અંધારી રાતના ઓછાયા-9

રાત વધતી જતી હતી.

ઠેરઠેર અંધકારના ઓળા ઊતર્યા હતા.

નંદપૂરાની જોડમાં વસેલું માલદીવ ગામ દિવસની દોડધામ પછી જમ્પી ગયું હતું. રાત્રીના ૧૨ થતા હતા.

ચંદ્રમા પીઠ ફેરવી ભાગતો છુપાવા જઈ રહ્યો હતો.

"આ લાઈટ વાળા પણ મોકાની જ રાહ જોતા હોય છે...!"

"યાર સારું થયું ટોર્ચ સાથે લાવેલા. નઈ તો શી વલે થાત આપણી..?"

કાળા અંધકારને ચીરીને આગળ વધતા ઓળાઓ માંથી એક બોલ્યો હતો.

' હા, યાર બહુ ભુંડી થાત..!'

બીજાએ પ્રત્યુત્તર વાળ્યો.

રાજશેખર, કમલ અને વિશ્વાસ ત્રણે સહાધ્યાઈ મિત્રો હતા. ત્રણેય હમેશ સાથે જ જોવા મળતા.

ગૌરમુખી ચહેરો ધરાવતો વિશ્વાસ અમીર બાપનુ એકમાત્ર સંતાન હતો.

જ્યારે રાજશેખર અને કમલની પરિસ્થિતિ મધ્યમ હતી.

અભ્યાસમાં એ બંને એક્કા હોવાથી વિશ્વાસને આ બંનેની દોસ્તી જચી ગયેલી. પહેલી નજરે જોનારને કોઈ રજપૂતનો બચ્યો લાગતો કમલ આધુનિક જીવ હતો. અડધી રાત્રે ભેટી ગયો હોય તો સાક્ષાત કોઈ યમદૂત માની કોઈ પણ ડરી જાય..

યુવાનીનો જોશ અને ઉકળતું ખૂન હોવાથી ડર નામનો શબ્દ એને જીવનમાં નહોતો સ્પર્શતો.

જ્યારે કમલ તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતો યુવાન હતો.

રાજશેખર એક આનંદી ભીરુ કવિજીવ હતો.

એને અંધારાનો બહુ ડર લાગે. મધ્યમ શરીર ગોળ માસૂમ ચહેરાની આસમાની ભાવવાહી આંખો તેની ભીરુતાની ચાડી ખાતી હતી. ભૂત-પ્રેતની વાતો સાંભળીએ થરથરી ઉઠતો. બંને મિત્રો વિશ્વાસના બંગલેથી એની બર્થ ડે પાર્ટી એટેન્ડ કરી પાછા ફરી રહ્યા હતાં.

રાત ભયાનક બનતી જતી હતી. કાજળકાળી રાતનુ બિહામણું સ્વરૂપ ભલભલાને કંપાવી દેનારું હતું.

ધીરે-ધીરે વાતાવરણમાં પલટો આવતો જતો હતો. ગરમીના દિવસો અને હવા દિવસ દરમિયાન તપેલી હોવાથી ગરમ લાગતી હતી. જે હવે ધીમેધીમે ઠંડી બનતી જતી હતી.

શિયાળવાનું રુદન અને ફાહુડીની ચીસો રાતના સન્નાટાને ભયાનક બનાવતી હતી. મહોલ્લાના કૂતરાઓને ભસવાનુ જનૂન ચડ્યું હતું.

બધાજ અશુભ સંકેતોથી રાજને વાતાવરણ અરુચિકર લાગ્યું.

ગામ આખામાં સ્ટ્રીટલાઇટો હોવાથી અજવાળે-અજવાળે બંને ચાલતા હતા. કોઈ કોઈ સ્ટ્રીટના થાંભલે લબકઝબક થતી લાઈટ રાજુને હોરર ફિલ્મોના ડરાવના સીનનો આભાસ કરાવી જતી હતી.

એકાએક વીજળી ચાલી જતાં અંધકાર ઉજાસને ગળી ગયો.

લાઈટ જતાં જ રાજુ અકળાઈ ઉઠ્યો.

'આ વીજળીવાળા પણ મોકાની જ રાહ જોતા હોય છે..

એણે કહ્યું .

'હા, યાર.. ટોર્ચના હોત તો ભૂંડી થાત..!' કમલે પ્રત્યુતર વાળેલો.

