મહેમાનગતિ

આખા ગામને ખબર કે પરમજી જીવાને ત્યાં રાત રોકવાય નહિ!

લગભગ સાડાચાર ફૂટ જેટલી ઊંચાઈ અને દોઢ ફૂટ પહોળાઇ,અને એટલી જ જાડાઈના ઘનફળમાં એવો એ સમાઈ રહે એટલું એનું કદ ! પરંતુ એ જેટલો બહાર દેખાય છે એટલો જ બીજો ભોંમાં (જમીનમાં) છે એમ સૌ કહેતું. પરમજી જીવાને પરણાવ્યો ત્યારે આખું ગામ એની છ ફૂટમાં એકાદ બે ઇંચ ઓછી ઉંચી વહુને જોવા ઉમટી પડેલું.આગળ નાનું છોકરું ઊભેલું હોય તેમ પરમજી ઉભો હતો.અને એની રૂપાળી ધણીયાણી ને જોઈ જોઈને હરખાતો. એનો સ્વભાવ જ એવો હતો કે પોતે જ્યાં ન પહોંચી શકે તેમ હોય ત્યાં પહોંચવા મથતો. જે પોતાને મદદરૂપ થાય તેવા માટે માથું આપી દેવા સુધીની તૈયારી'ય રાખતો પણ એના ઘરે કોઈ રાત રોકાતું નહિ.

પરમજીને કૂતરાની નાત પર ગજબનું વેર હતું. પરમજીને જોતાવેંત નાના ગલુડિયાથી માંડી ને મઘા વાઘરી નો ડાઘા જેવો "જાફરો" કૂતરો પણ સંતાવાની જગ્યા ગોતવા મંડતો. પરમજી આગળના ભવમાં કદાચ મીંદડો હશે એટલે જ કુતરાઓ પર એનો ખોફ ઉતર્યો છે એમ અમુક ખાટસવાદિયા વાતો કરતા. પણ વાત ને વળ ચડાવો તો જાણવા મળે કે જ્યારે મૂછનો દોરો ફુટેલો ત્યારે કાના રબારીની કંચન નજરમાં વસેલી.એ વસવાટનું ભાડું લેવાનું હોય તેમ પરમજી વાડ ઠેકીને તેની જિંદગીના પ્રથમ પ્યારને પામવા પહોંચ્યો ત્યારે કાના રબારીનું કાબરુ પોતાની વફાદારી બતાવવાની તક જતી કરી શકેલું નહિ . એને તો કાના રબારીનો પ્રેમ મળેલો પણ પરમજીને પ્રેમ સાવ વ્હેમ હોવાનું સ્વીકારવું પડેલું અલબત્ત ભાંગેલા તન અને મનથી !

બસ ત્યારથી પરમજી કૂતરાને જોઈને ધર્મેન્દ્રની જેમ "કુત્તે મેં તેરા ખૂન પી જાઉંગા " એમ ડાયલોગ બોલીને કૂતરાની આખી જાત ઉપર ખોફ ઉતારતો.

ભાગ્યે જ કોઈ એને પ્રેમજી કે પરમજી કહેતું. ગામના ડોસાઓ કે જેમને પરમજી ક્યારેય બીડી નું ઠૂંઠું'ય ચૂસવા દેતો નહિ એ લોકો " પમલો" કે "પમલું" જેવા શબ્દો નવાજી દાઝ ઉતરતા.કોકને ભવિષ્યમાં પાંચ રૂપિયા ઉછીના મળવાની સંભાવના દેખાતી તેઓ તકસાધુ બનીને ક્યારેક પરમજીભાઈ કહીને ખુશી પેશ કરતા પણ પરમજી આવાઓ ને પારખતો અને પાંચ પૈસા'ય આપતો નહિ એટલે એ લોકો ''પમલીનો'' કહીને નાસી છૂટતા.

પરમજીના ઘડતર વખતે થોડી માટીની તાણ પડી હોય કે પછી પ્રભુનું ધ્યાન શણગાર સજી ને ઉભેલા લક્ષ્મીજી તરફ રહી ગયું હોય , ગમે તેમ પણ એની જીભ થોડી ટૂંકી રહી ગયેલી ! અને બાળપણમાં ભેરૂઓ સાથે લગાવેલી ધના કુંભાર ના ગધેડાનું પૂછડું પકડવાની શરત જીતવા જતા પ્રાપ્ત થયેલા લાત પ્રહારના કારણે આગળના ત્રણ દાંત પ્રભુએ તાત્કાલિક અસરથી પાછા ખેંચેલા !! એટલે પરમજી પોતાનું નામ "પરમજી જીવા" ને બદલે " પલમ જીજીવા" બોલતો. અને સાંભળનાર ને બન્ને "જી" ના એકસાથે કર્ણ પ્રવેશ થી કષ્ટ પડતું. વળી પરમજીના મુખદ્વારના દરવાજા જેવા ત્રણ દાંત ગેરહાજર હોવાથી પહેલા સુસવાટો (હવા નો જ વળી ! ) સાંભળતો.

