Chumbkiy Tofan - 12 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૧૨)

12. અંત

૫ મી ઓગષ્ટથી શરૂ થયેલો વરસાદ ચાર દિવસથી સતત વરસી રહ્યો હતો. આજે ૯ મી ઓગષ્ટ હતી. વરસાદ અનરાધાર વરસી રહ્યો હતો. આખી દુનિયામાં એકસાથે શરૂ થયેલા આ વરસાદે સૌને અચરજમાં તો નાંખ્યા જ હતાં પણ વધુ તો ચિંતા કરતાં કરી દીધા હતાં. આખી દુનિયાના બધા વૈજ્ઞાનિકો તો એકબીજાના સતત સંપર્કમાં હતાં પણ દુનિયાના તમામ દેશોના નેતાઓ પણ એકબીજાના તેમજ તમામ વૈજ્ઞાનિકોના સંપર્કમાં હતાં. શું થઇ રહ્યું હતું એ સ્પષ્ટ હતું પણ એને રોકવું કેમ એ બાબતમાં કોઇને કંઇ ગતાગમ પડતી ન હતી. વરસાદે દુનિયાભરના દેશોમાં અફરાતફરી પેદા કરી દીધી હતી.

બીજી તરફ અહીં VSGWRIમાં સિસ્મોગ્રાફ ધ્રુજારી બતાવી રહ્યું હતું. ધરતી સતત ધ્રુજી રહી હતી, અલબત્ત ધીમા તાલે. અર્જુન વરસાદના પ્રશ્નમાં આ પ્રશ્ન ભુલી જ ગયેલો. એણે આ ધ્રુજારીને આફ્ટરશોક્સ સમજી લીધા હતાં. પરંતુ આ વાત પર આસ્થા સતત ધ્યાન રાખી રહી હતી. આસ્થા VSGWRIની સભ્ય તો ન હતી છતાં તેનું ધ્યાન ક્યારનુંય સિસ્મોગ્રાફ પર હતું. ગઇકાલ કરતાં આજે, હકીકતમાં હાલ થોડીવાર પહેલાં જ, આ ધ્રુજારીનું પ્રમાણ વધ્યું હતું. એ વધીને ૪.૧ રિક્ટર સ્કેલ થયું હતું. આ એટલું માપ હતું કે ત્યાં રહેલા તમામ લોકોને હળવી ધ્રુજારી અનુભવી શકાતી હતી. આસ્થાએ અર્જુનનું ધ્યાન દોર્યું. અર્જુનને પણ વાત સ્વીકારવા લાયક લાગી અને ચિંતાજનક પણ..!! એજ વખતે કંટ્રોલ રૂમની લાર્જ સ્ક્રીન પર ન્યુઝ ઝબક્યાં કે ઇન્ડોનેશીયાનો જ્વાળામુખી ધડાકાભેર ફાટ્યો છે. ઇતિહાસની સૌથી વધારે એવી નેવર બિફોર જેવી રાખ અને લાવા એ ઓકવા લાગ્યો છે. એકાદ મિનિટમાં તો એ ઘટનાના લાઇવ વિડિયોઝ આવવા લાગ્યાં. બધા કુદરતના એ ભયાવહ સ્વરૂપને નજીકથી અને ડરથી જોઇ રહ્યાં.

