krossing ગર્લ - 4

હું તૈયાર થઈ આશ્રમે જઈ રહ્યો હતો. મારી મસ્તીની ધૂનમાં શેરી વટાવી ચાલ્યો જતો હતો. “તું ઓલા પવલાનો કે ?” શેરીના ખૂણેથી એક સાદ આવ્યો. મેં પાછળ વળીને જોયું. જીવતી મા નેજવા તાણી મને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને ક્યારેક તે ગીતાની બહેનપણી જેવા લાગતાં. આમ પણ તે બીજા જેવા નહોતા એટલે મને બહુ ગમતા. હું તેમની પાસે જઈને ઓટા ઉપર બેઠો. “હા, હું પ્રવીણભાઈનો જ છોકરો.”

“બધા વાતું કરતાં’તા તારો નંબર આઇવો કે ?” કથ્થઈ જૂનવાણી સાડલામાં ક્ષીણ થતું જતું શરીર બહુ ભાવથી પૂછી રહ્યું હતું.

“હા મા.... રાજકોટ જિલ્લામાં મારો નવમો નંબર આવ્યો. હવે આગળ ભણવા રાજકોટ જાઉં છું. આજે જ નીકળવાનો છું.” મેં તેમનું સન્માન જાળવતાં કહ્યું.

“બવ સારું ત્યારે. ભગવાન તને ભણાવી-ગણાવીને સુખી કરે દીકરા.” તેમણે મારા દુઃખડાં લીધાં. “તારું ખોરડું બહુ સંસ્કારી છે. ખાલી ચોપડીમાં ધ્યાન ના દેતો. બીજા કામ પણ આવડે એવા શીખતાં રેવાનાં. ઈ બધું શીખેલું બવ કામ લાગશે. અને ન્યાં શહેરમાં જઈ ખોરડાની લાજ ના લજવતો.” તેમણે કહ્યું.

મેં ‘હા’માં હોકારો આપ્યો. તેમની આ પવિત્ર લાગણીઓ મને બહુ ગમતી. તેમની પાસે બેસી થોડી વાતો કરી. તેમનું કરચલીના ઘેરા વચ્ચે છુપાયેલું બોખલું મોં ઘણાં દિવસે હસ્યું હોય એવું લાગ્યુ.

હું તેમને પગે લાગી જવાની તૈયારી કરતો હતો, ત્યાં જ મને રોક્યો.

“ઊભો રે. તારું એક કામ છે. હું પણ મૅટ્રિક પાસ છું. મને ખબર છે ભણતર કેવું કામ આવે. અમારા જમાનામાં તો ભણવાનુંય બોવ અઘરું હતું. તારા બાપાએ તારો નંબર આવ્યો એના હરખમાં મોં મીઠું કરાવ્યું હતું. ત્યારે બહુ ગમ્યું હતું. મારેય તને કંઈક આપવું હતું પણ તું આવ એની રાહ જોતી હતી.” તેમણે કમરે બાંધેલી રુમાલની ગાંઠ છોડી. તેમાં એક મોટો સિક્કો હતો. મને આપતાં કહ્યું, “મારે તો કોઈ છોકરાં નથી. પાછા હવે જાજાં વરહેય નથી રહ્યાં. તું જ્યારે મુસીબતમાં હોય ત્યારે વાપરજે, બહુ કીમતી છે.”

“જીવતી મા, શેનો સિક્કો છે આ ?” મેં આશ્ચર્યથી પૂછ્યું.

“મનેય નથી ખબર દીકરા. મારી માએ મને આપ્યો હતો. મારે તો કોય દિ જરૂર ના પડી. તને દેવા જેવો લાગ્યો એટલે આપું છું. બહુ કીમતી હશે સાચવજે.” તેમણે કહ્યું.

મેં સિક્કો લઈ ખિસ્સામાં મૂક્યો. તેમને પગે લાગ્યો. તેમની આંખો હૈયાના હેતથી આશીર્વાદ વરસાવી રહી હતી. કદાચ તેમના જીવનનો બહુ મોટો ભાર ઉતરી ગયો હોય એમ લાગ્યું. તેમને નિહાળતો હું આશ્રમ તરફ રવાના થયો.

