Samay shu chhe ? - 3 books and stories free download online pdf in Gujarati

સમય શું છે? (ભાગ-૩)

‘સમય’ શું છે? (ભાગ-૩)

સ્ટીફન હોકિંગના પેલા ત્રણ એરો ઓફ ટાઇમમાંથી જે કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બાકી વધ્યો હતો એની ચર્ચા આ વખતે કરીએ. કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બ્રાયન ગ્રીનના એવરગ્રીન પુસ્તક ‘ફેબ્રીક ઓફ ધ કોસ્મોસ’ માં અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એટલે એ પૂરતું બ્રાયન ગ્રીનના વર્ણનોનો જ સંદર્ભ પકડીને આપણે આગળ ચાલીએ.

કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ બ્રહ્માંડના ઉદભવ અને તેના વિકાસની દિશા સાથે સંકળાયેલો છે. એટલે સ્વાભાવિક રીતે જ કોસ્મોલોજીકલી સમય એક જ દિશામાં વહેશે. એ દિશા એટલે આગળની દિશા અર્થાત ફોરવર્ડ દિશા. બિગ-બેંગ થયો, બ્રહ્માંડની શરૂઆત થઇ, બ્રહ્માંડનું કદ વધતાં અત્યંત ઉંચા તાપમાને ખદબદતી ઊર્જા ધીરે ધીરે ઠંડી પડી અને એમાંથી પદાર્થનું નિર્માણ થયું. આકાશગંગાઓ, તારાઓ અને ગ્રહો બન્યાં. બ્રહ્માંડ સતત ફુલી રહ્યું છે. તમામે તમામ આકાશગંગાઓ એકબીજાથી દૂર જઇ રહી છે. વિસ્તરણ એ હાલના તબક્કે બ્રહ્માંડનો સ્વભાવ છે. એટલે સમય પણ ફોરવર્ડ દિશામાં આગળ વધી રહ્યો છે. હવે જો બ્રહ્માંડના વિસ્તરણ પામવાના સહજ સ્વભાવ પર ગુરૂત્વાકર્ષણ જેવા મૂળભૂત પરિબળની અસર વર્તાય તો? માનો કે ભવિષ્યમાં બ્રહ્માંડનું વિસ્તરણ ધીમું પડ્યું અને ગુરૂત્વાકર્ષણનું આકર્ષણ એને આંબી ગયું તો બ્રહ્માંડનું વિસ્તરણ તો અટકી જશે પણ ઊલટું એ રિવર્સ ગિયરમાં પાછું આવવાની (સંકોચાવાની) શરૂઆત કરશે. શું અત્યારની સમયની દિશા એટલે કે કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ એ વખતે ઉલટાશે? બિગ-બેંગ અને એના પરિણામ સ્વરૂપે થતું વિસ્તરણ એ આખીય પરિસ્થિતીની વિરોધી પરિસ્થિતી એટલે કે સંકોચન અને એના પરિણામ સ્વરૂપે થતાં બિગ-ક્રન્ચનો જ્યારે બ્રહ્માંડ અનુભવ કરી રહ્યું હશે ત્યારે સમયની ગંગા અવળી વહેતી હશે? એ અનુભવ કેવો હશે? ખેર, આ તો બધા અનુત્તર પ્રશ્નો છે પણ એક વસ્તુ છે જેનો ઉત્તર છે. ડાર્ક એનર્જીની ખોજ પછી બ્રહ્માંડના વિસ્તરણનો દર ધીમો પડશે અને એ સંકોચાવાની શરૂઆત થશે, એવી સંભાવનાઓ અત્યંત ધુંધળી થતી જાય છે. ડાર્ક એનર્જી બ્રહ્માંડના વિસ્તરણને વધુ વેગવાન બનાવી રહી છે, જે સમયની દિશા forward જાળવી રાખવામાં મદદ કરે છે. હવે, અત્યારે જેવા સ્વરૂપે ઉપલબ્ધ છે એવાંજ બ્રહ્માંડને હાથમાં લઇ એનું બારીકાઇથી અવલોકન કરીએ.

