krossing ગર્લ - 2

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના સાડા નવ થવા જઈ રહ્યા છે. પ્રસ્તુત છે તમારો મનગમતો કાર્યક્રમ “આપણી લોકવાર્તાઓ”, જેમાં આજે રજૂ થશે કાનજી ભૂરા બારોટના કંઠે કહેવાયેલી અને બહુ જ પ્રસિદ્ધ અને લોકજીભે રમતી વાર્તા “જીથરો ભાભો”.

ઓસરીના ખૂણે બેસીને વાંચતાં વાંચતાં મારા કાન સરવા થયા. દાદાજી ખાટલામાં બીડી પીતાં પીતાં ટેસથી સૂતા હતા. એટલામાં ડેલીનો ઉલાળીયો ઉંચો થયો. હાથમાં તેલની બોટલ લઈને ગીતા અંદર આવી રહી હતી. “કાના, જલ્દી ચાલ. આજે મારે કામ છે.” આ બૂમ સાંભળવાની મને દર રવિવાર અને બુધવારે ઇંતેજારી રહેતી. તેના હાથની તેલ-માલિશમાં અજબનો જાદુ હતો. હું બધું પડતું મૂકી ઝડપથી તેના પગની બાજુમાં ખાટલા પાસે ગોઠવાઈ ગયો.

“આજ તો ડાહ્યો થઈને બેસી ગયો, કાકી ખીજાયા કે શું ?” તે બોલી.

“તારે બહુ પંચાત... છાનુમુની તેલ નાખને...” મેં ચીડાઈને કહ્યું.

તેણે મારા વાળ બંને મુઠ્ઠીમાં લઈ જોરથી ખેંચ્યા, “આ ઓઘો કપાવ હવે ડોબા, જોને કેવો છોકરી જેવો લાગે છે. દસમામાં આવ્યો તોય ઢબુનો ઢ રહ્યો.”

“મમ્મી, તું આ ગીતુડીને સમજાવ. બહુ ડહાપણ ના કરે. હું એને મારીશ. પછી તું કંઈ કેતી નઈ.” મેં જોરથી બૂમ પાડતાં કહ્યું.

“તમારે બેય બેનભાઈને કંઈ કામધંધો છે કે નઈ. ભેગા થયા નથી કે બાધવાનું ચાલુ.” મમ્મી રસોડામાંથી બોલી.

દાદાજી અને ગીતા બંને હસવા લાગ્યા. ગીતાની નાજુક આંગળીઓ મારા ઘેઘૂર વાળમાં હેતથી ફરવા લાગી. વચ્ચે વચ્ચે તે મસ્તીના ટપલીદાવ પણ કરી લેતી. અમારો 20 મિનિટનો ટાઈમ ફિક્સ હતો. પરંતુ દર વખતે ગમે તેમ કાલાવાલા કરી હું તેને 5 મિનિટ વધુ બેસાડી રાખતો.

“કાના, તું 10 પછી શું કરવાનો આર્ટ્સ કે કૉમર્સ ?” તેણે પૂછ્યું.

હું બોલ્યો, “ખબર નહીં, કદાચ સાયન્સ પણ કરું ?”

“ડાચું જોયું અરીસામાં, ગણિતમાં ક્યારેય 80 ઉપર માર્ક આવ્યા નથી ને હાલી નીકળ્યો સાયન્સ કરવા. દુનિયામાં ડૉક્ટર અને એન્જિનિયર સિવાય પણ ઘણા પ્રોફેશન છે.” તે બોલી.

“ભલેને રહ્યા... પણ સહુથી વધુ પૈસો અને સલામત ભવિષ્ય આ બંને જ આવે. હું ગામનો પહેલો ડૉક્ટર બનીશ જોજે તું. મારા ટીચર્સ પણ એમ કહે છે.” મેં કહ્યું.

