આત્માના અંતિમ સંસ્કાર ! - ભાગ-૧૨

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૨

રબ્બીની આંખો ખુલી ગઈ, એને બેચેની જેવું થવા લાગ્યું, એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. એણે જોયું તો ઘડિયાળમાં ૧૨ વાગી ગયા હતા, એણે ઝડપથી એનો મોબાઈલ ચેક કર્યો પણ યુવા કે ઝારાનો કોઈ મેસેજ નહોતો ! એણે સામે બંનેના મોબાઈલ પર વારાફરથી રીંગ મારી પણ કોઈ જવાબ ના મળ્યો ! એના મગજમાં ખતરાની ઘંટડી વાગી અને એણે એની કારની કીઝ લીધી અને ક્લબ તરફ કાર ભગાવી.

***

હિમાલય ડોલવા લાગ્યો અને ધરા ધ્રુજવા લાગી ! એમણે આંખો ખોલી, એમાંથી અંગારા વરસતા હતા ! એમની ડોક પર રહેલો નાગ ફૂંફાડા મારતો નીચે ઉતર્યો અને સરકતો સરકતો ત્યાંથી આગળ વધી ગયો !

***

પાબ્લોને હાર્ટએટેક આવતા રહી ગયો ! લાલ લાલ આંખો એની સામે તાકી રહી હતી ! એને કૈંક ધ્રુજારી અનુભવાઈ, એણે જોયું કે યુવાનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું ! એને આખા શરીરે પરસેવો વળી ગયો ! એને મોઢામાં કૈંક થવા લાગ્યું ! અચાનક એ ખાટલા પરથી ઉભો થઇ ગયો, એને ઉબકા આવ્યા અને એણે લોહીની ઉલટી કરી ! નીચે ફર્શ લાલ લાલ થઇ ગયું ! એ ફાટી નજરે નીચે જોઈ રહ્યો અને એને કૈંક સળવળતું લાગ્યું ! હાંફતા હાંફતા એ નીચે જુક્યો અને એને સખ્ખત જાટકો લાગ્યો ! નીચે ફર્શ પર લાલ લાલ લોહીમાં ડૂબેલી એની કપાયેલી જીભ પડેલી હતી અને એ સળવળતી હતી ! પાબ્લો કૈંક બોલવા ગયો, બૂમો પાડવા ગયો પણ એના મોઢામાંથી બિલકુલ અવાજ નાં નીકળ્યો ! એનું આખું મોઢું લોહીથી ભરાઈ ગયું હતું ! એને ચક્કર ચક્કર આવવા લાગ્યા અને એ નીચે લોહીના ખાબોચિયામાં પડી ગયો ! નીચે લોહીના ખાબોચિયામાં મોઢું ખોલીને પડેલા પાબ્લોનું શરીર ધ્રુજી રહ્યું હતું, એના મોઢામાં થી લોહી નીકળી રહ્યું હતું અને ધુમાડો પણ !

***

રબ્બીએ ઝડપથી કાર પાર્ક કરી અને એ “યંગ એન્ડ વાઈલ્ડ” કલબના મુખ્ય દરવાજા તરફ દોડ્યો. અંદર ડાંસ હોલમાં ધુમાડો છવાયેલો હતો અને જુવાન છોકરાઓ અને છોકરીઓ નાચી રહ્યા હતા અને મસ્તી કરી રહ્યા હતા ! રબ્બી એ બધામાં યુવા અને ઝારાને શોધવા લાગ્યો. અચાનક એણે જોયું તો એક ખુણામાં યુવા નીચે ફર્શ પર બેઠી હતી અને સામે ખુરશીમાં બેઠેલી ઝારાને પાણી પીવડાવતી હતી ! એ દોડીને એમની પાસે ગયો.

“શું થયું ? તમે છોકરીઓ ફોન કેમ નથી ઉપાડતા ?” રબ્બીએ ચિંતાથી પૂછ્યું.

“ઝારાની તબિયત થોડી બગડી ગઈ છે, એટલે વાર લાગી. આમ પણ આવા ઘોંઘાટમાં અમને તમારો કોલ ના સંભળાયો, સોરી માસ્ટર !” યુવા હસીને બોલી.

રબ્બી ઝારા પાસે ગયો અને એને ઉભી કરી. “ઓછું પીતા હોવ તો, બેરુરાને ખબર પડશે તો તમારી ધૂળ કાઢી નાખશે”

“પ્લીઝ પ્લીઝ, છેલ્લી વાર માફ કરી દો, આમ પણ પહેલી ભૂલ માફ હોય છે. આજ પછી કોઈ દિવસ નહિ પીએ” યુવાએ એની આંખો નચાવીને રબ્બીને કીધું.

“સારું સારું, પણ આવી હાલતમાં ઘરે ના જશો, ચાલો મારા ઘેર, ત્યાં સુઈ જજો, નહિ તો બેરુરાને શક પડી જશે, અને હા, આજ પછી આવી પાર્ટી બંધ ઓકે ?” રબ્બીએ ગુસ્સો કરતા કહ્યું. યુવા અને ઝારાએ આનંદથી આંખો નચાવી અને ત્રણે જણા ક્લબની બહાર ચાલી નીકળ્યા. જતા જતા યુવાએ ઝારાને એના ખીસામાં રહેલી નાની નાની અસંખ્ય સફેદ પડીકીઓ બતાવી અને ઝારાની આંખો નાચી ઉઠી. 

***     

અબ્દુલે ઘડિયાળમાં જોયું તો ત્રણ કલાક થઇ ગયા હતા ! પાબ્લોસર હજુ બહાર નહોતા નીકળ્યા ! એ મનમાં ને મનમાં હસી પડ્યો ! બે બે યુવતીઓ છે રે, વાર તો લાગે ને ! એને પણ મનમાં ગલગલીયા થઇ આવ્યા ! એ પાબ્લોનો ખાસ માણસ હતો અને આ કલબનો મેનેજર પણ. એ એના બોસના તમામ “ખાસ” કામોથી માહિતીગાર હતો અને વધુ તો એજ એમાં એના બોસને હેલ્પ કરતો હતો. હવે તો સવાર પડવા આવી, લાગે છે કે સર છેક બપોરે જ બહાર આવશે. એ મનોમન હસી પડ્યો. અચાનક એના કલબનો એક વેઈટર દોડતો દોડતો આવ્યો. “સાહેબ, સાહેબ, પાબ્લોસરના ખાસ રૂમમાં થી ધુમાડા નીકળી રહ્યા છે ! તમે જલ્દી ચાલો, રૂમ પણ અંદરથી બંધ છે સાહેબ” એ હાંફતા હાંફતા બોલ્યો ! અબ્દુલ તરતજ માસ્ટર કી લઈને એની પાછળ દોડ્યો.

