Chumbkiy Tofan - 10 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૧૦)

10. ભુકંપ

અર્જુન ઘરમાં બેઠો બેઠો શાંતિથી ન્યુઝ જોઇ રહ્યો હતો. કામ કરવાનો ઉત્સાહ અર્જુન ખોઇ બેઠો હતો. એનું મગજ હવે શાંતિ ઝંખી રહ્યું હતું. એની ઇચ્છા હવે VSGWRI જવાની બિલકુલ ન હતી. એ આસ્થા અને તનિશ્કાની સાથે રહીને શાંતિ અનુભવવા ઇચ્છતો હતો. VSGWRI ના અન્ય વૈજ્ઞાનિકો અર્જુનના આ બદલાવથી પરેશાન હતાં. જોકે ડૉ.રાધાકૃષ્ણન બધાને એવું કહીને સમજાવી રહ્યાં હતાં કે અર્જુન આ બધી પરિસ્થિતિથી ખુબ કંટાળ્યો છે એટલે એને થોડો સમય પરિવાર સાથે શાંતિથી પસાર કરવા દઇએ. જોકે અંદરથી બધા વૈજ્ઞાનિકોને એ ભય સતાવી રહ્યો હતો કે એ થોડા સમયમાં કોઇ મોટી નવાજૂની થઇ ન જાય!

આ તરફ અર્જુન ઘરમાં બેઠો માનસિક તણાવથી મુક્ત હતો. એને ખબર હતી કે અધુરા સમીકરણો સાથે પૃથ્વીના પેટાળમાં કરવામાં આવેલ વિસ્ફોટ સારા પરિણામો લાવવાનો નથી અને એટલે જ આ જીવનમાં હવે જેટલા પણ દિવસો બાકી બચ્યા છે એ બધા દિવસો અર્જુન પરિવાર સાથે વિતાવવા ઇચ્છતો હતો.

“પપ્પા... પપ્પા... આ દુનિયાભરની નદીઓમાંથી આટલી બધી વાસ કેમ આવે છે? મેં હમણાં જ ન્યુઝમાં જોયું.” તનિશ્કાએ અર્જુનના ખોળામાં બેસતા પુછ્યું.

“બેટા. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી રહ્યું છે એટલે સુર્યના પારજાંબલી સહિત તમામ હાનિકારક વિકિરણોનું પૃથ્વી પર આવવાનું પ્રમાણ વધી ગયું છે. હાલપુરતું તો એ વિકિરણોની અસર નીચે પ્રકાશસંશ્લેષણ અત્યંત ઝડપી બની ગયું છે અને એટલે જ પાણીમાં રહેલી લીલની વસ્તી અનેકગણી વધી રહી છે. પાણીમાંથી આવતી વાસ એ તેમાં વધેલી લીલના કારણે છે.” અર્જુને જવાબ આપ્યો.

“પણ પપ્પા. આ લીલના વધવાનું પ્રમાણ ક્યાં સુધી ચાલુ રહેશે?” તનિશ્કાએ બાળસહજ જિજ્ઞાસાથી પુછ્યુ.

“વધુ સમય સુધી નહી રહે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર જેમ જેમ નબળું પડતું જશે તેમ તેમ હાનિકારક પારજાંબલી કિરણો વધતા જ રહેશે. આ કિરણોની અસર નીચે કોષોને નુકસાન પહોંચવા લાગશે. પ્રકાશસંશ્લેષણ તો દૂરની વાત રહી પણ લીલના, અને આપણા પણ, કોષોને અસ્તિત્વ ટકાવવું ભારે પડી જશે. ત્યારપછી લીલનું પ્રમાણ ઘટવા લાગશે.” અર્જુને ઉંડો નિ:સાસો નાખતા કહ્યું.

“ઓહ. તો તો આવા હાનિકારક વિકિરણોના વાતાવરણમાં ઘરમાંથી બહાર નીકળવું જ ભારે પડી જશે. પપ્પા, એવા સમયે આપણે ઘરમાં જ રહીશું. બહાર નહી નીકળીએ.” બાળસહજ નિખાલસતાથી તનિશ્કા બોલી.