“સાવ ખોટી વાત. દુનિયામાં સહુથી વધુ માન અને પૈસા આર્ટિસ્ટ જ કમાય. અને જિંદગી પણ એ જ જીવી જાણે. તું અને ડૉક્ટર, સપનેય ના વિચારતો. છોકરીઓ સાથે વાત કરવામાં પગ ધ્રુજે છે ને તારે ઑપરેશન કરવા છે. હુહ...” તેણે ફરીથી વાળ ખેંચી વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો.

“મેં બધું વિચારી જોયું. જો ગીતલી, મને ઍક્ટિંગ નથી આવડતી. સંગીતમાં પણ... કંઈ ટપ્પો ના પડે. સ્પોર્ટ્સ... હાઇટ-બોડી તો છે. જો તેમાં મહેનત કરું તો ચાલે પણ... પ્રોફેશનલ ટ્રેનિંગ માટે બહુ રૂપિયા જોઈએ. એન્ડ મૅનૅજમૅન્ટ તો બહુ ફાવે. આપણે પૈસા પણ શેમાં કમાય શકીએ એ જોવું પડે.” મેં નિરાશ થતાં કહ્યું.

“જો સાંભળ, લાઇફમાં પૈસા જ બધું ના હોય. સહુથી વધુ ઇમ્પોર્ટન્ટ છે તમને ગમતું કામ. તું ફોટા કેટલા સરસ પાડે છે. તું ફોટોગ્રાફર જ બનને ?” તે માલિશની સ્પીડ વધારતાં બોલી.

‘રેવા દે, એ તો જ્યાં સુધી તને પરફેક્ટ ફોટા ના પડે ત્યાં સુધી તું મને છોડતી નથી એટલે. મારે પરાણે પાડવા પડે છે. બાકી એમ કોઈ ફોટોગ્રાફર થોડું બની શકાય. બહુ અઘરું છે.” હું કંઈક વિચારતાં બોલ્યો.

“ગીતા, એની જોડે માથાકૂટ રહેવા દે. એને અત્યારે આ બધું નહીં સમજાય. એને પડવા દે, છોલાવા દે, શીખવા દે. પછી એને મેળે સાચો રસ્તો શોધી લેશે.” દાદાજી બીડી ઠારતા બોલ્યા.

“સાચી વાત છે દાદાજી. પણ આને દુનિયાદારીની કંઈ સમજ નથી. આ તો અહીંયાં છે એટલે કંઈ ખબર નથી પડતી અને બહાર નીકળશે તો આના જેવા કાચાપોચાંને તો બધા એમ જ ખાઈ જશે. આને અત્યારથી તૈયાર નહીં કરીએ તો દુનિયાની રેસમાં ટકી શકશે કે કેમ ? તે એક સવાલ છે.” ગીતા ચિંતા કરતાં બોલી.

દાદાજી હસવા લાગ્યા. “ગીતા, આ રેસમાં દોડવાવાળામાંથી નથી. આ સાવ નોખી માટીનો છે. આને ડર એટલે શું એની કંઈ ખબર જ નથી પડતી.  દુનિયા આની હિંમત અને સાહસ જે દિ જોશે તે દિ મોંમાં આંગળાં નાખી જશે.”

“એય ગીતુડી, તું બહુ હોશિયાર છે એટલે ખોટી હોશિયારી નહીં કરવાની. જરૂરી નથી કે બધાના લાઇફ ગોલ પહેલેથી સેટ જ હોય. ને દાદાજીએ કીધું એમ યુ નો... આઈ એમ ડિફરન્ટ...” મેં કહ્યું.

“એમ, બેસ ને હવે ડિફરન્ટવાળો થાતો. ચાર શબ્દ અંગ્રેજીનાં શું આવડી ગયા બે વેંત ઊંચો થઈને હાલે.” તેને ફરીથી મારા વાળ ખેંચ્યા.

