9166 UP, Gujarat na ramkhano nu adhuru satya - 13 in Gujarati Fiction Stories by Prashant Dayal books and stories PDF | ૯૧૬૬ અપ: આવું કેમ બન્યું અને ક્યારે અટકશે - 13

૯૧૬૬ અપ: આવું કેમ બન્યું અને ક્યારે અટકશે - 13

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 13

પ્રશાંત દયાળ

આવું કેમ બન્યું અને ક્યારે અટકશે

ગોધરાકાંડ અને ત્યાર પછીનાં તોફાનોની વાત લખતાં લખતાં મને લાગ્યું કે હું ક્યાં પૂર્ણવિરામ મૂકું? પછી મને લાગ્યું છે ગોધરાકાંડથી લઇ ત્યારપછી જે તોફાનો ચાલ્યા તેનો અંત ભલે બાહ્યદ્રષ્ટિએ આવ્યો હોય પણ જેમણે તોફાનોમાં પોતાના સ્વજનો અને મિલકતો ગુમાવી છે તેમના મનમાં અને જીવનમાં ક્યારેય આ વાતનો અંત આવવાનો નથી, અને તે સ્વાભાવિક પણ છે. જેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય તેની સામે ડાહી-ડાહી વાતો કરવાનો અર્થ પણ નહોતો, છતાં મારું મન એ દિશામાં સતત વિચાર્યા કરે છે કે ક્યારે મારુ ગુજરાત કોમી તોફાનોથી મુક્તિ મેળવશે. ગોધરાકાંડની ઘટના બની ત્યારે જેમની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષ હતી તેમણે ૧૯૬૯ના તોફાનો જોયા હતા અને ત્યારપછી દર દસ વર્ષે અમદાવાદમાં તોફાનો થતાં રહ્યાં હતાં. તેના કારણે તે હિન્દુ હોય કે મુસ્લિમ તેમના મનમાં સતત કડવાશ હતી. મેં અનેક લોકો સાથે વાત કરી. જેમાં હિન્દૂ કહેતા કે, 'આ મુસ્લિમો ક્યારે સુધરવાના નથી' અને મુસ્લિમો કહેતા, 'ક્યાં સુધી અમને પાકિસ્તાની સમજવામાં આવશે?' મને લાગ્યું કે મારું પુસ્તક પૂરું થતાં હું આવી ઘણી બધી બાબતોને તેમાં સમાવી લઉં. પરંતુ આવું બને નહીં તે માટેની દિશામાં જતા રસ્તાની વાત ન હોય તો આ પુસ્તકનો કોઈ અર્થ નથી એવું હું માનું છું. તેના કારણે જેમને અમદાવાદ શહેરના લોકોની નસની ખબર છે તેવા લોકો સાથે વાત કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સૌથી પહેલી વાત કરી કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ સાથે. બદરુદ્દીન શેખ સુધારાવાદી મુસ્લિમ હોવાને કારણે કેટલાક તેમનાથી નારાજ છે. જે દિવસે ગોધરાકાંડની ઘટના બની તે દિવસે બદરુદ્દીન શેખ અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં હતા. તે મુસ્લિમો દ્વારા એકત્ર કરવામાં આવેલા ૨ કરોડમાંથી એક હાર્ટવોર્ડ શરૂ કરવા માગતા હતા, પરંતુ ગોધરાકાંડના સમાચાર મળતા તેમને અમરસિંહ ચૌધરીએ ગોધરા પહોંચી જવાની સૂચના આપી હતી. તે દિવસોને યાદ કરતા બદરુદ્દીન શેખ કહે છે કે, ગોધરામાં જે બન્યું તેને માફ કરી શકાય નહીં. પણ પછી આ વાત માટે મુસ્લિમો જવાબદાર છે તેવો પ્રચાર થયો હોવાના કારણે નિર્દોષ હિન્દુ-મુસ્લિમોએ જીવ ગુમાવ્યો હતો.

