ડર...તમને પણ સતાવે છે?

        ડર..

        શેનો?

        શું કામ?

        કેમ ડરવું પડે? અને શું કામ આવો કોઈ ડર, કોઈ ભય આપણને સતાવે? સાચું કહું તો ડર જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી દુનિયામાં. આ ડર જે બલા છે, તે આપણી ભીતરે જ છે. જો તમે તમારી જાતને પૂરી રીતે ઓળખતા હશો તો આ ડર તમને ક્યારેય નહીં સતાવે. પણ જ્યારે તમે તમારી ભીતર જોતાં નથી ને ત્યારે જ આ ડર મોટું સ્વરૂપ લઈને બહાર આવે છે અને એનું વિકરાળ રૂપ તમને હેરાન કરી જાય છે.

        કેવો ડર? તમારી અંદરથી જ આ ડર પેદા થાય છે. આપણે આ ડરને દૂર કરવાના પ્રયાસ કરીએ છીએ, પણ પહેલા આપણે જાતે જ એને પેદા કર્યો છે, એ વાત જ ભૂલી જઈએ છીએ. ખરું ને? હવે સમજાયું, આ ડર ક્યાંથી આવ્યો તે?

        આપણે આપણી જાત સાથે સીધો સંવાદ તો કરીએ છીએ, પણ આપણા અંતરના અવાજને છેક ધ્યાન દઈને સાંભળતા નથી અને આજુબાજુના લોકો જે કાનાફૂસી કરી જાય એને સાંભળીએ છીએ. જો આપણે એ સમયે આપણી ભીતરનો અવાજ સાંભળીશું, તો ‘લોકો શું કહેશે?’નો ક્યારેય વિચાર જ નહીં આવે. આપણે જ્યાં જે સમાજમાં રહીએ છીએ અને આપણી આસપાસ જે લોકો રહે છે એ દરેક અલગ વ્યક્તિઓ છે અને એમની રહેણીકરણી અને વિચારસરણી એકસરખી તો હોતી નથી. તો એ લોકોના વિચારોથી આપણને શું કામ કોઈ ફર્ક પડે? એ લોકો આપણી સાથે કે આપણે એમની સાથે આખું જીવન તો જીવવાનું નથી તો પછી ચિંતા શેની? મૂકો ને આ બધી ચિંતાઓને બાજુમાં. પછી જુઓ. આ તમારી ભીતરનો ડર  એ તમારી આજુબાજુથી આવે છે, સૌથી પહેલાં તમારી ભીતર રહેલાં તમને બહાર લાવો. તમે જેવા છો એવા જ બની રહો. બાહ્ય આડંબરોથી દૂર રહો. બધા નીતિનિયમોને જડ રીતે ના વળગી રહેવાનું હોય. હા, એના સિધ્ધાંતો સાચા હોઈ શકે,પણ એની પાછળના તથ્યો પણ એની સત્યતા પુરવાર કરત હોવા જોઈએ. કોઈપણ આવીને કહે કે આમ જ ઊઠો ને આમ જ બેસો, નહીં તો આમ થઈ જશે ને તેમ થઈ જશે , એવું ખરેખર આજ સુધી કોઇની સાથે બન્યું નથી. જે બન્યું છે, તો એ ડરના કારણે. આમ મારો કહેવાનો અર્થ એ નથી કે તમે બેશરમ બની જાઓ કે સમાજના નિયમોનો સદંતર અનાદર કરો. પણ દરેક નિયમ આખા સમાજની એકતા માટે હોય છે, કોઈને ડરાવવા માટે નહીં. આખો સમાજ સાથે મળીને નીતિમય આચરણ કરે એ જરૂરી છે, જેથી સમાજની વ્યવસ્થા જળવાઈ રહે, પણ જો આ સમાજની બીકે તમે સાવ જ લાચાર જેવું વર્તન કરો અને તમારો પક્ષ મૂકતાં પણ ડરો, તો એ શું કામનું? ‘કોઈ શું કહેશે?’આ ડર તમને જીવવા જ નહીં દે. એટ્લે તમારું મન શું કહે છે, એ જાણો અને પછી એ મુજબ વર્તો. આ વાત તમે માત્ર તમારી આસપાસ જ્યાં રહો છો ત્યાં જ નહીં, પણ તમારા જીવનના દરેક તબક્કે લાગુ પાડી શકો છો. તમારા કાર્યક્ષેત્રમાં , તમારા સમાજમાં , તમારા મિત્રો સાથે કે અન્ય કોઈપણ જગ્યાએ.

        પણ બસ એક જ નિયમ કે તમારા અંતરના અવાજથી સાચું અને મોટું કોઈ નથી. હંમેશા પહેલાં પોતાની અંદરનો અવાજ સાંભળો અને પછી જુઓ..પેલો ડર તો ક્યાંય દૂર ભાગી જશે અને તમે એકદમ ખુશ રહી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે વધુ સ્ફૂર્તિવાન બનશો. તમારા ચહેરા પર હંમેશા એક સરસ મજાનું સ્મિત રેલાવો અને અને પછી તમારી જાતને કહો કે “હું તને બહુ પ્રેમ કરું છું, મારી જિંદગી!”

 

-જિગીષા રાજ

ઈ-મેઈલ:jigisharaj78@gmail.com

***

Rate & Review

Rakesh Khandhar 8 months ago

Manoj Thakor 9 months ago

DU GADHAVARA 9 months ago

Mital Thakkar 9 months ago