“હા બેટા. આપણે એમ જ કરીશું.” અર્જુન આટલું બોલતા બોલતા સહેજ ઢીલો થઇ ગયો.

“ચાલો... હવે વાતો બંધ કરો અને બાપ-દિકરી ગરમ ગરમ શીરો ખાઇ લો.” આસ્થા બધા માટે ગરમા ગરમ શીરો બનાવી લાવી હતી. આસ્થા એકમાત્ર એવી વ્યક્તિ હતી જે આખી પરિસ્થિતિ સમજતી હોવા છતાં સફળતાથી hope for the best નો ડોળ કરી બધાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ હતી. આખો દિવસ ફેમીલી સાથે જોતજોતામાં પસાર થઇ ગયો.

અર્જુન, આસ્થા અને તનિશ્કાએ એ રાત્રે ગરમાગરમ શીરો ખાધો તથા અન્ય કેટલોક હળવો નાસ્તો કર્યો. જમી-પરવારીને ત્રણેય એકસાથે બેડરૂમમાં ગયાં. એ ડબલ બેડ પર થોડી વાતો અને થોડી મસ્તી કરતાં કરતાં સુઇ ગયાં. આસ્થા અને તનિશ્કા સુઇ ગયા છે એની ખાતરી થતાં અર્જુન હળવેકથી બેડરૂમની બહાર આવી ગયો. જોકે આસ્થાને ખબર જ હતી પણ એણે અર્જુનને રોક્યો નહી. અર્જુને દિવાનખંડમાં આવી ન્યુઝ ચાલુ કર્યાં. વિશ્વમાં બની રહેલી વિચિત્ર ઘટનાઓથી હવે સામાન્ય માણસ ભયભીત બન્યો હતો. અત્યાર સુધી લોકોથી પૃથ્વી પર તોળાતા ખતરાની વાતો છુપાવવામાં આવી હતી પરંતુ કંઇ કેટલીય ઘટનાઓ તાદૃશ્ય જોયા પછી લોકો પણ કંઇક અમંગળ થઇ રહ્યું હોવાનું સમજી ગયા હતાં. એમાંય પ્રલયની વાતો ક્યાં સુધી સામાન્ય માણસોથી છુપી રહે? ‘કયામત કા દિન’ ને આવતો રોકવા પ્રાર્થનાઓ શરૂ થઇ ગઇ હતી. લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યાં હતાં. વિશ્વના અલગ અલગ ભાગમાંથી આવી રહેલા આ પ્રકારના કેટલાય ન્યુઝ અર્જુને જોયા. ન્યુઝથી કંટાળો આવતા એણે ન્યુઝ બંધ કર્યાં. ઘણા દિવસથી એ કુદરતના ખોળે ફર્યો ન હતો. એને રાત્રિના વાતાવરણમાં બહાર આંટો મારી આવવાની તીવ્ર ઇચ્છા થઇ ગઇ. એ બહાર જવાનું વિચારતો જ હતો ત્યાં ડૉ.રાધાકૃષ્ણનનો ફોન આવ્યો હોવાનું સ્પેશિયલ નોટિફિકેશન એના મોબાઇલમાં ઝબક્યું. સાદા નોટિફિકેશન તો એણે ડીસેબલ કર્યાં હતાં પરંતુ કંઇક અરજન્ટ કામ જરૂર હશે એવુ એને લાગ્યું. આમ તો અર્જુનના બધા નોટિફિકેશન સાયલેન્ટ રહેતા. એટલે એનું ધ્યાન પડે ત્યારે જ જે-તે વ્યક્તિને કોલ કરવાનો. No emergency at all. અર્જુને ડૉ.રાધાકૃષ્ણનને ફોન જોડ્યો.

“ડૉ.રાધાકૃષ્ણન, અર્જુન હીઅર.” અર્જુન બોલ્યો.

“અરે, મારા દોસ્ત, તુ ક્યાં જતો રહ્યો છે યાર. અમારે તારા માર્ગદર્શનની જરૂર છે. તું ક્યારે પરત આવે છે?” ડૉ.રાધાકૃષ્ણન અધિરાઇથી બોલી ઉઠ્યા.

