Hum tumhare hain sanam - 10 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 10

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧૦)

અરમાન અને અક્રમ રાજકોટ જવા નીકળે છે. રસ્તામાં સારા મળે છે.

"કેમ અત્યારે જાઓ છો?"

"આયત એ કહ્યું જાઓ..."

"હું નથી માનતી એ આવું ક્યારેય ના કહે. આવી હાલતમાં તો બિલકુલ નહિ."

"એને કહ્યું આજે જાઓ. કાલે મન થાય તો પાછા આવી જજો..."

"હા તો સાચવી ને જજો અને જલ્દી પાછા આવજો."

અરમાન ત્યાં ઉભેલા એક છકડામાં બેસવા જાય છે. એને ચક્કર આવે છે અને એ નીચે પડે છે. સારા આ જોઈ ને દોડતી આયત ના ઘરે જાય છે.

"આયત તને કઈ ભાન પડે છે? આવી હાલતમાં એને મોકલાય? એ છકડામાં બેસતાં જ નીચે પડ્યો"

આયત ના મનના ધબકારા વધી જાય છે. એ રડવા જેવી થઇ જાય છે. એ દોડતી ધાબે ચડી જાય છે. ધાબે થી એ અરમાન ને ચોકમાં નીચે પડેલો જુવે છે. અક્રમ એને પાણી છાંટી ને જગાળવાની કોશિસ કરે છે. અરમાન ભાનમાં આવે છે. અક્રમ એને પકડી ને છકડામાં બેસાડે છે. અરમાન ની નજર ઉપ્પર થોડા દૂર ધાબા પર પડે છે.

"ના... જાઓ અરમાન..." જોરથી આયત એને જતા રોકે છે.

અક્રમ અને અરમાન છકડામાં બેસી જૂનાગઢ જ અક્રમ ના પ્રાથમિક શાળા ના શિક્ષક રહેતા હોય છે ત્યાં જાય છે. અક્રમ ને જોઈ શિક્ષક ખુબ ખુશ થાય છે.

"બેટા અક્રમ આ તારી સાથે કોણ છે?"

"સાહેબ આ મારો કઝીન છે. અરમાન..."

"અચ્છા, રાજકોટ વાળા..."

"હા સાહેબ... "

"આજે હું મળ્યો પહેલીવાર છું પણ આયત મારી પાસે નાનપણ થી ટ્યુશન આવે છે. એટલે હું તમને વર્ષોથી ઓળખું છું."

બંને અંદર પ્રવેશે છે. અક્રમ ડોક્ટર ની પ્રેક્ટિસ કરતો હોય છે. એટલે એ શિક્ષક ને કહી ને અરમાન માટે ઇંજેક્સન, ગ્લુકોઝ બોટલ ને દવા લેવા જાય છે.

અહીં આયત ના અમ્મી અને અબ્બુ ફળિયામાં બેઠા હોય છે.

"સુલેમાન તમે જલ્દી કરો કંઇક..."

"શું કરું રુખશાના?"

"તમારા ભાઈ ને ત્યાં જાઓ અને કહો કે. રાત્રે જ નિકાહ કરે..."

"રુખશાના તું પાગલ થઇ ગઈ છો? શાહીલ પથારી માં પડ્યો છે. બંને હાથ ફ્રેક્ચર છે. આજે એક્સરે પડાવ્યો એમાં તો એના પગમાં પણ ક્રેક છે. આ હાલતમાં શાદી ના થાય..."

"એમને કહો આપણી આબરૂ નો સવાલ છે. ઓલો હજી ગયો નથી એ અહીં માસ્તર ને ત્યાં જ રોકાયો છે. મને સમાચાર મળ્યા છે. એ લઇ જશે તો આપણી દીકરી.."

"રુખશાના જલ્દી ના કર.. એ ગુસ્સા માં છે લગ્ન ની વાત સાંભળશે તો બીજો ઝગડો થશે. એને જવા દે પછી વાત..."

"હવે શું ઝગડો કરવાનો એ... લથડિયા ખાતો ગયો છે. ..."

"રુખશાના તું ચિંતા ના કર એ આયત ને લેવા આવશે તો ગોળી મારી દઈશ...."

"ગોળી નથી મારવાની સુલેમાન એમને તો રિબાવાના છે હજી તો... "

આટલું કહી રુખશાના ઘરમાં જાય છે. અક્રમ દવા અને એક ત્યાંના ડોક્ટર ને સાથે લઈને આવે છે. અરમાન ને બોટલ ચડાવે છે. અને નીંદર અને પેઈન કિલર ના ઇંજેક્સન આપે છે. જેથી એને થોડી શક્તિ આવે અને માર નો પેઈન ન થાય. અરમાન આંખો બંધ કરી ને આરામ કરે છે. અક્રમ રાજકોટ ટેલિફોન કરે છે.

"હેલ્લો માસા.. અક્રમ બોલું છું..."

"હા બોલ બેટા અક્રમ. તમે હજી સુધી આવ્યા નહિ?"

"હા માસા કાલે આવી જશું. આજે અહીં જ રોકાયા છીએ..."

"બેટા બધું બરાબર તો છે ને? કોઈ તકલીફ તો નથી ને?"

"ના ના માસા બધું જ બરાબર છે..."

"ક્યાં છે અરમાન એને ફોન આપતો..."

"માસા એ સૂતો છે. એને માથું દુખતું હતું એટલે દવા આપી ને સુવડાવ્યો છે."

"ક્યાં સૂતો છે. રુખશાના ને ત્યાં..."

"ના ના માસા અમે અહીં મારા પ્રાથમિક શાળા ના શિક્ષક ને મળવા આવ્યા તા તો એ અહીં જ સૂતો છે..."

"સારું કાલે આવી જજો જલ્દી. સાંજ સુધી નઈ આવ્યા તો હું ત્યાં આવી જઈશ..."

"હા માસા આવી જઈશું... અલ્લાહ હાફિઝ..."

અહીં સુલેમાન ને એની પત્ની ની વાત યોગ્ય લાગી. એ એના મોટાભાઈ સલીમ ને ત્યાં જાય છે. ત્યાં સલીમ અને એના પત્ની બેઠા હોય છે.

"સલામ ભાઈજાન..."

"વલયકુમ સલામ... આવ બેસ..."

"ભાઈ કંઇક કરવું પડશે..."

"શું કરવું પડશે..."

"આપના પરિવાર ની ઈજ્જત દાવ પર છે. શાહીલ અને આયત ના નિકાહ કરવા પડશે..."

"શાહીલ પથારીમાં છે તને કઈ ભાન પડે છે? કેટલા દિવસે સાજો થશે એ પણ કહી શકાય એમ નથી..."

"ભાઈ આપણી ઈજ્જત નો સવાલ છે."

"જો ભાઈ સુલેમાન હું તારા આ ઝગડામાં પળવા નથી માંગતો. મારા દીકરાઓ ને પણ આ આગ માં નઈ ઝોકું... એને રોકવાથી ચાર ની લાશ પાડી દીધી તો લગ્નનું તો એ શું કરશે..."

"ભાઈજાન તમે આવી વાત ના કરો એ હવે કઈ ના કરી શકે..."

ત્યાં બાજુમાં બેઠેલી સલીમ ની પત્ની થી ન રહેવાયું એ બોલી..

"જુવો સુલેમાન ભાઈ.. તમે આ ઝગડો પતાવો દીકરી એને આપી દો. આ બધું ખુશી ખુશી પતિ જશે. અને એ તમારી ઈજ્જત કરતો આવશે. આખું ગામ તમારા પર થું થું કરે છે કે વાત કરી ને ફરી ગયા. કોઈ તમારી સાથે નથી. અને રુખશાના ને કહેજો કે બદલા ની આગમાં દીકરી ની જિંદગી બરબાદ ન કરે."

"શેનો બદલો ભાભી...."

"આખા ગામ ને ખબર છે કે રુખશાના ના લગ્ન આબિદ અલી સાથે ન થયા એટલે એ હવે બદલો લે છે. અને મને તો લાગે છે કે તમે પહેલા પણ એટલે જ હા પાડી હશે કે સમય આવતા બદલો લઇ શકો."

"ભાભી તમે જીબ સંભાળો... રુખશાના તો મને કહેતી તી કે એના લગ્ન આબિદ અલી સાથે ન થયા તો સારું થયું... "

આટલું કહી ને સુલેમાન ઘરે આવે છે. એની ભાભી એ કહેલી વાત રુખશાના ને કરે છે. રુખશાના એને ભાભી ખોટી છે. એ નીચું દેખાળવાનિ કોશિસ કરે છે. એમને દીકરો નથી પરણાવવો એટલે એ આવું કહે છે.

અરમાન અહીં રાત્રી નું ભોજન લઇ રહ્યો હોય છે.

"ચાલ અક્રમ જલ્દી જમી લે મારે આયત ને મળવા જવું છે."

"અત્યારે? ૧૦:૦૦ વાગ્યા છે.. કાલ સવારે મળી લેજે..."

"ના અક્રમ એને નઈ જોવું તો નીંદર નઈ આવે... તું જમી લે જલ્દી.."

આયત પોતાના ઘરે એકાઉન્ટ ના દાખલા ગણી રહી હોય છે. એને બીજા દિવસે પરીક્ષા હોય છે. એને અમુક દાખલા નથી ફાવતા એટલે એ એની નાની બહેન ને મોકલી ને સારા ને બોલાવે છે. સારા ને પણ દાખલા નથી ફાવતાં. બને બેઠા બેઠા ગપ્પાં મારતા હોય છે. ત્યાં જ ડેલી ખખડે છે.

"કોણ.....???" આયત ના અમ્મી બૂમ મારે છે.

"હું છું માસી... અરમાન...."

"આવી ગયો કમીનો... પાછો...."

એમ કહી ને આયત ના અમ્મી ડેલી ખોલવા જાય છે. આયત સારા ને લઈને ઉપર ના રૂમ પર જતી રહે છે. દરવાજો ખુલતા જ અરમાન સામે હોય છે.

"આ કઈ આવવાનો સમય છે?"

"માસી કાલે રાજકોટ જાઉં છું તો થયું અત્યારે જ મળતો જાઉં..."

"હા આવી જા મળી લે..."

"માસી તમને તો મળી લીધું હવે જેને મળવા આવ્યો છું એને મળી લઉં...? જગ્યા આપો તો અંદર આવું..."

અરમાન અને અક્રમ બંને અંદર આવે છે.

"માસી આયત ક્યાં છે...?"

"ઉપર છે..."

"અક્રમ તું નીચે લિવિંગ રૂમ માં બેસ માસા માસી જોડે વાત કર હું આયત ને મળી ને આવ્યો..."

અરમાન ઉપર જાય છે. સીડી પર સારા મળે છે.

"અસ્સલામું અલયકુમ ભાઈજાન..."

"વલયકુમ સલામ... અત્યારે અહીંયા...?"

"હા, હું ને સારા એકાઉન્ટ ના દાખલા કરતા તા. કાલે ટેસ્ટ છે એટલે..."

"ઓહ.. તો થઇ ગયા..."

"ના ભાઈજાન અમુક દાખલા નથી ફાવતાં..."

"સારું ચાલ તો હું આયત ને કરાવી દઉં છું તું કાલે શીખી લેજે..."

"હા ભાઈજાન..."

એમ કહી ને સારા પોતાના ઘરે જાય છે અને અરમાન ઉપર. આયત અરમાન ના પગનો અવાજ આવતા જ પલંગ પરથી ઉભી થઇ ને દરવાજા પાછળ સંતાઈ જાય છે. અરમાન ચુપચાપ દરવાજા ની બહાર ઉભો હોય છે.

"કેમ અંદર નથી આવતા..."

"તમે બોલાવશો તો આવીશ ને..."

"મને એ જ વાત નો ડર હતો. પૂછો શું?"

"કઈ વાતનો ડર?"

"એજ કે તમે આવશો ને મારૂ ભણવાનું પાણીમાં જશે.. બધું બાકી જ રહી જશે..."

"હું આ વાત નો જવાબ આપું.. ?"

"હા આપો..."

"તમે શું તંબુરો ભણવાના... તમને મેથ્સ તો આવળતું નથી..."

"એવું નથી આવડે છે.. બસ થોડા દાખલા નથી ફાવતાં..."

"સારું તો હું શિખવાળી દઉં?"

"હા જરૂર..."

"હા તો અંદર તો બોલાવો..."

"હા આવી જાઓ..."

અરમાન અંદર આવે છે. બંનેના મન ના ધબકારા વધી જાય છે. આયત પલંગ ના સિરાણે બેસે છે અને અરમાન પાંગત એ.

"બોલો શું નથી ફાવતું..."

"આ દાખલો..." આયત બુક આપી ને બતાવે છે.

અરમાન એને ખુબ જ સરળતા થી શિખવાળે છે. આયત એની સામે જ જોયા કરે છે.

"સમજાઈ ગયું?"

"ઓહ... આટલું સરળ હતું... "

"સરળ હતું નહીં મેં કરી ને સમજાવ્યું..."

"અચ્છા... તો ચાલો એકવાર ફરીથી શીખવાડો..."

"કેમ ફરીથી...?"

"મને તો કઈ ન સમજાણું...."

"યા અલ્લાહ... મારી મેહનત પાણી માં ગઈ હવે ધ્યાન આપી ને શિખજો..."

આયત અરમાન સામે જુવે છે. અરમાન એને જોઈ જાય છે.

"તમે નજર બુક માં રાખો...."

અરમાન આમ કરતા એને દરેક દાખલા જે આયત ને આવડતા નથી હોતા એ શીખવાડી દે છે. અને પછી એની સામે જુવે છે.

"આયત હું કાલે ચાલ્યો જઈશ..."

"હા તો જાઓ...."

"તારે કઈ વાત નથી કરવી?"

"ના.. બસ ધ્યાન રાખજો... અને ફરીવાર ક્યારે આવશો?"

"પરમ દિવસે..."

"કેટલા વાગે?"

"સાંજે..."

"સારું તો સાચવીને જજો અને તબિયત સાચવજો..."

અરમાન ઉભો થઇ ને દરવાજા પાસે જાય છે.એનું મન નથી કરતુ જવાનું. એ દરવાજે ઉભો ઉભો આયત ને જુવે છે. આયત પણ ઉભી થઇ એની પાસે આવે છે.

"આયત આપણાં લગ્ન જલ્દી થઇ જશે..."

"હે... કેવી રીતે?"

"અક્રમ કહેતો હતો કે જે સાચા મન થી એકબીજા ને પ્રેમ કરે છે એમના કાતો લગ્ન જલ્દી થઇ જાય છે અને કાંતો એ બંને મરી જાય છે..."

"બસ દુઆ કરો લગ્ન જલ્દી થઇ જાય ને હું હંમેશ માટે તમારી પાસે આવી જાઉં..."

"આયત આપણે એનું નામ અમાનત રાખીશું...."

"કોનું?"

"આપના દીકરા નું... 'અ' થી આયત.. 'અ' થી અરમાન અને એમના પ્રેમ ની નિશાની અમાનત"

"હાય અલ્લાહ... તમે અહીં થી જાઓ હું શરમ ના મારે મરી જઈશ... "

આટલું કહી અરમાન નીચે આવે છે. અક્રમ અને અરમાન આયત ના ઘરે થી વિદાય લે છે.

(ક્રમશ:...)