Gandhina swapnnu Bharat books and stories free download online pdf in Gujarati

ગાંધીના સ્વપ્નનું ભારત...

POINT OF THE TALK... (24)

@   ગાંધીના સ્વપ્નનું ભારત...

મહાત્માના મનમાં રમતું, એક અનોખું ભારત.
સત્ય અહિંસાના પાયા પર,ચણાયેલી ઇમારત.
સૌ વચ્ચે હોય સમાનતા,ન કોઈ ઉચ્ચ કે નીચ.
સર્વધર્મ સમભાવની હોય, સૌના મનમાં ચાહત...
                           - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

પ્રથમ તો માત્ર ભારતના રાષ્ટ્રપુરુષ નહિ પણ સમગ્ર વિશ્વના અને હિંસાના યુગમાં અહિંસાના આરાધક એવા યુગપુરુષ મહાત્મા ગાંધીજીને શત શત નમન...

આમતો મનુષ્યના મનમાં રહેલ વાત કે એના માનસમાં આકાર લઈ રહેલ સ્વપ્ન કળવું ખૂબ મુશ્કેલ કાર્ય છે અથવા એમ કહીએ તો પણ ચાલે કે એ કાર્ય લગભગ અશક્ય છે, પરંતુ પૂજ્ય બાપુનું જીવન એજ એમનો સંદેશ હતો તો બાપુની એ ઉક્તિના આધારે આપણે કહી શકીએ કે એ મહાત્માએ, જ્યાં ખુદ ઈશ્વર પણ માનવ દેહે અવતરિત થયો હતો એ પાવન ભારત ભૂમિ વિશે કેવા રામ રાજ્યની કલ્પના કરી હશે...

પૂજ્ય બાપુ હમેશા કહેતા કે સમાજ કે રાષ્ટ્રનો વિકાસ કેન્દ્રથી પરિઘ તરફનો એટલેકે ભીતરથી બહાર તરફનો હોવો જોઈએ. બાપુનું આ કથન સ્પષ્ટ રીતે એ વાત તરફ ઈશારો કરી જાય છે કે રાષ્ટ્રના કેન્દ્ર સમા, રાષ્ટ્રની ધુરી સમા પાયાના મનુષ્યો એટલે કે પાયાના સામાન્યજનો ના વિકાસથી એમના ઉથ્થાંનથી જ વિકાસની યાત્રા શરૂ થાય તોજ એ સમગ્ર રાષ્ટ્રને પ્રભાવિત કરતી કરતી સમગ્ર સુધી પહોંચે. પૂજ્ય બાપુની આ ફિલોસોફી સ્પષ્ટ કહી જાય છે કે એમને આઝાદી બાદના એવા ભારતની કલ્પના કરી હતી કે જ્યાં શાસક અને સરકારની વિકાસ યોજનાઓમાં પ્રાયોરિટીમાં સૌથી પહેલા જમીન પર કાર્ય કરતા એવા ખેડૂત અને સામાન્ય કારીગરો હોય. જમીનથી જોડાયેલા આ સામાન્ય જનો નો ઉચ્ચ કર્મયોગ ભલે સામાન્ય લાગતો હોય પણ એ ખુદમાં અસાધારણ છે. એમના પરિશ્રમ રૂપ પારસમણી થકીજ આખો સમાજ પોતાનું પેટ ભરી શકે છે અને માણી શકે છે મીઠી નીંદર...

ગાંધીજીના જીવનનો સમગ્ર અભ્યાસ કરતા માલુમ પડે છે કે બાપુને સ્વચ્છતા, સાદાઈ અને સદાચરણ કેટલું પ્રિય હતું. મનુષ્યના ચારિત્ર્ય નિર્માણના પાયા સમી આ બાબતો બાપુએ જીવીને બતાવી હતી. કોઈ કલ્પના પણ ન કરી શકે અથવા જે બાબતો તરફ સદા ઉદાસીનતા સેવતા પ્રખર રાષ્ટ્રનેતાઓ કરતા આપણાં બાપુ જરા નોખી માટીના મહામાનવ હતા. અને એટલેજ ખુદ હાથમાં ઝાડુ ઉપાડી પોતાની આસપાસની સફાઈ કરતો મોહન મહાભારત કાળમાં અધર્મની સફાઈ કરતા એ મોહન સમો સ્વયં સમાજસુધારક કરતા સહેજ પણ ઉતરતો નથી. 

