Chumbkiy Tofan - 2 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન - (ભાગ-૨)

2. ગરમ પાણીના ઝરા

૭મી જુલાઇ, ૨૦૩૦ની એ વરસાદી સાંજ ઢળવા આવી હતી. નેપાળમાં આવેલા ૮.૬ રિક્ટર સ્કેલના ભુકંપના સમાચારે અર્જુનને બેચેન બનાવ્યો હતો એટલે ધોધમાર વરસતા વરસાદમાં અર્જુન VSGWRI (Vikram Sarabhai Global Warming Research Institute) જવા નીકળ્યો. અર્જુન રસ્તામાં ઠેર ઠેર ભરાઇ ગયેલા પાણી આશ્ચર્યથી જોઇ રહ્યો. ગાંધીનગર જેવા સારામાં સારી ડ્રેઇનેજ સિસ્ટમ ધરાવતા અને વિશ્વના ટોચના સ્માર્ટ સીટીસમાં સ્થાન પામેલા શહેરમાં આમ પાણી ભરાવું એ ભુતકાળ થઇ ગયો હતો, પરંતુ આજે એ ભુતકાળ ફરીથી તાદ્દશ થઇ ગયો. અર્જુનના ઘરેથી VSGWRI બહુ દુર ન હોઇ એ ઓછી તકલીફે ઓફીસ પહોંચી ગયો.

VSGWRI માં એક ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ઉભુ કરવામાં આવેલું હતું. આ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર વિશ્વભરમાં થતી કુદરતી આપત્તિઓનું સતત મોનીટરીંગ કરી તેને લગતી લેટેસ્ટ ઇન્ફોર્મેશન તથા લેટેસ્ટ આંકડા મેળવતું હતું. ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના ડેટા એનાલીસીસ માટે VSGWRI ની એક ટીમ અને એક સુપર કમ્પ્યુટર સતત કાર્યરત રહેતા. આ ડેટાનો એક રિપોર્ટ તૈયાર થતો. એને અગાઉના ડેટા સાથે સરખાવીને એમાં અગાઉના ડેટાની સાપેક્ષ કેટલો વધારો કે ઘટાડો થયો છે તેની તપાસ થતી. VSGWRI પહોંચીને અર્જુન લગભગ દોડતો જ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર પહોંચ્યો. નેપાળમાં આવેલા શક્તિશાળી ભુકંપથી ત્યાંથી આવતાં કમ્યુનિકેશન સિગ્નલ્સ હાલ પુરતાં ઠપ થઇ ગયા હતાં. ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ સેટેલાઈટ મારફતે આખી પરિસ્થિતિનો તાગ મેળવી રહી હતી. કટોકટીની પરિસ્થિતિ વખતે કમ્યુનિકેશન માટે એક ચોક્કસ સેટેલાઇટ ફ્રિક્વન્સી અવેલેબલ રહેતી. વર્ષોથી સંશોધકો આવા ટાઇમે હેમ રેડીયોના ડોટ-ડેશના સિગ્નલ્સ પર સંપૂર્ણપણે આધારિત રહેતાં. પણ ઇ.સ.૨૦૩૦ સુધીમાં જુની મેથડ પર આધારિત રહેવાના બદલે દરેક સંસ્થાને ઇમર્જન્સી હેન્ડસેટ અને ઇમર્જન્સી સેટેલાઇટ ફ્રીકવન્સી આપવામાં આવતાં. એવાં જ મોર્ડન હેમ-રેડીયો સ્ટાઇલના સાધન મારફત ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ લોકલ અપડેટ્સ પણ મેળવી રહી હતી. અર્જુન આ બધા ડેટા પર ચાંપતી નજર રાખી રહ્યો હતો. નેપાળના ભુકંપની તીવ્રતા ખુબ મોટી હતી એટલે તબાહી પણ ભયાનક હોવાના પુરા આસાર હતાં. અર્જુનના મનમાં રહી રહીને એમ થઇ આવતું કે ક્યાંક આ ગ્લોબલ વોર્મિંગની કોઇ ચેઇન રિએક્શનની શરૂઆત તો નથી ને!!

