આત્માના અંતિમ સંસ્કાર ! - ૬...

“તે યુવાને ક્યારેય ધ્યાનથી જોઈ છે ? એનો વાન, એનું શરીર, એના વાળ, એની આંખો, તને શું એ મારા જેવું કે મારી સ્વર્ગસ્થ પત્ની ઈશિતા જેવું લાગે છે? રેવા, એ અમારી પુત્રી નથી.”

રેવા ફાટી આંખે પ્રોફેસરને જોઈ રહેતી. બ્લુ - સમંદરની ઊંડાઈ જેવી આંખો, લાંબા ભરાવદાર કાળા કેશ, પાતળું તીખું નાક, વિશાળ કપાળ, ગોરો વાન, રેવાને હવે યાદ આવ્યુકે યુવામાં પ્રોફેસર કે ઈશિતા ની કોઈજ નિશાની નથી.

“વોટ ધ હેલ ઇસ ધીસ મેજર, પ્રોફેસર? તમે લોકો શું છુપાવો છો મારાથી”? રેવા ગુસ્સે થઈને બંનેને પૂછતી.

મેજર રેવાનો હાથ ધીરેથી થપથપાવતા. પ્રોફેસર આગળ બોલતા “હા, આઈ એમ સોરી રેવા, બટ શી ઇઝ નોટ માઈ ડોટર. મેં તારાથી વાત છુપાવી એ બદલ હું દિલગીર છું.

યુવા રબ્બી અકીવા, સાંભળવામાં અજીબ લાગે પણ આ સાચી વાત છે. એ લાવણ્યા અને રબ્બીનું સંતાન છે.

‘રબ્બી અકીવા’, ઈઝરાયેલની ખતરનાક ઇન્ટરનલ સિક્યુરીટી ‘શીન બેટ’ નો વડો અને દુનિયાનો ખતરનાક માર્શલ આર્ટ ટ્રેનર અને ખૂંખાર કમાન્ડો છે. યુવા એની પુત્રી છે.

રેવા ફાટી આંખે પ્રોફેસરની સામે જોઈ રહી. “અને લાવણ્યા ?!” એ કોણ છે ? એ ક્યા છે? “

જવાબમાં પ્રોફેસરે એક ઊંડો નિસાસો નાખ્યો અને મેજર તરફ જોયું. મેજરે ડોકું ધુણાવ્યું અને બોલ્યા “રેવા, લાવણ્યા એ હિમાચલના જંગલોમાં આવેલા પ્રાચીન શિવ મંદિરના પુજારી શંભુનાથની પુત્રી હતી.”

“મને માંડીને બધી વાતો કરો તમે બંને જણા આજે” રેવાએ ગુસ્સાથી બંનેની સામે જોયું.

પવન અચાનક જોર જોરથી વહેવા લાગ્યો. ઉપર કાચની બારી થોડી ખખડી અને ત્યાં ઉભા રહીને બધી વાતો સાંભળતો સમર ચમકી ગયો. એની નાની આંખોમાં આશ્ચર્ય વ્યાપી ગયું. એણે ફરીથી એના કાન સરવા કર્યા આગળની વાતો સાંભળવા માટે.

***

આત્માના અંતિમ સંસ્કાર ! – ૬

૧૯૬૨ જુન – ચાઈનાના સુપ્રીમો માઓ ઝે’દાંગ ની ઓફીસ માં –

ચીનના સુપ્રીમો માઓએ એમના ચશ્માં સરખા કર્યા અને સામે પડેલા પ્રાચીન દસ્તાવેજોની સામે જોયું. સામે એમના સેક્રેટરી અને ચાઇનીઝ પુરાતત્વ ખાતાના મેમ્બરો ઉભા હતા. “શું આ સાચું છે ? આ પ્રાચીન જગ્યાએ ખરેખર એવી શક્તિ છે જે આપણને વિશ્વ વિજેતા બનાવી દેશે ?” એમણે સૂચક રીતે બધાની સામે જોઈને પૂછ્યું.

“જી શ્રીમાન, આપણા હજારો વર્ષો પહેલા લખાયેલા પ્રાચીન દસ્તાવેજો અને લોક મુખે સાંભળેલી અને કહેવાયેલી વાતો આનું પ્રમાણ આપે છે.” દુબળા પાતળા આદમીએ ઝૂકીને કહ્યું.

“આ બધું મને બકવાસ લાગે છે, આ કારણથી હું ભારતની વિશાળ સેના સામે કેવી રીતે ટક્કર લઉં ? એવું જ હોય તો એ લોકો એ શક્તિને પ્રાપ્ત કેમ નથી કરી લેતા ? મને હજી વધારે પુરાવા જોઈએ એ છે” માઓએ અવિશ્વાસ અને ચીડથી કહ્યું.

“શ્રીમાન, એ લોકો અંધવિશ્વાસી છે, એમના પ્રાચીન ધર્મ ગ્રંથો મુજબ આ જગ્યા પવિત્ર છે અને અહી એમના પ્રાચીન ભગવાન “શિવ” રહે છે. એ લોકોની માન્યતા મુજબ “શિવ” એ દેવતાઓ નાં દેવતા છે અને એ જ આ શક્તિનું વહન કરે છે. એ શકિત માનસરોવર/રક્ષાસ્થલ લેક પાસે આવેલા કૈલાશ પર્વતની આજુબાજુમાં છે અને પ્રાચીન સાધુઓ એનું રક્ષણ કરે છે. આ વાતો અને ત્યાનું સ્થળ આપણા પ્રાચીન દસ્તાવેજોમાં પણ દર્શાવેલું છે. આપણી સેનાના એક્ષ્પર્ટસ જ્યારે ત્યાં ગયા અને જે રેડીઓએક્ટીવ એનર્જી ટેસ્ટ કર્યો એમાં આ જગ્યા ની આજુ બાજુ એનો પ્રભાવ સહુથી વધારે નોંધાયો હતો. એટલો બધો કે દુનીયાના તમામ પરમાણુ હથીયારો ભેગા કરો એનાથી પણ ઘણો વધારે !!!” દુબળા આદમીએ ફરીથી ઝૂકીને કહ્યું. માઓ ફાટી આંખે એની વાત સાંભળતા રહ્યા.

એણે આગળ ચલાવ્યું “આપણા પ્રાચીન ઐતિહાસીક વિવરણો મુજબ આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાનાં તત્કાલીન પ્રાચીન સમ્રાટ હુંગ અને એની સેનાએ આ શક્તિને પામવાનો પ્રયાસ પણ કરેલો. એ પછી પણ આવા ઘણા પ્રયાસો થએલા છે. એ પછી શું થયું એનું વિવરણ મળતું નથી. પણ એ વાત નક્કી છે કે પ્રાચીન ભારત હોય, તિબેટ હોય કે ચીન હોય, બધ્ધા આ શક્તિ વિષે જાણતા હતા અને સમયે સમયે એને પામવાનો કે દર્શન કરવાનો પ્રયાસ પણ કરેલો. હિંદુ/બૌદ્ધ/જૈન/બોન(તિબેટીયન રીલીજીયન) આ તમામ ધર્મો અને એમના પ્રાચીન ગ્રંથો એની પુષ્ટિ કરે છે. આ એવું રહસ્ય છે કે જે હજારો વર્ષોથી વણઉકેલાયું છે. જો તિબેટ આપણા હાથમાં આવી જાય તો આપણે આ શક્તિને પામી શકીએ છીએ.” દુબળા પાતળા આદમીએ નમ્રતાપૂર્વક માથું ઝુકાવીને સમાપન કર્યું.