હવે પરમજી જીવાના ઘરે રાત રેવામાં રહેલા જોખમ ની વાત કરીએ.

તે દિવસે દિવસ આથમવા ટાણે ઓઘડસંગ બાપુ પોતાની ટારડી (ઘોડી!) પર આરૂઢ થઈને ગામના પાદરે થી નીકળેલા. કોક ખેડુની વાડીએથી ઘોડીને લીલો રજકો ખાવા મળેલો જે આ ટારડી પચાવી શકેલી નહીં.એ રજકો ગ્રીન જ્યુસ રૂપે ઘોડીની પૂંઠ પર પ્રસરી રહ્યો હતો.બાપુના માથે મળી( મશીનમાંથી નીકળેલું કાળાશ પડતું ઓઇલ) જેવો મેલોદાટ સાફો શોભી રહ્યો છે અને પીળી ધમરક મૂછના થોભીયા આસપાસ આડેધડ ઊગી ને વકરી ગયેલી દાઢીના કાતરા ઉપર ટારડીના ઠાઠે (પૂંઠ) જે માખીઓને જગ્યા નહિ મળેલી તે બધી અહીં બમણા વેગે બણબણતી હતી !! બાપુએ પોતાના કોટનો કલર કહી આપે તેવા જુવાનોને રોકડા સવા રૂપિયાનું ઇનામ જાહેર કરીને હાકલ કરેલી પણ કોઈ માઈનો લાલ બાપુના કોટ નો કલર કળી શકેલો નહિ.

પાદર માં બાવળના ઝાડ નીચે બનાવેલા ઓટલે બેઠેલા નવરા ખાટસવાદીયાઓએ બાપુને રામ રામ કર્યા., "અલ્યા આ તો ઓલ્યા ઓઘડસંગબાપુ કાં.. તો'ક" એક જણે બાપૂને ઓળખ્યા.

" આટલા અહુરા ચ્યાં થી બાપુ ?''

" બવ લાંબો પંથ કાપીને હાલ્યો આવું સવ ભાય, ધીંગાણા થયા સે ધીંગાણા ( લડાઈ) !" બાપુએ મ્યાનમાં પડેલા બકોરામાંથી દેખાતી કટાઈ ગયેલી તલવાર રમાડતા રમાડતા પોરસ કર્યો.

" હાં બાપુ હાં, આ ઘોડું જોઈને લાગે તો સે જ, બચ્ચારું લીલો રજકો પચાવી નથી હકયું!, ધીંગણામાં શેરી રિયું !"

એક ઓટલવાસીએ ઘોડીની હાલત જોઈને કહ્યું.

" અલ્યા રાતવાસો કરવો સે, સે કોઈ ગામમાં મરદનું ખોરડું ? કે પસી બાયલા જ બાકી રિયા સે ?"બાપુએ ઘોડી વિશે વધુ વાત થાય એ પહેલાં જ નવી વાત નો ઘા કર્યો.

" ઉગમણે પરમજી જીવા કરીને એક મરદ પડ્યો સે, પુગી જાવ ઇ ના ઘરે! આગતા સાગતા ઓછી પડે તો મૂછ મુંડાવી નાખસુ" એક જણને ભારે ટીખળ સુજ્યું. અને આખી ટોળકીએ વધાવી લીધું. બધા ઉભા થઈને બાપુ પાસે આવ્યા, " હાલો મૂકી જાઇ, ઈમ તમને નઇ જડે"

ટારડી સ્વાર બાપુની આગળ આ ટોળું ચાલ્યું.એક જણે ટારડીનું ચોકઠું ઝાલ્યું. ગામના બીજા નવરા લોકો પણ આ સરઘસમાં સામેલ થયા. પરમજીને ત્યાં બહારગામથી બાપુ પરોણા થયા હોવાના સમાચાર આખા ગામમા વાયુ વેગે ફેલાઈ ગયા.આખરે આખો રસાલો પરમજી ને ઘેર આવી પહોંચ્યો.

સાંજનો સમય હોઈ પરમજી હજી વાડીએથી હજુ આવ્યો નહોતો.પરમજીએ ઘરની ફરતે કાંટાળી વાડ કરીને વાંસની ખપાટોથી ઝાંપો બનાવેલો.જેમાં કૂતરા તો પેસી શકે તેમ જ હતું પણ આગળ વાત થયા મુજબ કુતરાઓની તાકાત નહોતી કે પરમજીના ઘરમાં ઘૂસે.પરમજીનો પાડોશી હિન્દી પિક્ચરનો શોખીન હતો તે હંમેશા કહેતો ,"આને વાલી સાત પુખ્તઓ તક કોઈ કુત્તા પેદા નહિ હોગા જો પરમજી કે સામને અપની આંખ ભી ઉઠા શકે !"

