આત્માના અંતિમ સંસ્કાર ! - ૯

આત્માના અંતિમ સંસ્કાર ! – ૯

“એ ચલ, બાજુ ખસ, આ મારી જગ્યા છે, તું પાછળ જઈને બેસ” સેન્ટ મેરી સ્કૂલના પ્રથમ વર્ગમાં ભણતા નાનકડા વિવાને યુવાને  ધક્કો  માર્યો. યુવા નીચે પડી ગઈ. વિવાને ફરીથી એને એક જોરથી લાત મારી. “ચલ અહીંથી, નવી આવી છે ? આ મારી જગ્યા છે”. યુવા ચુપચાપ ઉભી થઇને પાછળ જઈને બેસી ગઈ.

રીસેસમાં યુવા એની બાજુમાં બેસતી શિખા સાથે નાસ્તો કરવા બેઠી અને અચાનક એનો નાસ્તાનો ડબ્બો હવામાં ઉલળી ગયો અને એનો નાસ્તો બધે વેરાઈ ગયો. વિવાન અને એક બે બીજા છોકરાઓ ત્યાં ઉભા હતા અને વિવાને લાત મારીને એનો નાસ્તો નીચે વેરી દીધો હતો. શિખા રડવા લાગી, યુવા હજુ પણ વિવાનને તાકી રહી હતી, એના મોઢા પર કોઈજ હાવ ભાવ નહોતા. વિવાનને આ જોઇને ગુસ્સો આવ્યો અને એણે આગળ વધીને યુવાને એક લાફો મારી દીધો. યુવાની આંખોમાં આંસુ નીકળી પડ્યા અને એનો ગોરો ગાલ લાલ થઇ ગયો પણ હજુ એ વિવાનની આંખોમાં જ જોઈ રહી હતી. વિવાન થોડીવાર અચંભિત થઇને એને જોઈ રહ્યો પછી એનાથી યુવાની આંખોમાં જોઈ ના શકાયું, અચાનક એને લાગ્યું કે કોઈ એને ધક્કો મારી રહ્યું છે, એને પરસેવો છૂટી ગયો, એ ખુબજ ગભરાઈ ગયો, એણે ફરીથી યુવાની આંખોમાં જોયું, એની આંખો હવે લાલ લાલ  થઇ ગયી હતી અને એ જાણે કે ત્રાટક કરતી હોય એમ ગુસ્સાથી વિવાનને જોઈ રહી હતી. વિવાનને છાતી માં દુખવા લાગ્યું, એણે જોરથી રડવાનું ચાલુ કર્યું. એના સાથીદારો યુવાનું આવું રૂપ જોઇને ડરીને ત્યાંથી ભાગી ગયા. વિવાન નીચે પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. ત્યાં શિખાએ આવીને યુવાનો હાથ પકડી લીધો અને એ બંને ક્લાસરૂમ તરફ ચાલી નીકળ્યા.

“પ્રોફેસર, તમારી દીકરીને સમજાવો, હજુતો પહેલો જ દિવસ છે અને એણે એના કલાસમેટ ને માર્યો છે, પ્લીઝ આવું બિહેવિયર અહી નહિ ચાલે, ધીસ ઈઝ માય લાસ્ટ વોર્નિંગ” મેલોની ટીચરે પ્રોફેસર સિન્હાને ગુસ્સાથી કહ્યું. આમ પણ વિવાન સ્કૂલના ટ્રસ્ટીનો છોકરો હતો અને એમને નારાજ કરાય એ એમને પોસાય એમ નહોતું. પ્રોફેસરે બાજુમાં ઉભેલી નાનકડી યુવાની સામે જોયું. એ નીચું જોઇને ઉભી હતી. એમણે વહાલથી એના માથા પર હાથ ફેરવ્યો અને આંખોથી એને કૈંક ઈશારો કર્યો. યુવા આગળ વધીને બાજુમાં ઉભેલા વિવાનનો હાથ પકડીને સોરી બોલી. બંને બાળકો હસ્યા અને એક બીજાનો હાથ પકડીને ત્યાંથી દોડી ગયા. પ્રોફેસરે દાઢીમાં હાથ નાખ્યો અને આંખો મીચી દીધી અને મનોમન હસી પડ્યા.

***

“એ નાની છે હજુ, વખત, એને થોડી મોટી તો થવા દે” પ્રોફેસરે વખતને કહ્યું.

“સાહેબજી, મેં એને કશુજ નથી શીખવાડ્યું, આ જુવો એણે જાતે જ શું કર્યું છે” વખતે એક લાકડાનું અર્ધ બળેલું બેટ ઊંચું કર્યું. પ્રોફેસર અચંભિત થઇને એને જોઈ રહ્યા. “હજી તો આ પાંચ વરસની જ છે, આટલી બધી ઉર્જા ! આપણે એનું કૈંક કરવું પડશે, એની ઉર્જાને યોગ્ય જગ્યાએ વાળવી પડશે નહિ તો,,,” વખતે ચિંતાથી પ્રોફેસર સામે જોયું.

“એનો બાપ જ એની ઉર્જાને યોગ્ય જગ્યાએ વાળશે, વખત ! હવે સમય થઇ ગયો છે !” પ્રોફેસરે સૂચક રીતે વખત સામે જોયું અને વખત એકદમ ઉદાસ થઇ ગયો. “આટલી જલ્દી ?!”

***

“અરે ! અરે ! આ જુવો મહાદેવ...” પાર્વતીજી એ મહાદેવને આંગળી ચીંધીને દૂર એક ઝાડની ડાળીએ લટકતી અને ઉપર જવા મથતી એક પાંચ વરસની નાનકડી છોકરી બતાવી. એ નાનકડી બાળા એક કેડી પર ચાલતા ચાલતા લપસી પડી હતી અને નીચે ઊંડી ખીણમાં એક ઝાડની ડાળી પકડીને લટકી પડી હતી. એનો ગોરો ગોરો સુંદર ચહેરો લાલ લાલ થઇ ગયો હતો, એની સમંદર જેવી બ્લુ આંખોમાં લાલાશ આવી ગઈ હતી. એ હતું એટલું જોર કરીને પાછી ઉપર ચડવાનો પ્રયત્ન કરી રહી હતી. મહાદેવે હસીને પાર્વતીજીનો હાથ પકડ્યો અને ત્યાંથી પ્રયાણ કરવાનું સૂચવ્યું પણ પાર્વતીજી એમ માને ? એમણે મહાદેવને આજીજી કરી.

