krossing ગર્લ - 5

હું ઢળતી બપોરે ફઈના ઘરે પહોંચ્યો. મારી ત્રણ ફઈમાં આ ફઈ સહુથી અલગ હતા. તેમને પોતાના રૂપ અને પૈસાનું જબરું અભિમાન રહેતું. હંમેશાની જેમ જ ઠંડો આવકાર મળ્યો. ફુવા સરકારી નોકરિયાત હતા. તેમની બદલી નવસારી બાજુ થઈ હતી. આખું ઘર સામાન પેક કરવામાં વ્યસ્ત હતું. હું પણ આવડે એવી મદદ કરવા લાગ્યો. ચારેક કલાકે બધું પત્યું. તેમના બંને સંતાનો હું જાણે ગામડાનો ગમાર હોય એમ વર્તતા હતા. મને ‘ફ્યુચર લૅબ’માં ઍડમિશન મળ્યું છે એ જાણીને એમને પણ નવાઈ લાગી. મેં રૂમ શોધવાની વાત કહી.  

ફઈએ કહ્યું, “અમે અહીંયાં હજુ ત્રણ દિવસ છીએ. ત્યાં સુધીમાં તું હૉસ્ટેલ કે પી.જી. માટેની વ્યવસ્થા કરી લેજે. આરવ તો ફ્રી નથી પણ દિયા તને હેલ્પ કરશે. દિયા તારા ફ્રૅન્ડ્સને પુછી જોજે કોઈ સારી જગ્યા હોય તો. અને જમવાનું સારું મળે એનું ખાસ ધ્યાન રાખજે.”

“ઓકે મોમ, કાલે સવારે કૉલેજ જઈશ ત્યારે ક્રિષ્નાને સાથે લેતી જઈશ. આઇ નો તેને ક્યાંથી આ બધી સર્વિસ મળી રહેશે. હેય બડી, ટુમોરો મોર્નિંગ 8 A.M. રેડી રહેજે. ચાલો, બધાને ગુડનાઈટ. મારે હજુ અસાઇનમેન્ટનું કામ બાકી છે.” કહેતાં પોતાના રૂમમાં ચાલી ગઈ.

આરવ પણ તેના ફ્રૅન્ડ્સ જોડે ગયો હતો. મારી સાથે તેણે બહુ વાતચીત નહોતી કરી. ફઈ અને ફુઆ પણ ગુડનાઈટ કહી પોતાના રૂમમાં જતા રહ્યા. મેં હોલમાં સોફા પર લંબાવ્યું. શું અહીંયાં બધા આ રીતે જ જીવતા હશે ? બધા પોતપોતામાં મસ્ત હતા. જાણે કોઇને કોઇની પડી નહોતી. મુસાફરી કરીને થાકેલું શરીર નીદ્રારાણીને વશ થઇ ગયું.

*  *  *  * *  *

દરવાજો ખુલવાના અવાજથી મારી ઊંઘ ઉડી. “આરવ, તારું પીવાનું હમણાં બહુ વધી ગયું છે. તારા પપ્પાને ખબર પડશે તો ચીરી નાખશે.” ફઈએ આરવને ટેકો આપી માંડ માંડ ઘરમાં લીધો. “મોમ, બેસ્ટ ફ્રૅન્ડની બર્થડે પાર્ટી હતી. સેલિબ્રેશન અને ફ્રૅન્ડ્સ જોડે ફૉર્માલિટી તો...” તે અર્ધબેભાન હાલતમાં બોલી રહ્યો હતો. ફઈ તેને ઢસડતાં ઢસડતાં બૅડરૂમના પલંગ સુધી મૂકી આવ્યા. પછી તેના રૂમનો દરવાજો લોક કરી દીધો. હોલમાં આવી મારી સામે શંકશીલ નજરે જોતાં ઉભા રહ્યાં. તેમના ઘરનું ના જાણવા જેવું સિક્રેટ હું જાણી ગયો હતો.

