આત્માના અંતિમ સંસ્કાર ! - ૭

મારી આંખો ફાટી ગયી અને હું સ્તબ્ધ થઇ ને આ અદ્ભુત, ભવ્ય અને ભયાવહ દ્રશ્ય ને જોઈ રહ્યો. નીચે બેઠેલા શિવ સ્તુતિ ગાતા શંભુનાથ અને એમની પાછળ લય્બદ્ધ રીતે ત્રિશુલ અને ડમરું વગાડતી એક પગ ઉંચો કરી ને શિવ મુદ્રા માં નૃત્ય કરતી આકૃતિ !!! ઓહ ! હું શું સ્વપ્ન જોઈ રહ્યો છું ? શું હું ભાન માં છું ? આ બધું શું થઇ રહ્યું છે ? અચાનક અગ્નિ ની જ્વાળાઓ મોટી થઇ, અને કમરામાં પ્રકાશ રેલાયો અને મારી જીંદગી નો મોટા માં મોટો આઘાત મને લાગ્યો ! પ્રોફેસર સિન્હા ની પાછળ નૃત્ય કરતી આકૃતિ સ્પષ્ટ થઇ. એ લાવણ્યા હતી ! મારા રૂવાંડા ઉભા થઇ ગયા. એની મોટી મોટી આંખો લાલ હતી, એણે કપાળ માં ત્રિશુલનું તિલક કરેલું હતું અને એ ભયાનક ગતિથી લય્બદ્ધ થઇ ને નૃત્ય કરી રહી હતી. “લાવણ્યા, શંભુનાથ, ઓહ નો, આ બધું શું છે ? મારું મગજ બહેર મારી ગયું !” પંડિતની નાભીમાંથી નીકળતો સંમોહિત કરી નાખે એવો અવાજ, પાછળ નૃત્ય કરતી લાવણ્યા, કમરા માં પ્રગટેલ અગ્નિકુંડ માંથી પડતો એમનો પડછાયો, અજીબ પ્રકાર ની ધુમ્રસેર અને સુગંધ ! ખબર નહિ કેટલા સમય સુધી હું ત્યાં ઉભો હઈશ સંમોહિત થઇ ને, બીજો કોઈ વ્યક્તિ હોત તો ત્યાજ પડી જાત, પણ હું લશ્કર માં તાલીમ પામેલો આદમી હતો. મારી છઠી ઇન્દ્રિય એ મને સાવચેત કર્યો અને મને ત્યાંથી ભાગી જવાનો મન માં જ આદેશ મળ્યો. અને હું ત્યાંથી દોડ્યો અને મારા તંબુમાં જતો રહ્યો. ઉશ્કેરાટથી મારું આખું શરીર ધ્રુજતું હતું. મેં આંખો બંધ કરી અને મને લાવણ્યાનો ચહેરો દેખાયો.

આત્માના અંતિમ સંસ્કાર ! – ૭

૪૦, ૦૦૦ ફિટ ઉંચે આકાશમાં ...

રબ્બી અકીવાએ પગ લાંબા કર્યા અને આંખો બંધ કરીને એના ભૂતકાળને વાગોળ્યો. એ તેલ અવિવ થી મુંબઈ જતી ફ્લાઈટમાં બેઠો હતો. અચાનક એની આગળની હરોળમાંથી એક દુબળો યુવાન ઉભો થઇ ગયો. એની આંખોમાંથી અંગારા વરસતા હતા અને એના હાથમાં એક નાનકડી જર્મન બનાવટની પિસ્તોલ હતી. “ખબરદાર કોઈ હલ્યું છે તો, હું અને મારા સાથીઓ આ પ્લેનને હાઈજેક કરીએ છીએ. પેલેસ્તાઈન ગોરિલા ઝીન્દાબાદ. કોઈએ ચાલાકી કરવાની કોશિશ કરી છે તો ગોળી મારી દઈશ અચકાયા વગર” એણે ત્રાડ પાડીને બધાને સાવધ કર્યા. આખા પ્લેનમાં સોપો પડી ગયો. પાછળની વીંગમાંથી એના બીજા ત્રણ સાથીઓ પણ ઉભા થઇ ગયા. દરેકના હાથમાં પિસ્તોલ હતી. એમના લીડર જેવો લાગતો એ આદમી એક એર હોસ્ટેસને બંધુક ની અણીએ પાઈલેટની કોકપીટ પાસે લઇ ગયો. અચાનક એરહોસ્ટેસની તીણી ચીસ આવી અને એ આદમી અંદર કોકપીટ માં ઘુસી ગયો અને વિમાનને ઈજીપ્તનાં “અલ આરીશ” એરપોર્ટ તરફ વાળવાનો આદેશ આપ્યો. એના બીજા સાથીઓ ઝડપથી વિમાનમાં ફરી વળ્યા અને પોતપોતાની પોઝીશન લઇ લીધી. રબ્બી નિષ્પલક નયને આ બધી હિલચાલ જોઈ રહ્યો હતો. એણે થોડીવાર બધું જોયે રાખ્યું, અને પછી એણે આંખો બંધ કરી દીધી.

***

“વ્હોટ ? હાઈજેક ? આપણું પ્લેન ? ક્યારે ? ઈજીપ્તમાં લઇ ગયા છે, એમ ? કોણ છે એ લોકો ? પેલેસ્ટાઈન ગોરિલાઓ ? ઓહ ! મને વિમાનમાં સવાર તમામ લોકોનું લીસ્ટ આપો.” ઈઝરાઈલના વડાપ્રધાન ફોન પર એમના રક્ષામંત્રી જોડે વાત કરી રહ્યા હતા. રેડ અલર્ટ જાહેર કરવામાં આવી હતી. દુનિયામાં ચારેકોર સમાચાર ફેલાઈ ગયા હતા. વિમાનને હાઈજેક કરીને ઈજીપ્તમાં ઉતારવામાં આવ્યું હતું. એમાં મોટા ભાગના ઈઝરાઈલના નાગરિક હતા, થોડા ભારતીયો અને બાકીના અન્ય વિદેશી લોકો હતા.

“આપણી એન્ટી ટેરેરીસ્ટ પોલીસી આખી દુનિયા જાણે છે, આપણે કોઈ દિવસ ત્રાસવાદીઓ જોડે સમાધાન નહિ કરીએ, ભલે એ લોકો આખા પ્લેનને ઉડાડી દે” વડાપ્રધાનની આંખોમાંથી અંગારા વરસતા હતા. “શ્રીમાન, આ રહ્યું લીસ્ટ” એક લશ્કરી ઉચ્ચ હોદ્દાના અધિકારીએ વડાપ્રધાન તરફ એક કાગળ સરકાવ્યો. વડાપ્રધાને ઝડપથી એક નજર એના પર ફેરવી અને એમણે સૂચક રીતે એમના ઉચ્ચ અધિકારીઓ તરફ જોયું. બધા લોકો ખડખડાટ હસી પડ્યા. એ લીસ્ટમાં એક નામની સામે લાલ લીટો કરેલો હતો. એ નામ રબ્બી અકીવાનું હતું. કમરામાં થોડીવાર હાસ્ય પડઘાતું રહ્યું. એક અધિકારીએ વોડકાની બોટલ ખોલી અને બધાને પીણું સર્વ કર્યું. બધા હવે એકદમ રિલેક્ષ થઇ ગયા હતા.

