krossing ગર્લ - 3

કહેવાય છે દરેક ઘટના કે બનાવ પાછળ ચોક્કસ કારણો હોય છે. તમે સમજી શકો છો કે નહીં તે અલગ વાત છે. યસ...ગીતાએ  ડાયરી ગિફ્ટ કરીને જાણ્યે-અજાણ્યે મારી અંદર છુપાયેલા આર્ટિસ્ટને હાર્ટિસ્ટ બનવાનો રોડમૅપ તૈયાર કરી દીધો હતો. એક એવી સફર જેની શરૂઆત થઈ રહી હતી. તેના પરિણામો વિશે કોઈ સપનેય વિચારી શકે તેમ નહોતું.

  *    *   *   *   *   *

મારી ધો.10ની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. વેકેશનમાં મામા-માસી અને ફઈને ત્યાં બહુ જલસા કર્યા. બોર્ડનું રિઝલ્ટ આવી ગયું હતું. મારો રાજકોટ જિલ્લામાં નવમો નંબર આવ્યો હતો. એ પણ વગર કોઈ ટ્યૂશને. હું ગામની સરકારી શાળામાં જ ભણતો હતો. બધાએ અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ કરી એક દિવસનો સુપરસ્ટાર બનાવી દીધો. આજે મારા વતન કાગરી જઈ રહ્યો હતો. ચાર દિવસ પછી સ્કૂલ શરૂ થવાની હતી.

મે મહિનામાં તો આકરો તડકો પડતો હોય, પરંતુ આજે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા હતા. એસ.ટી. બસ ઉભી રહી. “10 મિનિટનો હોલ્ટ છે. ચા-પાણી પીવા હોય એ પી લેજો.” કંડક્ટરના સાદ સાથે બસ ખાલી થવા લાગી. હું કંડક્ટરની સાઈડમાં પાછળથી ત્રીજી સીટ પર બેઠો હતો. બારીની નીચે જ ટી સ્ટોલ પર કોલસાની ભઠ્ઠીમાં ચા ઉકળી રહી હતી. તેની મફત સુગંધ મેં મારા શ્વાસમાં ભરી. જોરદાર કડાકા સાથે વરસાદ ગાજ્યો. સાંજના સાડા પાંચ થવા આવ્યા હતા. પહેલા વરસાદમાં આવતી માટીની સુગંધ આહા... હું નસકોરાં ફુલાવી માણતો રહ્યો.

અવેળે પાણી ભરતી પનિહારીઓ દબાયેલા અવાજે અલકમલકની વાતો કરી રહી હતી. અવેળાની બાજુના ભાગમાં કેટલીક ભેંસો પાણી પી રહી હતી. તેનો ગોવાળ મોબાઇલમાં વાતો કરતો ભેંસોને નવડાવી રહ્યો હતો. ત્યાંથી થોડે દૂર ગામનો ચોરો હતો. ત્યાં ભાભલાઓની સાથે કેટલાક જુવાનિયાઓએ પણ મહેફિલ જમાવી હતી. એક ગ્રૂપમાં નવકાકરી તો બીજી જગ્યાએ પત્તાની રમત ચાલુ હતી. તો કેટલાક બીડી પીતાં પીતાં મોંમાંથી નીકળતા ધૂમાડામાં ક્ષણિક જીવાઈ જતો ભૂતકાળ વાગોળી રહ્યાં હતાં. એકાદ છકડો રીક્ષા ઘોંઘાટ મચાવતી ગામની નિરવ શાંતિનો ભંગ કરતી. બસમાં બે-ચાર પેસેન્જર સિવાય કોઈ નહોતું. હું ચા પીવા જાઉં કે નહીં તેના વિચારોમાં હતો. મેં ફરીથી બારી બહાર ડોકિયું કર્યું. જર્જરિત બસ સ્ટેન્ડમાં મથાળે ઝાંખું પડેલું પડેલું નામ વાંચી શકાય એમ નહોતું. તે ભાંગી રહેલા ગામડાની જેમ ભૂતકાળ બનવાની તૈયારીમાં હતું. ભીની માટીની સુગંધ ધીમે ધીમે વધુ નજીક આવી રહી હતી. હવે મારાથી ના રહેવાયું. હું ઊભો થઈ દરવાજે પહોંચ્યો. ફરીથી આકાશમાં ગડગડાટ થયો. હમણાં જ વરસાદ તૂટી પડશે એવું લાગતું હતું.