બદરૂદીન પણ તેમના શહેરમાં તોફાન થાય નહીં તેવું ઈચ્છે છે પણ તે માને છે કે છેલ્લા એક દસકામાં અમદાવાદ શહેરમાં કોમને આધારે વિભાજન થઇ રહ્યું છે તે જોખમી છે. જૂના અમદાવાદમાંથી હિન્દુઓ બહાર જઈ રહ્યા હોવાથી થોડા વર્ષોમાં નોબત આવશે કે જૂના અમદાવાદમાં માત્ર મુસ્લિમો જ રહેશે અને નવા અમદાવાદમાં હિન્દુઓ. તેના કારણે નવી પેઢી એકબીજાની નજીક નહીં આવી શકે. તેથી બંને કોમ એકબીજાને ઓળખે તે માટે તહેવારો દરમિયાન લોકો એકબીજાના વિસ્તારમાં જાય તેવી વ્યવસ્થા આપણે કરવી પડશે. બદરુદ્દીન શેખ મુસ્લિમોના મનમાં રહેલી શંકા વ્યક્ત કરતાં કહે છે કે જ્યારે તોફાન થાય ત્યારે તોફાનને ડામવા માટે આવતી પોલીસ કાયમ હિન્દુતરફી રહે છે અને મુસ્લિમોને દંડે છે. જોકે તે મુસ્લિમ અનામતપ્રથાના હિમાયતી નથી પણ તે માને છે કે તોફાન દરમિયાન તોફાન કરતાં મુસ્લિમોને કાબૂમાં લેવા માટે મુસ્લિમ પોલીસ અધિકારીને મૂકવામાં આવે તો કંઇ ખોટું નથી, કારણ કે આખરે વિશ્વાસ સંપાદન કરવાની દિશામાં કામ થાય તે જરૂરી છે. જો એક પોલીસસ્ટેશનમાં એક મુસ્લિમ પોલીસ સબઇન્સ્પેક્ટર હશે તો પણ અમને લાગશે કે અમારી વાત સાંભળે અને સમજે તેવા પોલીસ અધિકારી છે. તોફાન દરમિયાન પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ કોન્સ્ટેબલ હશે તો પોલીસ પક્ષપાત કરે છે તેવી મુસ્લિમોની ફરિયાદ આપમેળે દૂર થઈ જશે.

હું માનું છું કે બદરૂદીન ની વાત માં તથ્ય હતું. આજ સુધી તંત્ર દ્વારા મુસ્લિમોનો વિશ્વાસ જીતવાની દિશામાં ખાસ પ્રયાસો થયા જ નથી. આ પુસ્તક લખવાનું ચાલુ હતું તે દરમિયાન અનેક ઘટનાઓએ આકાર બદલ્યા હતા. જેના કારણે તેનો અહિયાં ઉલ્લેખ કરું છું. વડોદરાની બેસ્ટ બેકરી નો કિસ્સો બહુ ચગ્યો હતો. બેસ્ટ બેકરી ની સાક્ષી ઝાહીરા શેખના વ્યવહારને કારણે તોફાનોમાં અસરગ્રસ્તોને મોટો ધક્કો લાગ્યો હતો. જ્યારે વડોદરામાં બેસ્ટ બેકરીનો કેસ ચાલ્યો ત્યારે ઝાહીરાએ એક પણ આરોપીને ઓળખવાનો ઇનકાર કરી દીધો, જેના કારણે તમામ આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. ત્યારપછી તેણે એવી ફરિયાદ કરી હતી કે તેને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધમકી આપી હોવાને કારણે તેણે પોતાનું નિવેદન બદલ્યું હતું. આ ઘટનાએ હાહાકાર મચાવી દીધો હતો અને સામાજિક કાર્યકર તિશ્તા શેતલવાડ ઝાહીરા ની મદદે આવ્યા હતાં. તેમણે સુપ્રીમકોર્ટમાં મદદ માગતાં આખો કેસ ફરી મહારાષ્ટ્રની કોર્ટમાં ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો હતો. આ કેસ મુંબઈની કોર્ટમાં ફરી ચાલતો હતો તે વખતે ઝાહીરાએ અચાનક એક પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. કોન્ફરન્સમા ઝાહીરાએ જણાવ્યું કે સામાજિક કાર્યકર તિશ્તા શેતલવાડે તેને ગોંધી રાખી હતી અને તે પોતાની ઇચ્છા પ્રમાણેનાં નિવેદન કરાવતી હતી. આ એક મોટો વળાંક હતો તોફાનના અસરગ્રસ્તોને મદદ કરનાર તિશ્તા સામે ઝાહીરાએ આક્ષેપ મૂક્યો હતો તેવી જ રીતે તેણે જસ્ટિસ જી.ટી. નાણાવટી પંચ સમક્ષ કરેલું સોગંદનામું પણ પોતે કર્યું નથી તેવું જણાવ્યું હતું.