હવે તો વરસાદ સતત વધી રહ્યો હોય એવું જણાતું હતું. વધુ બે દિવસ સુધી વરસાદ ચાલ્યો એટલે વરસાદનું પ્રમાણ ભયજનક શબ્દની સપાટીને વટાવી ગયું. આજે ૧૧મી ઓગષ્ટ હતી. કેટલાય નિષ્ફળ પ્રયત્નો પછી હવે પૃથ્વીને બચાવવા કઇ દિશામાં પ્રયત્નો કરવા એ અંગે બધા દેશોની સરકારો તેમના વૈજ્ઞાનિકો સાથે વાત કરી રહી હતી. અર્જુન સાથે ભારતના પ્રધાનમંત્રી સતત સંપર્કમાં હતાં. અમેરિકાએ મનસ્વીપણે ભુગર્ભ બ્લાસ્ટ કર્યો ત્યારથી વિશ્વ સંગઠન જેવું કંઇ રહ્યું ન હતું. હમણાં જ ચીને પણ વરસાદ બંધ કરવા વાદળોમાં કેટલાંક કેમીકલ્સનો છંટકાવ કરાવેલો પણ નુસખો નિષ્ફળ નીવડ્યો. હવે જે દેશના વૈજ્ઞાનિકોને કોઇ ઉપાય અજમાવવા લાયક લાગે એ અજમાવી જોતાં. કદાચ આને જ વૈજ્ઞાનિક અરાજકતા કહેવાતી હશે. અર્જુને પ્રધાનમંત્રીને ભારત તરફથી એક છેલ્લો પ્રયત્ન કરવા માટે સૂચન કર્યૂં. એનો અમલ પણ તરત જ કરવામાં આવ્યો. ૧૧મી ઓગષ્ટની સાંજ સુધીમાં તો એ ઉપાય અજમાવી જોવાયો અને એનું પરિણામ પણ આવી ગયું. અર્જુને વરસાદી વાદળોમાં સિલ્વર આયોડાઇડ (AgI) અને સુકો બરફ (ઘન કાર્બન ડાયોક્સાઇડ – સુકો બરફ) નાં મિશ્રણનો છંટકાવ કરવાનું સૂચન કરેલું. આમ તો વરસાદ બંધ કરવા માટેનું આ ઉંધુ સૂચન હતું કારણ કે વરસાદ ન આવે ત્યારે તેને લાવવા માટે આ મિશ્રણ વપરાતું હતું. જ્યારે અહીં તો વરસાદ બંધ કરવાનો હતો. આમાં અર્જુનની ઉંધી ગણતરી એવી હતી કે છંટકાવ પછી વાદળો અમુક સમયમાં એકસાથે સમગ્ર વરસી જાય. ભલે અમુક ભાગોમાં પૂર આવે, પણ સામે વાદળો હટીને સુર્યપ્રકાશ નીકળે એ અર્જુનને મન મહત્વનું હતું. જો સુર્યપ્રકાશ નીકળશે તો આ જોખમનો સામનો કરી શકાશે. સુર્યપ્રકાશ માટે એ પૂરનું જોખમ લેવાં તૈયાર હતો. ઇન્ડીયા તરફથી પૃથ્વીને બચાવવાનો એ વધુ એક પ્રયાસ હતો. પણ એ દિવસે સાંજે જે ડેટા આવ્યો એ નિરાશાજનક હતો. ઇન્સટંટ ઇફેક્ટ માટે પંકાયેલ આ મિશ્રણની વાદળો ઉપર કોઇ અસર થઇ નહી. વાદળો તો અવિચળ પર્વતની જેમ અડગ ઉભા હતાં. વિજ્ઞાન એટલે આમ તો વિશિષ્ટ જ્ઞાન પણ અહીં હાલપુરતો વિજ્ઞાનનો મતલબ અજ્ઞાન એવો થઇ રહ્યો હતો. પૃથ્વી પરની અદ્યતન તકનીકો વડે પણ કેમેય કરીને પૃથ્વી પરના સંકટના વાદળો દુર કરી શકાતા ન હતાં. ટેક્નોલોજીની વિશાળતા પૃથ્વીની વિશાળતા આગળ વામણી સાબિત થઇ રહી હતી. છેલ્લા ૫૦ વર્ષની વૈજ્ઞાનિક પ્રગતિમાં વૈજ્ઞાનિકો આટલાં નિરાધાર ક્યારેય ન હતાં.