“ખબર નથી સર. મારે હજી બે-ત્રણ દિવસનો બ્રેક જોઇએ છે.” ઇચ્છા ન હોવા છતાં ‘બે-ત્રણ દિવસ’ એવો શબ્દ અર્જુન વાપરી બેઠો.

“કંઇ વાંધો નહી અર્જુન. તું અંદરથી ડિસ્ટર્બ છે એટલે થોડોક આરામ કરી લે એમ હું ઇચ્છું છું. પરંતુ એક ચેતવણી આપવી જરૂરી લાગી એટલે તને ફોન કર્યો.” ડૉ.રાધાકૃષ્ણન બોલી ઉઠ્યા.

“ચેતવણી! કેવી ચેતવણી?” અર્જુને પુછ્યું.

“અર્જુન. આપણી earthquake forecast system તો તને ખબર જ છે ને! પેલા નેપાળના ભુકંપ સિવાય બાકીના કિસ્સામાં ભુસ્તરીય પ્લેટોની જટીલ હિલચાલને બખુબી પારખીને આપણે અન્ય છ ભુકંપોની આગાહી કરેલી અને એ આગાહી સાચી પડેલી. યાદ છે ને!” ડૉ.શ્રીનિવાસે પુછ્યું.

“અફકોર્સ યસ સર. એ તો યાદ જ હોય ને!” અર્જુને જવાબ આપ્યો.

“તો એના આધારે મે એક કલાક પહેલાં જ એક ડેટા તારવ્યો છે. અર્જુન, કાલે સવારે સાત-સાડા સાતની આસપાસ લગભગ છ રિક્ટર સ્કેલનો ભુકંપ આવવાનો છે એવું આ ડેટા પરથી લાગે છે.” ડૉ.રાધાકૃષ્ણન શંકા વ્યક્ત કરતા બોલ્યાં.

“શું? કાલે સવારે? ઓહ, ડૉ. રિયલી? મતલબ.. હું શું કહું? છ રિક્ટર સ્કેલનો ભુકંપ ખુબ મોટો તો નહી, પણ સરખામણીમાં મોટો જરૂર કહી શકાય, અને એ પણ કાલે?” અર્જુન જરા રઘવાયો બન્યો.

“હા અર્જુન. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે પૃથ્વીના બદલાયેલા સંજોગોમાં આપણી સિસ્ટમ વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહી એ વિશે મને શંકા છે. અને એટલે આ ભુકંપને સંભવિત ભુકંપ ગણી શકાય. પણ તોય ભુકંપનો ખતરો તો છે જ.” ડૉ.રાધાકૃષ્ણન બોલ્યા.

“ઓકે ડૉ.રાધાકૃષ્ણન. એક તો આપણી સિસ્ટમનો ડેટા ૬ રિક્ટર સ્કેલનો ભુકંપ આવવાનું અનુમાન લગાવે છે. જ્યારે અત્યારના લગભગ તમામ મકાનો ૭ રિક્ટર સ્કેલ સુધીનો ભુકંપ સહી શકે એવી ટેકનોલોજી વાળા છે એટલે બહુ ચિંતા નથી. બીજું આપણી સિસ્ટમ સાચી પડે છે કે નહી એ કાલે સવારે ખબર પડી જશે. હા, મને ખાલી એ વાતની ચિંતા છે કે કદાચ આપણી સિસ્ટમના ડેટા મુજબ ભુકંપ ન આવે પણ એનાથી વધારે એટલે કે ૬.૫ રિક્ટર સ્કેલ કે એનાથી વધારેનો ભુકંપ આવે તો લોકોને સાવચેત કરવા જરૂરી બની જાય છે. નહીતર ઘણા લોકોની જાન જઇ શકે છે.” અર્જુન બોલ્યો.

“હા. પણ વિશ્વાસપાત્ર માહિતી ન મળે ત્યાં સુધી ઓફીશીયલ વોર્નીંગ કેમની આપવી?” ડૉ.શ્રીનિવાસે પુછ્યું.

