Dhabakati podni dhabakti savar books and stories free download online pdf in Gujarati

ધબકતી પોળની ધબકતી સવાર

ધબકતી પોળની ધબકતી સવાર

યશવંત ઠક્કર

પરિવર્તન વહેતા પ્રવાહ જેવું છે. એનો સ્વીકાર કરવામાં જ સમજદારી છે. પરંતુ જૂનું જનજીવન કેવું હતું એ યાદ કરવાની પણ એક મજા હોય છે.

આજથી લગભગ પાંત્રીસ કે ચાલીસ વર્ષો પહેલાં શહેરોમાં પોળોની બોલબાલા હતી. એ બોલબાલા આજે રહી નથી. આજે પોળોનું વાતાવરણ બદલાઈ ગયું છે. ઓટલા કે જ્યાં નાનાંમોટાં માનવ ભેગાં થઈને આખા દિવસનો થાક ઉતારતાં હતા અને અલકમલકની વાતો કરીને મુક્ત મને હસતાં હતાં એ ઓટલાઓ આજે રહ્યા નથી. વિવિધ નામધારી ડેલાઓને દુખદ વિદાઈ આપી દેવામાં આવી છે. ઓટલા અને ડેલાની જગ્યાએ દુકાનો થઈ ગઈ છે. ઓટલા અને ડેલાઓની ક્યાં વાત કરવી, પોળોનાં આખેઆખાં ઘર ગોડાઉનમાં ફેરવાઈ ગયાં છે. બાળકો છૂટથી પકડદાવ કે સંતાકૂકડીની રમતો રમતાં હોય અને બાળાઓ દોરડા કૂદતી હોય કે એ દૃશ્યો હવે જોવા મળે એમ નથી. પોળનો ઉપયોગ હવે રહેવા માટે નથી થતો એટલો ધંધા રોજગાર માટે થાય છે. કેટલાંક લોકો તો પોળમાં માત્ર પોતાનું વાહન પાર્ક કરવા માટે જ દાખલ થતાં હોય છે! અથવા તો મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ હોય તો પોળમાંથી પસાર થઈને બારોબાર નીકળી જવા માટે દાખલ થતા હોય છે. જ્યાં સ્કૂટર અને મોટરગાડીઓ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતાં હતાં અને માત્ર સાયકલોનું જ વર્ચસ્વ હતું, ત્યાં હવે માલની હેરાફેરી કરતાં વાહનોનું વર્ચસ્વ વધ્યું છે. એમ માની લો કે જ્યાં સામાજિક જીવન ધબકતું હતું ત્યાં હવે આર્થિક પ્રવૃત્તિઓએ અડ્ડો જમાવ્યો છે.

કેવું હતું પોળોનું જીવન! બહુ જ ઓછું અંગત અંગત હતું. મોટાભાગનું જાહેર જાહેર હતું. એ પોળોની સવાર કેવી હતી!

દિવસની શરૂઆતમાં વહેલી સવારે સહુથી પહેલી પધરામણી છાપું નાખનારની થતી. છાપું નખાતાંની સાથે જ રસિક જન પથારીનો ત્યાગ કરી જતા. પથારીઓ પણ મોટાભાગે ઓટલે અને ફળિયામાં જ થતી હતી. મહેમાનોની પથારી પણ ઓટલે થતી અને એ જોઈને મહેમાનોને ધરતીમાં સમાઈ જવાનું મન નહોતું થતું. પોતાના ઓટલે જગ્યા ન હોય તો બીજાના ઘરના ઓટલે માણસ વિના સંકોચે નિદ્રા માણી શકતો. નિદ્રા કાજે બે ગજ જમીન પૂરતી થઈ પડતી. બેડ રૂમ, મોટો બેડ રૂમ, નાનો બેડ રૂમ આવા શબ્દો હજી ચલણમાં આવ્યા નહોતા. ઘરની અંદર તો જરૂરિયાત પૂરતી જ પથારીઓ થતી. એ સિવાય વરસાદ હોય ત્યારે ઘરમાં સાંકડમોકડ પથારીઓ થઈ જતી. બાકી તો ઉપર ગગન વિશાળ!

