Chumbkiy Tofan - 7 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૭)

7. મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ

એણે તાત્કાલીક કડી તાલુકાના એ સ્થળની રૂબરૂ મુલાકાત લેવાનું નકકી કર્યું. અર્જુને એનાં સાથી વૈજ્ઞાનિકોને વિશ્વમાં બનતી ધટનાઓ સાથે અપડેટ રહેવાનું તેમજ વિશ્વના અન્ય વૈજ્ઞાનિકો તરફથી મળતી રજેરજની માહિતી પર સતત નજર રાખવાની સુચનાઓ આપી દીધી. એ ફટાફટ બહાર આવ્યો, ત્યાં એની ફલાઇંગ કાર પાર્કીંગ પ્લેસમાંથી બહાર આવીને એની રાહ જોતી ઉભી હતી, એમાં એ બેઠો અને પુરઝડપે મહેસાણા જીલ્લાના કડી તાલુકા તરફ ગાડીને હંકારી મુકી. લગભગ વીસ મિનિટમાં તો એ કડી પહોંચી ગયો. એક વિશાળ મેદાન જેવી ખુલ્લી જગ્યામાં એણે કારનું લેન્ડીંગ કર્યું. એ નીચે ઉતર્યો ત્યાં તો કાર એની રીતે જગ્યા શોધી ઓટો પાર્ક થઇ ગઇ. ત્રણ સ્વયંસેવકો, જે પહેલેથી જ ત્યાં મોજુદ હતાં. એ અર્જુનને ખનિજતેલની ધટનાવાળી જગ્યા તરફ લઇ ગયાં. ત્યાં ઘણાં લોકો આ અજાયબ ઘટના જોવાં ઉમટયાં હતાં. અર્જુને જોયું તો ખરેખર ત્યાં મોજુદ એક ઉંડા ખાડા (કહો કે ઉંડી બખોલ) માંથી આપોઆપ ખનિજતેલ બહાર આવી રહ્યું હતું. સરકારનાં કેમીકલ વિભાગનાં કેટલાંક નિષ્ણાંતો પેહલેથી જ ત્યાં પહોંચી ગયાં હતાં. એમણે એ કાળા રંગના, ચીકણા, સ્નીગ્ધ અને વાસવાળા પ્રવાહીનું પરિક્ષણ કરી લીધું હતું. એ પેટ્રોલીયમ જ હતું. એ તેલ કઇ રીતે પેટાળમાંથી બહાર નીકળી રહ્યું છે એનું અર્જુને ત્રણ કલાક સુધી નિરીક્ષણ કર્યું. એ કુદરતની આ લીલાને બારીકાઇથી જોઇ રહ્યો હતો. એ સાંકડી પણ ઉંડી બખોલમાંથી અંદરથી કોઇ ધક્કો મળતો હોય એ રીતે ખનિજ તેલ બહાર આવી રહ્યું હતું. એકાદ મિનિટનાં અંતરાલે એ રગડાનો અમુક જથ્થો અંદરથી બહાર રીતસર ધકેલાતો હોય એમ બહાર આવતો પછી એકાદ મિનિટનો વિરામ. એ ધટ્ટ પ્રવાહીમાં થોડાં પરપોટાં થતાં હતાં એટલે શકય છે કે એ દરમિયાન હવા બહાર આવતી હોય અને એ એકાદ મિનિટ પછી વળી પાછો એક ધકકો અને ફરીથી રગડાનો ચોકકસ જથ્થો ધીરે ધીરે બહાર નીકળતો. આ રીતે થોડો થોડો કરીને એ રગડો આજુબાજુની સોસાયટીઓમાં ફેલાવા લાગ્યો હતો. અર્જુને આસપાસનાં વિસ્તારનું પણ નિરિક્ષણ કરી લીધું. એણે એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ્સ વિભાગના સચિવને ફોન કરી આ ખનિજતેલનો બગાડ ન થાય એ રીતે અને ભેગું કરી લેવાં સૂચના આપી. થોડીવારમાં એનો અમલ પણ થઇ ગયો. પૃથ્વીનાં પેટાળમાંથી નીકળતાં તેલને એજ જગ્યાએથી ભેગું કરી એને સીધું જ એક પાત્રમાં ભરી લેવાની અને એક પાત્ર ભરાય એટલે એનાં સ્થાને બીજું પાત્ર મુકવાની વ્યવસ્થા કરી દેવામાં આવી. અર્જુન VSGWRI પાછો આવ્યો. એણે સમગ્ર ધટનાનો રિપોર્ટ એનાં સાથી વૈજ્ઞાનિકોને આપ્યો.

