તાલ પુરાવે દિલની ધડકન
ભાગ-૧
પૂજા ઓપરેશન થિયેટરના દરવાજે પહેરો દઈ રહી હતી. ઘડીક ખુરશીએ બેસે તો ઘડીક હોસ્પિટલની બારીઓ માંથી મુરજાયેલા ચહેરાઓને તાક્યા કરતી. એને ભરોસો હતો કે રોનક ને કશું થશે જ નહીં પણ એક પત્ની હોવાને નાતે ઘર ની જવાબદારીઑ અને એકલે પંડે સમાજ માં કેમ જીવશે. અને પેટમાં રહેલા બાળકનો ઊંછેર કેમ કરશે એ બધી મુંજવણો એને અકળાવતી હતી. પૂજા અને રોનક શહેરમાં નવા અને સાવ એકલા હતા. બંને ના પરિવારજનો એ એમના સબંધોને સ્વીકાર ન કર્યા એટ્લે ભાગી ને લગ્ન કરી લીધા. લગ્ન ને હજી માત્ર પાંચ જ વર્ષ થયા હતા. ત્યાં એક કાળમુખા ટ્રકે રોનકની અલ્ટો ને અડફેટે લઈ લીધી. પુજા એ એક્સિડંટ પછી રોનક ને જોયો પણ નહોતો. એતો અજાણ્યા નંબર માંથી ફોન આવતા જ હોસ્પિટલ પહોચી હતી. રોનક ને સિરિયસ ઈંજરી થઈ હતી એટ્લે ડોક્ટરે સગા વહાલા ની રાહ જોયા વિના જ સારવાર શરૂ કરી દીધી હતી.
આવા ડોક્ટરો પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે. પોલીસ કેસ અને કાયદા કાનૂન સમજાવીને પોતાની ફરજ માંથી નાસી છૂટતા ઓછા નથી. દર્દી ભલે આખરી શ્વાસો સુધી ફોર્મ ભરતો રહે, માનવતા નું મુલ્ય દવાખાને ઓછુ હોય છે.. સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરનો ધડામ દઈને દરવાજો ખૂલ્યો! ડોક્ટર મોઢેથી માસ્ક દૂર કરે એ પહેલા જ પુજા એ ડોક્ટરને ઘેરી લીધા. પૂજા કશું પૂછે એ પહેલા જ ડોક્ટર બોલી ઉઠ્યા, “જો પુજા રોનક ખૂબ સિરીયસ કંડિશનમાં છે, સ્ટિયરિંગ માથામાં વાગ્યું હોવાથી ઘાવ ઊંડો છે, અને શરીર પર મુંઢમાર વાગ્યો છે, ભાનમાં આવશે એટ્લે મળી શકીશ.” પૂજા ની આખોમાં ભીનાશ પથરાઈ ગઈ, અચાનક એણે ડોકટર ને રોકી પુછ્યું, “ તમને મારુ નામ કેમ ખબર છે? મે તો હજી ફોર્મ પણ નથી ભર્યું.?” ડોક્ટરે રિસેપ્શન તરફ ઈશારો કરી પૂજા ને કહ્યું, “હા તો ફટાફટ ફોર્મ ભરી નાખો અને નર્સ દવાની ચિઠ્ઠી આપે એટ્લે તરત જ દવા લઈ આવો.” પૂજા ના સવાલનો જવાબ આપ્યા વિના ડોક્ટર જતાં રહે છે, પૂજા નાહક ના સવાલો છોડીને રિસેપ્શનમા જઇ ને ફોર્મ ભરે છે. અને દવાની ચિઠ્ઠી મેળવીને મેડિકલે જાય છે. પૂજાને કોઈ આશ્વાસન આપવા વાળું હતું જ નહીં. અજાણ્યા લોકો વચ્ચે એકલતા માં જ સરી ગઈ હતી. એણે મોબાઈલ કાઢીને એના નાના ભાઈ ચિંતનને ફોન કરવાનું વિચાર્યું. લગ્ન પછી ચિંતન ને આ પહેલો ફોન હતો. એને લાગ્યા કરતું કે તેના લીધે મમ્મી પપ્પા ચિંતનને વઢામણ આપશે એટ્લે એ ફોન કરવાનું ટાળતી. પણ આજે એને કોઈ સથવારાની ખૂબ જરૂર હતી. પૂજાની પેલી જ રીંગે ચિંતને ફોન ઉપાડ્યો. સામે થી આવાજ આવ્યો “કેમ છે દીદી? ક્યાં છે તું? પૂજા એ સવાલ કર્યો, “ તું હજુય મારાથી નારાજ છો? ચિંતને કહ્યું “ ના રે, એવું થોડું બને, પપ્પા એ ના પાડી હતી, તારી સાથે વાત કરવાની. તું કેમ છે? પૂજા એ કહ્યું, “ હું તો ઠીક છુ પણ રોનક નો અકસ્માત થયો છે, એ ખૂબ ગંભીર છે, અને હું એકલી! શું કરવું કશું જ સમજાતું નથી.” ચિંતને કહ્યું, “તું ચિંતા ન કર તારો ભાઈ હજી જીવે છે, હું ગમે તે બહાનું બતાવીને અહી થી નિકળું છું, તું એડ્રેસ વોટ્સએપ કરી દે.” ચિંતન ફોન મૂકે છે.
પૂજા દવા લઈને રોનકના રૂમની બહાર ઊભી રહી ને કાંચ માથી જોયા કરે છે. હોસ્પિટલ જ માત્ર એવું સ્થળ છે જ્યાં ભગવાન પાસે જીવની ભીખ મંગાય છે. શરીર ની તન્દુરસ્તી ની પ્રાર્થનાઓ કેમ ફળી નહીં, એવી કશીય દલીલો સ્વીકાર્ય નથી. ત્યાં કશીય ફરિયાદો થતી નથી. આગામી ક્ષણો સારા સમાચાર આપશે કે ખરાબ એ ભગવાન ના દુત ડોક્ટરને પણ ખબર નથી હોતી. પૂજા રોનક ના હાથ હલતા જોઈ જાય છે, વેન્ટિલેટરના આંકડાઓ માં સળવળાટ પૂજાને ભળાય છે, તે દોડીને નર્સ ને લઈ આવે છે. નર્સ દરવાજો ખોલીને રોનકને તપાસે છે. રોનક પૂજાનું જ નામ રટી રહ્યો હોય છે. નર્સ ચડાવેલ બોટલ બંધ કરી દે છે. અને ઑક્સીજન શરૂ કરતાં કહે છે, “ તમારી પાસે દસ મિનિટ છે. પેશન્ટને મળવા માટે.” નર્સ બાજુમાં ખુરશી મૂકીને જતી રહે છે. પૂજા રોનક નો હાથ પકડે છે. એટ્લે તરત જ રોનક આંખો ખોલે છે. રોનક ને પૂજા અને એની વચ્ચે સફેદ ઘૂમ્મસ છવાયેલુ દેખાય છે. એ ઘૂમ્મસ ને ચીરતાં પૂજાના શબ્દો રોનક ના કાને પડે છે. “રોનક હું તારી સાથે જ છું, આપણે ભવ ભવ સુધી સાથે રહેવાના સોગંધ ખાધા છે. તને મારો ક્રુષ્ણ કશું જ નહીં થવા દે. રોનક મને સાંભળે છે તું? કઇંક તો બોલ” પૂજાની આખોના આંસુ રોનકના હાથ ની લકીરો પર ટપકે છે, પાનખરના ખરેલા પાંદડાઑ પર ગુલાબી ઠંડી ની ઓશ ટપકતી હોય એમ.
રોનક પૂજાને સ્પષ્ટ જોઈ શકે છે. ફિક્કી સ્માઇલ આપીને માથું ધૂણાવીને પૂજાને રડવા ની ના પાડે છે. રોનક બોલે છે, “ પૂજા હજી તો મારે ઘણાય ગીતો ગાવાના છે. આખાય શહેર ને મારા ગીતો ગણગણતા કરી દેવાના છે.” એણે અટક્તા અટક્તા પૂજાને આશ્વાસન આપ્યું.
પૂજા એ કહ્યું, “હું ઓળખું છું તને, તું ક્યારેય ગિવ અપ નહીં કરે, યુ આર સ્ટ્રોંગ મેન! તારા આ એટીટ્યુડ ને તો હું ચાહું છું. તે મારી જિંદગીને સંગીતના સાતેય સૂરોથી સજાવી દીધી છે. મારા જીવનના ખાલીપાને લય અને તાલ થી પુર્યો છે. મે તો તારી પાસે ખોબો માંગ્યો હતો, અને તું પાગલ ખુશીઓ નો દરિયો લઈ આવ્યો.” પૂજા એ હસતાં હસતાં રોનકને સભાનતા અને સ્વસ્થતામાં લાવવા પ્રયાસ કરે છે.
રોનકે કહ્યું, “તું આવી બધી રોમેંન્ટિક વાતો ન કર તારા પેટમાં રહેલા બાળક પર શું અસર પડશે?” પૂજાએ બંને હાથ થી રોનકનો હાથ પકડતા કહ્યું, “એજ કે મારા મમ્મી પપ્પા વચ્ચે કેટલો પ્રેમ છે, એજ વિચારતો હશે કે હું એમના પ્રેમને કેટલો ભોગવી શકીશ, બસ એજ વિચારીને ખુશ થતો હશે. સામેની દીવાલે ટાંગેલા ટીવીને પૂજા શરૂ કરે છે. ટીવી શરૂ કરતાં ની સાથે જ ટીવી નાઇન ગુજરાતી ચેનલ શરૂ થાય છે.
ન્યૂજ ઍંકર બોલે છે,“હમણાં જ તાજા સમાચાર અમારા સૂત્રો તરફથી આવી રહ્યા છે, સૂરો નો બાદશાહ, અમરતમ રચના ના ગાયક દિલિપ ધોળકિયા નું નેવું વર્ષે નિધન થયું છે. એટલે ગુજરાતી સુગમ સંગીતના એક યુગનો અંત.! જેમણે આઠ હિન્દી ફિલ્મો અને અગ્યાર ગુજરાતી ફિલ્મોમાં સંગીત ની એવી રચનાઓ આપી કે જે અમર થઇ ગઈ. તેમણે કંકુ,મેના ગુર્જરી, સત્યવાન સાવિત્રી જેવી સુપર હિટ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. જો કે તેમની ઓળખ આપતું ગીત એટલે “તારી આંખનો અફીણી..” અને એ ગીત ટીવી પર વાગવા લાગે છે. પૂજાએ નિસાસો નાખતા કહ્યું, “કેટલું સુંદર ગીત છે નહિ, આ ગીત નથી લાગણીઓ છે. આ ગીતે જ આપણને એક કર્યા હતા. આજ થી પાંચ વર્ષ પહેલા તે સ્ટેજ પર આ ગીત મારા માટે..”
રોનક બાજુમાં પડેલા રીમોટ થી ટીવી બંધ કરી દે છે. તેને આ ગીત સાંભળતા જ પરસેવો વળવા લાગે છે, વેન્ટીલેટર માં હાર્ટબીટની રેખાઓ એ ગતિ પકડી લીધી. મશીનના બીપ બીપ અવાજ જરા તેજ થઇ ગયા. રોનક ટીપોઈ પર પડેલા પાણી ના જગને પાડી દે છે. પૂજા તેને સંભાળવા માથે છે પણ એ કાબુમાં નથી આવતો, પૂજા ડોક્ટર,,,ડોક્ટર એમ બુમો પાડવા લાગે છે. નર્સ પૂજાનો અવાજ સાંભળતા જ દોડી આવે છે અને પૂજા પર તાડુકતા કહે છે, “મેડમ તમને દસ મિનીટ નું કહ્યું હતું, તમે અડધી કલાક થી અહી શું કરો છો? તમને ખબર છે કે પેશન્ટ ની હાલત ખુબ ક્રીટીકલ છે, પ્લીઝ તમે બહાર જાઓ.! રેશમા,,રેશમા..પ્લીઝ અરજન્ટ કોલ ટુ ડોક્ટર!!”
પૂજા બહાર આવી જાય છે, થોડી જ ક્ષણોમાં ડોક્ટર મોઢે માસ્ક બાંધીને રૂમમાં જાય છે. અને સારવાર આદરે છે. ડોક્ટર નર્સ પર ખીજાઈ રહ્યા હોય એવા ધીમા અવાજ પૂજાને સંભળાય છે. પૂજા ફરી નિરાશ થઈને દવાખાનાની બેંચ પર બેસી રડે છે. ડોક્ટર બહાર આવીને પૂજાને કહે છે, “મેડમ, પરવાનગી વગર પેશન્ટ્સ ને મળશો નહિ, અમે તમારા જ ભલા માટે કહીએ છીએ. મળવાનું કહેવામાં આવે ત્યારે જ મળજો.” ડોક્ટર જતાં રહે છે, પૂજાએ ડોક્ટરની વાતોમાં રસ ન લીધો, એને તો મનમાં એજ પ્રશ્ન સળવળી રહ્યો હતો કે એ ગીત પર એને એટલો ગુસ્સો કેમ આવ્યો? એ ગીત તો એનું મનપસંદ ગીત હતું, એ ગીત પૂજા અને રોનકને જોડી રાખતી ધૂન હતી. એ ધૂન વાગતા જ એણે પોતાની જાત પરથી કાબુ કેમ ગુમાવ્યો?
ક્રમશઃ