બિગ-બેંગ થયા પછી ક્રમશ: વિકાસ પામતું આ બ્રહ્માંડ અત્યારે છે ત્યાં પહોંચ્યુ છે. શું આ આખા બ્રહ્માંડમાં બનતી તમામ ઘટનાઓને સમયની સાપેક્ષ મૂલવવાના સ્થાને series of snapshots કે bunch of moments ન લઇ શકાય? દરેક ઘટના સમયના પરિમાણમાં ઘટી એ રીતે લેવા કરતાં દરેક ઘટનાને ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ એવા ટાઇમ લેપ્સમાં અથવા તો એ રીતે વારાફરથી પાડવામાં આવેલાં ફોટાની રીતે ન લઇ શકાય? હવે, એજ રીતે મોટી મોટી ઘટનાઓ લઇએ તો પૃથ્વીના સુર્યની આસપાસ ફરવાના સેકન્ડે સેકન્ડના ફોટા પાડીએ. એજ રીતે સુર્યના આકાશગંગાના કેન્દ્રની આસપાસ ફરવાના સેકન્ડે સેકન્ડના ફોટા લઇએ અને ફોર ધેટ મેટર કોઇપણ કોસ્મોલોજીકલ ઘટનાના સેકન્ડે સેકન્ડના ફોટા લઇએ. એ તમામે તમામ ફોટાઓને એક સિક્વન્સમાં મુકીને એનો વિરાટ ફોટો આલ્બમ તૈયાર કરીએ, તો શું એ આલ્બમ જ આપણું બ્રહ્માંડ નથી? સમગ્ર બ્રહ્માંડને (એટલે કે સમગ્ર સ્પેસટાઇમને) સ્લાઇસ કાપ્યા વગરની આખી બ્રેડ તરીકે ધારીએ તો એ બ્રેડની અંદર તમામે તમામ ઘટનાઓ મોજુદ છે એવું સહજ રીતે માની શકાય. ભૂતકાળ અને વર્તમાન તો એમાં છે જ પણ ભવિષ્યકાળ પણ એમાં મોજૂદ છે. અરે, ભવિષ્યકાળ કઇ રીતે મોજૂદ હોઇ શકે? મોજૂદ હોવું, ઉપસ્થિત હોવું એટલે વર્તમાનમાં હોવું. તો પછી વર્તમાનમાં ભવિષ્ય કઇ રીતે મોજૂદ હોઇ શકે?

એ સમજવા માટે આપણા બ્રહ્માંડની બ્રેડની એક સ્લાઇસ કાપીએ. અબી હાલ એટલે કે અત્યારની જ ક્ષણ (right now)માં બ્રહ્માંડની આરપાર એક સ્લાઇસ કાપીએ. (આમ પણ આપણી કલ્પના મુજબ આખુ બ્રહ્માંડ મોટી બ્રેડ સ્વરૂપે આપણા હાથમાં મોજૂદ છે, એટલે એની સ્લાઇસ કાપવી અશક્ય નથી.) આ સ્લાઇસને now slice એવું નામ આપીએ. આ now slice નું વર્ણન બ્રાયન ગ્રીનનાં પોતાનાજ શબ્દોમાં સમજીએ. સમજો કે બ્રાયન ન્યુ યોર્ક માં એમની ઓફીસમાં બેસીને કામ કરી રહ્યાં છે. એમના કમ્પ્યુટરના કી-બોર્ડ પર કોઇ એક કી દબાઇ રહી છે. બ્રાયનની ઘડિયાળ બરાબર એજ ક્ષણે ટીક કરી રહી છે. બિલકુલ એજ ક્ષણે ન્યુ યોર્કથી હજારો કિલોમીટર દૂર ઇટાલીના વેનિસમાં એક કબૂતર ઉડવા માટે ટેક ઓફ કરી રહ્યું છે. બિલકુલ એ જ વખતે ચંદ્ર પર એક ઉલ્કા પડી રહી છે. બરાબર એજ વખતે લાખો પ્રકાશવર્ષ દૂરનો એક તારો સુપરનોવા તરીકે ફાટે છે. આ બધી ઘટનાઓ બ્રહ્માંડના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ આ ક્ષણે ઘટી રહેલી ઘટનાઓ છે. આ બધી ઘટનાઓ બ્રહ્માંડની now slice માં છે. વધુ ટેકનીકલી સ્પેસટાઇમની બ્રેડની now slice માં છે. આ ક્ષણ વીતી ગયા પછી બીજી ક્ષણે બનતી ઘટનાઓની બીજી now slice અને એ વીત્યાં પછી ત્રીજી ક્ષણે બનતી ઘટનાઓની ત્રીજી now slice …. એમ અનેક now slice ભેગી થઇને સ્પેસટાઇમની આખી બ્રેડ, કહો કે આખું બ્રહ્માંડ બનાવે છે.

