Andhari raatna ochhaya - 20 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા-20

એ અદ્ભુત વિદ્યા વિશે ગુરુએ સમજણ સાવચેતી અને સલાહ આપી.

રાત્રે મિન્ની ગુફાની સાફ-સફાઈ કરવાની હતી.

જો મિન્ની સ્ત્રી રૂપે ગુરુજીની સામે પ્રકટ થતી નથી, તો પછી શું ગુરૂજી રાત્રે અદ્રશ્ય બની જતા હશે..?

શું હશે એ તો મિન્ની જ કહેશે..!

મને કશીજ વાતમાં ગતાગમ પડી નહીં. સાંજ આથમી ગઈ હતી.

પંખીઓનો શોરગુલ ધીમે ધીમે શમી રહ્યો હતો.

આથમણે આકાશ રતુંબડું થયું.

અડધુ આકાશ પલાશના ફૂલોથી શણગાર્યુ હોય એમ લાગતુ હતુ.

હું.. મેરુ અને મોહન સાથે ઝરણા કિનારે બેઠો હતો.

બાજુમાં બે શ્વેત બિલાડીઓ રમતી હતી. ત્યાં મિન્ની નજરે પડતી નહોતી.

મિન્નીની યાદ તાજી થતાં મને મમ્મી ફરી સ્મરી આવી.

જો મિન્ની મારી અર્ધાંગના બની મારા ઘરે આવે તો મમ્મી ખુશીની મારી ઉછળી પડે. મમ્મીને કહી દઉં કે જો મમ્મી..

પ્રવાસ દરમિયાન તને ગમતી ગીફ્ટ મને મળી ગઈ છે..!

"કુલદીપ..! વિદ્યાવાન બની આપણ ખરેખર લોકસેવા કરી શકીશું..?"

મોહને મારી વિચાર માળાને ભેદતાં કહ્યુ. "હજુ પણ તારા મનમાં સંદેહ છે..?"

મેં મોહનનુ મન કળવાનો પ્રયાસ કર્યો.

" વાત એમ નથી.. પણ નથી લાગતું આ બધું સ્વપ્નવત છે..?

શું પર દેહ ગમન શક્ય છે..? શું બીજાની પીડા-દર્દ સહેવાનું બની શકે ખરું..?"

" બસ બસ હવે તને તો જરા પણ વિશ્વાસ નથી.

શ્રદ્ધા રાખ..! વિદ્યાનો પહેલો પાયો વિશ્વાસ અને દરેક વિધિમાં શ્રદ્ધા છે..!"

"કુલદીપની વાત સાચી છે મોહન..! શ્રદ્ધા પર જ્ઞાન નભે છે. આપણા મનનો તણખલા જેવો નાનો સંદેહ પણ વિદ્યા ગ્રહણ કરવામાં અવરોધ ઊભો કરે છે.

"ઓકે બાબા..! હવે એવું નહીં બને..!"

મોહને ક્ષોભ પ્રકટ કર્યો.

મિન્ની આવતી દેખાઈ.

એના હાથમાં કેળાના મોટા પાનમાં ઢંકાયેલા ફળો હતાં.

એના મુગ્ધ ચહેરા પર સદા જીવતું રમણીય સ્મિત હતું.

તમે લોકો આ ફળો આરોગી લો.

પછી આપણ ગુફામાં જઈશું..!"

ફળો હાથમાં લેતાં મોહનને કહ્યું.

"શું તમે પણ ગુફામાં જ ઉંઘી જવાના..?"

"હા, કેમ તમને મારો ડર લાગે છે..?"

" એમ વાત નથી, તમે ગુરુની સામે પ્રકટ થતાં નથી ને એટલે..!"

"રાત્રે ગુરુ પોતાના અસલી રૂપમાં હોતા નથી.

તેઓ સૂક્ષ્મરૂપે મનફાવે ત્યાં બેસી જાય છે. તમને એક વાત ખાસ કહી દઉં.

ગુરુની અમીદ્રષ્ટિ જેના પર હોય એ જ જીવ.. ગુરુની તેજસ્વી શક્તિને સહન કરવા સમર્થ છે.

