Ek dorno sambandh - Rakshabandhan books and stories free download online pdf in Gujarati

એક ડોરનો સંબંધ - રક્ષાબંધન

રાજકોટનું સુંદર રજવાડું. મનમોજીલું અને સોંદર્યથી ભરપૂર આ નગર જ જોઈ લો. રળીયામણા એ રાજકોટ શહેરમાં હરિયાળીથી સજ્જ ધરતી સ્ફૂર્તિલી લાગતી હતી.બે અંગરક્ષકો વચ્ચેથી રાણીમાં પસાર થાય તેમ અડીખમ ડુંગરોની વચ્ચેથી સફેદ ચમકતી ઓઢણી ઓઢીને ઝરણાઓ દોડી રહયા હતા. આવા અદભૂત વાતાવરણને અલૌકિક બનાવવા પંખીઓ પોતાના મધુર કલરવથી સાથ પૂરાવતા હતા. લીલી ચાદર ઓઢેલી આ રાજકોટની ભૂમિ આજ પવિત્ર લાગી રહી હતી. રાજકોટ વાસીઓનું ઘરેણું જ આ પવિત્ર પ્રકૃતિ હતી.

આવા અનન્ય અને સૌજન્યશીલ રાજકોટ નગરમાં એક મારું નાનકડું મકાન હતું. મારા માતા-પિતાની ગલીમાં પ્રતિષ્ઠા ખૂબ ઊંચી હતી. મારાથી મોટા મારા બે ભાઈ દીપ અને કૌશિક આ મારા ભાઈઓ જ નહોતા મારા ખાસ મિત્રો પણ હતા. અને એ બધાની વચ્ચે એક નાનકડી,નાજુક અને સુંદર એવી, હસતી,નાચતી અને કૂદતી મારી બહેન પ્રિયંકા,પણ હું તો પિંકુ જ કહું...

ધીરે-ધીરે દિવસો વીત્યાને મારી આંખની આતુરતાનો અંત આવ્યો, ને લાવ્યો એ અવસર ભાઈ-બહેનના સંબંધને ગાઢ કરતો આ રક્ષાબંધનનો ત્યોહાર. જેમાં કોઈ બંધન નથી, આ પવિત્રતાનો સંબંધ છે. “એક રંગથી બને અનેક રંગ, હજારો રંગોથી જોડાઈ,એક પવિત્ર પ્રીતથી બની અનેક બંધન ભાઈ-બહેનના રંગથી રંગાઈ.” આ શબ્દોનું સાક્ષી એ રેશમી સુતરનો ધાગો જે ભાઈની કલાઈ પર બંધાઈ છે ને... એ ધાગો માત્ર ધાગો જ નથી હોતો, એ તો શબ્દોના વચનોની તાકાત છે જે દરેક ક્ષણે બહેનની રક્ષા માટે નીકળે છે.

આજે આ રૂડા અવસર પર મારી બહેન પીંકુ એ મને એક સુંદર રાખડી બાંધી હતી. પણ વિચાર્યું કે રાખડીના બદલામાં બહેનને ભેટ સ્વરૂપે શું આપું? ત્યાં જ મને યાદ આવ્યું કે મમ્મી મને દર અઠવાડિયે જે પાંચ રૂપિયા આપતી તે મેં સાચવી રાખેલા હતા. આજે સમય હતો ખર્ચવાનો, બહેનને ખુશ કરવાનો હું તો માત્ર ૧૨ વર્ષનો, પણ સમય અને સંજોગોના કારણે મારી સૂઝ-સમજણ ઉમંર કરતા વધારે ખીલ્યા હતા.

રાજકોટ શહેરમાં રમઝટ જામી હતી. આ દિવસે અમારા ઘરથી થોડે સમીપ જ એક મેળાનું આયોજન થયેલું હતું. અત્યંત રોમાંચક મેળો લાગ્યો હતો. અને ત્યાં જ મમ્મીએ મને બોલાવ્યો અને કહયું. “પીયુષ મેળામાં જઈને થોડી ઘરવખરીની વસ્તુઓ લાવી આપને. ત્યાંથી સસ્તી અને સારી મળી રહેશે.” આ સાંભળતા જ જાણે અચેતન દેહમાંથી ચેતનત્વ પ્રગતી ઉઠયું, મનમાં અદભૂત ચિતાર થયો. આટલું આનંદિત થવાનું કારણ માત્રને માત્ર મારી નાનકી પિંકુ હતી. તેના માટે ભેટ લાવવાની હતી. અને મને તો મેળામાં જવાનું સૌભાગ્ય મળી ગયું.