VSGWRI માં દસેક વૈજ્ઞાનિકોની મીટિંગ મળી. સ્ક્રીન પર અને દરેકનાં હાથમાંની ટેબ્લો-સ્ક્રીન પર અર્જુનની કડીની મુલાકાતનો રિપોર્ટ હતો. ભુગર્ભ માંથી પેટ્રોલિયમનાં બહાર આવનાનો વિડિયો પણ એ ડિજીટલ રિપોર્ટમાં હતો.

‘‘મિ. અર્જુન તમને શું લાગે છે? આવું કઇ રીતે થાય? એક તરફ અમેરિકામાં ટેકસાસ સહિતનાં રાજયોમાં પેટ્રોલિયમની સપાટી શારકામનાં સાધનોથી નીચી જઇ રહી છે અને અહીં સ્વયંભૂ પેટ્રોલિયમ બહાર આવી રહ્યું છે?’’ એ લંબગોળ ટેબલની ત્રીજી સીટ પર બેઠેલા વૈજ્ઞાનિકે પુછયું.

‘‘વેલ, હું અહીં આવ્યો ત્યારનો આ બાબતને લગતી મેથેમેટીકલ ગણતરીઓ કરી રહ્યો છું અને જો મારી મેથેમેટીકલ ગણતરીઓ ખોટી ન હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ અહીં ભાગ ભજવી રહયું છે.’’ અર્જુન શાંતીથી બોલ્યો.

‘‘મને લાગે છે કે તું રશિયન ભૌતિક વિજ્ઞાનીઓના મેગ્નેટીક નેનો-પર્ટીકલ્સ વાળા રિસર્ચ પેપરનો સંદર્ભ લઇ ગણતરીઓ કરી રહ્યો લાગે છે. તો પછી તારા સાચા પડવાની સંભાવનાઓ વધી જાય છે કારણ કે ઇ.સ.૨૦૦૯ નું એ રિસર્ચ પેપર ફુલપ્રુફ હતું.’’ VSGWRI નાં સિનિયર ભૂસ્તરશાસ્ત્રી ડૉ. રાધાકૃષ્ણન બોલ્યાં.

‘‘એકઝેટલી ડૉ. રાધાકૃષ્ણન. એકઝેટલી. હું એની જ વાત કરું છું. એ રિસર્ચ પેપર પછી એટલું તો સાબિત થઇ ગયું કે ખનિજ તેલ મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ ધરાવે છે. અને એ નેનો પાર્ટીકલ્સ મેગ્નેટીક ફિલ્ડ હેઠળ મુવમેન્ટ દર્શાવે છે. હવે ખૂબ ઉંચી તિવ્રાતાનું ચુંબકીય ક્ષેત્ર ધારી લો તો એ ક્ષેત્ર મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સને એટલો પુશ આપશે કે એ પૃથ્વીનાં પેટાળમાંથી સ્વયંભૂ બહાર નીકળી શકે. હવે આ જુઓ.’’ અર્જુને ઇમેજ ખોલી અને બાકી દરેક વૈજ્ઞાનિકનાં ટેબ્લેટમાં એ ગણતરીઓ દેખાઇ.

‘‘મેં પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સમીકરણો વડે મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ પર લાગતું બળ શોધ્યું છે. સામાન્ય સંજોગોમાં એ બળ એટલું બધું મજબુત હોતું નથી પરંતુ જો તમે પૃથ્વીનાં સમગ્ર ચુંબકીય ક્ષેત્રનાં ૧/૩ (એક તૃતિયાંશ) જેટલાં ભાગને પણ જો એકજ દિશામાં વાળો અને અમુક સિમિત જગ્યા પર કેન્દ્રીત કરો તો, મે ગણતરીમાં દર્શાવ્યું, એટલું બળ મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ પર લાગશે.....’’ અર્જુન બે સેકન્ડ અટક્યો.

‘‘...અને આ બળ મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ પર લાગતાં પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણ બળથી સહેજ વધારે છે.’’ અર્જુને વાક્ય પુરૂં કર્યું.

