ચુંબકીય તોફાન (ભાગ-૬) in Gujarati Novel Episodes by Jigar Sagar books and stories Free | ચુંબકીય તોફાન (ભાગ-૬)

ચુંબકીય તોફાન (ભાગ-૬)

6. VSGWRI બન્યું આખા ભારતનું હેડક્વાર્ટર બન્યું

          પ્રાઇમ મિનિસ્ટર સાથે મીટિંગ પુરી કરી અર્જુન બહાર આવ્યો. વિશ્વ ઉપર આવી પડેલ આ સમસ્યાનો તોડ કાઢવાની જવાબદારી ભારત દેશના પ્રતિનિધી તરીકે અર્જુનના શિરે હતી અને અર્જુનનું મગજ સતત એ બાબત વિશે જ વિચારવામાં વ્યસ્ત હતું. પ્રાઇમ મિનિસ્ટર ઓફીસના એ વિશાળ કમ્પાઉન્ડમાંથી એ ચાલતો ચાલતો ઓટોમેટીક ફ્લાઇંગ કાર પાર્કીંગ તરફ જઇ રહ્યો હતો. પ્રાઇમ મિનિસ્ટરની ઓફીસેથી જ એને સ્પેશ્યલ ફ્લાઇંગ કાર આપવામાં આવેલી. આમ તો તમારી પાસેથી કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જે પહેલેથી તમારી ફ્લાઇંગ કાર સાથે પેર કરેલી હોય, તેનું એક બટન દબાવતાં જ કાર એની મેળે એના માલિક સુધી આવી જતી અને એટલે જ તેને ઓટોમેટીક ફ્લાઇંગ કાર કહેવામાં આવતી પણ પ્રાઇમ મિનિસ્ટરની ઓફીસના કમ્પાઉન્ડમાં પ્રાઇમ મિનિસ્ટરની ઓફીશીયલ કાર સિવાય બીજી કારોને ઉડવાની મનાઇ હતી એટલે અર્જુન ચાલતો ચાલતો આગળ જઇ રહ્યો હતો. વરસાદના સામાન્ય છાંટા પડી રહ્યાં હતાં. અચાનક એક ટીંપુ અર્જુનના ગળા પર અથડાયું અને અર્જુનને ઝણઝણાટી મહેસૂસ થઇ, જાણે એ એક ટીંપામાંથી વિદ્યુત કરંટ આવ્યો હોય! એ જરાક ચોંક્યો. એણે આકાશ સામે જોયું. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. અર્જુને બે-ત્રણ વાર બળપૂર્વક આંખો પહોળી કરી જોઇ. વરસાદના પાણીના ટીંપામાંથી કરંટ આવવો એ તેનો ભ્રમ તો ન જ હતો. અર્જુન થોડીવાર ત્યાં ઉભો રહ્યો. વરસાદના કંઇ કેટલાય ટીંપાઓએ અર્જુનને પલાળ્યો પણ એકેયમાંથી કરંટ આવતો ન હતો. આખરે અર્જુન ફ્લાઇંગ કાર તરફ ચાલવા લાગ્યો. જોકે એનું મગજ વરસાદના ટીંપામાંથી કરંટ આવી શકે એ બાબતને લઇને ચકરાવે ચડ્યું હતું. ક્યાંક તબાહી માટેનો કુદરતનો આ કોઇ નવો રસ્તો તો ન હતો?