અન્યથા કોઇપણ જીવ હાનિકર્તા હોય તો ગુફામાં ભસ્મીભૂત બની જાય છે.

મિન્ની સાથે મન ભરીને વાતો કરી.

મિન્નીએ મારા ઘર-પરિવાર, મારા મિત્રો, બધાની પૂછપરછ કરી.

મેં મારા દરેક વ્હાલા સ્વજનોનો પરોક્ષ પરિચય એને કરાવ્યો.

મિન્નીની વાતો પરથી મારા સહવાસમાં રહેવાનો એનો આશય હું સમજી શક્યો હતો.

એની સાથે વાતો કરતાં-કરતાં એક વિચાર મારા મનમાં ઉદભવ્યો.

સૂક્ષ્મ રૂપે ક્યાંક ખૂણામાં બેઠા-બેઠા ગુરૂ અમારી વાતો સાંભળતા તો નહીં હોય ને..?"

મારો વિચાર પામી ગયેલી મિન્ન ખડખડાટ હસી પડી.

એના એ મધુર હાસ્યનુ કારણ હું સમજતો હતો.

અમને ઊંઘવાનું કહીને છૂટી પડી ત્યારે રાત ઘણી વધી ગઈ હતી.

જમીન પર સૂવાનું અમને અજુગતું ન લાગ્યું.

વિદ્યા ગ્રહણ કરવામાં આ એક નિયમ પણ હતો.

અને આમેય શરીરને ઉની આંચ આવવા દીધા વિના કશું કેવી રીતે મેળવી શકાય..?" ઊંઘ ક્યારે આવી ગઈ ખ્યાલ ના રહ્યો.

પ્રભાત મિન્નીનો ફુલ ગુલાબી ચહેરો જોઈને જ ઊગી.

મિન્ની સ્નાનાદિથી પરવારી સૂકું ઘાસ અને કાચના ટુકડા એકઠા કરી આગ પ્રજવલ્લિત કરી પોતાના હાથ તપાવી રહી હતી.

સ્નાનાદિથી પરવારી અમે એની પડખે જઈ બેઠા.

ત્યારે મારા મિત્રોની નજર સામે જ મારો હાથ પોતાના હાથમાં લઇ હોઠ સુધી લઇ જઈ હૂંફાળુ ચુંબન દઈ મિન્ની બોલી.

"તમે જલ્દી સફળ થાવ એવી મારી શુભકામનાઓ તમારી સાથે છે..!"

મેં એની આંખોમાં જોયું.

એમાં ઘણાં સપનાં..

ભાવવાહી ભીના ઊંડાણ હતાં.

અમે ગુફામાં પ્રવેશ્યા.

સમાધિમાં રહેલા ગુરુને અમે પ્રણામ કર્યા. જવાબમાં આશીર્વચન કહેતાં એમણે કહ્યું. "વત્સ..! આજથી તમારી વિદ્યાનો પ્રારંભ છે તમો સફળ છો જ..!

પરંતુ મારી પરધામ પધરામણી પછી પણ વિદ્યા તમને અનુસરે એવી ઈશ્વરને પ્રાર્થના છે.

હવે તમે સીધા મારી સામે બેસી જાઓ.

અમે ગુરુ આજ્ઞાને અનુસર્યા.

આંખો બંધ કરી.

તમારા મનને અહીં મારામાં સ્થિર કરી ઈશ્વરનું રટણ કરો.

એમ અમે કર્યું.

મનને એક જગ્યાએ સ્થિર કરવા ગુરુએ મંત્ર આપ્યો.

શ્વાસની ગતિને લાંબી-ટૂંકી કરી શરીરનું હલનચલન જોવાની સમજ આપી.

થોડાક દિવસ આવો ક્રમ ચાલતો રહ્યો.

આ વિધિ દરમિયાન નવ વાગ્યા પછી મિન્ની અમને ગરમ દૂધ આપી જતી એ પીવા મળતું.

ત્યારે આ દૂધ ક્યાંથી આવતું હશે? એવો સવાલ અમને થતો.

એક દિવસ દૂધ લઈને આવેલી મિન્ની સામેથી પૂછી બેઠી.

"આ દૂધ ક્યાંથી આવે છે એ સવાલ તમને રોજ પજવે છે નહીં..?"