ઇ.સ.૨૦૨૦ પછી ગ્લોબલ વોર્મિંગથી બદલાયેલી પરિસ્થિતિને લીધે દુનિયાભરમાં આવતાં ભુકંપની સંખ્યા વધી ગઇ હતી. ભુકંપની આગાહી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. ભુકંપની આગાહી કરવી તો આજે પણ શક્ય ન હતી પણ VSGWRIની એક ટીમ દ્વારા અમેરીકાની કેલીફોર્નીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (CalTech) સાથે મળીને એક રિસ્પોન્સ મેથડ વિકસાવવામાં આવેલી જેનાથી ભુકંપનો અંદાજો લગાવી શકાય. આ મેથડમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતાં કેટલાય ઉપગ્રહોના ઇન્ફ્રારેડ કેમેરાની ઇમેજીંગનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બધા સેટેલાઇટસના ડેટાનું સ્કેનીંગ કરી પૃથ્વીના અંડરગ્રાઉન્ડનો એક સંભવીત ઉર્જા-નકશો તૈયાર કરવામાં આવતો. આ ગ્લોબલ ઉર્જા-નકશામાં થતાં ફેરફારો પર ચાંપતી નજર રખાતી. આમાં ફેરફાર એ ભુગર્ભમાં ઉર્જાનો સળવળાટ બતાવતો. ત્યારબાદ ભુસ્તરીય ફેરફારોનું સ્થાન પીન-પોઇંટ કરવા લોકલ લેવલના ડેટાની મદદ લેવાતી. દુનિયાભરમાં પથરાયેલા ભુગર્ભ ઝરાઓમાંથી છુંકારા મારતી પૃથ્વીના પેટાળમાંથી બહાર આવતી ઉર્જાનું પ્રમાણ માપી તેનો પણ સ્થાનિક નકશો તૈયાર કરાતો. ભુગર્ભ ઝરાઓમાંથી બહાર આવતી ઉર્જાનું પ્રમાણ વધે અને સામે પેલા ગ્લોબલ સેટેલાઇટ મેપમાં પણ ઉર્જાની ચહલ પહલ દેખાતી હોય તો તે જગ્યાએ ભુકંપ આવવાની સંભાવના વધારે ગણાતી. ઇ.સ.૨૦૨૫ થી આજ એટલે કે ઇ.સ.૨૦૩૦ ના સમય સુધી આ સિસ્ટમ વડે ૬ વાર ભુકંપની આગાહી કરવામાં આવી અને દરેક વખતે એ સાચી પડેલી. પણ આ વખતે એવું બન્યું નહી. VSGWRI ની સિસ્મોલોજીકલ રિસર્ચ ટીમે ભુકંપની કોઇ જ સંભાવના વ્યક્ત કરી નહોતી. ઇન શોર્ટ એની આગાહી માટેનો કોઇ ડેટા ટીમને મળ્યો ન હતો. ભુગર્ભ ઉર્જાના ક્યાંયથી સહેજ પણ રિલીઝ થયા વગર સીધો જ ૮.૯ ની તીવ્રતાનો ભુકંપ આવવો એ આશ્ચર્યની વાત હતી. ભુકંપ આવ્યાં પછીના ભુસ્તરીય ફેરફારોના ડેટાનું એનાલીસીસ ચાલુ હતું. અર્જુન પણ એ ભુસ્તરશાસ્ત્રીઓની ટીમ સાથે બેઠો હતો. એ ટીમના સૌથી સિનિયર ભુસ્તરશાસ્ત્રી અને સંભવિત ભુકંપની આગાહીની સિસ્ટમ તૈયાર કરનારાઓમાંના એક એવા ડૉ.રાધાકૃષ્ણન અને અર્જુન ચા પીતા પીતા ચર્ચાએ ચડ્યા.

આજે અચાનક જ હિમાલયન ભુસ્તરીય પ્લેટની ફોલ્ટ લાઇન સક્રિય થઇ ગઇ. એટલે આટલી મોટી તીવ્રતાનો ભુકંપ આવ્યો. નેપાળમાં એપ્રીલ, ૨૦૧૫માં જ ૮.૧ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો એટલે આમ જોવા જઇએ તો ૮.૯ રિક્ટર સ્કેલનો ભુકંપ આવે એટલી ઉર્જા હિમાલયન ફોલ્ટ લાઇનમાં જમા ન જ થવી જોઇએ. એવું લાગે છે કે પૃથ્વીના પેટાળમાં કંઇક અલગ ચાલી રહ્યું છે. પૃથ્વીના પેટાળમાંથી ક્યાંકથી આ ફોલ્ટ લાઇનને વધારાની ઉર્જા મળી રહી છે અને એટલે એ સક્રિય બની રહી છે”. ડૉ.રાધાકૃષ્ણન રિપોર્ટ જોતાં જોતાં કંઇક ભેદી સ્વરમાં બોલ્યાં.