માઓએ એમના સેક્રેટરીની સામે અને આજુબાજુ ઉભેલા લોકોની સામે જોયું અને એમની આંખોમાં રહેલા સકારાત્મક ભાવો વાંચીને એમણે ડોકું ધુણાવ્યું. આ બધાજ એમના વફાદાર હતા અને કોઈ પણ ભોગે એમની સામે પડે એમ ન હતા. જો એમની વાતો સાચી હોય તો ? “એવું તે શું છે એ પર્વતની આજુબાજુ, એની તળેટીમાં, એ સરોવરની આસપાસ છુપાયેલી પ્રાચીન શક્તિમાં ?” માઓએ મનોમન વિચાર્યું. માઓ ચાઈનાને સમગ્ર વિશ્વમાં સહુથી બળવત્તર અને શક્તિશાળી બનાવા માંગતા હતા. એમને મન એમના દેશ અને દેશવાસીઓ સિવાય બધાજ પછાત હતા. જગતની નેવું ટકા શોધ ચાઈનાએ વિશ્વને આપી છે અને આખું જગત એમનું ઋણી છે એવું એમનું માનવું હતું. જગતના બધાજ દેશ ચીન સમક્ષ ઝુકે અને એને સુપ્રીમ પાવર ગણે એવી એમની મહેચ્છા હતી અને હવે એ કદાચ પૂરી થાય એવું લાગતું હતું. માઓ પ્રાચીન દેવી દેવતાઓની વાર્તાઓમાં માનતા ન હતા પણ એમને એલિયન્સની અને એમની શક્તિઓમાં વિશ્વાસ હતો. હોઈ શકે કે પ્રાચીન સમયમાં એલિયન્સ આ પૃથ્વી પર આવ્યા હોય અને એમની એડવાન્સ ટેકનીકના સહારે એમણે આવી શક્તિ અહી મૂકી હોય. એને પ્રાપ્ત કરવીજ પડે એવું હવે એમના મન માં ઠસી ગયું.

માઓની આંખોમાં ચમક આવી અને હોઠો પર ખંધુ સ્મિત. “હિન્દી-ચીની ભાઈ ભાઈ, હા હા હા, મિસ્ટર નેહરુ, હવે વખત આવી ગયો છે”

એમણે બધાજ લોકોને એમની વિશાળ કેબિનમાંથી બહાર કાઢ્યા અને ચાઈનાના રક્ષામંત્રી ને તાત્કાલિક હાજર થવાનું કહેણ મોકલ્યું.

૨૦ ઓક્ટોબર ૧૯૬૨ના રોજ ચાઈનાએ ગાફેલ ભારત સામે અચાનક યુદ્ધ જાહેર કરી દીધું જે એક મહિનો ચાલ્યું. ૨૧ નવેમ્બર ૧૯૬૨ ના રોજ ચાઈનાએ યુદ્ધ વિરામ જાહેર કર્યો.

૨૭ જાન્યુઆરી, ૧૯૬૩ ના રોજ ભારત ચીન નાં યુદ્ધ માં શહીદ થએલાઓને શ્રદ્ધાંજલિ આપવા દિલ્લીના નેશનલ સ્ટેડીયમમાં લતા મંગેશકરે “એ મેરે વતન કે લોગો, જરા આંખમેં ભરલો પાની” ગીત ગયું. ત્યાં હાજર રહેલા જવાહરલાલ નેહરુની આંખોમાં આંસુ આવી ગયા.

ઘણું મોડું થઇ ગયું હતું. ચીની ડ્રેગન તિબેટને ગળી ગયો હતો અને સાથે સાથે માઉન્ટ કૈલાશને પણ. આ સાથે ચાઈનામાં બે હજાર વર્ષો પછી પાછી એ મહાન અને રહસ્યમય શક્તિને પ્રાપ્ત કરવાની દોડ શરુ થઇ ગઈ હતી.

પ્રોફેસરે એક ઘૂંટડો મારીને રેવાની સામે જોયું અને શરુ કર્યું

“આજથી થોડા વર્ષો પહેલા ઈઝરાઈલથી એક ડેલીગેશન ભારત આવેલું. એમાં ત્યાના તત્કાલીન વડાપ્રધાન અને એમની સાથે એક આર્કીઓલોજીકલ રીસર્ચ ની ટુકડી પણ આવેલી. મારે એ ડેલીગેટ્સ નું ધ્યાન રાખવાનું હતું અને ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા એમને આપણી ફેમસ હિસ્ટોરિકલ સાઈટ્સ પણ બતાવાની હતી. આ ડેલીગેટ્સની સુરક્ષા માટે એક કમાન્ડોની ટુકડી પણ આવી હતી. એમનો લીડર હતો એક ઉંચો હેન્ડસમ આદમી કમાન્ડો રબ્બી અકીવા. મજબુત, ખડતલ, વિશાળ, શકરા જેવી આંખો, અને હંમેશા સતર્ક.

જ્યારે જ્યારે અમે કોઈ હિસ્ટોરિકલ સાઈટ પર જઈએ ત્યારે ત્યારે એ ટુકડીની સાથે સાથે આવતો. રબ્બીને અમારી વાતોમાં બહુ રસ પડતો. એ ચુપચાપ અમારી વાતો સાંભળતો. હું જ્યારે ઈઝરાયેલી ડેલીગેટ્સને જે-તે સાઈટસની હિસ્ટ્રી કહેતો ત્યારે એ અચૂક હાજર રહેતો. એવામાં એક સાંજે એમની ટુકડીમાંથી એક જૈફ વિદ્વાન ‘ગોલાન’ મારી પાસે આવ્યા. રબ્બી પણ એમની સાથેજ હતો.

“હેલો પ્રોફેસર સિન્હા, લવલી ઈવનિંગ” એમણે મને સાદ પાડીને કહ્યું. હું એક નાનકડા તળાવની પાળે બેઠો હતો. એ બંને જણા મારી પાસે આવીને બેસી ગયા. ગોલાને એક ચિરૂટ કાઢી અને સળગાવી. થોડીવાર હું એમને ધુમાડા કાઢતો જોતો રહ્યો. અચાનક એમણે હાથમાં એક લાકડી લીધી અને ત્યાની પોચી જમીનમાં એક ત્રિશુલ દોર્યું. હું સૂચક રીતે એમની સામે જોઈ રહ્યો.

“પ્રોફેસર, આ શું છે એ તો મારે તમને કહેવાની જરૂર નથી. તમારા મહાન દેવ શિવ જેનું વહન કરે છે એ શક્તિ.” એમણે પછી ત્રિશુળની બાજુમાં એક પીરામીડ જેવો પર્વત દોર્યો. “આ શું છે ? તમે લોકો જેને માઉન્ટ કૈલાશ કહો છો એ. રાઈટ ?” મેં હકારમાં માથું ધુણાવ્યું.