મોહન અને મેરુ અહોભાવથી અને અચરજ વિસ્તૃત ભાવે એકબીજાને જોવા લાગ્યા. "હવે તમે જાણી જ ગયા છો તો જવાબ પણ આપી દો..?" મેં કહ્યું.

"નજીકમાં નંદપુરા ગામના પટેલ દંપતિને સંતાનની કમી હતી.

ગુરુજીનાં આશિર્વાદ અને ઔષધીથી એમણે સંતાનપ્રાપ્તિ થઈ.

બદલામાં પટેલ દંપતીએ નિત્ય ગુરૂજીને પોતાના દૂધાળા પશુઓનું લીટર દૂધ આપવાનો નિયમ કર્યો.

ગુરુએ એમની ઈચ્છાનો અનાદર કરી એમની ખુશીને દબાવવાની કોશિશ ન કરી. અમારા નસીબમાં જે દૂધ હતુ.

એ તમારા ભાગ્યમાં પણ હતું..

તો વાત એમ હતી. મોહને કહ્યું.

"હાસ્તો વળી..! મિન્નીની આંખો શરારતી બની હતી..!"

મિન્નીની સુફિયાણી વાતો અને એના હૂંફાળા સહવાસમાં અમારા દિવસો વિદ્યાના નીત-નવા અધ્યાય સાથે પસાર થતા હતા.

દિવસો જેમ-જેમ વીતતા ગયા તેમ તેમ અમને અહેસાસ થતો ગયો.

અમારા શરીરમાં એક નવું જ ચૈતન્ય પ્રગટ્યું હતું.

અમે પ્રત્યેક જીવ-નિર્જીવની આરપાર જોઈ શકતા હતા.

અમારૂ બદન હવે હળવોફૂલ લાગતું હતું. જાણે હવે આ શરીરને ગમે ત્યાં મૂકી મનફાવે ત્યાં જઈ શકવા અમે સમર્થ હતા.

અમારો આત્મવિશ્વાસ હવે વધતો જતો હતો

વિદ્યા પ્રત્યે અમે ગંભીર બનતા જતા હતા. ગુરૂ અમને આંખો બંધ કરાવી આદેશતા.

'હવે તમે શરીર છોડી મૂકો.

બહાર નીકળો.

સંકલ્પ કરો કે હું મુક્ત આત્મા છું.

મારે આ દેહથી કશું લેવા-દેવા નથી...!'

અમે ગુરુને અનુસરતા.

અમુક દિવસના અંતે અમે દેહ છોડવામાં સફળ થયા.

ફક્ત આત્માને દેહથી અલગ કરી ધડકતા શરીરને સમાધિ અવસ્થામાં મૂકી અમે દૂર દૂર નિકળી જતા.

અમે અન્ય શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા.

આવી જ રીતે એક મેં વાર મિન્નીના શરીરમાં પ્રવેશવાની કોશિશ કરી.

મિન્નીને જાણ થવા છતાં એ બેસી રહી હતી.

હું સફળ હતો.

એના શરીરનું હલન ચલન એના શ્વાસોશ્વાસની ગતિ.. આંતરડાનો અવાજ.. હાથ-પગની સરળ ક્રિયાઓ મહેસૂસ કરી શકતી હતી.

મારી વિદ્યાના જોરે મે એનો દેહ છોડ્યો.

મિન્ની મને કહેતી હતી.

પુરાણોમાં એક વાત છે.

પંડિતાઈમાં મોખરે એવા શંકરાચાર્ય પોતાના કામ અંગે પૂછાયેલા સવાલો માટે પોતે બ્રહ્મચારી હોવાથી એક રાજાના શરીરમાં પ્રવેશ કરી, એની સો-સો રાણીના સંસર્ગમાં આવ્યા બાદ શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો હતો.

પ્રશ્ન એ થાય છે કે આત્માવાળા શરીરમાં આત્મા પ્રવેશી શકે નહીં.

ઘણા વિદ્વાનોએ પ્રશ્ન ઉઠાવ્યો કે મૃત રાજાના દેહમાં શંકરાચાર્ય પોતે પ્રવેશી શકે માની શકાય પણ રાજા જીવિત હોય તો..?

