nakalma akal na hoy books and stories free download online pdf in Gujarati

નકલમાં અકલ ના હોય

               
ચકલીના ચક - ચક અને ટક-ટકે,  મને સવાર થઈ ગઈ  હશે ! તેવો એહસાસ કરાવ્યો. મેં ગોદડીમાંથી માથું બહાર કાઢ્યું .ચકા- ચકલીઓ ચી-ચી કરી પ્રભાતીયા ગીત ગાતા હતા. ત્યાં રોજની જેમ મારી નજર ઘરાના પ્રવેશ દ્વારે  ગઈ.ત્યાં ચકલીએ માળો બાંધેલ હતો., એ માળામાંથી બચ્ચું સહેજ નાની ચાંચ બહાર કાઢે.ત્યાંતો હું પથારી ઊભો થઈ જતો.અને તે બચ્ચાઓને જોવા પગના  પંજાએ અધ્ધર થઇ- ડોક લાંબી કરીને , હું બચ્ચાંઓને મન ભરીને  જોતો. વગર ચા પાણીએ હું તાજગીનો અનુભવ કરતો. મારું મન આજે પણ એ  ચકલીના બચ્ચા જોવા વ્યાકુળ હતું.હું બચ્ચા જોવા ધ્યાન ધરીને બેઠો હતો.મારા ધ્યાનને પંદર થી વીસ મીનીટ થતા જ  મારી  સહનશીલતા ખૂટી ગઈ . મેં જેમ  નોટબુકનું પેજ ને પલ્ટાવીએ તેમ મેં ઓઢેલ ગોદડીને પલ્ટાવીને મારાથી  દૂર કરી..ને હું  તે માળા પાસે ગયો.રોજની જેમ પગના પંજે સહેજ ઉચો થયો. અને મારી ડોક લાંબી કરું તે પહેલા તો મમ્મીએ બૂમ પાડી..
" બેટા, શું જૂવે  છે ? ." 
" ચકલીના બચ્ચાને " 
" શું ચકલીના બચ્ચા ? " 
" હા  મમ્મી ,  ચકલીના બચ્ચા." 
" અરે ! એતો કાલે સાંજે જ ઉંડી ગયા.." 
" હે ! શું વાત કરે છે મમ્મી ?  , ઉંડી ગયા ! " 
"  તો તારે શું  માળામાં જ બેસાડી મૂકવાતા.? " 
" ના મમ્મી,  હું એવું ક્યાં કહું છું, " 
" જો બેટા મોરના ઇંડાને ચીતરવા ન પડે. બચ્ચા થોડા મોટા થયા એટલે પોતેજ ઉંડી ગયા. ચકલી ક્યાં સુધી એ બચ્ચા માટે ખાવાનું લાવે...જો બેટા,  તારે પણ હવે ખેતીનું કામકાજ શીખવું જોઇએ.." 
" હા , માં હું છેલ્લા ત્રણ વર્ષથી ખેતી તો કરું છું.." 
" પણ બેટા, ખેતી પાકે છે , ક્યા ? " 
" એમા ,  હું શું કરું મમ્મી.? " 
તારા પપ્પા કેવી ખેતી કરતા તને ખબર છેને..તે હજી જીવતા હોત તો! ....  તારે ભણતર છોડવાનો વારો ન આવત અને આ ખેતીનો ભાર તારા માથે ન આવત ...ચલ છોડ હવે , આ વર્ષે  સારી ખેતી કરજે બેટા....
*****            ******             ********             ***
         આજે અખાત્રીજ થઇ હતી.તમામ ખેડૂતો.આજે ધરતીમાતા નું પૂજન કરી રહ્યા હતા..તે ખેડૂતોને જોઈને હું પણ શ્રીફળ અને પૂજનનો સામાન  લઈ હું હમડીવાળા ખેતરે પોહંચ્યોં.ત્યા ખેતરની  પૂર્વ દિશામા આવેલ  હમડી ના ઝાડ નીચે બેઠો.અને ધરતી  માતાને કંકુના પાંચ ચાંદલા કર્યા- ફૂલ મૂક્યા - અગરબત્તી ને દીવો  પેટાવ્યો.ત્યાબાદ ત્રીક્મ અને કોદારાને ચાંદલા કરીને  નાડાછડી બંધી...
