અંધારી રાતના ઓછાયા-10

માલદીવ અને એના આસપાસના ગામોમાં ઈસપેકટર ઇન્દ્રનીલ ધાક વર્તાતી હતી.

અપરાધી વૃત્તિ માટે એ ખતરનાક સાબીત થયેલો. કોઈ પણ ગુનો કરતાં પહેલાં ગુનેગારને લાખ વખત વિચારવું પડે, કે સામે ઈસ્પેકટર ઇન્દ્રનીલ છે. એ ગુનેગારને કદી બક્ષતો નહીં.

નિષ્પક્ષ અને પરોપકારી વૃત્તિથી પોતાની ફરજનું નિષ્ઠા ભેર પાલન કરતો. એનું પડછંદ અને બાહોશ સ્વરૂપ, એના વ્યક્તિત્વ અને મૃદુ સ્વભાવને પણ કઠોર સાબિત કરવામાં એ સફળ થયેલો.

તે વધુ પડતો ફરજપરસ્ત હોવાથી પત્ની માટે ઝાઝો સમય ફાળવી શક્તો ન હતો. એને હંમેશા એ વાતનો રંજ હતો.

કોઈનો જાન જોખમમાં હોય તો એ પોતાના પ્રાણના ભોગે પણ એનો જીવ બચાવવા તત્પર થઈ જતો.

આજે રાજુનો મિત્ર મૃત્યુના મુખમાં હતો. એ શેતાનનો શિકાર બન્યો હોવાથી, સાક્ષાત મોત સામે બાથ ભીડવાની હતી. એ વાત ઇન્દ્રનીલ જાણતો હતો. છતાં એનામાં ભય લેશમાત્ર નહોતો.

મૃત્યુ એક સનાતન સત્ય છે. તો જિંદગી અમૂલ્ય છે. જો કોઈનો જીવ બચાવતાં મોત મળે તો જીવન સાર્થક ગણાય. એવું એ માનતો.

આજે પણ કમલ ને બચાવી લેવાની મડાગાંઠ વાળીને નીકળ્યો હતો.

જેમાં ફકત ઈશ્વરની કૃપા એ ઈચ્છતો હતો. રાજુ પિશાચોથી એટલી હદ સુધી ગભરાઈ ગયો હતો, કે ઘરમાંથી બહાર નીકળવાની એની હિમ્મત મરી પરવારી હતી.

જ્યારે ગિરધારી કાકા ટસનામસ ના થયા. પૂરી વાત જાણવા ઈસ્પે. ઇન્દ્રનીલની પાછળ ચાલતા કોન્સ્ટેબલોમાં ભળી જઈ તેઓ સૌની સાથે દોરવાયા.

ઇન્દ્રનીલ ત્વરાએ કોસ્ટેબલ સાથે અંધાર ગલીના નાકે આવી ગયો. અંધારગલીમાં એમણે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. પહેલી નજરે કશું અજુગતું લાગ્યું નહીં. પણ ધ્યાનથી જોતાં એમની આંખો ચમકી ગઈ. અંધાર ગલીની મધ્યમાં માણસ આકાર કોકડું વળાઈને પડ્યો હતો.

એ સાથે બધાએ ચાલવાની ઝડપ વધારી. થોડા કદમ આગળ ચાલ્યા હશે કે બાજુમાંથી કશુંક સડસડાટ પસાર થઈ ગયું. બધા જ ચમકી ગયા. ઈન્દ્રનિલે ભાગતા જતા જાનવર પર બેટ્રીનો પ્રકાશ નાખ્યો.

તો બધા જોતા જ રહ્યા. ફાટેલી અપલક આંખે... બે મોટા શ્વાન જેવા કાળા બિલાડા ઝડપથી ભાગતા હતા.

 આટલા મોટા બિલાડા બધા માટે આશ્ચર્ય અને કોયડારૂપ હતા. કોઈએ કદી આટલા મોટો બિલાડા જોયો નહતા. 

બિલાડાના ખ્યાલને મનમાંથી કાઢી નાખી ઇંદ્રનીલે આગળની વાટ પકડી.

પેલા આકાર પર ઈસપેકટર ઇન્દ્રનીલ પુનઃ પ્રકાશ નાખ્યો.

પહેલાં તો એને લાગ્યું. ગલીની મધ્યમાં પડેલી માનવ-આકૃતિ ઊભી થઈ હતી. એમને બેટરી બંધ રાખવાનું મુનાસિબ માન્યું. બધાએ ધ્યાનથી જોયું, એ સફેદ આકૃતિ કોઇ સ્ત્રીની લાગતી હતી. "અરે આ તો કોઇ બીજી જ સ્ત્રી લાગે છે...!

પેલો કમલતો કોકડું વળી જમીન પર પડ્યો લાગે છે. 

ઈસ્પેકટર સ્વગત બબડ્યા.

પાછળ કાંન્સ્ટેબલો સાથે ગિરધારી કાકા પણ ઉભા ઉભા ધ્રુજતા હતા.

એમને તો માની લીધું ચુડેલ જ હોવી જોઈએ.!

જીવનમાં પહેલીવાર જોવા મળી છે..! રાત્રીનો અંધકાર ડરાવનો બનતો જતો હતો. ગિરધારી કાકા બધાની વચ્ચે ચાલતા હતા. પોતે સાથે આવીને મોટી ભૂલ કરી છે. એવું હવે એમને લાગતું હતું.

બધાએ જોયું કે શ્વેતાકૃતિ નીચે પડેલા માનવ આકારની ચારેબાજુ ફરતી હતી. રાત્રીના નિરવ સન્નાટામાં ઈસ્પે. ઈન્દ્રનિલનો અવાજ ગરજી ઊઠ્યો.

"કોણ છે..? કોણ છે ભાઈ ત્યાં..?"

ઇન્દ્રનીલના અવાજ સિવાય વાતાવરણમાં નરી શાંતિ હતી.

બધાની નજર શ્વેતા કૃતિ તરફ મંડાયેલી હતી. પલકવારમાં એ શ્વેત આકૃતિ ઘૂંટણ વાળીને બેસી ગઈ. અને સૌના આશ્ચર્ય વચ્ચે પળ માત્રમાં એ ધુમાડો થઈ ઊડી ગઈ.

ઇન્દ્રનીલ લાઈટ નાખવામાં માંડા પડ્યા હતા.

એમના હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ કમલના શરીરને ઉજાળતો હતો.

બધા કમલના શરીરની નજીક આવી ગયા. ત્યાં જ બધા ફરી ચમક્યા. બધાની ઉપર થઈ છલાંગ લગાવી એક કાળી બિલાડી 'મ્યાઊ' કરતી ભાગી. ઈન્દ્રનિલે જીવનમાં પહેલીવાર ડર મહેસુસ કર્યો.

એમનું મજબૂત ધાટેલું બદન પરસેવે રેબઝેબ થયું હતું. આ બધું શું હતું...? અને આટલી બધી બિલાડીઓ આવી ક્યાંથી..?' ઇન્દ્રજિતને સમજાતું નહોતું. 

કમાલના દેહ પર એમણે બેટરીનો પ્રકાશ નાખ્યો. એની આંખો પણ માટે ઝબકી સહેજ ખૂલી ગઈ. બધા અધ્ધર શ્વાસે જોતા રહ્યા. કમલની ગરદનમાંથી મોસના બે લોચા બહાર નીકળી ગયા હતા.

અને ગરદનમાં થયેલા ઊંડા ધાવમાંથી હજુય રક્ત વહી રહ્યું હતું.

ઇન્દ્રનીલના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો. બેટરીનો પ્રકાશ કમલ પર પડતા જ એની શૈતાની આંખો ચમકી ઉઠી . ઈસપેકટર ઇન્દ્રનીલ સહિત કોઈ કશું સમજે એ પહેલાં કમલની શૈતાની ચેતના તરત પલક-ઝપકમાં બેઠી થઈ. એનું ભયાનક સ્વરૂપ જોતાં જ ગિરધારી કાકા અને ધીરુ કોન્સ્ટેબલ પાછળની બાજુ ભાગ્યા. અન્ય બે કોન્સ્ટેબલો અસહાય દ્રષ્ટિએ હતપ્રભ બની જોતા રહ્યા. કમલ હરણફાળ ભરી ઇન્દ્રનીલનો હાથ મોઢામાં લઇ પોતાના વિકરાળ દંત એના હાથની માંસલ ચામડીમાં ખપાવી દીધા. ઈસપેકટર ચિત્કારી ઊઠ્યા. કણસતા ઇન્દ્રનીલે. બીજો હાથ ઉગામી શૈતાની પિશાચ સ્વરૂપ એવા કમલના મોઢા પર પ્રહાર કર્યો. કમલમાં ક્ષણિક શક્તિવાન બનેલી પિશાચી ચેતના ઈસ્પેકટરનો લોખંડી પ્રહાર થતાં નીચે પટકાઈ ગઇ. રહી સહી ચેતનાનો નાશ થતાં બેજાન દેહે કમલ શાંત થઈ ઢળી પડ્યો.

***

બે કાળા બિલાડા પવનવેગે ભાગતા હતાં. પોતાનાથી મહાશક્તિશાળી અસ્તિત્વ જાણે પાછળ પડ્યું હોય એવો અણસાર જતાં બંને જીવ બચાવી ભાગેલા.

મોહનથી હવે વધુ દોડવાની હિંમત રહી નહોતી. એને પોતાના ભારે શરીરને કારણે હોફણી ચડી ગઈ. હવે દોડવામાં તકલીફ પડતી હતી. એને જોયુ. ડાબી બાજુ મોટો બંગલો હતો. એમાં રોશની ઝળહળતી હતી.

લોઢાની જાળી વાળો દરવાજો હતો. મોહને મકાનની ફરતે ચણેલા કોટ પરથી છલાંગ લગાવી. જ્યારે મેરુ દોડતો રહ્યો. તે પલમા અંધારામાં ઓગળી ગયો.

મોહને જોયું. બંગલાના પટાંગણમાં ઘણા ફૂલ છોડવાઓ વાવેલા હતા.

રાતરાણીની ખુશ્બુ મહેકી હતી. ફૂલના છોડવાઓ વચ્ચે નાની પગદંડી ઘરના પગથિયા સુધી હતી. બાકી બધી જગ્યાએ લૉંન પથરાયેલી હતી. પ્રાંગણની ભૂમિ ભીંજાયેલી હોવાથી હવામાં પણ ભેજ વરતાતો હતો.

રાઉંન્ડ સીડી વાટે અગાસી પર જવાતું હતું. દાદરા પર નીચેની બાજુ અજવાળું હતું. જ્યારે ઉપરની બાજુ પ્રકાશ ન પહોંચતો હોવાથી અંધકાર વ્યાપી ગયો હતો. બીજા માળે નાનકડી ઓરડી જેવી બે રૂમો હતી. જેમાં જીરોના બલ્બનો પ્રકાશ ગ્લાસની બારીમાંથી ચળાઇને આવતો હતો.

બહાર ટ્યૂબલાઇટ બળતી હતી. જેનો પ્રકાશ આખા પ્રાંગણની સાથે મુખ્ય ગેટ પર રહેલા લોખંડના દરવાજા સુધી ફેલાયો હતો.

મેરૂ અને મોહને જોયું કે ઘરમાં પ્રવેશવા નાનું સરખું પણ છિદ્ર નથી. એ ઝડપથી દાદર ચઢવા લાગ્યો. આવો સરસ મજાનો રોશનીથી ઝગમગતા બંગલો હતો. ઠક્કરની 'સુધા હોસ્પિટલ' માલદીવમાં ખ્યાતનામ હતી. એમની પ્રેક્ટિસ ધીકતી ચાલતી હતી.

સાડા ચાર ફૂટ જેટલી ઉંચાઈ ગોળ મટોળ ચહેરા પર છવાયેલી રહેતી. ગંભીર મુદ્રા અર્ધા સફેદ થયેલા માથાના વાળ, અને પીળી ફ્રેમમાં જાડા કાચના ચશ્માં, ખાદીનો ઝભ્ભો, અને શ્વેત કૂરતો એ પહેરતા. એમનું આ સ્વરૂપ રોજ જોવા મળતું. એમનું જીવન પણ અત્યંત સાદગીપૂર્ણ હતું. તેવો હોસ્પિટલના ઇમરજન્સી કેસ પતાવી દર્દીઓ સાથે મોડે સુધી સમય ગાળતા.

લગભગ સાડા અગિયાર થઈ જતા ક્યારેક હોસ્પિટલમાં પણ રોકાઈ જવું પડતું. આજે પણ તેઓ એક ઇમરજન્સી કેસ પતાવી ઘરે આવેલા. જમી પરવારી તેઓ પથારીમાં પડ્યા ત્યારે ઘડી સાડા બારનો સમય દર્શાવતી હતી. એમના પત્ની પતિને જમવાનું પીરસી પથારીમાં પડતા વેંત ઊંઘી ગયેલાં. ડૉક્ટર પણ પથારીમાં આડા થયા. એમને તરત જ ઉંઘ આવે એમ નહોતી. તેઓ પત્નીના પ્રેમાળ ચહેરાને તાકી રહ્યા હતા. સુધાના મોં ઉપર ભર નિંદરમાં પણ સ્મિત હતું.

એમણે પત્નીને દિલોજાનથી ચાહે છે. તેમનું દાંપત્ય જીવન ખુશીઓથી મધમધતું હતું. એમના જીવનમાં પ્રિયા અવતરી એમની પ્રિયા શહેરની કોલેજમાં અભ્યાસ કરતી હતી.

બે દિવસથી એ કોલેજ કેમ્પમાં બહાર ગઈ હોવાથી હમણા ઘરે પતિ-પત્ની જ હતાં. આજે પુત્રી વિનાનો ખાલીપો સુધાઠક્કરને અપ્રિયકર લાગતો હતો. આજે આખા એ કમરામાં શાંતિ હતી.

અચાનક ઘરમાં વાસણ ખખડતાં શાંતિમાં ખલેલ પડી.

સુધા ઠક્કર કમરામાં સળગતા ઝીરોના બલ્બનો ઝાંખો ઉજાસ ઓઢી મીઠી નીંદરમાં સરી ગયાં હતાં.

ત્યારે ડૉ.ઠક્કર દૂધિયા બલ્બને અપલક તાકી રહ્યા.

ઘડીભર ગોળો રંગ બદલતો હોય એવો એમને આભાસ થયો.

એકીટશે જોવાથી આવું થયું હોય એવું એમને સમજી લીધું.

કોઈનાં પગલાંનો અવાજ ધીમે ધીમે નજીક આવતો જતો હતો. અવાજને પારખવા ધ્યાન દઈ તેઓ સાંભળી રહ્યા. જાણે ધીમે-ધીમે કોઈના ભારેખમ પગલાં એક પછી એક દાદર ચઢી રહ્યાં છે. એમને ટ્યુબલાઈટ ઓન કરી. એમની પત્ની ગાઢ નીંદરમાં સૂઈ રહ્યાં હતાં. પગલાંનો અવાજ આવતા અટકી ગયો. ડોક્ટર બેઠા થયા.

ખીડકી ખોલી દાદર તરફ નજર કરી, અંધકાર સિવાય કશું નજરે પડતું ન હતું. એમને લાગ્યું કશુક અદ્રશ્ય અસ્તિત્વ ઘરમાં પ્રવેશી રહ્યું છે. 

અને રાત્રિની નિઃસ્તબ્ધતામાં ખલેલ પડવા વલખી રહ્યું છે. એક પવનનું ઝાંકુ વેગવંતુ દાખલ થયું. બારી બારણાં ખખડી ઊઠયાં. એક ગ્લાસ તૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ રાત્રિનાં સન્નાટામાં રણકી ઉઠ્યો. હવા કમરામાં અપ્રિય એવી દુર્ગંધ લઈને આવી તો એમણે બારી બંધ કરી દીધી.

વાતાવરણમાં ભળેલી તીવ્ર વાસથી એમને નાક ડાબી દેવું પડ્યું.

લગભગ અડધી મિનિટ નાક દબાવી રાખ્યા બાદ ખોલ્યુ. ત્યારે દુર્ગંધનું પ્રમાણ વધી ગયું હતું. જાણે મરેલાં પશુનુ કંકાલ કોઈએ ઘર માં નાખી દીધું ન હોય..!

ડોક્ટરને ઉલટી આવે એવું થયું. જીવ ગભરાવા લાગ્યો. એમણે ટોયલેટ તરફ દોટ મૂકી.

( ક્રમશ: )

***

***

Rate & Review

Verified icon

Amit 2 months ago

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Kinjal Bhagat 7 months ago

Verified icon

Dilip Bhappa 8 months ago