          અર્જુન એની ફ્લાઇંગ કારમાં બેઠો. ફ્લાઇંગ કાર ગાંધીનગર તરફ ઉપડી. દિલ્હીથી ગાંધીનગરનું લગભગ ૯૫૦ કી.મી.નું અંતર કાપતાં ફ્લાઇંગ કારને લગભગ બે કલાકનો સમય થતો. આમ તો એની મહત્તમ ઝડપ અનુસાર એ એક કલાકમાં આટલું અંતર કાપી શકે એમ હતી. પરંતુ કોમર્શીયલ ફ્લાઇંગ કારનું સફળ પરિક્ષણ થઇ ગયું અને સામાન્ય લોકો માટે એ ઉપલબ્ધ બની ત્યારથી જ ઓવરસ્પીડના કેસ ઘણા બનવા લાગ્યા. સેન્સર, હાઇ-સ્પીડ ફ્લેશ સ્કેનીંગ કેમેરા તેમજ આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ ટેકનોલોજીથી સજ્જ હોવા છતાં તેમજ માણસની જિંદગી બચાવવાની અત્યાધુનિક ટેકનીક કારમાં ઉપલબ્ધ હોવા છતાં અમુક સ્પીડથી વધુ સ્પીડે જ્યારે ભયંકર અકસ્માત થાય ત્યારે મોટેભાગે ચાલકને બચાવવો અશક્ય બની જતો. બસ, ત્યારથી ઘણા દેશોએ ઓવરસ્પીડ પ્રોહિબિશન ફોર ફ્લાઇંગ કાર્સના કાયદા પર સર્વસંમતિ સાધી હતી. જો કોઇ કાર નિશ્ચિત ઝડપ કરતાં વધુ ઝડપ પકડે કે તરત જ કારમાંનું કમ્પ્યુટર ટ્રાન્સપોર્ટ ઓફીસને તેની માહિતી પહોંચાડી દેતું એટલે તરત જ ચાલક સામે ઓવરસ્પીડ એકટ હેઠળ કેસ નોંધાતો. આ ઉપરાંત ઓવરસ્પીડ થતાં જ કારનું સેલ્ફ મોડ એક્ટીવ થઇ મહત્તમ સ્પીડ લીમીટ પર કારને પાછી લાવી દેતું. જોકે અત્યારે અર્જુનને મહત્તમ સ્પીડની જરૂર ન હતી પણ એના મગજને હતી. 

          બે કલાક પુરા થતાં થતાં તો અર્જુનની ફ્લાઇંગ કારે એનાં ઘરના ધાબા પર લેન્ડીંગ કર્યું. પત્ની આસ્થા અને દિકરી તનિશ્કા ત્રણ દિવસથી અર્જુનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં. તેઓ ધાબા પર દોડી આવ્યાં અને અર્જુનને ભેટી પડ્યાં. અત્યાર સુધીની જિંદગીમાં સામાન્યત: અર્જુનની આંખો ક્યારેય ભીની થઇ ન હતી પણ આજે જ્યારે આખી પૃથ્વી ખતરામાં હતી ત્યારે પત્ની આસ્થા અને દિકરી તનિશ્કાના સ્પર્શ માત્રથી અર્જુનની આંખોમાં આંસુ આવી ગયાં. પત્ની અને દિકરીની જિંદગી સહિત સમગ્ર પૃથ્વી પરના તમામ મનુષ્યોની જિંદગી ખતરામાં હતી. અર્જુન ઘરમાં આવ્યો. આસ્થાએ પતિ માટે સ્વાદિષ્ઠ ભોજન તૈયાર રાખ્યું હતું. અર્જુન, આસ્થા અને તનિશ્કા ત્રણેય સાથે ડિનર કરવા બેઠા. અર્જુને સ્વસ્થતાથી આખી પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યાં. જોકે પૃથ્વી તબાહ થવાની શક્યતાઓ છે એવી જાણ અર્જુને તેમને ન થવા દીધી પણ પૂર અને ભુકંપ સહિત ઘણી મોટી આફતો આવી શકે છે એટલે એના માટે તૈયાર રહેવા અર્જુને એમને જણાવ્યું. અર્જુને દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્કમાં રહી આખા ભારત દેશનું મોનીટરીંગ કરવાનું હતું અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર એની સાથે રહેવાનાં હતાં. આ તમામ વસ્તુઓ VSGWRI ના હેડક્વાર્ટરમાં રહીને જ કરી શકાય તેમ હતું. VSGWRI જેટલી ફેસેલીટી દેશમાં ક્યાંક ન હતી અને એટલે હાલ તુરતમાં તો પૃથ્વીના પર્યવરણની સમસ્યા પુરતું દિલ્હીના સ્થાને ગાંધીનગર ભારતની કામચલાઉ રાજધાની હતી. VSGWRI નું હેડક્વાર્ટર અર્જુનના ઘરથી નજીકમાં જ હતું. જમી-પરવારીને આસ્થા તથા તનિશ્કા સાથે શાંતિની દસ મિનિટ ગાળ્યા પછી અર્જુને કહ્યું,

