણે ગમ્યો ન હતો, હવે નવા સમ્રાટ હુંગ એને હટાવી લેશે એવી એમને ખાતરી હતી. એક નાના ટોળાના લોકો ખાનગીમાં નશો કરીને આવ્યા હતા, એમણે જોર જોરથી સમ્રાટ હુંગનો જય જયકાર કરવાનો શરુ કર્યો. હુંગે એ દિશામાં જોયું અને માથું નમાવ્યું. રડી રડીને મહારાણીની હાલત ખરાબ થઇ ગઈ હતી, થોડા વર્ષોના ગાળામાં એમણે પોતાનો નાનો પુત્ર અને હવે પતિ ગુમાવ્યા હતા. હુંગે એક દાસીને ઈશારો કર્યો અને એણે મહારાણીને અંદરનાં ઓરડામાં લઇ જઈને અફીણ મેળવેલું માદક પીણું આપ્યું. મહારાણી પી ગયા અને શાંત થઇ ગયા. બહાર સમ્રાટ હ્યુંગની અંતિમવિધિની તૈયારીઓ ચાલતી હતી. ટોળાઓ અફીણનું સેવન કરી કરીને આક્રંદ કરી રહ્યા હતા.

અંતિમવિધિની રાત્રે સેનાપતિ ચુપચાપ મહારાણીના ઓરડામાં ગયા. “ઓ મહાન સામ્રાજ્ઞી, ચીની દેશની આન બાન અને શાન, પવિત્ર દેવી, હું મહાન ચીનનો સેનાપતિ તમારી સમક્ષ માથું નમાવું છું.” મહારાણી નિષ્પલક નયને સેનાપતિને જોઈ રહ્યા હતા. “મને કહેતા ખુબજ દુખ થાય છે પણ મને સમ્રાટના અચાનક નિધન પર શંકા છે. એમની તબિયત ખુબજ સરસ હતી અને એમને કોઈ રોગ કે ફરિયાદ પણ નહોતી. મને હુંગ પર શંકા છે મહારાણીજી...” માથું જુકેલું રાખીને સેનાપતિ બોલ્યા. અચાનક એમની જુકેલી ગરદન તલવારના એક ઝાટકે કપાઈ ગઈ અને એમનું માથું દદડતું મહારાણીના પગ પાસે જઈને પડ્યું. મહારાણી હજી પણ એ કપાયેલા માથાને નિષ્પલક નયને જોઈ રહ્યા હતા. એમના ચહેરા પર કોઈ હાવ ભાવ નહોતો.

ખૂણામાંથી હુંગનો સાળો, મિંગ બહાર આવ્યો, એની તલવાર લોહીથી ખરડાયેલી હતી. એણે હુંગ સામે જોયું અને ખડખડાટ હસી પડ્યો. હુંગે ફરીથી એક નશીલું પીણું મહારાણી માટે ભર્યું અને એમને પોતાના હાથે પીવડાવ્યું. મહારાણીએ એ પી લીધું અને આંખો બંધ કરી દીધી. એમને આજુ બાજુનું કઈ ભાન નહોતું. એમને કાયમ નશાની હાલતમાજ રાખવામાં આવતા હતા.

શોક્વીધી પત્યા પછી હુંગનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. હુંગે નવો સેનાપતિ એના વફાદાર સાળા મિંગ ને નીમ્યો હતો. દરબારમાં નવા સલાહકાર તરીકે ચાંગની નિમણુક કરવામાં આવી હતી.

રાજ્યાભીષેક માં પણ ખુણામાં એક નાનું ટોળું જોરજોરથી સમ્રાટ હુંગનો જય જયકાર બોલાવતું હતું. એનો સરદાર જેવો લાગતો એક ઉંચો આદમી આગળ આવ્યો અને એણે દરબારમાં જુકીને સમ્રાટને એક અત્યંત મુલ્યવાન રત્ન પેશ કર્યું. સમ્રાટના સૈનિકોએ એ લઈને હુંગ ને આપ્યું. હુંગે એના પર હાથ રાખીને એનો સ્વીકાર કર્યો. એણે ફરીથી સૂચક રીતે એ આદમી તરફ જોયું અને એ આદમી સમજી ગયો હોય એમ માથું જુકાવીને ત્યાંથી પોતાના ટોળા સાથે નીકળી ગયો.