‘‘ઓહ! ઘેટ મીન્સ કે આ પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનીજ ગડબડ છે જે ખનિજ તેલને બહાર લાવી રહી છે. તો શું પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં ૧/૩ કરતાં વધુ બળ ગુજરાતનાં પેટાળ તરફ મંડાયું છે અને અહીં બળ લગાવી રહ્યું છે ? ’’ છેલ્લી સીટમાં બેઠેલાં વૈજ્ઞાનિકે આશ્ર્વર્ય થી પુછ્યું.

‘‘યસ. યુ આર રાઇટ. કારણ કે કડી અને કલોલ જેવાં ક્ષેત્રો ગુજરાતનાં પેટ્રોલિયમ સમૃધ્ધ તેલક્ષેત્રો છે. એટલે મેગ્નેટીક નેનો પાર્ટીકલ્સ પર લાગતાં બળની સીધી અસરનું પરિણામ અહીં આસપાસમાં ઘણાં વિસ્તારોમાં હજી કંઇક નવા-જૂની થશે. કારણ કે નવા જૂની થવી જ જોઇએ.’’ અર્જુન ઉંડો શ્વાસ લેતાં બોલ્યો.

મીટિંગ ચેમ્બરમાં સન્નાટો છવાઇ ગયો. આખા દિવસની ભાગદોડ પછી રાત્રે 8 વાગ્યે શરૂ થયેલ અને લગભગ ચાર કલાક ચાલેલી મીટિંગ આખરે પુરી થઇ. બધાનાં મગજ ચકરાવે ચડયાં હતાં. અંદરો અંદર થોડી વાતચીત કરી વૈજ્ઞાનિકો બહાર આવ્યાં ત્યારે રાતાં 12:30 થવાં આવ્યાં હતાં.

મીટિંગ ચેમ્બરના do not disturb લખેલાં દરવાજાને ખોલીને અર્જુન જેવો બહાર આવ્યો કે સામે જ એને આસ્થા બેઠેલી નજરે ચડી. એ રાત્રે 9 વાગ્યાની અહીં અર્જુનનો ઇંતેજાર કરતી બેઠી હતી. આજકાલ અર્જુનનાં જમવાનું ઠેકાણું પડતું ન હતું. એટલે આસ્થા પોતાનાં હાથે એનાં માટે જમવાનું બનાવીને લાવી હતી. અર્જુન આસ્થાની પાસે જઇને બેઠો. હજી એનાં મગજમાં પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સમીકરણો જ ફરતાં હતાં. એણે આસ્થા સામે એક ફિક્કું સ્માઇલ આપ્યું.

“તનિશ્કા કયાં?” અર્જુને પુછયું.

“એ ઘરે જ છે. મમ્મી એની સાથે છે.” આસ્થાએ જવાબ આપ્યો.

અર્જુન અને આસ્થા એકબીજા સામે થોડીવાર તાકી રહ્યાં પછી બાજુનાં ખાલી ટેબલ પર જઇને બેઠાં. બંનેએ સાથે ડિનર કર્યું. આસ્થા અર્જુનની જવાબદારીઓથી સભાન હતી એટલે ડિનર પતતાં જ એણે મીઠું સ્માઇલ આપી અર્જુનની રજા લીધી. અર્જુને પણ કાઉન્ટર સ્માઇલ આપીને એને ઘરે જવા રવાના કરી. ફરી પાછો અર્જુન કામે ચડયો

એકાદ કલાક મેથેમેટીકસનાં હેવીવેઇટ સમીકરણો લડાવ્યાં પછી એને ઝોકું આવ્યું. અચાનક એ ઝબકી ગયો. ઠંડા પાણીથી મોઢું ધોઇ ફરીથી ગણતરીઓ કરવાં બેઠો. પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર પર એવો તો કયો એટકે કરવો એટલે કે એવું કયું (અને કેટલું) બાહ્ય બળ લગાવવું કે જેથી એ ફરીથી પહેલાં જેવું કાર્યરત થાય એની ગણતરી ખાસ્સી લાંબી ચાલે એમ હતી પણ હવે ઉજાગરો લાંબો ચાલે એમ ન હતો. નિદ્રાદેવી અર્જુનને ધેરી વળ્યાં હતાં. અર્જુનને ચાર-પાંચ વાર ઝોકા ખાતો જોઇ અર્જુનનાં કમ્પ્યુટરની ઓપરેટીંગ સિસ્ટમ એ બાબતે ઓટો-એકટીવેટ થઇ એણે અર્જુનને ઉંધ લેવાં કહ્યું.