ઘરનાં દરવાજા પાસે પહોચતા જ પીંકુએ મારો કુર્તો પકડયો અને નિખાલસતાથી બોલી ઊઠી “ ભાઈ માલે મેલામાં જાઉ.” તેનો અવાજ સંભાળતા જ મેં તેને તેડી લીધી, અને મમ્મીને બુમ પાડી. “ હું અને પીંકુ મેળામાં જઈ આવીએ...”મમ્મી તો પીંકુને ક્યાંય જવા ના દે એટલી તોફાની હતી, પણ મારી પાસે જ સીધી ચાલતી. એટલે અમને પરવાનગી મળી ગઈ.

અત્યંત સુંદર અને ઝાકમઝોળ રાજકોટનો મેળો એમાં પણ રક્ષાબંધનની રજા એટલે અમને પડી ગઈ મજા. અમારું તો સ્વર્ગ જ ગણી લો. મેળામાં રોમાંચક દશ્યો જોવાની તથા ચકડોળમાં બેસવાની મજા કોને ના આવે ? આમારો ઉત્સાહ સમાતો નહોતો. અત્યંત સુંદર મેળાના દર્શનથી મારા અંતર મનની ઉર્મીઓ વેગ પકડી રહી હતી. મેળાનું આ મનોહર દ્રશ્ય બાળકોના અને રાજકોટ વાસીઓના ઉલ્લાસથી ચકચકિત લાગતું હતું. સુંદર સુશોભિત લારીઓ, ખાવા-પીવાથી માંડી ઓઢવા-પે’રવા સુધીની તમામ વસ્તુઓનું પ્રદર્શન હતું. જાણે ગુલ્ફીવાળા, ધાણીવાળા, કટલરીવાળા થતા પાણીપુરીવાળાની લારીઓ ઠેર ઠેર જોવા મળતી અને ત્યાં લારીઓમાં વસ્તુના ભાવ વધારે ઓછા કરવાના આગ્રહ કરતી મુગ્ધ કન્યાઓ સોહામણી લગતી હતી.

પીંકુને મેળામાં જવું ખુબ ગમતું અને મેળામાં પહોચતા જ સ્વર્ગના દ્વાર ખુલ્યા હોય એવું નિર્મળ અને મોહક સ્મિત તેના ગાલ પર ફરી વળ્યું. તે મેળાને જોતા જ આનંદિત થઇ ગઈ. હું તો મમ્મીએ જણાવેલ ઘરવખરીની વસ્તુઓ લેવા લાગ્યો અને એક બાજુ પીંકુનો હાથ પકડી રાખેલો. મેળામાં લોકોની ભીડ વધતી જતી હતી. એ વખતે મારો હાથ પીંકુની આંગળીથી વધુ કડકાઈથી જોડાયો. એટલામાં જ પિંકુની નજર એક આછા ગુલાબી રંગના ટેડીબીયર પર અટકેલી બસ ત્યાંજ, ક્ષણવાર વિચાર્યા વગર એ ટેડીબીઅર ખરીદ્યું અને પીંકુના હાથમાં આપ્યું.મારી અત્યાર સુધીની ભેગી કરેલી રકમ મેં મારી બહેનને રક્ષાબંધનમાં ભેટરૂપ આપી.

આવી ભેટ મળતા જ જાણે યુદ્ધના મેદાનમાં વિજેતા બનીને આવી હોય તેમ નાચવા લાગી ત્યારે મેં બે ટેડીબીઅર લીધા હતા. એક પીંકુ માટે જે નાનું હતું, ને એક મારા માટે જે તેનાથી પણ ચારગણું નાનું હતું બન્ને ટેડીબીઅર સરખા જ હતા. માત્ર મારા ટેડીબીઅર કરતા એનું ટેડીબીઅર મોટું હતું. તેનું હાસ્ય જોતા જ મારા મુખ ઉપર સહજ જ સ્મિત પ્રગટી ઉઠયું. બપોરનો સમય વધારે ને વધારે આગળ ધપી રહ્યો હતો. આ સમયની સાથે માણસો પણ મેળામાં ખીચોખીચ ઉભરાઈ રહ્યા હતા. હું ઘરે જવાની તૈયારી કરતો હતો. ત્યાં મને ભાન જ ના રહયું. કે ક્યારે પીંકુનો હાથ છુટી ગયો.