કેલેન્ડરમાં દિવસ બદલાયો પણ પરિસ્થિતિ નહી. આજે ૧૨ મી ઓગષ્ટ હતી. દુનિયાના મોટાભાગના નીચાણવાળા પ્રદેશો પૂરનો સામનો કરી રહ્યાં હતાં. વરસાદે માઝા મુકી હતી. એને જોઇને માત્ર પ્રલયના જ અંદેશાઓ મળતાં હતાં. હવે તો દિવસ પણ જાણે રાત જ બની ગયો હોય એ હદનો અંધકાર છવાઇ ગયો હતો. પેલી ધીમી ધ્રુજારી પણ હવે વધતાં વધતાં ૪.૩ ઉપર પહોંચી હતી. અમુક દેશો એમની રીતે છુટાછવાયા અખતરાઓ કરી રહ્યાં હતાં પણ આ અવિચળ વાદળો કોઇનેય દાદ આપતાં ન હતાં. એજ માહોલમાં વધુ એક દિવસ પસાર થઇ ગયો. આજે ૧૩મી ઓગષ્ટ હતી. એજ પરિસ્થિતિ, એજ વાતાવરણ અને એજ ઉચાટ જીવે બધાં વરસતા વરસાદને અને એનાથી સતત વધી રહેલા પાણીના સ્તરને જોઇ રહ્યાં હતાં. નવ દિવસથી સતત અને સખત વરસતા વરસાદે કેટલાય ટાપુ દેશોને સંપુર્ણ ડુબાડી દીધાં હતાં અને એ કારણે માનવખુવારીનો આંક પણ મોટો હતો. સમુદ્રની સપાટી વધી રહી હતી. વિશ્વના દરેક નીચાણવાળા વિસ્તાર માટે આ જીવન-મરણનો પ્રશ્ન થઇ ગયો હતો. શું ખબર આ મનુષ્યજાતિના જ જીવન-મરણનો પ્રશ્ન હોય!

બપોરના સમયે લેટેસ્ટ ડેટાના આધારે ડૉ.સ્મિથે જાહેર કર્યું કે હવે પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ અમેરિકાના વાયોમિંગ રાજ્ય પાસે પહોંચ્યો છે અને એ દક્ષિણ અમેરિકા ખંડ તરફ આગળ વધી રહ્યો છે. એની movement ના કારણે વાતાવરણનું ડીસ્ટર્બન્સ વધી રહ્યું હતું. ધરાની ધ્રુજારી પણ એનાં જ કારણે હતી. આ એજ વાયોમિંગ રાજ્ય હતું જેનાં યલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાત અર્જુન અને ડૉ.સ્મિથે થોડા સમય પહેલાં લીધી હતી. આ બધી વાતચીતને માંડ અડધો કલાક થયો હશે ત્યાં ખળભળાટ મચાવતા ન્યુઝ આવ્યાં કે વાયોમિંગનો સેન્સીટીવ ઝોન ઉપર રહેલો યલોસ્ટોન નેશનલ પાર્ક બ્લાસ્ટ થયો હતો. મતલબ કે એની નીચેની જમીનનો પોપડો તીવ્ર ધડાકા સાથે ફાટ્યો હતો. આમેય એ જ્વાળામુખ ઉપર આવેલો હતો અને એટલે જ તો એમાં ગરમ પાણીના ઝરા હતાં. એ યલોસ્ટોનનું નામોનિશાન મટી ગયું હતું અને હાલ એના સ્થાને ઉંડી ખીણ સિવાય કંઇ ન હતું. થોડીવાર સુધી કોઇ કંઇ બોલ્યું નહી. અર્જુન શૂન્યમનસ્ક ભાવે વરસતા વરસાદને જોઇ રહ્યો. વરસાદ એજ રૌદ્ર ભાવ સાથે અનરાધાર વરસી રહ્યો હતો.