“શું લાગે છે ? રબ્બી હવે ઘરડો થયો છે ભાઈ” વડાપ્રધાને મજાકમાં બધા સમક્ષ જોઇને પૂછ્યું. “માત્ર ૫૫ નો છે સાહેબ, અને એના જેવો ચપળ ઇન્સાન ભાગ્યેજ કોઈ હશે. હવે તો દુવા માંગો એ ટેરેરીસ્ટો માટે. એ રાહ જોશે મોકાની. પછી અફસોસ પણ કોઈ બચશે નહિ પૂછપરછ કરવા માટે. કોઈના મોઢા પણ જોવા જેવા નહિ રાખે એ” એક અધિકારી આછું હસતા હસતા બોલ્યા.

“આ વાતની કોઈને ખબર નાં પડવી જોઈએ કે રબ્બી એ પ્લેનમાં છે, ઈજીપ્તના અધિકારીઓ ને કહો કે વાતચીત ચાલુ રાખે. બાકી તો ઉપરવાળો બચાવે એ ટેરેરીસ્ટોને રબ્બી નાં પ્રકોપ થી.” એમણે ઝડપથી સૂચનાઓ આપી.

***

ઈજીપ્તનાં “અલ આરીશ” એરપોર્ટ પર રેડ અલર્ટ હતું. આખા એરપોર્ટને ઘેરી લેવામાં આવ્યું હતું. ઈજીપ્તના ખતરનાક અને વિશેષ તાલીમ પામેલા કમાન્ડોની ટુકડી પોત પોતાની પોઝીશન લઇ ચુકી હતી. એમાં શાર્પ શુટર પણ હતા. વિમાનની બારીઓ બંધ હતી. એની ચારેકોર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ની વાન ઉભી હતી. આતંકવાદીઓ અકળાઈ નાં જાય એટલે પોલીસ અને કમાન્ડોને હજુ દૂર રાખવામાં આવ્યા હતા. વિમાનમાં તેમનો સંપર્ક સાધીને સ્ત્રીઓ અને બાળકોને છોડી મુકવાની વિનંતી કરવામાં આવી હતી જે આતંકવાદીઓએ માન્ય રાખી ના હતી.

“એ ચલ, ઉભો થા, હાથ માથા પર રાખ અને મારી આગળ આગળ ચાલ” બંધુકની અણીએ એક ત્રાસવાદીએ રબ્બીની આગળ બેઠેલા એક અમેરિકન લાગતા વ્યક્તિને ઉભો કર્યો. ત્યાતો એક બીજો એનો સાથીદાર એની પાસે આવ્યો અને એને કાનમાં કહ્યું “આના કરતા તો કોઈ ઈઝરાયેલીને માર, તો જ એ લોકોને ખબર પડશે કે આપણે કોણ છીએ અને આપણો મકસદ શું છે” બીજાએ હકારમાં માથું હલાવ્યું અને હવે એણે બંધુક રબ્બી તરફ તાકી “એ, તું, ક્યા થી છે તું ? સાચું બોલ નહિ તો કપાળમાં ગોળી મારી દઈશ” રબ્બી ડરતો હોય એમ ધ્રુજવા લાગ્યો “માઈ બાપ, હું તેલ આવીવ થી છું, પ્લીઝ મને કઈ કરશો નહિ, મારે ફેમેલી છે, નાના છોકરાઓ પણ છે, પ્લીઝ મને છોડી દો”

જવાબમાં એ બંને આતંકવાદીઓ ખડખડાટ હસ્યા અને વિચિત્ર રીતે ધ્રુજી રહેલા રબ્બીનો કોલર પકડીને એને ઉભો કર્યો અને બંધુકની અણીએ એને પ્લેનના આગળના દરવાજા તરફ ધકેલ્યો. રબ્બી હવે સખ્ખત ધ્રુજવા લાગ્યો, અચાનક એ નીચે પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. એનો મોટો અવાજ સાંભળીને બીજા આતંકવાદીઓ ત્યાં આવી ગયા. એક જણાએ નીચે પડેલા રબ્બીને જોરથી લાત મારી. રબ્બી ચિત્કારી ઉઠ્યો અને બે હાથ જોડીને વધારે જોરથી રડવા લાગ્યો. બીજા બે જણાએ બળજબરીથી રબ્બીને ઊંચક્યો અને પ્લેનના દરવાજા તરફ ઘસડવા લાગ્યા. રબ્બી રડતા રડતા છટપટાવા લાગ્યો. હવે ત્રણ આતંકવાદીઓ એની આજુબાજુ આવી ગયા હતા અને એક પ્લેનની કોકપીટ માં હતો. ત્રણે જણા રબ્બીને નાના છોકરાની જેમ રડતો અને ડરતો જોઇને ક્રુરતાપૂર્વક લાતો મારવા લાગ્યા. એમને હવે મજા આવતી હતી. રબ્બી આવો માર ખાવાને ટેવાયેલો હતો. એને કોઈ ફરક પડતો ન હતો. એ બસ નીચે પડીને નાટક કરતા કરતા મોકાની રાહ જોતો હતો. અચાનક એને બળજબરી ઉભો કરીને એ ત્રણે જણાએ દરવાજો ખોલી નાખ્યો. સુસવાટા મારતો પવન રબ્બીના ચેહરા પર ફરી વળ્યો. એને ઢાલ તરીકે રાખીને એની પાછળ ત્રણે જણા ઉભા હતા.

દૂરબીનમાં રબ્બીને જોઇને ઈજીપ્તની કમાન્ડો ટુકડીનો વડો અબુ ચોંક્યો. એણે ફરીવાર દૂરબીનનું ફોકસ એડજસ્ટ કર્યું અને નજર માંડી અને એને માનવામાં નાં આવ્યું. પ્લેનના દરવાજા પર રબ્બી અકીવા, ધ ગ્રેટ રબ્બી અકીવા ઉભો હતો. એને પરસેવો વળી ગયો. રબ્બી અકીવા દરેક કમાન્ડો ટુકડીમાં લોકપ્રિય હતો. એની સ્ટાઈલ, એની ચપળતા અને એણે કરેલા ઓપરેશનની ચર્ચા બધાજ કરતા. ઈજીપ્તમાં પણ છુપી રીતે એ લોકપ્રિય હતો.

“હું તમને દસ મિનીટ આપું છું, અમારી વાત ઇઝરાયેલના વડાપ્રધાન જોડે કરવો નહિ તો આ નિર્દોષ આદમીને હું ગોળી મારી દઈશ” રબ્બીની પાછળ ઉભેલા આતંકવાદીએ બૂમ પાડીને થોડે દૂર ઉભેલી એમ્બ્યુલન્સનાં કર્મચારીને કહ્યું. એણે ફટાફટ એના ઉપરી અધિકારીનો સંપર્ક કર્યો. થોડીવારમાં કમાન્ડો ટુકડીનો વડો અબુ હાથમાં મેગાફોન લઈને આવી પહોંચ્યો. “પ્લીઝ અમને થોડો સમય આપો, આમને જવાદો, હું ખાતરી આપું છું કે હું તમારી વાત કરવું છું.”

“જો દસ મીનીટમાં કોક્પીટમાં એમની સાથે વાત નહિ થાય તો આ માણસ તો ગયો સમજો.” રબ્બીની પાછળથી ફરીથી બૂમ આવી.

રબ્બીએ અબુને હવે ઓળખ્યો. એણે બે ત્રણ વાર આંખો નમાવીને ઈશારો કર્યો.