"અલ્યા ખોલજો, મેમાન આયા સે" એક જણે ઝાંપો ખોલીને દોડીને ઓસરીમાં કાથીની ઢોરણી ઢાળી.પરમજીની વહુ મોંઘી પીળી ધમરક મૂછોવાળા ટારડીસવાર જોઈને થોડીવાર વિસ્મય પામી.પછી એને એકાએક ખ્યાલ આવ્યો કે આ તો મારા પિયરથી પધારેલા ઓઘડબાપુ ! નાનપણમાં બાપુના ગઢમાં મોંઘીની માં કામ કરવા જતી ત્યારે એ પરાણે સાથે જતી.અને દિકરીબા (બાપુની દીકરી - જેને આખું ગામ દિકરીબા જ કહેતું) સાથે પાચીકા રમતી. એ ઓઘડસંગબાપુને સાક્ષાત પોતાના આંગણે પધારેલા જોઈને મોંઘીના હરખનો પાર ના રહ્યો.

પરમજીના નાના છોકરાએ પથારીમાં પેશાબ કરી કરીને ગાંધાવી નાખેલું ગોદડું ફળિયામાં ખીલે બાંધેલા સાત દિવસ પહેલા જ જન્મેલા પાડાને તડકો ન લાગે અને ગોદડું પણ વાહરી જાય એવા બેવડા હેતુથી ઓઢાડેલું તે એક જણે દોડાદોડ જઈને ઢાળેલી ઢોરણી પર પાથરી દીધું.( સૌરાષ્ટ્રમાં મહેમાન આવે ત્યારે ખાટલો ઢાળીને સરસ મજાના ગાદલા કે ગોદડાં પાથરી ને તકિયા વગેરે મૂકીને મહેમાન નું સ્વાગત કરવામાં આવે છે જે અહીં પરમજીના ઘેર બાપુનું થઈ રહ્યું હતું.)

બાપુએ પોતાની આગતા-સાગતાની શરૂઆત થતી જોઈને ટારડીને ફળિયામાંથી જ પાછી વાળવાની કોશિશ કરી.પણ પેલા જુવાનિયાઓ મચક આપે તેમ નહોતા.બાપુએ "બાયલા જ બાકી રિયા કે શું" એમ કહેલું એટલે એ લોકો બરાબર દાઝે ભરાયા હતા. એટલે બે જણાએ બાપુને બન્ને બાવડેથી પકડીને ટારડી ઉપરથી ઉચકી જ લીધા અને લગભગ ટીંગાટોળી કરીને પેલી ઢોરણી માં પોટકું નાખે તેમ પટક્યા.

" હાઉં બાપા હાઉં, મને વયો જાવા દ્યો, મારે છેટા પડી જાહે બાપ" બાપુએ ઉઠવા માટે આજીજી કરી.

" લ્યો અમારે આંગણે બાપુ ચયાથી હોય, મને નો ઓળખી? નાની હતી તારે ગઢમાં દિકરીબા હારે રમવા નો'તી આવતી ? ઇ મોંઘી, બોઘા અરજણની નાનકી !" પરમજીની ઘરવાળી મોંઘીએ પોતાનો પરિચય આપી ને પાણીનો લોટો બાપુને આપ્યો.

બાપુને મુકવા આવેલા જુવાનીયાઓને તો આ ઓળખાણ ભારે કામ માં આવી. એક જણે ફળિયામાં ઉભેલી બાપુની ટારડીને ઢાળીયા તરફ દોરવા માંડી. પણ આ બધો ખેલ ઢાળીયામાં બાંધેલી ભેંસ ક્યારની જોઈ રહી હતી.તેના વહાલસોયા પાડરૂની ગોદડી છીનવી લેનાર પીળી મૂછવાળા માનવીની ટારડીને પોતાની ગમાણ તરફ આવતી જોઈને એકાએક તે ભડકી, સાંકળને આંચકો મારીને ખીલો પણ ભેંસે ખેંચી નાખ્યો.અને હજુ કોઈ કાઈ સમજે તે પહેલા જ ફળીયા માં દોટ મૂકી. ઊંચું પૂછડું લઈને કૂદાકૂદ આવી રહેલી જોરાવર ભેંસને જોઈ પેલા જુવાનીયા ટારડી ને મૂકીને ભાગી છૂટ્યા. ઘોડી કાઈ સમજે તે પહેલાં જ ભેંસે ગોથું મારીને ભોંય ભેગી કરી.ઘોડી તો કેમ કહેવી, ટારડી જ બરાબર! ભેંસ પોતાની ગમાણ છીનવવા આવી રહેલા આ પરદેશી જનાવરને જાણે કે છોડવા માગતી જ ન હોય તેમ હજુ પણ ગોથું મારવાની તૈયારી કરી રહી. ટારડીએ લીલા રજકાના જ્યુસના રસનો તમામ સ્ટોક ખાલી કરી નાખ્યો !!