“દાદાજી શું જીથરો ભાભો સાચે જ હતો ?” હું લગભગ ચોથી વાર આ વાર્તા સાંભળી રહ્યો હતો. પરંતુ આજ દિન સુધી ખબર નહોતી પડી કે એ ખરેખર સાચે જ હતો કે નહીં. મેં વાત ફેરવતાં પુછ્યું

“શું ફેર પડે હોય કે નહીં ? તને સાચું હોય તો ગમે કે નહીં ?” તેમણે સામો સવાલ કર્યો.

“ગમે જ ને, કેમ નહીં... પણ રાતે સાવ અચાનક જ સામે આવી જાય તો બીક પણ લાગે કદાચ. કાનબાપા તેને કેવો ભૂત જેવો ચીતરે છે.” મેં કહ્યું.

ગીતા વચ્ચે બોલી, “સ્ટુપીડ, આ વાર્તા છે. થોડીક તો બુદ્ધિ દોડાવ તારી. પૃથ્વી પર આવો કોઈ ભાભો હયાત નથી.”

દાદાજીએ હસતાં હસતાં કહ્યું, “વાર્તાની આ જ તો મજા છે. ખબર છે ખોટી છે તો પણ સાચી લાગે. એની જેમ જીવવાનું મન થઈ આવે. દિલમાં સોંસરવી તરી જાય કાયમ માટે. આ બધી લોકવાર્તાઓ કોઈ ઘટનામાંથી સર્જાઈ હોય. એક કાનેથી બીજા કાને ફરે. ક્યારેક કોઈ જીભ પણ કશુંક ઉમેરતી રહે. એમાં કાનજી ભૂટા જેવાની હલક ઉમેરાય પછી કોઈ દિ ના ભુલાય. આજીવન લોકમાનસમાં સચવાયેલી રહે. "હફ કરું ને ડફ મરે.”

રાત્રે પથારીમાં સૂતાં સૂતાં પણ દાદાજીના આ શબ્દો કાનમાં પડઘાતા રહ્યા. “હફ કરું ને ડફ મરે.” મેં ક્યાંય સુધી તેના વિશે વિચાર્યા કર્યું. રોજની જેમ જ તેને મારી કલ્પનામાં જીવતી કરી. તેમાં સંવાદો ઉમેરાવા લાગ્યા. મારી સ્ટાઈલથી સીનની દરેક ફ્રેમ સજાવવા લાગ્યો. આ વખતે પણ અમુક પ્રયોગો કર્યા. આ જીથરો ભાભો તો બહુ જૂના જમાનાનો હતો. મારી જનરેશનને કેવો જીથરો ભાભો ગમે ? હું બરાબરનો ગૂંચવાયો. સાન્તાક્લોઝ જેવો ચાલે ? નહીં કૉપી નહીં. કશુંક અલગ જ... ચહેરો, કપડાં, તેનું ઓરિજિનલ વ્યક્તિત્વ બધું બદલાવી જોયું પણ કંઈ મેળ ના પડ્યો. હું દર વખતે કશુંક તો નવું એડ કરી જ દેતો પણ... આ જીથરાભાભાએ તો મારી ઊંઘ ઉડાડી દીધી.

“ટક... ટક... ટક... ટકટક...” ઓરડીના બારણા પર સાંકળના ટકોરા પડ્યા.

અડધી રાતે કોણ હશે ? મમ્મી તો ના હોય... એ તો અવાજ દઈને બોલાવે. ફરી પાછા ટકોરા પડ્યા. મેં ઝડપથી ઓરડી ખોલી.

“કાના, જલ્દી ચાલ એક ઈમરજન્સી છે.” ગીતા ઝડપથી શ્વાસ લેતાં બોલી.

“શું છે ? અત્યારે... અચાનક અડધી રાત્રે શું થયું ?” મેં પૂછ્યું.

“ખોટા સવાલ ના કર, કાંઈ જરૂરી કામ ના હોય તો તને થોડો હેરાન કરું કંઈ ?” તે બોલી.

હું નવાઈ પામ્યો. ઝડપથી ટી-શર્ટ પહેરી તેની સાથે ચાલતો થયો. તેનું ઘર બાજુમાં જ હતું. અમે તેમાં દાખલ થયા. ચારેબાજુ અંધારું હતું. તેણે મારો હાથ પકડી લીધો. તેના ઘરના અંધકારમાંથી કંઈક બોલચાલના અવાજો સંભળાતા હતા. મને કંઈ સમજાતું નહોતું. તેણે મને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. અમે તેની રૂમ પાસે આવ્યા. તેણે મને પહેલા અંદર જવા માટે આગળ કર્યો. મેં આનાકાની કરી. તેણે મને ધક્કો મારીને આગળ ધકેલ્યો. મને મારો પોપટ ના બની જાય એની બીક લાગતી હતી. કારણ કે તે ઘણી વાર આવા સરપ્રાઇઝ આપી ચૂકી હતી. ગમે તેમ મારે પહેલાં જવું ફરજિયાત હતું.

હું આગળ વધ્યો. રૂમનો દરવાજો ખોલ્યો. અંદર જવા માટે જેવો પગ પડ્યો ત્યાં જ. અચાનક લાઇટો શરૂ થઈ. ગીતાએ પાછળથી ધક્કો માર્યો. મારા પર ઝરી, ફૂલો અને નાના ફુગ્ગા વરસી પડ્યા. “હેપ્પી બર્થડે કાના” બધાએ એક જ અવાજ સાથે મારું સ્વાગત કર્યું. બધાએ તાળીઓના ગડગડાટથી ચિચિયારી પાડી મને વધાવ્યો. જીથરાભાભામાં મને મારો બર્થડેય ભૂલાઈ ગયો હતો. આવી બર્થડે સરપ્રાઇઝ તો મેં સપનેય વિચારી નહોતી. હું ડઘાઈ ગયો. મારું ફેમિલી, થોડા પડોશીઓ અને મારા તથા ગીતાના બે-ચાર મિત્રો હાજર હતા. બધાએ મને ગળે લગાડી વિશ કર્યું. ઘરના બધાયના ચહેરા પર હરખ હતો. ‘16’ લખેલી કેક ગીતા લાવી. આ પણ તેણે પોતાના હાથે જ બનાવી હશે. તેણે મારા ફેવરિટ ચોકલેટ ફ્લૅવરની ખબર હતી. તેણે વહાલથી ખભો પકડતાં બોલી, “ચાલ, માય ડિયર બુદ્ધૂ બ્રધર... તું હવે 16 વર્ષનો થયો. તારા બર્થડેને મસ્ત મજાનો સેલિબ્રેટ કરીએ...”

તે હોમથિયેટરમાં મ્યુઝિક ચાલુ કરીને આવી. કેક પરની મીણબત્તીઓ સળગાવી. રૂમની લાઇટો બંધ કરી. મારા હાથમાં તેણે પ્લાસ્ટિકનું ચપ્પું મૂક્યું. મેં બધાની સામે જોયું. “હું મારી લાઇફનો પ્રથમ બર્થડે ઉજવી રહ્યો હતો. મેં મીણબત્તીઓ બુઝાવી કેક કાપવાનું શરૂ કર્યું. બધા અનાયાસે ગાવા લાગ્યા... હેપ્પી બર્થડે કાના... હેપ્પી બર્થડે કાના... હેપ્પી બર્થડે ડીયર ક્રિષ્ના... આ કેક કાપવાની સાથે જ મારું બાળપણ મૃત્યુ પામ્યું. યુવાનીના બારણા ખખડાવતાં ટીનએજનું લાયસન્સ મળી ગયું.

ફરીથી બધાએ તાળીઓ પાડી. મેં કેકના નાના નાના પીસ વડે બધાના મોં મીઠા કરાવ્યા. ત્યાર બાદ મ્યુઝિક પાર્ટી શરૂ થઈ. આ ઉજવણીમાં બધા આવડે એવું નાચ્યા. એમ કહો ને ગીતાએ ધરાર નચાવ્યા. ખૂબ બધા ફોટા પાડ્યા. બહુ મજા કરી. ગીતાએ આ સરપ્રાઇઝ પાર્ટી આપી મારો જન્મદિવસ યાદગાર બનાવી દીધો. આમ તો દરેક જન્મદિવસ મારા માટે સ્પેશિયલ રહેતો. કારણ કે તે દર ચાર વર્ષે એક વાર જ આવતો 29 ફેબ્રુઆરીએ.

કલાક પછી સેલિબ્રેશન પૂરું થયું. બધા વિખેરાયા. હું અને ગીતા અલકમલકની વાતો કરતાં કરતાં હતાં. સાથે નાસ્તો પણ ચાલુ હતો.

“કાના,તારા માટે એક ગિફ્ટ છે.” તેણે કહ્યું.

”ગીતુડી, આ બધો પ્લાન તેં પહેલેથી જ બનાવેલો ?” મેં કેક ખાતાં પૂછ્યું.

“યસ, ચાર દિવસથી તૈયારી ચાલુ હતી. આટલી મહેનત તો હું મારા કૉલેજના પ્રોજેક્ટમાં પણ નથી કરતી. જવા દે એ બધું. તારો બર્થડે ચાર વર્ષે એક વાર આવે એટલે સરપ્રાઇઝ પાર્ટી તો બનતી હે.” બોલતાં બોલતાં તેણે એક બૉક્સ મારી સામે મૂક્યું.

“શું છે આમાં ?” મેં પૂછ્યું.

“ગધેડા, ગિફ્ટ છે. જાતે ખોલીને જોઈ લે. બધી વખતે કંઈ હું મદદ કરવા માટે નહીં આવું.” આ શબ્દોમાં વહાલની સાથે ચિંતા પણ હતી.

હું બૉક્સ હાથમાં લઈ ખોલવા લાગ્યો. મને એમ કે પરફ્યુમ, ઘડિયાળ, કપડાં કે પછી મોબાઈલ એવું હશે કદાચ... પણ આ શું ? 4 મોટી ડાયરી નીકળી. ઉપર વર્ષોના નામ પણ લખેલા હતા. 2024, 2025, 2026, 2027. ગીતા આ શું છે ? આ ડાયરીને મારે શું કરવી ? મેં નિરાશ થઈને કહ્યું.

“તારે આ બર્થડેના દિવસે તારી આ વહાલી બેનને એક કમિટમેન્ટ આપવાનું છે.” તે મારી પાસે બેસતાં બોલી.

“પણ શા માટે ? તું કંઈ ચોખવટ કરીને નહીં કે ત્યાં સુધી હું કોઈ પ્રોમિસ આપવાનો નથી. મને ખબર છે તું દર વખતે ના વિચાર્યું હોય એવું કંઈક શોધી લાવે છે.” મેં તેને અટકાવીને કહ્યું.

“ઓ.કે. શાંતિ રાખ, કહું છું તને. ધ્યાનથી સાંભળજે. આ ડાયરી તારા માટે સ્પેશિયલ ઑર્ડર દઈને બનાવી છે. તારું વર્ષ આમાં 29 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે. આવતા ચાર વર્ષમાં રોજ તું જે કામ કરે, તને કોઈ નવા અનુભવો થાય, નવા લોકો મળે, મતલબ કે તને જે કંઈપણ નવું જાણવા-શીખવા મળે એ બધું તારે આમાં લખવાનું.” તે બોલી.

“પણ આ બધું શું કામ કરવાનું ? રોજરોજ આવું બધું લખવાનો ફાયદો શું ?” મેં સવાલ કર્યો.