“શું તમને એ ખરેખર પર્વત જેવો લાગે છે પ્રોફેસર ? હું મારી આખી ઝીન્દગીનાં અનુભવને આધારે કહું છું કે આ એક મેન મેઈડ (માનવ સર્જિત) પીરામીડ છે. હું આ જગ્યાએ તો ગયો નથી પણ મેં એના અસંખ્ય ફોટો જોયા છે અને એની તમામ માહિતી એકઠી કરી છે અને વર્ષોના અભ્યાસ પછી મેં આ તારણ કાઢ્યું છે. યા તો અહી કોઈ પ્રાચીન સમયથી દૂર સુદુર નાં ગ્રહ પરથી આવેલી એલિયન્સ જાતિનું યાન છે અથવા તો એમણે બનાવેલી કોઈ પ્રાચીન પીરામીડ જેવી રચના છે. જગતનું આ સેન્ટર છે જ્યાંથી તમામ ઊર્જા/એનર્જી વહે છે અને દુનિયાના તમામ પીરામીડસ એની સાથે સંકળાયેલા છે.” રશિયાનોએ કરેલા રેડીઓએક્ટીવ ટેસ્ટમાં અહી જેટલી ઉર્જા ક્યાય એમને જોવા મળી નથી. અહી કશુક છે જે હજુ કાર્યરત છે પ્રોફેસર. કૈંક તો એવું છે જેને આપણે હજુ જાણતા નથી.” ગોલાન મારી સામે જોઈ રહ્યા.

જવાબમાં હું હસ્યો. “શ્રીમાન ગોલાન, એ જગ્યા સેક્રેડ (પવિત્ર) છે. દેવોના દેવ મહાદેવનું નિવાસ સ્થાન છે. તમે લોકો ભલે અમારા પ્રાચીન ગ્રંથો અને એમાં લખાયેલી વાતોને ગપ ગોળા માનો પણ આ જ હકીકત છે. કેમ હજુ સુધી કોઈ પણ માનવ એને કલાઇમ્બ કરી શક્યું નથી ? માઉન્ટ એવેરેસ્ટ ઘણા ચડી આવ્યા પણ કૈલાશ પર્વત કેમ હજી અડીખમ ઉભો છે ? જેણે જેણે એને ચડવાનો ટ્રાય કર્યો છે એમને વિચિત્ર અનુભવો થયેલા છે. રશીયન પર્વાતારોહી સેર્ગેઈ જ્યારે આ પ્રાચીન પર્વતની તળેટીમાં પહોંચ્યો ત્યારે એનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. આ મહાન પ્રાચીન પર્વતને એ જોઈજ રહ્યો અને અચાનક એને લાગ્યું કે કોઈ એને આદેશ આપી રહ્યું છે કે તે આ જગ્યાએ થી તરતજ પાછો ફરી જાય, આ મહાન શિખરને અપરાજિતજ રહેવા દે. દેવોનું અને મહાન શક્તિઓનું સન્માન કરીને એ અને એની ટુકડી ત્યાંથીજ પાછી ફરી ગઈ. બીજા એક પર્વતારોહી કર્નલ વિલ્સન ને જ્યારે તળેટીથી ઉપર જવાનો માર્ગ મળી ગયો અને એમણે આરોહણ ચાલુ કર્યું ત્યારે, હવામાન સ્વચ્છ હોવા છતાં પણ અચાનક બરફની ભારે વર્ષાએ અને તોફાને એમને પાછા જવા મજબૂર કર્યા. ઘણા લોકોએ ટ્રાય કર્યો પણ હજુ સુધી કોઈ સફળ નથી થયું. તમે વિદેશીઓ ભલે આ વાતોને ગપગોળા માનો પણ અમારા પ્રાચીન ધર્મગ્રંથો મુજબ એ શિવજીનું સ્થાન છે. કૈલાશ પર્વત એ સ્વર્ગમાં જવાનો એક માત્ર માર્ગ છે. ત્યાં દેવતાઓનો પણ વાસ છે. નવાઈ લાગે છે ને કે હું એક ભણેલો ગણેલો પ્રોફેસર આવી વાતો કરું છું પણ મેં પ્રાચીન વેદો અને ઉપનીષદોનો અભ્યાસ કર્યો છે. મેં તમામ ભારતીય પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને મને લાગે છે કે એમાં લખેલું કૈંક તો સત્ય છે. કૈંક છે કે જે એ લોકોને ખબર હતી પણ આપણે લોકોએ હવે આંખો આગળ એવા પડદા પાડી દીધા છે કે એ સત્યને આપણે હવે શોધી નથી શકતા”. મેં મક્કમતાપૂર્વક કહ્યું. ગોલાન મારી સામે જ જોઈ રહ્યા. એમણે માથું ધુણાવ્યું અને રબ્બીની સામે જોયું.

“આપણે હવે આગળ હિમાચલ પ્રદેશમાં આવેલી એક આર્કીઓલોજીકલ સાઈટ પર જવાનું છે. ત્યાં એક શિવજીનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. ત્યાના પુજારી શંભુનાથ અત્યંત વિદ્વાન પંડિત છે. તમને મજા આવશે એમની જોડે વાતો કરીને” મેં કહ્યું.

તેલ અવિવ - ઇઝરાયેલ – અત્યારના સમય માં ...

“આહ !” ખુરશીમાં બંધાયેલો વ્યક્તિ ચિત્કારી ઉઠ્યો. રબ્બી અકીવાએ હાથમાં પક્કડ લીધું અને એ વ્યક્તિની જમણી આંગળીમાં રહેલો નખ ખેંચી કાઢ્યો ! એ વ્યક્તિ ફરીથી જોરથી ચિત્કારી ઉઠ્યો ! “બોલ, તું કોના માટે જાસુસી કરે છે ? જલ્દી બોલ, મારી પાસે ટાઈમ નથી. હવે હું નખ નહિ પણ તારી આંગળીઓ ખેંચી કાઢીશ, સમજ્યો ?” રબ્બીની આંખોમાંથી અંગારા વરસ્યા. જેવું રબ્બીએ હાથમાં એક નાનકડું ચપ્પુ લીધું કે એ આદમી રડી પડ્યો “રહેવા દો મહેરબાન, હું કહું છું બધ્ધું તમને. પ્લીઝ મને ઈજા નાં કરશો વધારે” રબ્બીએ સૂચક રીતે એની બાજુમાં ઉભેલા ઓફિસર તરફ જોયું અને એને આ કેસ સોંપીને એ અંધારિયા રૂમની બહાર નીકળી ગયો. એણે પ્રોફેસર સિન્હાએ ભેંટ આપેલી ચિરૂટ હાથમાં લીધી અને સળગાવતા સળગાવતા પોતાની ઓફીસ તરફ ધીમા ડગલાં ભર્યા.