એક હાથ લાંબો થયો એ નાનકડી છોકરીને પકડવા માટે. એ છોકરીએ ગુસ્સાથી ઉંચે જોયું અને એની આંખો વધારે લાલ  થઇ ગઈ, જાણેકે એને પકડવાવાળાને બાળી નાખશે ! એ ગુસ્સાથી ત્રાટક કરીને જોઈ જ રહી ! એ હાથ પાછો જતો રહ્યો. મહાદેવ અને પાર્વતીજી ખડખડાટ હસી પડ્યા ! આ નાનકડી છોકરી મહાદેવની સામે ત્રાટક કરી રહી હતી ! શું એની મજાલ ! એ ત્રિનેત્ર, કે જે આખું બ્રહ્માંડ પણ સળગાવી દે એની સામે ત્રાટક !!! પણ મહાદેવને એમના કોઈ પ્રિય શિષ્યની યાદ આવી ! આવી જ ખુમારી, આવી જ શાન, જાણે કે કોઈ મહાન ચક્રવર્તી, કોઈ મહાન પરાક્રમી અને અદભુત શક્તિ ! કોઈ જાણેકે એમને શિવસ્તુતિ ગાઈને બોલાવી રહ્યું હોય એવું લાગ્યું. એ આનંદથી એ નાનકડી છોકરીને ત્રાટક કરતી જોઈ રહ્યા ! એમની આંખોમાં વાત્સલ્ય ઉભરાયું. એમણે પાર્વતીજીનો હાથ પકડ્યો અને એ ત્યાંથી પ્રયાણ કરી ગયા. જતા જતા પાર્વતીજીએ પાછળ વળીને જોયું તો એ નાનકડી છોકરી હવે એક પગનો ટેકો દઈને ઉંચી થઇ હતી અને થોડીવાર મથામણ કર્યા પછી એ ઉપર  ચડવામાં સફળ થઇ  ગઈ હતી. પાર્વતીજી એ આંખો નમાવી ને એક સ્મિત કર્યું.

***

દિલ્લી એરપોર્ટ પર લાવણ્યા, પ્રોફેસર અને વખતની સામે મેં જોયું, મારું દિલ ભરાઈ ઉઠ્યું હતું, મને એમને છોડીને જવાનું બિલકુલ પણ મન નહોતું. વખત પાસેથી મેં મારી બેગ લઇ લીધી અને એને હું ભેટી પડ્યો. “મારી લાવણ્યાનું ધ્યાન રાખજે ઓ મહાબલી” મેં એના કાન માં કીધું. એણે હકારમાં માથું ધુણાવ્યું. પ્રોફેસરને પણ હું ભેટ્યો. એ બંને ત્યાંથી દૂર જતા રહ્યા. હું લાવણ્યા પાસે આવ્યો. એની ભીની ભીની આંખોમાં આંસુ હતા. મેં એના ગાલ પર હાથ મુક્યો અને એને ભેટી પડ્યો. “મારી રાહ જોજે લવ, હું બહુ જલ્દી મારી ટ્રેનીંગ પતાવીને તને લેવા આવીશ.” હું ભારે અવાજે બોલ્યો. “હું તમારી રાહ જોઇશ ઓ પરદેશી, અનંતકાળ સુધી, મહાદેવ આપણને જરુર જલ્દી ભેગા કરશે, તમારું ધ્યાન રાખજો. મને ખબર છે કે તમે અમારા દેવી દેવતાઓમાં નથી માનતા પણ જો થઇ શકે તો મહાદેવને યાદ કરતા રહેજો. જલ્દી પાછા આવજો” લાવણ્યાએ એક નાનકડો મહાદેવનો ફોટો મને આપ્યો, મેં એ લઈને મારા પાકીટમાં મૂકી દીધો. લાવણ્યા હવે વખત અને પ્રોફેસર પાસે ચાલી નીકળી. મારી ફ્લાઈટનું એનાઉન્સ્મેન્ટ થઇ ગયું હતું. મેં ફરીથી દૂરથી એ ત્રણે તરફ હાથ હલાવ્યો અને હું સિક્યોરીટી ચેકિંગમાં જવા નીકળી ગયો. મને શું ખબર કે હું છેલ્લી વાર લાવણ્યાને જોઈ રહ્યો હતો !!! વિમાનમાં બેઠા બેઠા રબ્બીનું દિલ ભરાઈ ઉઠ્યું અને એની આંખોમાં આંસુ આવી ગયા. એણે રૂમાલ કાઢીને આંસુ લૂછ્યા અને ફરીથી પાકીટ કાઢીને લાવણ્યાનો ફોટો જોયો.બાજુમાં એણે યુવાનો ફોટો પણ મુક્યો હતો. જાણે કે બંને એકજ હોય એવું લાગતું હતું. કોઈજ ફરક નહિ, માત્ર યુવાનો વાન થોડો વધારે ઉજળો હતો અને એની આંખો પોતાના જેવી બ્લુ હતી. બાકી બધું એની માં જેવું જ હતું, એ જ નાક નકશો, એજ વાતો કરવાની છટા, એ જ એટીટ્યુડ, એ જ મિજાજ, એ જ સ્માઈલ...ઓફ ! રબ્બીને છાતીમાં પેઈન થવા લાગ્યું. એણે જમણી બાજુ હાથ દબાવ્યો. એની છાતીની નીચેની બે પાંસળી દુખી રહી હતી. ભૂતકાળમાં ઓપરેશન કરીને એમાંથી બે બુલેટ કાઢવામાં આવી હતી. “યુવાઆઆઆઆ, મારી દીકરી, મારું સર્વસ્વ, મારી લાવણ્યાની એક માત્ર નિશાની, હવે હું તારી પાસે આવી રહ્યો છું, અને તને હું સાચી હકીકત કહીને લઇને જ જઈશ મારું લોહી !”  મેં એ બંનેના ફોટાઓની બાજુમાં રહેલા ખાનામાંથી એક જુનો મહાદેવનો ફોટો પણ કાઢ્યો. હું એકીટશે એની સામે જોઈ રહ્યો. “ઓ દેવોના દેવ, ઓ સર્વજ્ઞ, તમે આવું શું કરવા કર્યું ? મારી લાવણ્યાને મારી પાસેથી છીનવી લીધી ?” મને એમના  પર ગુસ્સો આવ્યો.

રબ્બીને શું ખબર કે જે કૈંક લઇ લે છે એ કૈંક પાછું પણ આપે છે. બસ એને જોવા, જાણવા અને સમજવાની શક્તિ હોવી જોઈએ.

***

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીન માં...