હું એમ નથી કહેતી કે પ્રશ્ન ઉઠાવનારા ખોટા હતા.

પરંતુ આપણે આપણી વિદ્યા પૂરતી વાત કરવાની છે.

એક સૂક્ષ્મ આત્મા બીજા સ્થૂળ શરીરમાં પ્રવેશવા સમર્થ છે.

એ વાત આપણે સિદ્ધ કરી શકયા છીએ.

જો ભૂતપ્રેતના અસ્તિત્વ વિષે વાંધો ન હોય તો તરત જ વાત આપણી સમજમાં આવી શકે કે એક મલિન આત્મા શુદ્ધઆત્મા વાળા શરીરમાં પ્રવેશી કેવી રીતે પોતાનું ધાર્યું કરાવે છે..!"

મિન્નીના જ્ઞાન પર હું વારી ગયો.

આટલા દિવસોમાં મિન્ની મારું અંગત સ્વજન બની ગઈ હતી.

હવે મારાથી એને પારકી ગણી શકાય એમ નહોતુ.

દિવસો વહ્યા.

મહિના થયા.

મિન્ની દિવસેને દિવસે મારા અંતરની વધુને વધુ નજીક આવતી જતી હતી.

ત્રીજા મહિનાના પ્રારંભે ગુરુએ મને એક ચમત્કારિક મંત્ર શીખવ્યો.

એ મંત્રની સાધનાથી હું રાક્ષસી બિલાડામાં જોતજોતામાં પરિવર્તિત થઈ ગયો.

મેરુ અને મોહન પણ આ પ્રયોગમાં સફળ થયા.

બિલાડાના રૂપે જ મિન્નીને જોઈ.

અ ખૂબ જ સ્વરૂપવાન લાગતી હતી.

મિન્નીની બહેનો અમારાથી દૂર ભાગતી હતી. એ વાતનું વિસ્મય થયું.

મેં મિન્નીને આનું કારણ પૂછ્યું.

જવાબમાં મિન્નીએ મને રસપ્રદ વાત કરી.

એણે કહ્યું.

"તમે આવ્યા એ દિવસથી જ હું તમારી પાછળ પાગલ છું.

દિવાની બની તમારા પાછળ ભટક્યા કરું છું .

તમને મારા જીવનસાથી માની બેઠી છું.

અને મારી જિંદગીનો છેલ્લો શ્વાસ પણ તમારા ખોળામાં લઉં એવી મનોકામના છે.

ગુરૂ આ વાતથી અજ્ઞાત નહોતા.

એમણે જ મને બોલાવી કહેલુ.

" બેટા તને માનવદેહે પરિવર્તિત કર્યા પછી હંમેશા તને મેં મારી દીકરી જ માની છે.

તારા મનોભાવોને ના સમજુ એવો બુધ્ધુ નથી. એ વાત તુ જાણે છે સુપેરે..

મને જોઈ તું કદી અપરાધ ભાવ ના અનુભવીશ.

એ તારા માટે જ સર્જાયો છે..!

ઇશ્વર તારુ દાંપત્ય સુખમય બનાવે એવા આશીર્વાદ અત્યારથી જ આપું છુ..!

મારા શબ્દો અર્થ અને અનુસરે છે.

તને તારા પિતા માટે અવિશ્વાસ ના હોવો જોઈએ.

તારા પતિને ખૂબ પ્રેમ આપજે.

તારા સ્વજનોનું દિલ જીતી લે જે.

દિકરી કોઈને જરા સરખો વહેમ પણ નહીં જાય કે તું સંસારમાં જન્મી નથી...!"

મારી પડખે બેસેલી મારી બંને બહેનો મારા વિયોગની વાતથી અશ્રુભીની આંખે માયુસ બની બેઠી હતી.

"તમારૂ દુઃખ સમજી શકું છું દીકરીઓ..!ગુરુએ બંનેને ઉદ્દેશી કહ્યું હતું.

તમે માયુસ ના થાઓ..

તમારી વિદ્યાનો તમે ઉપયોગ કરી શકશો. તમે પણ સ્ત્રી સ્વરૂપે જીવી શકશો.