“સારૂ. તો વેઇટ એન્ડ વોચ. હું તમારી સાથે કોન્ટેક્ટમાં રહીશ. જો કંઇ તોડ મળશે તો કંઇક કરીશું નહીતર આશા રાખીએ કે સિસ્ટમની આગાહી ખોટી પડે.” અર્જુને વચગાળાનો જવાબ આપ્યો. ફોન મુક્યા બાદ પણ એના મનમાં કંઇક ખટકો રહી ગયો. હવે તો બહારની તાજી હવામાં આંટો મારવા જવું જ પડે એમ હતું. રાત્રિના ૧૨.૩૦ થયાં હતાં. તારીખ બદલાઇ ગઇ હતી. ડીજીટલ કેલેન્ડર ૩જી ઓગષ્ટ, ૨૦૩૦ની તારીખ બતાવતું હતું.

રાત્રિના અંધારામાં અર્જુન એકલો ચાલવા નીકળ્યો. રસ્તા પર તો સ્ટ્રીટ લાઇટ્સનું અજવાળુ પથરાયેલુ હતું પણ રસ્તાની સાઇડમાં અંધકાર હતો. ગાંધીનગર અન્ય મેટ્રો શહેરો જેવી રાત્રિ ચહલ-પહલ વાળુ અને night culture વાળું શહેર બનવાથી થોડું દૂર રહ્યું હતું, એટલે અહીં હજી રાત્રિનો અંધકાર, ભેંકારતા અને નિર્જનતા જેવા શબ્દોને અંશત: અનુભવવાનો લહાવો મળતો હતો. અર્જુન ચાલતો ચાલતો એના ઘરથી ખાસ્સો આગળ નીકળી ગયો હતો. અચાનક એક કૂતરૂં એની સામે આવીને ઉભું રહી ગયું. અર્જુન બે મિનિટ અટક્યો. કૂતરૂં, એ બે મિનિટ દરમિયાન અર્જુનની સામે જોઇ રહ્યું. અર્જુન પણ એની આંખોમાં જોઇ રહ્યો. અચાનક કૂતરૂં આકાશ તરફ જોઇને જોરજોરથી ભસવા લાગ્યું. અમુક સેકન્ડ પછી એણે આકાશ તરફ જ મોઢુ રાખી રડવાનું ચાલુ કર્યું. થોડી વાર રડ્યા પછી એ દોડીને જતું રહ્યું. અર્જુન આ બધા નખરા જોઇ રહ્યો. અર્જુન સહેજ આગળ વધ્યો ત્યાં તો એણે બે-ત્રણ કુતરાઓને દોડતા જોયાં. સહેજ આગળ વળી બીજા દસ-બાર કૂતરાઓના ઝૂંડને એણે બેબાકળા બની ભસતા અને નાસતા જોયું. નવાઇની વાત એ હતી કે એ બધા ઉત્તર તરફથી દક્ષિણ તરફ નાસી રહ્યાં હતાં. બધાના ભાગવાની દિશા એક જ હતી. અર્જુન આ બાબતે વિચારતો વિચારતો આગળ ચાલી રહ્યો હતો. થોડે આગળ એક વિશાળ વૃક્ષ પરથી કબુતરોનું એક ટોળુ ઉડ્યું. લગભગ સીતેર કબુતરો હશે એ ટોળામાં.. એ બધા ઉત્તરથી દક્ષિણ તરફ ઉડવા લાગ્યા. હવે એના મનમાં દહેશત આવવા લાગી. રાત્રિના એક-દોઢ વાગવા આવ્યા હતાં. આટલી મોડી રાત્રે આ રીતે કબુતરોનું ઉડવું ખરેખર અજુગતું હતું. અર્જુનને પ્રાણીઓની વર્તણૂકમાં રસ પડ્યો. એ આગળ વધતો જ રહ્યો. રસ્તામાં એક જગ્યાએ તબેલો અવતો હતો. એમાં છ-સાત ઘોડાઓ બાંધવામાં આવેલ હતાં. એ ઘોડાઓ પણ ક્યારના હણહણાટી બોલાવી રહ્યાં હતાં. એમનો માલીક ઉઠી ગયેલો અને એમને શાંત પાડવા પ્રયત્ન કરી રહ્યો હતો. અર્જુન હજી આગળ ચાલતો જ ગયો. બીજા અડધો કલાકમાં તો રાત્રિનો એ સૂનકાર કૂતરાઓના ભસવાના અવાજથી ગૂંજી ઉઠ્યો. ચારે તરફથી અચાનક જ કૂતરાઓએ ભસવાનું ચાલુ કરી દીધેલું. ઘરોમાં ચેનની નિંદર માણી રહેલા લોકો પણ એક પછી એક ધીમે ધીમે બહાર આવવા લાગ્યાં. નિશાચર અને દિવાચર એમ બંને પ્રકારના પંખીડાઓ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ઉડી રહ્યાં હતાં. અર્જુન અતિશય શાંતિમાંથી કોલાહલમાં આવી ગયો હતો. ઉંઘમાંથી ઉઠીને કેટલાક લોકો રસ્તા પર આવી ગયેલા. એમાંથી બે-ત્રણ જણાએ અર્જુનને શું થઇ રહ્યું છે એમ પુછ્યું, પણ જવાબમાં અર્જુને ખભા ઉલાળ્યા. અર્જુન ઉભો હતો એ વિસ્તારમાં થોડા થોડા કરતાં વીસેક જણ ભેગા થઇ ગયાં. અર્જુન એનું મોં ઉત્તર દિશામાં રહે તેમ ઉભો હતો. અર્જુનનું ધ્યાન આકાશમાં ગયું. ઉત્તર દિશામાં ઝાંખો કેસરી પ્રકાશ છવાઇ રહ્યો હતો. અર્જુનની નજરો ત્યાં જ ચોંટેલી હતી એટલે એ કેસરી પ્રકાશને છવાતો એ live જોઇ રહ્યો હતો. એ કોઇ સ્ટ્રીટ લાઇટ કે કોઇ ઔદ્યોગિક એકમનો પ્રકાશ ન હતો. સ્ટ્રીટ લાઇટ્સ પણ ચાલુ જ હતી. આ એનો પણ પ્રકાશ ન હતો. આ તો ઉત્તર દિશામાંથી ઉદ્ભવેલો કોઇ અલગ જ પ્રકાશ હતો. પ્રકાશ જોતા જોતા અર્જુનના મગજમાં જોરથી સ્ટ્રાઇકર વાગ્યું. ભૂતકાળમાં ઘણીવાર ભુકંપ પહેલાં આ પ્રકારે ભેદી પ્રકાશ દેખાયાના કિસ્સા નોંધાયા હતા. તો શું આ પ્રકાશ આવનારા ભુકંપની આગાહી સ્વરૂપે પથરાઇ રહ્યો હતો?

અર્જુન ઉભો હતો એ વિસ્તારની સામે જ એક પાર્ક હતો. એ પાર્કની વચ્ચોવચ મોટું નળાકાર એક્વેરિયમ મુકેલું હતું. આ ઝાંખો પ્રકાશ પથરાતા જ એમાં રહેલી માછલીઓ અતિશય ઝડપથી ઉછળકુદ કરી રહી હતી. જાણે કે એક્વેરિયમમાંથી એમને બહાર નીકળી જવું હોય એ પ્રકારની એ ઉછળકુદ હતી. અર્જુન એ એક્વેરિયમથી ખાસ્સુ પંદરેક ફૂટ દુર ઉભો હતો છતાં માછલીઓનો રઘવાટ એ સ્પષ્ટ જોઇ શકતો હતો. માત્ર માછલીઓ જ શું કામ, એ સિવાયના ઘણાબધા જીવ રઘવાટે ચડ્યા હતાં. આખું ચિત્ર ધીમે ધીમે અર્જુનના દિમાગમાં બેસી રહ્યું હતું. આ ભુકંપ પહેલાનો રઘવાટ હતો. મતલબ સાફ હતો. અહીં ભુકંપ આવવાનો હતો. (કહો કે ભુકંપ આવી રહ્યો હતો.) અર્જુને વિચારવા માટે બે મિનિટ લીધી. અર્જુનનો કામ નહી કરી માનસિક શાંતિ લેવાનો અને VSGWRI નહી જવાનો મૂડ વરાળ બની ઉડી ગયો. એણે તાત્કાલીક ફ્લાઇંગ ટેક્સીને ફોન કર્યો. દસેક મિનિટમાં એક ફ્લાઇંગ ટેક્સી અર્જુનને લેવા આવી પહોંચી. અર્જુન બીજી દસ મિનિટમાં VSGWRI પહોંચી ગયો. અચાનક અર્જુનને VSGWRIમાં આવેલો જોઇ ડૉ.રાધાકૃષ્ણન સહિતના તમામ વૈજ્ઞાનિકો હરખમાં આવી ગયાં.

અર્જુન સીધો જ કંટ્રોલ રૂમમાં પહોંચ્યો. કંટ્રોલ રૂમમાં પહોંચી એણે કમાન્ડ તરીકે એનો રેટીના સ્કેન અને એનો હાર્ટબીટ સ્કેન આપ્યો. આ કમાંડ એવો હતો કે જે એક્ટીવેટ થતાં અર્જુન જે પણ કંઇ કહે એ બધા સમાચાર માધ્યમોએ ફરજિયાતપણે પ્રસારિત કરવો જ પડે અને એના આધારે ડીઝાસ્ટર મેનેજમેન્ટની બચાવ પ્રણાલીઓ ઓટો-એક્ટીવેટ થઇ જાય. આ કમાન્ડથી અર્જુન પ્રાઇમ મિનિસ્ટરની જાણ બહાર પણ અગત્યની સુચનાઓ કોઇપણ માધ્યમ દ્વારા ઓફીશીયલી પ્રસારિત કરી શકતો. એનું વિડિયો રેકોર્ડીંગ શરૂ કરતા પહેલાં અર્જુને ડૉ.રાધાકૃષ્ણનને કહ્યું, “સર તમે સાચા છો અને લોકોને ભુકંપ બાબતે વોર્નિંગ આપવી જરૂરી છે.”

“પણ સર, જો આગાહી ખોટી પડી તો ખોટા ન્યુઝ ફેલાવવા માટે પ્રોટોકોલનો ઉપયોગ કરવા બદલ તમારી નોકરી પણ જઇ શકે છે.” અર્જુન અને ડૉ.રાધાકૃષ્ણનની વાત સાંભળી રહેલો એક યંગ સાયન્ટીસ્ટ બોલી ઉઠ્યો.

“તો ખાડામાં પડી એવી નોકરી. અત્યારે તો માહિતીના અભાવે કોઇનો જીવ ન જવો જોઇએ. પૃથ્વી રહેશે તો નોકરી અને જીવનની વાત કરી શકીશું ને!” અર્જુને સહેજ કડકાઇથી જવાબ આપ્યો.

કોડ એક્ટીવેટ થતાં અર્જુને ભુકંપની ચેતવણીસૂચક વિડીયો ગવર્નમેન્ટ ઓફીશીયલ અને સોશીયલ મિડીયા પર વહેતો કર્યો. ડૉ.રાધાકૃષ્ણનની આગાહી અનુસારનો સાત વાગ્યાનો સમય પકડીને ચાલો તો સવારે સાડા છ વાગ્યે સાયરન વાગતાની સાથે જ બધા પોતપોતાના ઘરોમાં ભુકંપપૃફ પીલરવાળી છત નીચે અથવા તો ખુલ્લા મેદાનમાં આવી જાય એવી સુચનાઓ વિડીયો દ્વારા અપાઇ ગઇ. ભુકંપની આગાહીના સમયમાં આઘા પાછી થવાની સંભાવના નકારી શકાય નહી અને એટલે બધાએ કોઇપણ સમયે ભુકંપ આવી શકે છે એવી માનસિક તૈયારી સાથે રહેવાની પણ સુચનાઓ અર્જુને આપી દીધી. આ ચેતવણીસૂચક વિડીયો ડીઝાસ્ટર મેનેજમેન્ટની ઓપરેટીંગ સિસ્ટમને ઓટો એક્ટીવેટ કરતો હતો, જેથી બચાવની જેટલી કામગીરી જ્યાં જ્યાં કરવાની હોય ત્યાં એ બાય ડીફોલ્ટ પહોંચી શકે. આમા જાનહાનિ ટાળવાનો મુખ્ય ઉદ્દેશ હતો. તમામ સુચનાઓ આપ્યા પછી તરત જ અર્જુને આસ્થાને ફોન લગાવ્યો. આસ્થા તથા તનિશ્કાને એમના ઘરમાં બનાવેલા ભુકંપપ્રૂફ ઝોનમાં રહેવા તાકીદ આપી. ડીઝાસ્ટર મેનેજમેન્ટની સિસ્ટમ ઓન થતાં જ ઓફીશીયલ્સમાં ચહલ પહલ વધી ગઇ. લોકો સુધી આ માહિતી પહોંચવા લાગી કે સવારે સાડા છ પછી ગમે ત્યારે ભુકંપ આવી શકે છે. થોડીવારમાં તો મંત્રીઓ સહિત અનેક ઓફીશીયલ્સના ફોન VSGWRIમાં આવવા લાગ્યા. ખુદ પ્રધાનમંત્રીએ અર્જુન સાથે ફોન પર વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અર્જુને એમને આખી પરિસ્થિતિ સમજાવી. પબ્લીક સુધી તમામ ન્યુઝ અને તમામ ચેતવણીઓ ઝડપથી પહોંચી રહ્યા હતાં.