લી કુહાડીની મદદથી માફકસરના એક જેવા લાકડા કાપી રહ્યો હતો. એની કાકી અંદર રસોઈ કરતી હતી અને એનો નાનો ભાઈ સુંગ યુન અને મી કૈંક લેવા બહાર ગયા હતા. અચાનક એણે એક ખોંખારો સાંભળ્યો. એના કાકા ચાંગ રાજમહેલથી પાછા આવી ગયા હતા. એણે દોડીને એમને એક પાત્રમાં પાણી આપ્યું. ચાંગે ત્યાં નજીક એક નાનકડી બેઠક પર આસન જમાવ્યું અને લી સામે સૂચક નજરે જોયું. “જો બેટા, તને તો ખબર છે ને કે આપણી પેઢી વર્ષોથી મહાન ચીની સભ્યતા અને એના રાજાઓનું રક્ષણ કરીએ છીએ, આપણે એ મહાન રાજસિંહાસન સાથે બંધાયેલા છીએ. આજે સમ્રાટ હુંગે જીદ પકડી છે કે જે બહુ વિચિત્ર છે અને હું એમને આવું દુસ્સાહસ કરવા દઉં એવું થઇ શકે એમ નથી. મારી તો હવે ઉમર થઇ ગઈ છે બેટા, હવે હું ઈચ્છું છું કે તું આ કામ પાર પાડ અને પાછો આવ. મહાન ચીની સભ્યતા અને એનું રાજસિંહાસન આપણું બલિદાન માંગે છે. તું તૈયાર છે ?” લી એ કશુજ બોલ્યા વગર સંમતિસૂચક રીતે ડોકું હલાવ્યું. “તારી કાકી તને નહિ જવા દે પણ હવે કશું થાય એમ નથી. તારે આ કઠીન યાત્રા કરવી જ પડશે અને પાછા પણ આવવું જ પડશે. શું ખબર આપણી નિયતિમાં શું લખાયેલું છે.” તારે આવતા બે દિવસમાં નીકળવું પડશે. હું તને જગ્યાનો નકશો અને સામાન બાંધી આપીશ”. લી એ ફરીથી નિષ્પલક રીતે ચાંગ સામે જોયું અને ડોકું ધુણાવ્યું. એટલી વારમાં મી અને સુંગ યુન આવી પહોંચ્યા.

મોડી સાંજે બધા જોડે ખાવા બેઠા. બધા મૌન હતા. બધાના ચહેરા પર વેદનાં છવાયેલી હતી. કાકી અને મી ની આંખોમાં આંસુ હતા. ચાંગે એક ખોંખારો ખાધો અને બોલ્યો “આપણે વર્ષોથી રાજસિંહાસનનું નમક ખાધું છે, આપણી આ ફરજ છે કે એની અને એના પર શાસન કરવાવાળાની રક્ષા કરવી. સમ્રાટ હુંગ કોઈ દૈવીય શક્તિની પ્રાપ્તિ કરવા આતુર થયા છે. મેં માંડ માંડ એમને સમજાવ્યા છે કે તમે તમારો જાન જોખમમાં નાં નાખો અને પહેલા મારા ભત્રીજાઓને એ શક્તિ પાસે જઈને જોખમ લેવા દો. એમને ત્યાં જવાનો માર્ગ સુનિશ્ચિત કરવા દો પછી જો એ શક્તિ નાં પ્રાપ્ત થાય તો હું એમની સાથે જઈશ એને પામવા, મેં એટલે જ લી ને તૈયાર કર્યો છે આ કામ માટે. હું એને એ જગ્યાનો નકશો અને સાધન આપીશ, મને આશા છે કે તમે લોકો મારી વાત સાથે સંમત થશો.” કોઈ કશું બોલ્યું નહિ. ચાંગ અંદરના ઓરડામાં સુવા જતો રહ્યો. લી બહાર વરંડામાં આવ્યો અને એણે તાપણું સળગાવ્યું. સુંગ યુન થોડી વાર એની સાથે બેઠો અને પછી એ પણ અંદર જતો રહ્યો. લી એ આજીજી કરીને એની કાકીને પણ અંદર સુવા મોકલી આપ્યા પણ મી ત્યાંથી ના ખસી. લગભગ મોડી રાત્રીએ લી ના ખોળામાં મી બેસી ગઈ અને એને આલિંગન આપીને રડી પડી. “તમે જતા રહેશો તો મારું શું થશે ? હું પણ તમારી સાથે આવીશ, હું તમારા વગર નહિ જીવી શકું” સજળ નેત્રોએ એ બોલી. લી એ એનું મોઢું પકડ્યું અને એને એક ચુંબન કર્યું. “હું પાછો આવીશ, મી, તું મારી ચિંતા ના કર, તું આ લોકોનું ધ્યાન રાખજે. અમે નાના હતા ત્યારથી મારા કાકા અને કાકીએ અમારું ધ્યાન રાખ્યું છે, અમને મોટા કર્યા છે, અમને ક્યારેય માતા પિતાની ખોટ  નથી પડવા દીધી. અને નિયતિમાં જે લખાયું હશે એ થશે. આમ પણ એ મહાન શક્તિ વિષે મેં  બહુ સાંભળ્યું છે, જો એના દર્શન થશે તો હું પણ ધન્ય થઇ જઈશ. હું પણ તને ખુબ પ્રેમ કરું છું પણ ફરજ અને પ્રેમ બંને પોત પોતાની જગ્યાએ છે, અત્યારેતો મારે જવુજ પડશે” લી એ મક્કમ સ્વરે કહ્યું. મી એના ખભે માથું નાખીને બેસી રહી. વહેલી સવાર સુધી બંને એમજ બેસી રહ્યા.

સમ્રાટ હુંગના રાજમહેલમાં વહેલી સવારે ચહલ પહલ નહીવત હતી. રાજમહેલના પ્રાંગણમાં સમ્રાટ હુંગ, ચાંગ, અને લી ઉભા હતા. લી ની આજુબાજુ થોડા સૈનિકો અને સેનાપતિ મિંગ હતો. સમ્રાટ હુંગે એ શક્તિ વિષે સાંભળ્યા પછી એને પામવાની જીદ કરી હતી પણ હુંગે ગમે તેમ કરીને એને સમજાવીને થોડું રોકાઈ જવા વિનંતી કરી હતી. એના બદલામાં એનો ભત્રીજો ત્યાં પહેલા જાય અને એમના માટેનો માર્ગ સુનિશ્ચિત કરે તેવી સમજુતી થઇ હતી.