‘‘ સર, હવે તમારું મગજ માત્ર 37% કામ કરી રહ્યું છે. થોડોક આરામ લઇ લેવો જરૂરી છે.’’ સિસ્ટમમાંથી અવાજ સંભાળાયો

સિસ્ટમની વાત સાચી હતી. માનવશરીરને કાર્યરત રાખવા માટે ઉંધ પણ એટલી જ જરૂરી છે ને ! અર્જુને સિસ્ટમનાં ચાર કલાકની ઉંધ સેટ કરી. ચાર કલાક પછી એ ઓપરેટીંગ સિસ્ટમ, જેનું નામ અર્જુને સ્કારલેટ રાખ્યું હતું, અર્જુનને ઉઠાડવાની હતી. એણે ચેમ્બરની તમામ લાઇટો સાવ આછી કરી દીધી. એક તરફની દિવાલમાંથી થોડો ભાગ બહાર આવ્યો અને એ સ્લીપીંગ બેડ સ્વરૂપે ગોઠવાઇ ગયો. અર્જુન એમાં સુઇ ગયો.

ઇતિહાસનો રેકોર્ડ બ્રેકીંગ વરસાદ પડતો હતો. અર્જુન રહેતો હતો એ સોસાયટીમાં એટલું બધું પાણી ભરાયું હતું કે દરેક ઘરનાં પાયાની જમીન નબળી પડવાં લાગી હતી. સોસાયટીનાં ઘરોમાં પણ ભુવા પડવા લાગ્યાં હતા. ભયજનક સપાટી વટાવી ગયેલા વરસાદે આખા રાજયમાં પૂરની પરિસ્થિતિ પેદા કરી હતી. એક હદથી વધારે પાણીની સતત આવક થવાની મોટા ભાગની જમીનો અંદરથી નબળી પડાવા લાગી હતી. અર્જુનની સોસાયટીનાં મકાનો તુટી પડે એવી પરિસ્થિતિ હતી. અર્જુનનાં મકાનમાં જ ભોયરામાં મોટો ભુવો પડયો હતો અને પુષ્કળ પ્રમાણમાં પાણી એની અંદર જઇ રહ્યું હતું. મકાન તુટી પડે એવી સંભાવના જણાતા અર્જુન એના ફેમીલી સાથે બહાર નીકળી ગયો અને સામેની તરફ થોડો દૂર આવેલ ઉંચાણવાળી ટેકરી પર ચડવા લાગ્યો. આ ટેકરી પર એક નાનું મંદિર હતું અને એ મંદિરના કારણે ટેકરી પર ચડવાં સીઢીઓ બનાવવામાં આવી હતી એટલે એ ટેકરી પર ચડવું મુશ્કેલ ન હતું. આ તરફ શહેરની સૌથી મજબૂત અને ઉંચી ઇમારતોની જમીન પણ પોચી પડવા લાગી હતી. હવે તો જમીન પર બનેલી કોઇ ઇમારત સુરક્ષિત લાગતી ન હતી. અર્જુન છેક ટેકરીની ટોચ પર પહોંચવા જ આવ્યો હતો અને અચાનક એક જોરદાર કડાકો સંભાળાયો અર્જુને પાછા ફરીને જોયું તો શહેરની બે સૌથી ઉંચી ઇમારતમાં ધડાકાભેર મોટી તિરાડ પડી હતી. અને તિરાડ મોટાં અવાજો સાથે મોટીને મોટી થતી જતી હતી. ભયાવહ માહોલ હતો. થોડીવારમાં તો બંને ઇમારતો એકસાથે કડડભૂસ થઇ ગઇ. જોરદાર કડાકો બોલ્યો. બધાં ગભરાઇ ગયાં. આસ્થા અને તનિશ્કા અર્જુનને ભેટી પડ્યા. તનિશ્કા જોરજોરથી રડવા લાગી હતી. ઘાટા અને કાળા વાદળોએ આકાશનો ભરડો લઇ લીધો હતો. આ કાળા વાદળો અનંત સુધી ફેલાયેલા હોય એવું ભાસતું હતું. દિવસ હોવા છતાં જાણે રાત્રિ હોય એવો અંધકાર છવાઇ ગયો હતો. અંધારેલા ઘનઘોર વાતાવરણમાં દૂર સુધી જોવું શક્ય ન હતું છતાં અર્જુનને દૂરદૂરથી પાણીના ઉંચા મોજાઓ સ્વરૂપે પૂર આવી રહ્યું હોય એવો ભાસ થતો હતો. જાણે આજે કુદરત સૃષ્ટીને ખતમ કરી દેવા માગતી હતી. આસ્થાએ ગભરાયેલા ચહેરે અર્જુન સામે જોયું. અર્જુન મદદહીન દશાના ભાવ સાથે આસ્થા સામે જોઇ રહ્યો. એકાદ મિનિટ માંડ વીતી હશે ત્યાં તો એ જગ્યાને તબાહ કરવા પૂર સ્વરૂપની પાણીની એ ઉંચી દિવાલ આવી પહોંચી. અર્જુન, આસ્થા અને તનિશ્કાએ આંખો બંધ કરી દીધી. .........