“આવો આવો ચાંગ, હું તમારીજ રાહ જોતો હતો” નવા સમ્રાટ બનેલા હુંગે પોતાના ખાસ કમરામાં જુકીને ચાંગનું અભિવાદન કર્યું. ચાંગે પ્રતિસાદમાં માથું જુકાવ્યુ અને આજુબાજુ નજર કરી. એને ખુણામાં એક મોટું રેતી ભરેલું પાત્ર નજરે પડ્યું. સમ્રાટ હુંગે ચાંગનો હાથ પકડ્યો અને એમને એ પાત્ર પાસે લઇ ગયો. સમ્રાટે એક લાકડી લીધી અને રેતી ભરેલા પાત્રમાં ત્રિશુલ દોર્યું અને સૂચક નજરે ચાંગ સામે પ્રતિભાવની રાહ જોતો હોય એમ જોયું. ચાંગેના હાથમાંથી લાકડી લઈને આકૃતિ ભૂસીને ફરીથી એક બીજું ત્રિશુલ દોર્યું, હવે એમાં નીચે એક નાનકડું ડમરું પણ હતું અને એની આજુબાજુ રુદ્રાક્ષની માળાઓ પણ હતી. હુંગ ખડખડાટ હસી પડ્યો.

“ઓ સમ્રાટોના સમ્રાટ, મારી વાત ધ્યાનથી સાંભળો, હું યુવાન હતો ત્યારે સદગત ચાઓ સાથે આ શક્તિ ના દર્શન કરવા ગયેલો. વાતને વર્ષો થઇ ગયા છે. શક્તિ અદભુત છે, પણ અપ્રાપ્ય પણ છે, એને પામવાની ખેવના કરવાનું રહેવા દો” ચાંગે આંખમાં ભય સાથે કહ્યું. “એ મહાન શક્તિ ચમત્કારિક છે, એની રક્ષા પણ એક ચમત્કારિક પુરુષ કરે છે, એની નજીક જવાનું પણ વર્જિત છે, એને દૂરથી જોઇને સંતોષ પામવો પડે છે, એક સુદૂર પહાડોની વચ્ચે આવેલા રમણીય સરોવરના કિનારે આવેલા પૂજાઘર (મંદિર) માં સુરક્ષિત છે. કોઈ હિંદુ ધર્મનાં દેવતાની નિશાની છે જેને એના પુજારીઓ “શિવ” કે “શિવજી” અને એવા અનેક નામે ઓળખે છે. મહાન વિનાશક દેવ પહાડો જેવા ઊંચા, ત્રણ આંખો ધરાવતા, મોટીટાઓ ધારી કે જેમના ગળામાં સાપ વીટાયેલો હોય છે શક્તિનું વહન કરે છે. એમને આપણા યાત્રીઓએ ઘણીવાર પહાડો પર નૃત્ય કરતા પણ જોયા છે. એમના હાથમાં રહેલું ડમરું જયારે વાગે છે ત્યારે ધરા ધ્રુજી જાય છે, પહાડો પણ ડોલવા માંડે છે અને બરફની આંધી આવે છે અને એ તમારા માનસપટ પર એક નાં ભૂલાય એવી છાપ છોડી જાય છે. બધું આપણા પ્રાચીન દસ્તાવેજોમાં પણ લખાયેલું છે. જ્યારે આપણા યાત્રીઓ પહાડોની બીજી બાજુ યાત્રા કરતા કરતા એમના સાધુઓ ને મળેલા અને એમની પાસેથી આ કથાઓ સાંભળેલી. ચાંગે સમ્રાટને કહ્યું.

“તો પછી આનું અસ્તિત્વ છે એની જાણ આપણને કેવી રીતે થઇ? કોણ તમને ત્યાં સુધી દોરી ગયું ચાંગ ? મને બધુજ જાણવું છે” સમ્રાટ હુંગ અધીરા થઈને બોલ્યા.

ચાંગે એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને પોતાના જીદ્દી સમ્રાટની સામે જોયું અને આંખો બંધ કરીને કહેવા લાગ્યા. “પેઢીઓથી વાતો કહેવાતી રહી છે ઓ સમ્રાટ, એનું કોઈ પ્રમાણ નાં હતું, એક વાર ચાઓ ના પિતાજી અને મારા દાદાજીને તત્કાલીન સમ્રાટે આ વાતની ખરાઈ કરવા માટે મોકલ્યા. એક દુર્ગમ પ્રવાસ હતો. કેટલાય મહિનાઓ પછી એ લોકો પાછા આવ્યા અને સાથે નિશાની રૂપે એક રુદ્રાક્ષ લેતા આવ્યા જે અત્યારે પણ આપણા મહેલમાં સોનાના પાત્રમાં સુરક્ષિત રાખેલ છે. ત્યારબાદ ચાઓ અને હું પણ આ વાતની ખરાઈ કરવા નીકળી પડ્યા. અત્યંત કઠીન પ્રવાસ કરીને અમે લોકો એક સરોવરના કિનારે આવી પહોંચ્યા. ત્યાં પડાવ નાખ્યો. બીજા દિવસે સવારે અમે જેવા ઉઠ્યા કે એક ભયાનક વંટોળ આવ્યો, બરફની આંધી આવી અને એમાં અમે ફસાઈ ગયા. જેવી આંધી રોકાઈ કે અમે જોયું કે અમે બંને દૂર ક્યાંક અજાણી જગ્યા પહોંચી ગયા હતા. સામે સફેદ ધવલ શ્વેત પહાડ હતો અને એની નીચે એક કિરમજી કલરનું વસ્ત્ર પહેરેલ વ્યક્તિ ઉભો હતો. એનું વિશાળ કપાળ, સફેદ લાંબી દાઢી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. એણે ગાળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરેલી હતી અને કપાળ પર ત્રીશુલ દોરેલું હતું અને હાથમાં એક લાકડીના દંડ જેવું કૈંક હતું. “કેમ આવ્યા છો અહી”? એણે સત્તાવાહી શબ્દોમાં પૂછ્યું. જવાબમાં જ્યારે ચાઓએ કીધું કે અમે લોકો મહાન ચમત્કારિક શક્તિ નાં દર્શને નીકળ્યા છે ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ ખડખડાટ હસી પડ્યો. “ચાલ્યા જાવ પાછા ઓ પામર મનુષ્યો, લાલચ અને મહત્વકાન્ક્ષા બસ એ બેજ વસ્તુ તમને અહી ખેંચી લાવી છે, પાછા જાવ નહિ તો અત્યારેજ અહી તમારો સર્વનાશ થઇ જશે” હવે એ વ્યક્તિની આંખો માં અંગારા વરસવા લાગ્યા. ચાઓ નીચે બેસી પડ્યા અને જુકેલા મસ્તક સાથે અત્યંત વિનમ્રતાથી બોલ્યા “ઓ મહાન આત્મા, સફેદ પહાડોમાં રહેલી ચમત્કારિક શક્તિના પુજારી, અમને માફ કરી દો, અમારા મનમાં કોઈ પાપ નથી કે કોઈ ખેવના નથી, અમે માત્ર આ જીવનમાં એ શક્તિનાં દર્શન કરીને ધન્ય થઇ જવા માંગીએ છીએ.

વૃદ્ધ વ્યક્તિ સળગતી આંખે ચાઓને અને મને જોયા “તમારું મન નિષ્કપટ છે, તમારું જીવન પણ સરળ છે, હજી કહું છું પાછા ફરી જાવ, નહીતો આવનારી પેઢીઓ તમને માફ નહિ કરે, શક્તિને પામવાની ખેવના તમારી ભાવી પેઢીનું અને તમારા સામ્રાજ્યનું પતન લાવશે” ગર્જના જેવા અવાજે એ બોલ્યા. જવાબમાં અમે બંને ઘુણીયે પડીને માથું જુકાવીને બેસી રહ્યા. ક્યાય સુધી અમે એમજ બેસી રહ્યા હશું અને અચાનક અમને ધ્રુજારી થઇ આવી, સમગ્ર ધરા ધ્રુજવા લાગી, અમે આંખો ખોલી તો એ વૃદ્ધ વ્યક્તિ ત્યાં નહોતા. દૂર પહાડો જાણેકે ડોલવા માંડ્યા હોય એવી અનુભૂતિ થઇ, કોઈ તીવ્ર વાજિંત્ર નો અવાજ આવવા લાગ્યો.ઓમ” કેવો કોઈક શબ્દ ઘેરા અવાજમાં અમારા કાનોમાં પડવા લાગ્યો. અમારા શરીરના રુંવાડા ઉભા થઇ ગયા, અમારા હૃદય તીવ્ર ગતિથી ધડકવા લાગ્યા. અમે અવાજ નો પીછો કરવા લાગ્યા. અને અચાનક જેવું અમે સરોવર ની પાસે આવેલા પહાડની ડાબી બાજુ વળ્યા કે સામેનું દ્રશ્ય જોઇને અમારી આંખો ફાટી ગઈ.

ભાગ- સમાપ્ત

***

Rate & Review

Verified icon

Bhavesh Sindhav 2 months ago

Verified icon

Suresh Prajapat 2 months ago

Verified icon

Om Vaja 2 months ago

Verified icon

Tejal Patel 2 months ago

Verified icon

Abhishek Patalia 6 months ago