આ બાબતને સર્વોચ્ચ અદાલતે ગંભીર માની તેની તપાસનો આદેશ કરાવ્યો હતો. અંતે તપાસમાં આવ્યું કે ઝાહીરાએ તિશ્તા ઉપર મૂકેલા આક્ષેપો ખોટા છે. તેના કારણે સર્વોચ્ચ અદાલતે તેને એક વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદો પણ ઐતિહાસિક હતો. જેમણે કાયદા સાથે રમત રમવાનો પ્રયત્ન કર્યો હતો તેમના મોઢા ઉપર એક તમાચો હતો. બીજી તરફ મુંબઈ કોર્ટમાં પણ ઝાહિરાએ નિવેદન ફેરવી તોળ્યું હતું, છતાં બેસ્ટ બેકરી કેસના આરોપીઓને કસૂરવાર ઠરાવી સજા ફટકારી હતી. જ્યારે આ લખી રહ્યો છું ત્યારે જે વાત રેકર્ડ ઉપર આવી નથી તે વાત હું કહેવા માગું છું. પહેલા તબક્કે તો બેસ્ટ બેકરી કેસમાં ઝાહીરાને મેનેજ કરવામાં ભાજપના નેતા સફળ થઈ ગયા હતા. જેના કારણે ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો પણ તિશ્તાના આગમન પછી ભાજપી નેતાઓને આંખ સામે મોત દેખાયું હતું, કારણકે તેમને ડર હતો કે ઝાહીરા મોઢું ખોલે તો તેમનાં નાટકનો પડદો પડી જાય તેમ છે. એટલે જેમને હું ઓળખું છું તેવા ભાજપના બે મંત્રીએ ઝાહીરા સાથે બહુ મોટી રકમમાં સોદો પાર પાડયો હતો. તેમણે ઝાહિરાને તિશ્તા વિરુદ્ધ નિવેદન કરવા માટે તૈયાર કરાવી હતી અને પછી તેને અમદાવાદની એક ક્લબમાં સાચવી પણ હતી. આ બંને મંત્રી સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંજૂરી સાથે જ આખો તખ્તો તૈયાર કરતાં હશે તેમાં મને કોઈ શંકા નથી. નરેન્દ્ર મોદીને બેસ્ટ બેકરીના આરોપીઓને બચાવવા માં રસ હોય તેવું હું માનતો નથી, પરંતુ દિલ્હીમાં ગુજરાત સરકારની આબરૂના લીરા ઉડતા હોવાના કારણે પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ હતો અને તેના માટે તિશ્તા ખોટી છે તેવું સાબિત કરવું જરૂરી હતું. જોકે સર્વોચ્ચ અદાલતના આકરા વલણ પછી તેમની બાજી ઊંધી પડી હતી અને ઝાહિરાને સજા મળી હતી, પરંતુ ઝાહીરાના આ વ્યવહારને કારણે લોકો તેની મદદે દોડી આવતા સામાજિક કાર્યકરોને મોટો ધક્કો લાગ્યો હતો. જો મદદ કરવામાં આવી છે તેવા લોકો જ મદદ કરનાર ઉપર આક્ષેપ મૂકશે તો હવે મદદ કરવી જોઇએ કે નહીં તેવો પ્રશ્ન ઊભો થશે.

અમદાવાદમાં તોફાનો ચાલતા હતા તે વખતે અમદાવાદના મેયર પદે હિંમતસિંહ પટેલ હતા, એટલે મેં તેમને મળવા માટે સમય માગ્યો અને તેમને મળવા માટે ગયો હતો. હિંમતસિંહ અમદાવાદમાં થતા તોફાનોને લઈ ખૂબ દુ:ખી હતા. જોકે તે માટે કોઇપણ રાજકીય ટીકા ન કરવાનું કહ્યા પછી પ્રામાણિકપણે પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરતાં કહે છે કે, ભાજપે આખા ગુજરાતનો માહોલ બગાડી નાખ્યો છે. તેના ઝેરી પ્રચારને કારણે આ શહેરના હિન્દુ-મુસ્લિમ એકબીજાને દુશ્મન સમજવા લાગ્યા છે. સત્તા માટે ભાજપના નેતાઓ સતત હિન્દુઓને મુસ્લિમ ના નામે ડરાવે છે, પરંતુ તેમના શબ્દો અને કરણીમાં અંતર છે. વાજપેયીની સરકારમાં મુસ્લિમ મંત્રીઓ હતા અને ભાજપના પ્રવક્તા પણ મુસ્લિમ હતા, કારણકે ત્યાં તેમને સત્તા મેળવવા માટે મુસ્લિમોનો સાથ લેતાં શરમ આવતી નથી, પરંતુ ગુજરાતના મુસ્લિમોને ભાંડવાની સત્તા મળે છે માટે તેમને ગાળો આપે છે. હિંમતસિંહ કબૂલે છે કે કોંગ્રેસ ભાજપના કોમવાદી પ્રચારને રોકી શકી નથી તેના કારણે કોંગ્રેસ એટલે મુસ્લિમોની પાર્ટી તેવો અપપ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. તેનું નુકસાન પણ કોંગ્રેસને થયું છે. ભાજપ મુસ્લિમો અને કોંગ્રેસ સામે જે રીતે ખોટો પ્રચાર કરે છે તેનો વ્યૂહાત્મક વિરોધ કરવામાં કોંગ્રેસે થાપ ખાધી છે તેવું તે નિખાલસતાથી કબૂલે છે, પરંતુ કોંગ્રેસ સત્તા માટે ભાજપ જેટલી નીચે ઉતરી પોતાની લડાઈ લડી શકે તેમ નથી. એટલે હું માનું છું કે ગુજરાત જેવું એક પણ રાજ્ય નથી ત્યારે નાહક કોમનો મુદ્દો ઉપસ્થિત કરી રાજ્યની શાંતિ હણી લેવામાં આવી રહી છે. તેના કારણે રાજ્યનો વિકાસ અટકી રહ્યો છે. તેની આજે નહીં પણ દસ વર્ષ પછી ખબર પડશે.