અચાનક એક ધડાકો થયો અને દરવાજા પાસે ધુમાડો છવાઈ ગયો. અબુ અને એના માણસોએ તરતજ પ્લેન પર હુમલો કર્યો. એ લોકો સીડી લાવીને ઝડપથી એમાં ચડવા લાગ્યા. અબુ સહુથી આગળ હતો. જેવો એ દરવાજા પાસે પહોંચ્યો કે એની આંખો ફાટી ગઈ. નીચે દરવાજા પાસે લોહીનું મોટું ખાબોચિયું હતું. અને એક પછી એક ત્રણ લાશો પડેલી હતી. ત્રણેના કપાળમાં મોટું કાણું પડી ગયું હતું અને એમની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ હતી જાણે કે એમને હજી કઈ ખબરજ નાં પડી હોય. અબુ દોડીને અંદર ગયો અને એણે જોયું કે કોક્પીટ પાસે રબ્બી ઉભો હતો. એના હાથમાં એક જર્મન બનાવટની બંધુક હતી. એણે કોક્પીટમાં રહેલા આતંકવાદીને આંખમાં ગોળી મારી હતી. એની લાશ પણ જોવા જેવી રહી ન હતી. અબુ આશ્ચર્યથી આ જોઈ રહ્યો. રબ્બી હસ્યો અને એણે નમ્રતાથી પિસ્તોલ અબુ આગળ ધરી. અબુએ એ લઇ લીધી અને ઉષ્માપૂર્વક રબ્બીનો હાથ મિલાવ્યો.

***

“કેવી રીતે કર્યું એણે” વડાપ્રધાને પૂછ્યું. “સાહેબ, અદભુત ચપળતાથી એણે એકદમ ઝૂકીને પાછળ રહેલા આતંકવાદીનો હાથ પકડીને અત્યંત બળપૂર્વક મચડી નાખ્યો અને એના માથામાં ગોળી મારી દીધી, ગોળી એની પાછળ રહેલાનાં માથામાં પણ ઘુસી ગઈ અને એ બંને ત્યાજ ઢળી પડ્યા, ત્રીજો હજીતો કઈ સમજે એ પહેલા રબ્બીએ એના ગળામાં બરોબર વચ્ચે બીજી ગોળી મારી. પછી એ કુદીને ઝડપથી કોક્પીટ માં ગયો અને અંદર રહેલો કઈ સમજે બોલે એ પહેલા એની જમણી આંખમાં ગોળી મારી દીધી. જુજ સેકંડોમાં જ એણે બધાને ઢાળી દીધા સાહેબ. ચારે નાં ચહેરા જોવા જેવા નથી રહ્યા સાહેબ” એક અધિકારીએ ફોન પર જણાવ્યું. “રબ્બીને હવે સ્પેશીયલ પ્લેનમાં અમે પાછો હેડક્વાટર લાવીએ છીએ. બધા સુરક્ષિત છે, પ્લેનમાં કોઈને પણ ઈજા થઇ નથી.”

“હું રાહ જોવું છું એની હેડક્વાટર માં” ઈઝરાયેલના વડાપ્રધાન ગર્વથી બોલ્યા.

***

બીજા દિવસના ન્યૂઝ માં બધે ઈજીપ્તની કમાન્ડો ટુકડી અને એના હેડ અબુનાં વખાણો છપાયા હતા. કેવી રીતે એમણે અચાનક હુમલો કરીને વિમાનને હાઈજેકર થી બચાવ્યું એના ગુણગાન બધે છપાયા હતા.

અબુ ટીવી જોતા જોતા મનમાં હસ્યો. એને ખબર હતી કે રબ્બી કોઈ દિવસ જાહેરમાં નહિ આવે. એણે એની અદભુત ચપળતા અને અચૂક નિશાનેબાજીને મનોમન સલામ કરી.

***

તેલ અવિવ – શીન બેટનાં હેડ ક્વાટરમાં ...

“હેલો યુ ઓલ્ડ ફોક્ષ” વડાપ્રધાને ઉષ્માપૂર્વક રબ્બીનો હાથ મિલાવ્યો. રબ્બી નમ્રતાપૂર્વક હાથ મિલાવીને એક તરફ ઉભો રહ્યો. “તમામ દેશવાસીઓ ને તારા પર ગર્વ છે. અમે જેવું તારું નામ લીસ્ટમાં વાંચ્યું કે અમને ખબર પડી ગઈ કે હવે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. રબ્બી ફિક્કું હસ્યો અને એણે ફરીથી આભારપૂર્વક માથું હલાવ્યું. વડાપ્રધાને જોયું કે રબ્બી થોડો ઉદાસ લાગતો હતો. એમણે ધીરેથી પૂછ્યું “ભારત જાય છે ? યુવા ને મળવા ? એ મજામાં છે ને ? રબ્બી, આમ તો મારે તને કઈ પૂછવું ના જોઈએ પણ તોયે તારે અમારી કોઈ મદદની જરૂર છે ? ભારતના વડાપ્રધાન મારા ખાસ મિત્ર છે અને તને કોઈ પણ સુવિધા જોઈએ તો હું બનતી કોશિશ કરીશ. બને તો યુવાને પાછી અહી લઇ આવ”. એમને યુવા રબ્બીની પુત્રી છે એ વિષે ખબર હતી. “સર, આપે આટલું કહ્યું એ પણ મારા માટે બહુ છે, યુવાને મારી જરૂર છે, હું થોડા દિવસ જાઉં છું અને બને તો એને લઈને પાછો આવી જઈશ” રબ્બી આભારપૂર્વક બોલ્યો.

વડાપ્રધાનની સુચનાથી ઈઝરાયેલી મીલીટરીનું પ્લેન રબ્બીને ફાળવવામાં આવ્યું હતું જે એને આ વખતે ભારત જવા લઈને ઉડી ગયું. એ યુવાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પ્લેનમાં બેસીને રબ્બીએ ફરીથી આંખો બંધ કરીને ભૂતકાળને વાગોળ્યો.

***

હું આખી રાત ઊંઘી ના શક્યો. મને સ્વપ્નામાં લાવણ્યા અને શંભુનાથના ચહેરા જ દેખાતા હતા. ઉશ્કેરાટમાં મારું આખું શરીર તપી રહ્યું હતું. સવારે ૮ વાગે પ્રોફેસર મારા તંબુમાં આવ્યા અને મને સુતો જોઇને એમણે મારા કપાળ પર હાથ મુક્યો. “અરે રબ્બી, તને તો તાવ છે. હું શંભુનાથને કહેવડાવું છું” એ ચિંતિત થઈને બોલ્યા.

અડધા કલાકમાં પહાડ જેવો વખત અને શંભુનાથ આવી પહોંચ્યા. શંભુનાથે મારા કપાળ પર કોઈ લેપ લગાડ્યો અને મને કૈક પીવા આપ્યું. “સુતો રહે બેટા, સાંજ સુધીમાં સારું થઇ જશે. ચિંતાની કોઈ વાત નથી. હું આ લોકોને લઈને પહાડોમાં આવેલી સાઈટ પર જાઉં છું. વખત અહી જ રહેશે” એ પ્રેમથી બોલ્યા. (“સાલું આ પહાડને અહી મૂકીને ક્યા જાવ છો, લાવણ્યા ક્યા છે ? એને જોઇશ તો મારો તાવ ઉતરી જશે આપોઆપ”) મેં સુતા સુતા મનમાં વિચાર્યું અને પછી બોલ્યો “એની કોઈ જરૂર નથી પંડિતજી, તમે બધા જાવ, હું આરામ કરીશ એટલે સારું થઇ જશે”. પંડિતજી મર્માળુ હસ્યા અને ત્યાંથી નીકળી ગયા.

