Chumbkiy Tofan - 11 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૧૧)

11. વાદળો જ વાદળો

ભુકંપ ચાલુ હતો અને અર્જુન ઉભો થવા ગયો પણ સંતુલન ન જળવાતા પડી ગયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ ભુકંપ ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી ચાલી રહ્યો છે. રિક્ટર સ્કેલ પરના આંકડા સતત વધે જતાં હતાં. રિક્ટર સ્કેલ છેક ૯.૫ સુધી અને થોડીવાર પછી ૯.૬ સુધી પહોંચ્યો. આ ૯.૬નો ભુકંપ સતત અગિયાર મિનિટ પચાસ સેકન્ડ સુધી ચાલ્યો. વિશ્વના ઇતિહાસનો આ સૌથી લાંબો ચાલનારો ભુકંપ હતો. ૨૨ મે, ૧૯૬૦ના રોજ ચિલીમાં આવેલ ભુકંપ વિશ્વના ઇતિહાસનો સૌથી ભયાનક ભુકંપ હતો જેનો રિક્ટર સ્કેલ ૯.૫ હતો. એ લગભગ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો. ગુજરાતના આજના આ ભુકંપે એનો રેકોર્ડ તમામ રીતે તોડી નાંખ્યો. રિક્ટર સ્કેલમાં પણ અને કુલ સમયમાં પણ.. જોકે રેકોર્ડ્સને બાજુ પર રાખીએ તો લોકોમાં આ ભુકંપે અકલ્પનીય દહેશત જગાડી હતી. ભુકંપનું એપીસેન્ટર ગુજરાતના કચ્છ જિલ્લામાં હતું. કારણ કે કચ્છ ભુસ્તરીય ઝોન – ૫ માં આવે છે એટલે એપીસેન્ટર ત્યાં હોવું સાહજીક હતું. આ ભુકંપની તીવ્રતા જોતાં એ આખા ભારતમાં અનુભવાયો હતો. લોકો માટે આ ભુકંપ એવો હતો જે પુરો જ નહોતો થતો. લગભગ બાર મિનિટ સુધી સતત ભુકંપ અનુભવી રહેલા લોકોની ધીરજ ખુટી ગયેલી અને રોકકળ મચી ગયેલી. ‘આ ભુકંપ પુરો કેમ નથી થતો?’ એ કોમન વાક્ય લગભગ તમામને મોઢે હતું. આખરે એ કાળમુખી બાર મિનિટ પુરી થઇ. દહેશતમાં રહેલા વૈજ્ઞાનિકોને જરાક કળ વળી. બધાયે પહેલું કામ પોતાના પરિવારજનોને ફોન કરવાનું કર્યું. અર્જુને પણ આસ્થા અને તનિશ્કા સાથે વાત કરી લીધી. હવે ભુકંપે કરેલી તબાહીનો તાગ મેળવવાનું કામ કરવાનું હતું. બધા વૈજ્ઞાનિકો એક પળનોય વિલંબ કર્યા વિના એમાં લાગી ગયાં. VSGWRIના કંટ્રોલ રૂમમાં મળેલી માહિતી અનુસાર ભારતના આ ભયાવહ ભુકંપની અસર આજુબાજુમાં તમામ દેશોમાં વર્તાઇ હતી. ડૉ.સ્મિથ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા આ બધો તાગ કાઢી રહ્યાં હતાં. એમણે પોતાના તારણો રજૂ કરતાં કહ્યું કે પશ્ચિમમાં અડધા યુરોપ સુધી અને પૂર્વમાં જાપાનથી પણ આગળ પ્રશાંત મહાસાગરમાંના કેટલા ટાપુઓ સુધી આ ભુકંપની ધ્રુજારી અનુભવાઇ હતી. ધીરે ધીરે ગુજરાતમાં થયેલ તબાહીના આંકડા મળવા લાગ્યા. અદ્યતન તકનીકો વડે બનેલા મકાનો આ તીવ્ર ભુકંપ સામે ઝીંક ઝીલી શકે એવા હતાં અને ભુકંપની જાણ પણ વહેલી કરી દેવામાં આવી હતી એટલે નુકસાન નહીવત હોવું જોઇએ, પરંતુ ભુકંપની તીવ્રતા અને ઐતિહાસિકતા કોઇપણ અનુમાનને ખોટું પાડવા સક્ષમ હતાં. ૨૦૩૦માં પણ કેટલાક લોકો એવાં હતાં જેઓ ગરીબી રેખાની નીચે જીવન વિતાવતા હતાં, એમના જાનમાલના નુકસાનો અંદાજો મેળવવો જરૂરી હતો. બાકીના તો મોટાભાગના સુરક્ષિત હતાં. છેલ્લી માહિતી અનુસાર ત્રીસ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતાં. ભુકંપના લીધે અલગ અલગ જગ્યાએ એ લોકો પર ઝાડ પડ્યા હતાં જેના કારણે એમના મૃત્યુ થયા હતાં. કેટલીક જગ્યાએ માલ-મિલકતનું થોડું નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ રસ્તાઓ તુટી ગયા હતાં અને રસ્તાઓમાં તિરાડ પડી ગઇ હતી.

આખો દિવસ એ જ દોડાદોડીમાં પસાર થયો. પૃથ્વીમાં પેદા થયેલ ડિસ્ટર્બન્સીસને અમેરિકન સરકાર દ્વારા ભુગર્ભમાં કરવામાં આવેલ વિસ્ફોટથી વેગ મળ્યો હતો. ડૉ.સ્મિથ અહીં આવ્યા ત્યારના આજનો આ ભુકંપ થયો ત્યાં સુધી કમ્પ્યુટર પર એ જ ગણતરીમાં વ્યસ્ત હતાં કે એનાથી પૃથ્વીમાં પેદા થયેલ ડિસ્ટર્બન્સીસ કેટલા વેગવાન બનશે. ડૉ.સ્મિથ સહિતના અનેક અમેરિકન વૈજ્ઞાનિકો અમેરિકન સરકારના વિરોધી બન્યા હતાં. આ તરફ વિશ્વમાં અમેરિકા પછી ભારત બીજા નંબરની મહાસત્તા બની હતી અને એટલે ભારતના વૈજ્ઞાનિકોનું પ્રતિનિધિત્વ કરતા અર્જુનને એ તમામે આગેવાન બનાવ્યો હતો. એ બધા અર્જુનની સાથે હતાં. બપોર સુધી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. પરંતુ તમામ વૈજ્ઞાનિકોના ઘરેથી સતત ફોન આવી રહ્યાં હતાં. રેકોર્ડ બ્રેકીંગ ભુકંપે તમામના મનમાં કંઇક અમંગળ થવાની જોરદાર દહેશત ફેલાવી દીધી હતી. આ વાત અર્જુનના ધ્યાન બહાર ન હતી. અચાનક આસ્થા અને તનિશ્કા ત્યાં આવી પહોંચ્યાં. આટલા તીવ્ર ભુકંપ પછી આસ્થા અને તનિશ્કા અર્જુનને લઇને ચિંતિત હતાં એટલે આસ્થા પોતાને રોકી શકી નહી અને તનિશ્કા સાથે VSGWRI આવી પહોંચી. એ બંને એટલા ગભરાઇ ગયાં હતાં કે અર્જુનને ભેટીને રડી પડ્યાં. અર્જુન હવે કઠોર પરિસ્થિતિથી સહીને મક્કમ બન્યો હતો એટલે એ રડ્યો નહી. અર્જુને એ બંનેને સાંત્વના આપી. સાથે સાથે એ બંનેને અહીં જ રોકાઇ જવા જણાવ્યું. એ એમને પોતાની કેબીનમાં લઇ ગયો. સોફા પર બેસાડ્યા. અહીં રહેવા-જમવાની વ્યવસ્થા હતી એટલે એ લોકો રોકાય એમાં ખાસ વાંધો ન હતો. આસ્થાને હવે ધરપત થઇ. પણ અર્જુન કંઇ ઓર વિચારતો હતો. જો એના ફેમિલીને આટલી તકલીફ પડે છે તો બીજા વૈજ્ઞાનિકોના ફેમિલી પણ આવી જ રીતે પરેશાન થતાં હશે ને! એણે તાત્કાલીક એડમિન વિભાગમાં ઓરલ ઓર્ડર કરી દીધો અને કેટલીક સુચનાઓ આપી. આ સુચનાઓમાં મુખ્યત્વે એ હતું કે જે વૈજ્ઞાનિકો ઇચ્છતા હોય એ તમામ વૈજ્ઞાનિકોના ફેમિલી માટે VSGWRIની બાજુની જ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવી. જેથી એ ઇચ્છે ત્યારે ફેમિલીને મળી શકે અને એમને કોઇ દહેશત રહે નહી.

આસ્થા અને તનિશ્કાને પોતાની કેબિનમાં સુરક્ષિત રાખી અર્જુન ફરી પાછો કામે વળગ્યો. હવે તો પૃથ્વી પર હવે કઇ નવી મુસીબત આવશે એ નક્કી કરી શકાય તેમ ન હતું છતાં અર્જુન સહિતના વૈજ્ઞાનિકો એ ભગીરથ કાર્યમાં લાગ્યા હતાં. અર્જુનને મિડીયા મારફતે ફરીથી સંદેશો પ્રસારિત કરવો મુનાસિબ લાગ્યો. આ વખતે સંદેશો જોકે અલગ હતો. ‘કંઇક અજૂગતું દેખાય તો અમને કહો’ વાળું કેમ્પેઇન વેગવાન કરવામાં આવ્યું. હાલ પુરતા ભારતના (અને ફોર ધેટ મેટર દુનિયાના) બધા લોકોને સંદેશો પહોંચાડવામાં આવે કે કંઇક અજૂગતું દેખાય તો VSGWRI ને જાણ કરવી એવો મુખ્ય ઉદ્દેશ હતો. અર્જુને તાત્કાલીન વડાપ્રધાનની મંજુરી લઇને પ્રથમવાર જ પબ્લીક સામે એ વાતનો પરોક્ષ રીતે સ્વીકાર કર્યો કે પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે અને પૃથ્વી પર જોખમ તોળાઇ રહ્યું છે. અર્જુને સંદેશામાં જણાવ્યું કે આપણે બધાએ જ આપણા પરિવારોને સાચવવાના છે. એણે સંદેશામાં ભુકંપ, જ્વાળામુખી, ટોરનોડે, સુનામી વગેરે આવે તો સાવચેતીના ભાગરૂપે શું કરવું વગેરે વિશે છણાવટ અને માર્ગદર્શન આપ્યું. ઉપરાંત કોઇપણ માધ્યમથી સરકારના તથા સરકાર તરફથી આવતી સુચનાઓના સંપર્કમાં તેમજ એકબીજાના સંપર્કમાં રહી આવનારા સંકટનો સામનો કરવો, એવી સુચનાઓ આપી.

કામ પતાવી અર્જુન થોડીવાર એની કેબીનમાં બેઠો. બપોર વીતવા લાગી હતી. અચાનક આસ્થાએ એનું ધ્યાન દોર્યું કે જમીનમાં સહેજ ધ્રુજારી આવી રહી છે. અર્જુનને પણ ધ્રુજારી અનુભવાઇ. એ તરત જ કંટ્રોલ રૂમ તરફ દોડ્યો. ખરેખર સિસ્મોગ્રાફે (ભુકંપમાપક યંત્ર) ભુકંપનો હળવો આંચકો નોંધ્યો હતો. આ આફ્ટર શોક હતો અને હજુ બીજા ઘણા આફ્ટરશોક નોંધાવાની સંભાવના હતી. એકાદ કલાકમાં બીજો એક હળવો આંચકો નોંધાયો. બંનેનો રિક્ટર સ્કેલ ૩.૫ થી ૪.૨ ની વચ્ચેનો હતો. પરંતુ મુખ્ય ભુકંપની જોરદાર તીવ્રતા જોતા આફ્ટરશોક્સ હજી વધુ તીવ્રતાના આવવાની સંભાવના પુરેપુરી હતી. સાંજના લગભગ પાંચ વાગ્યાની આસપાસ સુધીમાં છુટાછવાયા ત્રણેક આફ્ટરશોક્સ નોંધાયા. અર્જુનનું ધ્યાન તો કામમાં જ હતું અને આસ્થાએ કંટ્રોલ રૂમમાં આવી.

“અર્જુન. મને એવું લાગે છે કે ખુબ હળવી ધ્રુજારી સતત ચાલી રહી છે. છેલ્લી પાંચેક મિનિટથી હું સતત હળવી ધ્રુજારી મહેસૂસ કરી રહી છું. તમે એના પર ધ્યાન રાખી એને અનુભવી જુઓ” આસ્થાએ અર્જુનનું ધ્યાન દોર્યું.

અર્જુન તરત જ ડીજીટલ સિસ્મોગ્રાફ તરફ ગયો. ત્યાં ખરેખર ૨.૪ ની આસપાસની તીવ્રતા સતત ડીસ્પ્લે થતી હતી. અર્જુને ખાસ્સુ અડધો કલાક સુધી મોનીટરિંગ કર્યું. તીવ્રતા સહેજ ઘટી હતી પણ તોય ૨.૧ ની આસપાસની તીવ્રતા સતત ચાલુ હતી. મતલબ કે ધરા સતત ધ્રુજી રહી હતી. ધીમી તાલે ઝીણી ઝીણી અકળ ધ્રુજારી અનુભવી શકાતી. આ ધ્રુજારી બંધ કેમ નહોતી થઇ રહી એ એક પ્રાણપ્રશ્ન હતો. ભારતના ભુકંપથી સાબદા બનેલા અમેરિકન વૈજ્ઞાનિકો પણ હવે દોડધામમાં લાગ્યા હતાં. અમેરિકન સરકારથી સ્વતંત્ર રહીને ત્યાંના બુધ્ધીશાળી વૈજ્ઞાનિકો વિશ્વના અન્ય વૈજ્ઞાનીકો સાથે સંપર્કમાં રહી કામ કરી રહ્યાં હતાં. એમના માટે હવે અર્જુન અને અન્ય કેટલાક વિજ્ઞાનીઓ જ આખરી સહારો હતાં. બીજી તરફ અમેરિકન સરકારને પોતાની ભુલ સમજાઇ હતી. એ પણ હવે પોતાની ભુલો સુધારી પૃથ્વીને બચાવવાના પ્રયત્નોમાં સાથ આપવા આતુર હતાં.

આ તરફ પેલી અકળ ધ્રુજારીનું સતત મોનીટરીંગ ચાલુ હતું. રાતના લગભગ ૧૧ વાગે પણ આ ધ્રુજારી ચાલુ હતી પણ ૪૮ કલાકથી સતત કામ કરી રહેલો અર્જુન આખરે થાક્યો. થોડીક ઉંઘ લેવી જરૂરી હતી. એને થાક પણ સખત લાગ્યો હતો એટલે થોડી વાર એ સુઇ ગયો. આસ્થાએ અર્જુનને ઉઠાડ્યો ત્યારે સવારના સાત વાગ્યા હતાં. અર્જુન ફટાફટ ફ્રેશ થઇ ગયો. જેવો એ એની કેબીનમાંથી બહાર આવ્યો કે તરત જ એની અપેક્ષા મુજબનો સુર્યપ્રકાશ એની નજરે ચડ્યો નહી. એણે જરા બહાર ડોકીયું કર્યું. કાળા ડિબાંગ વાદળો થયા હતાં. આજે સવારથી જ વાતાવરણ સખત અંધારેલું હતું. સાંજથી કાળરાત્રિ તરફ જઇ રહ્યું હોય એવું વાતાવરણ સવારે આઠ વાગે હતું. ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો. એક રાત્રિમાં જ વાતાવરણમાં ધરખમ ફેરફાર આવ્યો હતો.

અર્જુન કંટ્રોલ રૂમમાં આવ્યો એ સાથે એક નવું સરપ્રાઇઝ મળ્યું. આખી દુનિયામાં લગભગ બધા સ્થળોએ એકસાથે વાદળો છવાયા હતાં. આમ તો આ વાત પૃથ્વીની ભુગોળ જોતાં અશક્ય હતી, પણ અત્યારે એ અશક્ય જ શક્ય થઇ રહ્યું હતું. દુનિયાના દરેક ભાગમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. આજે સવારથી આખી પૃથ્વી પરથી એકસાથે સુર્યપ્રકાશ ગાયબ થઇ ગયો હતો.

“આ વળી નવી મુસીબત આવી!!!” અર્જુન મનમાં બબડ્યો.

અર્જુન ઉચાટ જીવે દુનિયાના તમામ વૈજ્ઞાનિકોના સંપર્કમાં હતો. અમુક દેશોમાં અરાજકતા સર્જાઇ હતી. ભુકંપ, તબાહી અને વિશ્વવિનાશની વાતો ઉડતી થઇ એટલે લોકો રઘવાટે ચડ્યા હતાં. કંઇ કરી ન શકવાની હતાશા એમને હિંસા કરવા પ્રેરતી હતી. પોતાનો ગુસ્સો સરકાર પર ઉતારવા ફ્રાન્સ, યુ.કે., અમેરિકા સહિતના ઘણાખરા દેશોમાં હિંસાત્મક વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં હતાં. જ્યાં લોકોની જીજીવિષા પર મૃત્યુનો ડર હાવી થઇ ગયો હોય ત્યાં એમને સમજાવવાની કોઇ શક્યતા ન હતી. ઘણીબધી જગ્યાએ સામુહિક પ્રાર્થનાઓ થઇ રહી હતી. હવે પ્રાર્થના એજ બાકી વધેલો છેલ્લો ઉપાય હતો. આવી જ અરાજકતા વૈજ્ઞાનિક આલમમાં પણ હતી. ફ્રાન્સ જેવા દેશોના વૈજ્ઞાનિકોએ પોતાની રીતે વાતાવરણના ઉપલા સ્તરમાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કેટલાક કેમીકલ છાંટવાના નુસખા અજમાવ્યા હતાં, એ પણ વિશ્વની વૈજ્ઞાનિક આલમની જાણ બહાર! હવે કોઇ કોઇને કંઇ કહી શકે એમ ન હતું. દરેક દેશમાં કુદરતી આપત્તિઓના નાના મોટા બનાવો બની રહ્યાં હતાં. ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો હતો. બપોર સુધી ધીમી ધારે ચાલેલા વરસાદે બપોરે લગભગ ૧ વાગ્યા પછી મોટુ સ્વરૂપ ધારણ કર્યું. વરસાદ ખાસ્સો વધ્યો હતો. એ આખો દિવસ જોરદાર વરસાદ આવ્યો. એ રાત્રે કોઇ ચેનથી ઉંઘી શક્યું નહી. બીજા દિવસે એટલે કે ૫મી ઓગષ્ટના રોજ પણ દિવસ અંધકાર ભરેલો જ ઉગ્યો. આજે સુર્ય ગ્રહણ હતું. ખગ્રાસ સુર્યગ્રહણ. છેલ્લે આજ તારીખે એટલે કે ૫મી ઓગષ્ટ, ૧૯૯૯ના રોજ ભારતમાં ખગ્રાસ સુર્યગ્રહણ દેખાયું હતું. આજનું ગ્રહણ જોવાનો એક વર્ષ પહેલાનો ઉત્સાહ અનેરો હતો. પણ આ એક વર્ષમાં બધું બદલાઇ ગયું હતું. આજે તો વાતાવરણ એટલું અંધારેલું હતું કે સુર્યગ્રહણ વડે થતો અંધકાર બરાબર દેખાય પણ નહી. આખરે એમ જ થયું. લગભગ ૧૧ વાગીને ૧૫ મિનિટે ગ્રહણ થયું. વાતાવરણ અંધકારથી ભરેલું હતું, પણ જ્યારે ચંદ્રએ સુર્યને પુરેપુરો ઢાંકી દીધો ત્યારે પૃથ્વી પરના અંધારામાં સહેજ વધારો થયો, જેની કોઇ નોંધ લેવાઇ નહી.

બે દિવસથી સતત વરસી રહેલા વરસાદે સાંજ પડતા પડતા તો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. વરસાદ ઘટવાનું તો નામ જ લેતો ન હતો, ઉલટું સતત વધી રહ્યો હતો.