“આસ્થા, તનિશ્કા. આજથી થોડા દિવસો સુધી હું VSGWRI માં રહેવાનો છું. મારૂં ત્યાં ૨૪ કલાક હાજર રહેવું જરૂરી છે એટલે થોડાક દિવસ સુધી હું ઘરે આવી શકીશ નહી. મારું રહેવાનું, જમવાનું અને સુવાનું એ બધું જ VSGWRI માં થશે. તમારે મને મળવા આવવું હોય તો ત્યાં જ આવજો અને કોઇ આફત જણાય તો તાત્કાલીક મને જાણ કરજો. ભુકંપ, પુર, વરસાદ, વાવાઝોડુ કંઇપણ...”

અર્જુનના સ્વરમાં રહેલી ઉદ્વીગ્નતાને આસ્થા પામી ગઇ. એ સમજી ગઇ કે પૃથ્વીના અસ્તિત્વ ઉપર આફતના વાદળ મંડરાઇ રહ્યાં હતાં અને જો એમ ન હોય તો એનો પતિ આવું વર્તન કરે નહી. આસ્થા મનોમન બધું સમજી ગઇ હોવા છતાં તનિશ્કાના કુમળા બાળમાનસ પર ભયનો ઓછયો ન પડે એટલે ચુપ રહી, એણે સ્માઇલ આપ્યું અને કહ્યું,

“અર્જુન, મને તમારા પર પુરો વિશ્વાસ છે. તમે આ મુશ્કેલીનો કોઇને કોઇ ઉપાય જરૂર કાઢી લેશો.”

આટલું બોલતાં બોલતાં આસ્થાની આંખોના ખૂણાઓમાં ચમકી રહેલાં અશ્રુબિંદુઓ અર્જુનની નજરે ચડી ગયાં. અર્જુન પણ સમજી ગયો કે આસ્થા બધું સમજી ગઇ છે. એ આસ્થાને ભેટી પડ્યો. તનિશ્કા પણ મમ્મી-પપ્પાને વળગી પડી. એ ભાવસભર મિલનને બે ક્ષણ આપી અર્જુન તાત્કાલીક ત્યાંથી નીકળી ગયો. ફ્લાઇંગ કારમાં લગભગ પાંચ મિનિટમાં એ VSGWRI ના હેડક્વાર્ટર પહોંચી ગયો. અર્જુનનાં સાથી વૈજ્ઞાનિકો ત્યાં હાજર હતાં. રાતના સાડા બાર થયાં હતાં પણ વૈજ્ઞાનિક જીવ પોતાની જવાબદારી બીજા કરતાં વધુ સારી રીતે સમજતો હોય છે એટલે એ વૈજ્ઞાનિકો પોતાની જવાબદારી બખુબી જાણતા હતાં અને આવનારા દિવસોમાં એ લોકો ૨૪ કલાક VSGWRI માં રહેવા તૈયાર હતાં. અર્જુન VSGWRI ના ધાબા પર ઉતર્યો. ફ્લાઇંગ કાર ઓટૉમેટીક તેના પાર્કીંગ ડેસ્ટીનેશન તરફ આગળ વધી ગઇ. અર્જુન અંદર ગયો અને એણે જોયું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર ત્યાં હાજર હતાં. તેનાં સાથી વૈજ્ઞાનિકો સિવાય ત્યાં કેટલાક સરકારી ઓફીશિયલ્સ અને કેટલાક કમાન્ડો હાજર હતાં. સરકાર તરફથી ફુલ સિક્યોરિટી સહિતની ફુલ ફેસીલીટી VSGWRI ને આપવામાં આવી હતી. સરકાર તરફથી અહીં વૈજ્ઞાનિકોને રહેવાની તથા જમવાની કામચલાઉ પરંતુ અદ્યતન સગવડો તૈયાર કરી દેવાઇ હતી. અર્જુને આ બધી વ્યવસ્થાઓ પર ઉડતી નજર નાંખી ન નાંખી અને સીધો જ VSGWRI ના મોનીટરીંગ કમ કંટ્રોલ રૂમમાં જતો રહ્યો. કંટ્રોલ રૂમમાં એક તરફ થિયેટરના પડદા જેવડી વિશાળ સ્ક્રીન હતી. જેમાં દુનિયાભરની તથા ભારતભરની માહિતીઓ સતત ડીસ્પ્લે થતી રહેતી. ત્યાંથી મલ્ટીપલ વિડિયો કોન્ફરન્સીંગ કરી શકાતી તેમજ કોઇપણ માહિતીનો ડેટા 3D મેપના સ્વરૂપમાં જોઇ શકાતો. Instant contact, instant communicate, instant command, instant guidance અને instant help માટે આ કંટ્રોલ સેન્ટર અત્યંત ઉપયોગી હતું. બાકીના રૂમમાં અત્યાધુનિક કમ્પ્યુટર્સ હતાં. એક ક્વોન્ટમ કમ્પ્યુટર પણ અહીં હતું. બાકીના ભાગમાં બેસીને વૈજ્ઞાનિકો તમામ માહિતીનું એનાલીસીસ કરતાં. હવે, તમામ સંચાલનનો મુખ્ય કર્તા-હર્તા અર્જુન હતો. અર્જુન સેન્ટ્રલ સીટ પર બેઠો. એનાં મગજમાં જે પહેલી વાત આવી એ મુજબ એણે કમ્પ્યુટરને કમાન્ડ આપ્યો, “Call Dr.Smith”.. તરત જ એ વિશાળ સ્ક્રીનના એક ભાગ પર ડૉ.સ્મિથને વિડીયો કોલીંગ જોડાયું. એકાદ સેકન્ડમાં જ ડૉ.સ્મિથ એ સ્ક્રીન પર સહેજ બહાર ઉપસેલી 3D વિડીયો પ્રિન્ટ સ્વરૂપે હાજર થઇ ગયા. “Good to see you my friend.” ડૉ.સ્મિથ બોલ્યાં. અર્જુને પણ તેમનું અભિવાદન કર્યું અને સીધું જ પુછી લીધું કે પૃથ્વીમાં કંઇ નવા-જુનીના સમાચાર?

“પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે વાન-એલન બેલ્ટમાં થઇ રહેલા સૂક્ષ્મ ફેરફારોને માપવાનું કામ ચાલુ છે. આમ તો કોઇ દેખીતો ફેરફાર નાસાને દેખાતો નથી. પરંતુ કોઇ અતિસૂક્ષ્મ ફેરફાર હોય તો એને નજરઅંદાજ ન કરી શકાય એટલે વધુ બારીકાઇથી પરિક્ષણો ચાલી રહ્યાં છે. નાસા ટૂંક સમયમાં એનો રિપોર્ટ આપી દેશે. એ સિવાય એક બેડ ન્યુઝ છે.” ડૉ.સ્મિથે કહ્યું.

“શું?......” અર્જુન બેબાકળો બન્યો. હવે બેડ ન્યુઝ શબ્દ જ એને ૪૪૦ વોલ્ટનો કરંટ આપતો હતો.