“નફા અને નુકસાનની ગણતરી ધંધામાં હોય, લાઇફમાં નહીં. તું રોજના અનુભવો લખીશ એટલે આ રોબોટ બનતી જતી દુનિયામાં લાગણીઓની નજીક રહી શકીશ. ક્યારેક નવરો હશે ને આ બધું વાંચીશ તો લાઇફનો કેટલો સમય તેં ફક્ત ટાઈમપાસમાં બગાડ્યો તેની ખબર પડશે. જે તે દિવસના અનુભવો પરથી કદાચ તારી ભૂલો પણ સમજાય. જે તને લાઇફમાં આગળ શું ના કરવું એ શીખવાડશે. તારે ક્યાંય મોટિવેશન શોધવા નહીં જવું પડે. ખુદ સાથે સંવાદ કરી ખુદને તૈયાર કરી શકીશ. તારી જાતને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં ટકાવી રાખવાની સક્સેસ કી આ ડાયરીમાં હશે. મને ખબર છે તારી અંદર એક આર્ટિસ્ટ છુપાયેલો છે. તું જે એંગલ અને સૂઝથી ફોટા પાડે છે એ બધા માટે સહેલું નથી. તારા રૂમમાં રાત્રે કલ્પનાઓના કેવા ઘોડા દોડે છે તેની મને ખબર છે. તને નવું શીખવું-અપનાવવું અને જીદ પર આવીને ઊભો રહે તો બદલવું પણ ગમે છે. એટલે જ તને આ ડાયરી ગિફ્ટ કરી છે. તું સાવ બુદ્ધુ અને ભોળો છે. એકદમ નિખાલસ અને દિલનો સાફ. બીજા પર તરત વિશ્વાસ મૂકી દે એવો. સાહસિક અને ક્રિએટિવ પણ છો. મને એનું આશ્ચર્ય થાય છે તને કેમ કોઈ વાતનો ડર જ નથી લાગતો. એટલે જ તું સ્પેશિયલ છે. બસ, આવો જ બની રહેજે. પણ દુનિયા આવી નથી. એ તું બહાર નીકળીશ એટલે સમજાઈ જશે. માટે હવે વધારાનો એક પણ સવાલ નહીં. આજથી ચાર વર્ષ માટે મેં કીધું એમ જ કરવાનું.” તે બોલી.

“ગીતલી, બસ કર હવે... તું કેટલી ફિલોસોફી હાંકે છે. આટલું મોટું લેક્ચર આપવાનું ડાયરી માટે ? પણ સૉરી હું આવું કંઈ લખવાનો નથી.” મેં પાણી પીતાં કહ્યું.

“કેમ ?” તેણે ડોળા કાઢતાં પૂછ્યું.

“કોઈ મસ્ત છોકરી જોયા પછી જે વિચાર આવે એ આ ડાયરીમાં કેમ લખવા ? તને ખબર જ છે. મારી મમ્મીને વાંચતાં આવડે છે. ભૂલેચૂકે પણ જો એના હાથમાં ચડી ગઈ તો ?” હું ગીતા સામે ગમે તે વાત બિંદાસ્તપણે કહી શકતો.

તે ખડખડાટ હસી પડી. ક્યાંય સુધી હસતી રહી. “વૉટ એ જોક ? દાદાજી સાચું જ કહે છે. તું હજુ નાનો જ છે. મારા બુદ્ધુ ભાઈ, આપણે સત્ય અને પ્રામાણિકતાના પૂજારી નથી બનવાનું. તને જે દિલથી લખવા જેવું લાગે એ લખવાનું. ફક્ત તારી જાત સાથે પ્રામાણિક રહેવાનું. તારે તારા માટે જ લખવાનું છે બીજા કોઈને કેવું લાગશે ? બધા શું વિચારશે એ કંઈ નહીં હોવાનું. અને હા, કશું ના ગમ્યું તો પણ લખવાનું. પરંતુ લખવા ખાતર ક્યારેય નહીં લખવાનું.”