સહુથી પહેલાં પધારે છાપું નાખનાર. છાપું નાખનાર જાય ન જાય ત્યાં તો પધારે નળ રાજા! હા, નળને નળરાજા તરીકેનું બહુમાન આપવામાં આવતું. આમ જોઈએ તો નળ તો આવેલા જ હોય, નળમાં પાણી આવ્યું હોય પણ કહેવાય એવું કે નળ આવ્યા. નળનું આવવું, ન આવવું, આવીને વધારે વાર રોકાવું, વહેલાં ચાલ્યા જવું આ બધી ઘટનાઓ વિષે રોજ રોજ ઘણી ઘણી ચર્ચાઓ થતી. એ ચર્ચાઓ પરથી લેખકો વાર્તાઓ અને લેખો લખતા. પાણી, માત્રને માત્ર નળ દ્વારા જ મેળવવામાં આવતું. પાણીની સુવિધા માટે કૂવાને બદલે જાહેર નળ આવ્યા અને પછીથી ઘરે ઘરે નળ આવ્યા, તો પણ એ મોટાભાગે ઘરની બહાર રસ્તાના કાંઠે જ હતા. બોરિંગ અને વોટરપંપ એ ઘર ઘરની વાત નહોતી.

નળ આવે તે પહેલાં જ નળ ખોલીને નીચે ઘડા મુકાઈ જતા. એની આસપાસ ઘરમાં ખાલી હોય એટલાં નાનાંમોટાં વાસણો મુકાઈ જતાં. નળ આવે એટલે નારી સમુદાય એકદમ સક્રિય થઈ જતો. કારણ કે નળ કાંઈ લપળા મહેમાનની જેમ ધામો નાખવા નહોતો આવતો. એનો સમય થાય એટલે કોઈની પણ દયા ખાધા વગર ચાલ્યો જતો. નારી સમુદાય, નળમાં આવેલું પાણી ઘડાંમાં ભરી ભરીને ઘરમાં પહોંચાડે ત્યારનાં દૃશ્યો અદ્ભુત હતાં. ઘણી જગ્યાએ એવું બનતું એવું કે નળ આવ્યા પછી નારી સમુદાય તો સક્રિય થયો હોય પરંતુ નર સમુદાય હજુ નળ અને ઘરની વચ્ચેની પથારીમાં નિષ્ક્રિય અવસ્થામાં પડ્યો હોય. પરિણામે નારી સમુદાયે એમને ત્યાંથી હટાવવા માટે હાકલ કરવી પડતી હતી. એની અસર ન થાય તો નારી સમુદાયે લાતોનો તેમ જ પાણીની છાલકોનો પ્રયોગ કરવો પડતો હતો. છતાંય પથારી સાથેની વફાદારી ન છોડનારા ટેકીલા નરોની સંખ્યા ઓછી નહોતી. તો સમગ્ર નર સમુદાયને અન્યાય ન થાય એ માટે, એ પણ જણાવવું જરૂરી છે કે પાણી ભરવામાં નારીને મદદ કરનારા કેટલાક નર પણ એ યુગમાં હતા. પીવાનું અને વાપરવાનું પાણી ભરાઈ જાય, એટલે નળ આવતાં હોય એ દરમ્યાન જ નારી સમુદાય કપડાં ધોવાંનું કામ હાથમાં લેતો. કલ્પના કરો કે એ કેવાં દૃશ્યો હશે કે, પોળોમાં દરેક નળ નીચે ધબાધાબી થતી હોય! કપડાં ધોનારી દરેક નારીનું એક જ લક્ષ્ય રહેતું કે, નળ જાય તે પહેલાં કપડા ધોવાઈ જવાં જોઈએ. ક્રિકેટની મેચમાં છેલ્લી ઓવરો ફેંકાતી હોય, ત્યારે બેટ્સમેન વધું વધું રન કરવાનું લક્ષ્ય રાખે એવી પરિસ્થિતિનું સર્જન થતું.

પથારીઓ બહાર રહેતી, નળ બહાર રહેતા તો શૌચાલય પણ ઘરની બહાર ફળિયામાં કે ઓટલા પાસે જ રહેતા. કોણ શૌચાલયની મુલાકતે ક્યારે જાય છે અને ક્યારે બહાર નીકળે છે એ વાત પણ અંગત નહોતી રહેતી. ઘરદીઠ વધુંમાં વધું એક જ શૌચાલય રહેતું. એક શૌચાલય હોય એ પણ એ સારી પરિસ્થિતિ કહેવાતી, કારણ કે ક્યાંક ક્યાંક તો બેત્રણ ઘરો વચ્ચે એક જ શૌચાલય રહેતું તો ક્યાંક ક્યાંક તો લોકોને જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવો પડતો. ટૂંકમાં, શૌચાલયની મુલાકાતે માણસ પોતાની મરજી મુજબ નહોતો જઈ શકતો, માણસે એ માટે માણસે ધીરજ અને ખંત રાખવાં પડતાં. ‘લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો’ એવું નહોતું ચાલતું. છતાંય દુનિયા ચાલતી હતી!