એટલું કહેતાં ગુરુના શબ્દો થથરી ગયા હતા.

ગુરુના ચહેરા પર મેં પહેલી વાર આવા વેદનાભર્યા ભાવો જોયા હતા.

મે ગુરુ ને પૂછી જ લીધું.

"આ દુઃખ શાનુ પિતાશ્રી..?"

"અમુક વાતો ના બોલાય એ જ બધાના હિતમાં હોય છે..!"

"બેટા..! સમય તમને બધું કહેશે જ..!

પરંતુ એક ખાસ વાત મારે તમને કહેવી છે જે ધ્યાનથી સાંભળો.

હવે પછી પિશાચ વિદ્યા આરંભાશે.

પ્રાણીઓની ભાષાને આ ત્રણે મિત્રો પોતાના જ્ઞાન ભંડારમાં ઉમેરો કરી મગજમાં જલદી ઉતારી લેશે..

પછી તરત પિશાચવિધ્યાનો વારો..

દીકરી મિન્ની તુ ભાગ્યશાળી છે કે તને જીવનસાથી તરીકે એક સુંદર આત્મા મળ્યો. પરંતુ તારી બહેનોને અત્યારે એવું સુખ નસીબ નથી.

કેમકે એની સાથે આવનારા બંને મિત્રોનુ અલ્પ સમયમાં મૃત્યુ નિશ્ચિત છે.

બધુ વિધિ નિર્મિત છે.

એમાં મીનમેખ નથી.

ના હું કશું કરી શકીશ.

ના તમે કંઈ કરી શકશો.

કુલદીપની સાથે દોરવાયેલા બંને મિત્રોમાં પિશાચ વિદ્યા ઉતરશે જરૂર, પરંતુએ મારા આદેશ અને ભયસ્થાનોને ઉલ્લંઘન કરી જશે.

જે એમના માટે પ્રાણઘાતક સાબિત થવાનું છે.

તું અને તારો જીવનસાથી કુલદીપ એમનો કાળ બની જશો.

મિન્નીએ પોતાની વાત પૂરી કરી.

મિન્નીની વાત સાંભળી મારા તન-બદનમાં ભયનું લખલખું પસાર થઈ ગયું.

મનમાં એમ થયું પણ ખરું કે પિશાચ વિદ્યા મારે અને મારા મિત્રોએ નથી શીખવી.

તેમ છતાં ગુરુ સામે હોઠ ખુલ્યા જ નહીં. કદાચ વિધિને એ જ મંજૂર હશે.

અને અમે તો વિધાતાના હાથના હાથનાં પ્યાદાં હતાં.

ક્યાં કશું જોર કરી શકવાના હતાં..!

અલ્પ સમય ગાળામાં અમે પ્રાણી-પક્ષીઓની ભાષા સમજવાની વિદ્યા શીખી લીધી.

છેલ્લા મહિને પ્રારંભ થયો પિશાચ વિદ્યાનો..

ગુરૂએ મને કહેલું.

"આ વિદ્યાનો વારસો તારા થકી જળવાઈ રહેશે...!"

ઠંડી ઋતુનો અસ્ત કાળ હતો.

હવામાનમાં હજુ બાફ હતી.

વનરાજીના પર્ણો પીળાં પડી ખરવા લાગ્યાં હતાં.

લાગતું હતું પાનખર બેઠી હશે.

કેસુડો હોશે-હોશે મોહર્યો હતો.

જગ્યા-જગ્યાએ કેસરી વસ્ત્રોનો ઘટાદાર શણગાર સજી પલાશ ઉભા હતા.

પિશાચ વિદ્યા શીખવાની શરૂઆત અમે કરી.

હવે અમે અમારા મૂળ સ્વરૂપમાં હતા.

એક નવા જ મંત્રની સાધના સાથે વિધિ-વિધાન કરવા પડતા.

માણસની ખોપડી સૂંધવી પડતી.

એમાં બે ત્રણ જાતના ધૂપ..

કોઈ તેજ નયનની નિશાચર પક્ષીની આંખોનું પાકેલી માટીની ઠીકરી પર હવનકુંડની આગમાં તપાવીને પાડેલું કાજળ..