સમ્રાટ હુંગે મહેલના પ્રાંગણમાં ઉભેલા લી સામે જોયું. પડછંદ કાયા, મજબુત શરીર, વેધક આંખો. એને આ નવજુવાન ગમ્યો. એણે પ્રસંશાથી ચાંગ સામે જોયું. એ એને બિલકુલ ગમતો નહોતો પણ એની સમજદારી પર સમ્રાટને માન હતું અને એની વફાદારી પર પણ વિશ્વાસ હતો. સમ્રાટે એક હીરા જડિત તલવાર કાઢી અને લી નાં હાથ માં મૂકી. લી એ માથું જુકાવીને ગોઠણભર બેસી ને એનો સ્વીકાર કર્યો. સમ્રાટે એને ઉભો કર્યો અને એની પીઠ થાબડી. “ઓ સૈનિક, મને તારા પર ખુબજ ગર્વ છે, મને ખબર છે કે તું જે કામ કરવા જઈ રહ્યો છે એ કઠીન છે પણ મને ખાતરી છે કે તું જ એ કાર્ય પૂરું કરી શકીશ. આપણા મહાન દેશ પર બધી બાજુએથી હુમલાઓ થઇ રહ્યા છે અને જો આપણે આ શક્તિને પ્રાપ્ત કરીશું તો આપણે આપણી આ ભવ્ય સંસ્કૃતિને અને એના વારસાને આપણી આવનારી પેઢીઓ માટે જાળવી શકીશું. મહાન ચીની સભ્યતા અને એના પૂર્વજો તારું રક્ષણ કરે. જાઓ, તારું કલ્યાણ થાય. જલ્દી પાછો આવજે”. સમ્રાટે ગર્વથી લી ને સંબોધિત કર્યો. લી બહુ ઓછું બોલતો, એને ખબર હતી કે આ લાલચી અને કપટી સમ્રાટ પોતાના ફાયદા માટે જ એ શક્તિ પ્રાપ્ત કરવા માંગે છે પણ એને એના કાકા માં વિશ્વાસ હતો. એને ખબર હતી કે એ શક્તિ કદાચ એના મહાન દેશનું પુનુંરુથ્થાન કરવામાં સહાય કરે. એને શ્રેષ્ઠ કપડાઓ, સાધન સામગ્રીઓ અને ખડતલ એવા ઘોડાઓ અને ખચ્ચરો આપવામાં આવ્યા. સમ્રાટની સેના એને થોડે સુધી વળાવા પણ આવી. ત્યાંથી એણે પોતાનો પ્રવાસ એકલા શરુ કરવાનો હતો.

શિયાળો હમણાજ પત્યો હતો, હવે એને ઠંડીનું જોખમ ઓછું હતું, એણે એકવાર ફરીથી સમ્રાટ, એની સેનાની ટુકડી અને એના કાકા ચાંગ સામે જોયું, એક ઊંડો શ્વાસ લીધો અને એ હિમાલય ભણી ચાલી નીકળ્યો.

“ઓ દેવો ના દેવ, મારા દીકરાનું ધ્યાન રાખજો, ઓ મહાન શક્તિ, એ નિષ્કપટ આત્માની મદદ કરજો, ઓ પવન પર સવાર થયેલા પૂર્વજો, તમે એના ખબર રાખજો” ચાંગે અત્યંત વ્યથિત મને આકાશ તરફ જોયું.

***

ઈઝરાયલ રાષ્ટ્ર (હિબ્રુ: મેદિનત યિસરા'એલ; دَوْلَةْ إِسْرَائِيل, દૌલત ઇસરા'ઈલ) એક દક્ષિણપશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સિરિયા અને જૉર્ડન છે, અને દક્ષિણ-પશ્ચિમમાં ઇજિપ્ત છે.

મધ્યપૂર્વમાં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને ગ્રંથો અનુસાર યહુદીઓનું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પ્રમુખતાથી લેવાય છે. યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં. ઓગણીસમી સદીના અંતમાં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદીઓ ઉપર કરાયેલ અત્યાચારને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોથી ભાગી જેરૂસલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં. સન ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.

જેરુસલેમ ઇસરાયલની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતાથી લેવાય છે. અહીંની પ્રમુખ ભાષા હિબ્રુ છે, જે ડાબેથી જમણે લખાય છે, અને અહીંના નિવાસીઓને ઇઝરાયલી કહે છે.

ઈઝરાયલ શબ્દનો પ્રયોગ બાઈબલ અને તેથી પહેલાંના સમયકાળથી થતો રહ્યો છે . બાઈબલ અનુસાર ઈશ્વરના દૂત સાથે યુદ્ધ લડવા બાદ જેકોબનું નામ ઇઝરાયલ રખાયું હતું. આ શબ્દ પ્રયોગ તે સમયે (કે પહલાં)થી યહૂદીઓની ભૂમિ માટે કરાતો રહ્યો છે.

૧૪ મે, ૧૯૪૮ ના રોજ, બ્રિટીશ મેન્ડેટની સમાપ્તિના એક દિવસ પહેલાં, યહૂદી એજન્સીના વડા ડેવિડ બેન-ગુરિઓને "ઇરેઝ-ઇઝરાઇલમાં યહૂદી રાજ્યની સ્થાપના, ઇઝરાયેલ રાજ્ય તરીકે ઓળખાવા માટે જાહેર કરી.

પોતાના પ્રદેશમાં ઘુસણખોરી કરવા બદલ પેલેસ્ટાઈનીઓ એ ઇઝરાયેલ સાથે કાયમનું યુદ્ધ છેડ્યું. ચારેકોર મુસ્લિમ દેશોથી ઘેરાયેલું હોવા છતાં પોતાના આપબળ અને સૈનિકબળ પર ઇઝરાયેલ ટકી રહ્યું છે. દેશપ્રેમી પ્રજા હંમેશા દેશ માટે જાન કુરબાન કરવા તૈયાર રહે છે  અને જગતની સહુથી ખ્યાતનામ કે કુખ્યાત જાસુસી એજન્સી “મોસાદ” ની નજર હેઠળ પોતાની જાતને સુરક્ષિત રાખે છે. ઈઝરાયેલમાં સૈનિક તાલીમ નાનપણથી લેવી ફરજીયાત છે. દુનિયાના ગમે તે ખૂણે જન્મેલા યહૂદી સંતાનને જન્મથી જ ઇઝરાયેલનું નાગરિત્વ મળી જાય છે અને એ ઈચ્છે ત્યારે ગમ્મે ત્યારે ત્યાં આવીને વસી શકે છે. ઈઝરાયેલી એમના ભાઈ બંધુઓ ની હંમેશા રક્ષા કરે છે અને એમને કાયમ સુરક્ષિત રાખવાની શપથ પણ લે છે.

***

ભારતથી પાછા આવીને રબ્બી અકીવા એની અધુરી થયેલી ટ્રેનીંગમાં લગન થી મચી પડ્યો. સવારે ચાર વાગે ઉઠીને એની કપરી ટ્રેનીંગ ચાલુ થતી અને ઠેઠ રાત્રે આઠ વાગ્યે પૂરી થતી. વચ્ચે વચ્ચે એને જયારે ટાઈમ મળતો ત્યારે એ લાવણ્યાનો ફોટો કાઢીને જોઈ રહેતો. એને એની બહુ યાદ આવતી. જલ્દી ટ્રેનીંગ પતે અને એ એને લઈને આવે એની એ રાહ જોતો હતો. પ્રોફેસર સિન્હાના પત્રો પ્રોફેસર ગોલાનને ત્યાં આવતા. લાવણ્યા પણ એમાં એનો એક પત્ર મુક્તી અને ત્યાં બધું ક્ષેમકુશળ છે એમ જણાવતી. એ અને વખત એને બહુ યાદ કરતા. રબ્બી લાવણ્યા માટે ક્યારેક પત્ર લખતો અને પ્રોફેસર ગોલાનને આપી દેતો. પુનઃમિલન ની આશામાં હવે એ એક એક દિવસો ગણતો હતો.