અબ્દુલે માસ્ટર કી થી દરવાજો ખોલી નાખ્યો અને નીચે ફર્શ પરનું દ્રશ્ય જોઇને એની આંખો ફાટી ગઈ ! પાબ્લોનું નગ્ન નિર્જીવ શરીર લાલ લોહીના ખાબોચિયામાં પડેલું હતું. એની આંખોના ડોળા બહાર નીકળી ગયા હતા અને એના મોઢામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. એની છાતી પર એક મોટો કાપો પડેલો હતો અને એમાંથી કાળા કલરનું કોઈ પ્રવાહી બહાર નીકળી રહ્યું હતું અને એ કાપાની બાજુમાં પાબ્લોની કપાયેલી જીભ પડેલી હતી ! અબ્દુલને ચક્કર આવવા  માંડ્યા અને ઉલટી જેવું લાગવા મંડ્યું, એ ઝડપથી ત્યાંથી નીકળી ગયો !

***

રબ્બી સવારે વહેલો ઉઠી જતો. આજે એને રજા હતી પણ એ એની રૂટીન એકસરસાઈઝ કરવાનું ચૂકતો નહોતો. એણે વહાલથી એના બીજા રૂમમાં એક બીજાને વળગીને સુતેલી યુવા અને ઝારા તરફ જોયું. થોડીવાર પછી એ નહાઈને બહાર આવ્યો અને એણે એક કીટલી પર પાણી ગરમ કરવા મુક્યું અને દરવાજે આવેલું છાપું હાથમાં લીધું. ત્યાજ ફોનની ઘંટડી વાગી અને એણે ફોન લીધો-સામે છેડે બેરુરા હતી.

“રબ્બી, છોકરીઓ સાજી સારી છે ને ?” એ ચિંતામાં લાગતી હતી.

“હા, અહી જ છે, સુતી છે, કેમ શું થયું?” રબ્બીએ અચરજથી પૂછ્યું.

“અરે હમણાજ મને આપણા પોલીસ વડાનો ફોન આવ્યો હતો, એ મારા જુના મિત્ર છે અને મારી બાજુમા જ રહે છે, એમણે વાતો વાતોમાં કીધું કે “યંગ એન્ડ વાઈલ્ડ” ક્લબના માલિક પાબ્લોનું ગઈ રાત્રે ખૂન થઇ ગયું છે ! આ તો બંને છોકરીઓ પણ ત્યાં હતી એટલે મને ચિંતા થઇ. એ લોકોને પણ પોલીસ સ્ટેશન આવવું પડશે સ્ટેટમેન્ટ લખાવા માટે.” બેરુરા બોલી. “ઓકે, હું આવું છું એમને લઈને બે કલાકમાં, તમે પણ ત્યાં આવી જજો” રબ્બીએ ફોન મુક્યો અને એ વિચારોમાં ગરકાવ થઇ ગયો.

***

આખું કોલેજીયન ગ્રુપ પોલીસ સ્ટેશનમાં કલ-બલ કરી રહ્યું હતું. બધાની સાથે ઝારા અને યુવાએ પણ સ્ટેટમેન્ટ લખાવી દીધું. “એ લોકો ત્યાં ગયા ત્યારે એમણે દરવાજે પાબ્લોને જોયો હતો અને પછી એ લોકો પાર્ટીમાં મશગુલ થઇ ગયા હતા, લગભગ આવુજ મતલબનું કોલેજીયન ગ્રુપે લખાવ્યું હતું.” સ્વાભાવિક રીતે પોલીસને આ જુવાનીયાઓ પર કોઈ શક ગયો નહોતો. આમ પણ એ લોકો પાબ્લોના કરતૂતોથી માહિતગાર હતા અને એના અપ મૃત્યુ પર કોઈને નવાઈ લાગી નહોતી. નવાઈ એમને જે રીતે એનું મોત  થયું હતું એ પરથી લાગી હતી. કોઈએ અત્યંત ક્રુરતાપૂર્વક એની જીભ કાપી નાખી હતી અને એની છાતી પર ઊંડો કાપો કરીને એમાં અત્યંત ઝેરીલા કોબ્રા સાપનું ઝેર ભરી દીધુ હતું ! પોલીસને એ પણ નવાઈ લાગી હતી કે આવું કોબ્રાનું ઝેર અને કોબ્રા સાપ તો ફક્ત ભારત અને આજુબાજુના એશીયાઇ દેશોમાં જ મળે, અહી કેવી રીતે આવ્યું હશે ?!

***

રવિવાર હતો એટલે યુવા અને ઝારા મોડા ઉઠ્યા ! ઝારાને એ કલબની પાર્ટીની રાતનું કઈ યાદ નહોતું. યુવાએ એને કંઈજ કહ્યું નહોતું. કેવી રીતે એણે આંખો બંધ કરી અને એ ખાટલામાં પડી અને અચાનક એના મસ્તિષ્કમાં કૈંક વાગવા લાગ્યું હતું ! કૈંક ડમરું જેવું ! અચાનક એને પહાડો-સફેદ પહાડો દેખાયા હતા ! એક જુનું જર્જરિત મંદિર, એક મોટું સરોવર, એક જુનું ગામ, વિચિત્ર આદિવાસી પ્રકારના માણસો, એ લોકો એને નીચે જુકીને પ્રણામ કરતા હતા ! ચારેબાજુ વિચિત્ર શોરબકોર હતો. ડમરુંનો અવાજ તીવ્ર થઇ ગયો હતો. હવે એણે પોતાની જાતને ધ્યાનથી જોઈ અને એ ચોંકી ગઈ ! એની આંખો બ્લુની જગ્યાએ બ્લેક હતી, એના વાળ વધારે લાંબા હતા, એ જાણેકે પોતાનું કોઈક જુદું પ્રતિબિંબ જોઈ રહી હોય એવું એને લાગવા માંડ્યું હતું. અચાનક એણે સ્વપ્નામાં જોયું કે એક ખંધો દીપડો એની પર કુદી રહ્યો છે, એ એના કપડા ફાડી રહ્યો છે અને એ બચવા છટપટી રહી છે, અચાનક નજીક ઝાડીઓમાં થી એક ફૂંફાડા મારતો નાગ નીકળે છે અને એના પર સવાર થયેલા દીપડાને ડંસી લે છે ! દીપડો તરફડીયા મારતો નીચે પડી જાય છે, એનું મોઢું કાળું પડી જાય છે અને એના મોઢામાં થી લોહી અને ધુમાડો નીકળે છે ! ડમરુંનો અવાજ તીવ્ર થઇ જાય છે અને યુવાની આંખો ખુલી જાય છે ! એ જુવે છે કે એ અર્ધનગ્ન ખાટલા પર પડી હતી અને બાજુમાં એવીજ હાલતમાં ઝારા ! એ ફટાફટ કપડા પહેરે છે અને ઝારાને પણ કપડા પહેરાવે છે ! એ ટેકો આપીને લથડીયા ખાતી ઝારાને એ રૂમમાં થી બહાર લઇ જાય છે અને એક ખુરસીમાં બેસીને પાણી  પીવડાવે છે ! બસ આટલું જ એને યાદ હતું ! એણે ધ્યાનથી જોયું હોત તો એને ખુણામાં તરફડીયા મારતો પાબ્લો અને એની  નીચેથી સરકી રહેલ નાગ જરૂર દેખાયા હોત !

***

આજનો દિવસ ખાસ હતો, બેરુરા, પ્રોફેસર ગોલાન, યુવા અને ઝારા માટે. રબ્બી અકીવાને શીન બેટ નો વડો બનાવામાં આવ્યો હતો! બેરુરા આનંદથી એના ભત્રીજાને જોઈ રહી હતી. એ લોકો ફેલીસીટેશન સેરેમોનીમાં હતા. વડાપ્રધાને ગર્વથી રબ્બી અકીવાનું નામ ઘોષિત કર્યું હતું. એને લગતા મેડલ અને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. યુવા અને ઝારા ખુબજ ખુશ હતી એમના માસ્ટરની ઉપલબ્ધી પર. એ લોકો થોડા ટેન્સ પણ હતા કેમ કે એમની ફાઈનલ એક્ઝામ આવી ગઈ હતી. હા, એમની બાર બાર વર્ષોની મહેનત દાવ પર હતી. ઈઝરાયેલી સેનામાં માર્શલ આર્ટની એક્ઝામ એટલે એક લાઈવ કમાન્ડો ટુકડીમાં ભાગ લઈને છાપો મારવો. કામ જોખમી હતું અને ભૂતકાળમાં ઘણા સ્ટુડેંટ એમાં માર્યા પણ ગયા હતા ! આ બિલકુલ ઓપ્શનલ હતું અને ફરજીયાત નહોતું પણ યુવા અને ઝારાએ જીદ કરીને એમાં ભાગ લીધો હતો. બેરુરા અને રબ્બી એ પણ અચકાયા વગર એમને પરમીશન આપી હતી.

અઠવાડિયા પછી મધરાત્રે લગભગ ૨ વાગે યુવા અને ઝારા બીજા આઠ કમાન્ડો સાથે ગાઝા પટ્ટીની નજીક ઉભા હતા. એમનું મિશન ત્યાંથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલ એક આતંકવાદી છાવણી પર હુમલો કરીને પાછા આવવાનું હતું. આખા ગ્રુપમાં યુવા અને ઝારા જ યુવતીઓ હતી. એમની ટુકડીનો લીડર અશર હતો. જે પોતે એક ખૂંખાર લડવૈયો હતો અને રબ્બીનો ખાસ દોસ્ત હતો. અશરના દાદા વર્ષો પહેલા ઈઝરાયેલમાં સ્થાઈ થઇ ગયા હતા. એમની આખી ઝીંદગી એમણે આરબ દેશોમાં કાઢી હતી અને ઇઝરાયેલની સ્થાપના થતા જ એ લોકો પાછા આવી ગયા હતા ! અશરે બધાને ઝડપથી સુચના આપી અને એ આતંકવાદી છાવણી તરફ પ્રયાણ કર્યું. એકાદ કલાક પછી એ લોકો લોકેશન ટાર્ગેટ પાસે આવી ગયા. અશરે દૂરબીન કાઢીને જોયું તો એને દુર એક તંબુમાં હલચલ થતી દેખાઈ. આ અશરના માટે બહુ સામાન્ય મિશન હતું. ટાર્ગેટને લોક કરવા, ફાયર કરવું અને પાછા ફરી જવું ! પણ નવા કમાન્ડો માટે આ જરૂરી હતું, એમની ટ્રેનીંગ માટે પણ ! એણે ઝડપથી ઝારા, યુવા અને બીજા ત્રણ જણાને ટાર્ગેટ લોક કરવા કહ્યું. એ લોકો પોઝીશન લઈને એક ખડક પાછળ સુઈ ગયા. બધાના દિલ ધડકતા હતા ! આજે એ લોકોની શારીરિક અને માનસિક પરિક્ષા હતી ! એમનામાં રબ્બીએ ભરેલી તાકાત અને ભરોસાનું આજે એમણે ઋણ ચૂકવવાનું હતું.

“નાઉ” અશરે ત્રાડ પાડી અને યુવા, ઝારા અને બીજા ત્રણ જણાની મશીનગન ગરજી ઉઠી. એમનું અચૂક નિશાન હતું. તંબુમાં રહેલા લગભગ સાત આઠ જણા ત્યાજ ઢળી પડ્યા. અશરે બધું શાંત થઇ ગયા પછી પણ બધાને દસ મિનીટ ત્યાજ પડી રહેવાનું સૂચવ્યું. થોડીવાર પછી અશર અને ઝારા નીચે રેતીમાં ઢસડાતા આગળ વધ્યા. બાકીનાઓ એ બેક અપમાં સાવધાન રહેવાનું હતું. જેવા અશર અને ઝારા તંબુની નજીક ગયા કે અશરના મસ્તિષ્કમાં ખતરાની ઘંટડી વાગી ! એણે જોયું તો તંબુની ડાબી તરફ એક વ્યક્તિ ઉભો હતો, એના હાથમાં ઓટોમેટીક રાઈફલ હતી, અશર અને ઝારા કઈ કરે એ પહેલાજ એણે એમની તરફ એ તાકી અને જોરથી બુમ પાડી “તમારી રાઈફલો ફેંકી દો અને શરણે આવો, તમારા બીજા સાથીઓ પણ ઘેરાઈ ગયા છે” અશરે ત્રાંસી નજરે જોયું તો પાછળ એની ટુકડી પણ સપડાઈ હતી ! આ એક કાવતરું હતું, અને અશરને ખુબજ શરમ આવી કે એ અને એના નવજુવાન સાથીઓ એમાં સપડાઈ ગયા હતા ! એણે ઝારાને ઈશારો કર્યો અને એ બંને હાથ ઊંચા કરીને ઉભા થઇ ગયા ! એ લોકો ઘેરાઈ ગયા હતા ! તંબુમાં એમને છેતરવા આછા પ્રકાશમાં પુતળાઓ મુકવામાં આવ્યા હતા !

બધાને લાઈનસર ઘેરીને એમના હાથપગ બાંધી દેવામાં આવ્યા અને એક ટ્રકમાં બેસાડીને ગાઝા પટ્ટીથી દુર એક ખંડીયેર જેવા મકાનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા !

***

રબ્બી અકીવાની આંખોમાં રોષ હતો ! બેરુરા પણ એની ઓફિસમાં બેઠી હતી ! એમની બંને દીકરીઓ અને આખી કમાન્ડો ટુકડીને એમના લીડર અશર સહીત પકડવામાં આવ્યા હતા ! આતંકવાદીઓએ બે દિવસ ની મહોલત, પાંચ લાખ ડોલર અને જેલમાં બંધ એવા એમના ૧૮ સાથીઓને છોડવાનું કહ્યું હતું નહીતો એ લોકો આખી ટુકડીને ક્રુરતાપૂર્વક મારી નાખશે ! મોસાદ અને શીનબેટ બંને એજન્સી કામે લાગી ગયી હતી ! દેશમાં ફરીથી ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી અને બધા ઈઝરાયેલી બંધુઓ એમના કમાન્ડોની સુરક્ષા માટે પ્રાથના કરવામાં લાગ્યા હતા ! ઇઝરાયેલની એન્ટી ટેરેરીસ્ટ પોલીસી મુજબ એ લોકો કદી સમાધાન કરવાના નહોતા અને એટલેજ આતંકવાદીઓ એમના કમાન્ડોને મારી નાખે એ પોસીબલ હતું ! રબ્બી અને બેરુરા એ વડાપ્રધાન સાથે મળીને એક મોટો કમાન્ડો એટેક પ્લાન કર્યો પણ એમને પણ આશા ધૂંધળી લાગતી હતી ! આતંકવાદી વડો મીર હામીદ આમાં શામિલ હતો. આ એજ વ્યક્તિ હતો જેણે વર્ષો પહેલા રબ્બીને ટોર્ચર કર્યો હતો અને બંધક બનાવ્યો હતો ! રબ્બી પોતે કમાન્ડો એટેકનું નેતૃત્વ લેવા માંગતો હતો પણ વડાપ્રધાને એને રોક્યો અને એમની સેનાના બેસ્ટ કમાન્ડોને એ કામ માં જોતર્યા !

***

વર્ષો પહેલા એક કમાન્ડો એટેકમાં મીર હામીદના કાકા અને પિતા માર્યા ગયા હતા. હામીદ પોતે નાનપણથી ભયંકર ગરીબીમાં જીવ્યો હતો. અચાનક એક દીવસ એને એક લાંબી સફેદ દાઢી વાળો માણસ મળ્યો હતો અને એણે હામીદને ત્યાંથી દૂર એક છાવણીમાં મોકલી દીધો હતો જ્યાં હામીદને નાનપણથી જ ગન ચાલવાનું, ચપ્પુ ચાલવાનું, હત્યા કરવાનું, દારૂગોળાનો કેમ ઉપયોગ કરવો એની ટ્રેનીંગ આપવામાં આવી હતી. હામીદ અત્યંત હોશિયાર અને ક્રૂર વિદ્યાર્થી નીકળ્યો અને ટૂંક સમયમાંજ એની સરદારી હેઠળ ૧૫ આતંકવાદીઓની ટુકડી બની ગઈ હતી.

મીર હામીદ જોરથી નીચે થૂંક્યો ! એણે એની સામે નીચે બેઠેલા કમાન્ડો તરફ જોયું અને જોરથી હસી પડ્યો ! એ ઝારા પાસે ગયો અને એના ગાલો પર હાથ ફેરવવા લાગ્યો ! ઝારાએ ગુસ્સાથી એની સામે જોયું અને એના  મોઢા પર એ થૂંકી ! મીર હામીદ ખડખડાટ હસી પડ્યો અને એણે હવે બાજુમાં બેઠેલી યુવતી સામે જોયું. એની આંખો બંધ હતી. ઓફ ! આટલી સુંદર યુવતી ! મીર હામીદના મનમાં વાસનાનો કીડો સળવળ્યો ! એણે ધીરેથી યુવાના ગાલો પર હાથ ફેરવ્યો. યુવાની આંખો બંધ હતી અને એના શ્વાસ જોર જોરથી ચાલતા હતા. હામીદે એનો હાથ યુવાના ગળા પર ફેરવ્યો અને એ ધીરેથી એના શર્ટમાં હાથ સરકાવા ગયો અને યુવાએ આંખો ખોલી ! હામીદ સંમોહિત થઇ ગયો હોય એમ એ બ્લુ-નીલી નીલી આંખો સામે જોઈ રહ્યો ! એ લાલ લાલ થઇ ગઈ હતી અને એમાંથી અંગારા વરસી રહ્યા હતા ! અચાનક હામીદને જાણે કે કોઈ ધક્કો મારતું હોય એવું લાગ્યું ! એને છાતીમાં પણ દુખવા લાગ્યું ! એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું ! એણે યુવાના શર્ટમાં નાખેલો હાથ જાણે કે ગરમ ગરમ થઇ ગયો હોય એવું એને લાગ્યું અને એણે ઝડપથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો ! એનાથી હવે યુવાની આંખોમાં જોવાઈ શકાતું નહોતું ! એણે એની આંખો નમાવી દીધી અને એ ઝડપથી ત્યાંથી દૂર જતો રહ્યો ! યુવા હજુ પણ એની સામે જોઈ રહી હતી !

***

“વખત, તે સાંભળ્યું ? પ્રોફેસર ગોલાનનો ફોન હતો અને,,,,” પ્રોફેસર સિન્હાએ ચિંતાથી કહ્યું. વખતે એમનો હાથ પકડી લીધો. એની આંખોમાં અજીબ પ્રકારની ચમક હતી ! “ચિંતા ના કરો પ્રોફેસર, યુવાને કઈ નહિ થાય ! યાદ કરો એ કોણ છે ? લાવણ્યાની અપાર શક્તિ અને મહાદેવની કૃપા એનું ધ્યાન રાખશે પ્રોફેસર ! જલ્દી જ એ પાછી આવશે. પણ મને કૈંક ઠીક નથી લાગતું ! હવે સમય થઇ ગયો છે, તમે એને અહી મારી પાસે લઇ આવો. મારે પણ એને દીક્ષા આપવાની છે અને એને એક સારી યોદ્દ્ધા બનાવાની છે” વખતે પ્રોફેસરની આંખોમાં આંખ નાખીને કીધું અને પ્રોફેસરે હકારમાં માથું ધુણાવ્યું.

***

રાત્રે ૧૨ વાગે બે બુકાનીધારી આવ્યા અને ઝારાને ઢસડીને બાજુમાં આવેલી ઓરડીમાં લઇ ગયા ! અશરનું ખૂન ઉકળી ઉઠ્યું પણ એ બંધનોમાં કૈંજ કરી શકે એમ નહોતો ! થોડીવાર માં ત્રણ ચાર બીજા જણા આવ્યા અને યુવાને પણ ઢસડીને લઇ જવા લાગ્યા ! યુવાએ કોઈ જ પ્રતિકાર ના કર્યો ! એ બંનેને એક ઓરડામાં નાખી દેવામાં આવ્યા. થોડીવારમાં અબુ હામીદ અને એક બીજો જણો, એ બે જ ત્યાં ઉભા હતા.

