Bhunsai gayeli yado books and stories free download online pdf in Gujarati

ભૂંસાઈ ગયેલી યાદો

ભૂંસાઈ ગયેલી યાદો : સાચા પ્રેમની પ્રેમકહાની

(પાર્ટ – 1)

તમારી લાઈફમાં તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતાં હોવ એ વ્યક્તિનો હસતો ચહેરો થોડીક ક્ષણ પૂરતો આંખો મીંચીને ઈમેજિન કરી જુઓ. તમારા બંનેની પહેલી મુલાકાતથી લઈને આજદિન સુધી સાથે વિતાવેલી એ તમામ યાદો, બસ એક જ ક્ષણમાં એ વ્યક્તિ ભૂલી જાય તો? એ વ્યક્તિ, જેને તમે દિલની દરેક ધડકને ચાહી છે, દરેક પળે ઝંખી છે; એ તમને ઓળખવાની બિલકુલ ના પાડી દે તો? દર પચ્ચીસ મિનિટે એની નજરમાં તમે સ્ટ્રેન્જર થઈ જતા હોવ તો? કેવી રીતે તમે એનો પ્રેમ જીતશો? – આ પ્રશ્નોમાં છુપાયેલી પરિસ્થિતિઓ ક્યારેક મારે ભવિષ્યમાં ફેસ કરવી પડશે એ વિશે મેં ક્યારે સપનેય વિચાર્યું નહતું. આપત્તિઓ આમંત્રણ આપીને જીવનમાં આગમન નથી કરતી. એ તો બિનબુલાયે મહેમાનની જેમ ગમે ત્યારે દરવાજે દસ્તક દેતી હોય છે અને ફાવે એટલું રોકાતી હોય છે. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધી, અમારી ‘હેપ્પી એઝ હેવન’ કહેવાય એવી બ્યુટીફુલ મેરીડ લાઈફમાં આવું જ કંઈક બન્યું હતું, જેણે જીવનના બધા જ પાનાં વેરવિખેર કરી નાંખ્યા હતા!

ઓગસ્ટ મહિનાના એ દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. મારી વાઈફ, ક્રિતિકા તેની ઓફિસેથી ચાલુ વરસાદમાં કાર ડ્રાઈવ કરી ઘરે આવી રહી હતી. કારનું વાઇપર કાચ પર ફરે એ પહેલા તો ધોધમાર વરસાદ કાચ ધૂંધળો કરી નાંખે એટલો સખત વરસતો હતો. સાંજના લગભગ સાડા પાંચ વાગ્યા જેવો સમય થયો હશે. ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોને લીધે ચારેકોર અંધારઘોટ વાતાવરણ છવાયેલું હતું. સતત સાંબેલધાર વરસતા વરસાદમાં ક્રિતિકાને ડ્રાઈવ કરવામાં તકલીફ પડશે એમ વિચારી, મેં તેને ઓફિસેથી પિક અપ કરી જવા ફોન કર્યો. મેં ફોન કર્યો ત્યારે તે ઓફિસેથી ગાડી લઈને નીકળી ચૂકી હતી. તે ફોન પિક અપ નહતી કરતી એટ્લે એ ડ્રાઈવ કરતી હશે – એમ વિચારી મેં ફરીથી ફોન કરવાનું ટાળ્યું. આવા મુશળધાર વરસાદમાં વગર ડ્રાઇવરે અને મને મેસેજથી જાણ કર્યા વિના જ નીકળી ગઈ! એ વાતનો રોષ મારા મનમાં ઘૂંટાવા લાગ્યો. ધૂંધવાયેલા મને હું હૉલ રૂમમાં આમતેમ આંટા મારતો વિચારવા લાગ્યો :

‘આવા વરસાદમાં આટલું રિસ્ક લઈને એકલી ત્યાંથી શું કામ નીકળી હશે? એક મેસેજ કે કોલ કરીને જાણ કરી દેવાનું પણ સૂઝ્યું નહીં હોય...! ઈડિયટ...!!’ – ન જાણે કેટકેટલાયે વિચારોનું ઘમસાણ એ પોણા કલાક સુધી મનમાં ઘૂંટાતું રહ્યું. જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ મનમાં નેગેટિવ વિચારો કીડિયારાની જેમ ઉભરાવા લાગ્યા. પછી તો મેં તેને કેટલાયે ફોન કોલ્સ અને મેસેજીસ કર્યા, પણ કોઈ જ રિપ્લાય ન મળ્યો.