એમાં પણ લાવણ્યાના છેલ્લા પત્રે તો એની ખુશી બમણી કરી નાખી. એક દિવસ એને પ્રોફેસર ગોલાન મળવા આવ્યા. એમની આંખોમાં ખુશી હતી. એમણે એક પત્ર એને પકડાવ્યો. એ લાવણ્યાનો હતો.

“મારા પ્રિય પરદેશી,

તમારી લવ તમને ખુબ ખુબ યાદ કરે છે અને તમારા પાછા આવવાના દિવસો ગણે છે. અત્યાર સુધી તો હું અને વખત જ તમારી રાહ જોતા હતા પણ હવે જલ્દીથી કોઈ બીજું પણ તમારી રાહ જોશે . જલ્દી આવજો.

તમારી જન્મો જન્મની સાથી

લાવણ્યા.”

બસ આટલું જ લખેલું હતું. રબ્બીને  કઈ જ ખબર ના પડી. એ બાઘાની જેમ પ્રોફેસર ગોલાનને જોઈ રહ્યો. પ્રોફેસરે એની આજુબાજુ ઉભેલા થોડા જવાનોને બોલાવ્યા અને એમને પણ આ પત્ર વંચાવ્યો. બધા ખડખડાટ હસી પડ્યા અને એમણે રબ્બીને ઊંચકી લીધો અને ખુશીઓ ભરેલું હિબ્રુ ગીત ગાવા માંડ્યા. રબ્બી હજુ દ્વિધામાં હતો. આ શું થઇ રહ્યું હતું ? મારી રાહ લાવણ્યા, વખત અને પ્રોફેસર સિન્હા સિવાય બીજું કોણ જુવે ત્યાં ? ઓહ, હા, કદાચ પંડિતજી પાછા આવી ગયા લાગે છે, હા, બસ, એમજ છે, તો જ મારી લવ આવું લખે, પણ એમાં આ બધા ડફોળો કેમ મને ઊંચકીને ગીતો ગાય છે ? એ ક્યા કોઈને ઓળખે છે ? થોડીવારમાં બધા ખુશી ખશી રબ્બીને અભિનંદન આપીને જવા લાગ્યા. “પ્રોફેસર ગોલાન,મને ખુબજ ખુશી થઇ છે, આખરે પંડિતજી પાછા આવી ગયા. એમને મળીને મને પણ ખુબજ આનંદ થશે. એ મારા પિતાતુલ્ય છે”

ગોલાને એક હાથ કપાળ પર પછાડ્યો અને ગુસ્સાથી બોલ્યા “અલા ડફોળ, પંડિતજી કોઈ પાછા નથી આવ્યા, અહી ટ્રેનીંગ લઇ લઇને સાવ જડભરત થઇ ગયો છે તું. સરખો વાંચ પત્ર, લાવણ્યા ગર્ભવતી છે. તું બાપ બનાવાનો છે.”

એક પળ રબ્બીનું હૃદય ધબકારો ચુકી ગયું. “હું, રબ્બી અકીવા, બાપ ? ઓહ ! આ શું ?” રબ્બી ફાટી આંખે પ્રોફેસરને જોઈ જ રહ્યો. એની આંખોમાંથી આંસુ આવી ગયા. “શું આ સાચું છે પ્રોફેસર ? ઓહ નો ! માય ગોડ ! આ બધું સ્વપ્ન સમાન છે. હું અને લાવણ્યા !!! મને,,,,હું,,, બાપ ,,,, એક નાનકડું છોકરું આવશે અમારે,,,,મારું સંતાન,,,, અમારું સંતાન,,,પ્રોફેસર,,,આપણું સંતાન,,,તમે દાદા,,,તમે,,,,” રબ્બી રડી પડ્યો.

પ્રોફેસરે આનંદથી એના ખભે હાથ મુક્યો “હા, રબ્બી, હું દાદા થઇ જઈશ, પાછલી લડાઈમાં મારો એક નો એક પુત્ર મૃત્યુ પામ્યો પછી મારું દાદા બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું, પણ આજે એ પૂરું થઇ ગયું, મારા દીકરા, રબ્બી, ખુબ ખુબ અભિનંદન” પ્રોફેસાર ગોલાન પણ રડી પડ્યા. રબ્બીની આંખોમાં થી ટપકતા આંસુ એણે હાથમાં પકડેલા પત્ર પર પડી રહ્યા હતા અને એમાં લખેલા અક્ષરો ઝાંખા થઇ રહ્યા હતા. પણ એમને ખબર નહોતી કે નિયતિ એ શું ધાર્યું છે એમની સાથે.

આખરે એ ગોઝારો દિવસ આવી ગયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

બોર્ડર ઉપર યુદ્ધ ફાટી નીકળ્યું હતું. પેલેસ્તાઈન ગોરિલા એટેકમાં ઈઝરાયેલી જવાનોના મોત થયા હતા, બધું ગણીને ૧૮ નવજુવાનો માર્યા ગયા હતા. આખા દેશમાં માતમ ની લાગણી હતી. ઈઝરાયેલી સેનાએ એની તીખી પ્રતિક્રિયા આપી, સરહદે યુદ્ધ ચરમ સીમાએ પહોચ્યું. ઈઝરાયેલી સેનાની આરક્ષિત ટુકડીને પણ યુદ્ધમાં સામેલ થવાનું આવ્યું. એમની એક ટુકડીમાં રબ્બી અકીવા પણ સામેલ હતો. એને એક દસ લોકોની કમાન્ડો ટુકડીનું નેતૃત્વ આપવામાં આવ્યું હતું અને એ લોકોએ અણધાર્યો એટેક કરીને બોર્ડરથી ૧૦ કિલોમીટર દુર આવેલી પેલેસ્તાઈન ગોરિલાઓની છાવણીને નેસ્તાનાબુદ કરવાની હતી.

રાતના દસ વાગ્યા હતા. રબ્બીએ એની અને એના સાથીદારોની ઘડિયાળને મિલાવીને સમય એક સમાન કરી નાખ્યો. બધા કાળા કપડાઓમાં સજ્જ હતા અને મોઢા પર પણ કાળો કલર કરેલો હતો. એમને એક વાહનમાં બોર્ડરથી બે કિલોમીટર અંદર ઉતારવામાં આવ્યા હતા. હવે એ લોકોને ત્યાંથી પગપાળા અંદર જઈને હુમલો કરવાનો હતો. સપાટ પ્રદેશમાં ઝાડ પાન ઓછા હતા, થોડાક નાનકડા ડુંગરાઓ અને ખડકોની ઓથે એમણે એમનું મિશન ચાલુ રાખ્યું. જાણીજોઈને અમાસની રાત પસંદ કરવામાં આવી હતી.