બંનેની લોલુપ આંખો આ યુવતીઓને તાકી રહી હતી ! ઝારની આંખોમાંથી અંગારા વરસતા હતા અને એ બંધનોમાંથી છુટવાનો મરણીયો પ્રયાસ કરતી હતી. યુવા શાંત ઉભી હતી. હામીદે યુવાની સામે જોયું અને એને આશ્ચર્ય થયું. યુવાએ એની સામે સ્માઈલ કર્યું. “જુવો, તમે જે કરવા માંગો છો એ કરો પણ પ્લીઝ અમારા બંધનો ખોલી નાખો. આમાં મજા નહિ આવે” યુવાએ અત્યંત કામુકતાથી કહ્યું. ઝારા આશ્ચર્યથી યુવા સામે જોઈ રહી.

“હા હા હા, ઈઝરાયેલી કમાન્ડોની વિશેષ ટુકડીમાં યુવતીઓ પણ એટલીજ ખતરનાક હોય છે મેડમ, તમને શું હું ઉલ્લુ લાગુ છું ? જો હું તમારા બંધન ખોલી નાખીશ તો ચોક્કસ તમે અમારા પર હુમલો કરશો. પણ નાં, મારા પાસે એનાથી વધારે સારો પ્લાન છે, જેમાં તું પણ ખુશ અને અમે પણ ખુશ, મીર હામીદ બહુ દયાળુ છે” હામીદ ખડખડાટ હસ્યો અને એણે એના સાથીને ઈશારો કર્યો. એનો સાથી એક મોટું ચપ્પુ ઝારાના ગળા પાસે લઈને ઉભો રહી ગયો. યુવાએ ત્રાંસી નજરે એ જોયું અને ઝારાને કૈંક ઈશારો કર્યો. હામીદે હવે આગળ વધીને યુવાનાં હાથના બંધનો ખોલી નાખ્યા. “ચલ, હવે એક પછી એક તારા કપડા કાઢ, જો કંઈ પણ ચાલાકી કરી છે તો મારો આ સાથી આનાં ગળા પર ચપ્પુ ફેરવી દેશે, સમજી ?” હામીદે ગુસ્સાથી કહ્યું. યુવાએ ફરીથી ઝારા તરફ જોયું અને ચુપચાપ એના શર્ટના બટનો ખોલવા માંડી. હામીદ અને એનો સાથી  લોલુપતાથી યુવાની આ ક્રિયા જોઈ રહ્યા હતા. યુવાની આંખો ઝારાના ગળે મુકેલા ચપ્પુ તરફ હતી. એનું આખું શરીર ગરમ થઇ ગયું હતું. એને ભયાનક ગુસ્સો આવી રહ્યો હતો. એણે એની આંખો વધારે લાલ કરી અને હામીદનો સાથી અચાનક જોરથી રાડ પડી ઉઠ્યો ! એનો ચપ્પુ પકડેલો હાથ દાઝી ગયો હતો ! ચપ્પુ અત્યંત ગરમ થઇ ગયું હતું. એ કઈ સમજે એ પહેલા ઝારાએ એને પાછળ ધક્કો માર્યો. હામીદ પણ કઈ કરે એ પહેલા યુવાએ એક જોરથી ત્રાડ પાડી અને ગોળ ફરીને હામીદનાં માથા પર એક જોરદાર કિક મારી. હામીદ ઉછળીને એક તરફ પડ્યો. હવે યુવાએ દોડીને હવામાં ઉછળીને ઝારાની પાછળ ઉભેલાને માથામાં કિક મારી. એ પણ ઉછળીને એક તરફ પડ્યો. યુવાએ આ તકનો લાભ લીધો અને એ ઝારાના બંધનો ખોલવા લાગી. અચાનક પાછળથી હામીદે એક લાકડાનો ટુકડો જોરથી યુવાના માથામાં માર્યો. યુવાએ જોરથી એક ચીસ પાડી. એના માથામાંથી લોહો બહાર ધસી આવ્યું. એક ઊંડો ચીરો એમાં પડી ગયો હતો. યુવાને ચક્કર જેવું આવવા લાગ્યું અને એ એક તરફ ફસડાઈ પડી. હામીદ ખડખડાટ હસી પડ્યો. ઝારા દોડીને યુવા પાસે જવા લાગી પણ હામીદે જોરથી એના પેટમાં લાત મારી અને એ પણ એક તરફ ફસડાઈ પડી. ઝારા ફરીથી ઉભી થઇ અને ગુસ્સામાં એ હામીદ તરફ આગળ વધી પણ એની પાછળ પડેલા માણસે ઝડપથી નીચે પડેલું ચપ્પુ લીધું અને ઝારાની પીઠમાં હુલાવી દીધું ! “યુવાઆઆઆઆઆઆ.....” ઝારા અત્યંત પીડાથી ચીસ પાડી ઉઠી.

યુવાએ ચીસ સાંભળીને આંખો ખોલી, એના માથા પરથી વહેલું લોહી એના સુંદર ચહેરા પર ઉતરી આવ્યું હતું. એની આંખોમાં પાણી આવી ગયા હતા, એને ધૂંધળું દેખાતું હતું. એણે જોયું કે ઝારા નીચે ફસડાઈ પડી છે અને એની પીઠમાં ચપ્પુ ઘુસી ગયું છે અને એમાંથી લોહીનો ફુવારો નીકળી રહ્યો છે ! યુવાને આ જોઈએ ભયાનક ગુસ્સો આવ્યો. એણે ત્યાં ઉભેલા લોકો થથરી જાય એવી ત્રાડ પાડી અને એ ઉભી થઇ ગઈ !

બાજુના કમરામાં બેઠેલો અશર અને એની બાકીની  ટીમ આ ત્રાડ સાંભળીને ધ્રુજી ઉઠ્યા ! બહાર ઉભેલા હામીદના બીજા આઠ નવ સાથીઓ પણ ગભરાઈ ગયા ! અચાનક એક વંટોળ ઉઠ્યો ! ચારે બાજુ રેતી રેતી થઇ ગઈ, બધાની આંખોમાં રેતીની ડમરી ઉડવા લાગી, ચારે બાજુ કોઈને કઈ જ દેખાય એવું નાં રહ્યું. બધા આંખો પર હાથ મૂકીને એને ખાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને એવામાં એમને ફરીથી યુવાની ભયાનક ત્રાડ સંભળાઈ ! જાણેકે કોઈ સિંહણ ગર્જના કરતી હોય એવો અવાજ હતો, અને પછી યુવાનું અટ્ટહાસ્ય સંભળાયું ! બધા થથરી ગયા ! હામીદ અને એના સાથીની ચીસો હવે  જોર જોરથી સંભળાતી હતી પણ કોઈની હિંમત ના ચાલી ત્યાં જવાની.

થોડીવારમાં ધૂળની ડમરી શમી ગઈ અને બધું શાંત થઇ ગયું. હામીદના માણસોએ ફાટી નજરે યુવા અને ઝારાને જ્યાં પૂરેલી એ કમરાના દરવાજા તરફ જોયું અને એ લોકોને ઝીન્દગીમાં પણ નાં જોયુ હોય એવું દ્રશ્ય જોવા મળ્યું !