**********

“નવરા ના બેસવું. કંઈક કામ કરતાં રહેવું. કામ કરશો તો કંઈક નવું જાણશો-શીખશો. નવા પ્રશ્નો ઊભા થશે તો એના જવાબો પણ શોધવા પડશે. કોને ખબર તમે કોઈ મુશ્કેલીનો શોધેલો હલ ભવિષ્યની મહત્ત્વની શોધ બની જાય. પોતાના કામને જ ધર્મ માનવો એ ઈશ્વરની સહુથી મોટી ભક્તિ છે. યુવાનોએ મંદિરમાં દર્શને જવાની જરૂર નથી. આ ઉંમરમાં તો પર્વતોના શિખરો સર કરવાના હોય. ગાઢ જંગલોમાં રખડવાનું હોય કે પછી દરિયો ખુંદવા નીકળી પડવાનું હોય. યુવાની એ નવા નવા સાહસો ખેડવાનો તબક્કો છે. મંદિરોને વૃદ્ધો માટે અનામત રાખી દો અને પ્રકૃતિને યુવાનો માટે. હું આજના યુવાનોને કહીશ ‘મોબાઈલ ચૅટિંગ કે મૅસેજ ફૉરવર્ડ કરવાથી કંઈ નહીં વળે.’ શું તમે મોબાઈલનો સદ્ઉપયોગ કરો છો... તમારી જાતને પૂછજો. ખૂબ વાંચો, ફરો, નવા નવા લોકોને મળો. તેમની રહેણીકરણી, ભાષા, સંસ્કૃતિ વિશે જાણો, અભ્યાસ કરો.ફિલ્મો જુઓ, સંગીત સાંભળો. નવા વિચારો આવે તો દોસ્તો સાથે ચર્ચા કરો. તેના પર કામ કરો. તમારી પેઢી જ દેશની અસલ કરોડરજ્જુ છે. જો આ પેઢી મોબાઈલ ગેમિંગ કે પોર્નસાઇટના ડિજિટલ વ્યસનોમાં બરબાદ થઈ જશે તો દેશને બહુ મોટું નુકસાન ભોગવવું પડશે. ખાસ તો યુવાનોએ ધર્મના નામે ફેલાવાતી ખોટી વાતો, અંધશ્રદ્ધા કે ધતિંગોથી દૂર રહેવું. અત્યારે આ બધાથી ખાસ ચેતવાની જરૂર છે.

જે ભગવાનનો વેપાર કરી જાણે એ ક્યારેય સાધુ-સંત કે મહાત્મા ના હોઈ શકે. ભગવાન પર મારો કે તમારો કોઈનો ઇજારો નથી. તેની ભક્તિ ગમે તે જાતિ કે ધર્મના લોકો પણ કરી શકે. ગમે તેટલો નાનો માણસ પણ કરી શકે. આસ્થા બહુ સારી વાત છે પણ એ અંધશ્રદ્ધા કે વ્યક્તિપૂજા ન બની જાય તે ખાસ જોવું. ભગવાનને સોનાના ઘરેણાંની જરૂર નથી. તેના કરતાં વાડીના મજૂર કે કારખાનાના કર્મચારીઓના છોકરાને સારું શિક્ષણ કે ખોરાક આપવો એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. સત્સંગમાં થતી વાતો ફક્ત સાંભળવા માટે નહીં પરંતુ આચરણમાં મૂકવા માટે પણ હોય છે.

અંતમાં, મંદિરના જીર્ણોદ્ધાર માટે જે રકમ ભેગી થઈ છે તેનો ઉપયોગ ગામની છોકરીઓને સ્વરક્ષાની તાલીમમાં અને આશ્રમમાં હમણાં જ શરૂ કરેલી લાઈબ્રેરીમાં પુસ્તકો વસાવવામાં કરીશું. આજનું પ્રવચન અહીંયાં પૂરું કરીએ .” બાપુની વાતને બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

શું કોઈ સંત આવા પ્રગતિશીલ વિચારો પણ ધરાવતો હોઈ શકે ? આમાંનાં જેટલાં કેટલાં સંતો હશે દેશમાં ? બધા તેમના આશીર્વાદ લઈ વિખેરાઈ રહ્યા હતા. પપ્પા આ બાપુને બહુ માનતા. તેમના કહેવાથી અનિચ્છાએ મારે આશીર્વાદ લેવા માટે આવવું પડ્યું હતું. મેં તેમની પાસે જઈને પ્રણામ કર્યા. પગે લાગવા જેટલું માન તો ના જ આપી શક્યો.