રબ્બી અકીવાએ ઘડિયાળમાં જોયું તો સાંજના સાત વાગી ગયા હતા. તેલ અવિવમાં આવેલી એની ઓફીસ માં એ બેઠો બેઠો કોફી પી રહ્યો હતો. શીન બેટ એ ઇઝરાયેલની આંતરિક સુરક્ષા સંસ્થા હતી અને તે એનો વડો હતો. તે સીધોજ વડાપ્રધાનને રીપોર્ટ કરતો હતો. તેની સત્તા અપાર હતી. ઇઝરાયેલ પ્રત્યેની તેની નિષ્ઠા અને વફાદારી ને સહુ કોઈ માન આપતા. એ ખૂંખાર હતો, એ તેજ દિમાગવાળો યોદ્ધો હતો. આખા ઈઝરાયેલમાં એના જેટલું શક્તિશાળી અને ચપળ કોઈ નહોતું. માર્શલઆર્ટમાં એ નિપુણ હતો અને એને યુવાનીમાં ત્રણ ત્રણ વાર ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન નો ખિતાબ પણ મળેલો હતો. એ મન માં હસી પડ્યો. એને યાદ આવી ગયું કે કેવી રીતે એના અહમને વખતસિંગે ચુર ચુર કરી નાખ્યો હતો. હિમાચલના જંગલો માં આવેલો એ આખલા જેવો પહાડી આદમી. લાવણ્યાનો નાનો ભાઈ. એની આંખો સમક્ષ વખતસિંગનો ચહેરો તરવરી રહ્યો. આજે સાંજે એને ખબર નહિ કેમ પણ બેચેની જેવું લાગતું હતું. દિલના કોઈ ખૂણે કૈંક ખૂંચતું હતું. એણે એના રીડીંગ ગ્લાસ નીચે મુક્યા અને એક ઊંડો નિશ્વાસ નાખ્યો. એણે એનું પાકીટ કાઢ્યું અને એમાં એક જુનો પીળો પડી ગયેલો ફોટો બહાર કાઢ્યો. એ એક સુંદર યુવતીનો હતો. એણે બે હાથ પૂજાની મુદ્રામાં જોડેલા હતા. એની સુંદર મોટી મોટી આંખો બંધ હતી. આટલી સુંદર સ્ત્રી એણે ક્યાય જોઈ નહોતી. એની આંખોમાંથી આંસુ બહાર આવી ગયા. “લાવણ્યા, ઓહ ! મારી લાવણ્યા, કાશ,,,,” એ ફોટાને જોઈજ રહ્યો. એણે ફરીથી આંખો બંધ કરી દીધી અને એને હિમાલયના પહાડો જાણેકે સાદ પાડીને બોલાવતા હોય એવું લાગ્યું. એણે એની ઓફીસમાં સામે દીવાલ પર લાગેલો યુવાનો ફોટો જોયો અને ફરીથી એની આંખોમાં આંસુ આવી ગયા. યુવાની આંખો, વિશાળ કપાળ, બાંધો, બધુજ લાવણ્યા જેવું હતું, જાણે કે એની કાર્બન કોપી જોઈ લો, પણ સ્વભાવ, ગોરો વાન અને આંખોનો બ્લુ કલર પોતાના જેવો હતો. એ હસ્યો, છેલ્લા બાર બાર વર્ષોમાં એ સતત યુવા ની સાથે રહ્યો હતો. એને ટ્રેન કરી હતી, અને એના જેવી ચપળ અને ખૂંખાર કમાન્ડો એણે એની કારકિર્દીમાં ક્યાય જોઈ નાં હતી. “મારું જ ખૂન છે ને, સર્વશ્રેષ્ઠ તો હોવાનું જ” એના હોઠો પર હાસ્ય આવી ગયું અને એને અપાર ગર્વની લાગણી થઇ. એણે ઝૂકીને ડ્રોઅરમાંથી યુવાનો આવેલો છેલ્લો કાગળ કાઢ્યો. કવર ફોડીને એણે વાંચવાનું શરુ કર્યું.

“ડીયર માસ્ટર, મજામાં છો ને ? આજે મને મારા હાથે તમને કાગળ લખવાનું મન થયું. ઈ મેલ માં એવી મજા નથી આવતી. તમારી તબિયત કેમ છે ? બી પી ચેક કરાવતા રહો છો ને ? હું અહી મજામાં છું. બસ તમારી બહુજ યાદ આવે છે. પાપા આખો વખત સાઈટ પર વ્યસ્ત રહે છે. આજે મને તમારી ખરેખર બહુજ યાદ આવે છે. દિલ બેચેન થઇ ગયું છે. આટલી અકળામણ મને ઝીન્દગીમાં પણ કોઈ દીવસ નથી થઇ. હું તો તમને ગુરુ અને પિતા બંને માનું છું. મને ખબર છે કે તમને હું ત્યાં રહીને કમાન્ડો એલીટ ફોર્સ માં જોડાઉ એવું મન હતું પણ તમે સમજો, મારે પાપા પાસે પણ રહેવું પડે, એ એકલા છે અહી ભારતમાં. હું તમને મળવા આવીશ બહુ જલ્દી. વિરાટ ક્યારેક ક્યારેક મળવા આવતો રહે છે. એ બિલકુલ તમારા જેવોજ છે. ખૂંખાર ચિતા જેવો. મને ખુબજ પ્રેમ કરે છે. મારા કપરા સમયમાં એ મારી પડખે અડીખમ ઉભો છે. સમરનો કોઈજ પત્તો નથી. અમે થાકી ગયા છીએ એને શોધી શોધી ને. મનમાં ઘણી શંકાઓ થાય છે, પણ શું કરું ? ચાલો, બાકીની વાતો પછી. તમને ખુબજ વ્હાલ અને શુભેચ્છાઓ.

તમારી ફેવરીટ સ્ટુડન્ટ – યુવા સિન્હા.”

રબ્બીએ નિશ્વાસ નાખ્યો, બેટા, તું યુવા રબ્બી છે, મારું લોહી, તને કેમ સમજાવું હવે મારે ? એને મનમાં ગુસ્સો પણ આવ્યો, કેપ્ટન સમર હજી સુધી લાપતા હતો. ભારતની સરકાર શું કરે છે ? બસ, હવે મારી દીકરીને વધારે સહન નહિ કરવું પડે, હું જ એને શોધી કાઢીશ. એને ખબર હતી કે યુવા સમરને કેટલો પ્રેમ કરે છે અને એ કેટલી વ્યથિત હશે એના અચાનક ખોવાઈ જવાથી. એને મારી જરુર છે પણ એ સીધે સીધી રીતે મને કહી નહિ શકે. એણે બેલ દબાવીને એક માણસને બોલાવ્યો અને કૈંક સૂચનાઓ આપી.

બે દીવસ પછી રબ્બી અકીવા ભારત જવા માટે નાં પ્લેનમાં બેઠો હતો. “યુવા, મારી દીકરી, તું એકલી નથી, હવે હું આવું છું અને સમરને આપણે ચોક્કસ શોધી કાઢીશું” એણે મનમાં વિચાર્યું. એર હોસ્ટેસ ખાવાનું સર્વ કરી ગઈ. રબ્બીએ ખાઈને આંખો બંધ કરી દીધી અને એને લાવણ્યા જોડેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ.

“પ્રોફેસર સિન્હા, ગોલાન અને હું અમે ત્રણે જણા હિમાચલના દૂર સુદૂર ગામ બેલી માં આવી ગયા હતા. ચારેકોર પહાડોથી ઢંકાયેલું આ નાનકડું પણ સુંદર ગામ અત્યંત સુંદર જગ્યા એ હતું. એક નાનકડા તળાવ ની પાસે એ આવેલું હતું. બેલી માં રહેતા લોકો પણ સરળ અને સીધા હતા. તળાવની પાસે એક નાની ટેકરી પર મંદિર હતું. આવું સરસ રમણીય સ્થળ મેં મારી ઝીન્દગીમાં પણ જોયું નહોતું. અમારી ટુકડીએ તળાવની પાસે એક જગ્યાએ તંબુઓ બાંધીને પડાવ નાખ્યો હતો.