હવે બ્રેડના સ્લાઇસ કટીંગને જરા મજેદાર બનાવીએ. હજી સુધી તો બ્રેડને આપણે સીધી કાપી રહ્યાં છીએ. સીધી, સમતળ અને ચોરસ સ્લાઇસો.. પણ માનો કે સ્લાઇસને ત્રાંસી કાપીએ તો? સ્પેસટાઇમની ત્રાંસી સ્લાઇસમાં ટાઇમ ટ્રાવેલ ન આવી જાય? સમજો કે આપણે અત્યારે હાલ એક લાખ પ્રકાશવર્ષ દૂરના કોઇ તારાનું અવલોકન કરી રહ્યાં છીએ. આપણા માટે અત્યારે હાલનો મતલબ થાય છે અત્યારે હાલ.. આ ક્ષણ... પરંતુ પેલો તારો તો આપણાથી એક લાખ પ્રકાશવર્ષ દૂર હોઇ અત્યારે હાલ આપણને એ તારાનું જે દૃશ્ય દેખાઇ રહ્યું છે એ એક્ઝેટ એક લાખ વર્ષ પહેલાં એ તારામાંથી આપણા તરફ રવાના થયેલા કિરણો વડે રચાતું દૃશ્ય છે. એક લાખ વર્ષ પહેલા રવાના થયેલા કિરણો એક લાખ વર્ષ પ્રવાસ કરીને છેક હવે આપણા સુધી પહોંચ્યા. ઇન શોર્ટ હું જે દૃશ્ય જોઇ રહ્યો છું એ એક લાખ વર્ષ જૂનું દૃશ્ય છે. એ તારામાં અત્યારે હાલ જે કંઇ ગતિવિધિઓ ચાલી રહી હશે એનાં દૃશ્ય બનાવતા કિરણો અત્યારે હાલ ત્યાંથી રવાના થયાં હશે, જે એક લાખ વર્ષ પછી આપણા સુધી પહોંચશે. મતલબ એ તારાની અત્યારે હાલની પરિસ્થિતી એક લાખ વર્ષ પછી આપણે જોઇ શકીશું. હવે, માનો કે એ તારાની આસપાસ કોઇ ગ્રહ છે અને એ ગ્રહ પર કોઇ એલિયન રહે છે. એ એલિયન માટે પણ આ પ્રકારનીજ પરિસ્થિતી સર્જાશે. એ અત્યારે હાલ આપણા તરફ ટેલિસ્કોપ માંડશે તો એને એક લાખ વર્ષ પહેલાની પૃથ્વીનું દ્રશ્ય દેખાશે. અત્યારે હાલની પૃથ્વી અને અત્યારે હાલના આપણે બધાને સમાવતા પ્રકાશના કિરણો એક લાખ વર્ષ પછી પેલાં એલીયન સુધી પહોંચશે એટલે અત્યારે હાલ આપણે જવા છીએ એવા એ એલિયન આપણને એક લાખ વર્ષ પછી જ જોઇ શકશે. પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં જે પ્રવાસ સમય લે છે એના કારણે દૂર સુદૂરની ઘટનાઓના starting point અને ending point એક જ now slice માં રહી શકતાં નથી. (જો એવો પ્રશ્ન થતો હોય કે સમય સાથે પ્રકાશની ગતિને શી લેવાદેવા તો એનો જવાબ એટલો જ કે બ્રહ્માંડમાં પ્રકાશની ગતિથી વધુ ઝડપ કશાયની નથી. સમયના ટિક ટિક ની પણ નહીં. સમયનું ટિક ટિક પણ પ્રકાશ જેટલી જ ઝડપથી થાય છે એવું સંશોધકોનું પ્રારંભિક અનુમાન છે અને એટલે જ પ્રકાશની ઝડપે પ્રવાસ કરીએ ત્યારે સમય અટકી જાય છે.) જો એક ત્રાંસી સ્લાઇસ કાપો તો એના એક છેડે વર્તમાનકાળ અને બીજા છેડે ભૂતકાળ અથવા તો ભવિષ્યકાળ હશે. એનો સીધો મતલબ એવો કાઢી શકાય કે કટીંગ સ્લાઇસના starting point અને ending point વચ્ચે જેટલા વધુ પ્રકાશવર્ષનું અંતર એટલું ભવિષ્યમાં વધુ દૂર સુધી પહોંચી શકાય. કદાચ બ્રહ્માંડના અંત સુધીના દૂરના ભવિષ્ય સુધી!! મતલબ કે past, present, future બધું સમાન રીતે એકસાથે આ આખી બ્રેડમાં મોજૂદ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જ real – વાસ્તવિક છે અને એક જ સમયે એક જ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. તો કોસ્મોલોજીકલ એરો ઓફ ટાઇમ પ્રમાણે જે ઘટનાઓ બની ગઇ છે અને જે બનવાની છે એ બધું જ આ spacetime રૂપી બ્રેડમાં મોજૂદ છે જ. તો શું ભૂત, ભવિષ્ય અને વર્તમાન માનવમગજનો ભ્રમ છે?