એટલામાં  અવેળાના એક પિલોર પાછળથી નાજુક હાથોમાં કેમેરો આગળ વધતો દેખાયો. તેની એક પછી એક થતી ક્લિક ગ્રામ્યજીવનની આ વરસાદી સાંજને કચકડે મઢી રહી હતી. પાણી ભરેલી વહુઓ હજુ પણ ચોરે બેઠેલા વડીલોની મર્યાદા રાખતી હતી. તે માથે ઓઢેલા સાડીના છેડાને સરખો કરતાં શરમના શેરડાથી ફૂટતી લાલીવાળા મુખના સ્ત્રીસહજ પોઝ આપી રહી હતી. અવેળાની પાળી પર આગળ વધતાં તેનાં પગ પર હવે અનેક નજર શ્વાસ થંભાવીને સ્થિર થઈ ગઈ હતી. કેમેરાના અલગ-અલગ એંગલ સેટ કરતું એ દેહલાલિત્ય મારામાં કંઈક અજબની બેચેની જન્માવી રહ્યું હતું.

“રાધાબેન, બસ એમ જ ઊભા રહેજો. જરાય હલતાં નહીં.” તે પરફેક્ટ શોટ લેવાના મૂડમાં હતી.

“બુન, રહમ કરો મારા પર. તમારા ભાઈને આની ખબર પડશે તો મને મારી ગામ વચ્ચે જીવતા દાટી દેશે.” પરંતુ રાધાબેનના ચહેરાનું આછું હાસ્ય છૂપું ના રહી શક્યું.

તેના સતત હલનચલનને કારણે બાજુમાં પાણી પી રહેલી ભેંસ અચાનક ભડકી. તેના હુમલાથી બચવા તે પાળી પરથી દૂર ખસવા ગઈ. તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને ધડામ... કરતી અવેળામાં ખાબકી. ગોવાળ હજુ મોબાઇલમાં મગ્ન હતો. ભેંસો ભડકીને આમતેમ ભાગવા માંડી. કેટલાય માનવશરીરો અવેળાની તરફ આંખો માંડી સ્ટેચ્યુની મુદ્રામાં સ્થિર થઈ ગયા. તો ઘણાએ રેસ્ક્યુ ઑપરેશન માટે રીતસરની દોટ મૂકી. ફરીથી જોરથી મેઘગર્જના થઈ. બોર જેવડાં મોટાં મોટાં વરસાદના છાંટા પડવાના શરૂ થયા.

મેં ફરીથી અવેળા તરફ જોયું. તેણે પાણીમાં વમળો પેદા કરી કોઈ દેવીની જેમ દર્શન આપ્યા. મોં પર ફેલાયેલા વાળની લટોને તે સરખી કરી રહી હતી. તેણે બિંદાસ હાસ્ય સાથે આજુબાજુ નજર ફેરવી. તેના શરીરે ચોંટેલા કપડાની જેમ બધાની નજર તેના પર ચોંટી ગઈ હતી. તે ખિલખિલાટ હસવા લાગી. કોઈ યાદ આવ્યું તેમ ઝડપથી પાણીમાંથી પોતાનો કેમેરો શોધી કાઢ્યો. અચાનક તેની નજર સ્થિર થઈ. તેણે મારી સામે જોયું. મને એવું લાગ્યું કે હું ખુદને એવું સમજાવવા માંગતો હતો એ નક્કી ના કરી શક્યો. વરસાદે પણ તડતડાટી બોલાવતાં વરસવાનું શરૂ કરી દીધું. બધા ફિલ્મ પૂરી થઈ ગઈ હોય તેમ ઝડપથી દોડી છાપરા નીચે આશરો લેવા લાગ્યા.

ચાની દુકાનના છાપરા નીચે ભીડ એકઠી થઈ હતી. ત્યાંથી કાટખૂણે પાનની સહિત ચાર દુકાનો હતી. ત્યાં બેચાર માણસો સિવાય હજુ ભીડ નહોતી. હું ઝડપથી ત્યાં પહોંચ્યો. વધુ વાર લાગે તે માટે બે ‘મસાલાપાન’નો ઑર્ડર આપ્યો.