“બાપુ, હું ક્રિષ્ના. પ્રવીણભાઈનો છોકરો. આજે ભણવા માટે માટે રાજકોટ જાઉં છું. પપ્પાએ તમારા આશીર્વાદ લેવા માટે મોકલ્યો છે.” મેં વિનમ્રતાથી કહ્યું.

“ઓહ...હા... ઓળખી ગયો. દસમાની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે ગામમાં તારા બહુ વખાણ થયેલા. તારા પપ્પાએ પણ મંદિરમાં મોટો ફાળો આપેલો. તેમાંથી જ મેં આ લાઈબ્રેરી ઉભી કરી છે. મેં તારા પપ્પાને કહેલું "આવે એટલે અહીંંયા મોકલજો મારે મળવું છે એને." હવે આગળ શું ભણવાનો તું ?” તેમણે સહજ ભાવે પૂછ્યું.

મને મોબાઈલ કે લેપટોપ લઈ આપવાના રૂપિયા નથી. મંદિરમાં ફાળો આપવા માટે જોઈએ એટલા રૂપિયા છે. મને બહુ ખરાબ લાગ્યું પણ મેં શાંત રહેતાં કહ્યું, “અત્યારે તો સાયન્સ લીધું છે. તે પૂરું થાય પછી નક્કી કરીશ આગળ શું ભણવું છે.”

“એક સલાહ દઉં છું. જે કામ ગમતું હોય એ કરવું અને ભણવામાં પણ એ જ લાઈન પકડવી. કદાચ અમુક કામમાં પૈસો અને સલામતી વધુ હશે. પણ જો મન ના લાગે તો બધું નકામું છે. સામાન્ય માણસ બની રુટીન લાઈફમાં ગોઠવાઈ જવું બહુ સહેલું છે. પણ તારી જેમ જે અસામાન્યછે તે ગમતું કામ કરી સમાજ માટે પ્રેરણારૂપ બની શકે. બાકી તો તું સમજદાર છે. મફતનું ક્યારેય લેવું નહીં અને યોગ્યતા વિના આપવું પણ નહીં. ભગવાન સદાય તારું ભલું કરે. હરિ ઓમ.” મેં તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા.

પહેલી વાર કોઈ સંત પ્રત્યે માન જાગ્યું. વૃક્ષોથી સરસ રીતે સજાવેલા આશ્રમની મુલાકાત લીધી. તેમની સાથે લાઈબ્રેરીમાં પણ ગયો. તેમણે મને ધર્મ અને જીવન વિશે કેટલી બધી વાતો ઉદાહરણ દ્વારા સમજાવી. લાઈબ્રેરીમાંથી ગીતાનું પુસ્તક ના મળ્યું. હું તેમના જ્ઞાનનો લાભ લઈ રખડતો રખડતો એક વાગ્યે ઘરે પહોંચ્યો. બધા સાથે જમ્યા.

મારો સામાન પેક થઈ ગયો હતો. પપ્પાએ સાવ જવાનાં સમયે મોબાઈલ ગિફ્ટમાં આપ્યો. જે મારા માટે બહુ મોટી સરપ્રાઈઝ હતી. હું તેમને વળગી પડ્યો. પપ્પા આપણે ધારીએ તેટલા ગરમ, કડક અને નાસમજ નથી હોતા. દાદાજીએ કેટલીક સોનેરી સલાહો આપી. તેમના મૂંગા આશીર્વાદ સદાય મારી સાથે રહેતા. મારી બસનો સમય થવા આવ્યો હતો.

ગીતાના કહેવાથી પપ્પાએ મને મુકવા આવવાનું માડી વાળ્યું. મમ્મીએ સલાહો સાથે વહાલનું પોટલું ખુલ્લું મૂકી દીધું. અદા અને ભાભુએ પણ આખા પરિવારના દીકરા તરીકે મારામાં કેટલી આશાઓ વાવી છે તેની જવાબદારીનું ભાન કરાવ્યું. આજે મેં ગીતાને ઝઘડ્યા વગર જ રડાવી દીધી. તે મને વળગીને ખૂબ રડી. તે પોતાનો બેસ્ટ ફ્રૅન્ડ ગુમાવી રહી હતી. જાણે હું વર્ષો માટે વિદેશ જતો હોય એવા ભાવ સાથે બધાએ વિદાય આપી. બધાના આશીર્વાદના કવચમાં મારી જાતને કેદ કરી મેં રાજકોટ તરફ પ્રયાણ કર્યું.

***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 6 months ago

M MOINKHAN 6 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago