Nadi kinare aavelu Mahatma Ashram books and stories free download online pdf in Gujarati

નદી કિનારે આવેલો મહાત્મા આશ્રમ

દેશને આઝાદી મળે બે દાયકા જેટલો સમય થયો હતો. અમદાવાદ નજીકના અકે ગામમાં સ્વયમનો જન્મ થયો હતો. સ્વયમના ગામમાં માત્ર ધો. ૭ સુધીની જ શાળા હતી. જેથી વધુ અભ્યાસ માટે સ્વયમ અમદાવાદ આવ્યો. અભ્યાસ બાદ અમદાવાદને જ કર્મ ભૂમી બનાવી તે ત્યાં જ વસી ગયો. સ્વયમ પોતે નિખાલસ અને મહેનતી હતો. એક બેન્કમાં નોકરી પણ લાગી ગયો હતો. જેથી સ્વયમના માતા-પિતાએ ગામના જ એક ઓળખીતાની દિકરી દ્રષ્ટી સાથે તેનું સગપણ કર્યુ. સ્વયમના લગ્ન દ્રષ્ટી સાથે થયાં બન્ને સુખેથી સંસ્સાર જીવી રહ્યા હતા. સ્વયમને નોકરીમાં પણ પ્રગતી મળવા લાગી હતી. દરમિયાન સ્વયમના ઘરે પાંચ વર્ષના ગાળામાં બે વખત ઘોડીયું બંધાયું. બન્ને વખત દ્રષ્ટીની કુખે દિકારાનો જન્મ થયો. ચાર જણનો પરિવાર સુખેથી જીવી રહ્યો હતો. બન્ને દિકરા લવ અને કુશને ભણાવી ગણાવી મોટા કર્યા.
બન્ને દિકરાઓ સારી કંપનીમાં નોકરી પર લાગી ગયા સારુ કમાતા થયા એટલે બન્નેના લગ્ન માટે છોકરીઓ જોવાની શરૂઆત કરાઇ. વડોદરા અને સુરતથી લવ અને કુશ માટે હોશિયાર અને રૂપ સુંદરી જેવી છોકરી શોધી તેમના લગ્ન પણ લેવાયા. ધીમે ધીમે સમય વિતિ રહ્યો હતો. તેમના છોકરા વહુની ખુશીઓ જોઇ તેમની ઉંમર પણ વધી રહી હતી. દિવસ આવ્યો જેની સ્વયમ ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યો હતો. આજે સ્વયમ બેન્કની પોતાની નોકરીમાંથી નિવૃત થઇ રહ્યો હતો. સેન્ટ્રલ ઝોન મેનેજર તરીકે નિવૃત થતાં સ્વયમને વિદાય આપવા માટે બેન્કના કર્મચારી મંડળ દ્વારા મોટી પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં જ બેન્કના નવા સેન્ટ્રલ ઝોન મેનેજર દ્વારા સ્વયમને પીએફ સહિતના નિકળતા રૂપિયા દોઢ કરોડનો ચેક અને મંડળ તરફથી લાવવામાં આવેલી ગીફ્ટ આપી.
બીજા દિવસે સ્વયમ સવારે ઉઠયો ત્યારે તે પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે નોકરી જવા માટે તૈયાર પણ થયો પરંતુ એવામાં જ દ્રષ્ટી રસોડામાંથી આવી અને યાદ કરાવ્યું કે, સાંભળો છો, તમે રિટાર્યડ થઇ ગયા છો. શાના તૈયાર થઇ રહ્યા છો. હવે ઘરમાં બેસો અને પેપર વાંચો. થોડા દિવસોમાં ઘરે પારણાં બંધાશે એટલે પછી આપણા મુદ્દલના વ્યાજનો ઉછેર કરવો એજ તમારી નોકરી હશે. થોડા દિવસ વિત્યા એટલે સ્વયમને વિચાર આવ્યો કે પેલા રૂ. દોઢ કરોડનું શું કરીશું ? એટલે તેને એક મિત્ર સાથે તે બાબતે ચર્ચા કરી. સ્વયમને વર્ષોથી મનમાં એક ઇચ્છા હતી કે તે એક આશ્રમ બનાવે જ્યાં તે પોતે રહે અને તેની સાથે સમાજ અને પરિવારથી તરછોડાયેલા લોકો રહે જેની તે સેવા કરે.