“Wake up Mr. Arjun. its 6 o’clock” સિસ્ટમ સવારના ૫:૩૦ ની અર્જુનને ઉઠાડી રહી હતી. આખરે સ્કારલેટ નામની એ સિસ્ટમે અર્જુનનો બેડ વાઇબ્રેટ કરવા માંડ્યો. અર્જુન સફાળો બેઠો થઇ ગયો.

“Good Morning Mr. Arjun. I have been trying to wake you up since half an hour” સ્કારલેટનો અવાજ આવ્યો.

“Thanks…” અર્જુન બોલ્યો.

અર્જુનને અંદરખાનેથી પૃથ્વીની તબાહીનો ભય સતાવી રહ્યો હતો. એ હવે સપનું બનીને એના માનસપટ પર ડોકાઇ જતો હતો. સપનાનો એ ડર ખંખેરી અર્જુન ફટાફટ તૈયાર થઇ ગયો. સવારના ૭ વાગે તો અર્જુન કમાન્ડ સેન્ટર કમ કંટ્રોલ રૂમમાં હતો. આજકાલ કંટ્રોલ રૂમ વૈજ્ઞાનિકોથી હર્યો ભર્યો રહેતો હતો. વૈજ્ઞાનિકોની શિફ્ટ બદલાતી રહેતી પરંતુ તેઓ ૨૪ કલાક કામ ચાલુ રાખતાં.

ત્રણ વૈજ્ઞાનિકો દુનિયાભરમાંથી મળતી માહિતીઓ, નવી ઘટનાઓ અને એને લગતા લેટેસ્ટ ન્યુઝ પર સતત નજર રાખતા હતાં. બીજા ત્રણ વૈજ્ઞાનિકો અર્જુનના અને ભારતના પ્રતિનિધિ તરીકે VSGWRI તરફથી દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે સંપર્કમાં રહી પૃથ્વીને બચાવવાના પ્રયત્નો કેટલે પહોંચ્યા છે એના પર સતત નજર રાખતા હતાં. બે વૈજ્ઞાનિકો દેશભરમાં ફેલાયેલા વિજ્ઞાન સ્વયંસેવકો સાથે સતત સંપર્ક રાખી તેમની પાસેથી જે-તે ઘટનાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવતા. પાંચ વૈજ્ઞાનિકો આ તમામ કાર્યમાં જ્યાં જરૂર પડે ત્યાં જવા ખડેપગે ઉભા રહેતાં. અર્જુન, ડૉ.રાધાકૃષ્ણન અને અન્ય ત્રણ ભેજાબાજ ગણાતા વૈજ્ઞાનિકો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને લગતા ગાણિતીક સમીકરણો લડાવવામાં અને ચુંબકીય બળની આડોડાઇને રોકતાં પ્રતિરોધક બળની તલાશમાં વ્યસ્ત રહેતાં. અર્જુન એવાં ત્રણ-ચાર બળોનું નેટવર્ક બનાવવા માંગતો હતો. જેની અસર નીચે અનિયમિત બનેલું ચુંબકીય ક્ષેત્ર ફરી પાછું મૂળ સ્વરૂપમાં આવી જાય. ન્યુક્લિયર એનર્જીને કોઇક રીતે પૃથ્વીના પેટાળમાં પહોંચાડીને અવ્યવસ્થિત ચુંબકીય ક્ષેત્રને પાછું વ્યવસ્થિત કરવાની સંભાવનાઓ વિશે અર્જુન વિચારી રહ્યો હતો. એટલામાં કંટ્રોલ રૂમની એ વિશાળ સ્ક્રીન પર નાસાનો કન્ફર્મ રિપોર્ટ ઝબક્યો. એ ડિજીટલ રિપોર્ટમાં વાન-એલન બેલ્ટમાં દેખીતો ફેરફાર (deviation) નોંધાયાની વાત હતી. “બહોત દેર કરદી સનમ આતે આતે..” અર્જુન મનમાં હસતા હસતા બોલ્યો.