“વાયોમિંગનો ઓલ્ડ ફેઇથફુલ ફુવારો, જેની ત્રણ દિવસ પહેલાં જ આપણે મુલાકાત લીધી હતી, એ અચાનક બંધ થઇ ગયો. છેલ્લા ૨૪ કલાકથી એમાંથી ઇરપ્શન થયું નથી. પૃથ્વીના પેટાળમાંથી આવતી ઉર્જા ત્યાંથી નીકળતી બંધ થઇ ગઇ છે. કહો કે વિશ્વની એક અજાયબી એવો ઓલ્ડ ફેઇથફુલ આજે મરી ગયો.” ડૉ.સ્મિથે ઉદાસીના ભાવ સાથે કહ્યું.

“શું, … છેલ્લા ૨૪ કલાકથી ઓલ્ડ ફેઇથફુલમાં વોલ્કેનિક ઇરપ્શન થયું નથી? આ તો બહુ કહેવાય !!!” અર્જુન આશ્ચર્યથી તગતગતી આંખે ડૉ.સ્મિથ સામે જોઇ રહ્યો. અચાનક વિડીયો કોલીંગનું પ્રસારણ ડિસ્ટર્બ થયું. ડૉ.સ્મિથનો ચહેરો અને સમગ્ર વિડીયો પ્રસારણ લહેરાવા લાગ્યાં અને કોલ કટ થઇ ગયો.

“નાસાને વાન-એલન બેલ્ટમાં ફેરફાર દેખાય કે ન દેખાય પણ મને એની ખબર છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એની પકડ ગુમાવી રહ્યું છે અને એટલે જ વિડીયો કોલ સહિતના તમામ ઇલેક્ટ્રોમેગ્નેટીક સિગ્નલ્સ ડીસ્ટર્બ થાય છે. નાસા ગ્લોબલ ફેરફારો માપે છે અને એમાં કદાચ કોઇ ફેરફાર નહી આવતો હોય પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લોકલ ફેરફારો કરી રહ્યું છે. હાલપુરતું એ કદાચ વૈશ્વીક રીતે નજરે નહી ચડે પણ લોકલ ફેરફારો વધતાં જશે ત્યારે એમનું સંકલન થઇ એ વાન એલન બેલ્ટમાં ફેરફારોના સ્વરૂપે નજરે ચડશે.” અર્જુન મનોમન સહેજ ગુસ્સામાં બોલ્યો.

“અરે, પણ ઓલ્ડ ફેઇથફુલ નામના એ અજાયબ ફુવારાનું વોલ્કેનીક ઇરપ્શન બંધ થવાથી થઇ શું ગયું. એનાથી શું થશે?” સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટરે ટિપિકલ નેતા જેવો જ સવાલ પુછ્યો.

“જુઓ, પૃથ્વીના પેટાળમાંથી વધારે કે ઓછી માત્રામાં ઉર્જા સતત બહાર નીકળતી રહે છે અને એ જ્યાંથી બહાર નીકળથી હોય ત્યાં ગરમ પાણીના ઝરાઓ રચાય છે. હવે, ઓલ્ડ ફેઇથફુલમાંથી અચાનક સતત બહાર નીકળતી ઉર્જા ક્યાં ગાયબ થઇ ગઇ? પ્રેશર કુકરની અંદર ઉર્જાનો ભરાવો થાય અને સીટી વાગે તો જ એ ઉર્જા રીલીઝ થઇ શકે અને પ્રેશર કુકરમાંનું પ્રેશર જળવાઇ રહે, પણ જો અચાનક સીટી વાગતી જ બંધ થઇ જાય તો?.... તો પછી કુકરના ફાટવાનું જોખમ વધી જાય. અહીં, આવું જ થઇ રહ્યું છે. બસ, કુકરની જગ્યાએ આપણી પૃથ્વી છે” અર્જુને ફટાફટ વાક્ય પુરૂં કર્યું.

“શું, આપણી પૃથ્વી સીટી વગરના પ્રેશર કુકરની જેમ ફાટી શકે છે? તો તો બધા મરી જશે!!!” સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટરને પરસેવો વળી ગયો. ખિસ્સામાંથી રૂમાલ કાઢી પરસેવો લુછતાં લુછતાં તો મિનિસ્ટરનો હાથ ધ્રુજવા લાગ્યો. પૃથ્વી તબાહ થઇ શકે છે અને પૃથ્વી પરથી માનવજાતિનું અસ્તિત્વ નાબુદ થઇ શકે છે. એ જોખમી પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટરને આજે પહેલીવાર આવ્યો.

          હજી ચાર-પાંચ દિવસ પહેલાં તો પૃથ્વી પરના તમામ ગરમ પાણીનાં ઝરાઓનું તાપમાન વધી રહ્યું હતું. પૃથ્વીના પેટાળમાંથી ઉર્જા વધુ ને વધુ પ્રમાણમાં બહાર આવી રહી હતી. એવામાં અચાનક ઓલ્ડ ફેઇથફુલનું બંધ થઇ જવું વિચિત્ર હતું. આ ફુવારો હજારો વર્ષોથી બંધ થયો ન. હતો. અર્જુનને એમ હતું કે પૃથ્વીનાં પેટાળમાંથી બહાર આવતી ઉર્જાનું પ્રમાણ વધશે જ્યારે અહીં તો એ વધવાના સ્થાને ઘટી રહ્યું હતું. એનું ઘટવું વધારે જોખમી હતું કારણ કે એના કારણે પૃથ્વીના પેટાળમાં ઉર્જાનો જથ્થો અને એનું દબાણ બંને વધી રહ્યું હતું. આના ત્રણ જ પરિણામો આવી શકે એમ હતાં, ભુકંપ, સુનામી અને જ્વાળામુખી.

          અર્જુન બીજા ગરમ પાણીના ઝરાઓની સ્થિતિ જાણવા બેબાકળો બન્યો. એણે ભારતના તમામ ગરમ પાણીના ઝરાઓના ડેટા માંગાવી લીધા. જોકે, ડેટા અસ્પષ્ટ હતાં. ભારતના મોટાભાગના ઝરાઓનું તાપમાન એવું ને એવું જ હતું. મૂળ તાપમાન કરતાં એ થોડું વધ્યું હતું, જે ચાર દિવસ પહેલાની પેટર્ન તથા અર્જુનની થિયરી મુજબ ચડતા ક્રમમાં હોઇ બરાબર હતું. પણ માત્ર બે ઝરાઓમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો. ગુજરાતના ગીરમાં આવેલાં તુલશીશ્યામ અને સુરત નજીક આવેલાં ઉનાઇના ગરમ પાણીનાં ઝરા સાવ ઠરી ગયાં હતાં. ત્યાંથી ભુગર્ભ ઉર્જા ગાયબ થઇ ગઇ હતી. ઝરાઓનું સાવ ઠરી જવાનું અર્થાત ભુગર્ભ ઉર્જા એટલા ભાગમાંથી બહાર નીકળતી બંધ થઇ જવાનું લોજીક અર્જુનના દિમાગમાં બેઠું નહી. પણ એટલું ચોક્કસ હતું કે પૃથ્વીના પેટાળમાં કંઇક નવાજુની થઇ રહી હતી. અર્જુન આ બધું વિચરી રહ્યો હતો એટલામાં ડૉ.સ્મિથનો કોલ ફરીથી જોડાયો. ડૉ.સ્મિથ 3D સ્વરૂપે લાઇન પર આવ્યાં અને એમણે કહ્યું, “અર્જુન, આપણું કનેક્શન કપાઇ ગયું એટલે બીજી એક અજાયબ વાત કહેવાની રહી ગઇ. અમેરિકાના દક્ષિણના તમામ રાજ્યોમાં પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ વધુ માત્રામાં મળે છે, એમાંથી ઘણાખરા રાજ્યોમાં ખનિજ તેલનું સ્તર ખુબ નીચું જતું રહ્યું છે. ખનિજ  ખોદકામ કરતી કંપનીઓએ બે દિવસથી આવી ફરિયાદો કરવા માંડી છે. હું રૂબરૂમાં ટેક્સાસ રાજ્યના ખનિજ તેલના કૂવાઓની મુલાકાત લેવા અત્યારે હાલ જ જઇ રહ્યો છું. મને થયું કે તને જાણ કરી દઉં. ત્યાંથી પાછો આવી તને રિપોર્ટ આપીશ”.. ડૉ.સ્મિથનો ફોન પુરો થયો... 