તે ચાલતી ચાલતી મારી પાસે આવી રહી હતી. લોકો ફરી તેને જોવા માટે એકઠા થવા લાગ્યા. બ્લૂ જિન્સ અને બ્લૅક ટીશર્ટમાં સજ્જ તેની સુંદરતા કંઈકને ઘાયલ કરી મૂકે એવી હતી. ગળે વીંટેલી લાલપીળી બાંધણીની ચૂંદડી જાણે પ્રિયતમને આલિંગન આપતી હોય તેમ ચસોચસ ચોંટેલી હતી. વરસતો વરસાદ પારદર્શક નાઈટી જેવું કામ કરી રહ્યો હતો. તેના ખુલ્લા પણ ચોંટેલા વાળ મારામાં અજબની કશિશ જન્માવતા હતા. તે મારી બાજુમાં આવીને ઊભી રહી. પરફ્યુમ અને પહેલા વરસાદની માટીની સુગંધ... તેની નજર ઊંચી થઈ. તેણે મારી સામે જોયું. તેની નીલી-ભૂરી સમુદ્રી આંખો... શું નશો હતો તેમાં આજીવન ડૂબેલા રહેવાનું મન થાય તેવી. તેના લાલચટ્ટક હોઠ કંઈક બોલવાનો પ્રયત્ન કરતાં એકબીજાને ચુંબન કરી રહ્યા હતા. મારી આંખો કૅમેરાના બેસ્ટ કહી શકાય તેવા ઍંગલથી તેનો પોઝ લઈ રહી હતી.

“જોઈ આજની નવી પેઢી. કેવી નફ્ફટ થઈ ઉઘાડેછોગ રખડે છે. છોકરીને આમ એકલી મૂકતાં એના માવતરના પેટનું પાણીય નંઈ હલતું હોય.” પાછળથી કોઈના શબ્દો મારા કાને પડ્યા.

“રમલા, વાત જાવા દે. આજની આ વંઠી ગયેલા વેતર જેવી પેઢીની. હજી શહેરમાં જા તો ખબર પડે કેવા ટૂંકાં કપડાં પેરીને છોકરાવ હારે રખડતી હોય. આપણને તો જોતાંય શરમ આવે.” મને સાંભળવાની મજા આવી રહી હતી.

“તમે બધા તો બાલબ્રહ્મચારી હશો નહીં. પગની પાનીથી માથા સુધી લાજ શરમના પડદામાં રહેલી સ્ત્રીઓનું રસપાન કરવામાં તમે ક્યાં કંઈ બાકી રાખ્યું છે. ગામની અવાવરુ સીમ, વાડીની ખખડધજ ઓરડી, ઢળતી રાતનું હાજતટાણું કે ઉભા મોલની વચમાં લૂંટાતી લાજમાં તો તમને કોઈ દિ શરમ નો આવી. તમારા દંભી ભોગવિલાસ કરતાં આજની પેઢી નિખાલસ તો છે. જેવી છે એવી જ સહજતાથી જીવે છે.” મેં સ્તબ્ધ બની પાછળ જોયું. સફેદ કપડામાં સજ્જ વ્યક્તિત્વ ધારદાર વાક્બાણ છોડી રહ્યું હતું.

“હાલ રમલા, અહીંથી ભાગીએ. આ કપાતર પેઢીની દલાલી કરવાવાળા આવી ગયા છે. એની હાર્યે ધડ કરી આપણે આપણા સંસ્કાર નથી લજવવા.” તે બંને હાથમાં રહેલો માવો ચોરતાં નીકળી પડ્યા. વરસાદ બંધ થઈ ચૂક્યો હતો. મેં પેલા ભાઈ સામે જોયું. તેમની તીક્ષ્ણ આંખો અનોખા તેજથી ચમકી રહી હતી.