અહીં એ પ્રશ્ન જરૂર થાય કે વાદળોમાંનું પાણી ખાલી કેમ થતું નહોતું? આટલું અનરાધાર બળ એનામાં આવ્યું ક્યાંથી? કારણ કે વિશ્વનાં કંઇ કેટલાય સ્થળો એવાં છે જ્યાંના જ્વાળામુખ દરિયાને અડીને આવેલાં છે. એમાંથી બહાર નીકળતા લાવાનું પ્રમાણ અનેકગણુ વધી ગયું હતું. એ લાવા પાણીના સંપર્કમાં આવતાં જ પાણી વરાળ બની જતું. ઉપરાંત ભુસ્તરીય પ્લેટોમાંની ઘણી ફોલ્ટ લાઇનો દરિયાના પેટાળમાં હતી અને આવી ફોલ્ટ લાઇનોની સંખ્યા ઘણી વધી ગઇ હતી. આ ફોલ્ટ લાઇનો પ્રેશર સાથે લાવા ઓકતી, જે તત્ક્ષણ પાણીના સંપર્કમાં આવી વરાળ પેદા કરતો. બીજી તરફ સક્રિય જવાળામુખો લાવાની સાથે સાથે રાખ, ધુળ અને ઘટ્ટ વાયુઓ ઓકી રહ્યાં હતાં. પાણીની વરાળ આ બધા સાથે સંયોજાઇને વાદળો અને વરસાદ બનાવતી હતી. બદલાયેલી પરિસ્થિતિ સાથે જ્વાળામુખીના રાખ, ધૂળ અને ભુગર્ભના લાવાનું પ્રમાણ વધતાં પાણીની વરાળનું અને પરિણામે વાદળોનું પ્રમાણ વધતું જતું હતું. પાણીની આ વરાળનું પ્રમાણ ઘણું વધારે હતું એટલે વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો.

ઉચાટ જીવે વધુ એક દિવસ વીત્યો. ૧૪મી ઓગષ્ટની એ સવારે અંધારેલા વાતાવરણમાં ભયંકર વરસતા વરસાદમાંથી તડ..તડ... અને ઘુ..ઘુ.. જેવાં અવાજો આવવા લાગ્યા. છુટાછવાયા અને ઉદાસ બેઠેલા વૈજ્ઞાનિકો કંટ્રોલ રૂમમાં ભેગા થઇ ગયાં. અચાનક એક વૈજ્ઞાનિકે અર્જુનને કહ્યું,

“સર, મને લાગે છે કે વરસાદના ટીંપાઓમાં સ્પાર્ક થઇ રહ્યો છે.”

“શું? એટલે તું એવું કહેવા માંગે છે કે વરસાદમાંથી કરંટ પસાર થઇ રહ્યો છે?” અર્જુને આશ્ચર્ય અને આઘાતના મિશ્ર ભાવ સાથે પુછ્યું. એને વરસાદના પાણીનું એ ટીંપુ યાદ આવી ગયું જેણે દિલ્હીમાં પ્રાઇમ મિનિસ્ટરની ઓફીસના કમ્પાઉન્ડમાં એને કરંટ મહેસૂસ કરાવ્યો હતો.

અર્જુનના “શું?..” વાળા પ્રશ્નના જવાબમાં કોઇ કંઇ બોલ્યું નહી. બધાં એ વિશાળ સ્ક્રીન સામે જોઇ રહ્યાં, જેમાં દુનિયાભરમાંથી કરંટ વિશેના ન્યુઝ આવવા લાગ્યાં હતાં.