તે ઇચ્છા પુરી કરવા માટે સ્વયમે દિકરા લવ અને કુશ સાથે વાત કરી. ત્યારે બન્ને દિકરાઓએ પિતાની લાગણીને સમજવાની જગ્યાએ તેમને ઉતારી પાડયાં. બન્ને દિકરાઓએ એક જ સ્વરે સ્વયમના સપનાને ચકનાચૂર કરી નાંખ્યુ. જેથી સ્વયમ તો ભોંઠો પડી ગયો, કાપે તોય લોહી ન નિકળે તેવી સ્થિતીમાં આવી ગયો. થોડા દિવસ તે ઘરમાં પણ એકલો હોય તેમજ બેસી રહેતો હતો. તેનું મન કોઇ વાતમાં લાગતું ન હતું. દ્રષ્ટીથી સ્વયમની પરિસ્થિતી જોવાતી ન હતી. જેથી તેને દિકરાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ દિકરાઓએ તો દ્રષ્ટીનું પણ અપમાન કરી નાંખ્યું. જેનાથી સ્વયમને વધારે આઘાત લાગ્યો. દરમિયાન બન્ને દિકરા અને વહુઓ વિદેશ પ્રવાસે ગયા હતા. અંદાજે ૨૫ દિવસના લાંબા પ્રવાસ બાદ તેઓ પરત આવ્યા ત્યારે ઘરમાં પ્રવેશતાની સાથે જ યુવાન રૂમમાંથી બહાર આવ્યો અને પુછયું, કોણ છો તમે ? તેના જવાબમાં લવ-કશુ બન્ને બોલી ઉઠયા તમે કોણ છો ? આ અમારા પપ્પા સ્વયમનું ઘર છે. ત્યારે પેલા યુવાને કહ્યું કે, સ્વયમ અંકલ ૧૦ દિવસ પહેલા આ ઘર મારા પપ્પાને વેંચી દીધું છે. આ વાતથી લવ-કુશને આઘાત લાગ્યો પણ તેમની પાસે પણ અન્ય કોઇ રસ્તો ન હતો. તેઓ સીધા એક હોટલમાં ગયા, થોડાક દિવસમાં ભાડે ઘર શોધ્યા અને તેમાં રહેવા ગયા. દરમિયાન નોકરી પર ગયા ત્યારે ખરબ પડી કે વિદેશની કંપની હોય તેને ભારતની બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમને છુટા કરી દેવામાં આવ્યા છે. લવ-કુશ પાસે હવે ઘર અને નોકરી બન્ને ન હતા. જેથી તેમને દિવસો કાઢવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. એક દિવસ પપ્પાના અંગત મિત્ર એવા શ્યામજીભાઇ તેમને રસ્તામાં મળી ગયા.
લવ-કુશ શ્યામજીભાઇ પાસે ગયા અને માતા-પિતા વિષે પુછપરછ કરી. ત્યારે તેમને જાણવા મળ્યું કે, સ્વયમ અને દ્રષ્ટીએ વડોદરા નજીક નદી કિનારે એક જગ્યા લીધી છે. જેમાં તેઓ પોતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યો છે. બન્ને દિકરા વહુઓને લઇને ત્યાં પહોંચ્યા. સ્વયમે જગ્યાને મહાત્મા આશ્રમ નામ આપ્યું હતું. જેમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચારો અને સીધાંતો પર તેઓ જીવન જીવી રહ્યા હતા. આશ્રમ બહાર એક બોર્ડ માર્યુ હતું. જેમાં લખ્યું હતું કે, અંદર પ્રવેશતા પહેલા તમારી જ્ઞાાતી - જાતી, અમીર - ગરીબના ભેદભાવ અહીં જ છોડી દિધા પછી જ અંદર આવવું. અહીં મનુષ્ય રહે છે.