* * * * * * *

સવારે આઠના ટકોરે હું દિયાના ઇલેક્ટ્રોબાઇક 'તિતલી' ની બૅકસીટ પર ગોઠવાયો. તિતલી પાણીના રેલાની જેમ સડસડાટ દોડી રહી હતી. “ક્રિષ્ના, તું લકી છે. તને ‘ફ્યુચર લૅબ’માં ઍડમિશન મળી ગયું. અહીંયાંના પેરેન્ટ્સ તેમાં ઍડમિશન માટે બાળકો પાસે કેવું હાર્ડવર્ક કરાવે છે...” તે થોડી પાછળ નમીને બોલી.

“મને તો એ નથી સમજાતું બધા ‘ફ્યુચર લૅબ’ના આટલા બધા વખાણ શા માટે કરે છે ? એવું તે શું છે એ સ્કૂલમાં ? દિયા આપણે ક્યાં જવાનું છે ?” મેં પૂછ્યું.

“એ તો તારું સ્ટડી ચાલુ થશે એટલે તને સમજાઈ જશે. એન્ડ વી આર ગોઇંગ ટુ ‘કાકાની કીટલી’, આપણી આઇડિયા જનરેશનનો મેઇન અડ્ડો. થોડે આગળ એફ.બી. સર્કલની કૉર્નર પર જ આવે. બાજુમાં મસ્ત મજાનું ગાર્ડન ડૅવલપ થઈ રહ્યું છે. પાછળની સાઈડમાં ફૂડ સ્ટ્રીટ... યમ્મી... યુ નો. હું મારા ફ્રૅન્ડસ સાથે વીકમાં એકવાર પાર્ટી કરવા તો ડૅફિનેટલી ત્યાં જાઉં જ.” તે મને રાજકોટનો પરિચય કરાવી રહી હતી.

“વાહ, તો તો બહુ મજા પડશે.” મેં ખુશ થઈને કહ્યું.

“યસ. હવે તો રાજકોટમાં એવા ઘણા બધા ડૅસ્ટિનેશન્સ છે. આ બધું ઍન્જોય કરવાનું પણ ડ્રગ્સ અને ગર્લ્સના બહુ ઍડિક્ટ નહીં બનવાનું. આ બધામાં કેટલાય બૉયને બરબાદ થતા મેં જોયા છે.”

“દેખેંગે, સોચેંગે, એક્સપિરિયન્સ કરકે અચ્છા નહીં લગા તો છોડ દેંગે.” મેં હિન્દીમાં ડાયલોગ ફટકાર્યો.

“વાઉ... તું એટલો બધો પણ ડમ્બ નથી જેટલો હું સમજતી હતી.” તેણે તિતલીની બ્રેક મારી. “જો સામે દેખાય છે એ છે ‘કાકાની કીટલી’. ત્યાં જઈને કોઈને પણ પૂછજે મારે ‘કૉકટેલ’ને મળવું છે. એટલે તારું કામ થઈ જશે.”

મેં રોડક્રોસ કર્યો. દસેક પગથિયાં ચડી હું એ વિશાળ જગ્યામાં દાખલ થયો. પ્રવેશ કરતાં જ મારી નજર  સિલ્વર કલરની ચમકતી વિશાળ કીટલી પર પડી. એ આકારમાં બહુ મોટી હતી. જાણે કોઈ મંદિરમાં વિશાળ મૂર્તિ હોય એવડી. તેમાં ઘણી જગ્યા પર નાના કાણાં હતાં. મેં ધ્યાનથી જોયું તો ઘણા લોકો તેમાં પૈસા નાખતાં તો કોઇ એમ જ ચાલ્યું જતું.

તેની બાજુમાં એક બૉર્ડ હતું. તેમાં લખેલી સૂચનાઓ મેં ધ્યાનથી વાંચી.