અર્જુન સફાળો દોડીને સીધો જ VSGWRIની છત પર પહોંચ્યો. અર્જુન છત પર સીઢી પાસે રહેલા એક શેડ નીચે ઉભો હતો. એણે વરસતા વરસાદના પાણી પર હાથ લંબાવ્યો ત્યાં એને હળવો ઝાટકો લાગ્યો. ખરેખર વરસાદમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઇ રહ્યો હતો. જો આ ઘટના વધી જશે તો?? અર્જુનનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. એ થોડીવાર ત્યાં ઉભો રહ્યો. અડધો કલાકમાં એની એ દહેશત પણ સાચી પડી ગઇ. એના પગને વરસાદનું જે જળ પખાળતું હતું એમાંથી પણ હવે કરંટ વહી રહ્યો હતો. ધુળ, ખનિજ અને રાખ મિશ્રિત પાણી હવે વિદ્યુતનું સુવાહક બન્યું હતું. પૃથ્વીના ચુંબકીય ધ્રુવો ઉલટાઇ રહ્યાં હતાં અને હાલનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તુટવાની અણી પર હતું. એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની ગતિ વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરી રહી હતી. વાદળો પણ ખુબ ઘટ્ટ હતાં એટલે એ પણ ખુબ મોટો વોલ્ટેજ (વીજળી) પેદા કરી રહ્યાં હતાં. વાદળોમાંનો વોલ્ટેજ અને વાતાવરણમાંનો વોલ્ટેજ બંને ભેગા થઇ હાઇ વોલ્ટેજ બનાવતા, જે અશુધ્ધીઓના કારણે સુવાહક બનેલા અને સતત વરસી રહેલા પાણીના માધ્યમ દ્વારા જમીનમાં જઇ રહ્યો હતો. આખી દુનિયામાં આ વિદ્યુત ખેલ ખેલાઇ રહ્યો હતો. પાણીમાંથી પસાર થઇ રહેલો કરંટ વાતાવરણમાં જગ્યાએ જગ્યાએ તણખા પેદા કરતો જે સ્પષ્ટ જોઇ શકાતાં. તડ...તડ.. એવો અવાજ પણ સાંભળી શકાતો. અંધારેલું ભયાનક વાતાવરણ, સતત વરસી રહેલો અનરાધાર વરસાદ અને એમાં થઇ રહેલાં તીક્ષ્ણ સ્પાર્ક.... છાતીના પાટિયા બેસી જાય એવો માહોલ હતો. ભલભલા હિંમતવાન વ્યક્તિઓની હિંમત પણ તુટી જાય એવી હાલત હતી.

“હે ભગવાન, હવે જો કરંટનું પ્રમાણ હજી વધશે તો ડાઇ-ઇલેક્ટ્રીક બ્રેકડાઉન રચાશે. જો એમ થશે તો.. તો.. સર્વનાશ થશે” અર્જુન મનોમન ગભરાયો.

હવા આમ તો વિદ્યુતક્ષેત્રની અવાહક છે પરંતુ હવાના સંપર્કમાં રહેલ વિદ્યુતક્ષેત્રના વોલ્ટેજ વધતો થતાં જાય તો એક ચોક્કસ મુલ્ય એવું આવશે જ્યારે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ છોડી દેશે. આ વોલ્ટેજ એટલો હશે કે જેથી હવામાંથી પણ કરંટનું વહન થઇ શકે. આ ઘટના ડાઇ-ઇલેક્ટ્રીક બ્રેકડાઉન તરીકે ઓળખાય છે.

