the dark secreat of closed door books and stories free download online pdf in Gujarati

ધ ડાર્ક સિક્રેટ ઓફ કલોસડ ડોર

રહસ્ય એક બંધ દરવાજાનું…

 

મિત્રો મારી અગાવની સ્ટોરી the untold moment ...હોરર સ્ટોરીને મળેલા પ્રતિભાવ અને આવકારથી પ્રેરાયને હું મકવાણા રાહુલ.એચ ફરી આપ સમક્ષ રજુ કરવા જઇ રહ્યો છું ….The Dark Secret of Closed door.


      યશવંતગઢ કરીને એક ગામ હતું , એ જોતાં એવું લાગતું હતું કે જાણેકે  કે કુદરતની અપાર અમી અને દયાદ્રષ્ટિ એ ગામ પર ઉતરી હોય,પ્રકૃતિના ખોળે રમતું, પક્ષીઓના કલરવ થી ગુંજતું, ગામના ફરતે સંપૂર્ણપણે મન મોહિત થઈ જાય એવા લીલાછમ ડુંગરો અને ડુંગર ની માલીપા થી નીકળતી નદી અને નદી કિનારે આવેલું વર્ષો જૂનું એક શિવાલય ,જે કોઈ આ ગામમાં આવે તે આકર્ષાઈ જાય એવું મનમોહક આ ગામ હતું.

      શિવાલય વર્ષો જૂનું હોવાથી તે એકદમ જર્જરિત હાલતમાં હતું અને ત્યાં શ્રાવણ માસ સિવાય લોકોની ખાસ અવર જવર રહેતી નહી, આ શિવાલયનાં પરિસરમાં પ્રવેશતા એવો અનુભૂતિ થતી માનો કે કોઈ ઘોર જંગલમાં આવી ગયાં હોઈએ.

      આ શિવાલયથી એકાદ કિલોમીટરનાં અંતરે બ્રિટીશ શાસનકાળ દરમિયાન નિર્માણ પામેલ એક મહેલ આવેલ હતો જે મહેલ વિશે લોકો અલગ - અલગ લોકવાયકા અને મંતવ્યો ધરાવતો હતો.આ મહેલની હાલત પણ પેલા શિવાલય જેવી જર્જરીત હતી.આખો મહેલની હાલત બેહાલ હતી, તેના ગર્ભગૃહમાં એક રૂમ આવેલ હતો જ્યાં આજદિવસ સુધી કોઈ જઇ શકયુ હતું નહીં.


***************

         કેશવ આજે ખેતરે લણણી કરવાની હોવાથી તે ઘરેથી સવારના  પાંચ વાગ્યે પોતાના ઘરેથી બળદગાડુ જોતરી ગામથી સાત કિ.મી દૂર આવેલા તેના ખેતરે જવાં માટે ઉપાડ્યો.

         ધીમે - ધીમે કેશવ ગીતો અને પ્રભાતિયાં લલકારતાં - લલકારતાં પોતાની ધૂનમાં મદમસ્ત બની તે ગામડાંના નબળા અને ધૂળિયા રસ્તા પર પોતાના ગાડાને દિશા આપી, અને જોતજોતામાં તે પોતાના ખેતરે પહોંચી ગયો.

         ખેતરે પહોંચ્યા બાદ કેશવને ખૂબ જ કામ હોવાથી તે પોતાના કામે લાગી ગયો, જયારે સૂરજનો તડકો એકદમ બરાબર માથા પર આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બપોર થઈ ગયું હતું, જો કે કેશવનું મોટાભાગનું કામ પૂર્ણ થવા જ આવ્યું હતું.બપોરનાં શાંત અને શીતળ વાતાવરણમાં જમ્યા બાદ, સળસળાટ અને ઠંડા પવનની લેહેરોમાં કેશવને ક્યાં ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ રહ્યો નહીં.

         અચાનક એકાએક કેશવની ઊંઘ ઊડી, આંખો ખોલતાની સાથે જ તેણે જોયું તો સુરજ આથમવા આવ્યો હતો અને લગભગ સાંજના સાત વાગવા આવ્યા હતાં. કેશવે એક નિસાસો નાખતાં વિચાર્યું કે હજુ થોડુંક કામ બાકી રહી ગયું છે અને સાત વાગી ગયા છે અને આવતી કાલે તેના પાકની હરાજી માટે નજીકનાં શહેરમાં પણ જવાનું હતું આથી તે એકપણ મીનિટ વ્યર્થ કર્યા વગર જ ફરીથી પોતાના કામે વળગી ગયો.એવામાં કયાં આઠ વાગી ગયાં તેનું પણ કેશવને ભાન રહ્યું નહીં.