જયારે આ અંગે આખી ઘટનાને કુંડાળાની બહાર ઊભા રહી જોતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, 'આપણા દેશમાં બિનસાંપ્રદાયિક શબ્દનો પ્રયોગ કરનારને બહુ માનની દૃષ્ટિએ જોવામાં આવતા નથી. પહેલા તો બિનસાંપ્રદાયિક શબ્દ હિન્દુસ્તાનનો નથી, તે આપણને અંગ્રેજો તરફથી મળેલો શબ્દ છે. તેમજ આપણે ત્યાં એવી માન્યતા છે કે બિનસાંપ્રદાયિક એટલે મુસ્લિમ તરફી હોવું, પરંતુ ગાંધીજીએ ક્યારેય બિનસાંપ્રદાયિક હોવાની વાત કરી નહોતી અને હિન્દુ ધર્મમાં પણ તે નથી. ગાંધીજી અને આપણે તમામ સંતોએ સર્વધર્મ સમભાવની વાત કરી હતી અને તે બધાની સ્વીકાર્ય હતી.' ગૌરાંગભાઈ કહે છે કે આપણા સમાજમાં કે શિક્ષણ વ્યવસ્થામાં ક્યારેય સર્વ ધર્મ સમભાવ કે કોમી એકતાની વાત શિખવાડવામાં આવતી નથી. માત્ર પ્રતિજ્ઞાપત્ર સિવાય ક્યાંય તેનો ઉપયોગ થતો નથી. જેવી રીતે સ્કૂલના બાળકોને પર્યાવરણનો વિષય ભણાવવામાં આવે છે તેવી જ તે બીજા ધર્મનો આદર કરવાની વાત કોઈ પાઠયપુસ્તકમાં નથી, જ્યારે હવે હિન્દુ-મુસ્લિમ ઘરમાં એકબીજા પ્રત્યે નફરત ફેલાય તેવી સ્ટિરિયોટાઈપ વાતો થાય છે. તેના કારણે નવી પેઢીનાં બાળકો અન્ય કોમના લોકો માટે નફરત સાથે જીવે છે. તેથી સ્કૂલમાંથી જ કોમી સદભાવના ને એક વિષય તરીકે ભણાવવી જોઈએ, નહિતર હિન્દુ-મુસ્લિમ ક્યારેય સાથે રહેતાં હતા તે વાત નવી પેઢીને ખબર જ નહીં હોય. પહેલા દરેક મહોલ્લામાં યુવક મંડળો હતાં, જે હવે નથી. તેને સજીવન કરવામાં આવે તે જરૂરી છે, કારણકે યુવકો જ સમાજને જોડવાનું પહેલું કામ કરશે. ગૌરાંગભાઈ તાકીદ કરતા કહે છે કે, બિનસાંપ્રદાયિકતાની વાત કર્યા વગર માત્ર સર્વધર્મ ની વાત કરવામાં આવે તે જરૂરી છે. ગોધરાકાંડ પછી આખા ગુજરાતમાં તોફાનો થયા હતા પણ સૌથી ધાર્મિક ગણાતા સૌરાષ્ટ્રમાં તોફાનો નહોતા થયા, કારણકે ત્યાં સંતોનો પ્રભાવ છે અને સંતોએ કાયમ સર્વધર્મ સમભાવની વાત કરી હતી. તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં વસતા દરબારોએ મુસ્લિમો આપણા આશ્રિતો છે તેવી માનસિકતા સાથે તેમનું રક્ષણ કર્યું હતું, જે સારી વાત છે.

તેવી જ રીતે પોલીસમાં ભરતી થતા યુવકોને નવ મહિના સુધી પોલીસ એકેડમીમાં ભણાવવામાં આવે છે. જેમાં તેમને એક વિષય તરીકે 'કોમી બનાવો' છે, પરંતુ ત્યાંથી નીકળ્યા બાદ કોમી સંવાદિતા સ્થાપવામાં પોલીસ કઈ રીતની ભૂમિકા ભજવી શકે તે અંગે કોઈ કામ થતું નથી. આ અંગેના શાંતિના સમયમાં પોલીસ કોમીએકતા માટે કામ કરે તો ચોક્કસ આ અંગેના પરિણામ મળી શકે તેમ છે પણ આપણી કમનસીબી છે કે આપણે ત્યાં કોમીએકતા જેવા વિષયો ઉપર ક્યારેય જાહેરમાં ચર્ચા થતી નથી.

કોમી તોફાનો ચાલતાં હતાં તે વખતે ગુજરાતનાં અખબારોની ભૂમિકા ઉપર અનેક પ્રશ્નો ઊઠયા હતા અને તેની તપાસ કરવા માટે એડિટર ગીલ્ડ એક ટીમ ગુજરાત આવી હતી, જેમાં દિલીપ પડગાંવકર, આકાર પટેલ અને બી.જી. વર્ગીસ નો સમાવેશ થતો હતો. ત્રણ સભ્યોની સમિતિએ અમદાવાદ સહિત વડોદરા અને ગોધરાની મુલાકાત લીધી હતી, તેમજ ગુજરાતના અખબારમાલિકોને અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ સમિતિના ત્રણ સભ્યોમાં મને આકાર પટેલ વિશે જાણવામાં વિશેષ રસ હતો, કારણ કે તોફાનો દરમિયાન મુંબઈથી પ્રસિદ્ધ થતાં ગુજરાતી મિડ ડેના તંત્રી સૌરભ શાહને મિડ ડે છોડવું પડયું હતું. સૌરભ સાથે મારે પણ પરિચય છે. મિડ ડેની નોકરી છોડયા બાદ સૌરભે અમદાવાદમાં અનેક મીટીંગો લીધી હતી. જેમાં તેમણે આકાર પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. આકાર ત્યારે અંગ્રેજી મિડ ડે ના તંત્રી હતા. બાદમાં બન્યું એવું કે ૨૦૦૫માં હું જ્યારે દિવ્યભાસ્કરમાં હતો ત્યારે આકાર પટેલ દિવ્યભાસ્કરના ગ્રૂપ એડિટર તરીકે જોડાયા હતા, જેના કારણે હું આકારના પરિચયમાં આવ્યો હતો. આકાર સાથે કામ કરવાનો જુદો જ અનુભવ હતો. તેણે ક્યારેય પોતાના વ્યવહાર દ્વારા પોતાની અધિકારીતા બતાવવાનો પ્રયત્ન કર્યો નહોતો. જેમકે ઉદાહરણ આપું તો તેણે સૌથી પહેલાં ભાસ્કરમાં જોડાતા જ એવી સૂચના આપી હતી કે મને 'સર' કહી સંબોધન કરવું નહીં, હું આવું ત્યારે ઊભા થવું નહીં. તેઓ રિપોર્ટરને તેણે કેવી રીતે કામ કરવું તેની સીધી સૂચના આપવાને બદલે 'હું રીપોર્ટર હોત તો આવી રીતે સ્ટોરી કરત' તેમ કહી પોતાની વાત સામે મૂકતા હતા. તેની એક ખાસ વાત હતી કે રિપોર્ટર અને તેમની હાજરીનો ક્યારેય ડર લાગ્યો ન હતો.

તેમની સાથે પરિચયમાં આવ્યા પછી મેં તેમની પાસેથી તેમણે ૨૦૦૨માં તોફાનો દરમિયાન લીધેલી ગુજરાતની મુલાકાતના અનુભવો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આકારના શબ્દોમાં કહું તો, 'અમદાવાદમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. અમને કેટલાક ઉદ્યોગપતિઓ મળવા આવ્યા હતા, જેમનાં વેપારને તોફાનને કારણે મોટુ નુકસાન થયું હતું. તેમની ફેક્ટરીઓને આગ ચાંપી દેવામાં આવી હતી, છતાં તેમને તે અંગે કંઇ કહેવું નહોતું પણ તેમણે અમને જે વાત કહી તેનો મને આઘાત લાગ્યો હતો. આ વેપારીઓ માનતા હતા કે નુકસાન થાય તો ભલે પણ હવે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યાનો કાયમી અંત લાવી દેવો જોઈએ. એટલે તેમને શહેરમાં ચાલતા તોફાનો સામે રંજ નહોતો, ઉપરથી તેમણે ગુજરાત બહારના લોકો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમનો આક્ષેપ હતો કે બહારના લોકોને ગુજરાતની સમસ્યાની ખબર નથી છતાં નાહક તે ગુજરાતની ટીકા કરે છે.' આકારે સાથે-સાથે ગુજરાતી અખબારોમાં છપાતા સમાચારો અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, કારણકે જે ઘટના બની જ ન હોય તેવા સમાચારો મોટાપાયે છપાતા હતા. જ્યારે આ સમિતિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળી ત્યારે મોદીએ અંગ્રેજી અખબારો ની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આકાર કહે છે, 'ગુજરાતમાં જે રીતે તોફાનો થયા અને મહિનાઓ સુધી ચાલ્યાં તે કોઈ પણ રીતે રાજ્ય પ્રેરિત હોવાનું નથી માનતો, છતાં તે તોફાનો ડામી દેવા સરકાર માટે કોઈ મોટી વાત નહોતી તો પણ તોફાનો ચાલ્યાં. તેમાં સરકારનો દોષ તો ચોક્કસ છે.

ચાર વર્ષ પછી દિવ્યભાસ્કરના તંત્રી તરીકે આવ્યા પછી કહે છે, 'ચાર વર્ષ પહેલા ગુજરાતને જે રીતે જોતો હતો તેમાં પરિવર્તન આવ્યું છે, કારણ કે રાજ્યના બધા લોકોને એક નજરે જોવા યોગ્ય નથી. મારી માન્યતા પણ બદલાઇ છે. આખા દેશમાં ગુજરાત જેટલા શાકાહારી લોકો ક્યાંય નથી, તેમજ ચેરીટીમાં પણ ગુજરાત આગળ છે. છતાં અપર મિડલ ક્લાસ સુધીના લોકો ગુજરાતમાં જે બન્યું તે અન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરતા હતા.' ગોધરા પછીના જે તોફાનો થયાં તેમાં નવા અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં તોફાનો ફાટી નીકળ્યા હતાં, કારણકે નવા અમદાવાદમાં વોરા મુસ્લિમોની મોટી હોટેલો હતી, તે તમામને આગ ચાંપી દેવામાં આવી હતી. આ નવા અમદાવાદ ઉપર મિડલ ક્લાસ અને તેની ઉપરના વર્ગના લોકો રહે છે. તેઓ પણ માનતા હતા કે ગોધરા નો જવાબ આવી રીતે જ આપી શકાય. નવા અમદાવાદના નિર્માણમાં જેમનો મોટો ફાળો છે તેમાં સુરેન્દ્ર પટેલનું નામ ટોચ ઉપર છે. સુરેન્દ્ર પટેલ જૂના સંઘી નેતા હોવાને કારણે તેમને તમામ લોકો 'કાકા' ના હુલામણા નામે બોલાવે છે. સુરેન્દ્ર કરતા ભાજપના સિનિયર નેતા હોવાની સાથે ભાજપ તરફી ધનિકો ઉપર તેમની જબ્બર પકડ છે, જેના કારણે ભાજપના સિનિયર નેતા અને ખજાનચી પ્રહલાદ પટેલના અવસાન પછી ખજાનચી નો હવાલો સુરેન્દ્રકાકાને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી ભાજપે ગુજરાતમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યાર થી તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન હતા અને તેમણે નવા અમદાવાદને નમૂનારૂપ બનાવ્યું હતું તેમાં કોઈ બેમત નથી, છતાં સુરેન્દ્રકાકા ગુજરાતમાં શક્તિશાળી બની રહ્યા હતા તે વાત મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ નહોતી. કદાચ ભવિષ્યમાં તે મોદીનો વિકલ્પ બની શકે તેવી શક્યતા હતી. મોદી પોતાના સ્વભાવ પ્રમાણે કોઈપણ મજબૂત નેતા ને સહન કરી શકતા નથી. તેના કારણે મોદીએ કાકા નો કાંટો કાઢવા માટે તેમને રાજયસભામાં મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો અને તેની ઉપર લાલકૃષ્ણ અડવાણીની મહોર મરાવી દીધી હતી. જેના કારણે કાકા તેનો વિરોધ તો ન કરી શક્યા પણ રાજ્યસભામાં જતાં તેમને ઔડાના ચેરમેન પદ છોડવું પડયું હતું. તેનો સુરેન્દ્ર કાકાને રંજ હતો, કારણકે તેમના માટે ઔડા તેમના સંતાન જેવું હતું તેવું મોદીના વિરોધીઓ માને છે.