ખબર નહિ કેટલો ટાઈમ થયો હશે પણ કોઈએ મારા માથા પર ઠંડુ ભીનું પોતું મુક્યું અને મેં આંખો ખોલી અને મારું હૃદય એક પળ બંધ થઇ ગયું. એ જ સુંદર મોટી મોટી આંખો, લાંબા ઘાટા કાળા વાળ જે અત્યારે મારા પર પણ છવાયેલા હતા, અને એ જ ચંદનની ભીની ખુશ્બુ. એ મારા પર જુકેલી હતી અને એક હાથે ભીનું પોતું મારા કપાળ પર મૂકી રહી હતી. હું બાઘાની જેમ એને તાકી રહ્યો. મને ઉઠેલો જોઇને એણે સુંદર સ્મિત કર્યું “ઓ પરદેશી, કેમ લાગે છે હવે ?” મારે શું કહેવું એ મને ખબર નાં પડી. “લાવણ્યા, ખુબજ સુંદર નામ છે તમારું. તમે સારવાર કરો એટલે કોની મજાલ છે કે એને સારું નાં થાય” મેં બફાટ કર્યો અને એ ખડખડાટ હસી પડી. એનું મધુર હાસ્ય, દાડમના દાણા જેવા ખુબસુરત એક સરખા દાંત, આંખોમાં છવાયેલી ભીનાશ, મને કૈંક થઇ ગયું. મને થયું કે બસ હું આમ જ પડ્યો રહું એના કાળા ભમ્મર વાળના સાનિધ્યમાં અને લાવણ્યા મારા પર આમ જ આખી ઝીંદગી જુકેલી રહે. “ઓ પરદેશી, આમ શું જોઈ રહ્યા છો ? હવે કેમ લાગે છે તમને ? આ કાવો પી લો એટલે સારું લાગશે” એ મધુર અવાજમાં બોલી. મેં જાણી જોઇને ખુબજ અશક્તિ આવી ગઈ હોય એવું નાટક કર્યું બેઠા થવામાં, એણે એનો હાથ મારા માથા પર પાછળ મુક્યો અને મને મદદ કરી, એના હાથના સ્પર્શથી મને જણજણાટી થઇ ગઈ. એણે એક પ્યાલામાં કાવો ભર્યો અને મારા હોઠો નજીક લાવીને મને ધીરે ધીરે પીવડાવા લાગી. હું જાણેકે અમૃત પીતો હોવ એમ ધીરે ધીરે ઘૂંટડા ભરતા ભરતા એની સુંદર આંખોમાં જોઈજ રહ્યો. અચાનક બહાર કૈંક અવાજ આવ્યો અને લાવણ્યા પ્યાલો નીચે મુકીને બહાર ભાગી ગઈ. થોડીજ વારમાં પહાડ જેવો વખત અંદર આવ્યો. “બહેને કીધુકે તમને કાવો પીવડાવાનો છે, લાવો હું મદદ કરું” વખત બોલ્યો અને એણે નીચે ટેબલ પર મુકેલો કાવો લઈને મારા મોઢે માંડ્યો. હું અંદરથી ધૂંધવાતો એક શ્વાસે પી ગયો. મનોમન મેં આ પહાડ ને ગાળો ભાંડી.

વખત મને પાછો સુવડાવીને બહાર ચાલ્યો ગયો. મને મારા તંબુની બારીમાંથી લાવણ્યાનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. હું પણ હસી પડ્યો અને મેં પછી આંખો બંધ કરી દીધી.

બીજે દિવસે વહેલી સવારે મેં આંખો ખોલી અને મને અદભુત સ્ફૂર્તિનો અહેસાસ થયો. મેં આળસ મરડી અને હું તંબુમાંથી બહાર નીકળ્યો. દૂર સવારના ઝાંખા પ્રકાશમાં મંદિરની ધજા ફરકતી હતી. મંદિરમાંથી લાવણ્યાનો મીઠો સુર સંભળાતો હતો. મેં ઝડપથી હાથ મોઢું ધોયા અને હું મંદિર ભણી ચાલી નીકળ્યો. આ વખતે મેં સંભાળીને મારા શૂઝ બહાર કાઢ્યા અને મંદિરની પરસાળમાં હું આંખો બંધ કરીને બેસી પડ્યો. લાવણ્યાના મીઠા સુરો મારા કાનમાં અદભુત સ્પંદન ઉભું કરવા લાગ્યા. મને બોલ સમજાતા નહોતા પણ આખું વાતાવરણ આહલાદક લાગતું હતું. અચાનક મારો હાથ કોઈ એ પકડ્યો. મેં આંખો ખોલીને જોયું તો એ લાવણ્યા હતી. એણે હોઠો પર આંગળી મુકીને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને મારો હાથ પકડીને એ મંદિરની સામે આવેલા તળાવ તરફ ચાલી નીકળી. હું જાણેકે સંમોહનમાં હોવ એમ એની સાથે ચાલી નીકળ્યો. તળાવની પાળે એક નાનકડી નાવ બાંધેલી હતી. મેં અને લાવણ્યાએ ધક્કો મારીને એને પાણીમાં ઉતારી અને એમાં ચડી ગયા. લાવણ્યા ચુપચાપ નાવને ચપ્પુથી ચલાવતી હતી. થોડી વારમાં અમે ઘણા દૂર નીકળી ગયા.

વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું હતું. હું એકીટશે લાવણ્યાને તાકી રહ્યો હતો. આ મારી ઝીંદગીની અદભુત પળ હતી. મને મારા નાનપણની યાદો તાજી થઇ ગયી. મારા પિતાજી ખેડૂત હતા. મારી માતા મને રોજ સવારે હિબ્રુ લોકગીત ગાઈને ઉઠાડતી અને મારા પિતાજી માટે ભાથું બનાવતી. હું ઉઠીને પિતાજીના ગળે વળગી પડતો અને એ મને અને ભાથાને ઊંચકી લેતા. ઘરથી ખેતર થોડુ જ દૂર હતું. અમે ત્રણે જણા ગીતો ગાતા ગાતા ખેતર ભણી નીકળી પડતા. રસ્તામાં આવતા એક નાનકડા તળાવમાં પિતાજી મને ઉતારી દેતા અને અમે પાણીમાં ખુબજ મસ્તી કરતા. માં કિનારે બેસીને અમને જોયા કરતી. ઘણીવાર અમે પાણી ઉડાડીને એને પરેશાન પણ કરતા. આખું વાતાવરણ હાસ્ય અને આનંદથી તરબોળ થઇ ઉઠતું. આ એક વિશેષ લાગણી મારા મનમાં સચવાયેલી હતી. મારા કમાન્ડો જીવનમાં આવી બધી વસ્તુઓ ગૌણ હતી પણ ન જાણે કેમ મને આજે લાવણ્યાને સામે બેઠેલી જોઇને આ બધું યાદ આવી ગયું અને મારા ગળામાં થી એક હિબ્રુ પ્રેમ ગીત નીકળી પડ્યું. મેં આંખો બંધ કરીને એને લલકાર્યું. “ઓ મારી વ્હાલી, તું જ મારું જીવન છે, તું જ મારો આત્મા છે, તું જ મારું સર્વસ્વ છે, તું હું જ છું અને હું તું જ છું, જો હું જંગમાંથી પાછો નાં આવું (ઇઝરાયેલમાં હંમેશા લડાઈઓ ચાલતી રહેતી એટલે એના લવ સોંગમાં પણ એનો ઉલ્લેખ હમેશા ચાલતો રહેતો) તો મારી યાદોને ઓઢીને તારી અંદર સમાવી દેજે ઓ વહાલી, હું હમેશા માટે તારા દિલ માં પોઢી જઈશ”

ગાઈને મેં આંખો ખોલીને જોયું તો લાવણ્યા સ્તબ્ધ થઈને મારી સામે જોઈ રહી હતી. એની આંખોમાં આંસુ હતા. મેં એને અંગ્રેજીમાં આ ગીતનો અનુવાદ કરીને મતલબ સમજાવાની કોશિશ કરી પણ એણે હાથ આડો કરીને નાં પાડી દીધી અને મને ફરીથી એ ગીત ગાવાનું કહ્યું. મેં ફરીથી આંખો બંધ કરીને ગીત લલકાર્યું.