નાની ટોર્ચ અંધકારને વધુ તો નહોતી અજવાળતી પરંતુ માર્ગને જરૂર બતાવતી હતી.

બધાજ મકાનોના દ્વાર ભીડાયેલા હતા. ગલીઓ બધી સુમસામ હતી.

ભસતા કૂતરાઓનો અવાજ ધીમે ધીમે નજીક આવતો જતો હતો. રાજુ ના શરીરમાં ડર વ્યાપી ગયો.

એક લાંબી ગલીમાંથી રસ્તો પસાર થતો હતો.

ગલીમાં અંધાર પટ ફેલાયો હતો. ગલીના છેવાડે રહેલા મકાનની પાછળથી ડાબી બાજુ વળતી ડરાવની ગલીમાં પ્રવેશવા બંને આગળ વધ્યા, કે ત્યાં જ...

ત્યાં કશોક ખડખડાટ થયો. બંને મિત્રો ચમક્યા. રાજનું હ્રદય પળ માટે ધબકારો ચૂકી ગયુ. પુનઃ થોડો સળવળાટ વધ્યો.

'મ્યાંઊ' કરતી એક કાળી બિલાડી એમની આગળ થઈ રસ્તાની બીજી બાજુ અદૃશ્ય થઈ ગઈ .

રાજુનો ડર એના મુખ વાટે પ્રગટ થયો-:

'કમલ ચાલો અાપણ પાછા વળી જઇએ..! મને આ ચિન્હો શુભ લાગતાં નથી.!

ન જાણે કેમ મારો આત્મા મને આગળ વધતાં વારેવારે રોકે છે..! કોઈ ભયાનક ઘટનાની એંધાણી મને વર્તાય છે..! એવું લાગે છે આપણે પ્રતિપળે મૂસીબતના મુખમાં જઈ રહ્યા છીએ..!'

'તું શું બોલે છે..? ભસતા કૂતરા અને આ બિલાડીને જોઈ ડરી ગયો..? અરે પાગલ તારી સાથે આ પહેલવાન જેવો પહેલવાન ચાલે છે.. છતાં તારી મુકાઈ જાય છે..?

'કમલ મજાક છોડ..! ચાલ પાછા વળી જઇએ.. વિશ્વાસના ત્યાં જ આજની રાત રોકાઈ જઈશું..! આપણાં ઘર ગામને છેવાડે છે.. ત્યાં સુધી જતાં જતાં મારા તો રામ જ રમી જવાના..!

" વિશ્વાસ ના ઘરે રોકાવુ હતું ,તો પછી એ બિચારો કરગરતો હતો, ત્યારે જ રોકાઈ જવું હતું..ને ? ત્યારે તો તુ ઘર-ઘર કરતો હતો..!"

'મને શી ખબર યાર , આમ અધરસ્તે આટલુ અંધારુ હશે..!'

'હવે ક્યાં લગી ઉભા રહીશું..?'

કમલને ખીજ ચડી.

"ચાલ હવે..!'

એણે રાજુનો હાથ પકડી ખેંચ્યો. વાતાવરણમાં જાદુઈ અસર થઇ હતી.

કમલ બોલ્યો.-:ઉભા રહ્યા એની જગ્યાએ ચાલતા રહ્યા હોત તો ક્યાંય પહોચી ગયા હોત..!"

રાજુની મમ્મીએ એક દિવસ કહેલું.

એકવાર દાદીમાને ભૂતગલીની ચુડેલ લાંબા ભૂખરા બાલવાળી નાની છોકરીનું રૂપ લઈ ભટકાઈ ગયેલી. છેવટે એ દાદીનો જીવ લઈને ગઈ..!'

માના શબ્દોનું સ્મરણ થતાં રાજના શરીરમાં ફફડાટ વ્યાપી ગયો.

રાજુ પોતાનો ભય વ્યકત કરે એ પહેલા બંનેએ જોયું કે ગલીમાં સામેની બાજુથી બે સફેદ માનવ-આકૃતિ જેવા ઓળા દેખાયા.

એ પોતાની તરફ આવતા હતા.

રાજુ પગ ઉપાડવા ગયો. પરંતુ પગ જાણે ઝકડાઈ ગયા હતા. સામે આવતા પડછાયા જોઈ કમલને હિંમત આવી ગઈ.

એ બોલ્યો-: 'કોઈ માણસો આવતા લાગે છે..! જો એમને ડર ના લાગ્યો તો આપણને કોણ ખાઈ જવાનું હતું..?"