બન્ને દિકરા વહુ સાથે અંદર પ્રવેશ્યા ત્યારે તેમને સ્વયમ અને દ્રષ્ટીને સાફ સફાઇ કરતાં નિહાળ્યા. તેઓ થોડેક દૂર ગયા તો એક મહિલા કુવા નજીક કપડાં ધોઇ રહી હતી. મહાત્મા આશ્રમમાં બધા જ પોતાના કામ જાતે કરી રહ્યા હતા. એવામાં જ દ્રષ્ટીની નજર દિકરા અને વહુઓ પર પડી તે દોડીને તેમની પાસે ગઇ અને તેમને લઇને સ્વયમ પાસે આવી. સ્વયમે બન્ને દિકરા વહુ જોયા અને તેના ગુસ્સાનો પાર ન રહ્યો પણ ગાંધીજીના વિચારો પર ચાલતા આશ્રમમાં કોઇને ગુસ્સો કરવાનો અધિકાર ન હતો તેમજ આવેલા મહેમાનને ક્યારે પણ ધુતકારતા ન હતા. જેથી સ્વયમે પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો અને દ્રષ્ટી અને બન્ને દિકરા વહુઓને કશું જ કહ્યા વિના ત્યાંથી જતો રહ્યો.
દ્રષ્ટીમાં હજી પણ પોતાના સંતાનો માટે પ્રેમ હતો જેથી તે તેમને લઇને તેમના રૂમ તરફ આવી. ત્યારે સ્વયમે દ્રષ્ટીને કહ્યું કે, આવેલા મહેમાનને આશ્રમના નિયમો સમજાવી દો અને તેમને રહેવું હોય તો રૂમ ફાળવી આપો. આ સાંભળતા જ બન્ને દિકરા અને વહુ સ્તબ્ધ થઇ ગયા. પણ તેમની પાસે બીજો કોઇ રસ્તો ન હતો. જેથી તેઓ પણ નિયમોનું પાલન કરવાની શરતે આશ્રમમાં રહેવા લાગ્યા. બન્ને દિકરાને ધીમે ધીમે પોતાની ભૂલો સમજાવા લાગી. બેન્ને દિકરા અને વહુઓ પણ ધીમે ધીમે આશ્રમના નિયમો સાથે ટેવાવા લાગ્યા. અંદાજે ૬ મહિના જેટલો સમય વિત્યો અને દિકરા વહુમાં આવેલા બદલાવ જોઇ સ્વયમનો ગુસ્સો પણ ઉતરવા લાગ્યો હતો. એક દિવસ તેને પણ દિકરા વહુને અપનાવી લીધા.
આજે પણ તે આશ્રમ ગાંધીજીના વિચારો અને સીધાંતો પર જ ચાલે છે. જેમાં રહેનાર દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે કરે છે. આશ્રમમાં મનુષ્ય રહે છે, દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે કરે છે, કોઇ માલીક નથી, કોઇ નોકર નથી, કોઇ બ્રાહમણ નથી, કોઇ રજપૂત નથી, કોઇ વશ્ય નથી. અહીં મનુષ્ય સાથે સંબંધ રાખતો અને સાચવતો મનુષ્ય જ રહે છે.
પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આજના આઝાદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે, ત્યારે ચાલો આપણે પણ સ્વયમની જેમ ગાંધીજીના બધા જ વિચારો અને સીધાંતો નહીં પરંતુ એક વિચાર અથવા એક સીધાંતને જીવનમાં અપનાવી તેમને સાચા અર્થમાં જન્મદિવસની ઉત્તમ ભેટ આપીએ.