આ પુસ્તક લખતા પહેલા પણ હું સુરેન્દ્રકાકાને અનેક વખત મળ્યો હતો અને મને તે કાયમ માટે સરળ માણસ લાગ્યા છે. તેમણે સિવિલ એન્જિનિયરની ડિગ્રી લીધી હોવાને કારણે મૂર્ખ બનાવવા માગતા સરકારી અધિકારીઓને સારી રીતે ઓળખતા હતા. મેં જ્યારે તેમને અમદાવાદમાં થતાં તોફાનો અટકાવવા માટે શું કરવું જોઈએ તે પૂછ્યું ત્યારે તેમણે ગોધરાકાંડ પછીના દિવસો યાદ કરતાં કહ્યું, 'ગુજરાતની પ્રજા વાઇબ્રન્ટ છે તેમાં કોઈ શંકા નથી. ગોધરાનો જવાબ જે રીતે હિન્દુઓએ આપ્યો તે સહજ હતો તેવું હું માનું છું. તેની સાથે તે વાતનો પણ સ્વીકાર કરું છું કે ગોધરાકાંડ પછી જે નિર્દોષોનો જીવ ગયો તે પણ વાજબી નથી. ગોધરા નો જવાબ આવી રીતે ના આપવો જોઈએ તે આદર્શ વાત છે પણ જેમને જવાબ આપ્યો તે મહાત્મા નહોતા. તે બધા આમ લોકો હતા. હિન્દુઓએ જે કર્યું તેની પાછળનું એક જ કારણ હતું કે ૫૮ વ્યક્તિને જીવતી સળગાવી દેવામાં આવી ત્યારે એક પણ મુસ્લિમ કે તેમની તરફેણ કરનાર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ ઘટનાને વખોડી નહોતી, નહીંતર આટલી મોટી સંખ્યામાં તોફાનો થતાં નહીં. પણ હવે તે દિવસો પુરા થયા છે અને ફરી અમદાવાદમાં તોફાન થાય નહીં તે માટે મુસ્લિમોએ એક નવા માહોલની દિશામાં વિચારવું પડશે. કોઈ હિન્દુ ગુંડો લોકો ઉપર અત્યાચાર કરે તો ખુદ હિન્દુઓ જ તેનો વિરોધ કરે છે પણ મુસ્લિમોમાં તેવું બનતું નથી, કારણકે મુસ્લિમોનું નેતૃત્વ મોટાભાગે અસામાજિક તત્ત્વોના હાથમાં જ હોય છે. જેના કારણે બહુમતી મુસ્લિમો સારા હોવા છતાં થોડાક મુસ્લિમ ગુંડાઓને કારણે આખી કોમને સહન કરવું પડે છે. કોઈપણ કોમ નો ગુંડો ગુનો કરે એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે તેને કડકમાં કડક સજા બહુ જલ્દી થાય તો લોકોમાં કાયદો સક્ષમ હોવાનો વિશ્વાસ ઊભો થશે અને તેમને કાયદો હાથમાં લેવાની ફરજ નહીં પડે. હું પણ ઇચ્છું છું કે મારા શહેરમાં ક્યારેય કોમી તોફાન થાય નહીં.' આ પુસ્તકનો આ આખરી હપ્તો છે તે વખતે એક મહત્વની ઘટના બની હતી. ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ એકે ભાર્ગવ તા. ૩૦મી એપ્રિલના રોજ નિવૃત્ત થતાં હતા. તેના પાંચ દિવસ પહેલાં ગુજરાત સરકારે જાહેરાત કરી કે નવા ડાયરેકટર જનરલ ઓફ પોલીસ પ્રશાંતચંદ્ર પાંડે હશે. આ જાહેરાત અનેક લોકો માટે આંચકારૂપ હતી, કારણ કે ગોધરાકાંડ પછી અમદાવાદમાં જ તોફાનો થયા ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પ્રશાંતચંદ્ર પાંડે હતા, જે વાત મારા પુસ્તકના આગળના હપ્તાઓમાં પણ આવે છે. જેમને પાંડેની સામે વાંધો હતો તે ખોટો છે તેવું હું કહેતો નથી અને માનતો પણ નથી, કારણકે હું આખી વાતને મુસ્લિમના દ્રષ્ટિકોણથી પણ જોઉં છું. માની લો કે હું મુસ્લિમ હોત ને મારા કોઈ સ્વજન તોફાનમાં માર્યા ગયા હોત તો હું પણ પાંડેનો કટ્ટર વિરોધી હોત તેમાં કોઈ શંકા નથી, કારણ કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને પાંડે સારા માણસ હતા અને તેમનો કોઈ વાંક નથી તેવું કહેવું યોગ્ય નથી. એક વાત બહુ સ્પષ્ટ હતી કે પાંડે સારા માણસ હોવા છતાં તેમના શાસનકાળમાં અમદાવાદમાં ત્રણ મહિનામાં ૪૨૫ નિર્દોષો માર્યા ગયા હતા તે નગ્ન સત્ય હતું.

પ્રશાંતચંદ્ર પાંડે ને ડીજીપી બનાવવાનો નિર્ણય કરવામાં ગુજરાત સરકારે કોઈ નિયમો સાથે બાંધછોડ પણ કરી નહોતી. નિવૃત્ત થતા ભાર્ગવ પછી સૌથી સિનિયર પાંડે હતા. તેના કારણે તેમને ડીજીપી બનાવવામાં આવ્યા હતા. જેની સામે સામાજિક કાર્યકર તિશ્તા શેતલવાડે સુપ્રીમ કોર્ટમાં દાદ માગતી રિટ પણ કરી છે, જ ચાલ્યા કરશે. તેવી જ રીતે હું જ્યારે છેલ્લો હપ્તો લખી રહ્યો છું ત્યારે હજી જસ્ટિસ જી.ટી. નાણાવટી અને જસ્ટિસ કે.જી શાહનું તપાસપંચ ચાલુ છે. તેમણે અનેક વખત તેમની મુદતોમાં વધારો કર્યો છે પણ તેમનો અહેવાલ આવ્યો નથી. હું એક પત્રકાર છું, પણ શોધકર્તા નથી. પુસ્તક વાંચતા તમને લાગશે કે ઘણી એવી બાબતો છે કે જેનો ઉત્તર મળતો નથી, કારણકે મારી પાસે આવા ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર મને આજદિન સુધી મળી શક્યો નથી. એટલે હું એવો કોઈ દાવો કરતો નથી કે મેં ખૂબ સારું કામ કર્યું છે પણ એક પત્રકાર તરીકે મેં જે અનુભવ્યું છે, મેં જે જાણ્યું અને સાચું માન્યું છે કે અહીંયા મૂક્યું છે. સંભવ છે કે કોઈ તેની સાથે સંમત નહી હોય અથવા કોઈ ને પસંદ ના પડે અને કોઈ નારાજ થાય તો તે તમામની ક્ષમા માગું છું.

વેપારી અને શાંત ગણાતો ગુજરાતી આટલો હિંસક કેમ બન્યો તેનો ઉત્તર શોધતો હતો તે જ વખતે મારા મિત્ર ઉર્વીશ કોઠારીએ અચ્યુત યાજ્ઞિક નો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં ગુજરાતની તમામ ઘટનાઓને બારીક નજરે જોનાર લેખક-પત્રકાર અચ્યુત યાજ્ઞિકનો દિવ્યભાસ્કરમાં છપાયેલો ઇન્ટરવ્યૂ જોયો હતો. જેમાં ગુજરાતી હિંસક કેમ છે તેનો ઉત્તર મળી ગયો હોય તેમ માનું છું. અચ્યુત યાજ્ઞિક ના અભ્યાસ પ્રમાણે કોમી તોફાન આખા ગુજરાતમાં થયા નહોતાં. ખાસ કરી અમદાવાદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અને પંચમહાલમા મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે આ તમામ વિસ્તારમાં માતાના ગર્ભમાં ઉછરી રહેલી બાળકીની હત્યા(ભૃણહત્યા) મોટા પ્રમાણમાં થાય છે. તેનો અર્થ જે માણસ પોતાની બાળકીની હત્યા કરી શકતો હોય તે કોઈની પણ હત્યા કરી શકે તેમાં કોઈ શંકા નથી. અહિયાં પુસ્તક પૂરું થયું છે તેવું કહેતો નથી, કારણ કે જ્યાં સુધી મારા રાજ્યમાં કોમ કે જ્ઞાતિના આધારે થતાં તોફાનો બંધ નહીં થાય ત્યાં સુધી તે દિશામાં કામ કરતાં અનેક લોકો માટે પછીના પ્રકરણો ખુલ્લા છે. આજે તા. ૧લી મે ૨૦૦૬ છે. મારા ગુજરાતનો સ્થાપના દિવસ છે એક દંગલ મુક્ત રાજ્ય ની અપેક્ષા સાથે વિરમું છું.

Rate & Review

Jayesh Talavia

Jayesh Talavia 1 year ago

rajnish patel

rajnish patel 2 years ago

Arun

Arun 2 years ago

Dhrumil

Dhrumil 3 years ago

Digant Joshi

Digant Joshi 3 years ago

Share