“ઓ પરદેશી, ભલે મને તમારી ભાષાનું આ અદભુત ગીત નાં સમજ પડી હોય પણ એમાં રહેલો પ્રેમ, લાગણી, ઉત્સાહ અને કરુણા મારા હૃદયને સ્પર્શી જાય છે. સાચું કહેજો તમે તમારા માતા પિતા ને યાદ કરતા હતાને આંખો બંધ કરીને?” એણે મને પૂછ્યું. મેં આશ્ચર્યથી જવાબમાં ડોકું ધુણાવીને હા પાડી. “બીજું પણ કોઈક તમને દેખાયેલું ને બંધ આંખો માં ?” લાવણ્યાએ આંખો પહોળી કરીને શરારતી સ્મિત સાથે પૂછ્યું. હું મારી સામે બેઠેલી આ સુંદર યુવતીને તાકી રહ્યો. શું જવાબ આપું આને ? હા મને તું પણ દેખાયેલી આંખો બંધ કરી ત્યારે, અને હવેતો બધી જગ્યાએ તું જ દેખાય છે. મેં મનમાં વિચાર્યું. “કોણ છે ? ગર્લફ્રેન્ડ ? કેવી છે ?” એણે ફરીથી મને ચીડવ્યો.

“છે ઉગતા સુરજની લાલીમાં જેના ગાલો પર છવાયેલી હોય એવી, મૃગ જેવી ચંચળ, ચંદ્ર પણ જેના રૂપની ઈર્ષા કરે એવી સુંદર, દિવસે પણ અંધારું કરી દે એવા ભરાવદાર કેશ વાળી, આંખો ખોલે તો બારે કોઠે દીવા થઇ જાય એવી, એના સ્મિતથી આખી દુનિયાનો ભાર ઓછો થઇ જાય એવી, એની ચાલ થી રમતિયાળ વહેતી નદી પણ શરમાઈ જાય એવી” મેં એની આંખોમાં જોતા જોતા કહ્યું. ભલે આપણે કમાન્ડો રહ્યા પણ નાનપણથી મારામાં સાહિત્ય અને શૃંગારનું મારી માતા અને મારા સ્કુલના શિક્ષકોએ સિંચન કર્યું હતું એટલે બંદા થોડા રોમેન્ટિક પણ હતા. લાવણ્યાએ શરમાઈને આંખો ઝુકાવી દીધી અને હોઠો વચ્ચે દાંત દબાવીને બેસી રહી.

અચાનક હોડી કિનારે અથડાઈ અને અમારું ધ્યાનભંગ થયું. અમે હવે ઘણે દૂર આવી ગયા હતા. લાવણ્યા મારી સાથે નીચે ઉતારી અને મને પાછળ આવવાનો ઈશારો કર્યો. સામે જંગલ હતું અને એક નાનકડી કેડી અંદર તરફ જતી હતી. લાવણ્યાએ મારો હાથ પકડી લીધો અને અમે એ કેડી પર ચાલી નીકળ્યા. પક્ષીઓ ના કલરવથી આખું જંગલ ગુંજી રહ્યું હતું. અમે ચુપચાપ લગભગ અડધો કલાક જેવું ચાલ્યા હઈશું કે એ ઉભી રહી ગઈ. એણે આંખોથી મને ઈશારો કર્યો અને મેં સામે જોયુંતો એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું. સામે એક વિશાળ ઘેઘુર વડલો હતો. આટલો મોટો વડલો મેં ઝીન્દગીમાં પણ ક્યારેય જોયો નહોતો. એની વડવાઈઓ ચારે તરફ ફેલાયેલી હતી. લાવણ્યા મને એના થડ પાસે લઇ ગઈ. એક આખો ટ્રક એના થડમાંથી નીકળી જાય અને તોયે જગ્યા વધે એટલો એનો ઘેરાવો હતો. લાવણ્યાએ બે હાથ જોડીને વડ ને પ્રણામ કર્યું અને પછી એ એની પાછળ આવેલી વડવાઈઓ માં નીચે બેસી ગઈ. મેં આશ્ચર્યથી જોયું તો અહી નીચે એક માણસ જતો રહે એટલી જગ્યા હતી. લાવણ્યા એમાંથી નીચે સરકી ગઈ અને હું પણ આશ્ચર્ય પામતો એની પાછળ પાછળ નીચે ઉતર્યો. અંદર જાણેકે ગુફા હોય એટલી જગ્યા હતી. ખબર નહિ અમે કેટલું નીચે ઉતર્યા હઈશું પણ અચાનક એક ઘેરા અવાજથી મારા કાન સરવા થઇ ગયા. થોડીવારમાં મારા પગ સખ્ત જમીનને અડ્યા અને અંધારામાં મેં હાથ આગળ કર્યો તો લાવણ્યાનો હાથ મને અડ્યો અને મેં એ પકડી લીધો. થોડીવાર માં મારી આંખો અંધારાથી ટેવાઈ ગઈ. અંદર એક ઓરડા જેવું હતું અને હજી એ આગળની તરફ જતો હતો. કૈંક ઘેરો આવાજ ત્યાંથી આવતો હતો. લાવણ્યા મારો હાથ પકડીને મને એ ઓરડામાં આગળની તરફ લઇ ગઈ. થોડે દૂર ચાલ્યા હઈશું કે એક તેજોમય પ્રકાશથી મારી આંખો અંજાઈ ગઈ. મેં આંખો આડો હાથ દઈ દીધો. જેવો થોડી વાર પછી મેં હાથ લીધો તો મેં જોયું કે સામે ક્યાંક ઉપરથી એક તેજોમય પ્રકાશનું કિરણ નીચે આવતું હતું અને ત્યાં નીચે થોડીક બેઠકો જેવું હતું જે ઝાડના થડને કાપીને બનાવેલી હતી. બાજુમાં એક સાવ નાનકડું પાણીનું ઝરણું વહેતું હતું. લાવણ્યા એક બેઠક પર બેસી ગઈ. “ઓ પરદેશી, આ જગ્યા પવિત્ર છે, અમારા કુટુંબ અને અમારા પૂર્વજો સિવાય અહિયાં કોઈ આવી શકતું નથી. તમે પહેલા વ્યકિત છો જે અહી આવ્યા છો. આજથી ઘણા વર્ષો પહેલા બેલી ગામ સાવ નાનકડું ખોરડું હતું અને અમારા પૂર્વજો અહી રહેતા હતા. એક વાર પહાડની બીજી બાજુ રહેતા જંગલી લોકોએ આક્રમણ કરી દીધું અને અમને ઘણું નુકસાન પહોંચાડ્યું. એમનાથી બચવા માટે અમારા પૂર્વજો જંગલ તરફ સ્થળાંતર કરી ગયા અને આ વડલાની આજુબાજુ રહેવા લાગ્યા. અચાનક એક દિવસ મારા પરદાદાની નજર આ ગુફા તરફ ગઈ અને પછી અમારું કુટુંબ અહી નીચે સુરક્ષિત રહેવા આવી ગયું. લગભગ એકાદ વર્ષ જેવું અહી રહ્યા પછી એક દિવસ બધા નીચે અહી બેઠા હતા કે “હરી ઓમ” નો નાદ ગુંજી ઉઠ્યો અને બધાએ ચોંકીને એ દિશામાં જોયું તો સામે એક સન્યાસી હાથમાં કમંડળ લઇને ઉભા હતા.