“તો એનો અર્થ એ થયો કે પૃથ્વીના પેટાળમાંથી ઘણીબધી વધારાની ઉર્જા મુક્ત થઇ રહી છે. બની શકે કે આ ઉર્જા આટલેથી ન અટકે. બની શકે કે આ ઉર્જા સતત બહાર આવી રહી હોય. શું આ રૌદ્ર વરસાદને આ ભુગર્ભ ઉર્જા જોડે કંઇ લેવાદેવા હોઇ શકે ખરૂં?” અર્જુને પોતાના ગાલ પર બે આંગળી મુકી કોઇ વિચારકની અદાથી પુછ્યું.

“ના. મારૂં પ્રાથમિક અનુમાન એવું છે કે આવું તો ન જ થાય. પણ તોય મને તો આટલા શક્તિશાળી ભુકંપનું આવવું એજ અચરજ પમાડે છે. એટલે એ ભેદી ભુગર્ભ ઉર્જાની અસર આ વરસાદ પર પડી હોય એવી શક્યતા નકારી શકાય નહી.” ડૉ.રાધાકૃષ્ણને કંઇક વિચારતા જવાબ આપ્યો.

“તો.... આ વધારાની ઉર્જા પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળવા જરૂર પ્રયત્ન કરશે. પૃથ્વી પર જ્યાં જ્યાં ભુગર્ભ ઝરા કે કુદરતી ગીઝર કહેવાતી જગ્યાઓ હશે ત્યાં આ ઉર્જા દેખા દીધા વગર રહેશે નહી. ત્યાંથી જ એ વધુ પ્રમાણમાં બહાર આવશે અને જો એવું થાય તો ગરમ પાણીના ઝરા વધુ ગરમ થવાં જોઇએ.” અર્જુન કંઇક વિચારતા બોલ્યો. અર્જુનના ચહેરા પર ચમક હતી પણ અર્જુન સાથે સહમત થવું કે નહી એ બાબતે ડૉ.રાધાકૃષ્ણન મુંઝવણમાં હતાં.

ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ નેપાળના ભુકંપના ડેટા તારવવામાં વ્યસ્ત હતી ત્યારે અર્જુનનું મગજ કંઇક અલગ વિચારી રહ્યું હતું. રહીરહીને એને એવો વિચાર આવી જતો કે આ ભુગર્ભ ઉર્જાનું અચાનક બહાર નીકળવું એ પૃથ્વીની અંદર ચાલુ થયેલ કોઇ ભયંકર ઉથલ-પાથલોની પ્રાથમિક નિશાની હોઇ શકે છે. એણે પોતાના મનની વાત સાંભળી ભારતના તથા વિશ્વના પ્રાકૃતિક ભુગર્ભ ઝરાઓની તાજેતરની વર્તણૂકો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું.

ગરમ પાણીના ઝરાઓમાં સામાન્યત: એક ભુગર્ભ જળસ્ત્રોત અને એક ઉર્જાસ્ત્રોત બંને ભેગા હોય છે. આસપાસનું ભુગર્ભીય પાણી પૃથ્વીના પેટાળના ગરમ ખડકોના સંપર્કમાં આવતાં ગરમ થાય છે, જેથી ગરમ પાણીના ઝરા કે કુંડ બને છે. પરંતુ જો પાણી પીગળેલા ખડકોના સંપર્કમાં આવે તો સીધું ઉત્કલન બિંદુ સુધી પહોંચી જાય છે. આવું પાણી વરાળ બની દબાણ ઉભું કરે છે જેના કારણે ભુગર્ભ ઝરાઓની જગ્યાએ ગરમ પાણીના ફુવારા રચાય છે. પૃથ્વીના ઉપલી સપાટીના બે પોપડાઓ વચ્ચે જ્યાં જગ્યા મળે ત્યાંથી આ પાણી વરાળ સહિત ફુવારો બની બહાર આવે છે. આવોજ સૌથી પ્રખ્યાત ગરમ પાણીનો ફુવારો અમેરીકાના વાયોમિંગ રાજ્યના યલોસ્ટોન નેશનલ પાર્કનો ઓલ્ડ ફેઇથફુલ છે, જે સરેરાશ દર 55 મિનિટની આસપાસ ફરીફરીને ઉંચે સુધી ગરમ પાણી ફેંકે છે. આ પ્રક્રિયા આજદિન સુધી વણઅટકી ચાલુ છે.