“ તમે યુવાન છો ભણો છો, તો કદાચ પૈસાની ખેંચ હશે. ક્યારે સારું મૂવી જોવાનું મન થાય, ખિસ્સામાં માંડ ખાવાના જ પૈસા હોય તો મૂંઝાવું નહીં. અહીંયાં આવી જવું. આમ તો હું કંઈ મફત આપવામાં માનતો નથી. મેં મારી લાઇફમાં બહુ ખરાબ દિવસો જોયા છે. હું એટલો પ્રયત્ન કરીશ કે તમારે ભૂખ્યા ના સૂવું પડે. અત્યારે ભલે ખાઓ પણ હિસાબ રાખજો. હું ક્યારેય ઉઘરાણી કરવા નહીં આવું. સગવડ થાય એટલે ચૂકતે કરી જજો. તમારી જાત સાથે પ્રામાણિક બનજો. પૈસા મહત્ત્વના નથી પણ કોઈએ મૂકેલો વિશ્વાસ જો એક વાર ગુમાવ્યો તો પછી લાઇફમાં ગુમાવવા જેવું કશું નહીં બચે.”

લિ. કાકા

મને પહેલી નજરમાં જગ્યા સાથે પ્રેમ થઈ ગયેલો. હવે કાકા સાથે પણ થઈ ગયો. શું આજે પણ કોઈ વ્યક્તિ લોકો પર આટલો બધો વિશ્વાસ મૂકી શકે ?

મેં નિરીક્ષણ કરવા માંડ્યું.કેટલી મસ્ત જગ્યા હતી. મારા જેવડા લબરમૂછીયાઓના કલબલાટથી વાતાવરણ એકદમ જીવંત લાગતું હતું. હું બિંદાસ બનીને ફરી રહેલી છોકરીઓને જોઈને અચંબિત થઈ ગયો. બધા પોતાના ગ્રૂપમાં મહેફિલ જમાવીને બેઠા હતા. ધીંગામસ્તી અને હસીમજાક તથા વચ્ચે વચ્ચે કંઈક જાહેરાતો અને ચીયર્સઅપથી કોઈ યુથ ફૅસ્ટિવલ જેવો માહોલ લાગતો હતો. પાર્કિંગમાં રેસિંગ બાઇકોનો ખડકલો હતો. ત્યાં કેટલાંક કપલ્સ ગુફ્તેગો કરતાં રોમાન્સ કરી રહ્યાં હતાં.અમુક છોકરીઓની સેલ્ફીના અલગ-અલગ શૉટ્સ સાથેની મથામણો ચાલુ હતી.

મારી સામે પાંચ દુકાનો એક હારમાં હતી. ચા, ફાસ્ટફૂડ, દેશીફૂડ, ફોરેન ફૂડ એંન્ડ આઇસ્ક્રીમ. ડાબી બાજુ લાંબી દીવાલ હતી. હું મેઇન કાઉન્ટર તરફ આગળ વધ્યો. જમણી બાજુ અહીંયાં વિવિધ નાસ્તાના પૅકિંગ અને ચોકલેટ્સ વગેરે મળી રહેતું. મેં તેનું પ્રાઈઝ લિસ્ટ જોયું. બધું એકદમ સસ્તા ભાવે હતું.

“કાં છોકરા, કોનું કામ છે ?” મેં અવાજ તરફ નજર કરી. મેઈન કાઉન્ટરની રિવોલ્વિંગ ચેર પર એક જાજરમાન વ્યક્તિત્વ શોભી રહ્યું હતું. મોટી અને શોખથી રાખેલી મૂછો તે ચહેરાની વિશેષતા હતી. પાણીદાર આંખોમાં વર્ષોના અનુભવની ઝલક મળતી હતી. તેમનું પડછંદ શરીર કસાયેલું લાગતું હતું. આંટીયારી પાઘડી, કેડિયું અને ધોતીના ઘેરાવા નીચે અણીયાળી મોજડી જોઈ શકાતી હતી. તેમના અવાજમાં મીઠાશ હતી.

“મારે કૉકટેલને મળવું છે. રૂમ શોધવા માટે.” મેં કહ્યું.