ચુંબકીય ક્ષેત્ર હવે સંપૂર્ણપણે તુટી ચુક્યું હતું. ચુંબકીય ક્ષેત્ર જતાં જતાં પૃથ્વીની આસપાસ ફરી રહેલાં લગભગ તમામ ઉપગ્રહોની સર્કીટ્સ ડેમેજ કરતું ગયું. ચુંબકીય ક્ષેત્ર તુટ્યું ત્યારે એકસાથે બધા ઉપગ્રહો કામ કરતાં બંધ થઇ ગયાં. ઉપગ્રહોની બધી સર્કીટો બળી ગઇ હતી. હવે એ પૃથ્વીના પ્રદક્ષિણા કરતાં ટીનના ડબ્બાથી વિશેષ કંઇ ન હતાં. ચુંબકીય ક્ષેત્ર પછી બીજા નંબરે હરકતમાં આવવાનો વારો વિદ્યુતક્ષેત્રનો હતો. વિદ્યુતક્ષેત્રએ પૃથ્વી પરના તમામ પાવરસ્ટેશનોને બરબાદ કરવાની શરૂઆત કરી દીધી હતી. પાવર સ્ટેશનોમાં પાવર ઉત્પન્ન કરવા મોટી મોટી ટર્બાઇનો, જેમાં વિશાળ ચુંબકો અને તારના ગુંચળા હોય, ફેરવવામાં આવે છે. એના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પેદા થાય છે જે વિદ્યુતક્ષેત્ર પેદા કરે છે. હવે, ઉત્પન્ન થયેલ વિદ્યુતક્ષેત્રને વાતાવરણમાંથી પસાર થઇ રહેલું વિદ્યુતક્ષેત્ર ડિસ્ચાર્જ કરી દેતું હતું. ડાઇ-ઇલેક્ટ્રીક બ્રેકડાઉન શરૂ થઇ ગયું હોઇ કરંટ હવે ધીરે ધીરે વાતાવરણમાં (એટલે કે હવાના માધ્યમ દ્વારા) ફેલાવા લાગ્યો હતો. જોકે હજી એની શરૂઆત હતી પણ તોય પાવર સ્ટેશનમાં ઉત્તપન્ન થયેલા કરંટને તથા સ્ટોરેજ બેટરીઓને ડીસ્ચાર્જ કરવા માટે પુરતું હતું. હવા વિદ્યુતની સુવાહક હતી એટલે બેટરીના નેગેટીવ અને પોઝીટીવ ધ્રુવો હવાના માધ્યમથી જ એકબીજાના સંપર્કમાં આવી જતાં અને તરત જ ડીસ્ચાર્જ થઇ જતાં.

આ ઘટના શરૂ થતાં જ વીજળીનું ઉત્પાદન તરત જ અટકી ગયું. VSGWRIની લાઇટો ઝબકારા મારવા લાગી. ઉપગ્રહો બંધ થતાં કોમ્યુનિકેશન બંધ હતું. છતાં ભારતના બે પાવરફુલ ઉપગ્રહો હજી કામ કરી રહ્યાં હતાં, એમનાં થકી થોડું કોમ્યુનિકેશન ચાલુ હતું. પણ બપોર થતાં સુધીમાં તો એ ઉપગ્રહો અને ઝબકારા મારતી લાઇટો બંધ થઇ ગઇ. વીજળીનું નામોનિશાન રહ્યું નહી. અચાનક બધી લાઇટો બંધ થઇ જતાં અંધકાર છવાઇ ગયો. બહાર અંધકાર હતો અને હવે અંદર પણ અંધકાર છવાઇ ચુક્યો હતો. પૃથ્વી સંપૂર્ણપણે અંધકાર યુગમાં ધકેલાઇ ગઇ હતી. વિશ્વમાં ચારેતરફ રોકકળ મચી ગઇ હતી. કદાચ આજ પૃથ્વીનો અંત હતો.

વિનાશના ઓછાયા નીચે સમય માંડ પસાર થઇ રહ્યો હતો. હવામાંથી પસાર થઇ રહેલાં કરંટનું પ્રમાણ ખાસ્સુ વધ્યું હતું. હવે તો એની ઝાળ શરીરમાં વર્તાતી હતી. જોકે આ તો હવાની વાત હતી. પાણીમાંથી પસાર થતાં પ્રવાહ તો હવે વિરાટ સ્વરૂપનો થઇ ગયેલો. વરસાદી પાણીના સંપર્કમાં આવતાં માણસોના રામ રમી જતાં હતાં. આતો મૃત્યુનું તાંડવ હતું. આ રીતે થઇ રહેલી વૈશ્વિક ખુવારીના આંકડા ખુબ મોટા હતાં પણ એ આંકડા બતાવતી VSGWRIની સ્ક્રીન હાલ ઓફ હતી. કોમ્યુનિકેશન ઠપ હતું અને એટલે હાલ દુનિયાભરમાં શું થઇ રહ્યું છે એ કહી શકાય એમ ન હતું. જોકે અર્જુન સહિત બધાને ખબર જ હતી કે દુનિયાના આજ હાલ છે.