અર્જુનનું ગણિત આજ સુધી તો ખોટુ પડ્યું ન હતું. આજે એનું મગજ પૃથ્વીના પેટાળની કોઇ મોટી હલચલ તરફ ઇશારો કરી રહ્યું હતું. ફાઇનલી અર્જુને એના મનનો અવાજ સાંભળવાનું નક્કી કર્યું. અર્જુને ભારતના તથા વિદેશોના ભુગર્ભ ઝરાઓની વર્તણૂકોનું મોનીટરીંગ કરવાનું નક્કી કરી લીધું. અર્જુન એક સેટેલાઇટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભુગર્ભ ઉર્જા નકશો તપાસવા બેઠો. વિશ્વમાં હજારોની સંખ્યામાં ભુગર્ભ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે એ બધાનું એકસાથે એક્ટીવ મોનીટરીંગ કરવું અઘરૂ હતું એટલે એણે પ્રાયોગિક ધોરણે ભારતના ૧૦ ભુગર્ભ ઝરાઓ પસંદ કર્યાં. અમુક દિવસો સુધી સતત આ ભુગર્ભ ઝરાઓના તાપમાનમાં થતાં વધારા કે ઘટાડાના ડેટા મેળવવા પડે એમ હતાં. હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, મેઘાલય, મધ્યપ્રદેશ અને ગુજરાતના કુલ ૧૦ ભુગર્ભ ઝરાઓને તાપમાનના ડેટા લેવા પસંદ કરવામાં આવ્યાં. VSGWRIની તમામ સહયોગી રિસર્ચ સંસ્થાઓ આ કાર્યમાં મદદ કરવા તૈયાર હતી. અર્જુને એક વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંલગ્ન તમામ સંશોધકોને આ ભુગર્ભ ઝરાઓના તાપમાનના ડેટા મેળવવા અને એક અઠવાડીયા સુધી સતત મેળવતા રહેવા જણાવી દીધું. અર્જુનને આટલાથી સંતોષ ન હતો. એને વર્લ્ડ ફેમસ એવા યલોસ્ટોન નેશનલ પાર્કના ગરમ પાણીના ફુવારાના તાપમાનમાં તેમજ પેટર્નમાં થતાં ફેરફારોનો ડેટા પણ જરૂરી લાગ્યો. એણે અનઓફીશીયલ રીતે પોતાના અંગત સંપર્કો અજમાવવાનું નક્કી કર્યું. અમેરિકાના વાયોમિંગ રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગ પર રિસર્ચ કરતાં ડૉ.જહોન સ્મિથ સાથે થોડા વર્ષ પહેલાં અર્જુને કામ કર્યું હતું. ડૉ.સ્મિથને ફોન કરી અર્જુને પોતાની થિયરી સમજાવી. ડૉ.સ્મિથ એની મદદ કરવા તૈયાર થઇ ગયાં. હવે વિશ્વના સૌથી પ્રખ્યાત ગરમ પાણીના ફુવારાના પણ ડેટા મળે તેવી વ્યવસ્થા થઇ ગઇ. થોડી વાર પછી ડૉ.સ્મિથનો સામેથી ફોન આવ્યો. એમણે આયર્લેન્ડના એક ગરમ પાણીના ભુગર્ભ ફુવારાના તાપમાના ડેટા લેવા આયર્લેન્ડમાં રહેતા એમના મિત્રને કહ્યું તો એણે પણ તૈયારી બતાવી હતી. એટલે વધુ એક ડેટા માટે માર્ગ ખુલ્યો. અર્જુને ખાસ્સું કામ પતાવ્યું. ચાર દિવસ સુધી અર્જુન સતત આ કામમાં વ્યસ્ત રહ્યો. ચોથા દિવસનું કામ પતાવીને અર્જુન થાક્યો હતો એટલે એ ઘરે જવા નિકળ્યો. નેપાળમાં થયેલ જાનહાનીના આંકડા પણ હવે મળી રહ્યાં હતાં. આ વખતે ભુકંપની સંભવિત આગાહી ન થઇ શકવાને કારણે થોડા લોકોએ જાન ગુમાવ્યાં હતાં એનો અફસોસ VSGWRIમાં સૌ કોઇને હતો. ચાર દિવસે વરસાદ છેક હવે ધીમે ધીમે ઘટી રહ્યો હતો.