લગભગ સાતેક કિલોમીટર અંદર છુપાતા છુપાતા ચાલ્યા બાદ રબ્બીએ અંધારામાં જોઈ શકાય એવું દૂરબીન કાઢ્યું અને સામે નજર માંડી. એને નાનકડા તંબુઓ દેખાયા. બહાર લગભગ આઠ થી દસ જણા પહેરો ભરતા હતા. એમના હાથમાં પણ અત્યાનુધિક રાઈફલ્સ હતી. રબ્બીએ એક  મોટા ખડક પાસે દસે દસ સાથીઓની મીટીંગ ભરી અને એમને ઝડપથી સૂચનાઓ આપી. થોડીવાર બધાએ રાહ જોઈ અને લગભગ રાત્રીના એકાદ વાગે બધા અલગ પડ્યા. રબ્બી અને એની સાથે ત્રણ સાથીદારો હતા અને બાકીના ત્રણ ત્રણ ની ટુકડીમાં વહેંચાઇ ગયા હતા.

નક્કી કરેલા સમય મુજબ રાત્રે શાર્પ અઢી વાગે રબ્બીની જમણી તરફની ટુકડી એ પહેલો હુમલો કર્યો. આતંકવાદીઓ અચાનક ચોંક્યા અને વળતો હુમલો કરે એ પહેલાતો એમની ડાબી બાજુએ થી બીજી ટુકડીએ હુમલો શરુ કર્યો. આખું વાતાવરણ ગોળીબારના અવાજોથી ભરાઈ ગયું. રબ્બીના કુશળ લડવૈયાઓ અચૂક નિશાન ધરાવતા હતા. વાતાવરણમાં ચીસો સંભળાવા લાગી. બધે ધૂળ ધૂળ થઇ ગયું હતું. હવે છેલ્લો ઘા મારવાનો રબ્બીનો વારો હતી. એ અને એના ત્રણ સાથીદારોએ આગળથી હુમલો શરુ કર્યો. લગભગ દસ મિનીટ બધું ચાલ્યું અને અચાનક ગોળીબાર શમી ગયા. રબ્બીએ નીચે સુઈને ઘસડાતા ઘસડાતા આગળ વધવાનો બધાને ઈશારો કર્યો. દસ મિનીટ પછી પણ બધું શાંત હતું. તંબુની આજુબાજુ લાશો ના ઢગલા પડેલા હતા. રબ્બીએ બધાને સુઈ રહેવાનો ઈશારો કર્યો અને એ ઉભો થઇ ગયો અને સાવચેતીથી આગળ વધ્યો. દૂર એક તંબુમાં એને હિલચાલ નજરે પડી અને એણે ત્યાં ગોળીઓનો  વરસાદ વરસાવી દીધો. હવે પાછું બધું શાંત થઇ ગયું હતું. એના સાથીઓ પણ ઉભા થઇને બધા તંબુઓ માં ફરી વળ્યા, કોઈ બચ્યું નહોતું. રબ્બીએ એક કેમેરો કાઢીને આખા એરિઆની અને નીચે પડેલી અમુક લાશોની તસવીરો લીધી. બધા હવે એકદમ રિલેક્ષ થઇ ગયા. એક જણાએ કોફી કાઢી અને બધા ત્યાં થોડીવાર રોકાઈને કોફી પી ને નીકળી ગયા. પણ સાવચેત રબ્બી અકીવા એમ જ સુપર કમાન્ડો  નહોતો બન્યો. એણે એક ખડક પર બધાને રાહ જોવાનું સૂચવ્યું. એને ખબર હતી કે ગોળીબાર ના અવાજો સાંભળીને એમના સાથીદારો ત્યાં દોડી આવશે અને એ એમને પણ પાઠ ભણાવા માંગતો હતો. લગભગ અડધો કલાક થઇ ગયો અને ત્યાજ એક કમાન્ડોએ રબ્બીને ઇશારાથી તંબુઓ આગળ થોડે દૂર ડાબી તરફ જોવા કહ્યું. રબ્બીએ એની સાથેની ટુકડીના ત્રણ જણાને ત્યાં નજર રાખવા કહ્યું અને એ પોતે એકલો તંબુની જમણી બાજુ આખું મોટું રાઉન્ડ મારી ને જવા નીકળ્યો. લાશોના ઢગલા વચ્ચે રબ્બીએ દૂરબીન માંડ્યું અને એને કશુંક અજુગતું લાગ્યું. એના મનમાં ભયસૂચક ઘંટડી વાગી. એ ઉભો થયો અને એના સાથીઓ તરફ જોરથી દોડ્યો પણ ખુબ મોડું થઇ ગયું હતું, એના સાથીઓને પાછળથી ઘેરી લેવામાં આવ્યા હતા અને એમના પર ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હતો. એના કમાન્ડો પણ એમ ગાંજ્યા જાય એવા નહોતા, એમણે પણ સામે સજ્જડ પ્રતિકાર કર્યો. લગભગ બીજા નવ દસ આતંકવાદીઓને એમણે ઢાળી દીધા પણ એ પ્રતિકારમાં એની ટુકડીના ત્રણ સાથીઓ માર્યા ગયા હતા. રબ્બીને એના સાથીઓ ની લાશો જોઇને ભયાનક ગુસ્સો આવ્યો, એણે તંબુની ડાબી બાજુ જોયું અને એને લાગ્યું કે ત્યાં  પણ કોઈક છે અને એ ઝનુનમાં આવીને એ બાજુ દોડ્યો. જેવો એ તંબુની ડાબી બાજુ આવ્યો કે એનો શ્વાસ  થંભી ગયો. ત્યાં એક સ્ત્રીને બાંધીને મુકવામાં આવી હતી. એના મોઢા પર પટ્ટી હતી અને આંખોમાં લાચારી. “સાલાઓ ધિક્કાર છે, એક સ્ત્રીનો ઉપયોગ કરો છો” રબ્બી ગુસ્સાથી બબડ્યો અને એણે નીચે નમીને એના હાથ ખોલ્યા. એ સ્ત્રી હજુ ધ્રુજતી હતી. રબ્બીએ એની પાસે રહેલા ફ્લાસ્કમાંથી એને પાણી આપ્યું. એ સ્ત્રી ધ્રુજતા ધ્રુજતા એક શ્વાસે પાણી પી ગઈ અને રબ્બીનો હાથ પકડીને અરેબીક ભાષામાં બબડતા બબડતા રડવા લાગી. અચાનક રબ્બીને ચમકારો થયો પણ એ કઈ કરે કે કહે એ પહેલા એની  છાતીમાં એ સ્ત્રીએ બે બુલેટ મારી દીધી. રબ્બી લથડી પડ્યો, હવે એને સમજાયું કે એ સ્ત્રી અરેબીક ભાષામાં એનો સર્વનાશ થાય એવું બબડતી હતી, એણે એ વાક્ય સમજવામાં થોડું મોડું કરી દીધું અને એ સ્ત્રીએ લાગ જોઇને એને ગોળી મારી દીધી હતી.

રબ્બીના મોઢામાંથી લોહી નીકળી આવ્યું, બુલેટો એની છાતીની નીચે જમણી બાજુ પાંસળીમાં ઘુસી ગઈ હતી, એનો શ્વાસ રૂંધાવા લાગ્યો, એને ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું, એણે જોયું કે ઘણા બધા પેલેસ્ટાઈની ગોરિલાઓ દોડીને  આવી રહ્યા હતા અને ગોળીબારની રમઝટ જામી હતી. એણે છેલ્લીવાર ગુસ્સાથી એ સ્ત્રી તરફ જોયું કે જે હવે એની તરફ થૂંકીને આગળ દોડી ગઈ હતી. એ નીચે ફસડાઈ પડ્યો. એની આંખો બંધ થવા લાગી. એને લાવણ્યાનો ઝાંખો ચહેરો દેખાયો, પ્રોફેસર ગોલાન, પ્રોફેસર સિન્હા, એનાં ઘરના દરવાજા પાસે રાહ જોતી એની માતા, પંડિત શંભુનાથ, પહાડ જેવો વખત, બધા એને દેખાવા  લાગ્યા, બેલી ગામના પ્રાચીન શિવમંદિરમાં ઉભેલી અને પ્રાથના કરતી લાવણ્યા, એની આંખોમાં આંસુ આવી ગયા. એણે જોરથી હાથ છાતી નીચે દબાવ્યો, એનો હાથ ગરમ ગરમ લોહીથી ખરડાઈ ગયો. “શું આ જ મારો અંત છે ? મારી લાવણ્યા, મારું સંતાન ? ઓહ ! શું હું ફરીથી એમને ક્યારેય નહિ જોઈ શકું ?” એનો શ્વાસ હવે તુટવા લાગ્યો. અચાનક એના કાનમાં ડમરુંનો રણકાર સંભળાયો. દૂર હિમાલયના પર્વતો એને યાદ આવ્યા, એમાં એક વિરાટ આકૃતિ પ્રગટ થઇ, એણે એક પગ ઉપર ઉભા થઇ ને રૂંવાડા ઉભા  થઇ જાય એવું નૃત્ય કરવાનું શરુ કર્યું. રબ્બીની આંખો બંધ થઇ રહી હતી, એના માનસપટ પર એક પગે નાચતી મહાદેવની આકૃતિ છવાઈ ગઈ. એને યાદ આવ્યું કે લાવણ્યાએ  એને મહાદેવની ફોટો આપ્યો હતો. “હે દેવો ના દેવ, મારી લાવણ્યાનું અને મારા સંતાનનું રક્ષણ કરજો, હે પ્રભુ, હું,,,,,,” રબ્બીની આંખો બંધ થઇ ગઈ.

***

અચાનક લાવણ્યાની આંખો ખુલી ગઈ. એના  ગર્ભમાં રહેલા શિશુએ એને લાત મારી હોય એવું એને લાગ્યું. એને બેચેની જેવું લાગ્યું. એ ઉભી થઇ અને માટલામાં રહેલું પાણી એક શ્વાસે પી ગઈ. એણે ખુણામાં બળતા દીવા તરફ જોયું. દીવો જાણે કે હમણા બુજાઈ જશે એવું એને લાગ્યું. એ હાંફતા હાંફતા ઉભી થઇ, એને ઉબકા જેવું આવ્યું. એ દોડીને ઓરડીની બહાર નીકળી. બહાર ખાટલામાં વખત સુતો હતો. એણે એના કપાળ પર હાથ મુક્યો. વખત ઉઠી ગયો. એણે ચિંતાથી એની સામે જોયું. લાવણ્યાએ એનો હાથ પકડ્યો અને બંને ભાઈ બહેન ચુપચાપ મંદિર ભણી ચાલી નીકળ્યા. લાવણ્યા શંકરજી ના મંદિર માં પરસાળમાં બેસી ગઈ. એણે ધીમા અવાજે શિવસ્તુતિ ગાવાનું શરુ કર્યું. વખત એની પાછળ બેસી ગયો અને એણે પણ લાવણ્યાના સૂરોમાં સુર પુરાવ્યો. અચાનક લાવણ્યાએ એની પાસે રહેલો રબ્બીની ફોટો કાઢ્યો અને નીચે  મુક્યો અને ત્રાટક કરતી હોય એમ એની સામે જોઈ રહી. દૂર દૂર પહાડોમાં ક્યાંક હલચલ થઇ અને જાણે કે ધરા ધ્રુજી ગઈ હોય એવું બેલી ગામવાસીઓ ને લાગ્યું. રાતનો છેલ્લો પ્રહર હતો. “ભાઈ, મને કૈંક થાય છે, એ સુરક્ષિત તો હશે ને ? મારું મન બેચેન થાય છે. તમે એમના ખબર કઢાવો ભાઈ” લાવણ્યા ધ્રુજતા હોઠોએ એટલું જ બોલી. વખત ઉભો થયો અને ત્યાંથી નીકળી ગયો.

***

રબ્બીએ ધીમે ધીમે આંખો ખોલી, એની આંખોમાં પાણી આવી ગયા. એના હોઠ સુકાઈ ગયા હતા. એને ખુબજ અશક્તિ જેવું લાગતું હતું. એણે ચારેકોર નજર ફેરવી. એને કોઈ તંબુ જેવું લાગ્યું. એ ઉભો થવા ગયો પણ એના હાથ અને પગ દોરડાથી સજ્જડ બાંધી  લેવામાં આવ્યા હતા. એની ખુલ્લી છાતી પર એક મોટો પાટો બાંધેલો હતો. એણે હતું એટલું જોર કર્યું પણ એ ખાટલામાંથી ચસકી પણ નાં શક્યો.

“ભાગવાની કોશિશ બેકાર છે, તને બચાવ્યો એ જ બહુ મોટી વાત છે” એક સફેદ કપડા પહેર્રેલો ઉંચો વ્યક્તિ ત્યાં આવ્યો અને ઉભો રહ્યો. “બે બુલેટ કાઢી છે તારી છાતીમાંથી, ગજબ જીજીવિષા છે તારી તો, આટલું વાગ્યા પછીતો કોઈ બચી પણ નાં શકે. ખેર ! તું અમને કામમાં આવીશ.” એ વ્યક્તિએ બીજા મોઢા પર કાળું કપડુ પહેરેલા ત્રણ ચાર વ્યક્તિઓને ઈશારો કર્યો. “આ હવે સ્વસ્થ છે, થોડા દિવસોમાં તમે એને લઇ જઈ શકો છો”.