કપડાં ધોવાઈ જાય, સ્નાનવિધિ પતી જાય, પછી નારી સમુદાય ચા નાસ્તો તૈયાર કરવા માટે સીધો રસોડા તરફ દોટ મૂકતો. એ દરમ્યાન પરિવારનાં ભાવિક જનો અને એમાંય ખાસ કરીને વડીલો મંદિર તરફ પ્રયાણ કરવા માટે ઉતાવળા થયા હોય, કામધંધે જનારા ચાનાસ્તાની રાહ જોતા હોય, જે બાળકોને ભણવા જવાનું હોય એ પણ તૈયાર થવા માટે એમની મમ્મીઓની રાહ જોતાં હોય, આવી પરિસ્થિતિમાં ઝડપથી પ્રાયમસ પેટાવવો અને ચાનાસ્તો તૈયાર કરવાં એ કાંઈ નાનીમાના ખેલ નહોતા! ગેસના ચૂલા નહોતા આવ્યા, પ્રાયમસ અને સગડીનો જમાનો હતો.

એ જમાનામાં ઘેર ઘેર પ્રાયમસનો નાદ ગુંજતો હતો. પ્રાયમસ આધુનિકતાનું પ્રતિક ગણાતું હતું. મધ્યમ વર્ગની નારી એના પતિદેવ પાસે હોંશે હોંશે નવા પ્રાયમસની ખરીદી કરાવતી હતી. પ્રાયમસનો અવાજ સાંભળીને સમજદાર પતિદેવો પથારીનો ત્યાગ કરતા હતા. પ્રાયમસના અવાજ પરથી પાડોશીઓ પણ ધારણા બાંધી શક્તાં હતાં કે કોને ત્યાં ક્યારે ચા બને છે ને ક્યારે રસોઈ બને છે!

પ્રાયમસ પેટાવવો એ પણ એક કળા હતી. જેમ ઘોડો પોતાના માલિકના સ્પર્શને ઓળખી જાય અને એને જ વફાદાર રહે એમ પ્રાયમસ પણ પોતાની માલિકણને ઓળખતો હતો અને એને જ વફાદાર રહેતો હતો. ક્યારેક તો એને પણ પરેશાન કરતો હતો. તોફાને ચડેલા પ્રાયમસને વશ કરવા માટે પત્ની પરેશાન થતી હોય, છતાંય પોતાની નિદ્રાનું પાલન કરી શકે એવા પતિ પણ હતા. આવા સંજોગોમાં પત્ની એના પતિને હાકલ કરતી હતી કે: ‘હજી સુધી પથારીમાં શું પડ્યા છો? ઊભા થાઓ અને આ પ્રાયમસ પેટાવી દો તો ખરા ખરા બહાદુર જાણું.’ અને પતિદેવ નિદ્રાનો ત્યાગ કરી પ્રાયમસને વશ કરવાના કામે લાગી જતા. કેટલાય પતિદેવોને પણ એ સાહસમાં સફળતા નહોતી મળતી. જેમ કોઈનું છોકરું તોફાને ચડે અને ધમાલ કરે ત્યારે એના પાડોશીઓને પણ એ વાતની જાણ થઈ જાય, એમ કોઈનો પ્રાયમસ તોફાને ચડતો તો એ વાતની જાણ એના પાડોશીઓને પણ થઈ જતી. આવું થતું ત્યારે કેટલાક પાડોશીઓ એમનો પાડોશી ધર્મ બજાવવા કાજે સક્રિય થઈ જતા. તેઓ પ્રાયમસ પેટાવવા માટે મથતા પાડોશી પરિવારને વિવિધ સલાહો આપતા. પ્રાયમસમાં કચરો ભરાઈ ગયો હોય તો એને કાઢવા માટે પિન મારવામાં આવતી. એક કે બે પૈસાની પિન વાંકે પણ ઘણાંની સવાર બગડતી હતી. પ્રાયમસમાંથી કચરો કાઢવાની એવી પિન પણ ઉછીની માગવાનો રિવાજ હતો. ‘પિન મારવી’ એ રૂઢીપ્રયોગ કદાચ પ્રાયમસ-યુગની દેન હશે. ‘એક આખી પેઢીની નારી રોજ રોજ એ આગના રમકડા જેવા પ્રાયમસ સાથે રમતી હતી! આજે એ વાતની કેટલાને ખબર છે?

આવી સંઘર્ષમય સવારમાં રેડિયો પરથી કોઈનું મનગમતું ગીત વાગતું તો એની સવાર સુધરી જતી. ગીતો પણ કેવાં તત્ત્વજ્ઞાનથી ભર્યાં ભર્યાં હતા! આવું જ એક ગીત હતું...

યે જીવન હૈ ઈસ જીવન કા યહી હૈ, યહી હૈ, યહી હૈ રંગ રૂપ

થોડે ગમ હૈ થોડી ખુશિયાં

યહી હૈ, યહી હૈ, યહી હૈ છાંવ ધૂપ

યે જીવન હૈ...