પ્રેમથી પ્રગતિ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું એક ગામ હડાળા (ભાલ).
ચોમાસાના એ દિવસોમાં એક સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ એક 32-33 વર્ષ નો વ્યક્તિ એના પાંચ વર્ષના બાળકને હાથમાં લાકડાની પાતળી સોટી લઈને નિશાળે મુકવા જાય છે.
બાળકને નિશાળે જવું ગમતું નહોતું તેથી તે જોરજોરથી રડતો હોય છે પણ જેટલો એનો રડવાનો અવાજ વધે એમ એ બાળકની પીઠ પર એ પાતળી સોટી નો સમમ..અવાજ વધતો જાય.

પહેલાં ધોરણમાં ભણતા એ વિદ્યાર્થીને એના પપ્પા આવી રીતે રોજ સોટી લઈને નિશાળે મુકવા જાય અને કહેતા જાય ભણવું તો પડશે નહીં તો કોઈ તમારો હાથ નહીં પકડે આ જો અમે નથી ભણ્યા એટલે અમને ખબર છે કે કેવી રીતે સાંજ પડે 100 રૂપિયા ભેગા થાય છે.

બાળકને હવે ખબર પડી ગઈ હતી કે ગમે એટલું હું રડીશ પણ નિશાળ તો મારે જવું જ પડશે એટલે નિશાળે ના જવું પડે એટલે તેણે એક નવી તરકીબ અજમાવી અને દર બે-ત્રણ દિવસે નિશાળનો ટાઈમ થાય એટલે નવા નવા બહાના બનાવવાનું ચાલુ કર્યું ક્યારેય પેટમાં દુ:ખવાનુ તો ક્યારેક માથું દુ:ખવાનુ અને આવી રીતે  નિશાળ જવાથી એ બચી જતો. પણ આ લાંબુ ચાલ્યું નહિ અને પપ્પા ને ખબર પડી ગઈ કે આ ભાઈ નિશાળે ના જવું પડે એટલે બહાના બનાવે છે.પછી તો બસ પાછું ચાલુ થઈ ગયું સોટી વાળું.

છેલ્લી હરોળમાં બેસવાનું, ઠોઠ નિશાળિયાઓ સાથે હરવા ફરવાનું અને માત્ર ટાઇમપાસ કરવા માટે નિશાળે જવાનું એ આ બાળકનો હવે દરરોજ નો નિત્યક્રમ બની ગયો હતો.

પહેલાં ધોરણમાં તો મેડમ ઈન્દુમતી બેને એ બાળકને નિશાળ પ્રત્યે પ્રેમ જગાડવા ખુબ પ્રયત્નો કર્યા પણ એ બાળક એક નો બે ના થયો.

ધીમે ધીમે એ બાળક ત્રીજા ધોરણમાં આવ્યો થોડીક સમજણ શક્તિ આવી પણ એ ત્રીજા ધોરણના શિક્ષક એ હંમેશા છેલ્લી હરોળમાં બેસવાવાળા વિદ્યાર્થીઓને મારતાં, અંગુઠા પકડાવતા અને ક્લાસની બહાર કાઢી મુક્તા. એ હંમેશા હોશિયાર વિદ્યાર્થીઓ સાથે જ સારો વ્યવહાર રાખતા. આ જોઈને એ બાળકની નિશાળ પ્રત્યેની નફરત વધી.

હવે તો એ નિશાળે જવાનું ખોટું બહાનું કાઢીને મિત્રો સાથે રખડવા જતો રહેતો અને નિશાળ છુટવાનો ટાઈમ થાય એટલે એ પાછો ઘરે આવતો રહેતો.આમ એ નિશાળથી પણ બચી જતો અને પપ્પા ના મારથી પણ બચી જતો.

એકવાર એના જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો ભેટો એના પપ્પા સાથે થઈ ગયો અને પુછ્યું અમારો કુંવર ભણવામાં કેવુંક ધ્યાન આપે છે?
તો પેલા વિદ્યાર્થીએ કહ્યું કે એ તો હમણાં પાંચ દિવસથી નિશાળે આવ્યો જ નથી.
પછી તો બસ ઘરે જઈને પેલા બાળકની સોટીએ ને સોટીએ ધબધબાટી બોલી ગઈ.

ધીમે ધીમે સમય આગળ પસાર થતો ગયો અને એ વિદ્યાર્થી પાંચમા ધોરણમાં આવ્યો. લગભગ બે મહિના વિત્યા અને એમને ધંધાર્થે બીજા ગામ રહેવા જવાનું થયું.

એ ગામનું નામ હતું ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનું તુરખા ગામ.
નવું ગામ અને એ ગામની કેન્દ્રવર્તી શાળા માં એ બાળક નું પાંચ માં ધોરણનુ એડમીશન થયું.
પાંચમાં ધોરણમાં સંગિતા બેન કરીને એક શિક્ષક હતા એ આ વિદ્યાર્થી ના હંમેશા ક્લાસમાં વખાણ કરતાં અને એને હંમેશા નિશાળની એક્ટિવીટીમા એક્ટિવ રાખતા.

શિક્ષક તરફથી મળતું આ માન એ વિદ્યાર્થી ને એક અલગ જ આનંદની અનુભૂતિ કરાવતું.
ધીમે ધીમે એ બાળક નું મન ભણવા તરફ વળ્યું અને એણે નક્કી કર્યું કે સંગીતા મેડમ જે વિશ્વાસ મારા પર રાખે છે એને ક્યારેય તુટવા નહીં દઉં.

ધીમે ધીમે સમય વિતતો ગયો અને વાર્ષિક પરીક્ષા આવી. એ વિદ્યાર્થીએ જોરદાર મહેનત કરી અને પરિક્ષા આપી.

પાંચમાં ધોરણની વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું. એ વિદ્યાર્થી ચોથા નંબરે પાસ થયો.
આજે એને મનમાં હરખ નહોતો સમાતો. દરવખતે જ્યારે પરિણામ આવે ત્યારે એનો નંબર છેલ્લેથી ચોથો નંબર આવતો જ્યારે આ વખતે ચિત્ર કાંઈક અલગ જ હતું.

આજે તો એ શર્ટના કોલર ઊંચા કરીને એની માર્કસશીટ લઈને ઘરે જઈ રહ્યો હતો. ઘરે પહોંચ્યો અને ગર્વથી પપ્પા ને રિઝલ્ટ બતાવ્યું. પોતાના બાળકને આજે ચોથો નંબર આવ્યો હોવાથી એના પપ્પા પણ ખુબ જ ખુશ હતા અને એને જોરદાર સાબાશી આપી.

પેલા બાળકનો આત્મવિશ્વાસ દિવસે ને દિવસે વધતો જતો હતો અને ધીમે ધીમે એ બાળક ની પ્રગતિ ની શરૂઆત થઈ.

એ બાળકને ગણિત ખુબ ઓછું ફાવતું. દર વખતે ગણિતમાં 36-37 ગુણ 100 માંથી લાવતો‌. એકવાર એના પપ્પા એ કહ્યું આવા બધા સહેલા વિષયોમાં તો બધા સારા માર્ક્સ લાવે ગણિતમાં સારા માર્ક્સ લાવો તો લાવ્યા કહેવાય.

બસ એ વિદ્યાર્થીએ મનમાં ગાંઠ વાળી લીધી કે હવે તો ગણિતમાં જ કંઈક કરવું છે.

ધીમે ધીમે ગણિત તરફની એ વિદ્યાર્થીની રુચિ વધતી ગઈ.

ધોરણ-10 નું પરિણામ આવ્યું અને 71% સાથે એ વિદ્યાર્થી પાસ થયો અને એમાં મેઈન વાત એ હતી કે ગણિતમાં એને 92 માર્ક્સ આવ્યા હતા.

ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધું અને એમાં બધા જ સેમેસ્ટર મા સારા માર્ક્સ સાથે પાસ થઈ ગયો.

ધોરણ-12 પછી એણે પોતાની ગણિત પ્રત્યેની રુચિ ને ધ્યાન માં લઇ બી.એસ.સી. પસંદ કર્યું અને એમાં પણ એ સેમેસ્ટર-6 માં 88% સાથે પાસ થયો.

બી.એસ.સી પુરું થયું પછી તેણે વધુ અભ્યાસ માટે એમ.એસ.સી. કરવાનો નિર્ણય કર્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એસ.સી માં પ્રવેશ મેળવવા માટે પહેલા એન્ટ્રાન્સ એક્ઝામ આપવી પડે‌ કારણ કે એમ.એસ.સી. માં દરેક યુનિવર્સિટીમાં મર્યાદિત સંખ્યા ભરવાની હોય છે અને એપ્લિકેશન એની સાતથી આઠ ગણી આવતી હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એસ.સી ની ટોટલ 60 સીટ હતી અને સામે ફોર્મ ભરાયાં તા 420 એટલે કોમ્પિટીશન પણ ઘણું બધું ટફ હતું.

 એન્ટ્રાન્સ એક્ઝામ માં પણ જોરદાર તૈયારી કરી અને એ વિદ્યાર્થી એ પરિક્ષા આપી .

એમ.એસ.સી નું મેરીટ લીસ્ટ બહાર પડ્યું અને 420 વિદ્યાર્થી ની હરિફાઈ માં આ વિદ્યાર્થી એ 44 મો રેન્ક પ્રાપ્ત કર્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું.

ત્યારબાદ એમ.એસ.સી. ગણિત વિષય ઉપર ચાલું કર્યું અને હમણાં થોડાક મહિના પહેલા જ ચાર સિમેસ્ટરની સરેરાશ 80% સાથે એમ.એસ‌.સી. પણ પુરું કર્યું.

આમ એ વિદ્યાર્થી ને પાંચમાં ધોરણમાં સંગિતા મેડમ પાસેથી જે પ્રેમ મળ્યો એનાથી એનો જિંદગી જીવવાનો અભિગમ જ બદલાઈ ગયો.

આમ ઘણા બધા વ્યક્તિ ઓ જાહેર જીવનમાં એવા હોય છે જેને માત્ર એક પ્રેમની જરૂર હોય છે અને એ મળી જાય પછી એ અશક્ય વસ્તુઓને પણ શક્ય બનાવી દેતા હોય છે. .

(આ વિદ્યાર્થી બીજો કોઈ નહીં પણ આ વાર્તાનો લેખક  હું પોતે એટલે કે વિપુલ આર.પટેલ છું.

B.sc, M.sc (mathematics))

તો મિત્રો મારી જિંદગી માં આવેલા આ પરિવર્તનને વાર્તા સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કર્યું છે.હુ આશા રાખું કે બધા ને ગમશે અને ખાસ કરીને કોઈ વિદ્યાર્થી ને આમાંથી કંઈક પ્રેરણા મળશે.

મારી જિંદગી નું એક સપનું છે કે હું એક બેસ્ટ શિક્ષક બનું અને મારા જેવા ઠોઠ નિશાળિયાઓ ને પણ શિક્ષણ માં રુચિ વધે એ માટે બેસ્ટ મોટીવેશન પુરું પાડુ અને સાથે સાથે સરળ પધ્ધતિ ઓ અને મનોરંજન સાથે વિદ્યાર્થીઓ ને આગળ વધવા માટે મદદ રુપ થાઉં.

આ વાર્તા જો ગમી હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભુલતા નહીં અને મને ફોલો કરવાનું ભુલતા નહીં જેથી કરીને તમને મારી પબ્લીશ થતી સ્ટોરીઓની નોટીફીકેશન મળતી રહે.

મો.નં.7016634847


***

Rate & Review

Jrv 10 months ago

Nikita Patel 8 months ago

Chintan Gajera 8 months ago

Abhishek Patalia 8 months ago

daveasha42@gmail.com 8 months ago