Eyeliner in Gujarati Moral Stories by Rudri Shukla books and stories PDF | આઇલાઈનર

Featured Books
Categories
Share

આઇલાઈનર

          અક્ષી એક મેગેઝીનના કવરપેઇજ માટેના મોડલિંગમાં સિલેક્ટ થઈ ગઈ. અને એનું મુખ્ય આકર્ષણ હતું તેની આંખો...શું બોલકી આંખો હતી અક્ષીની !! અને જ્યારે એ એની મોટી મોટી આંખો પર આઈલાઈનર લગાવતી ત્યારે તો એની સુંદરતામાં ચાર ચાંદ લાગી જતા.અક્ષીની આંખો સામે એક વખત નજર કરીએ તો તેના સમગ્ર વ્યક્તિત્વનો પરિચય થઈ જતો.આમ તો તે આખી જ સુંદર હતી.તેનો ગોરો રંગ, તેની ચાલવાની ઢબ, તેના સુંદર લાંબા વાળ અને સૌથી વધુ સુંદર તેનું નિર્મળ હાસ્ય...તેનું વ્યક્તિત્વ પાણીના રેલા જેવું નિર્મળ દેખાતું હતું.પણ આંખ નો આકાર, કીકીઓ,પાંપણ,ભ્રમણો સૌથી નયનરમ્ય હતા. તેની આંખ એટલી નાજુક પતંગિયા જેવી હતી કે જેમ પતંગિયું સહેજ વધુ હવા આવે તો ફંગોળાઈ જાય એમ જ અક્ષીની આંખને પણ બાળપણમાં બહારના વાતાવરણની અસર થઈ જતી.ઋતુ બદલાય એટલે તુરંત જ અક્ષીની આંખોમાં ઇન્ફેક્શન આવી જાય.વધારે ઠંડો પવન હોય ત્યારે આંખ સોજી જતી.એક વખત તો ઓપરેશન પણ કરવું પડ્યું.અક્ષીની મમ્મી નર્સ હતી અને પપ્પા બિઝનેસમેન. બાળપણમાં આંખોના ચેકઅપ,ઓપરેશન બધું જ સરળતાથી પાર પડી ગયું હતું.અક્ષીનું નાનપણથી એક જ સપનું હતું- મોડેલિંગ.પરંતુ જાડા ચશ્મા આંખોમાં રાખવા પડતા હતા.સ્કુલમાં હતી ત્યારથી જ એને મોડેલિંગ કરવાની ઈચ્છા હતી. જ્યારે એણે પોતાની ઇચ્છા બધા સમક્ષ સ્કૂલમાં જાહેર કરી ત્યારે બધા સ્ટુડન્ટ્સ એની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એના માટે તો આંખો સરખી જોઈએ.આટલા જાડા ચશ્મા સાથેની કોઈ મોડેલ જોઈ છે ક્યારેય ? ત્યાર પછી અક્ષીએ પોતાના સપના કોઈની સમક્ષ જાહેર કરવાનું બંધ કરી દીધુ. એ જ્યારે ફ્રી પડતી ત્યારે પોતાના રૂમ માં જઈને, રૂમને અંદરથી બંધ કરી, નવા નવા કપડાં પહેરીને અરીસા સામે ઉભી રહી જતી. રેમ્પ વોક કરતી.કલાકો સુધી પોતાની જાતને અરીસામાં જોયા કરતી. પણ જ્યારે એની નજર એની આંખો પર રહેલા જાડા ચશ્મા પર પડતી પછીથી એનો બધો જ ઉત્સાહ, ઉન્માદ, ખુશી આંસુની સાથે વહી જતા. નયનાબેન આ બધી હરકતો સાક્ષીભાવે જોયા કરતા. નયનાબેન જે હોસ્પિટલમાં નર્સ હતા,તે જ હોસ્પિટલમાં પ્રખ્યાત આઇ-સ્પેશ્યલિસ્ટ ડોક્ટર પ્રકાશ અંતાણીની નિમણૂક થઈ. તેઓએ આંખોની સારવાર માટે અનેક આધુનિક સાધનો વસાવ્યા. એક દિવસ નયનાબેન અક્ષીને ડો. પ્રકાશ અંતાણીની સારવાર હેઠળ લઈ ગયા. ત્યારે પૂરતો વિશ્વાસ બેઠો કે અદ્યતન સારવાર, જાળવણી, આરામથી અક્ષીના જાડા ચશ્મા દૂર થઈ જશે. અને ખરેખર થોડા સમય પછી અક્ષીની આંખો પહેલાં જેવી જ સુંદર દેખાવા લાગી. તે ખૂબ જ ખુશ હતી. એના પેરેન્ટ્સે ઓપરેશન્સ પાછળ ખર્ચો કરવામાં પાછળ વળીને નહોતુ જોયુ. એના પરિણામે જ અક્ષી આજે સ્પષ્ટ જોઇ શકતી. હા, અમુક બાબતોમાં એને સતર્ક રહેવું પડતું.જેમ કે કાજલ ન લગાડવું, હોળી ન રમવી, સન ગ્લાસીસ વગર બહાર ન જવું...વગેરે. અને હવે તો અક્ષી કોલેજમાં આવી ગઈ હતી. 12th માં સારા માર્કસ હોવાના લીધે એને મુંબઈમાં એક પ્રતિષ્ઠિત કોલેજમાં એડ્મિશન મળી ગયું. અને અક્ષી પહોંચી ગઈ મુંબઈ... કોલેજના પ્રથમ દિવસે જ એના બધા જ ક્લાસમેટે એની સુંદરતાના વખાણ કર્યા. અક્ષી હવે ખુબ જ ખુશ હતી. એની નબળાઈ હવે નબળાઈ રહી નહોતી. ધીમે-ધીમે એનું એક સરસ મજાનું ફ્રેન્ડ સર્કલ પણ બની ગયું. અક્ષી ભણવાની સાથે સાથે બીજી ઈતર પ્રવૃત્તિઓમાં પણ હંમેશા આગળ રહેતી. આટલા સમયમાં એના ધ્યાનમાં એક વાત આવી કે લગભગ બધી જ છોકરીઓ કોલેજમાં આઈલાઈનર કરીને જ આવે છે. એને પણ આઈલાઈનર લગાવવાની ઈચ્છા થઈ. કોલેજ પછી શોપમાં જઈને સારામાં સારી બ્રાન્ડનું આઈલાઈનર લઈ આવી અને મનને મક્કમ કર્યું કે, આઈલાઈનર તો ફક્ત આંખની ઉપર જ લગાવવાનું છે એ આંખની અંદર જવાનું નથી. એટલે આંખ ને કંઈ નુકસાન નહીં થાય. મન ને મક્કમ કર્યા પછી પણ એણે લગભગ ૩૦ વખત youtube પર " how to apply eyeliner " નો વિડીયો જોયો. અને finally, એણે પોતાની આંખ ઉપર ખૂબ જ ધ્યાનથી આઇલાઇનર લગાવ્યું. બસ...પછી તો એ પોતાને અરીસામાં જોતી જ રહી ગઈ. 'આ હું જ છું ?!' નો પ્રશ્ન એના મનમાં ગુંજી રહ્યો હતો. અને અચાનક જ એણે પોતાના વોર્ડરોબમાંથી નવા કપડાં કાઢ્યા અને એક પછી એક પહેરવા લાગી.હવે સુંદર આંખોની સાથે એના મનમાં જ સ્થિર થઈ ગયેલું સપનું પણ એને પાછું મળી ગયું હતું. હવે તે રોજ આઈલાઈનર કરીને કોલેજ જતી. એની આંખોની પ્રશંસા આખી કોલેજમાં થવા લાગી. એણે મોડેલિંગમાં પણ પ્રયત્ન ચાલુ કર્યા હતા. ઘણા પ્રયત્નો પછી ફોટો શૂટ માટે એનો ફેઈસ સિલેક્ટ થઇ ગયો. ફોટોશૂટ માટે ફોટોગ્રાફર એ તારીખ અને સમય પણ આપી દીધા. અને છેવટે એ દિવસ પણ આવી ગયો. આજે અક્ષી કંઈક અલગ જ ઉત્સાહમાં હતી. વર્ષો પહેલાં એણે જોયું સપનું છેવટે આજે સાચું પડવાનું હતું. એ ફટાફટ સ્ટુડિયો પહોંચી ગઈ. મેકઅપ એણે ત્યાં જ કરવાનું નક્કી કર્યું. મેકઅપ સાથે પોતાની પ્રિય આઈલાઈનર પણ એણે બેગમાં મૂકી.સ્ટુડિયોમાં બીજી કોઈ મોડેલનું ફોટોશૂટ ચાલતું હતું. ત્યાંના વાતાવરણને જોઇને જ અક્ષી ઉત્સાહમાં આવી ગઈ અને મેકઅપ કરવા લાગી. છેલ્લે એણે પોતાની પ્રિય આઈલાઈનર લગાવવાનું શરૂ કર્યુ. ઉત્સાહના કારણે એનો હાથ સહેજ હલી ગયો અને લિક્વી્ડ આઈલાઈનરનું બ્રશ આંખની અંદર વાગી ગયું. થોડી જ સેકન્ડોમાં આંખ એકદમ લાલ થઇ ગઈ અને અક્ષીને આંખમાં ખૂબ જ બળતરા થવા લાગી. આંખ કરતા પણ મનમાં વધુ બળતરા થતી હતી. એક છૂપો ડર અચાનક બહાર આવી ગયો કે હવે શું થશે મારી આંખોનું..? મારા સપના નુ..? શું પહેલા જેવી જ જાડા ચશ્મા વાળી દેખાવા માંડીશ હું...??? ઓહો...એણે તુરંત જ મમ્મીને ફોન કર્યો અને હીબકાં ભરતાં ભરતાં ઘટના જણાવી કે મમ્મી મારી આંખો ફરિવાર....એના મમ્મી નયનાબેન તુરંત જ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રકાશ પાસે પહોંચી ગયા. અને ડોક્ટરે વિડીયોકોલ દ્વારા અક્ષીની આંખને તપાસી. એમણે અરજન્ટલી અમુક eye drops નાખવાનું કહ્યું. સ્ટુડિયો ના પ્યુન પાસેથી અક્ષીએ eye drops મંગાવી લીધા અને આંખ માં નાખી દીધા. હવે એની આંખોને ૧૫ મિનિટના આરામની જરૂર હતી. 15 મિનિટ પછી ફરીવાર eyedrops  પછી ફરીવાર આરામ. ૩૦ મિનિટ પછી akshi એ આંખો ખોલી ત્યારે એની આંખો ફરીથી નોર્મલ થઈ ગઈ હતી. પરંતુ ડોકટરે હવે પછી આઈલાઈનર લગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અરીસામાં પોતાની જાતને જોઈને અક્ષી હતાશ થઇ ગઇ. આઈલાઈનર વગર એને પોતાની જ આંખો સુની લાગતી હતી. ત્યારે જ એના મમ્મી નયનાબેનનો ફોન આવ્યો અને અક્ષીએ રડતા રડતા એમને આ વાત કરી. ત્યારે એની મમ્મીએ કહ્યું કે, " અરે તું કઈ આઈલાઈનર સાથે થોડી જન્મી હતી ? ત્યારે પણ બધા તને રમાડવા આવતા જ હતા ને ? જો બેટા, આઈલાઈનર કરતા આંખ મોટી છે. આંખ કરતાં પણ દ્રષ્ટિ મોટી છે. અને દ્રષ્ટિ કરતાં પણ સપના મોટા છે. મોડેલિંગ એ તે જોયેલું સપનું છે. કોઈએ તને આપેલું સપનું નથી. અને સપના કરતાં પણ મોટા છે પ્રયત્નો...એના વગર તારુ મોડેલિંગ નું સપનુ ક્યારેય પૂરું નહીં થાય. અને તારી સુંદરતા તારી આંખો થકી છે, તારી દ્રષ્ટિ થકી છે, તારા સપના થકી છે અને એ સપનાને સાકાર કરવા માટે તે કરેલા પ્રયત્નો થકી છે. આમ જોઈએ તો આઈલાઈનર એક કાળી પેન્સિલ જ છે ને !!! અને કોઈ કાળી પેન્સિલ તારા સપના ને કાળુ ના બનાવી શકે." મમ્મીની વાત સાંભળીને અક્ષીએ પોતાની હતાશા ખંખેરી નાખી. હવે એની આંખોમાં એક અલગ જ ચમક હતી.આઈલાઈનર ક્યારેય ન આપી શકે એવી ચમક...!
                                      - રૂદ્રી શુકલ 'રીયાઝ'