૧૨ જુલાઇ, ૨૦૩૦નો દિવસ ઉગ્યો. અર્જુન ઉઠ્યો ત્યારે વરસાદ લગભગ બંધ થઇ ગયો હતો. અર્જુને આટલા જલદી આવા રૌદ્ર વરસાદના બંધ થવાની અપેક્ષા રાખી નહતી, પણ બધાની અપેક્ષાઓથી વિપરીત વર્તન કરવું એજ તો ગ્લોબલ વોર્મીંગની ખાસીયત હતી. અર્જુન સવારનો બ્રેકફાસ્ટ કરી રહ્યો હતો. એનાં મગજની હાલત પણ પૃથ્વીના ભુગર્ભ જેવી જ હતી.

“બ્રેકફાસ્ટ કરો. બે દિવસથી તમારૂં ધ્યાન ક્યાં છે?” અર્જુનની પત્ની આસ્થાએ હસતાં હસતાં પુછ્યું.

“કંઇ નહી, બસ આ વાતાવરણમાં થઇ રહેલાં ફેરફારો વિશે વિચારતો હતો. એનાથી દુનિયાને કોઇ ખતરો તો નથી ને!!” અર્જુને જવાબ આપ્યો.

“આખી દુનિયાની ચિંતા તમારે એકલાએ જ કરવાની છે? કંઇ નહી થાય દુનિયાને. ઉપરવાળાએ આ સૃષ્ટી બનાવી છે અને એ હજાર હાથવાળો જ એને સુરક્ષિત રાખશે.” આસ્થાએ એના નામને સાર્થક ઠેરવતો જવાબ આપ્યો.

જવાબમાં અર્જુને એક ફિક્કું સ્માઇલ આપ્યું.

એટલામાં અર્જુનની છ વર્ષની નાનકડી દિકરી તનિશ્કા હાથમાં એક પેઇન્ટીંગ લઇને આવી પહોંચી.

“પપ્પા પપ્પા, મારું પેઇન્ટીંગ જુઓ. મેં જાતે બનાવ્યું છે. મારી સ્કુલની પેઇન્ટીંગ કોમ્પીટીશનમાં એને સેકન્ડ પ્રાઇઝ મળ્યું છે.” તનિશ્કાની આંખોમાં અનેરી ચમક હતી.

૨૦૩૦ સુધીમાં બધી સ્કુલોમાં ઓનલાઇન ક્લાસની ફેસીલીટી હતી. જોકે ફેસ ટુ ફેસ ટીચીંગની આવશ્યકતા અવગણી ન જ શકાય એટલે રેગ્યુલર ક્લાસ તો ચાલતો જ પણ જ્યારે આવા વરસાદ જેવા સંજોગો હોય ત્યારે ઓનલાઇન ક્લાસ લેવાતો અને બધા સ્ટૂડન્ટ વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા ક્લાસ ભરતાં. ભારે વરસાદના પગલે સ્કુલ બંધ હતી. (પણ ઓનલાઇન સ્કુલ ચાલુ હતી.) ગઇકાલના આવાં જ એક ઓનલાઇન ક્લાસના અંતે તનિશ્કાને સ્કુલની પેઇન્ટીંગ કોમ્પીટીશનમાં સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું.

અર્જુને પેઇન્ટીંગ જોયું. એ ચિત્રમાં સુર્ય ભયાનક સ્વરૂપે પ્રકાશી રહ્યો હતો. એનાથી પૃથ્વીનું વાતાવરણ ગરમ બન્યું હતું. પૃથ્વીને આગની જ્વાળાઓમાં લપેટાયેલી બતાવવામાં આવેલી હતી. આ બધું જોઇ અર્જુન આરામની મુદ્રામાંથી સફાળો બેઠો થઇ ગયો. શું પૃથ્વીનું આ જ ફ્યુચર છે? એ ઉતાવળે તૈયાર થઇને VSGWRI જવા નીકળ્યો. એને ગરમ પાણીના ઝરાઓના તાપમાન અને એમની વર્તણૂક બદલાઇ હોય તો એના ડેટા જોવાનો ઇંતેજાર હતો.