" અલા એ સુમન , આમ સૂનમૂન શું બેઠો છે ? મારે આ શ્રીફળ વધેરવું છે.ક્યાંક ખેતરના ખૂણેથી પત્થર શોધી લાવ.." 
" ચેતન્યા ઓય ચ્યોથી એ પત્થર મલ્વાનો વળી, ઓઇ મોટી સિવાઈ કશુ મળે.? " 
" તો લે ત્યારે તારું માથું ધર.ત્યા હારું ફૂટશે , આ શ્રીફળ" .
" ઓ ચેતન જોજે ઈમ કરતો, મારું ઢોચકુ ફૂટી નો જાય..અને આ સીફ્લને તો અમબધા તો નોરીયેર જ બોલ્યે,  હ.લ્યા ..તું ભણ્યો તે બોલતા પણ હારું શીખીગ્યો , લે મોરા મોથે નૈ પણ આ કોદારાના મોથે ફૉર એ સીફલ.." 
મેં શ્રીફળને દીવાની જ્યોતે  અડાવીને ધરતીમાતાનું નામ લઈ શ્રીફળ વધેર્યૂ ...
" જો અસલ સીફલ નેકર્યૂને .હારું થ્યું કે કોદારો લોયાતા..નૈતો , તું હારા,  માર મોંથે જ ફોરે એવો સ ." 
લે તું પ્રસાદ ખા.ને તારી આ બક બક બંધ કર સુમન.એક તો મારે ત્રણ વર્ષથી કઈ પાકતું નથીને તને મજાક સુજે છે..
ચેમ્લા , ચેતન ઑમ બોલશ તું , મારી તો ટેવ જૉનહ તું.હું ગમ્મત કરું લ્યા.ગમ્મત કરવાથી મન હળવું થોય લ્યા..બાકી તન નો  ગમતું હોય તો નૈ બોલું હો..
" ઓ સુમન તપાસ કરને , ગયા વર્ષ કોણી ખેતી સારી પકવી હતી.." 
" લે ઈમાં વળી હું તપાહ કરવાની, ઇતો મોન ખબર સ." 
" બોલને લા,  કોણી ? " 
" ઓલા પ્રફુલકાકાની." 
" હેડ તો ઉભા થા , " એ પ્રફુલ કાકાના ખેતર જઈએ ..
" એ પ્રફુલકાકાનું  તારે હું કામ ? " 
" એ ખેતી કેવી રીતે કરે છે..તેની રીત જાણવા..કે વળી.." 
" હા ચાલ , ઉન હાલ તો ખેતી પાક્વી જ જોઈએ..હ.. નય તો તારી માં માર્યા વીના નય મેલે ." 
" ઓલા સુમન, આ વખત તો એવી ખેતી કરું કે લોકો જોતા જ રહી જાય."  
હું અને સુમન સીધા પ્રફૂલકાકાને ખેતરે ગયા..જઈને ખેતરના શેડે બેઠા..હું ધ્યાન પૂર્વક જે પ્રકારે પરીક્ષામાં કોપી કરતો એમ..પ્રફુલકાકાની  ખેતી કરવાની પદ્દતિને અવલોકી રહ્યો..ખેતર ચાંસની દિશા- બીજ રોપવાનૂ અંતર - વગેરે તેમની તેમની પદ્દતિ કોપી કરી લીધી..
" ઓલા ચેતન બેટા તું અહિંયા  , ઓય બેસ . ઓય લીમડાના શીરે . જો બેટા તારે ત્રણ વર્ષથી કૉઈ પાકતું નથી..એ મન ખબર છે.." મારી નિષ્ફળતાનો ડંકો ગામે- ગામ વાગી ચૂક્યો હતો.મારું માથું શરમથી જુકી ગયું.
" જો બેટા હિમ્મત નય હારવાની હો..કાય હમજ નો પડે તો મને બુમ પાડવાની, હું મારું કોમ મેલીને આવીશ હો..બોલ કોય  કોમ હોય તો..મને કે.." 
ત્યાં સુમન વચ્ચે લપક્યો , " ઓવ કોમ હારું તો આયા શે" ..મેં સુમનને આંખ બતાવી બંધ કર્યો..
" અરે કશું કામ નથી..બસ થોડું પાણી પીવા આવ્યા છે." 
" લો, હમણા આલૂ હો પોની , અસલ મોટલાનું ઠંડુ શ." 
" હું અને સુમન પાણી પીને પોતાના ખેતર ભણી હેન્ડ્યા." .
"ખેતરે ખેતરે કપાસના અંકુર ફૂટી નીકળ્યા હતા.અમે જેમ સ્કૂલમા સ્વાતંત્ર્ય દિને લાઇન સર આડા ઊભા હાથનું માપ લઈને ઊભા રહેતા તેમ..દરેક ખેતરમાં શીસ્તબંધ વાવેતર થયેલું હું નિહાળી રહ્યો હતો.
" ચેતન્યા ચેમ તે પ્રફુલકાકાને ખેતી વીશે કાય પૂછ્યું નય." 
" લે ઈમાં પૂછવાનું હું વળી. એ જેવી ખેતી કરે તેવી આપણે પણ કરતું જવાનું..મેં બધુ ધ્યાનથી જોઈ લીધું છે ..તું ચિંતા ન કરીશ..આમ પણ હું નકલ કરવામાં એક્કો છું..બસ તું જોતો જા.." 
" પણ ચેતન.." 
" પણ બન કશું નય...ચાલ કાલે ખેતરે વે'લો આવજે.." 
****** *****      ****       **************
હું અને સુમન હવે રોજ ખેતરે જતા.અને હું રોજ - રોજ પ્રફૂલકાકાને ખેતરે આંટા મારીને , બધું તેમના જેવું કર્યું ..ખેતર ખેડાયુ - ચાંસ ની દિશા- કપાસનું બીયારણ - ખાતર અને પાણી વગેરે..બધુજ આમ રોજ નો મારો નિત્યકર્મ ચાલતો રહ્યો..હવે કપાસ પણ સારો એવો મોટો મોટો થઈ ગયો હતો.
     " હું આજે સુમન શાથે પ્રફુલકાકાના ખેતરે ગયો.." 
મેં કહ્યું " આ શુ કરો છો કાકા ? 
" જોને આ કોણ જાણે આ નવા નવા રોગ ચ્યાંથી ફાટી નીકળે છે? ..આ મારા ખેતરમાં મીનીબગ પડ્યો છે..એટલે દવા મારું શું.." 
" ઓહ મારો ત્યારે કહી, અને રોજની જેમ પાણી પીને પોતાના ખતરે આયો.." 
" સુમન લે આ પૈસા,  ડભોઈ જા અને મીનીબગ મારવાની દવા લઈ આવ." 
" અલા ચેતન્યા આપડા ખેતરમાં ચ્યોં મીનીબગ સ..તે તું વળી દવા મોરવાની વાત કરશ." 
" પ્રફુલકાકાએ  દવા મારીને એટલે  આપડે પણ મારવાની." 
" અરે પણ કપાસને સારો એવો ફાલ આવ્યો છે..તેનુ શું ? " 
" તને કીધું એટલું કરને યાર..શું કામ માથું બગાડે છે.મારું " જો,  જ્યા લગી નકલથી જ કામ થતું હોય તો શું કામ અકલ વાપરવાની " ..
     તે પવનના વાયરાની હારે ડભોઇ જઈને દવા લઈ આવ્યો..અને અમે બંને યુધ્ધના મેદાને ઉતર્યા .જેમ .યુધ્ધમાં  ખભે મશીનગન ભરાવે તેમ અમે દવાના પંપ ખભે ભરાવ્યા.અને અમારા પંપમાંથી ગોળીને બદલે પાણીના ફૂવારા કપાસ પર છંટાવા લાગ્યા..હું અને સુમન બન્ને ખેતરના દરેક ચાશે ચાશે  ફરી વળ્યા..દવા છાંટવાનું કામ પતાવી ઘર તરફ ડગ ઉપડ્યા..
     હું ઘરની બહાર ઓટલે જ ખાટલો ઢાળી સૂતો હતો.આકાશે અને મારી આંખોમાં ખુશીના તારા ટમ ટમી રહ્યા હતા..બસ હવે એક જ મહિનો, પછી તો કપાસ ફાટી જશે..અને કપાસના મોટા - મોટા કપાસ શાથે હું સ્વપ્ના પણ મોટા મોટા જોવા લાગ્યો .કપાસ ફાટશે એટલે મમ્મીની ગીરવે મૂકેલી સોનાની રકમો છોડવી લાવીશ.ને લાગ પડે તો ટ્રેક્ટર પણ લેવાઈ જશે....આમ હું ફાટી આંખે સ્વપ્ના જોતો ક્યારે ઉંગ આવી ગઈ ખબર પણ ન પડી.