“છેલ્લી દુકાનમાં જે ઘોંઘાટિયા સંગીતનો અવાજ આવે છે, એ મહાનુભાવ ત્યાં જ હશે. કંઈક કામ પડે તો અહીં આવતું રહેવું. આ કાકો સદાય તમારી મદદ કરવા માટે આતુર હશે.” તે બોલ્યા.

“ઓહ, તો તમે જ કાકા છો ? આ કીટલી તમે જ ચલાવો છો ? લોકોને આમ મફતમાં શા માટે ખવડાવો છો ! બધાને એટલું જ જોઈએ છીએ.” મેં સવાલો કર્યા.

“હા, આ બધું મારું જ છે. હું સાવ નિવૃત્ત છું. છોકરાઓ પણ વિદેશમાં છે. આ જગ્યા વર્ષો પહેલાં મેં રોકાણ માટે લીધેલી. ઉપરવાળાના ચાર હાથ છે એટલે હાલ્યે રાખે છે. ક્યારેક નવરો હોઉં તો આ ખુરશી પર આવીને બેસું છું. રાજકોટમાં ભણતાં કોઈ પણ છોકરાના ચહેરા પર સાંજે કે કાલે શું ખાશું, તેની કોઈ ચિંતા નથી. બસ મારા માટે આટલો આત્મસંતોષ પૂરતો છે.તને લાગતું હશે બધા મફત ખાય છે પણ એવું નથી પૈસા વધી પડે છે. લોકો પર વિશ્વાસ મૂકી તેમને સ્વતંત્ર કરી દો. કોઈ ક્યારેય વિશ્વાસઘાત નહીં કરે.” તેમણે કહ્યું.

“તમે બહુ સારું કામ કરી રહ્યાં છો. તમારા જેવું વિચારવાવાળા બહુ ઓછા હશે. હું તમારી સાથે એક ફોટો લઈ શકું ? મને પપ્પાએ ગિફ્ટમાં આપેલાં ફોનમાં તમારી સાથે સેલ્ફી લઈ શુભમુર્હત કરવું છે.” તેમણે રાજીખુશીથી મારી જોડે સેલ્ફી લીધી. મને પણ કોઈ સેલિબ્રિટી જોડે ફોટો લીધાની ફિલિંગ્સ આવી. તેમણે મારા વિશે થોડુંક પૂછ્યું. પછી પોતાનો નંબર આપ્યો. ગમે ત્યારે જરૂર પડ્યે ફોન કરવા જણાવ્યું.

હું તેમની વિદાય લઈ કૉકટેલને મળવા આગળ વધ્યો.

ઊંધી ટોપી, કાળા ચશ્માં, ટૂંકા અને વાંકડિયા વાળ જે એની રૂમાલ જેવી ટોપીમાંથી વર્તાઈ આવતા હતા. ટીશર્ટ અને લેંઘા જેવા પેન્ટમાં હિપ-હોપ મ્યુઝિક પર ડાન્સ કરતી વિચિત્ર નોટને હું જોઈ રહ્યો. ગળામાં 20 જેટલી માળાઓ ઝૂલતી હતી. હાથ અને ડોક પર ચિત્રવિચિત્ર ટૅટુઓનો જમેલો હતો. ત્રણેક મિનિટ સુધી તેનો ડાન્સ ચાલ્યો. પછી મ્યુઝિક ધીમું કરી પાસે આવ્યો, “કાં ભુરા ? શું હાલે ? બોલ શું કામ પડ્યું ?”

“મારે રહેવા માટે પી.જી. કે હૉસ્ટેલમાં રૂમ જોઈએ છે.” હું બોલ્યો.