          ખનિજ તેલનું સ્તર અચાનક જ નીચું જતું રહેવું અજાયબ વાત હતી. અર્જુન આવું થવાની શક્યાતાઓ વિશે વિચારતો જ હતો. ત્યાં જ એણે ગુજરાતના કડીથી એક વોલેન્ટીયરનો ફોન આવ્યો. પૃથ્વીના ફેરફારોના અદ્યતન અહેવાલો મળતા રહે એ માટે ઘણા વોલેન્ટીયરો સતત અવલોકનો લઇ માહિતી આપવા તૈયાર થયાં હતાં. આવા વિજ્ઞાનના સ્વયંસેવકો ભારતભરમાં ફેલાયેલા હતાં અને ગુજરાતભરમાં પણ. એવાં જ એક સ્વયંસેવકે કડીથી ફોન કર્યો હતો.

“અર્જુન સર, …. સર અહીં એક અજાયબ ઘટના બની રહી છે. કડીથી મહેસાણા જતાં હાઇવે પાસેની એક સોસાયટીમાં આ અજાયબ ઘટના બની છે. અહીં સોસાયટીની નજીકમાં જ સહેજ વગડાઉ પ્રદેશમાં વર્ષોથી એક ઉંડો ખાડો પડેલો છે. સાઇઝમાં તો ખુબ નાનો છે પણ ખુબ ઉંડો છે. કદાચ ભુગર્ભ સુધી જાય છે. હમણાં અડધો કલાકથી એમાંથી કાળું ખનિજ તેલ આપોઆપ નીકળી રહ્યું છે અને ચારેતરફ વહી રહ્યું છે. એ કાળા ઘટ્ટ પ્રવાહીના રેલા સોસાયટીમાં પણ ઘુસ્યા છે એટલે કંટ્રોલ રૂમમાં ફરિયાદ થઇ, ત્યાંથી મને જાણ થઇ. હાલ હું અહીં જ ઉભો છું અને એ ખાડામાંથી સતત ખનિજ તેલ બહાર નીકળી રહ્યૂં છે. તમે પ્લીઝ અહીં આવી એક મુલાકાત લો. હું અહીં જ છું અને તમને સતત અપડેટ્સ આપતો રહીશ.” સ્વયંસેવક બોલ્યો.

          અર્જુન માટે આ મોટું આશ્ચર્ય હતું. એક બાજુ અમેરિકાના ટેક્સાસ સહિતના રાજ્યોમાં ખનિજ તેલની સપાટી શારકામ કરવાના સાધનોના લેવલ કરતાં પણ નીચે જતી રહી હતી તો અહીં ભારતના ગુજરાત રાજયના કડીમાં ખનિજ તેલ સ્વયંભૂ બહાર આવી રહ્યું હતું. આ કેવી વિચિત્ર માયા હતી!!!  

 

Rate & Review

Vijay

Vijay 3 months ago

Jasmin Tilva

Jasmin Tilva 3 years ago

JADAV HETAL D

JADAV HETAL D 3 years ago

munish

munish 3 years ago

Kiran Vaghela

Kiran Vaghela 3 years ago