હું તને દલીલોમાં ક્યારેય જીતી શકવાનો નહોતો. જ્યાં સુધી તેની વાત ના માનું ત્યાં સુધી તે મને સૂવા દે એમ નહોતી એ નક્કી હતું. હું હજુ વિરોધ કરું તો ફિલસૂફીના વધુ ઑવરડોઝ મળવાના હતા. જે સહન કરવાની મારી શક્તિ નહોતી. આજના દિવસો તો બિલકુલ નહીં. મેં પરાણે હા પાડી. આખરે લખવાનું તો મારે જ હતું, એ ક્યાં જોવા આવવાની હતી.

તેના ચહેરા પર કંઈક પુણ્ય કર્યાનો સંતોષ થયો. તેને પોતાની ફ્રૅન્ડ, કૉલેજ, ટીચર્સ અને બોયફ્રૅન્ડ વિશે વાત કરી. તે સતત બોલતી રહી. હું બસ સાંભળતો જ રહ્યો. તેનું કસાયેલું શરીર, તેના ચહેરાની નમણાશ, દરેક મોમેન્ટ્સને જીવી લેવાનો એટીટ્યૂડ, તેનું વ્યક્તિત્વ, આંખોની ફરતી કીકી, શરીરની અકથ્ય ભાષા – આ બધું હું સહજપણે અનુભવી રહ્યો હતો. તેને એકીટસે નિહાળી રહ્યો હતો.

“ગીતલી, તું કેટલી સુંદર છે.... તારા જેટલું સહજ કોઈ નથી. બહુ બોલીશ તો મને તારી સાથે પ્રેમ થઈ જશે.” મારા મોંમાંથી અનાયાસે નીકળી ગયું.

તેણે સ્તબ્ધ થઈ મારી સામે જોયું. પછી ઓશિકું ફેંકતાં બોલી, “જાને વાયડા, કંઈક તારી ગર્લફ્રૅન્ડ અને ઘરવાળી માટે પણ બાકી રાખ. રિલેસનશીપમાં તારે એને વારેઘડીએ ‘હું તને કેટલો પ્રેમ કરું છું’ એનો અહેસાસ કરાવતાં રહેવું પડશે.”

“હું નેટ પ્રૅક્ટિસ કરું છું કારણ કે ફિલિંગ્સની ફોર્મ્યુલા બહેનથી સારું કોઈ ના સમજી શકે અને સમજાવી પણ ના શકે.” હું સ્ટાઈલ મારતાં બોલ્યો.

“ઓય ઓય... તું આવું બોલતાં ક્યાંથી શીખ્યો. ધેટ્સ સરપ્રાઇઝ ફોર મી. શું શબ્દો છે કાના. એન્ડ ઍક્ટિંગ માટે નાઇસ ઍફોર્ટ. પણ હજુ સ્ટાઈલ અને ઍટીટ્યૂડ બંને ઘટે છે બચ્ચુ.” તે મારા નાકને હચમચાવતા બોલી.

“ગીતલી, એક વાર તો હા પાડી દેવાય ને. જો કેટલી મસ્ત ઍક્ટિંગ કરી હતી. તું દર વખતે મારો પોપટ બનાવી દે છે.” મેં કહ્યું.

“છોડ એ બધું. તું તારા બોયફ્રૅન્ડ સાથે લગ્ન કરવાની કે શું ?” મેં ઉત્સાહથી પૂછ્યું.

તે થોડી ગંભીર બની. “ખબર નહીં. એ તો તૈયાર જ છે પણ આપણા ઘરમાંથી કોઈ હા નહીં પાડે. અમુક લવસ્ટોરી અધૂરી રહેવા માટે જ સર્જાયેલી હોય છે. મને તો ક્યારેય આ ધર્મ, જાતિ, સમાજના નિયમો સમજાતા નથી. માબાપને પણ છોકરાના સપનાં કરતાં પોતાની આબરૂની વધારે ચિંતા હોય છે. અત્યારે તો ભાગીને મેરેજ નહીં જ કરું. ઘરમાં વાત કરીશ. બધી રીતે સમજાવવાની ટ્રાય કરીશ, પછી પણ નહીં સમજે તો આઇ ડૉન્ટ નૉ કે હું શું કરીશ.”

તેની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. તે હસીને મને વળગી પડી. ક્યાંય સુધી એમ જ વળગેલી રહી. થોડી વારે તે અલગ થઈ. મારા માથામાં વહાલથી હાથ ફેરવ્યો, પછી કપાળ પર એક પ્રેમભર્યું ચુંબન કર્યું, “આઈ લવ યુ ઓલ્વેઝ. માય ડીયર બ્રધર. કદાચ તું એક જ છે જે મને સમજી શકે છે.”

“મને એક પ્રોમિસ આપ. ઘરમાંથી બધા ના પાડે તો પણ તું તારું દિલ કહેશે એમ કરીશ.” મેં તેના આંસુ લૂછતાં કહ્યું.

“કાના, એક છોકરી માટે આ બધું કરવું એટલું સહેલું નથી. જ્યારે વર્ષોથી તમારા ઘરની ખાનદાનીના દાખલા દેવાતા હોય, એ તને નહીં સમજાય. સાચો પ્રેમ આજીવન હૃદયના કોઈ ખૂણામાં છુપાવીને જીવવું પડે ત્યારે શું વેદના થાય એ તને ક્યારેય નહીં સમજાય.” તે ઉદાસ બની રહી હતી.

“ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે. આ ડાયરી લઈને ઉભો થા.” તેણે મારા હાથમાં ડાયરી આપતાં કહ્યું.

“ગીતા... ગીતા... શું થયું તને... પ્લીઝ કેને યાર કેમ રડે છે...” કરતો રહ્યો.

તેણે ઝડપથી મને તેના રૂમની બહાર ધકેલ્યો. હું તેને રડતી મૂકીને જવાના મૂડમાં નહોતો. “ગીતા... ગીતા...” તેણે મને ધક્કો મારીને રૂમની બહાર કાઢી મૂક્યો. તરત જ દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને વિદાય કરીને મન ભરીને રડવા માંગતી હતી.

મેં ફરીથી તેની સાથે વાત કરવાની કોશિશ કરી.

“પ્લીઝ, કાના તું જા અહીંથી હવે. વધારે સવાલો ના કર. મને એકલી છોડી દે.” તેણે રડતાં રડતાં કહ્યું.

એકદમ બિંદાસ્ત બનીને ઉછળકૂદ કરતી તે ઘણી વાર આમ ઉદાસ થઈ જતી. આમ તો અમે બંને એકબીજાથી કશું છુપાવતા નહીં પણ તેનું આવું વર્તન મને ક્યારેક બહુ રહસ્યમય લાગતું. ઘણી વાર તે પોતાને એકલતામા કેદ કરી લેતી. હું હજુ તેના ડૂસકાં સાંભળી રહ્યો હતો. હું કમને મારા રૂમમાં આવ્યો. મેં ડાયરીઓ ખોલી. તેને ખરેખર આ ડાયરીઓ સ્પેશિયલ ગિફ્ટની જેમ શણગારી હતી. ઘણી જગ્યાએ કશુંક લખેલું હતું. ક્યાંક નાના ચિત્રો દોરેલા હતા. તેણે આ ગિફ્ટ દિલથી આપી હતી. મેં આજે જ શરૂઆત કરવાનું વિચાર્યું. પરંતુ શરૂઆત કેમ કરવી તેની ખબર જ ન પડી. આખરે તેણે કહ્યું તેમ જે દિલમાં આવ્યું એ લખી નાખ્યું.

“ગીતા”

મારા તમામ સવાલો અને લાગણીઓના જવાબ.

***

Rate & Review

akshay patel 2 months ago

Gopi Patel 3 months ago

Heena Suchak 5 months ago

Solly Fitter 6 months ago

M MOINKHAN 6 months ago