“કોણ છો તમે લોકો અને અહી આ મારી પવિત્ર જગ્યાએ શું કરો છો ?” એમણે ગુસ્સાથી પૂછ્યું. મારા પરદાદાએ એમને નમન કર્યું અને આપવીતી સંભળાવી જે સાંભળીને એ સન્યાસી ખુબજ ગુસ્સે થઇ ગયા અને એમણે મારા પરદાદા અને બીજા લોકોને ત્યાં રહેવાની મંજુરી આપી. “તમે લોકો અહી રહી શકો છો પણ યાદ રાખો જે અન્યાય સહન કરે છે એને શિવ પણ મદદ નથી કરતા. તમારે તમારી ભૂમિ પછી મેળવવી જ જોઈ એ. અહીંથી પાંચ કોસ દૂર જંગલમાં એક કબીલો રહે છે જે મને ખુબજ પ્રેમ કરે છે અને એ લોકો મારી વાત નહિ ટાળે. તમે ત્યાં જઈને મારું નામ આપીને એમની મદદ લો અને તમારી ભૂમિ પછી મેળવો” એમણે અમને નવી રાહ ચીંધી. મારા પરદાદા એ એમજ કર્યું અને એ કબીલાવાસીઓની મદદ થી અમે પાછા બેલી ગામ માં સ્થાપિત થયા. એ દિવસ અપૂર્વ હતો, ચારે કોર ઉત્સાહ નો માહોલ હતો. મારા પરદાદાને ત્યાં પુત્ર જન્મ થયો હતો અને એ ફરીથી આ જગ્યાએ સન્યાસીના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા. વરસાદ ભરપૂર હતો અને ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. મારા પરદાદા ધીમેથી અહી વડલામાં ઉતર્યા અને નીચે આ જગ્યાએ સમાધિમાં લીન સન્યાસીને પ્રણામ કરીને બેસી ગયા. થોડીવાર પછી એમણે આંખો ખોલી અને મારા પરદાદા તરફ જોયું અને એક સ્મિત કર્યું. “પુત્ર રતન ની તમને ખુબ ખુબ શુભેચ્છાઓ, તમારું કલ્યાણ થાઓ.” પછી મારા પરદાદાએ એમના ખોળામાં નાના બાળકને મૂકી દીધો. સન્યાસીએ જમણા હાથના અંગુઠાથી નાના શિશુના કપાળ પર કૈંક નિશાન કર્યું અને આંખો બંધ કરી દીધી. થોડીવાર આંખો બંધ રાખ્યા પછી એમણે અચાનક આંખો ખોલી અને હવે એમની આંખોમાંથી અંગારા વરસતા હતા. “સર્વનાશ, આ પુત્રના વંશજો થકી તમારી આવનારી પેઢીમાં એક વિનાશકારી આત્માનો જન્મ લખાયેલો છે. એ પરમ શિવ ભક્ત તો હશે પણ એનામાં રાવણના/રાક્ષસના અંશો પણ હશે, એ ચારેકોર હાહાકાર મચાવી દેશે. મારું માનો તો આ પુત્રને નદીના હવાલે કરી દો, આવનારી વિપત્તિને અહીજ ટાળી દો, એમાજ તમારું અને વિશ્વનું કલ્યાણ સમાયેલું છે.”

મારા પરદાદાએ એમને ખુબજ વિનંતી કરી પણ એમણે કહ્યું કે વિધાતાનું લખાયેલું મિથ્યા નહિ થાય અને એ આત્મા ગમે તે પેઢીમાં જનમ લેશે અને સર્વનાશ કરશે. મારા પરદાદા ભારે હૃદયે ત્યાંથી નીકળી ગયા અને ગામ પહોંચીને મારી પરદાદીને આ વાત કરી. બંનેનો નાનકડા શિશુને પાણીમાં વહાવાનો જીવ ના ચાલ્યો. ઘણા વર્ષો વીતી ગયા, એક દિવસ ફરીથી કિશોર થઇ ગયેલા પુત્રને લઈને મારા પરદાદા એ વડ પાસે ગયા પણ ત્યાં કોઈ નહોતું અને જે જગ્યાએ સન્યાસી ધ્યાનમાં બેસતા હતા એ જગ્યાએ રાખનો ઢગલો હતો. મારા પરદાદા એ પવિત્ર આત્માને પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયા” લાવણ્યાએ વાત પૂરી કરીને મારી સામે જોયું. મને મનોમન હસવું આવ્યું. “શું તું આવી વાતોમાં માને છે ? તમારા ખાનદાનમાં આટલી પેઢીઓ આવી ને ગઈ, શું એવું કઈ થયું કે જે પેલા સન્યાસીએ કહેલું ?” મેં એને પૂછ્યું અને જવાબમાં લાવણ્યાએ ડોકું ધુણાવીને નાં પાડી. “બસ તો પછી, ભૂતકાળને ભૂલી જવાનો અને હકારાત્મક ભવિષ્ય તરફ જોવાનું” મેં એની સુંદર આંખોમાં આંખો પરોવીને કહ્યું.

“લાવણ્યા તું મને ખુબજ ગમે છે અને હવે તારા વગર મારી ઝીંદગી અધુરી છે, હું અહીંથી તને લીધા વગર નહિ જઈ શકું. મારા પ્રેમનો સ્વીકાર કર નહિતો હું પણ અહીજ આ જગ્યાએ સમાધિ લઇ લઈશ” મેં ખુબજ ભાવુક થઈને એના હાથ પકડીને કહ્યું. એ મારી સામેજ જોઈ રહી અને એની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા. અમે બંને એક બીજાને ભેટી પડ્યા.

અચાનક કોઈના નીચે સરકવાના અવાજથી અમે ચમકી ગયા. થોડીવારમાં પહાડ જેવો વખત અમે આવ્યા હતા એ જગ્યાએથી અંદર આવી પહોંચ્યો. “પિતાજીએ તને શોધવા મોકલ્યો છે, મેં તમને હોડી લઈને અહી આવતા જોયા એટલે હું સમજી ગયો કે તમે લોકો અહીજ હશો” વખત બોલ્યો. એ થોડી વાર અમને બંનેને જોઈ રહ્યો અને પછી એણે માથું ધુણાવ્યું અને મારી સામે ગુસ્સાથી જોયું. “જો વખત, પ્લીઝ ગુસ્સે ના થઈશ પણ હું ખરેખર લાવણ્યાને ચાહું છું અને એની સાથે લગન કરવા માંગું છું.” મેં વખતને ગુસ્સે થયેલો જોઇને એક શ્વાસમાં કહ્યું. એ થોડી વાર મારી સામે જોઈ રહ્યો અને પછી એણે મારો હાથ એના પાવડા જેવા હાથ માં લીધો. “ઓ પરદેશી, લાવણ્યા કોઈ સામાન્ય યુવતી નથી, યોગ, અઘોર વિદ્યા, પ્રાચીન માર્શલ આર્ટમાં નિપુણ છે, એ અસામાન્ય છે, મારી બહેનને જો તમારે લઇ જવી હોય તો મારી સાથે તમારે દ્વંદ કરવું પડે અને મને હરાવવો પડે” વખત ગુસ્સાથી બોલ્યો, લાવણ્યા કૈંક કહેવા ગઈ પણ વખતે એની સામે જોયું અને એને ચુપ રહેવાનો ઈશારો કર્યો. “જુવો વખત, હું તમારું સન્માન કરું છું અને તમે મને જે આતિથ્ય આપ્યું તેનો આભારી છું, પણ હું કેવી રીતે તમારી સાથે લડાઈ કરું ? હું અહી પ્રેમની વાતો કરું છું અને તમે લડવાની ? આવું બધું તો જુના જમાનામાં થતું હતું. અને લડાઈમાં તમને કૈંક થઇ ગયું તો ?” મેં વખતને ઉશ્કેર્યો. આમ પણ મને ઈચ્છા તો હતી જ એને મારું પાણી બતાવાની.

વખતે મારો હાથ છોડી દીધો અને મને જોરથી ધક્કો માર્યો. હું થોડો હલબલી ગયો અને પાછળ ધકેલાઈ ગયો. બસ, હવે બહુ થયું, મારી આખો ઝીંદગીની કમાન્ડો ટ્રેનીગ અને મારી નિપુણતા આને બતાવીજ પડશે. મને ભયંકર ગુસ્સો આવ્યો. “છેલ્લી વખત કહું છું, માની જા, લાવણ્યા, આને સમજાવ પ્લીઝ” મેં લાવણ્યાની સામે જોઇને એને કહ્યું. જવાબમાં લાવણ્યા એ ખભા ઉલાળ્યા અને એ એક ખુણામાં ખસી ગઈ. આ ભાઈ બહેન મને સમજે છે શું ? હવે તો પરચો બતાવોજ પડશે. મેં ગુસ્સામાં જોરથી ત્રાડ પાડીને વખત પર ડાઈ મારી. એ પહાડ એકદમ ચપળતાથી એક તરફ ખસી ગયો અને હું નીચે પડ્યો. વખત મારા આવા હાલ જોઈને ખડખડાટ હસી પડ્યો. હું ભયંકર ગુસ્સામાં ઉભો થયો અને અચાનક મારા મસ્તિષ્કમાં પંડિત શંભુનાથની વાત યાદ આવી કે ગુસ્સો એ કાયરતા નું નિશાન છે, સંયમી અને સ્થિર વ્યક્તિજ હંમેશા ઝીન્દગીમાં આગળ વધે છે. મેં ગુસ્સો ખંખેરી નાખ્યો અને ફરીથી વખત પર પ્રહાર કરતો હોવ એમ સજ્જ થઇ ગયો. વખતે થોડી રાહ જોઈ અને પછી એ પહાડ મારા પર ત્રાટક્યો. આ વખતે હું સાવધ હતો. હું એકદમ હવામાં ઊંચકાયો અને વખતના ખભા પર મેં મારા પગ ટેકવીને જંપ લીધો અને વખતના માથા પાછળ જોરદાર પ્રહાર કર્યો. પહાડ આશ્ચર્યથી હલબલી ગયો અને લથડિયું ખાઈને એક તરફ ખુણામાં પડ્યો. મેં ગર્વથી લાવણ્યા તરફ જોયું અને એણે મને વખત તરફ ઈશારો કર્યો અને હું ચમક્યો, એ પહાડ ફરીથી મારા ઉપર આવતો હતો. હું જોરથી ગોળ ફરી ગયો અને એક જોરદાર કિક મેં વખતના મોઢા પર મારી, મારા આ પ્રચંડ આઘાતથી વખત ફસડાઈ પડ્યો પણ ફરીથી ઉભો થઇ ગયો. એના હોઠો પર લોહી નીકળી આવ્યું હતું. “બસ, રહેવા દે વખત, આ મારામારી નો કોઈ અર્થ નથી, તને ઈજા થઇ જશે” મેં એને ફરીથી વિનંતી કરી. પણ એ પહાડ માને ? એ ફરીથી હુંકાર કરતો મારા પર ચડી આવ્યો અને મને કમરેથી પકડીને ઊંચકીને પીઠ પાછળથી ફેંકી દીધો. હું ચત્તો પાટ નીચે પડ્યો. આ જાડીયાનું શું કરવું મારે ? જે થાય એ હવે, મેં નક્કી કર્યું અને એક નાનકડા ખડક પર કુદીને મેં ડાબો પગ ટેકવ્યો અને એનાથી જંપ લઈને જોરથી હવામાં ઉછાળીને પૂરી તાકાતથી મારા જમણા પગની કિક મેં વખતને છાતી માં મારી. એક બોદો અવાજ થયો અને વખતે આશ્ચર્યથી મારી સામે જોયું અને એ છાતી પકડીને નીચે બેસી ગયો. આટલા જોરથી કિક મેં કોઈ આખલાને પણ મારી હોત તો એની પાંસળીઓ તૂટી ગઈ હોત. વખત થોડી વાર હાંફતો હાંફતો નીચે બેસી રહ્યો. અને થોડીવાર માં એ ઉભો થઇ ગયો. કમાલનો આદમી છે આ તો. આનેતો કોઈ તોપગોળો મારે તોયે કઈ થાય એમ નથી એવું મને એ વખતે લાગ્યું. વિમાનમાં બેઠા બેઠા ભૂતકાળ વાગોળતો રબ્બી મનોમન હસી પડ્યો.

મેં ફરીથી પોઝીશન લીધી ત્યાતો એણે એનો પાવડા જેવો હાથ મારી તરફ લંબાવ્યો જે મેં તરતજ પકડી લીધો. એ મને ભેટી પડ્યો. “ઓ પરદેશી, તમે કમાલના લડવૈયા છો, મને નીચે પાડી દેવા વાળો હજુ સુધી કોઈ પેદા નહોતો થયો. મને ખુબજ આનંદ થયો” એણે હૃદયપૂર્વક મારો હાથ પકડીને કહ્યું અને પછી એ મને ફરી ભેટી પડ્યો. એના વિશાળ શરીર સામે હું છ ફીટ બે ઇંચ હોવા છતાં પણ વામણો લાગતો હતો. દૂર ખુણામાં ઉભેલી લાવણ્યા પણ દોડીને આવી અને અમારી વચ્ચે જગ્યા કરીને અમને બંનેને ભેટી પડી. વખતે વહાલથી લાવણ્યા નો ચહેરો હાથમાં લીધો અને એના માથા પર એક ચુંબન કર્યું. “ઓ પરદેશી, આ મારી જાન છે. એને હરહમેશ ખુશ રાખજો, જો એને કઈ થયું તો હું ખુબજ નારાજ થઈશ અને પછી ખબર નહિ હું શું કરી નાખીશ. એ મારી મોટી બહેન છે પણ એ મારા શરીરનો એક ટુકડો છે. એનું હાસ્ય અને એની હાજરીથી જ મારું સર્વસ્વ રહેલું છે. મારી ઈચ્છા એને એવા વ્યક્તિ જોડે પરણાવાની છે કે જે એને ખુબજ પ્રેમ કરે, જે પ્રચંડ શક્તિશાળી હોય અને મારા કરતા પણ એનું વધારે ધ્યાન રાખે. તમે તમારી શકિતનો પરચો તો આપી દીધો પણ એને ખુશ તો રાખશો ને ?” વખતે આંખમાં ઝળઝળિયાં સાથે મને પૂછ્યું. આવડા મોટા પહાડની આંખોમાં આંસુ જોઇને હું પણ ભાવુક થઇ ગયો. મેં એક હાથ એનો પકડ્યો અને બીજો હાથ લાવણ્યાનો પકડ્યો “સાંભળો, હું મારી માતા અને પિતા કે જે મને જગતમાં સહુથી વ્હાલા છે એમના અને મારા ઈષ્ટદેવના સમ ખાઈને કહું છું કે લાવણ્યાને હું કોઈ દિવસ દુખી નહિ કરું. એના હસવાથી મારી સવાર પડશે અને એના કાળા કેશોના સથવારાથી મારી રાત. હું કોઈ દિવસ ખોટું બોલ્યો નથી વખત, તમે મારો વિશ્વાસ કરો” લાવણ્યા અને વખત મારી સામેજ જોઈ રહ્યા અને પાછા બંને મને ભેટી પડ્યા.