સવારના પાંચ વાગ્યા હશે, ખબર નહિ પણ ઝાંઝરો નાં ખણકાર થી મારી આંખો ઉઘડી ગઈ. હું મારા તંબુની બહાર આવ્યો અને ઝાંખા અજવાળામાં મેં મંદિર સામે જોયું. એની ધજા પવનમાં ફરકતી હતી. મને આરતીનો ધીમો રણકાર અને મંદિરનો ઘંટ ધીમો ધીમો વાગવાનો અવાજ સંભળાયો. મેં તંબુમાંથી મારો કેમેરો કાઢ્યો અને આ અદભુત દ્રશ્યના ફોટા પાડવા માંડ્યો. અચાનક કોઈના ગાવાનો અવાજ મને સંભળાયો. હું કુતુહલથી એ દિશામાં ચાલી નીકળ્યો.

કોઈ અત્યંત ધીમા પણ મીઠા સ્વરમાં ગાઈ રહ્યું હોય એવું મને લાગ્યું. મેં આંખો ખેંચીને ધ્યાનથી જોયું તો મંદિરના પરસાળમાં એક લાંબા વાળવાળી ઉંચી યુવતી મારી તરફ પીઠ કરીને ઉભી હતી. એ કોઈ ગીત ગાઈ રહી હતી, કદાચ એમની પ્રાથના હશે. મેં મારો કેમેરો કાઢ્યો અને ચુપચાપ હું એ યુવતીની આગળ જઈને ઉભો રહ્યો અને મારું દિલ એક ધડકન ચુકી ગયું. એના બંને હાથ જોડેલા હતા. એના સુંદર હોઠો પર સ્મિત હતું અને એ ધીમા અવાજે કૈંક ગણગણી રહી હતી. મેં એનો ફોટો પાડી લીધો. આટલી સુંદર યુવતી મેં મારી ઝીન્દગીમાં પણ જોઈ નહોતી. સવાર થવા આવી હતી. હું મંત્રમુગ્ધ બનીને એની સામે નીચે બેસી ગયો. બસ એને આખી ઝીંદગી જોયા જ કરું એવી લાગણી મને થઇ આવી. અચાનક એણે ગાવાનું બંધ કર્યું અને આંખો ખોલી. એની મોટી મોટી આંખો અત્યંત સુંદર હતી. એણે મારી સામે જોયું અને એની આંખોમાં આશ્ચર્યના ભાવો આવી ગયા. એની આંખો મોટી થઇ ગઈ. એ પણ મને થોડી વાર જોઈજ રહી અને પછી એક સ્મિત કરીને દોડીને ત્યાંથી ભાગી ગઈ. એણે પહેરેલા ઝાંઝરનો રણકાર મારા કાનોમાં ગુંજી રહ્યો. મેં માથું ધુણાવ્યું અને જેવો હું મંદિરના પગથીયા ઉતર્યો કે સામે એક વિશાળ પહાડ જેવો લગભગ સાડા છ ફીટ ઉંચો કદાવર આદમી ઉભેલો જોયો. એની આંખોમાંથી અંગારા વરસતા હતા. એણે હાથ લાંબો કરીને મને કૈંક કહ્યું પણ મને કઈ સમજ નાં પડી. હું એની સામે હસ્યો અને ત્યાંથી આગળ વધ્યો પણ એણે એનો પહાડી હાથ મારા ખભે મુકીને ફરીથી મને કૈંક ગુસ્સામાં કહ્યું. મેં એનો હાથ હડસેલી દીધો અને હું આગળ વધ્યો. અચાનક એણે મારો હાથ પકડી લીધો. હવે મને પણ ગુસ્સો આવ્યો. હું રબ્બી અકીવા, ઇઝરાયેલનો સહુથી ખતરનાક કમાન્ડો અને માર્શલ આર્ટનો નિપુણ, આ એક સામાન્ય આદમી મને ચેલેન્જ કરી રહ્યો હતો. મેં અચાનક ઝાટકો મારીને મારો હાથ છોડાવી દીધો. એ પહાડ જેવા આદમીએ ગુસ્સાથી મારી સામે જોયું અને મને પેટમાં એક મુક્કો મારી દીધો. હું લથડીને નીચે પડી ગયો. મને એ આદમીમાં રહેલી પ્રચંડ શક્તિનો ખ્યાલ આવ્યો. મને આવી રીતે નીચે પાડવો એ કાચા પોચાનું કામ નહોતું. પણ મેં આવા ઘણા લોકોને ઝીન્દગીમાં જોયા હતા અને હરાવ્યા પણ હતા. હું એક ઝાટકે ઉભો થયો અને અત્યંત ચપળતાથી કુદીને એને મેં કિક મારી. એની છાતીમાં એ વચ્ચોવચ વાગી અને એ પહાડ થોડો હલબલી ગયો પણ નીચે નાં પડ્યો. મને આશ્ચર્ય થયું. હવે મને ભયંકર ગુસ્સો આવ્યો. ફરીથી એક ત્રાડ પાડીને હું દોડીને એના ઉપર કુદયો પણ એણે સહજતાથી મને પકડીને એક તરફ ફેંકી દીધો. હું ધૂળમાં ચતોપાટ પડ્યો અને મારા મોઢામાં ધૂળ ઘુસી ગઈ. અપમાનથી મારું રોમ રોમ સળગી ગયું, આજે તો આ ગયો, હું ગુસ્સામાં ઉભો થયો.

“ત્યાજ ઉભા રહો” અચાનક એક ત્રાડ આવી અને હું સ્તબ્ધ થઇ ને ઉભો રહી ગયો. મેં અવાજ ની દિશામાં જોયું. એક પ્રભાવશાળી ઉંચો આદમી મારી અને પેલા પહાડની વચ્ચે ઉભો હતો. એના કપાળમાં ત્રિશુલ દોરેલું હતું. એની લાંબી ચોટલી હવામાં ફરકતી હતી. એના માથા પર મોટી ટાલ હતી. એની લાંબી સફેદ દાઢી ઠેઠ ઘૂંટણ સુધી આવતી હતી. એના એક હાથમાં લાંબો લાકડાનો દંડ હતો. એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હું જોઈજ રહ્યો. એ હવે પેલા પહાડની તરફ ફર્યો અને એને કૈક ગુસ્સામાં સૂચનાઓ આપી, પહાડે એનું માથું નમાવી દીધું અને નમ્રતાપૂર્વક એ પાછો મંદિર તરફ ચાલી નીકળ્યો. અચાનક અવાજો સાંભળીને ત્યાં પ્રોફેસર આવી ગયા. એમણે ઝડપથી એ વ્યક્તિ જોડે કૈંક વાતો કરી અને પછી એ મારા તરફ ફર્યા. “રબ્બી, એ પંડિત શંભુનાથ છે, આ બેલી ગામના પ્રાચીન શિવ મંદિરના પુજારી, અને આ વ્યક્તિ તેમનો નાનો પુત્ર હતો, વખતસિંગ. તું પગમાં શુઝ પહેરીને મંદિરમાં પ્રવેશ્યો એટલે એ ગુસ્સે થયો હતો.”