તેને મારી આજુબાજુ ના જોતા મારી આંખો પોળી થી ગઈ. મારી ધડકનના ધબકારા વધી રહયા હતા, અને આટલા બધા માણસોના મેહરામણમાં મારી પીકુંને શોધવા હું આમ-તેમ વલખા મારી રહયો હતો. ઠેર-ઠેર જઈને મારી પીકું વિશે પૂછવા લાગ્યો. તેની ઓળખાણ આપવા લાગ્યો, મારા પગ પણ એક જગ્યાએ થોભતા ન હતા. પણ હું બધાને થોભી થોભીને પૂછતો હતો, મારી પાંચ વર્ષની બેહેનને જોઈ છે ? લોકોની ના સાંભળી જેમ સમૃદ્રના મોજા વિશાળ પથ્થર સાથે અથડાઈ તેમ લોકોની ના મારા કાન સાથે અથડાઈ રહી હતી.એ વેદના મારી પીંકુના વિરહની હતી.મારા હૃદયમાં સુપ્ત વર્તમાનગ્રહો ઉછળવા લાગ્યા. આ વિસ્તરાયલા મેળાના દરેક ખૂણામાં મારી પીકુંને શોધતો હતો, અને આ સમય પણ મારો સાથ છોડતો હતો. રાત્રીના કાળા અંધકારમાં અનેક પ્રશ્નો મારા મસ્તક પર છાવરી વળ્યા હતા. અત્યંત વેદના અને દુ:ખની અનુભુતી થવા લાગી હતી. પીકુંને લાવ્યો મેળામાં એ જવાબદારી મારી હતી ! શું હું નાનકડી મારી વ્હાલી બેહેનનું ધ્યાન પણ ના રાખી શકયો...? ક્યાં હશે ? કોણ લઇ ગયું હશે ? મને મળશે ? આવા કેટકેટલાય સવાલો મને ઉધઈની જેમ કોતરી કોતરીને ખાઈ રહ્યા હતા. કઈ સમજાતું નોહતું, હું તેની શોધમાં હારી ગયો હતો.

બે-પાંચ નહિ પણ દસ-દસ વર્ષ વીતી ગ્યા એ દર્શ્યને, અને હું એક મોટી કંપનીનો માલિક હતો. મારી પીંકુને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પણ મારી પીંકુની શોધમાં નિષ્ફળતા જ લખી હતી. મારું હૃદય, જૂની યાદોને બયાન કરી રહયું હતું. તેની નાચતી, ગાતી અને ઉછળતી છબી વારંવાર મારા મનને છાવરી લેતી હતી.

એક વખત રક્ષાબંધનના દીવસે કંપનીના પાટનર ના ઘરે જવાનું થયું. મન તો નોતું મારું, પણ તેમના ખુબ આગ્રહથી હું અમદાવાદ તેમના ઘરે ગયો. બપોરનું જમવાનું ત્યાં જ હતું. એટલે હું અમદાવાદ આવી પહોચયો. મારા અંતરમનમાં જાણે અનન્ય સંતોષ થયો હોઈ એવું લાગ્યું મને. મને લાગ્યું કે આ શહેર મને તેની તરફ ખેંચવા લાગ્યું હતું.અને લાગ્યું કે આ શહેરમાં કોઈ છે મારું...

જોશી સર જે મારા પાટનર હતા તે, અને તેમના પત્ની અમદાવાદની ફેક્ટરી સંભાળતા હતા.અને હું રાજકોટની, એના ઘરે હું ક્યારેય ગયો જ નહોતો.તેમનો પ્રેમ ભર્યો વ્યવહાર અને આગ્રહથી આજે તેમના ઘરે આવ્યો. તેનું ઘર ખુબ સુંદર અને આકર્ષક લાગતું હતું.ત્યારબાદ હું અને જોશી સર જમવા બેસયા. અમે બંને ફેક્ટરીની વાતો વાગોળવા લાગ્યા. એટલામાં જ એમની નજર મારા હાથ પર પડી, અને એ બોલી ઉઠયા. “ આવા રક્ષાબંધનના અમુલ્ય દિવસે તમારો હાથ સુનો લાગે છે મને.” એમની વાત સંભાળતા જ હું ગદગદ થઈ ગયો, અને બધી જ જૂની પીંકુની યાદો મારી નજર સામે ફરી વળી અને મારાથી એટલું જ બોલાયું. “ મારી બહેન નથી રહી મારી પાસે.” ત્યાં જ જોશી સર બોલ્યા. “મારી દીકરીને પણ ભાઈ નથી. મારી ઈચ્છા છે કે મારી દીકરી તમને રાખડી બાંધે અને એક બહેનને તેનો ભાઈ મળે.

હું બોલ્યો; હા કેમ નહિ, તમારી દીકરીને ભાઈનું વાત્સલ્ય જરૂર આપી શકીશ. અને જોશી સરે તેની દીકરીને બોલાવી; અને કહયું, “ બેટા પ્રિયંકા આજે તારી વર્ષો જૂની આશ પૂરી થશે.” પ્રિયંકાને જોતા જ મને મારી પીંકુ યાદ આવી ગઈ, એટલી જ સુંદર અને સોમ્ય હતી. એટલામાં જ એને પૂછયું. “ કઈ આશ પપ્પા.?” જોશી સરે કહયું કે, “આજે તું પીયુષભાઈ ને રાખડી બાંધીશ” ?