      સવાર થઈ એટલે મારું મન મને  ખેતરે દોરી ગયું..હું ખેતરની દસા જોઈને, ખેતર વચ્ચે જ,  ઘૂંટણે બેશી પડ્યો " .હે ! ભગવાન આ શું થયું.? મારા જ ખેતરમાં આમ કેમ થાય છે.? અરે મારી મહેનત સામું તો જો ..." 
ત્યાં પ્રફુલકાકા બોલ્યા :" ઈમો બિચારો ભગવૉન શું કરવોનો લ્યા..હા એ સાચું કે તે ખૂબ  મહેનત કરી.પણ તે તારી અકલ વાપરી ?  અરે ! તે મારી નકલ કરી , ઇ તે હારું કર્યું. પણ ..શું તારીને મારી જમીનની ભાત શું સરખી છે?  ..શું આપણા બન્નેના ખેતરના ઢળાવ- દિશા શું સરખા છે ? અરે ! મીનીબગ રોગ માર ખેતરમાં આવ્યો તો એટલે મેં દવા મારી , પણ તારા ખેતરમાં ક્યાં મીનીબગ રોગ હતો..?  તો તે શું કામ દવા મારી,?..." 
  "    હું ચોધાર આશુએ રડી પડ્યો.પ્રફુલકાકા હું મારી મમ્મીને ને શું જવાબ આપીશ, મેં આ ખેતી કરવા- કરવામાં  મારા પપ્પાએ કમાવેલ પૈસા પૂરા કર્યા..અને સાથે સાથ મારી મમ્મીની બધી રકમો પણ ગીરવે મુકાવી દીધી..મારે હવે મરવા સિવાય કોય રસ્તો નથી..લાવો એ મોનોકોંટો દવા કપાસ ભેળો હુંય મરી જવ..." 
ત્યાં સણસણતો તમાચો મારા ગાલે પાડ્યો." .અરે ચેતન આવો ટૂંકો વિચાર કમ કર શ  ? ઘડી બે ઘડી તારી મમ્મી નો તો વિચાર કર.." 
" તો હું શું કરું પ્રફુલકાકા ?   હવે ખેતી કેવી રીતે કરીશ.? હું ખેતી કરવા પૈસા ક્યાંથી લાવીશ..? " 
" બસ હવે શોન્ત પડ બેટા , તન ખેતી કરવા પૈસા હું આપીશ.." 
" સાચે જ પ્રફુલકાકા, " 
" હાસ્તો,  અન જો પાકે તો જ પાછા આપજે જા.." 
" હા , હવે તો તમે કે' શોને એમજ ખેતી કરીશ .." 
" હું કઉ તેમ નહીં , પણ તારી અક્લ કેને એવી રીતે ખેતી કરજે જા..અને  પછી નો પાકે તો મને કેજે જા ..." 
**** ***    ****    ******    ***
હું ઉદાસ ચહેરે ઘરે ગયો..જતાંની શાથે મમ્મીનો  ગુસ્સો મારી પર આવ્યો ..હું નફ્ફટ થઈ ને સાંભળતો જ રહ્યો..
   ફરી પાછી અખાત્રીજ આવીને હું સૌથી પહેલા ખેતરે પોહંચી ગયો..મારી સૂજબૂજથી ખેતી કરવા લાગ્યો..હું જોતો દરેકની ખેતી,  પણ હું કરતો એજ , જે મારી અકલ કહેતી..જોત- જોતામાં કપાસ મારાથી પણ વધારે ઊંચો થઈ ગયો..અને કપાસ પણ સારો થયો. પ્રફુલકાકાના આપેલ પૈસા પાછા આપતા પછી પણ સવા લાખ જેવા પૈસા વધતા હતા..હું પૈસા આપવા તેમના ઘરે ગયો.
" ઓલો ચેતન , તુએતો કમાલ કરી નોખી હો.." 
" અરે કમાલ તો મારી અકલે કરી ,  જે હું કદી વાપરતો ન' તો ..હંમેશા હું નકલ જ કરતો આવ્યો..આજ મને સાચી ખબર  પડી ગઈ . કે નકલ તમારી ગમે તેટલી સારી હોય પણ" 
 " નકલમાં  અકલ કદી ના  હોય "