"અલ્યા, આ ડોબું મારી ઘોડીને મારી નાખશે હાળા નખ્ખોદીયાવ'' બાપુથી રાડ પડાઈ ગઈ.

બાપુની રાડ સાંભળીને મોંઘી લાકડી લઈને દોડી. ધડાધડ એણે ભેંસને ઢીબીને ઘોડીથી દૂર કરી અને નવા ખીલે બાંધી. બાપુ ખાટલીની ઝોળીમાંથી માંડ ઉભા થઈને ઘાયલ ઘોડી પાસે ગયા અને ઘોડીને ઉભી કરવા કોશિશ કરી. બાપુ આ ઘરમાં એક ઘડી પણ થોભવા માંગતા નહોતા.પણ ઘોડીને મોંમાં ફીણ આવી ગયા હતા.બાપુને પણ વધુ બળ કરવાથી કદાચ ચોરણો બગડી જવાની બીક લાગી એટલે ઘોડીને તેની હાલત પર છોડીને યુદ્ધ હારેલા રાજવીની માફક ઢોરણીમાં પડતું મૂક્યું.

થોડીવારે મોંઘીએ બાપુને ચા પીવડાવી.પિત્તળની રકાબીમાં ભરેલી ચા ની અંદર મૂછો ન બોળાય તે માટે બાપુને એક હાથથી બન્ને થોભીયાને થોભી રાખવા પડતા.બીજા હાથમાં ચા ની રકાબી પકડીને ચા ના સબડકા બોલાવતા હતા, ત્યાં જ પરમજી પોતાના ત્રણ દીકરાઓને લઈને ઘેર આવ્યો.ઓસરી માં ઢાળેલી ઢોરણીમાં અડધા ખુંપી ગયેલા પીળી મૂછોને પકડી રાખી ચા ના સબડકા બોલાવ્યે જતા બાપુને જોઈ તે નવાઈ પામ્યો.પણ તેના ત્રણેય ટાબરીયા જાણે કે રમવાનું રમકડું જોઈ ગયા હોય એમ બાપુને જોઈ ને દોડ્યા.

" દાદા આયાં દાદા આયાં" ના દેકારા પડકારા કરતા પરમજીના વંશજોએ દોટ મૂકી.એમાં નું જે મોટું હતું તે બાપુના ખભે ચડી બેઠું, વચેટિયું બાપુના ખોળામાં બેસીને પીળી ધમરક મૂછોને ખેંચીને દાઢીના કાતરાને વળ ચડાવવા માંડ્યું. સૌથી નાનું કે જે અદ્દલ પરમજી ઉપર ગયું હોવાનું કહેવાતું - તેણે જોયું કે દાદા ઉપર બન્ને ભાઈઓએ પૂરેપૂરો કબજો જમાવી દીધો છે અને પોતાની જે ગોદડી બાપુની બેઠક નીચે શહીદ થઈ હતી તેનો છેડો પકડીને પગ પછાડવા માંડ્યું અને ભાઈઓની ખુશીમાં દીવાસળી ચાપતું હોય એમ ભેંકડો તાણીને રડવા માંડ્યું, " માલી ગોદલી સે.. હં કં અ..

કાધો ...માલી ગોદલી.. હં.. કં.. અ..."

બાપુ જાણે કે રણ મેદાનમાં દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા., "હાઉં બાપલા હાઉં , ધીરા રયો.. ધીરા રયો.." કહીને લાચાર નજરે બાપુ મોંઘી તરફ જોઈ રહ્યાં.

" મારા રોયા, ખહો આઘા.તમારા ડોહા ને ટાળી દેશો, આઘા મરો'ક નઈ" મોંઘી બાપુની વહારે ધસી આવી.ખભે ચડી બેઠેલાને ધબ્બો મારીને અને ખોળાના ખૂંદનારનું બાવડું પકડી દૂર કર્યા. અને નાનકો કે જે બાપુને ગોદડી ઉપરથી ઉઠાડી મુકવા પર તુલ્યો'તો એને પણ હાંકી કાઢ્યો.

હવે આખો કેસ પરમજીએ હાથમાં લીધો.