      કેશવે ઝડપથી પોતાનું કામ પતાવી બઘી લણણી ગાડામાં ગોઠવી અને બળદ ને જોતરી તે પોતાના ખેતરેથી નીકળી પડ્યો ત્યારે લગભગ સાડા આઠ જેવો સમય થઈ ગયો હતો અને તેને ગામની બહાર આવેલા પેલા પ્રાચીન અને જર્જરીત મહેલ અને શિવાલય પાસેથી પસાર થવાનું હતું , આમ તો કેશવ હિંમતવાન હતો પરંતુ ગામનાં લોકો પાસેથી સાંભળેલી પેલા મહેલ વિશેની વાતોને લીધે તેના મનનાં કોઈ એક ખુણામાં કયાંક ડર પોતાનું ઘર કરી રહ્યો હતો.

      એવામાં કેશવનું ગાડુ પેલા સુમસામ રસ્તા પર આવી ગયું , એકદમ શાંત અને નીરવ વાતાવરણ હતું, અમાસનો દિવસ હોવાથી વાદળો પણ ઘેરાયેલા હોવાથી ચંદ્રનો પ્રકાશ કંઈ ખાસ આવી રહ્યો હતો નહીં, એકદમ ઘનઘોર અંધારું હતું અને તે મહેલની નજદીકથી પસાર થતાની સાથેજ કોઈ અદ્રશ્ય શક્તિ પોતાને આકર્ષી રહી હોય તેવું કેશવને લાગ્યું. બરાબર એ મહેલની એકદમ સામે આવતાંની સાથે જ બળદોએ પોતાનાં પગલાં એકાએક થંભાવી દીધાં.કેશવનાં મનમાં એક ડર ઉદભવ્યો કારણકે તે જણાતો હતો કે ઈશ્વરે મૂંગા પ્રાણીઓને મનુષ્યની સરખામણીમાં આવી અલૌકિક શક્તિ ને પારખવાની તાકાત આપેલ હોય છે.

      તેવામાં એકાએક સૂસવાટા મારતા પવનની એક લહેરકી આવી અને મહેલની અંદરની બાજુએ થી થોડોક પ્રકાશ આવી રહ્યો હતો.તેવામાં કેશવને એક અવાજ સંભળાયો :

  

   “ મહેરબાની કરીને કોઈ મારી મદદ કરો ! ભગવાન તમારૂં ભલું કરશે”

      આ અવાજ સાંભળતા એવું લાગી રહ્યું હતું કે કોઇ સિત્તેરક વર્ષની આસપાસના ઉંમરના કોઈ વૃદ્ધ ડોસીનો અવાજ હોય તેવું, અવાજ સાંભળતાની સાથે જ કેશવ એકદમ અવાક અને વ્યાકુળ થઈ ગયો અને પેલા મહેલ વિશે સાંભળેલી વાતોનો આજે હકીકતમાં સામનો થયો.  કેશવે પોતે ત્યાંથી જેમ બને તેટલું વહેલું નીકળવાનું નક્કી કર્યું. કેશવે મનોમન પોતાના ઈશ્વરને યાદ કર્યા.એટલી વારમાં ફરથી તેણે પેલો અવાજ સાંભળ્યો.

       

       “ મહેરબાની કરીને કોઈ મારી મદદ કરો ! ભગવાન તમારૂં ભલું કરશે”

         કેશવે વિચારોમાં મગ્ન થઈ ગયો કે પેલા મહેલમાં જવું કે નહીં ? ખરેખર કોઈને મદદની જરૂર હશે તો ? કોઈ પોતાના ગામનું વ્યક્તિ ત્યાં હેરાન થતું હશે ? અંતે ફરી એકવાર માનવતાની જીત થઈ અને જે થવું હશે તે થશે એવા વિચારથી કેશવે પેલા અવાજની દિશામાં ચાલવાનું શરૂ કર્યું, અવાજની દિશાનું અનુકરણ કરતાં - કરતાં કેશવ મહેલનાં ગર્ભગુહમાં પ્રવેશી ગયો.

        ગર્ભગૃહમાં દાખલ થતાની સાથે જ કેશવ સ્તબ્ધ થઈ ગયો ગર્ભગૃહના રૂમમાં એક બોતેર વર્ષના વયોવૃદ્ધ ડોશી બેઠા હતાં તે ચાલી શકે તેવી પરિસ્થિતિમાં હતાં નહીં,માથાંના ભાગે કોઈ ગંભીર ઈજા થઈ હોય તેવું લાગી રહ્યું હતું, અને તેણે પહેરેલી સાડી લોહીથી લોહીલુહાણ થયેલ હતી, આ જોઈ કેશવ તરતજ પેલા ડોશીને મદદ કરવાં માટે દોટ મૂકી, તેને અટકાવતા પેલા ડોશીએ કહ્યું:

         

“ બેટા ! એ બધું રહેવા દે તું મને એક મદદ કરીશ”


“ હા ! ચોક્કક બોલો હું તમારી શું મદદ કરી શકું ?”


“ બેટા ! અહીંથી એકાદ કિમીના અંતરે એક શિવાલય આવેલું છે, તેની પાછળનાં ભાગે લીમડાનાં ના ઝાડથી થોડે દુર શિવાલયમાં મહાદેવજીને ચડવામાં આવેલ આભૂષણોને ડાકુઓથી બચાવવા માટે ત્યાં દાટેલ છે ,તું તે તમારા ગામના સરપંચને પહોંચાડી દઈશ તો તે મારી ખુબજ મોટી મદદ જ ગણાશે અને બેટા હું તારી અને ઈશ્વરની હંમેશા માટે આભારી રહીશ.”


   આથી કેશવ ઝડપથી તે મહેલમાંથી નીકળીને સીધો પેલા શિવાલયે પહોંચી પેલા ડોશીએ વર્ણવેલ જગ્યાએ ગયો અને ખોડો ખોદવા લાગ્યો, થોડોક ખાડો ખોદયા બાદ કેશવેની આંખો પહોળી થઇ ગઇ અને આશ્ચર્યચકિત થઈ ગયો , જે પ્રમાણે પેલા ડોશીએ વર્ણવ્યું હતું તે જ પ્રમાણે શિવાલયોનાં આભૂષણો કેશવને મળ્યા.


********************

        બીજે જ દિવસે કેશવે ગામના વડિલો અને સરપંચને લઇ પેલા મહેલે ગયો ત્યાં જઈને જોયું તો કેશવ એકદમ અવાક બની ગયો ………………....કારણ કે ગઈકાલે પેલાં ડોશી જે રૂમમાં હતાં તે રૂમ વર્ષોથી બંધ હતો , જેના પર લગાવેલ તાળું પણ કટાય ગયું હતું….ત્યારબાદ કેશવે  ગ્રામપંચાયતની સમક્ષ સરપંચ ને આ પૂરેપૂરો બનાવની માહિતી આપી અને કેશવે કરેલા વર્ણન પરથી એવું લાગ્યું કે પેલા ડોશી બીજું કોઈ નહીં પરંતુ શિવાલયનાં પૂજારીના પત્ની હતાં જેને મહાદેવજીના આભૂષણોને ડાકુઓથી બચાવવા માટે શિવાલયની પાછળનાં ભાગમાં દાટી દીધાં હતાં અને ડાકુઓએ આભૂષણોની લાલચમાં પેલા પૂજારીનાં પત્નીને મોતને ઘાટ ઉતારી, મહેલના ગર્ભગૃહના રૂમમાં તેના મૃતદેહને દફન કરી દીધો હતો.જેના મૃત્યુ સાથે આ રહસ્ય પણ અકબંધ રહ્યું ...અંતે પેલી ડોશીએ આ બધી રહસ્ય જણાવ્યાં બાદ ડોશીના આત્માને શાંતિ મળી અને આ દુનિયા છોડીને જતો રહયો.

      

         ત્યારબાદ બધા ગ્રામજનો પેલા શિવાલયમાં ગયાં અને શાસ્ત્રોક્ત વિધિવત પેલા બધાં આભૂષણો શિવજીને પહેરાવ્યાં અને ફરી એકવાર પેલા જર્જરિત શિવાલયમાં જાણે કોઈએ જીવ પૂરી દીધો હોય તેવી રીતે દીપી ઉઠ્યું અને ગામવાળા લોકોએ ભેગા થઈને શિવાલયનું સમાર કામ કરાવડાવ્યું …..અને સુમસામ,નિર્જીવ અને વેરાન લાગતો પેલો રસ્તો ફરી જીવંત થઇ ગયો જાણે તેમાં કોઈએ ચેતનાનો સુર પુરી દીધો હોય,અને ફરીથી લોકોની શિવાલયમાં પહેલાની જેમ જ અવરજવર શરૂ થઈ ગઈ અને શિવાલય “ ઓમ નમઃ પાર્વતી પતિ હરહર મહાદેવ હર “ નાં નાદથી ગુંજી ઉઠ્યું.




                        સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

                            મકવાણા રાહુલ.એચ