“હાલો ભાઈ, મસાલાપાન તૈયાર થઈ ગયા.” દુકાનવાળાની બૂમ સાંભળી હું ઝડપથી એ તરફ વળ્યો. ધુમાડાના ગોટેગોટા ઉડાડતી એ બિંદાસ બની સિગારેટ પીતી હતી. બીજા હાથમાં રહેલા બિસ્કિટના પેકેટમાંથી એક બિસ્કિટ પોતાના મોંમાં મૂક્યું. સાલું કેવું અજબનું કૉમ્બિનેશન છે. બિસ્કિટ અને સિગારેટ. લાઇફમાં પહેલી વાર જોયું. મને એની હાજરીમાં મસાલાપાન લેવા માટે શરમ આવી રહી હતી. મેં પાન લઈ પૈસા ચૂકવ્યા. તે મારી સામે જોઈ મરકમરક હસી રહી હતી.

“હાલો, બધાય બસમાં બેસો.” કંડક્ટરે આદેશ આપ્યો. તે મારી વધુ નજીક આવી. સિગારેટનો કસ લઈ ધુમાડો મારા મોં પર ફેંક્યો. તેની સમુદ્રી આંખો હાર્ટઍટેક આવી જાય તેવું કાતિલ સ્માઈલ આપી રહી હતી. તેણે ઇશારાથી સિગારેટ ઑફર કરી. મારાથી સહજપણે નકારમાં ડોકું ધુણાવાઈ ગયું. તે ખડખડાટ હસી પડી.  મારી મૂર્ખામી પર કે પછી મારી નાદાની પર ? હું પણ મરકમરક હસ્યો. બસનું હોર્ન સંભળાયું. ઝડપથી બસ તરફ ભાગ્યો. મારી સીટ પર ગોઠવાઈ ફરીથી તેની સામે નજર કરી. તે હજુ પણ હસતી હતી. તેણે એક મસ્ત મજાની ફ્લાઇંગ કિસ મારા તરફ ફેંકી. પછી એક બિસ્કિટ ખાધું.

બસ સ્ટાર્ટ થઈ. હું હસી પડ્યો. રિટર્ન કિસ દેવાની મારી હિંમત ના ચાલી. તેણે ગળામાં રહેલો કૅમેરો પોતાની આંખો આગળ ગોઠવ્યો. બસ ઉપડી ને તેણે ક્લિક કર્યું. બસ આગળ વધે તે પહેલાં મારો હસતો ચહેરો તેમાં કેદ થઈ ગયો હતો. મેં છેલ્લી વાર તેને મન ભરીને જોઈ લીધી. પાન ખાતાં ખાતાં હું વિચારવા લાગ્યો, “મને તો કોઈ વાંધો નથી પણ શું મમ્મી સિગારેટ પીતી છોકરીને વહુ તરીકે સ્વીકારી શકશે ?”

*  *  *   *   *   *   *

“કાના ઊઠ. નવ વાગવા આવ્યા છે. તારા પપ્પાએ દસ વાગ્યે આશ્રમે દર્શન માટે પહોંચવાનું કીધું છે. હાલ દીકરા, ઝડપથી બેઠો થા.” મમ્મીનો રણકતો અવાજ કાને પડ્યો.

“મમ્મી, બસ દસ મિનિટ. હમણાં ઊઠું.” મેં લગભગ ચોથી વાર આવો જવાબ આપ્યો. ફરીથી ઓશીકું માથા પર રાખી સૂઈ ગયો.

મેં એને જોઈ...

અને હું જોતો જ રહી ગયો.

તે સુંદર હતી.

સાવ એવું પણ નહોતું કે

મેં આજ દિન સુધી આવી

સુંદર છોકરી જોઈ નહોતી.

પણ તે અલગ હતી...

હું જેવી ચાહવા અને પામવા ઇચ્છતો હતો

બિલકુલ તેવી જ...

પરંતુ...

કશુંક ખૂટતું હતું.

બધું જ પરફેક્ટ હોવા છતાં કંઈક મિસ થતું હતું.

અચાનક તેણે મારી સામે જોયું...

તેની નીલી-ભૂરી સમુદ્રી આંખો

અને તેનું રહસ્યમય કાતિલ હાસ્ય.

મને 440 વૉલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ પથારીમાંથી બેઠો થયો. ગીતા સફરજન ખાતી ખાતી મારી ડાયરી વાંચી રહી હતી.

મેં કશું પણ વિચાર્યા વગર તેના હાથમાંથી ડાયરી ઝૂંટવી લીધી. તે હસવા લાગી, “કોણ છે એ ?”