" કો..ઓ..હણ મેમે..મ્હાન આ..આ..હયાં સ ?" ટૂંકી જીભ વડે મહેમાન વિશેની જિજ્ઞાશાને આગળના ત્રણ ગેરહાજર દાંતના બકોરમાંથી હવાના સુસવાટા સાથે પરમજીએ બાપુના મોઢા પર ફેંકી.

"એ..એ..ઇ તો અમારા ગામના ઓઘડબાપુ સે. મારા બાપુ આમને ન્યા દાડી દપાડી (મજૂરી) કરતા !" મોંઘીએ બાપુનો પરિચય આપ્યો.

" પ..પન..આ ઘોહડું..ચ્યમ આયાં પડી જ્યુ ? મરી જ્યુ સે ? " ફળિયામાં બેહાલ થઈને પડેલી ટારડી તરફ હાથ લાંબો કરીને પરમજીએ બાપુની બાજુમાં બેઠક લીધી.

મોંઘીએ આખી ઘટનાનો ચિતાર આપ્યો.હજુ પણ નાનકાએ યુદ્ધવિરામ જાહેર કર્યો નહોતો.એ ભેંકડો તાણીને પોતાની પ્રિય ગોદડી માટે ઝઝૂમતો હતો.બાપુએ કંઇક બોલવા માટે મૂછો નીચેનું બખોલ જેવુ મોં પહોળું કર્યું ત્યાં જ એ બખોલમાં હવાનો થૂંક ના છાંટા મિશ્રિત સુસવાટો તેમાં પ્રવેશ્યો !!

"તે... દદ રબ્બાર..રા..આ..ત્ય.. રોકાઈ જાહજો બીજજુ સુ, અન... હું ઈમ પુહ..સ્તો'તો ક આજ ..ચીમ આની..પા ભુહલા.. પડીયા !" પરમજીએ મહેમાન ને રાત રોકાઈ જવા આગ્રહ કર્યો અને આજ આ બાજુ કેમ આવી ચડ્યા તે જાણવા પૂછ્યું. બાપુએ તેની પૃચ્છાને અંતે દાઢી પર હાથ ફેરવ્યો. પરમજીના થુંકથી ભીનો થયેલો હાથ બાપુને કોટ સાથે જ લૂછવો પડ્યો, પણ બાપુનો પિત્તો હવે બરાબરનો છટક્યો હતો.

"ભઈ, હું કંઈ ભૂલો નથ્થ પડ્યો, તારા ડોહા ધીંગાણા થયા સે ધીંગાણા.. ગામના કોક કપાતર મને પરાણે તારા આ ઘોલકા માં મૂકી જ્યા , નખ્ખોદ જજો હાળાવનું !.અને હાળા તોતળા તારું ઝાડુ (મોઢું) આમ આઘુ રાખીને ભહતો હો તો, મારા મોઢા ઉપર થુંક ઉડાડયે જાસ તે !" બાપુના ડોળા લાલઘૂમ થઈને પરમજી સામે તગતગી રહ્યા. પરમજી કઈ જવાબ વાળે એ પહેલાં જ એમણે ઉમેર્યું, " તારા આ ડોબાએ મારી તેજણ (બાપુ પોતાની ટારડી ને પ્રેમથી તેજણ કહેતા) નો કસરઘાણ કાઢી નાખ્યો સે ઇ ભાળતો નથ ? હવે તારો બાપ ઘરે ચમ કરીને પોગહે, હાળા કોણ જાણે ચયાંથી પેદા થ્યા સ!" બાપુએ અત્યાર સુધી કાબુમાં રાખેલો "ખોફ" પરમજી પર ઉતારી જ નાખ્યો!!

પણ એવા હાકોટાથી ડરી જાય તો ઇ પરમજી જીવા નહિ. પોતાના ઘરે આવીને મોઢામોઢ તોતળો કહીને જેમ આવે તેમ વગર વાંકે વઢી નાખનાર બાપુનો હડિયો જ ટીચી નાખવાનું એને મન થયું.પણ આખરે દરબાર પોતાના મહેમાન હતા એટલે પોતાની " લુલી" વડે લવારો ચાલુ કરે તે પહેલાં જ મોંઘીએ મોરચો સંભાળ્યો.