સવારના સાડા છ થયાં. આખા રાજ્યમાં ભુકંપની ચેતવણીસૂચક સાયરનો વગાડી દેવામાં આવી. અર્જુન, ડૉ.રાધાકૃષ્ણન અને VSGWRIના તમામ વૈજ્ઞાનિકો ઉચાટ જીવે બેઠા હતાં. VSGWRIની લેટેસ્ટ ડીજીટલ ઘડીયાળો વચ્ચે જૂના એન્ટીક પીસ તરીકે સાચવેલ એ જૂની દિવાલ ઘડીયાળના સેકન્ડ કાંટાનો ખટ ખટ અવાજ સ્પષ્ટ સાંભળી શકાય એવો પીન ડ્રોપ સાયલેન્સ હતો. પોણા સાત થયા. ધીમે ધીમે સાત વાગ્યા. બધાના શ્વાસ વધી રહ્યાં હતાં. સવારના સાત વાગીને નવ મિનિટે ભુકંપમાપક યંત્ર સિસ્મોગ્રાફની સોયે હલનચલન બતાવવાનું શરૂ કર્યું, જે ભુકંપ શરૂ થયાનું સુચક હતું. અર્જુન અને બાકીના વૈજ્ઞાનિકો એકબીજાની સામે જોઇ રહ્યાં. આખી રાત ઉંઘ્યા પછી આળસ આમળીને બેઠી થતી હોય એમ પૃથ્વીએ ઉંચા-નીચા થવાનું શરૂ કર્યું. પ્રત્યક્ષ અનુભવી શકાય એટલી ધ્રુજારી શરૂ થઇ. રિક્ટર સ્કેલ પર ધ્રુજારીનું માપ ૪.૩ રિક્ટર સ્કેલ બતાવતું હતું. ધીમે ધીમે ધ્રુજારી વધી. રિક્ટર સ્કેલ ૫.૨ બતાવવા લાગ્યું. અચાનક એક ઝાટકો વાગ્યો. જમીનરૂપી ચાદરમાં વળ રૂપી તરંગો પસાર થઇ રહ્યાં હોય એમ આગળ-પાછળ દોલનો તો ચાલુ જ હતાં પણ હવે એક ઝાટકા સાથે એણે ડાબે-જમણે પણ ધ્રુજવાનું શરૂ કર્યું હતું. ટેકનીકલ ભાષામાં કહીએ તો પૃથ્વીને ઉપર-નીચે કરતાં P-waves (primary waves) ચાલુ હતાં અને એની પાછળ થોડીવારના અંતરે પૃથ્વીને ડાબે-જમણે એટલે કે સાઇડમાં હલાવતાં S-waves (secondary waves) પણ આવી પહોંચ્યા હતાં. ભુકંપ વધવા લાગ્યો. અર્જુન ઉભો થવા ગયો પણ હાલક-ડોલક થતી ધરા પર ઉભુ રહેવું એટલું પણ આસાન ન હતું. બધા વૈજ્ઞાનિકોના ચહેરા પર દહેશત છવાયેલી હતી. અર્જુને બારીમાંથી બહાર જોયું તો સામે ઉભેલું તાડનું ઝાડ ઘડિયાળના લોલકની માફક દોલનો કરી રહ્યું હતું.