સ્વચ્છતા વિશે બાપુની ફિલોસોફી સામાન્ય જન કરતા સહેજ અલગ પ્રકારની હતી. બાપુ બાહ્ય સફાઈના તો હિમાયતી હતાજ પણ સાથે સાથે એ મનની ભીતરની સફાઈ એટલે કે આત્માની સફાઈના પણ એટલાજ આગ્રહી હતા. બાપુનું સ્પષ્ટપણે માનવું હતું કે "વ્યક્તિની આસપાસની સફાઈ ત્યારેજ સુંદર અને સુગંધિત બને જ્યારે માણસ ભીતરથી પણ શુદ્ધ હોય..."  કદાચ એમનું કહેવાનું તાત્પર્ય મનના મેલને ધોવાનું હતું. માણસની ભીતર રહેલ રાગ, દ્વેષ ,ઈર્ષા, બદલો લેવાની ભાવના, બિનજરૂરી સંગ્રહની ભાવના આ બધી મનના ભીતરની ગંદકી દૂર કરવાની વાત બાપુ કરતા. સ્વચ્છતા વિશે આટલું ઝીણવટથી વિચારતા બાપુ એ ભારતના તમામ જન વિશે આવીજ સુદ્ધતાની અને સ્વચ્છતાની વાત કરી હતી. પૂજ્ય બાપુના સ્વચ્છતા વિશેના આ વિચારોથી કહી શકાય કે એમને ભારતના તમામ નાગરિકો પાસે બાહ્ય તેમજ ભીતરની સ્વચ્છતાની અપેક્ષા રાખી છે. એમનું સ્વતંત્ર ભારત વિશે સ્વચ્છતા બાબતે સ્વપ્ન હતું કે "વ્યક્તિ ભીતરથી સ્વચ્છ બની અને બાહ્ય રીતે પણ સ્વચ્છ બને..."  એક મહાત્મા સ્વચ્છતા વિશે આટલું ગંભીરતાથી વિચારે એને આટલું મહત્વ આપે તો એની પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે ગાંધીજી ભારતની દારૂણતા અને ગરીબાઈની જડ ગંદકીને માનતા હતા...

પૂજ્ય બાપુના જીવનનું બીજું મહત્વનું પાસું અને મહત્વની વિચારધારા એટલે અહિંસા. અહિંસાની બાબતમાં એવું કહી શકાય કે ભગવાન મહાવીરે અહિંસા ને સૌથી મહત્વની બાબત ગણી હતી એજ રીતે પૂજ્ય બાપુએ પણ અહિંસાને પોતાના જીવનમાં વિશેષ સ્થાન આપ્યું હતું. માટેજ મહાત્મા ગાંધીને આધુનિક મહાવીર ગણી શકાય. 

બાપુનું સ્પષ્ટપણે માનવું હતું કે...
"કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ એના નાગરિકોના પરસ્પર સહયોગ અને વિશ્વાસ વિના અધુરો છે, અથવા અસંભવ છે..." પૂજ્ય બાપુની આ વિચારધારા અદ્રશ્યરૂપે અહિંસા વૃત્તિ તરફ ઈશારો કરી જાય છે. મહાત્મા ગાંધી જ્યારે અહિંસાની વાત કરે છે ત્યારે ભગવાન મહાવીરની જેમજ પૂજ્ય બાપુ પણ માત્ર બાહ્ય અહિંસા નહિ પણ માનવના અથવા કોઈ પણ સજીવના આત્માને પણ દુઃખ ન પહોંચાડવું , એટલી ઊંડાણ થી અહિંસાની વ્યાખ્યા કરે છે. 

મહાત્મા ગાંધીનું સ્વતંત્ર ભારત માટે સ્વપ્ન હતું કે જ્યાં દરેક મનુષ્ય બીજા માણસને સહયોગી બને. એના સુખ દુઃખનો સહભાગી બને. સહાયક બને. તમામ સજીવોને પ્રેમ કરે. અને આવું બનતા સમાજમાં કોઈ દુઃખી નહિ રહે. એટલે કે પૂજ્ય ગાંધીજીના મતે અહિંસા એજ દેશનો રાજધર્મ બનવો જોઈએ.