મને ખુબ શરમ આવી. મંદિરમાં શુઝ પહેરીને નાં જવાય એ મને ખબર હતી. મેં બે હાથ જોડીને શંભુનાથની માફી માંગી. એમણે એક સ્મિત કર્યું અને મારા માથે હાથ મુક્યો. એ શુદ્ધ અંગ્રેજીમાં બોલ્યા “બેટા, મારો નાનો ‘વખત’ થોડો ગુસ્સેલ છે, પણ દિલનો બહુ સારો છે, એને માફ કરી દે, તને કોઈ ઈજા તો નથી થઇ ને ?” મેં આશ્ચર્યથી એમની સામે જોયું અને પછી એમને કહ્યું “નાં સર, મને કઈ થયું નથી પણ એક વાત છે, તમારા વખતમાં અદભુત શક્તિ છે. મને આવી રીતે ઊંચકીને ફેંકી દેવાવાળા બહુ જ ઓછા હોય છે”. જવાબમાં એ ખડખડાટ હસ્યા “બેટા, શક્તિ આપણી અંદર રહેલી હોય છે. એનો પ્રયોગ કરવામાં ચોકસાઈ અને સાવધાની રાખવાની. અહં અને ઘમંડ ગમે તેવા વીરને પણ પછાડી શકે છે.તમે લોકો અમારા મહેમાન છો, બપોરે વાળું કરવા તમે આવો. મારી ઓરડી મંદિરની પાછળજ આવેલી છે” મેં માથું નમાવ્યું અને એમની રજા લીધી. તંબુમાં પાછા ફરતા ફરતા મેં ચારે કોર નજર ફેરવી પણ મને પેલી સુંદર આંખો વાળી યુવતી ક્યાય દેખાઈ નહિ.

સવારે બ્રેકફાસ્ટ કરીને હું એકલો જંગલો તરફ ચાલી નીકળ્યો. હાથમાં એક લાકડી અને કેમેરો લઈને. આજે કઈ કામ નહોતું અને બપોરે શંભુનાથ ના ઘરે જમવા જવાનું હતું. મારી ઈચ્છા તો એ સુંદર યુવતીને ફરીથી જોવાની જ હતી.

હું થોડે દૂર ગયો હોઈશ કે દૂર ઝાડીઓમાં કૈંક ખડખડાટ થયો. મને કુતુહલ થયું અને મેં લાકડીને એ ઝાડીઓમાં નાખી, જોવા કે શું છે ત્યાં અને મારા ગાત્રો થીજી ગયા. ત્યાં એક લાંબો કાળો ખતરનાક કોબ્રા ફણ ફેલાવીને બેઠો હતો. હુમલો કરવા તૈયાર. કદાચ એને હું ઇજા પહોંચાડીશ એવું લાગ્યું હશે. હું થીજી ગયો. ભારતના કિંગ કોબ્રા જગત માં સહુથી વિષેલા હોય છે એવી મને ખબર હતી અને એનાથી દૂર રહેવામાં જ સલામતી છે એવું મેં નક્કી કર્યું. એ ધીરે ધીરે મારી તરફ આગળ વધ્યો. હું જડ ની જેમ ટટ્ટાર ઉભો રહી ગયો. હવે એ મારા પગથી થોડાકજ ઇંચ દૂર હતો. શું કરવું એનું મને ભાન નોતું. સ્વબચાવમાં મેં મારી લાકડી ઉગામી સાપને મારવા માટે, અચાનક મારા કાનમાં કોઈનો ગરમ ગરમ શ્વાસ અને ચંદન ની ખુશ્બુ મેં અનુભવી. એક હાથ આવ્યો અને એણે મારી લાકડી પકડી લીધી. મેં ચમકીને પાછું જોયું તો મારું દિલ એક ધડકન ચુકી ગયું. બે અત્યંત સુંદર આખો મારી સામે તાકી રહી હતી, હા, આ એ જ યુવતી હતી જેને મેં મંદિર માં જોઈ હતી. એણે એક આંગળી એના પરવાળા જેવા સુંદર હોઠો પર મુકીને મને ચુપ રહેવાનો ઈશારો કર્યો. હવે એ કોબ્રા તરફ ફરી અને નીચે બેસી ગઈ. જાણેકે ત્રાટક કરતી હોય એમ એ કોબ્રા ને જોઈજ રહી. અદભુત દ્રશ્ય હતું. એ યુવતીની આંખોમાં થી જાણેકે કોઈ સંદેશો વહેતો હોય એમ કોબ્રા એની આંખો જેમ જેમ ફરતી તેમ તેમ એની ફેણ ફરાવતો હતો. થોડીવાર આવુજ ચાલ્યું. અચાનક એ યુવતીએ એક ઝાટકો મારીને અત્યંત ચપળતાથી કોબ્રાને ડાબા હાથે પકડી લીધો. કોબ્રાએ ફૂંફાડા માર્યા પણ યુવતી હજી એની આંખોમાં જ જોઈ રહી હતી. થોડી વારમાં એણે કોબ્રાને ધીરેથી ઝાડીઓમાં મૂકી દીધો અને એ ત્યાં અંદર સરકી ગયો. હવે એ યુવતી મારી તરફ ફરી અને ધીમું હસી. મેં ઈશારાઓ કરીને એનો આભાર માન્યો. હજી હું એની સુંદરતામાંજ ખોવાયેલો હતો. “તમેં કોણ છો” મેં ઇશારાથી એને પૂછ્યું. એણે કઈ જવાબ નાં આપ્યો અને મંદિર તરફ ચાલી નીકળી. હું ફરીથી એની પાછળ દોડ્યો અને એનો હાથ પકડીને એને ઇશારાથી પૂછ્યું કે એ કોણ છે અને ક્યાંથી આવે છે ? એણે એક સેકંડ મારી સામે જોયું અને એનો હાથ ધીરેથી છોડાવીને શુદ્ધ અંગ્રેજીમાં કહ્યું “મારો હાથ આમ ના પકડશો ઓ પરદેશી, હું લાવણ્યા છું, પંડિત શંભુનાથની બેટી.” હું અચંભિત થઈને એને જોઈ જ રહ્યો અને એ મારી આવી દશા જોઇને ખડખડાટ હસી પડી અને ત્યાંથી ભાગી ગઈ. “ધત્ત તેરેકી, આ તો આખું ખાનદાન રહસ્યમય છે.” મેં માથું ધુણાવ્યું અને મનમાં હસતા હસતા ત્યાંથી ચાલી નીકળ્યો.

બપોરે હું, પ્રોફેસર સિન્હા અને ગોલાન અને અમારી ટીમના બીજા થોડા સદસ્યો મંદિરની પાછળ આવેલી પુજારી શંભુનાથની ઓરડીમાં ગયા. અમને ભોજનનું આમંત્રણ હતું. ઓરડીની બહાર એક ખાટલા પર આખલા જેવો વખતસિંગ સુતો હતો. અમને જોઇને એ ઉભો થઇ ગયો અને બે હાથ જોડ્યા. દરવાજાની અંદર અમે પ્રવેશ્યા કે સામેજ અમને ભગવાન શિવનું એક હાથ માં ત્રિશુલ અને એક હાથમાં ડમરું પકડેલું મોટું ચિત્ર દેખાયું. રૂમમાંથી ધૂપની સુગંધ આવતી હતી. એ મોટા ઓરડામાં એક તરફ ખુણામાં શંભુનાથ બેઠા હતા. નીચે અમને બેસવા માટે પાથરણા પાથરેલા હતા અને દરેક ની સામે એક કાંસાની થાળી મુકેલી હતી. અમે એમને હાથ જોડ્યા. એમણે પણ હસીને અમને હાથ જોડ્યા અને બેસવાનો આગ્રહ કર્યો. પંડિતે આંખો બંધ કરીને બે હાથ જોડીને કૈંક મંત્રોચ્ચાર કર્યા અને પછી હાથમાં થોડું પાણી લીધું અને એને થાળીની આજુબાજુ છાંટ્યું અને પછી અમને જમવાનું શરુ કરવાનો ઈશારો કર્યો. જમવાની સાદું પણ સરસ હતું. વખતસિંગ અમને પીરસવામાં હતો. મારી નજરતો લાવણ્યાને શોધતી હતી.

જમીને અમે ઓરડીની બહાર આવેલી પરસાળમાં બેઠા. શંભુનાથે શુદ્ધ સંસ્કૃતમાં પ્રોફેસર જોડે કૈંક મસલત કરી. થોડીવાર પછી પ્રોફેસર અમારી તરફ ફર્યા અને કહ્યું “અમે સંસ્કૃતમાં વાતો કરતા હતા, હવે બહુ થોડાજ વધ્યા છે આ દેશમાં કે જેમણે આ પ્રાચીન ભાષા જીવંત રાખી છે. ખેર, પંડિતજી આપણને કાલે બપોરે અહી સામે દેખાય એ પહાડ પર આવેલી એક જગ્યા બતાવશે. હું અને મારી ટીમ અહી પહેલા આવી ચુક્યા છીએ, અમને ખોદકામ કરતા અહી બે હજાર વર્ષથી પણ જુના માટીના વાસણો અને અમુક પ્રાચીન સભ્યતાઓની નિશાની મળી છે. મને આશા છે કે તમને એમાં રસ પડશે”.

ગોલાન અને અમે બધાએ માથા હલાવીને સંમતિ આપી. ગોલાને પંડિતજીને પૂછ્યું “શું એ સાચું છે કે હિમાલયાના પહાડોમાં અને ખાસ કરીને માઉન્ટ કૈલાશની આજુ બાજુ શિવજી, તમારા દેવો નાં દેવ, દર્શન આપે છે ? એમને ઘણા લોકોએ પહાડો પર નૃત્ય કરતા પણ જોયા છે ?” જવાબમાં પંડિતે આંખો બંધ કરીને એમની લાંબી સફેદ દાઢીમાં હાથ ફેરવ્યો અને પછી કહ્યું “શ્રીમાન ગોલાન, સહુ પ્રથમતો આપ પરદેશી થઈને આ વાતોમાં રસ દાખવો છો એ અમારા માટે ઘણું છે. દુખદ વાત એ છે કે ભારતના લોકોજ આવી પ્રાચીન પરંપરાઓ અને વાતોને અફવાઓ અને ગપગોળાઓ માનીને ભૂલી જવા માંડ્યા છે. હા, આવી વાતો મેં પણ સાંભળી છે, હું ઘણી વાર પવિત્ર કૈલાશ પર્વતની પાસે જઈ આવ્યો છું પણ મને આવું કૈંજ જોવા કે સાંભળવા મળ્યું નથી. હા, ત્યાં એવું કૈંક તો છે જે તમને ઘડી ઘડી ત્યાં જવા પ્રેરે છે. કૈંક શક્તિ છે જે તમને ત્યાં ખેંચે છે. બાકી રહી વાતો શિવજીના દર્શનની તો એ તો તમારી અંદર જ વસે છે, તમે આંખો બંધ કરીને એમને યાદ કરો એટલે એ તમારા માનસપટ પર છવાઈ જશે. ઓમ નમઃ શિવાય નો જાપ કરો એટલે આપોઆપ તમને એમના દર્શન થઇ જશે”

“પંડિતજી, આપ અને આપના બાળકો આટલી બધી ભાષા જાણે છે, અહી આ જંગલોમાં રહીને એમને એનું શિક્ષણ આપે કેવી રીતે આપ્યું છે ?” ગોલાને પૂછ્યું

પંડિતજી ધીમું હસ્યા અને કહ્યું “અમારી પેઢીઓ ની પેઢીઓ આ જંગલમાં વસતી હતી. અહી દેશ વિદેશથી ઘણા લોકો આવે છે, એમાંના ઘણા સંસ્કૃત શીખવા પણ આવે છે મારી પાસે. જેનીફર અમેરિકાથી અહી આવી હતી સંસ્કૃત અને યોગ શીખવા, મારા પિતાજી પાસે. ત્યારે હું ત્રીસેક વર્ષ નો હતો. જેનીફરને યોગ શીખવવાનું કામ પિતાજીએ મને સોપ્યું હતું. એ બે વર્ષ અહી રહી અને જતા જતા મારું દિલ પણ જોડે લેતી ગઈ. એને પ્રેમ કરતા કરતા હું અંગ્રેજી પણ શીખી ગયો. પિતાજીને આ વાત ની ખબર હતી. જેનીફરના ગયા પછી મારું ચિત ક્યાય લાગતું નહોતું. એક દિવસ પિતાજીની જોડે હું અમેરિકા જવા ની રજા લેવા ગયો. પિતાજીએ હસીને મને સંસ્કૃતમાં કહ્યું કે “જે આવે છે એ જાય પણ છે, આ સંસારનો નિયમ છે બેટા, એને તારા પ્રત્યે પ્રેમ છે અને એ જરૂર આવશે. રાહ જો” મેં બીજા બે વર્ષો રાહ જોઈ અને એક દિવસ સવારે હું પ્રાથના પતાવીને જેવો મંદિરની બહાર આવ્યો કે મેં જોયું સામે જેનીફર ઉભી હતી. એના ગોરા ગાલો પર સવારની સુરજની લાલીમાં છવાયેલી હતી. એના ભૂખરા સોનેરી વાળ હવામાં ઉડતા હતા. એણે મારી સામે પ્રેમથી જોયું અને મને કહ્યું કે એ બધુજ છોડીને કાયમ માટે મારી પાસે રહેવા આવી ગઈ છે. આમ અમારા આટલા વર્ષોના ખાનદાનનાં ઇતિહાસમાં પહેલીવાર વિદેશી વહુ આવી. લગન નાં બે વર્ષો પછી લાવણ્યા જન્મી અને એના બે વર્ષો પછી વખત. અમારો ખુશહાલ પરિવાર હતો. એક દિવસ જંગલોમાં ફરતા ફરતા જેનીફરને કોબ્રા કરડી ગયો. પિતાજી હિમાલયમાં હતા, મેં બહુ પ્રયાસ કર્યો પણ એ બચી ના શકી.” શંભુનાથની આંખોમાં આંસુ આવી ગયા. વખતસિંગ એમની પાસે ગયો અને એમના ખભા પર હાથ મુક્યો. એ પહાડની આંખો પણ ભીની થઇ ગઈ હતી. “મારી તમામ શક્તિઓ, યોગ, હઠ યોગ, અઘોર વિદ્યા, પ્રાચીન ત્રાટક વિદ્યા આ છોકરાઓમાં મેં સીંચી છે. વખત યોગનો અદભુત વિદ્યાર્થી છે. એનામાં અપાર બળ છે. લાવણ્યા પણ ઓછી નથી. એ બંને ફ્રેંચ, અંગ્રેજી અને સંસ્કૃત પણ કડકડાટ બોલે છે. હવે તો મારી ઉમર થઇ ગઈ છે, આ બંનેના લગ્ન કરાવીને હિમાલયના પહાડોમાં જતા રહેવું છે મારે” શંભુનાથ ભીના સ્વરે બોલ્યા અને એમણે વખતના માથે હાથ મુક્યો.

“મારે શિવ સ્તુતિ સાંભળવી છે તમારા મુખે” પ્રોફેસરે અચાનક વાત બદલી.

“અત્યારે નહિ પ્રોફેસર, પછી ક્યારેક” શંભુનાથે માથું ધુણાવીને કહ્યું. ત્યારબાદ અમે રજા લીધી અને અમારા તંબુ ભણી જવા નીકળ્યા. રસ્તામાં પ્રોફેસરે અમારી ટીમને શિવસ્તુતિ એટલે શું અને એને રાવણે રચી હતી મહાદેવને પ્રસંન્ન કરવા એની કથા સંભળાવી. રાવણ કોણ હતો અને રામાયણ પણ સન્ક્ષિપ્તમાં એમણે અમને કહ્યું. પ્રોફેસરના ઘૂંટાયેલા અવાજમાં શિવસ્તુતિ સાંભળીને હું અને ગોલાન સ્તબ્ધ થઇ ગયા.

***

ધીમા અવાજોથી મારી આંખો ખુલી ગઈ. દૂર જાણેકે કોઈ કૈંક મંત્રોચાર કરતુ હોય એવું લાગતું હતું. મેં ઘડિયાળમાં જોયું તો રાત્રીના બે વાગી ગયા હતા. હું ટોર્ચ લઈને મારા તંબુમાંથી બહાર નીકળ્યો અને અવાજો ભણી ચાલી નીકળ્યો. અવાજો મંદિરની ડાબી બાજુથી આવતા હતા. હું સાવધાનીથી આગળ વધ્યો. તળાવની પાળ પાસે એક નાનકડી જર્જરિત ઓરડી હતી. એમાંથી ધીમો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. અને અંદરથી પ્રોફેસરે અમને જે શિવસ્તુતિ સંભળાવી હતી એવાજ પ્રકારના અવાજો આવી રહ્યા હતા. હું ચપળતાથી જમીન સરસો સુઈને એ તરફ સરક્યો. જેવો હું એ ઓરડા પાસે પહોંચ્યો કે સ્તુતિનો અવાજ મોટો થઇ ગયો.

મેં અર્ધખુલ્લી બારી માં થી અંદર ડોકું કાઢ્યું અને અંદર નું દ્રશ્ય જોઈ ને હું સ્તબ્ધ થઇ ગયો ! અંદર રૂમ માં ધુમાડો ફેલાયેલો હતો અને અજીબ પ્રકાર ની સુગંધ વ્યાપક હતી. રૂમ ની વચ્ચોવચ્ચ એક આકૃતિ બેઠેલી હતી અને એ ધીરા ગંભીર અવાજે શિવ સ્તુતિ ગાઈ રહી હતી. સામે અગ્નિ કુંડ માં અગ્નિ લબકારા લેતો હતો. મેં આંખો પહોળી કરી અને જોયું કે એ આકૃતિ ને સફેદ ધોળી લાંબી દાઢી હતી, અને એ પદ્માસન વાળી ને એની લાલ લાલ આંખો ને અગ્નિ ની સામે ત્રાટક કરી ને જોતા જોતા સ્તુતિ ગઈ રહ્યા હતા. “પંડિત શંભુનાથ ???!!!” ઓહ નો, મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. હું વિસ્ફરીત નયને એમને જોઈ રહ્યો. એટલામાં અચાનક એમની પાછળ એક બીજી આકૃતિ પ્રગટ થઇ હોય એવું લાગ્યું. એણે કિરમજી કે એવા કલર નો લાંબો ઘુટણ સુધી નો જભ્ભો પહેરેલો હતો. અંધારા માં એ ભવ્ય આકૃતિ અદ્ભુત અને ભયાવહ લાગતી હતી. એના લાંબા વાળ અને હાથ માં પકડેલ ત્રિશુલ એ ભયાવહતા માં ઉમેરો કરતા હતા. અચાનક એણે એક હાથ માં ત્રિશુલ અને બીજા હાથ માં ડમરું લઇ ને ગવાતી શિવ સ્તુતિ ની સાથે સાથે લય બદ્ધ રીતે નૃત્ય કરવાનું શરુ કરી દીધું. મારી આંખો ફાટી ગયી અને હું સ્તબ્ધ થઇ ને આ અદ્ભુત, ભવ્ય અને ભયાવહ દ્રશ્ય ને જોઈ રહ્યો. નીચે બેઠેલા શિવ સ્તુતિ ગાતા શંભુનાથ અને એમની પાછળ લય્બદ્ધ રીતે ત્રિશુલ અને ડમરું વગાડતી એક પગ ઉંચો કરી ને શિવ મુદ્રા માં નૃત્ય કરતી આકૃતિ !!! ઓહ ! હું શું સ્વપ્ન જોઈ રહ્યો છું ? શું હું ભાન માં છું ? આ બધું શું થઇ રહ્યું છે ? અચાનક અગ્નિ ની જ્વાળાઓ મોટી થઇ, અને કમરામાં પ્રકાશ રેલાયો અને મારી જીંદગી નો મોટા માં મોટો આઘાત મને લાગ્યો ! પ્રોફેસર સિન્હા ની પાછળ નૃત્ય કરતી આકૃતિ સ્પષ્ટ થઇ. એ લાવણ્યા હતી ! મારા રૂવાંડા ઉભા થઇ ગયા. એની મોટી મોટી આંખો લાલ હતી, એણે કપાળ માં ત્રિશુલનું તિલક કરેલું હતું અને એ ભયાનક ગતિથી લય્બદ્ધ થઇ ને નૃત્ય કરી રહી હતી. “લાવણ્યા, શંભુનાથ, ઓહ નો, આ બધું શું છે ? મારું મગજ બહેર મારી ગયું !” પંડિતની નાભીમાંથી નીકળતો સંમોહિત કરી નાખે એવો અવાજ, પાછળ નૃત્ય કરતી લાવણ્યા, કમરા માં પ્રગટેલ અગ્નિકુંડ માંથી પડતો એમનો પડછાયો, અજીબ પ્રકાર ની ધુમ્રસેર અને સુગંધ ! ખબર નહિ કેટલા સમય સુધી હું ત્યાં ઉભો હઈશ સંમોહિત થઇ ને, બીજો કોઈ વ્યક્તિ હોત તો ત્યાજ પડી જાત, પણ હું લશ્કર માં તાલીમ પામેલો આદમી હતો. મારી છઠી ઇન્દ્રિય એ મને સાવચેત કર્યો અને મને ત્યાંથી ભાગી જવાનો મન માં જ આદેશ મળ્યો. અને હું ત્યાંથી દોડ્યો અને મારા તંબુમાં જતો રહ્યો. ઉશ્કેરાટથી મારું આખું શરીર ધ્રુજતું હતું. મેં આંખો બંધ કરી અને મને લાવણ્યાનો ચહેરો દેખાયો.

ભાગ – ૬ સમાપ્ત

***

Rate & Review

Golu Patel 3 months ago

Manish Patadia 4 months ago

Tushar 4 months ago

Dashrath Sinh Jadeja 4 months ago

Narendra Kansara 4 months ago