દુનિયાના હાલ કંઇક આમ હતાં. વાયોમિંગમાં બ્લાસ્ટ થઇ એના છોતરાં ઉડી ગયાં એ પછી બીજા ઘણાં એવાં નબળા ભુસ્તરીય પોપડા હતાં જે બ્લાસ્ટ થઇ ગયાં હતાં. આમાં પણ માનવ ખુવારી ઘણી મોટી હતી. આ દરેક બ્લાસ્ટે એની આસપાસના ૧૦૦ કિ.મી.ની ત્રિજ્યાના તમામ વિસ્તારને તબાહ કરી દીધો હતો. અમેરિકાના લગભગ સાત રાજ્યો, કે જે ભુસ્તરીય ફોલ્ટ લાઇન અથવા જ્વાળામુખ પર હતાં એ તમામ, સંપૂર્ણપણે તબાહ થઇ ગયાં હતાં. જ્વાળામુખીના બ્લાસ્ટ પછી આખું ઇન્ડોનેશીયા સમુદ્રમાં ગરકાવ હતું. દરિયાકિનારાના મોટામોટા શહેરોનું કાસળ નીકળી ચુક્યું હતું. ભારતનું મુંબઇ અને કોલકાતા, અમેરિકાનું ન્યુયોર્ક અને સાન ફ્રાન્સીસ્કો, બ્રાઝીલનું રિયો-ડી-જાનેરો, ઓસ્ટ્રેલીયાનું સિડની, પર્થ, બ્રિઝબેન, એડીલેડ, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ, વેલીંગ્ટન અને સિંગાપોર સમુદ્રમાં ડુબી ગયાં હતાં. ફીજી, હવાઇ, કેરેબિયન, ક્યુબા, શેસલ્સ, માલદીવ્સ, લક્ષદ્વીપ વગેરે દરિયાદેવના પેટાળમાં સમાઇ ચુક્યા હતાં. વિશ્વનાં કેટલાંય સ્થળો તબાહ થઇ રહ્યાં હતાં.

અહીં VSGWRIમાં જેમના ફેમીલી મોજુદ હતાં એ ફેમીલી સાથે અને બાકીના એકલા ભયભીત બેઠા હતાં. અર્જુન, આસ્થા ને તનિશ્કા એકબીજાને વળગીને બેઠા હતાં. અર્જુનને એની આખી જિંદગીનું ફ્લેશબેક દેખાયું. એ સાથે માનવજાતિએ આજસુધી કરેલી પ્રગતિનો ચિતાર પણ તાદૃશ્ય થયો. માનવજાતિએ પ્રગતિ અને વિકાસની આંધળી દોટમાં પર્યાવરણનો દાટ વાળ્યો હતો એ પણ એને દેખાયું. પૃથ્વી માતા પર માનવજાતિ દ્વારા થયેલા અનેક અત્યાચારો એને દેખાયા. પૃથ્વી તો અખૂટ સ્ત્રોતોનો ભંડાર છે એવું માનીને આપણે અવિચારીપણે બધું જ લખલુટ વાપર્યું. ક્યારેય આવનારી પેઢીની કે એના ભવિષ્યની ચિંતા કરી નહી. તનિશ્કાની આખી જનરેશનનો શું વાંક હતો? શું ‘આ’ વારસો આપણે આગામી પેઢીને આપ્યો? ઓઝોનમાં ગાબડાં પડે અને ગ્રીનહાઉસ ઇફેક્ટમાં વધારો થાય એવા કાર્યો કરતી વખતે, પુન:અપ્રાપ્ય સ્ત્રોતોનો અવિચારીપણે ઉપયોગ કરતી વખતે, આડેધડ ખોદકામ કરતી વખતે કે વૃક્ષોનું સામુહિક નિકંદન કાઢતી વખતે આપણને આવો કોઇ અંદાજો હતો કે જ્યારે પૃથ્વી આ વાત સામે પ્રતિસાદ આપશે ત્યારે આપણું શું થશે? અર્જુને તનિશ્કાના રડમસ ચહેરા સામે જોયું. એની આંખો ભરાઇ આવી.

અચાનક જમીન જોર જોરથી હલબલવા લાગી. શું આ કોઇ મોટો ભુકંપ હતો? બધાની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું. ચારેતરફ દોડાદોડ મચી ગઇ. અચાનક નજીકમાંજ અતિશય તીવ્ર બ્લાસ્ટનો અવાજ સંભળાયો. બ્લાસ્ટ એટલો તો જોરદાર હતો કે અહીં મોજુદ સૌના કાનના પડદા તાત્કાલીક તુટી ગયાં. તીવ્ર ધક્કાથી કેટલાય લોકો ફેંકાઇ ગયાં અને સામેની દિવાલે અથડાયા. VSGWRIની મજબુત બિલ્ડીંગની અંદર આ થઇ રહ્યું હતું, બહાર ગાંધીનગર શહેરની હાલત ઓર ખરાબ હતી. કેટલાં લોકો બચ્યાં હશે એ કહેવું મુશ્કેલ હતું. સહેજ કળ વળતાં અર્જુન ઉભો થયો. બંને કાનમાંથી બહાર આવેલા રક્તના રેલા લુછતાં અર્જુને બારીની બહાર નજર કરી. સામેથી તબાહીનું તાંડવ તેની તરફ આવી રહેલું દેખાયું. આ સખત ભુગર્ભ બ્લાસ્ટ થતાં ગાંધીનગરની નજીકનું તીવ્ર વસ્તીગીચતાવાળું શહેર અમદાવાદ આખેઆખું તબાહ થઇ ગયું હતું અને આસપાસની ૧૦૦ કિ.મી ની ત્રિજ્યામાં એની અસર ઝડપથી આ તરફ આવી રહી હતી. અર્જુન દૂરના ઝાડ, બિલ્ડીંગો અને બીજી દરેક કુદરતી અને માનવનિર્મિત વસ્તુઓને નજર સામે તબાહ થતાં જોઇ રહ્યો હતો. તબાહીનું એ મોજું એકદમ નજીક આવી ગયું અને તરત જ....... સુનકાર.

પૃથ્વીને ખલાસ કરવા નીકળેલી માનવ નામની આ સ્વાર્થી પ્રજાતિનું અસ્તિત્વ આ પૃથ્વી પરથી મટી ગયું. સાથે સાથે બીજી તમામ પ્રકારની પ્રજાતિનું અસ્તિત્વ પણ મટી ગયું. પૃથ્વી પરની તમામ માનવવસ્તી સાફ થઇ ગઇ. હજી પણ એ અવિરત વરસાદ અને એ વિદ્યુતપ્રવાહ ચાલુ જ છે. કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે એ ખબર નથી. પણ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી પૃથ્વી પર જીવન નહી રહે. કોઇક શુભ સવારે કદાચ ચુંબકીય ધ્રુવો સ્થિર થાય અને આ બધું બંધ થાય પછી ક્યાંક એમીનો એસીડના યોગ્ય કોમ્બીનેશનથી ફરીથી એકવાર એકકોષીય જીવ બનવાની શરૂઆત થાય અને ત્યારે કોઇ માનવજાતિ અસ્તિત્વમાં આવે તો એણે આ પર્યાવરણ સાથે સંતુલન સાધીને રહેતાં અને પૃથ્વી માતાને પ્રેમ આપતાં શીખવું પડશે. આ બધું જ્યારે થાય ત્યારે ખરૂં બાકી અત્યારે તો આ ગ્રહ પર માત્ર વરસાદ અને વરસાદી વિદ્યુતપ્રવાહથી વિશેષ કંઇ જ વધ્યું નથી. સુર્યપ્રકાશ પણ નહી.

********