દોઢેક કલાક બાદ એના નંબર પરથી એક કોલ આવ્યો. ધડકતા હ્રદયે મેં તરત જ ફોન પિક અપ કર્યો. કોઈક અજાણી વ્યક્તિએ ક્રિતિકાના એક્સિડેન્ટના સમાચાર આપ્યા! એ શોકિંગ ન્યૂઝ સાંભળીને મારું તો હ્રદય ત્યાં જ ધડકવાનું બંધ થઈ જશે એવો પ્રાણઘાતક આઘાત લાગેલો! એ ક્ષણે તો જાણે મારું આખું અસ્તિત્વ ખળભળી ગયેલું. તેમણે કહ્યું કે : એમ્બ્યુલન્સમાં તેને તરત જ હોસ્પિટલાઈઝ કરી ઈમરજન્સી રૂમમાં એડમિટ કરવામાં આવી છે.

હું કાર સ્ટાર્ટ કરી તરત જ વિક્ષુબ્ધ મને એમણે કહેલી હોસ્પિટલે પહોંચ્યો. હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને રૂમ નંબર પૂછીને હું તરત જ ઈમરજન્સી રૂમમાં દોડ્યો. ક્રિતિકા સ્ટેચર પર બેભાન અવસ્થામાં પડી હતી. બે નર્સ કોટનથી માથામાં વાગેલો ઘા દબાવી વહ્યે જતું લોહી રોકી રહી હતી. વરસાદથી ભીંજાયેલા શરીરમાં તેનું માથું લોહીથી નીતરતું હતું. એને એવી હાલતમાં જોઈને મારી આંખોમાં ઝળઝળિયા બાઝી ગયા! ભીતરમાં કણસતી લાગણીઓ લાવારસ બની રેલાવા લાગી. તેનો ચહેરો, ખભો, હાથ અને છાતી લોહીથી ખરડાયેલી જોઈને મારા ગળામાં દર્દનો ડૂમો બાઝી ગયો. એને એ પરિસ્થિતિમાં દેખવી મારે માટે હ્રદયદ્રાવકભરી પળો હતી.

ડોક્ટરે ક્રિતિકાની હેડ ઇન્જરી તપાસીને તરત જ સર્જરી કરવાનો નિર્ણય લઈ લીધો. ડોક્ટરે ગંભીર ચહેરે મને ચેતવતા કહ્યું : મિસ્ટર અવિનાશ, ઇટ વિલ બી અ રિસ્કી બ્રેઇન સર્જરી. વિધાઉટ ઇમિડિયેટ સર્જરી શી વિલ નોટ સર્વાઈવ... ડુ યુ વોન્ટ ટુ ટેક ધ રિસ્ક ટુ સેવ હર લાઈફ?? – ઝળઝળિયા બાઝેલી આંખોએ મેં તત્ક્ષણ હા પાડી દીધી. રિસ્કી સર્જરીની જવાબદારીના પુરાવા માટે તેમણે કહેલાં પેપર્સ પર સાઇન કરી દીધી.

સર્જરી પતે ત્યાં સુધી પસાર કરવો પડેલો સમય જાણે બરફની જેમ થીજી ગયો હોય એવું લાગતું હતું. જીવ રહેંસાતો હોય એવી પ્રત્યેક પળો વિતાવવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. પેટમાં વિચિત્ર લાગણીઓનો ચૂંથારો થતો હોય એવું માંદલું મહેસુસ થતું હતું. ક્રિતિકાને સરસ થઈ જશે એવી પ્રાર્થનાની વિચારમાળા હરેક પળ મનમાં ફેરવે જતો હતો. આંખો સમક્ષ માત્ર તેનો જ ચહેરો જડાયેલો રહેતો. ઊભા રહીને ગોઠણ ઢીલા પડી ગયા હોય એવું કમજોર મહેસુસ થતાં હું બહાર મૂકેલી બેન્ચ પર ફસડાઈ પડ્યો. મોમ-ડેડને ફોન કરી ભીના કંઠે બધી વાત જણાવી. બંને જણાં બીજી જ પળે ફ્લાઇટની ટિકિટ કરાવી પ્લેનમાં બેંગલોર આવવા નીકળી ગયા.

~

બ્રેઇન ઇન્જરીના ઓપરેશનના લગભગ અડતાલીસ કલાક બાદ ક્રિતિકાએ આંખો ખોલી. ડોક્ટરે મળવા જવાની પરમિશન આપી ત્યારે હું અને મારા મોમ-ડેડ ભીની આંખે ICU રૂમમાં પ્રવેશ્યા. વેદનાની શૂળ ત્યારે પણ મારી છાતીમાં સતત ભોંકાયે જતી હતી. હું તેની બાજુમાં જઈને ઊભો રહ્યો, તેના હાથમાં ઈંજેક્ટ કરેલી નિડલ્સ, આંગળી પર લગાવેલું પલ્સ ઓક્સિમીટર, ગ્રીન રોબ, અને માથાના વાળ કાપીને ઓપરેશન કરેલા ભાગ પર વીંટેલો પાટો જોઈને હું અંદરથી તૂટી ગયેલો! ન રડવા મન મક્કમ કર્યું હતું છતાંયે આંખોમાંથી ધસી આવતા આંસુઓ પર સંયમ રાખી શકાતો નહતો. મારા માટે એ મારી દુનિયા હતી! હું બધુ જ સહન કરી શકતો હતો, પણ એને દુ:ખમાં એ હાલતમાં દેખવી મારી કમજોરી બની ગઈ હતી.

મેં તેનો હાથ હાથમાં લઈ, હળવેકથી પસવારતાં ભીના સાદે કહ્યું, “હેય હની... હાઉ ડુ યુ ફિલિંગ નાઉ? હં...!?” કહીને હું તેની આંખોમાં સ્નેહ નીતરતી નજરે દેખી રહ્યો હતો. તેણે હાથ ખેંચી લઈ મારા સામે એવી રીતે જોઈ રહેલી માનો... માનો મને પહેલીવાર જોઈ રહી હોય! હું તેની આંખોમાં બિલકુલ અજાણ્યો વ્યક્તિ બની ગયો હતો. એની આંખોમાં મારી ઓળખાણનો જરા સરખો પણ અણસાર નોંધાયો નહીં. તેણે મારા ચહેરા પરથી નજર ફેરવીને મોમ-ડેડ સામે જોયું – ઓળખાણ વિનાની નજરે એ બિલકુલ સ્ટ્રેન્જરની જેમ તેમને દેખતી રહી, જાણે કે એનો અમારી સાથે કોઈ સંબંધ જ ન હોય!

તેણે અમારા તરફ જોઈને કહ્યું, “કોણ છો તમે? આઈ એમ સોરી, હું તમને ઓળખતી નથી. મને કેમ આમ જોઈ રહ્યા છો?”

એના મોઢેથી એ પ્રશ્નો સાંભળીને હું દિગ્મૂઢ થઈ તેને જોઈ રહ્યો. કશું બોલવા માટે જાણે મારી વાચા હણાઈ ગઈ હતી. મેં મોમ-ડેડ સામે જોઈને તેને ઓળખાણ કરાવી. મેં જ્યારે તને કહ્યું કે હું તારો હસબન્ડ છું ત્યારે એ તરત જ બોલી ઉઠી, ”હસબન્ડ? હું તો તમને પહેલીવાર મળું છું. તમને મેં કહ્યું ને, હું તમને કોઈને ઓળખતી નથી! નાઉ પ્લીઝ, લીવ ધ રૂમ!”

એ ક્ષણો એ મારું કાળજું ભૂકંપની જેમ કંપાવી મૂક્યું હતું. તેના ચહેરા પર અછડતી ઓળખાણની એક રેખા પણ નહતી ઉપસી! એને કેવી રીતે વિશ્વાસ અપાવું કે આપણે બંને પાંચ વર્ષથી ગર્લફ્રેંડ-બોયફ્રેંડ રિલેશનશીપમાં રહ્યા હતા; અને છેલ્લા બે વર્ષથી તું મારી વાઈફ છે! મારી આખી દુનિયા!! અને અચાનક હવે તું મને બિલકુલ ઓળખતી જ નથી? – આ બધુ સ્વીકારવા મારું હૈયું તૈયાર નહતું થતું. મારા માટે એની પરિસ્થિતિને સમજવી ઘણી મુશ્કેલ હતી. ‘હું તમને કોઈને ઓળખતી નથી! પ્લીઝ, લીવ ધ રૂમ!’ – આ વાક્ય અઠવાડિયાઓ સુધી મારા મનમાં ગુંજતું રહ્યું. વાસ્તવિકતાને પચાવવી મારા માટે ઘણી અઘરી હતી.

ડોક્ટરના કહેવા મુજબ, ટ્રૌમેટિક બ્રેઇન ઇન્જરીને (TBI) લીધે તે બધી જ યાદદાસ્ત ભૂલી ચૂકી હતી. તેના જીવનની છવ્વીસ વર્ષની બધી જ યાદદાસ્ત! તેની બ્રેઇન ઇન્જરીને લીધે એપિસોડિક મેમરી – ભૂતકાળના તમામ અનુભવો સાથે સંકળાયેલી યાદદાસ્ત ભૂંસાઈ ગઈ હતી, જેમાં હું પણ ભૂંસાઈ ગયો હતો. તેના બ્રેઇનમાં સેમેન્ટીક મેમરિઝ યથાવત સ્ટોર હતી, જ્યાં જનરલ નોલેજ, દૈનિક ક્રિયાઓ કરવી, વાતને અભિવ્યક્ત કરવા વાક્ય રચના કેવી રીતે ગોઠવવી, શબ્દભંડોળ, વાંચવું-લખવું – એ બધુ અકબંધ સચવાયેલું હતું. તેનો નેચરલ સ્વભાવ-વર્તન એ બધુ જ બિલકુલ નોર્મલ, પણ અજાણી વ્યક્તિ જેવો હતો. તેનું બ્રેઇન નવી યાદદાસ્ત પચ્ચીસ મિનિટથી વધુ સ્ટોર કરી શકતું નહતું. એ એક્સિડેન્ટમાં તેના બ્રેઇનની સ્લેટ પર જાણે યાદો ભૂંસવાનું ડસ્ટર ફરી ગયું હતું. દર પચ્ચીસ મિનિટે તેનું બ્રેઇન ટોટલી બ્લેન્ક થઈ જતું.

~

એક મહિના બાદ હોસ્પિટલમાંથી ક્રિતિકાને ડિસ્ચાર્જ લેવાની રજા આપી. જ્યારે ક્રિતિકા ઘરે આવી ત્યારે તે ઘરને એવા વિસ્મયથી દેખી રહી હતી જાણે તે પહેલીવાર એ ઘરમાં પ્રવેશ કરી રહી હોય! એ દિવસ પછી મારે દર પચ્ચીસ મિનિટે તેને ‘હસબન્ડ-વાઈફ’ની સાબિતી આપતા આલ્બમના ફોટોઝ બતાવી ઓળખાણ કરાવવી પડતી. ક્રિતિકાને તેના રૂમની વસ્તુઓ જોઈને કશુંક યાદ આવી જાય એવી લીલીછમ આશા રાખી હું તેને તેના રૂમમાં લઈ ગયો. દીવાલ પર ટિંગાડેલા તેના પેઇન્ટિંગ્સ, ડેસ્ક પર મૂકેલું ગિટાર, લિરિક્સ લખેલી નોટ્સ, અડધી દીવાલ ઢંકાય એટલા પુસ્તકોની બુક-શેલ્ફ – આ બધુ તે પહેલીવાર જોઈ રહી હોય એમ રૂમની ચીજવસ્તુઓનું નિરક્ષણ કરતી ગઈ. ગિટાર અને પેઇન્ટિંગ તો એનું પેશન હતું; પણ તેને એ બધામાં જાણે કોઈ રસ જ ન રહ્યો હોય એવું તેના મુખભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતું.

ક્રિતિકાને સોંગ્સના લિરિક્સ લખવાનો, ગિટાર પર નવી નવી ટ્યુન્સ બનાવવાનો અને હરતા-ફરતા ગાતા રહેવું એને ખૂબ ગમતું. તેના સૂરીલા કંઠનો અવાજ સાંભળનારા મંત્રમુગ્ધ થઈ જતાં. લિરિક્સ સાથે રેલાતી ગિટારની ટ્યુન હ્રદયના તાર રણઝણાવી મૂકતી. નવરાશમાં તેને ઓઇલ પેઇન્ટિંગ બનાવવાનો પણ શોખ હતો. પોટ્રેઇટ, એબ્સ્ટ્રેક્ટ અને એસ્થેટિક પેઇન્ટિંગ પેઈન્ટ કરવાનો ગાંડો શોખ હતો. સતત આઠ-આઠ કલાક એક પેઇન્ટિંગ બનાવવા પાછળ તે ઇન્વેસ્ટ કરતી. તેનું પેઇન્ટિંગ પાછળનું આવું ગાંડું ઓબ્સેશન જોઈને હું પૂછતો : ‘ક્રિતિકા, આવા એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગને પેઈન્ટ કરવાનો શું અર્થ! કંઈક સમજાય એવું તો પેઈન્ટ કર...!’

ત્યારે એ પીંછીથી કલર મિક્સ કરતાં ફિલોસોફીકલ અંદાજમાં જવાબ આપતી :

‘પેઇન્ટિંગ ઈઝ જસ્ટ અનધર વે ઓફ કીપીંગ અ સિક્રેટ ડાયરી... મારા મનની બંધ ડાયરીના પાના પેઇન્ટિંગ દ્વારા એક્સ્પ્રેસ કરું છું. જે લોકોને તેમની અંદરની મનોવ્યથાઓ આ પેઇન્ટિંગમાં પ્રતિબિંબાતી દેખાશે એમને જ આ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગમાં છુપાયેલી વાતનો મર્મ સમજાશે... પેઇન્ટિંગ ઈઝ એન આર્ટ ઓફ એક્સ્પ્રેસિંગ વિચ ઈઝ અનસેઇડ બાય વર્ડ્સ. અન્ડરસ્ટુડ માય ડિયર હબી?’ – કહીને તે મુસ્કુરાતા હોઠે કલરવાળા બ્રશનો સ્ટ્રોક મારા ગાલ પર ફેરવી દેતી...

એના કલરફૂલ પેઇન્ટિંગ જેવી જ એ કલરફૂલ મિજાજી હતી. કુદરતે બધા રંગોથી તેની ખૂબીઓ-ખામીઓ બખૂબી રીતે પેઈન્ટ કરી હતી. અને કુદરતે રચેલા એ બ્યુટીફુલ માસ્ટરપીસમાં મારું જીવન કલાત્મક રીતે ક્યાંક તેનામાં ચિતરાયેલું હતું. ક્રિતિકાની ન સમજાયેલી ફિલોસોફીકલ વાતો અને તેના પેઇન્ટિગ્સ – આજે, આ વાસ્તવિક જીવનના વિશાળ વર્તમાનના કેન્વાસ પર, હરેક પળે અવનવા રંગો પૂરાતા જતાં જીવનચિત્ર પરથી તેની ફિલોસોફી થોડીક સમજાય છે. કેટલાક ઇમોશન્સ શબ્દોથી નહીં, આર્ટથી અભિવ્યક્ત થતાં હોય છે.

* * *

(શું ક્રિતિકાની યાદદાસ્ત પાછી આવશે? જો નહીં આવે તો અવિનાશનું તેની પત્ની સાથેનું લગ્નજીવન ક્યાં સુધી ટકી રહેશે? અવિનાશ લગ્નજીવન બહાર પણ કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખી તેની પત્નીની શોર્ટ ટર્મ મેમરીનો લાભ ઉઠાવશે કે તેની સાથે પ્રામાણિક રહેશે? શું અવિનાશ તેની બદલાઈ ગયેલી લાઇફથી કંટાળી જશે? તેની પત્નીની મેમરીઝ પાછી લાવવા તે શું કરશે? આગળની વાર્તામાં શું થશે એ જાણવા તમારે ભાગ – 2 વાંચવો જ પડશે!)

અને હા, આ એક સત્ય ઘટના પરથી પ્રેરિત થઈને અને કલ્પનાના રંગોથી રંગેલી કહાની છે...

લેખક – પાર્થ ટોરોનીલ