પંદર દિવસ પછી રબ્બીને આંખે પાટા બાંધીને ત્યાંથી એક વાહનમાં બેસાડીને એક ખંડેર જેવી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. એના સેલમાં એ એકજ કેદી હતો. સવારે અને સાંજે એને સુકી બ્રેડ અને થોડું પાણી આપવામાં આવતું. બપોરે એક કાળા કપડા પહેરેલો આદમી આવીને એને ઇઝરાયેલના મીલીટરી સ્થાનો અને વ્યુહાત્મક સ્થાનો વિષે પૂછતો. રબ્બી કદી એના જવાબો ન આપતો. એને કોઈ જાતની પીડા આ લોકો પહોચાડતા નહિ. એને કાયમ એના સેલમાં ખાટલા જોડે એક લાંબી સાંકળથી બાંધી રાખવામાં આવતો. રબ્બી એને મળેલી વિશેષ ટ્રેનીંગના પ્રતાપે દિવસો ગણતો અને જુના દિવસો યાદ  કરીને એનું મનોબળ ટકાવતો. ઘણા મહિના થઇ ગયા હતા. રબ્બીએ આંખો બંધ કરી અને એના હોઠો પર એક સ્મિત આવી ગયું. “રબ્બી અકીવા, કોન્ગ્રેચ્યુંલેશન, તું અત્યાર સુધીમાં તો બાપ બની ગયો હોઈશ.” રબ્બીએ બારીની બહાર જોયું, જાણે કે વંટોળીયો ઉઠ્યો હોય એવું લાગતું હતું. રેતી ની ડમરી ઓ ની ડમરીઓ ઉઠી હતી. ભયાનક સુસવાટા સાથે આખું ખંડેર કે જે એની જેલ હતી એ ધૂળમાં રગદોળાઈ ગઈ હતી. એનો આખો કમરો ધૂળથી ભરાઈ ગયો. એણે આંખો બંધ કરી દીધી. “ઓ મારી લાવણ્યા, ઓ મારા સંતાન”

 

***

“આ આ આ આ આ આ” બેલી ગામમાં આવેલા પ્રાચીન શિવમંદિરની થોડું દુર આવેલી એક ઓરડીમાંથી લાવણ્યાનું આક્રંદ સાંભળ્યું. વખત ઉભો થઇ ગયો. એની પાસે બેઠેલા એના જુના મિત્રોએ એને સાંત્વના આપી. થોડીવારમાં વાતાવરણ એકદમ પલોટાઈ ગયું. ખુબજ જોરથી આંધી આવી અને તોફાન સાથે વરસાદ પડવા લાગ્યો. જુન મહિનાની વીસમી તારીખ હતી. બધા ગામલોકો ભારે વરસાદથી બચવા પોતપોતાના ઘરોમાં ભરાઈ ગયા. વખત અને એના એક બે મિત્રો ઓરડીની થોડે દુર આવેલી એક આડશમાં જઈને બેઠા. પહાડોમાં ગર્જના થવા લાગી. દૂર જોતા હિમાલય જાણે કે ડોલતો હોય એવો આભાસ થવા લાગ્યો. “આવું તોફાન અને વરસાદ તો પહેલા ક્યારેય જોયો નથી ભાઈ, લાગે છે કે શિવજી પ્રકોપમાન થયા છે” ગામના વડીલોમાં ચર્ચા ચાલી.

એમણે આંખો ખોલી, એમના ચહેરા પર એક સ્મિત આવ્યું અને એમણે આંખો પાછી બંધ કરી દીધી.

ફરીથી ઓરડીમાં લાવણ્યાની તીણી ચીસ સંભળાઈ અને અચાનક વાતાવરણ એક તીણા રડવાના અવાજથી ભરાઈ ગયું. ઓરડીમાંથી એક બે સ્ત્રીઓ હસતા મુખે બહાર નીકળી અને આવા વરસાદમાં પણ વખત અને એના  મિત્રો પાસે ગઈ. “ભાઈ, ખુશખબર છે, દીકરી પધારી છે, ખુબજ સુંદર, ગોરી ગોરી છે, જોવા જેવી છે, એને જોતા જ રહીએ એવી રૂપવાન છે. જાણે કે ચાંદનો ટુકડો. ભારે હૃષ્ટપુષ્ટ અને જોરાવર પણ છે, રડે છે પણ એવું જોરથી ને” દાંતો વચ્ચે સાડીનો છેડો દબાવીને હસતા હસતા એક બાઈએ વખતને ખુશ ખબર આપ્યા. “અને મારી બહેન” વખતે આનંદ છુપાવીને પૂછ્યું. “એ પણ સાજી સારી છે, બેભાન છે, થોડીવારમાં ભાનમાં આવી જશે, ચાલો હવે મીઠાઈ વહેંચો, ભાઈ” બીજી બાઈએ વખતને સાંત્વના આપી.

થોડીવારમાં વખત અંદર ઓરડામાં ગયો. લાવણ્યા પ્રસવ પીડા પછી થાકીને સુતી હતી. એની બાજુમાં એણે જોયું અને એ પહાડ જેવા આદમીનું હૃદય ધબકારા ચુકી ગયું. ખબર નહિ એને શું થયું પણ એની આંખોમાં આંસુ આવી ગયા. એણે સંભાળીને એના પાવડા જેવા હાથમાં એ નવજાત શિશુને લીધું. એ સુતું હતું. વખતે વહાલથી એની સામે જોયું, અચાનક વખતના સ્પર્શથી એ શિશુએ આંખો ખોલી, બ્લુ સમંદરની ઊંડાઈ જેવી આંખો એને તાકી રહી. વખત જાણે કે સંમોહિત થઇ ગયો હોય એમ એની સામે જોઈ રહ્યો. એને રબ્બી અકીવા યાદ આવ્યો, એના જેવીજ આંખો. કાશ એ જીવતો હોત ! વખતનું હૃદય રડી ઉઠ્યું. એ બ્લુ આંખો એને તાકી તાકીને જોઈજ રહી હતી. ઓફ ! આટલું બધું સંમોહન !

બહાર વીજળી કડાકા સાથે ચમકી ઉઠી અને એ વીજળીની ક્ષણેક ચમકમાં પહાડ પર એક પગે નાચતી આકૃતિ ચમકી ઉઠી. પહાડ ડોલી રહ્યો હતો. ભારે વરસાદમાં ક્યારેક ક્યારેક થથરી જવાય એવી ગાજવીજ વીજળીનાં ચમકારામાં એક પગે નાચતી એ આકૃતિ અદભુત અને અકલ્પનીય દ્રશ્ય ઉભું કરતી હતી.

***

ભાગ-૯ સમાપ્ત.

***

Rate & Review

Verified icon

Om Vaja 2 months ago

Verified icon

Golu Patel 6 months ago

Verified icon

Hims 6 months ago

Verified icon

Manish Patadia 7 months ago

Verified icon