પોતાની આંખોમાં આંજી અમી નિત્ય મંત્રજાપ કરતા.

સમય જતાં ધીરે-ધીરે અમારું મુખારવિંદ વિકૃત બનતું ગયું.

એ રીતે અમે સાધનાની પૂર્ણાહુતી કરેલી. અમારા બદલાયેલા સ્વરૂપ તરફ ઈશારો કરતાં ગુરુએ કહેલું.

આ વિકૃત સ્વરૂપથી ગભરાવાની જરૂર નથી. માત્ર ત્રણ જ દિવસમાં તમારા ચહેરાઓ યથાવત સ્થિતિમાં આવી જશે.

પિશાચ વિદ્યા હવે તમારી પડખે ઊભી છે. હવે ગૂગલ અને ચંદનના કાષ્ઠનો ધૂપ સૂંઘતાં તમે 11 વાર મંત્રજાપ કરશો, એટલે તમારું સ્વરૂપ પરિવર્તિત થઈ જશે.

પણ યાદ રહે પિશાચવિદ્યાને ગમે ત્યારે કસોટીની એરણ પર નહિ ચડાવાય.

જો એમ થયું તો શરીરમાં પ્રવેશેલુ મલિન તત્વ કાર્યરત થઈ જશે.

રક્તપ્યાસુ બની જશે.

જે અનેક નિર્દોષ લોકોના ભોગે પણ તૃપ્ત નહીં થાય.

"બેટા..!,

મને નજીક બોલાવી ગુરુએ કહ્યું.

તારા મિત્રોના દુર્ભાગ્યની વાત તને મિન્નીએ કરી જ હશે..!

તારા મિત્રોને હેવાન બનતા ના હું રોકી શક્યો,

ના રોકી શકીશ..!

પણ એમનો અંત તમારા બંનેના પ્રયાસથી જ થશે.

ગુરુએ એમના હાથમાં એક મુદ્રા મારી તરફ ધરતાં કહ્યુ.

આ પવિત્ર મુદ્રાને હંમેશા તારી અંગુલી પર રાખજે.

એ મલિન તત્વોથી તારું રક્ષણ કરશે.

બસ હવે મારું કર્તવ્ય પૂર્ણ થયું.

ગુરુના તેજસ્વી ચહેરા પર સંતોષ ના ભાવો હતા.

મિન્ની ગુરુની સામે અત્યારે પૂર્ણ સ્ત્રી સ્વરૂપે બેઠી હતી.

ગુરુએ વ્હાલથી એના માથે હાથ ફેરવ્યો પછી અમને સતર્ક કરતાં એ બોલ્યા.

"મારા નિધન બાદ સમાધિગ્રસ્ત મારા શરીરને અડક્યા વિના જ શ્વેત ગુફાનું દ્વાર બંધ કરી નાખજો.

મૃત્યુ પછી પણ મારો મોક્ષ નથી.

હું ભટક્યા કરીશ.

જ્યાં લગી મારી વિદ્યા નિર્દોષ લોકોને રંજાડતી રહેશે...!

પહેલો દાવ તમારા મિત્રો નો...

મતલબ મલિન આત્માનો હશે..!

ત્રણેક વાર રક્ત પીધા પછી મલિન તત્વ તમારાથી ભાગતું ફરશે..

શેતાની શક્તિનો પિરિયડ પૂરો થતાં તમારી શક્તિઓ ઉજાગર થઇ જશે..!

જે સમય મલિન આત્માનો કાળ છે.

બસ હવે મેરુ મોહનને બોલાવો.

હું રજા લઈશ.

મિન્નીના ચેહરાની ફિક્કી ક્રાંતિ જોતાં જ મને એના ભીતરની વેદનાનો અહેસાસ થયો.

મેં મેરુ મોહનને બોલાવ્યા.

ગુરુએ એક નજર બંને પર નાખી.

અને મારી સામે જોઈ માંડ એટલું બોલ્યા. મિન્નીને સાચવજે કુલદીપ..!"

અને સમાધિ અવસ્થામાં આશીર્વાદ માટે ઊઠેલો ગુરુનો હાથ હવામાં થીજી ગયો.

***

Share

NEW REALESED