" હશે... બાપુ. ખમ્મા બાપુ ! અમે તો તમારા છોરું છઈ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય હો બાપુ, બાપુને ઘણી ખમ્મા !" બાપુને રિજવવાના વેણ વદી ને એને નેણ પરમજી ઉપર ઠેરવ્યા, "શુ ચયારના બફાટ કરો સવો, થોડાક આઘા ગુડાઇ ન બોલતા હોય તો ! થુંક ઉડાડી ઉડાડીને બાપુનું થોબડું બગાડી મેલ્યું, ઉઠો આંય કણેથી.(અહીંથી)"

પરમજી માટે તો આ બધું અસહ્ય થઈ પડ્યું હતું.પરંતુ મોંઘી આગળ તે લાચાર હતો.પીળી મૂછો અને કટાઈ ગયેલી તલવારના માલીક આખરે મોંઘીના પિયરમાંથી આવ્યા હતા.એટલે દરબાર પ્રત્યેની દાઝ ડોળા કાઢીને આંખોથી વ્યક્ત કરતો તે ઉભો થઇ ગયો.

રાત્રે મોંઘીએ બાજરાનો રોટલો, ડુંગળીનું રસાદર શાક, બે દિવસની ખાટી છાછ ની હળદરવાળી કઢી બાપુ માટે ખાસ બનાવી.કારણ કે તે નાનપણમાં બાપુના ગઢમાં જતી ત્યારે ક્યારેક તેને આવી જ કઢી ખાવા મળતી.વધારામાં ઘરની વાડીના શેડિયા મરચા- જે આખા ગામમાં પરમજી સિવાય કોઈ ખાઈ નહિ શકતું હોવાનું કહેવાતું- તે તળીને તૈયાર કર્યા.

"હા આ..લો દ..રબ્બાર ગળસવા ગુડાવ" પરમજીએ હાકલ કરી !

"હે ભગવાન, આમને કે'દી બુદ્ધિ દેશો! મેમાન ને ઇમ કેવાય, અને આ તો પાછા બાપુ મુવા સે !" મોંઘી પરમજીને ખિજાઈ અને બાપુને વિનવ્યા

" હશે અમારા માવતર સવો, લ્યો હાલો જે ભાવે ઇ બેહી જાવ બાપુ !"

" ના ભઈ ના, ઇમ એક દી નો ખાઈ તો કંઈ મરી નો જાવી, ધીંગાણાં હાલતા હોય તિયારે મયનો મયનો દાંત ને અન્ન હારે વેર થાય હોં !"

" હહ હહ હહ, દ..રબ્બાર થોડુંક માપ રાહખો, અમે તો આહવડા થ્યા , ચ્યાં'ય ધીંગાણું નથ્થ ભાયલું ! બવ લાહડ કરિયા વના બેહી જાવ કવ સુ, ભુ.. હખ્યાં હવાર નઈ પ..હડે !" પરજીએ મોઢા આડો હાથ રાખીને બાપુને તાણ કરી.

" તું ઇમ હમજતો નઈ કે અમે ભૂખ્યા થ્યા સવી. ના ના મારે તો ખાવું જ નથી તમતમારે ખાઈ લ્યો !"

"ઇમ સુ કરતા હશો વળી, હું તો તમારી દીકરી જેવી જ કેવાવ, લ્યો હાલો હાથ મોઢું ધોઈ નાખો બાપુ, અને ઇમના બોલ્યાં હામુ નો જોશો" મોંઘીએ ફરીથી બાપુને વિનવ્યા.

"લે તો તો તારા ઘરનું પાણી'ય મારે નો પીવાય. દીકરીના ઘરનું..."

"હવે છાહના મરો , હહમને સા (ચા)ની આહખી હડાળી મુચ્ચું બોળી બોળીને હબડકાવી જ્યાં સો ન !"

પરમજી બાપુને આગળ વધતા અટકાવીને વદ્દયો.

"ઇ તો મને ખબર નહોતી, હમજ્યો ? પણ હવે તો હું નઈ જ બેહૂ હું હમજ્યો ?" બાપુએ પરમજીને બે વાર સમજાવવાની કોશિશ કરી.

"પણ હવે ઇ બધું જાવા દ્યો બાપુ, બવ ભૂખ્યા હશો હવે બેહી જાવ" મોંઘીએ હાથ જોડ્યા.

" ના ના હો, ઇમ હું દરબાર ઉઠીને...."-દરબાર

" બાપુ ભલા થઈને અન્નનો અનાદર નો કરો ..."- મોંઘી

" બાજરાના રોહટલા ન કહઢી તો કુહુ..ત્ત...રા'ય નય ખાય, હાળું તમારા ભાહગનું ઉ..હકરડે.." -થોથવાતી જીભે પરમજી બોલ્યો.

બાપુનો મગજ હવે બરાબરનો છટક્યો. જમવાની સાવ ના પડવાની હિંમત તો નહોતી.પણ હજુ એક બે વાર ના પાડ્યા પછી હા પાડી દેવાનો વિચાર હતો.પણ પરમજીની ધીરજ હવે જવાબ આપી રહી હતી!

"તો. .. દ..રબ્બાર.. તહમેં નઈ જ ઉહથો ઇમ ને ! મહને તો હાળું બવ ભુહથ લ્હાગી સ. હાલ અલી સોકરા'ય ભુ..હખા થ્યા સ" પરમજીએ હથિયાર હેઠાં નાખી દીધા.

મોંઘીએ પણ બાપુ નહિ માને એમ માની લીધું. મોંઘીનો પરિવાર જમવા બેસી ગયો.પરમજી જોરથી કઢીના સબડકા બોલાવીને કઢી પીવા લાગ્યો.

બા..હકી તું ક..હઢી ભારે...મિહથી બ..હનાવ હો ! ભારે મિહથી..!"પરમજીએ કઢીના વખાણ કરીને દરબાર સામે જોયું.

બાપુને વધારે પડતી તાણ કરાવવા બદલ પારાવાર પસ્તાવો થતો હતો. પીળી મૂછો નીચેથી કઢી પીવાની મૃગતૃષ્ણા રસ બનીને હોઠ પલાળી રહી હતી.આખરે બાપુએ આવા સમયે વાપરવાનું હથિયાર કાઢ્યું,

"બટા મોંઘી, શુ કઢી બનાવી સે ? આપડા ગઢમાં બનતી'તી એવી જ કે ?"

" લે અટલે તો ચયાર ના તમને તાણ કરતા'તા, લ્યો હાલો ને હજી બેહી જાવ બાપુ" મોંઘી પોતાને બાપુએ બેટા કહીને બોલાવી તેથી રાજી રાજી થઈને બોલી.

" પહન.. દી હકરી ના ઘરનું...." પરમજીએ પાછું રોડું નાખ્યું.

"પણ કઢી તો મને બવ ભાવે હો મોંઘી બટા.." બાપૂએ પરમજીને રોડાને ફગાવ્યું. " લાવ તારે તું બવ કેશ અટલે અન્ન નો ચ્યાં અનાદર કરવો દરબાર ઊઠી ન !"

બાપુએ ઢીંચણ ઉપર હાથનું દબાણ આપીને ખાટલીમાંથી પોતાના દેહને ઉભો કરીને પરમજીથી દૂર બેઠક લીધી.પીળી મૂછોને પકડી રાખીને ત્રણ તાંસળી કઢી અને બાજરાના બે આખા રોટલા અને હા ના હા ના કરતા વધેલું બધું જ શાક તીખા પાંચ મરચા સાથે ગ્રહણ કર્યું.બાપુ મૂછો પકડે એટલે પરમજીના બારકસ ખીખિયાટા કાઢીને બાપુને ખીજવે.પણ રણ મેદાનમાં એવા દુશ્મનોને ગાંઠે તો તો બાપુ શાના !!

ફળિયામાં બાપુની ટારડીને ભેંસના ભાગમાંથી થોડુ ઘાસ નાખવામાં આવ્યું.અને બાપુનો ખાટલો ઢાળવામાં આવ્યો. જૂનું અને અનેક થિંગડાંઓથી શોભતું પણ પરમજીના મહેમાનોની બહુ સેવા નહિ કરી શકેલું ગોદડું ,અનેક કાણાંઓ વાળો હવાઉજાસ વાળો એક ધાબળો અને અંદર ભરેલા રૂ ને માંડ રોકી રાખતું બાલોસિયું(ઓશીકું) બાપુની પરોણાંગતમાં પેશ થયા. ભરપેટ જમીને બાપુએ ફળિયામાં કરેલી પથારીમાં પધરામણી કરી. તલવારને પડખામાં મુકતા પહેલા ઊંચી કરીને પરમજીને બતાવી.પરમજીએ ક્યારેક જોઈ લેશું એવા મનસૂબા સાથે બાપુ સામે ડોળા કાઢ્યા.

રાત્રે ઉઘાડા ઝાંપામાંથી બે બિલાડા બાઝતાં બાઝતાં આવીને બાપુના ખાટલા નીચે ભરાયા.પરમજી અને મોંઘી છોકરા લઈને ઓરડામાં સુઈ ગયા હતા.રાત્રે મહેમાન સાથે સુવાનો રિવાજ તો હતો પણ અહીં મહેમાન અને યજમાન વચ્ચે ધીંગાણું થઈ જવાની ભીતિ હતી. બાપુને ચડેલુ કઢીનું ઘેન સાવ ઉતરી ગયું.ખાટલા નીચે બખાળા કાઢતાં અને એકબીજાને ઘુરતા બીલડાઓને બાપુએ તલવારનો ગોદો મારીને ભગાડવાનો વિચાર કરી જોયો. પણ તેમનામાં પડેલી જૂની શૂરવીરતાએ એમને એમ કહીને રોક્યા કે જે તલવાર દુશ્મનોને ઝાટકે દેવાની ઘડીઓની રાહ જોઈ જોઈને કટાઈ ગઈ એ આવા કપાતર મીંદડા માથે પ્રહાર કરશે ??