આ સાંભળતા જ પ્રિયંકા ખુશ થઇ ગઈ. અને દોડીને તેના રૂમમાંથી દસ રાખડી લઇ આવી. એમાંથી સુંદર મજાની રાખડી મને બાંધી, જાણે દસ વર્ષો બાદ મારી પીંકુ મને રાખડી બાંધતી હોઈ એવો એહસાસ થતો હતો. પણ ભેટ શું આપીશ? પૈસા તો આપી શકું એટલો સક્ષમ તો હતો હું, પણ તેનું મૂલ્ય મારી માટે નોહતું. એટલે મેં મારી બેગ માંથી એક ટેડીબીયર કાઢયું, એ મેં પ્રિયંકાને ભેટ સ્વરૂપે આપ્યું.

પ્રિયંકા એ ટેડીબીઅરને એકીટશે જોઈ રહી અને મોઢા પર સ્મિત સાથે બોલી ઉઠી કે આવું ટેડીબીયર તો મારી પાસે પણ છે. હું બોલ્યો શું આવું જ ...?! હા...! આવું જ, હમણાં જ લઇ આવું અને તે ટેડીબીઅરને જોઈ હું ઉભો થઇ ગયો એ ટેડીબીઅરને હાથમાં લઇ જોવા લાગ્યો.આતો...આતો મેં મારી પીંકુને આપ્યું હતું. અને આ શબ્દો પુરા થતા... આખરે મારી અને પીંકુના વિરહનો અંત આવ્યો, ને તે તો મારી આંખો સમક્ષ જ હતી... આ અપાર આનંદ સાથે હું એને ભેટી પડયો. જોશી સર ના આશ્ચર્યનો પર ના રહયો. મેં તરત જ કહયું. “ પીંકુ અહીયા કેવી રીતે”?જોશી સર બોલ્યા, “દસ વર્ષ પેહલાની વાત છે. રાજકોટમાં મેળો ભરાયો હતો ત્યાંથી જ મળી છે પ્રિયંકા.

તેની દશા મારાથી જોવાઈ નહિ, તે ખુબ રડતી હતી, એટલે તેને ઘણું બધું પૂછયું પણ પાંચ વર્ષની છોકરી ને શું સમજાય. તેને તેના નામ અને તેની સાથે રહેલ ભાઈ સિવાય કઈ જ યાદ નોહતું. મારી પત્નીએ જીદ કરી એટલે ઘરે લઇ આવ્યા, આમ પણ અમારે સંતાન નોહતું અને એક દીકરી મળી ગઈ. અમે એના પરિવાર ને શોધવાનો પ્રયાસ કરેલો પણ કઈ જાણકારી મળી નહિ.અંતે અમે એને અમારું જ નામ આપ્યું, અને ખુબ લાડકોડથી ઉછેરી. હું તરત જ તેમના પગ માં પડી ગયો. અને કહયું, મારો જીવ પણ આપી દવ તો પણ ઓછુ છે. આજે તમારા કારણે મને મારી બહેન પાછી મળી છે. પીંકુ પણ મને ઓળખી ગઈ હતી. અને એ પણ રડવા લાગી અને બોલી, “ પીયુષભાઈ આ દસ વર્ષ ની આ દસ રાખડીઓ હું દર વર્ષે બનાવતી પણ કોને બાંધુ? આ રાખડીઓ કદાચ તમારા જ હાથે બંધાવા માંગતી હતી. અને જોશી સરે કહયું, “ ભાઈ-બહેનનો અતુટ પ્રેમ અને વિશ્વાસ દુનિયાના કોઈ પણ ખૂણામાં રક્ષા કરવા સમર્થ છે.

ખરેખર ભાઈ-બહેનને દુનિયાનો કોઈ પણ સંબંધ તોડી ના શકે. ગમે તેટલા દુર હોવા છતા પાસે હોવાનો એહસાહ થાઇ.અને આ સંબંધ, જેમ વાદળા આકાશ ને છોડી નથી શકતા, તેમ ભાઈ બહેનને છોડી નથી શકતો.અને બહેન ભાઈ ને, માટે જ આ રક્ષાબંધનનો અવસર પરમેશ્વરના ચોપડામાં દસ્તક દઈ ચૂકયો છે...

“ભાઈ-બહેનના પ્રેમનું બંધન,

અલભ્ય એવો સંબંધ;

આ તો છે રક્ષાબંધન.”