પૂજ્ય બાપુના જીવનના અન્ય સિદ્ધાંતો અને સત્યોની માફક બાપુને સ્વદેશી પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. બાપુની નજરમાં સ્વદેશીની સાવ સરળ વ્યાખ્યા હતી. બાપુ કહેતા...
"સ્વદેશી એટલે મનુષ્યના જીવન જરૂરિયાતની એ તમામ ચીજો એના પોતાના ગામ કે આસપાસના પ્રદેશમાજ બનતી હોય અથવા પેદા થતી હોય અને એ ચીજોનો એકબીજા સાથે વિનિમય વ્યવહારથી મનુષ્ય જીવન સુખરૂપ વ્યતીત થતું હોય..."
બાપુ માનવું હતું કે આ રીતે પોતાના પ્રદેશમાજ વસ્તુ વિનિમયથી વ્યતીત થતું જીવન ખૂબ આનંદપૂર્ણ હોય છે અને અંતે એ તમામ આર્થિક બાબતોનો લાભ અંતે રાષ્ટ્રને થશે... 

બાપુની સ્વદેશી વસ્તુની યાદીમાં ખાદી સૌથી ઉપર હતી. જાતેજ રેંટિયો કાંતિ ખાદી વણતાં મહાત્માની નજરમાં ખૂબ ઊંચી વિચારધારા હતી. બાપુની દ્રષ્ટિએ સમગ્ર ભારતને પગભર થવા અને આર્થિક રીતે ઉન્નત બનાવવાની તાકાત ખાદી માં રહેલી છે. બાપુનું સ્વપ્ન હતું કે પોતાનાજ ગામમાં ઉત્પન્ન થતો કપાસ ખેડૂત પોતાનાજ ગામના વણાટ કારીગરને વેચશે. વણાટ કારીગર ગામમાજ એ કપાસ ને રેંટિયા પર કાંતિ કાપડ વણશે. અને ગામમાજ એ કાપડ એટલે કે ખાદી વેચાશે. આ નાનકડા ગૃહ ઉદ્યોગની સાંકળ કેટલાયને રોજગારી આપશે. અને આ નાનકડા અને સામાન્ય લાગતા ઉદ્યોગથી બેરોજગારીની સમસ્યા પણ દૂર થશે. એકબીજા પર આધાર રાખતા લોકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થશે જે દેશની એકતાનું કામ કરશે. પરિણામે દેશ ગામડામાંથી મજબૂત બનશે. બાપુની આ વિચારધારામાં ગામની ખેતી અને ખાદી ને જોડવાની વાત છે. તો બાપુનું સ્વપ્ન હતું કે ગામ જાતેજ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે. જેથી ગામની સંપત્તિ ગામમાજ રહે. અને સૌ સુખી સંપન્ન બને...

હકીકતમાં જોઈએતો પૂજ્ય મહાત્મા ગાંધીએ પોતાના શુદ્ધ સિદ્ધાંતો પર ચાલી વિતાવેલા જીવનમાજ એમનું સ્વતંત્ર ભારત વિશેનું ઉમદા સ્વપ્ન દેખાઈ આવે છે. દરેક બાબતનું ઝીણવટ પૂર્વક અવલોકન કરતા બાપુ એ બાબતો દેશ માટે કેટલી લાભદાયક છે કે નુકશાનકારક એ બાપુ સ્પષ્ટ જોઈ શકતા હતા. 

હું તો એટલે સુધી કહીશ કે બાપુની વિચારધારા ભારત માટે જેટલી મહત્વની છે એટલીજ આખા વિશ્વ માટે પણ મહત્વની છે. જો સમગ્ર વિશ્વ બાપુએ સેવેલા સ્વપ્ન પર ચાલે તો દુનિયામાં હિંસાનું અને આર્થિક અને માનસિક અસંતુલનતાનું મલિન વાતાવરણ દૂર થઈ જાય. 

આમ ગાંધીના સ્વપ્નનું ભારત એટલે...

જ્યાં એકમેક પ્રત્યેના અતૂટ વિશ્વાસથી રચાયેલ વાતાવરણ હોય...

જ્યાં તમામ જીવમાત્ર પ્રત્યે પ્રેમ હોય અને પાવન પરિવાર ભાવના
રૂપ અહિંસાની અનુપમ ઇમારત સૌના ભીતર હોય...

જ્યાં એકમેકના સહયોગ થકી આર્થિક રીતે ઉન્નત બનવાની વાત હોય...

...અને અંતે ગાંધીના સ્વપ્નનું ભારત એટલે...
ફરીથી આ દેશની ભૂમિ અને એનું વાતાવરણ તેમજ ભાવાવરણ એટલું સુંદર અને સુવાસિત બને કે ફરીથી ખુદ પરમેશ્વરને અહીં જન્મ ધરી માનવ બનવાની ઈચ્છા થઈ આવે...

લેખક :- અલ્કેશ ચાવડા "અનુરાગ"  (શંખેશ્વર)