કમરાનો દરવાજો ધીમેથી કીચડુંક કરતો ખુલ્યો ! થોડીવારમાં એમાંથી યુવા બહાર આવી ! એના આખા મોઢા પર લાલ લાલ લોહી હતું ! એની આંખો અંદર ઉતરી ગયી હતી. એના બંને હાથોમાં કૈંક હતું ! હામીદ અને એના સાથીઓએ બંધુકો સાબદી કરી અને ધ્યાનથી જોયું તો એ લોકો થથરી ગયા ! યુવાના બંને હાથોમાં હામીદ અને એના સાથીનું લોહી નીગળતું મસ્તક હતું ! એણે માથાના વાળથી એ બંને મસ્તક એક એક હાથમાં પકડેલા હતા ! અત્યંત ભયાનક દ્રશ્ય લાગતું હતું ! હામીદના માણસો ભયથી થીજી ગયા અને એકદમજ ત્યાંજ એમની બંધુકો પડતી મૂકીને ભાગવા લાગ્યા ! યુવા ખડખડાટ હસી અને એણે એક પછી એક માથાના વાળથી પકડેલા મસ્તકનો હવામાં ઘા કર્યો.

લાવણ્યાની દીકરીએ-યુવાએ- એની દાદીને – રબ્બીની માતાને હોસ્પીટલમાં મરણપથારીએ રબ્બીનો બદલો લેવાનું વચન અજાણતા પણ પૂરું કર્યું હતું !

***

ઇઝરાયેલની વિશિષ્ટ ટુકડીના વડાએ હાથ ઉંચો કરીને બધાને સાબદા કર્યા ! એને દૂરબીનમાં કૈંક હલન ચલન દેખાઈ હતી. બધાને એણે પોઝીશન લેવાનું કહ્યું. થોડીવાર માં એણે જોયું તો એને એના પરિચિત સાથીઓ દેખાયા. દૂર રેતીમાં અશર અને એની બાજુમાં એના બીજા સાથીઓ ચાલતા હતા. એમણે કોઈક યુવતીને ઊંચકી લીધી હતી અને સહુથી પાછળ એક બીજી યુવતી ચાલી આવતી હતી. “હોલ્ડ યોર ફાયર્સ” એણે હાથ ઉંચો કરીને હર્ષથી બુમ પાડી.

***

હોસ્પીટલના વિઝીટર રૂમમાં રબ્બી, બેરુરા અને પ્રોફેસર ગોલાન બેઠા હતા. એમના ચહેરા ચિંતાતુર હતા. ઝારાનું ખુબજ લોહી વહી ગયું હતું. એને તાત્કાલિક ઓપરેશન થીયેટરમાં ખસેડવામાં આવી હતી. યુવાને એની બાજુના કમરામાં રાખવામાં આવી હતી. એના માથા પર સાત થી આઠ ટાંકા આવ્યા હતા. એની હાલત સ્ટેબલ હતી.

બે દિવસ પછી યુવાએ આંખો ખોલી તો એણે બેરુરાને જોઈ એની સામે ઉભેલી. “ઝારા ક્યા છે ?” યુવાએ પહેલો જ સવાલ પૂછ્યો. બેરુરાએ આંખો નીચી નમાવી દીધી. યુવા અચાનક ઉભી થઇ ગઈ અને એના હાથમાં લગાવેલી સોઈઓ કાઢી નાખી. નર્સે એને રોકવાનો પ્રયાસ કર્યો પણ એણે એને હડસેલી દીધી અને બેરુરાનો હાથ પકડી લીધી. બેરુરા આગળ ચાલી અને યુવાને ઝારા જ્યાં સુતી હતી ત્યાં લઇ ગઈ. યુવાએ જોયું તો ઝારાના સુંદર ચહેરા પર માસ્ક લગાવેલો હતો, એની છાતી ઝડપથી ઉપર નીચે થતી હતી. એનો શ્વાસ તૂટી રહ્યો હતો. બાજુમાં ડોક્ટર અને નર્સ ઉભા હતા. ઝારાનું બોડી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ નહોતું કરી રહ્યું અને ઝડપથી એના શ્વાસ તૂટી રહ્યા હતા. ડોકટરોને હવે બહુ આશા નહોતી.

યુવાએ બધાને વિનંતી કરી બહાર જવાની. પ્રોફેસર ગોલાન, બેરુરા અને રબ્બી સિવાય બધા બહાર જતા રહ્યા. એ ઝારાનાં ખાટલા પાસે બેસી પડી  અને એનો હાથ એણે પકડી લીધો. એની આંખોમાંથી આંસુ બહાર નીકળી પડ્યા. એની નાનપણની સાથી, એની ખાસ દોસ્ત, એનું સર્વસ્વ એવી ઝારાની સામે એ જોઈ રહી ! યુવાએ જોરથી ઝારાનો હાથ દબાવ્યો અને આંખો બંધ કરી દીધી ! એને બંધ આંખે દુર સફેદ પહાડો દેખાયા, એ જાણે કે ડોલતા હોય એમ લાગતું હતું, એક વિરાટ આકૃતિ પ્રગટ થઇ અને એણે એક ઉત્તુંગ શિખર પર નૃત્ય કરવાનું ચાલુ કર્યું ! યુવાના હોઠ આપોઆપ ફફડવા લાગ્યા ! પ્રોફેસર ગોલાન ફાટી આંખે જોઈ રહ્યા ! “આ તો એ જ શિવ સ્તુતિ હતી કે જે એમણે બેલી ગામમાં પંડિત શંભુનાથ પાસે સાંભળેલી હતી ! યુવાને એ કેવી રીતે આવડતી હતી ?!” યુવાની આંખો હજુ બંધજ હતી, એનું આખું શરીર ગરમ થઇ ગયું હતું અને એ ધ્રુજી રહી હતી. એ વિરાટ આકૃતિ એને જાણીતી લાગતી હતી, જાણે કે એનું જ કોઈ અંગ, એનું કોઈ પ્રિય, એ આકાર, એ વિશાળ આકાર, એની બાજુમાં પડેલું ત્રિશુલ, એ ડમરુંની રણકાર, એને કૈંક પોતાનું લાગતું હતું ! એ સમાધિમાં જતી રહી હોય એમ ઝારાનો હાથ પકડીને બેસી જ રહી. ઝારાનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એણે આંખો ખોલી અને યુવાની સામે જોયું. એ કૈંક બોલવા માંગતી હતી પણ એના મોઢા પર મુકેલા ઓક્ષિજન માસ્કને કારણે શબ્દો બહાર નીકળતા નહોતા. એની આંખના ખૂણેથી આંસુ બહાર નીકળી રહ્યા હતા. એનો હાર્ટરેટ સ્ટેબલ થઇ રહ્યો હતો. બેરુરા અને રબ્બી અચંભિત થઇને આ બધું જોઈ રહ્યા હતા.