તેણે મને સ્કૂલ, મારું ગામ અને બીજી ઘણી બધી વિગતો પૂછી. કમ્પ્યૂટરે જ્યાં સુધી રિઝલ્ટ ના આપ્યું ત્યાં સુધી તેની નજરોએ મને સ્કેન કર્યો. આખરે એક કાગળનો ટુકડો મને આપ્યો. “હું તને 10 જગ્યાના ઍડ્રેસ આપું છું. ક્યાંક તો તારો મેળ પડી જ જશે. આ બધી પ્લેસ મોસ્ટલી તારી સ્કૂલની બાજુમાં જ છે. તને જો આમાંથી ક્યાંય સારું ના લાગે તો એક અઘરી આઈટમનું ઍડ્રેસ લખી દઉં છું. એની પાસે જજે. જો એની સાથે તારું ટ્યુનીંગ થઈ ગયું તો સમજી લેજે તારી લાઈફ બની ગઈ.” મેં લિસ્ટ અને ઍડ્રેસ લખેલો કાગળ હાથમાં લીધો અને જવા માટે પગ ઉપાડ્યા.

“200 રૂપિયા આપો મહારાજ.” તેનો અવાજ સંભળાયો.

“200 રૂપિયા...!!” હું આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યો.

“યસ, હું સૅફ અને પરફૅક્ટ સર્વિસ આપું છું પણ ફ્રીમાં બિલકુલ નહીં. આ બધી યાદી અને સ્પેશિયલ કલેક્શનના ખજાના માટે મહેનત પણ કરું છું. તું ફર્સ્ટ ટાઈમ આવ્યો છે એટલે રજિસ્ટ્રેશન ચાર્જ પણ આમાં હતો. નેક્સ્ટ ટાઈમથી કોઈક સર્વિસ જોઈતી હોય તો રૅટ બહુ રિઝનેબલ હશે. કોઈ ગર્લ્સ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ પણ આપું છું. ઇવન બોયસની પણ મળી રહેશે પણ તેના રુલ્સ થોડાક કડક છે.” તેને પોતાની ટૅલેન્ટનું અભિમાન પ્રદર્શીત કરતાં કહ્યું. મારે પૈસા આપ્યા સિવાય છૂટકો નહોતો.

મેં આખું લિસ્ટ ધ્યાનથી વાંચ્યું. પછી એક રીક્ષાવાળા જોડે 500 રૂપિયામાં બધી જગ્યાની વારાફરતી મુલાકાત લેવાનું ઠેરવ્યું. અમે નીકળી પડ્યા.

ત્રણ વાગ્યા સુધી તમામ જગ્યાની મુલાકાત લેવાઈ ગઈ. પણ ક્યાંય મન ના માન્યું. અમુક જગ્યાનું લોકેશન ના ગમ્યું તો કોઈ જગ્યાએ લોકોનો સ્વભાવ, તો ક્યાંક ભાવ બહુ વધારે હતો. વચ્ચે બીજી ત્રણ-ચાર જગ્યા જોઈ. બધા ફક્ત પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા હોય એવું લાગ્યું. સર્વિસના નામે સાવ મીડું. હવે આ અઘરી આઈટમને મળીને જ પાછું કૉકટેલ પાસે જવાનું નક્કી કર્યું.

હું હજુ પણ જાઉં કે ના જાઉંની મૂંઝવણમાં હતો. કૉકટેલે આમ કેમ કહ્યું હશે. ક્યાંય મેળ ના પડે તો જ આ જગ્યાએ જજે. એકવાર તો જઈ આવવું જોઈએ. આ આઈટમ કેટલી અઘરી છે એની ખબર તો પડે. મેં ઍડ્રેસ વાંચ્યું. બંગલો નં. 10 રાજમાર્ગ.

 મે મોબાઇલમાં પ્લેસ સર્ચ કરી. કાકાની કીટલીથી ફક્ત 15 મિનિટમાં ચાલતા પહોંચી શકાય તેમ હતું. હું ચાલતો ચાલતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, “પ્રભુ, કંઈક સેટિંગ કરી દેજે. હવે વધુ રખડવું ના પડે.”

મને ક્યાં ખબર હતી હું જેને મળવા જઈ રહ્યો હતો એ વ્યક્તિ મારી લાઈફમાં વાવાઝોડાની જેમ ઍન્ટર થઈ તેની દશા અને દિશા બંને બદલી નાખવાની હતી.

***

Rate & Review

Heena Suchak 4 months ago

Nipa 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago

Annu Patel Prajapati 6 months ago