કમલની પાછળ હળવા ડગ માંડતા રાજુ ચાલવા લાગ્યો.

એક પળ માટે એને લાગ્યું. બધા અવાજો શાંત થઈ ગયા છે. કૂતરા નજીકમાં ભસે છે ફાહુડી ચીસતી હશે પણ કશો અવાજ એને સંભળાતો નહોતો. રાજુના શરીરમાં જાણે નવું ચૈતન્ય રેડાયું.

ચરણોમાં જાણે હામ આવી ગઈ બંને ઉત્સાહિત થઈ ચાલવા લાગ્યા. આવું કેમ થયું..? એ તેમને સમજાયું નહીં. આગળ વધવાની પોતાની અનિચ્છા હોવા છતાં મેસ્મોરિઝમથી શરીર દોરવાતુ હોય એમ પરવશ બની બન્ને આગળ વધતા જતા હતા.

માતેલા સાંઢની જેમ લાંબા ડગ ભરત કમલ એની ધૂનમાં જ આગળ વધતો હતો.

પેલા ઓળા જેમ-જેમ નજીક આવતા જતા હતા, તેમ તેમ હવામાનમાં મરેલા જાનવરની દુર્ગંધ ફેલાઈ ગઈ. રાજુએ પોતાનું નાક દબાવી દીધું.

"અહીં કોઈ જાનવર મરી ગયું હોય એમ લાગે છે..!

દુર્ગંધ સહન ન થતાં કમલે પણ નાક દાબી દીધું.

સાવ મૂંગો અને ચોક્ન્નો બની ગયેલો રાજુ કદમ પર કદમ નજીક આવતા જતા પડછાયાઓને તાકી રહ્યો હતો.

એને લાગતું હતું. જાણે સામે આવી રહેલા અોળાઓ પરિવર્તિત થઈ રહ્યા છે.

મેરુ અને મોહન હોઠોમાં મરકતા હતા.

પોતાની જીભને હોઠ પર ફેરવતા ઝડપથી આગળ વધી રહ્યા હતા.

આજે ચાર દિવસ પછી પોતાના આ ગામમાં નવો શિકાર હાથ લાગ્યો હતો. નંદપુરામાં કુલદીપને કુમારના ઘરે એકલો મુકી ભાગી છૂટયા પછી મોહન અને મેરુ સીધા પોતાના ઘરે ગયા હતા.

મેરુના બદનસીબે એના ઘરે બહેનના સુના નિસાસા સિવાય કશું ના મળ્યું.

આક્રંદ કરતાં કરતાં બહેને આઘાતજનક સીતમ કથા કહી.

"થોડા દિવસ પહેલા ઘરમાં ચોર પડેલા. તલવારની ધારે તસ્કરોએ માતા-પિતાને હણી નાખ્યાં. નાની બહેનને લાંછન લગાવ્યું.

બેહોશ થયેલી બહેન બચી તો ગઈ પણ એની જીજીવિષા મરી પરવારી.

ભાઈને આપવીતી કહી એણે આપઘાત કરી લીધો. કાળે દિધેલાં આઘાતથી એના શૈતાની આત્માને હવે તાંડવ ખેલવાનું જ્નૂન ચડ્યું. તબાહી મચાવવાનુ એને ઠામી લીધું. મેરુ એ સોગંદ લીધા. નર સામે ભટકાય તો રક્ત પીવુ અને નારી ભટકાય તો આબરૂ લૂંટીવી.. મોહનને મળીને એણે પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો. જેમાં પોતે એની સાથે છે એવી મોહને મેરુ ની પ્રતિજ્ઞા માટે પોતાની સહમતિ દર્શાવી. નંદપુરામાં બનેલી ઘટનાએ ચાર દિવસ પહેલા ચકચાર જગાવી હતી. એ વાતને ઘણાં લોકોએ માંડ વિસારે પાડી હતી.

આમ તો માન્યામાં ન આવે એવી અણધડ વાત જ બધાંને લાગેલી. ઘણાખરા લોકો એ તો એ ઘટનાને કોઇ ભેજાબાજ માણસની ચાલ સમજીને એમાં રસ-રુચિ દાખવી નહોતી. જોકે આ ભયંકર ઘટનાને શૈતાની કહર માનનારા ભૂલ્યા ન હતા, કે ભૂલવા માંગતા ન હતા. કેટલાક બુદ્ધિજીવીઓએ આખી ઘટનાને અંધશ્રદ્ધાનો અતિરેક સમજી ભુલાવી દીધેલી. અને માંડ શમી ગયેલી એ ભયાનક ઘટનાની ચિનગારીઓ ફરી માલદિવમાં ભભૂકી ઉઠવાની હતી.

પોતાના શિકારને નજીક આવતા જોઈ બંને મિત્રોનાં મુખમાંથી હવે લાળ ટપકવા લાગી હતી. ચહેરાઓ તરડાઇ ગયેલા. બન્નેના મુખમાંથી અગ્રભાગનાં બે દાંત બહાર ધસી આવેલા. હાથ-પગની ચામડીના લીરેલીરા લટકવા લાગ્યા હતા. અને શરીર પર જગ્યા-જગ્યાએ કાળા વાળ ઉગી નીકળ્યા. આખોય દેખાવ બંનેને કદરૂપા બનાવતો હતો.

બંને છેક નજીક આવ્યા ત્યારે કમલે એમને ઓળખવા ચહેરા પર ટોર્ચનો પ્રકાશ નાખ્યો. એમના ચહેરા જોતાંજ એના મુખમાંથી ફાટેલી ચીસ નીકળી .

"ઓ બાપ રે..! ભૂત...!

કમલને એવો આઘાત લાગ્યો કે તરત જ એ મૂર્છિત બનીને ઢળી પડ્યો. કમલની ચીસ અને ભૂતનું ઉચ્ચારણ સાંભળતા જ સતર્ક થઈ ગયેલો રાજુ છલાંગ લગાવી પાછળ કૂદી પડ્યો.

ત્યારે કદરૂપા લાગતાબંને પિશાચો કમલની ભરાવદાર ગરદન પર પોતાના દાંત ખૂંપાવી ચપોચપ ચોંટી ગયા. બિચારા મૂર્છિત કમલને શી ખબર હતી કે પોતાના શરીરમાંથી રક્ત ચૂસાઈ જતાં પોતે નિષ્પ્રાણ બની જવાનો હતો.

પડતો લથડતો રાજુ વૈષ્ણવોનાં મહોલ્લામાં ઘુસી ગયો. એક પરિચિત મકાનનો દરવાજો એને ઠોક્યો. એણે પોતાની તમામ તાકાત વાપરીને બૂમ પાડી..-:" ગિરધારી કાકા... ઓ ગિરધારી કાકા ..!

ખૂબ જ ડરી ગયેલા રાજે ત્રણ-ચારવાર ઊંચા અવાજે બૂમો પાડી. ત્યારે પોતાને કોઈ જગાડી રહ્યું છે, એવું ભરનિંદરમાં ઉંડે ઉંડેથી આવતા અવાજો દ્વારા ગિરધારી કાકા ને લાગ્યુ. ઊભા થતાં થતાં એમનું ધંધાદારી મગજ વિચારવા લાગ્યું."

જરૂર કોઈ ગામના રોયાને કાપડની કે રોકડની જરૂર ઊભી થઈ લાગે છે. ચલ રે ગીરધર રાતે સારી એવી કમાણી થઇ જશે..!

મનના ઉત્સાહને દબાવી એમણે તાત્કાલિક બારણું ખોલી નાખ્યું. સામે ઊભેલા દલપત માસ્તરના રાજીયાને જોઈ એમનો ચહેરો સાવ વિલાઇ ગયો. એમની ધારણા ખોટી પડી હતી. કેમ કે બહાર ઉભેલો રાજુ ભયભીત લાગતો હતો. ગિરધારી કાકા કશી પૂછતાછ કરે એ પહેલા રાજુ ધરની ભીતર સરકી ગયો. એણે ગિરધારી કાકાને પણ ભીતર ખેંચી લઇ દ્વારા ઝડપથી ભીડી દીધા. પછી ત્રણ-ચાર મિનિટ સુધી એ હાંફતો રહ્યો. જાણે કે એકધારું દોડ્યા પછી એ ઝડપથી શ્વાસો શ્વાસ લઈ રહ્યો હતો. રાજુ ખુબજ ડરી ગયેલો લાગતો હતો. આખરે કળ વળતાં એ તૂટક-તૂટક શબ્દે બોલ્યો: "કાકા બહાર ભૂતછે..!" ભૂત શબ્દ બોલતાં જાણે એને ખૂબ મહેનત કરવી પડી.

એ તરત જ ટેલિફોન પર લટક્યો.

કોઈ મહત્ત્વના કેસ બાબતે બહાર ગયેલો ઈસપેકટર ઇન્દ્રનીલ હજુ પાંચ મિનિટ પહેલાં જ આવેલો. હાથ-મોં ધોઈ જમવા બોલાવવા આવેલી પત્ની પાછળ એક ડગ ભર્યુ કે એમના મોબાઇલ પર વંદેમાતરમની તર્જ સંભળાઈ. એમણે ફોન રિસિવ કર્યો.

" હેલ્લો..! ઈસપેકટર ઇન્દ્રનીલ સ્પીકિંગ..!" ઈસ્પે સાહેબ હું રાજુ બોલું છું. દલપત માસ્ટરનો દીકરો.. ફોનમાંથી વીંધાઈને આવતા અવાજને તેઓ સાંભળતા રહ્યા. 'સાહેબ અહીં ગિરધારીલાલના ઘર સામે જે અંધારી ગલી છે, ત્યાં બે ભયાનક પિશાચો છે.  મારા દોસ્ત કમલને એમણે પકડયો છે..! એક સપ્તાહ પહેલાં છાપામાં જે ભૂતનો ચહેરો છપાયેલો ને એવો જ આબેહૂબ આમનો ચહેરો દેખાય છે..! સાહેબ તમે જલ્દી આવીજાવ નહીંતો..?'

રાજુ ફોન માં રડી પડ્યો.

"રાજુ..! રાજુ હું આવું છું..! તું ક્યાંથી બોલે છે..?"

"ગિરધારી કાકાના ઘરમાંથી..! તમે જલ્દી આવો સાહેબ..!

રાજુએ હીબકાં ભરતાં કહ્યું.

"સારું તુ ત્યાં જ રહેજે..! હું પહોચુ છું..!"

આમતો ઈસપેકટર ઇન્દ્રનીલ ભૂત-પ્રેત જેવી ભ્રામક વાતોમાં માનતો ન હતો. પણ હમણાં છાપામાં પ્રેત પકરણ છપાયું હતું નંદપુરમાં બનેલી એ ઘટના પરથી હવે એમને લાગતું હતું,

કંઈક રહસ્યમય સંજોગો જરૂર ઉભા થયા હતા. જે હશે તે સત્ય સામે આવશે. એમ મનોમન બબડતો ઈસપેકટર ઇન્દ્રનીલ ગિરધારીલાલના ઘરે જવા તૈયાર થઈ ગયો. રાજુનો ફોન બહાદુરના મર્ડર કેસ પહેલા આવ્યો હોત તો તેઓ કદાચ સત્વરે દોડી જવા તૈયાર ના હોત.. પરંતુ બહાદુરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ એમને જોયો હતો. તેઓ જાણતા હતા કે બહાદુરની હત્યા પહેલાં એનુ તમામ રક્ત ચૂસાઈ ગયું હતું. એટલે જ તેઓ ગંભીર બની ગયા. ચાર-પાંચ કોન્સ્ટેબલોને સાથે લઈ તે પોલીસવાનમાં ગિરધારી કાકાના ઘરે આવ્યા. એમણે ગિરધારીલાલના મકાનનો દરવાજો થપથપાવી સાદ દીધો .

"રાજુઉઉ એ રાજીઆ..!"

ઈસપેકટર ઇન્દ્રનીલનો અવાજ સાંભળી રાજુ અંદરથી બહાર ધસી આવ્યો. એની પડખે ગિરધારી કાકા પણ ઉભા હતા. રાજુ ખૂબ ડરી ગયો લાગતો હતો. તે ચૂપચાપ ઇન્દ્રનીલને પેલી અંધાર ગલી તરફ દોરી ગયો. પોતાના ઘરનો દરવાજો ભીડી ગિરધારી કાકા પણ એમની સાથે સરકી ગયા.

રાજુ કહેતો હતો. : "પેલી ગલીમાં જ સાહેબ પેલી સામે ગલી રહી ત્યાં જ..! તમે જાવ.. જઈને જુઓ..! એ ત્યાં જ છે..!'

રાજુ ફરી ઘરમાં પુરાઈ ગયો.

( ક્રમશ ) - સાબીરખાનપઠાણ

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Dilip Bhappa 8 months ago

Verified icon

Ajaysinh Chauhan 8 months ago

Verified icon

Tejal 9 months ago