***

“એય જાડી, કેવું છે તને હવે ?” યુવા એ પ્રેમથી ઝારાના માથા પર હાથ ફેરવ્યો. ઝારાએ ગુસ્સાથી યુવાની સામે જોયું અને મોઢું મચકોડ્યું ! ત્રણ મહિના થઇ ગયા હતા. ઝારા હવે બેઠી થઇ ગઈ હતી. એને હવે ફીઝીઓથેરાપી ની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. ઈઝરાયેલી કમાન્ડો ટુકડીને સર્વોચ્ચ બહાદુરીનો ખીતાબ આપવામાં આવ્યો હતો. એમણે એકલે હાથે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હામીદને અને એના ખૂંખાર સાથીને મોતને હવાલે કરી દીધો હતો ! બધા અચંભામાં હતા ! અશરની બુદ્ધિ બહેર મારી ગઈ હતી ! એણે ખાનગીમાં રબ્બીને કહ્યું હતું કે એમણે કૈંજ કર્યું નહોતું ! આ બધું પરાક્રમ યુવા અને ઝારાનું હતું અને એને એ પણ નવાઈ લાગી હતી કે કેટલી ક્રુરતાપૂર્વક યુવાએ ચપ્પુથી હામીદ અને એના સાથીનું માથું કાપી નાખ્યું હતું અને એને ફૂટબોલની જેમ ફંગોળી દીધું હતું ! રબ્બીએ માથું ધુણાવ્યું, એને ખબર હતી કે યુવા કૈંક સ્પેશીયલ છે, પણ આવું પરાક્રમ કરશે એની એને ખબર નહોતી. ખેર ! એની વિદ્યાર્થીએ એનો બદલો લઇ લીધો હતો હામીદને મારીને અને એને ખુબજ ખુશી હતી એ વાત ની.

“મને થોડું વ્હાઈટ પાવડર આપને યુવા” ઝારાએ કાકલુદી કરી. યુવાએ કબાટમાં સંતાડેલ પડીકીઓમાં થી એક કાઢી અને ઝારાને આપી. ઝારાની આંખો આનંદથી નાચી ઉઠી.

***

યુવા અને ઝારા કારમાં થી નીચે ઉતર્યા અને જેવા રેસ્ટોરેન્ટના દરવાજે પહોંચ્યા કે યુવાની આંખો પહોળી થઇ ગઈ ! ત્યાં દરવાજે પ્રોફેસર સિન્હા અને પ્રોફેસર ગોલાન હસતા હસતા ઉભા હતા ! “પાપા, વોટ એ સરપ્રાઈઝ” યુવા દોડીને પ્રોફેસર સિન્હાને વળગી પડી. પ્રોફેસરે પ્રેમથી યુવાના અને ઝારાના માથા  પર હાથ ફેરવ્યો અને બધા અંદર લંચ માટે જતા રહ્યા.

“બેટા, હું આજે જ આવ્યો તમને લોકોને સરપ્રાઈઝ આપવા. તમારી સ્ટડીઝ કેમ ચાલે છે ?” પ્રોફેસરે બંનેને પૂછ્યું.

“બહુ સરસ પાપા,  તમારું કામ કેમ ચાલે છે ? અને અમને તમે ભારત ફરવા ક્યારે લઇ જશો ?” યુવાએ પૂછ્યું.

“બસ એટલા માટે જ આવ્યો છું બેટા, તમે જમી લો પછી સાંજે આપણે બધા બેરુરાના ઘરે ભેગા થઈને ચર્ચા કરીએ” પ્રોફેસરે વાતનું સમાપન કર્યું.

મોડી સાંજે પ્રોફેસર ગોલાન, સિન્હા, બેરુરા એક રૂમમાં બેઠા હતા. રબ્બી હજી આવ્યો  નહોતો.

“બેરુરા, તમને ખબર છે ને કે અમે ઘણી કોશિશ કરી પણ રબ્બીની યાદશક્તિ હવે પાછી આવે એમ લાગતું નથી. બીજું મેં યુવાના મામાને વચન આપેલું છે કે યુવા એની માર્શલ આર્ટની ટ્રેનીંગ પતાવી દે એટલે પાછી ભારત આવી જાય. વખત કહે છે કે યુવાને દીક્ષા આપવાનો સમય થઇ ગયો છે. તમે લોકોએ એને આટલા વર્ષ સંભાળી, ભણાવી ગણાવી અને એક સારી વ્યક્તિ બનાવી એ ઘણું છે પણ હવે એનો પાછા ફરવાનો સમય થઇ ગયો છે. હું તમારું ઋણ કેવી રીતે અદા કરું ?” પ્રોફેસર સિન્હાએ ગળગળા અવાજમાં કહ્યું.

“એ મારી પણ દીકરી છે, રબ્બીનું સંતાન, અમારી ખાનદાનની એક માત્ર વારસદાર, એ ઈઝરાયેલી પણ છે, એનું ધ્યાન રાખજો પ્રોફેસર, અને હા એક વાર મરતા પહેલા એને મારી પાસે જરૂર લાવજો. એને કૈંક જરૂર પડશે તો યાદ રાખજો આખું ઇઝરાયેલ અને એની સેના તમારી પડખે ઉભી રહેશે.” બેરુરાએ કહ્યું. એટલામાં રબ્બી આવી ગયો. બેરુરાએ રબ્બીને સમજાવ્યું કે યુવા હવે ભારત એના દેશમાં જાય છે, એના પાપા એને લેવા આવ્યા છે. રબ્બીએ માથું ધુણાવ્યું, એને કૈંક બેચેની થઇ પણ એ કશું બોલ્યો નહિ.

બેરુરાના ઘરે ડીનર પછી યુવા અને ઝારા બધાની સામે બેઠા હતા. બેરુરાએ ગળું ખંખેર્યું અને કહ્યું “જુવો બેટા, યુવા, હવે સમય આવી ગયો છે કે તું તારા પાપા સાથે ભારત, તારા દેશ જાય, આટલા વર્ષો તે અહી રહીને માર્શલ આર્ટ ની ટ્રેનીંગ લીધી, તને સર્વોચ્ચ ખિતાબ પણ મળ્યો, હવે તું કોલેજ ભારત જઈને તારા પાપાની સાથે રહીને કર એવી બધાની ઈચ્છા છે, તારી માતાના મૃત્યુ પછી પ્રોફેસર સિન્હા આમ પણ એકલા થઇ ગયા છે અને તારી ફરજ છે કે તું હવે એમની પાસે રહે. આ તારો જ દેશ છે, તું જયારે ઈચ્છે ત્યારે અહી આવી શકે છે અને અમને મળી શકે છે. અમે પણ કોક વાર તને મળવા આવતા રહીશું.” યુવાની આંખોમાં આંસુ આવી ગયા, એણે વારાફરથી બધાની સામે જોયું. ઝારા ગુસ્સામાં નીચે માથું કરીને બેઠી હતી. બેરુરાએ એ જોયું અને એણે પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો. “ઝારા, મારી વ્હાલી દીકરી, તને તો બધી જાણ છે, અમે કૈંજ છુપાવ્યું નથી, કેવી રીતે હું તને ગાઝા પટ્ટીમાંથી લઇ આવી હતી અને તને ઉછરીને મોટી કરી છે, તું અને યુવા નાનપણના સાથી છો પણ હવે સમય આવી ગયો છે એને એના દેશમાં મોકલવાનો બેટા.” એણે ઝારાનો હાથ થપથપાવ્યો. “હું ઝારા વગર નહિ જાઉં ક્યાંય પણ” યુવા દ્રઢ સંકલ્પથી બોલી. પ્રોફેસર સિન્હા અને ગોલાન હસી પડ્યા. “યુવા, ઝારા, તમારી બેગ પેક કરો, તમે બંને મારી દીકરીઓ છો, તમે બંને મારી સાથે ચાલો” પ્રોફેસર સિન્હા બોલ્યા. યુવા અને ઝારા આનંદથી ચિચિયારી પાડી ઉઠી અને એક બીજાને વળગી પડી અને અંદર રૂમમાં બેગ પેક કરવા દોડી ગઈ.

“એમના વિઝાનો હું બંદોબસ્ત કરી આવું” રબ્બી અકળાયેલા અવાજમાં બોલીને ત્યાંથી જતો રહ્યો. બેરુરાએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો. “કાશ તને ખબર હોત કે યુવા તારું લોહી છે, પણ હવે એ જ બેટર છે કે એ પાછી જતી રહે.”

***

એરપોર્ટ પર ભીડ જામી હતી, એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉપડવાને હજુ ત્રણ કલાકની વાર હતી. યુવા અને ઝારાના બધાજ મિત્રો એને મુકવા આવ્યા હતા. વાતાવરણ ખુબજ લાગણીશીલ થઇ ગયું હતું. બધા એક બીજાને ભેંટી રહ્યા હતા, અમુકની આંખોમાં આંસુ પણ હતા, એ બંને તેમના ફેવરીટ મિત્રો હતા. થોડીવાર પછી યુવા અને ઝારા બેરુરા પાસે આવ્યા અને એને ભેંટીને રડી પડ્યા ! બેરુરાની આંખોમાં પણ આંસુ આવી ગયા. “મને યાદ કરશો ને બેટા ? ઈ મેલ કરતા રહેજો, ફોટો મોકલજો અને સાંભળો, કોઈની સાથે પણ ખોટી દલીલ કરવી નહિ અને તમારી અંદર રહેલી શક્તિને લોકકલ્યાણમાં વાપરવી સમજ્યા ? તમે દુનિયાની કોઈપણ સેનામાં કામ કરી શકો એટલા કેપેબલ છો, અચૂક નિશાન, ચિત્તા જેવી ઝડપ, વર્ષોનો માર્શલ આર્ટનો અનુભવ  તમને એક ખૂંખાર કમાન્ડો બનાવે છે, પ્રેક્ટીસ રોજ કરતા રહેજો” બંનેએ હકારમાં ડોકું ધુણાવ્યું. “માસ્ટર ક્યાં છે” યુવાએ પૂછ્યું. બેરુરા નીરુતર રહી. “એને કૈંક કામ આવી ગયું છે એટલે એ નાં આવી શક્યો પણ એણે એની શુભેચ્છાઓ મોકલાવી છે” પ્રોફેસર ગોલાન બોલ્યા. એમને ખબર હતી કે રબ્બી બેચેન થઇ ઉઠ્યો હતો અને અત્યારે એ યુવા અને ઝારાને મુકવા પણ નહતો આવ્યો. એ બેરુરાના ઘરે બેઠો હતો.

***

રબ્બીનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એને સપનાઓ આવી રહ્યા હતા ! સપનામાં એને યુવા દેખાતી હતી પણ ના, આ યુવા નહોતી, આની આંખો બ્લેક હતી અને એ થોડી ઓછી ગોરી હતી પણ જાણે કે યુવા જ જોઈ લો તદ્દન ! એ યુવતી જોડે એ કોઈ હોડીમાં બેઠો હતો અને એ લોકો હિબ્રુ ગીત ગાઈ રહ્યા હતા ! રબ્બીએ અચાનક આંખો ખોલી દીધી. પરસેવાથી એનું આખું શરીર ભીંજાઈ ગયું હતું ! અચાનક એને કૈંક યાદ આવ્યું અને એ બેરુરાના રૂમમાં લટકતા એના જુના મીલીટરી ડ્રેસ પાસે ગયો અને એને હાથ માં લીધો. એમાં એણે અજાણતા હાથ નાખ્યો અને એને એમાં પડેલું એક જુનું પાકીટ મળ્યું. રબ્બીએ એને ખોલ્યું તો એમાં એને એક વિચિત્ર પ્રભાવશાળી વ્યક્તિનો ફોટો દેખાયો ! એ સમ્મોહિત થઈને મહાદેવના ફોટાને જોઈજ રહ્યો ! એણે એ ફોટો બહાર કાઢ્યો અને એની નીચે એક બીજો ફોટો પણ હતો ! એની આંખો ફાટી ગઈ ! એ લાવણ્યાના ફોટાને તાકી તાકીને જોઈ જ રહ્યો ! મંદિરમાં ઉભેલી બે હાથ જોડેલી અને આંખો બંધ કરીને ગાતી લાવણ્યા ! એના રૂંવાડા ઉભા થઇ ગયા ! એના મસ્તિષ્કમાં કોઈ જોર  જોર થી હથોડા મારતું હોય એવું એને લાગવા લાગ્યું ! “લાવણ્યા ! વખત ! પંડિતજી ! પ્રોફેસર સિન્હા ! યુવા ! મહાદેવ ! હિમાલયના પહાડો ! બેલી ગામ !” એનું માથું ફાટફાટ થઇ રહ્યું હતું ! રબ્બીના મસ્તિષ્કમાં એક વિરાટ આકૃતિ પ્રગટ થઇ હતી, એને સતત “ઓમ નમો: શિવાય” સંભળાઈ રહ્યું હતું. એને બધું જ ધીરે ધીરે  યાદ આવવા માંડ્યું હતું. અચાનક એને ભાન થયું કે યુવા જાય છે ! એણે બે હાથની મુઠ્ઠીઓ વાળી અને ઝડપથી એની કાર બહાર કાઢી અને એરપોર્ટ તરફ ભયાનક સ્પીડમાં મારી મૂકી !

ભાગ-૧૨ સમાપ્ત

***

Rate & Review

Om Vaja 3 days ago

vipul chaudhari 6 days ago

Manish Patadia 5 months ago

Dashrath Sinh Jadeja 5 months ago

Narendra Kansara 5 months ago