બપોરના ૨ વાગવા આવ્યાં હતાં. અર્જુન સવારનો એ જ જગ્યાએ બેઠો હતો. અચાનક એક સ્વયંસેવકનો કોલ આવ્યો. એ કોલ કલોલમાંથી આવ્યો હતો.

“સર, કલોલની એક રહેણાક વસાહતમાંથી ભુગર્ભમાંથી સ્વયંભૂ કુદરતી વાયુ (Natural Gas) નીકળી રહ્યો છે. આ ગેસ જ્વલનશીલ છે. મતલબ કે એ પેટ્રોલીયમ ગેસ જ છે. આ વસાહતના દરેક ઘરના બાથરૂમ-ટોઇલેટની ગટરમાંથી સતત ગેસ બહાર નીકળી રહ્યો છે. અમુક ઘરોમાં તો ઘરની ટાઇલ્સોની વચ્ચેની તિરાડમાંથી પણ ધીરે ધીરે ગેસ બહાર નીકળી રહ્યો છે.” સ્વયંસેવકે જાણકારી આપી.

કડી-કલોલ પેટ્રોલિયમ સમૃધ્ધ ક્ષેત્રો હોઇ ત્યાં કંઇક નવા-જૂની થશે એવી અર્જુનને પહેલેથી જ દહેશત હતી. અને બની પણ એવું જ રહ્યું હતું. તેમ છતાં પેટાળમાંથી આ રીતે કુદરતી વાયુનું બહાર નીકળવું એક મોટું આશ્ચર્ય હતું.

અર્જુન માટે આ બધી જ ઘટનાઓ અગત્યની હતી. એણે ફ્લાઇંગ કારને ગેટ પર આવવા મૌખિક કમાન્ડ આપ્યો. સ્કારલેટ ફ્લાઇંગ કારને ગેટ પાસે લાવે એ પહેલા ડૉ.રાધાકૃષ્ણન પણ અર્જુન સાથે આવવા તૈયાર થઇ ગયાં. અર્જુન અને ડૉ.રાધાકૃષ્ણન અર્જુનની ફ્લાઇંગ કારમાં દસ મિનિટમાં ગાંધીનગરથી કલોલ પહોંચી ગયાં. ત્યાંની લોકલ યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકો પહેલેથી જ ત્યાં હાજર હતાં. અર્જુન, ડૉ.રાધાકૃષ્ણન અને પેલા બે વૈજ્ઞાનિકો હોમ ટુ હોમ સર્વે કરવા અસરગ્રસ્ત ક્ષેત્રમાં ગયાં. સરકારના કેમીકલ વિભાગના બે વૈજ્ઞાનિકો પણ અડધો કલાકમાં ત્યાં આવી પહોંચ્યા. અર્જુન એક ઘરમાં ગયો. ત્યાં ટોઇલેટ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું કારણ કે એની ગટરમાંથી સતત ગેસ બહાર આવી રહ્યો હતો. અર્જુન એની નજીક ગયો. એને બહાર આવતાં ગેસનું પ્રમાણ ભયજનક લાગ્યું નહી એટલે એણે એમાં દિવાસળી ચાંપી જોઇ. એ જ્વલનશીલ વાયુ હતો. ગેસના બર્નર પર થાય એવો સામાન્ય ભડકો ત્યાં થયો. કેમીકલ વિભાગે થોડીવારમાં ગેસનું એનાલીસીસ કરી નાંખ્યું. હિસ્ટરીમાં આ જ જગ્યાએ એકવાર ઇ.સ.૨૦૧૬માં આવું થયું હતું. પરંતુ તે વખતે ભુગર્ભમાં ઓઇલ અને ગેસ વિભાગની પાઇપલાઇનોનું લીકેજ કારણભૂત હતું. અત્યારે તો ફુલપ્રુફ ચેકીંગને અંતે એ સંભાવના રહેતી ન હતી. એટલે એ પાકુ હતું કે આ ગેસ ભુગર્ભમાંથી જ આવી રહ્યો હતો.