ઘણીવારે બીલડા થાકીને ચાલ્યા ગયા.બાપુ વગર યુદ્ધે જીત્યા હોવાનો આનંદ પામીને જરાક આંખ મિચ્યાં જ હશે ત્યાં એમના પગના તળિયે ગરમ લાગ્યું.પરમજીએ બાપુ ઉપર ચડેલી દાઝને કારણે ફાનસની સગવડ મોહિયા કરી નહોતી એટલે અંધારામાં બાપુએ ઝીણી આંખે જોયું તો કોઈક મોટું જનાવર બાપુના પગના તળિયા ચાટવાની સેવા કરી રહ્યું હતું.બાપુએ ભૂત પ્રેતની અનેક કહાનીઓ સાંભળેલી પણ પ્રત્યક્ષ ભૂતનો ભેટો થયેલો નહિ.પથારી ભીની ન થઇ જાય તે માટે બાપુ ખૂબ ઝઝૂમ્યા.આખરે તળિયા ચાટી ચાટીને ભૂત પણ થાકયું ત્યારે બાપુને ખ્યાલ આવ્યો કે આ તો બળધ છે. સાંજે થયેલી રામાયણમાં પરમજી બળધને બાંધવાનું ભૂલી ગયેલો.એટલે બળધ પણ બાપુની સેવામાં આવી પહોંચ્યો. પણ જે દોરડાથી બળધને બાંધેલો તેના બીજા છેડે ખિલામાં નાખવાનો ગાળિયો બનાવેલો. તે કોણ જાણે કેમ કરતા બાપુના ઢોલિયાના પાયામાં ભરાઈ ગયો.બાપુ ખાટલા સહિત ફળિયામાં બળધની પાછળ ઢસડાવા માંડયા. ના છુંટકે બાપુ ખાટલમાંથી કુદયા. બાજુમાં જ બાપુની પ્રાણ પ્યારી ટારડી ભેંસના ગોથાં થી ઘાયલ થઈને પડી હતી. બાપુની જેમ એનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો.હવે પછીના કોઈ પણ હુમલાને સાંખી લેવા એ બિલકુલ તૈયાર નહોતી.એવામાં પોતાની ઉપર ખાબકી પડેલા પોતાના માલીક ને ઓળખી ના શકી.બાપુનું બાવડું ઘોડીના મોમાં આવી ગયુ અને ભેંસ ઉપરની દાઝ ઘોડીએ બાપુના બાવડાં માં દાંત બેસાડીને ઉતારી.બાપુથી રણ મેદાનમાં પાડવા માટે અનામત રાખેલી "રાડ" અડધી રાત્રે પરમજીના ફળિયામાં જ પડાઈ ગઈ.

ઓરડાના બારણાં ધડાધડ ખોલીને પરમજી દોડ્યો.થાંભલી પાસે આવા સમયે તરત હાથમાં આવે એવી રીતે એક ડાંગ તે રાખતો. અંધારે પણ એ ડાંગ તરત જ હાથમાં આવી જતી. પરમજી સમજ્યો કે ફળિયામાં કઈક ગોટાળો થયો છે બાપુની ઘોડી ઉપર કોક ચોર કઈક કરામત કરી રહ્યો છે, બાપુની ઘોડી પોતાના ખોરડેથી અડધી રાત્રે કોક લઈ જાય છે એવા ખ્યાલે અને સાંજની બાપુ ઉપર ચડેલી દાઝે તે બરાબરનો ઉશ્કેરાયો.

સવારે ગામના પચાસ માણસો વચ્ચે બાપુને પાટાપિંડી કરવામાં આવી.એક ગાડાં માં બાપુ અને તેમની ટારડીને ચડાવવામાં આવી.ગામના પેલા ખાટ-સવાદીયાઓને બાપુએ ગાડાં માં સુતા સુતા તલવાર ઊંચી કરીને બતાવી.

"બાપુ, ક્યારેક ધીંગાણું થાય તો વયાં આવજો, અમારા ગામ માં સંઘરવા વાળા આવા પરમજી હજી બે તણ બીજાય સે હોં" કહીને પેલા જુવાનિયા ખખડી પડ્યા.પણ ત્યાર પછી બિચારા પરમજી ને ત્યાં કોઈ રાત રોકાતું નહિ.


***

Rate & Review

Chirag Purohit 2 days ago

Nita Mehta 3 months ago

djogarajiya v 7 months ago

હાસ્ય અને અમુજી લોકકથા છે એકવાર વાંચવા જેવી છે

Yashdeepsinh 8 months ago

Pravina Ramani 8 months ago