“સાલું તને આવો ધોળો પરદેશીજ મળ્યો, બહેન ? દેખાવમાં તો ઠીકઠાક છે, પણ તોયે, વિચારી લે તું” વખતે લાવણ્યાની મશ્કરી કરી. જવાબમાં લાવણ્યાએ એની પીઠમાં એક ધબ્બો માર્યો અને અમે બધા ખડખડાટ હસી પડ્યા.

“ચાલો પાછા હવે, બાપુજીને તમારા પરાક્રમ વિષે હજુ જણાવાનું પણ છે” વખતે અમને કહ્યું અને અમે પાછા વડલાની નીચે આવેલી જગ્યાએથી ઉપર તરફ પ્રયાણ કર્યું.

***

સાંજનું ટાણું થયું હતું. મંદિરની આગળ આવેલી પરસાળમાં એક નાનકડા હવન કુંડમાં અગ્નિ પ્રજ્જવલિત હતો. એની પાછળ પંડિત શંભુનાથ બેઠા હતા. સામે પહાડ જેવો વખત લાવણ્યાનો હાથ પકડીને ઉભો હતો. ડાબી બાજુ પ્રોફેસર સિન્હા અને ગોલાન ઉભા હતા. હું જમણી તરફ ઉંચા જીવે પંડિત તરફ જોતો જોતો ઉભો હતો.

પંડિતે થોડીવાર પછી આંખો ખોલી અને મને એમની તરફ આવવાનો ઈશારો કર્યો. મેં લાવણ્યાની સામે જોયું અને એણે મને આંખોથી સાંત્વન આપ્યુ અને હું પંડિતજી પાસે ગયો. એમણે મારો હાથ એમના હાથમાં લીધો અને એક લાલ કલરનો દોરો મારા જમણા કાંડામાં પહેરાવી દીધો અને કૈંક સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કર્યા. આંખો બંધ કરીને એમણે મને સમજાય એમ કહ્યું “આ પવિત્ર મિલન છે ઓ પરદેશી, તમે અમારી કુળની કન્યાને વરી રહ્યા છો, એના પેટે એક પવિત્ર આત્માનો જન્મ થશે અને મને આનંદ થાય છે કે એ એક દિવસ અમારા અને સમગ્ર પૃથ્વી/અન્તરિક્ષનાં દેવો ના દેવ મહાદેવની અપાર કૃપા પામશે. સુખ દુખ દરેક પરિસ્થિતિમાં એ અચળ રહેશે, એ તમારા જેવી પરમવીર યોદ્ધા થશે, એ એની માં જેવી વિદુષી થશે, એ એના મામા જેવી દરેક પરિસ્થિતિ સહન કરવાની શક્તિ લઈને આવશે. જાઓ તમારું કલ્યાણ થાય” મેં બે હાથ જોડીને એમણે પ્રણામ કર્યા. “અને એનામાં તમારું શું આવશે ઓ વિદ્ધવાન પંડિતજી”? મેં સહજતાથી એમને પૂછ્યું. પંડિત થોડા વિહવળ થઇ ગયા અને એક વિષાદયુક્ત સ્મિત સાથે એમણે પ્રોફેસર સિન્હાની સામે જોયું અને બોલ્યા “સમય બળવાન છે પરદેશી, પણ સાવધાન, તમારું મિલન બહુ સુખદ નથી, તમે વિચારી લો, ઘણા પડકારો છે સામે, તમે પાર પાડી શકશો એને ?” મેં બે હાથ જોડીને કહ્યું “ગમે એવા પડકારો આવે પંડિતજી, હું એનો હાથ ક્યારેય નહિ છોડું. એ મારા જીવનનું અભિન્ન અંગ બનીને રહેશે” પંડિતજીએ ઇશારાથી લાવણ્યાને આગળ બોલાવી અને અમારા માથા પર હાથ મુકીને કૈંક મંત્રોચ્ચાર કર્યા. વખતે અને બંને પ્રોફેસરોએ ખુશીથી તાળીઓ પાડી.

***

રાતના બે વાગ્યા હતા. પંડિત શંભુનાથ અને પ્રોફેસર સિન્હા મંદિરથી દૂર એક કેડી પર ચાલતા ચાલતા વાતો કરતા જતા હતા. આટલા અંધારામાં પણ ખબર નહિ કેમ પણ એમને સ્પષ્ટ દેખાતું હતું. “કલ્યાણ થાય એનું. હવે એક બીજો ઉપકાર કરો પ્રોફેસર, વખતને પણ તમારી સાથે રાખો. રબ્બી સારો આત્મા છે, એ દગો નહિ દે પણ એને અમારી કે અમારા કુળની ખબર નથી.” શંભુનાથ બોલ્યા.

“એ ઇઝરાયેલથી આવે છે પંડિતજી, એને આવી બધી શી ખબર પડે ? અને આમપણ લાવણ્યા ત્યાં સુરક્ષિત રહેશે. તમે તમારું કામ ચાલુ રાખો. વખતને પણ આમાં નાખવાની જરૂર નથી. તમે આજ્ઞા આપો એટલે એને હું મારી સાથે રાખી લઉં છું બસ ? પણ આપડું કામ અટકવું નાં જોઈ એ. મારે એ શક્તિને જોવીજ છે અને પામવી પણ છે. અને યાદ કરો તમારા મહાન રાક્ષસકુળ ની ગરિમા ની. હજારો વર્ષોથી તમારા વંશજોએ શિવજીને તપસ્યા છે, છાતી ફાડી નાખો તો પણ એમનો ચહેરો દેખાય એટલી હદ સુધી એમને ચાહ્યા છે. હવે શું એ મોકો ફરીથી જવા દેવો છે તમારે ? મને ઘણા ક્લુ મળ્યા છે એ જગ્યા નાં, અને હવે વધારે વખત નહિ લાગે, તમે ફરીથી તમારા પૂર્વજ મહાન રાવણની જેમ શિવજીને પામશો અને એમાં એકાકાર થઇ જશો.” પ્રોફેસર ગર્વથી બોલ્યા અને પંડિતજીની આંખોમાં આંસુ આવી ગયા. “હા, એ દિવસ નજીક આવી રહ્યો છે ઓ મહાદેવ, તમે કેટલો વખત અમારાથી છુપાશો ? મારા પરમ પૂજય વડદાદા રાવણ કે જે તમારા પરમ ભક્ત હતા એમની આ ચાલી આવતી પેઢી તમને વર્ષોથી શોધી રહી છે ઓ મહાન શિવ, હવે તો દર્શન આપશોને ? હું તમને શોધીને જ રહીશ.” પંડિતજીએ ધીમા અવાજે શિવસ્તુતિનું રટણ ચાલુ કર્યું.

બંનેની પાછળ પાછળ આવતી અને વાતો સાંભળતી લાવણ્યા ચોંકી ઉઠી. શું અમે રાવણના વંશજો છીએ ? શું બાપુજી મહાન શિવજીને શોધી રહ્યા છે ? શું એટલેજ નાનપણથી અમને શિવસ્તુતિનું પઠન કરાવામાં આવતું હતું ? શું એટલેજ જેવું એનું પઠન થાય એટલે મારા પગ આપોઆપ નૃત્ય કરવા લાગતા હતા !!! રાવણ નાં સંતાનો, અને અમે ??!!” આશ્ચર્યથી એનું માથું ફાટુ ફાટું થઇ રહ્યું.

ભાગ -૭ સમાપ્ત

***

Rate & Review

Golu Patel 3 months ago

Manish Patadia 4 months ago

Tushar 4 months ago

Narendra Kansara 4 months ago

Bhart Syamdash Sadhu 5 months ago