“ગીતલી, સવાર સવારમાં માથું ના ખા. મને રાજકોટથી રિટર્ન આવતા એક સ્ટોપ પર મળી હતી. હું નથી ઓળખતો તેને.” મારાથી સાચું બોલાઈ ગયું.

“વાહ રે, આવી બધી અજાયબી પાછી તને જ મળે. ધ્યાન રાખજે પ્રેમમાં પડવું બહુ સહેલું છે, પણ ટકીને પામવું કે તરી જવું બહુ અઘરું.” તે ઊભી થતાં બોલી.

“માય ડિયર સિસ્ટર,તું અત્યારમાં ખોટી ફિલસૂફીના ડોઝ ના આપ. મને ખબર છે તું બહુ મોટી પ્રેમગુરુ છો. પણ મારે હજુ પ્રેમમાં પડવાની ઘણી વાર છે.” હું તેની સાથે લડવાના મૂડમાં નહોતો.

મેં તેના દેખતાં જ ડાયરી કબાટમાં મૂકી તેને લોક કર્યો. “તું કદાચ તારા શબ્દોને તાળું મારી શકીશ પણ.... આ ચહેરા પર દેખાતી લાલીનું શું ? મેં વાંચ્યું એ જો ખરેખ સાચું હશે તો યાદ રાખજે, તારી વાટ લાગી જવાની છે.” તેણે કહ્યું.

મેં તેનું ગળું પકડતાં કહ્યું, “ડૉન્ટ વરી. તું છો જ ને મારી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન. મને કોઈ ટૅન્શન નથી. તું મારી સાથે આશ્રમે આવવાની કે નહીં ?”

“તું તૈયાર થઈને ઝડપથી જા. જો હું આવીશ ને તો બાપુને ગામ અને આશ્રમ મૂકીને ભાગવું પડશે.” તે બોલી.

“કાના, જલ્દી ઊઠ દીકરા. આશ્રમે જઈ આવ. હજુ થોડી વસ્તુ લેવાની બાકી છે. સામાન પેક કરવાનો છે. ચાલ ઝડપથી બ્રશ કરીને શીરાવા આવજે. હું ચા મૂકું છું.” મમ્મીની ચિંતાગ્રસ્ત કૅસેટ ચાલુ થઈ ગઈ હતી.

“હા કાકી, લડાવવા હોય એટલા લાડ લડાવી લો તમારી છોકરીને. આજે છેલ્લો દિવસ છે. કાલથી તો સાસરે જવાની. તમે જ બગાડ્યો છે કંઈક તો. મારો કાનો... મારો દીકરો... મારો કાનો...” તે મને ચીડવતા બોલી.

“ગીતા, એને ખોટો હેરાન ના કર. તું અહીંયાં આવ તો બેટા. આ બધો સામાન પેક કરી દે.” મમ્મીએ બૂમ મારી.

“આવી કાકી, એક જ મિનિટ. તું બાપુ પાસે જવાનો ને... મારું એક કામ કરી દઈશ ?” તેણે પૂછ્યું.

તે કામ ચીંધે કે સવાલો પૂછે એટલે મારે બહુ વિચારીને જવાબો આપવા પડતા. “બોલ શું કરવાનું છે ?”

“હું બાપુને કોઈ દિવસ મળી નથી. સાંભળ્યું છે તેમણે આશ્રમમાં સરસ મજાની લાઈબ્રેરી શરૂ કરી છે. એમાં રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનું કોઈ પુસ્તક હોય તો લેતો આવજે. એની ચમકતી ટાલ પર પ્રેમથી કિસ્સી કરી તેમને અભિનંદન આપજે મારા તરફથી. અને ના હોય તો જોરથી એક ટપલી મારજે.” તે નૌટંકી કરતાં બોલી.

હું તેની સામે રીતસર ઘુરકિયા કરી રહ્યો હતો. “વાયડા, બ્રશ કરવા જા. તૈયાર થતાં છોકરીની જેમ પાછી કલાક થશે.” બોલતાં જ તે સીડી તરફ ભાગી.

***

Rate & Review

Gopi Patel 3 months ago

Heena Suchak 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago