krossing ગર્લ - 13


નંદ ઘરે આનંદ ભયો... જય કનૈયાલાલ કી... રાજકોટનો કહેવાતો રાજમાર્ગ કાલાવડ રોડ આજે આ નાદ સાથે ગુંજી ઊઠ્યો હતો. જન્માષ્ટમીની શોભાયાત્રા ધીમે ધીમે દેશ-વિદેશમાં ખાસ્સું આકર્ષણ જમાવી રહી હતી. પરંપરાગત રજૂ થતાં અવનવા આકર્ષણો તો હતાં જઉપરાંત કૃષ્ણ ભગવાનના જીવન સાથે જોડાયેલી કેટલીક વસ્તુ અને પ્રસંગોને ટૅકનૉલૉજીના અલગ જ માધ્યમથી રજૂ કરવામાં આવનાર હતા.

ઢોલ-નગારાના બુલંદ અવાજો સાથે એ શોભાયાત્રા આગળ વધી રહી હતી. નાચગાન અને હર્ષોલ્લાસ સાથે લોકો તેમાં જોડાઈ રહ્યા હતા. ફૂલોઅબીલ-ગુલાલ અને ફટાકડાના અવાજો સાથે વિવિધ વિસ્તારોમાં તેનું સ્વાગત થઈ રહ્યું હતું.

સાગર છેલ્લા બે દિવસથી દોડાદોડી કરી રહ્યો હતો. ક્યારેક મને પણ કામ ચીંધી દેતો. મને કંઈ ખબર ના હોવા છતાં પરાણે બધું કરવું પડતું. આખરે કાલ રાત્રે તેણે મને કેમેરો આપતાં આખું રહસ્ય ઉજાગર કર્યું, “કાલે તારે આખી શોભાયાત્રા અને ખાસ તો મટકીફોડની ઇવેન્ટ આમાં શૂટ કરવાની છે.

મને નહીં ફાવે. મેં મોબાઈલ સિવાય ક્યારેય ફોટા નથી પાડ્યા. એમાંય આવો કેમેરો તો ક્યારેય હાથમાં લીધો જ નથી.” મેં ડરતાં ડરતાં કહ્યું.

અબે ઘોચું... આપણે કોઈ મૂવીની જેમ શૂટિંગ નથી કરવાનું. ફ્રીડમ બૉક્સની જ ઇવેન્ટ છે. બધાના વિરોધ વચ્ચે આ કામ મેં ધરાર તને સોંપ્યું છે. મને તારા પર ભરોસો છે. હું તને કેમેરાના બધા ફિચર્સ અને આખી ઑપરેટિંગ સિસ્ટમ હમણાં સમજાવું છું. તું આવડે નહીં ત્યાં સુધી પ્રૅક્ટિસ કરજે. આમ પણ હું તને કાલે સવારે ડાયરેક્ટ મટકીફોડની ઇવેન્ટમાં જ ભેગો થઈશ. આ રહ્યું તારું કૅમેરામેન તરીકેનું ઑફિશિયલ આઈ કાર્ડ.

મારો એક બહુ મોટો પ્લસ પોઇન્ટ હતો. હું દરેક કામમાં પરફેક્શનનો સખત આગ્રહી હતો. કદાચ સાગરને મારી આ વાત જ બહુ ગમી હશે. મેં સવારના ચાર વાગ્યા સુધી કેમેરાના તમામ ફિચર્સ સાથે પ્રૅક્ટિસ કરી. તેની સાથે ટેમ્પરરી કામ લઈ શકું એટલી આવડત કેળવી લીધી. શોભાયાત્રા આખો દિવસ શહેરમાં ફરવાની હતી. મટકીફોડની સાગરની ઇવેન્ટ મહિલા કૉલેજ સર્કલના અંડરબ્રીજે બપોર પછી હતી. મેં શોભાયાત્રાનો આખો રુટ ચેક કર્યો. પછી કઈ કઈ જગ્યાએ ખાસ શૂટિંગ કરવું એ નક્કી કર્યું. હજી મને ફ્રીડમ બૉક્સ વિશે કંઈ જ ખબર નહોતી. પરંતુ તેને આ માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલી ખુલ્લી જીપમાં બેસી હું પ્રદર્શિત બધા ફલોટઝાંખી કે પ્રદર્શનોનું મારા ગમતાં એન્ગલથી શૂટિંગ કરી શકતો હતો.

હું ફરીથી વર્તમાનમાં આવ્યો. કાલ રાતથી ઉજાગરા અને થાકને લીધે હવે આંખો ઘેરાતી હતી. આ શોભાયાત્રાને કારણે મેં ઘેર જવાનું પણ માંડી વાળ્યું હતું.

કારીગરીના અદભુત નમૂના પ્રદર્શિત થઈ રહ્યા હતા. આ શોભાયાત્રા કેટલીય રીતે ઐતિહાસિક બની રહી હતી. આ શોભાયાત્રા વિશ્વની સહુથી લાંબી અને વિશાળ શોભાયાત્રા બની રહેવાની હતી. વિવિધ ગ્રૂપે સંકલન કરીને કૃષ્ણ ભગવાનની લાઇફ સાથે જોડાયેલા તમામ પાત્રો જીવંત તથા મોટા ફોટા સ્વરૂપે રજૂ કરવાનું બીડું ઝડપ્યું હતું. કૃષ્ણ ભગવાનના તમામ નામો સાથે જોડાયેલી તમામ ઘટનાઓની ઝાંખી અનેક ટ્રકટેમ્પા અને ટ્રેક્ટરોમાં જોઈ શકાતી હતી. મારા માટે આ પહેલો અનુભવ હતો આવડી મોટી શોભાયાત્રામાં આવવાનો. બધું નજીકથી જોવું કે કેમેરામાં કેદ કરવું એ જ સમજાતું નહોતું. સાગરે ખૂબ જ વિશ્વાસ મૂકી કામ સોંપ્યું હતું. એટલે હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ફ્રિડમ બૉક્સ વતી એક આખી ટીમ આ શૂટિંગ સાથે જોડાયેલી હતી એમ તેણે કહેલું. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ ભગવાનના જીવન સાથે જોડાયેલા પ્રસંગોના થીમબેઝ પ્રદર્શન રજૂ થઈ રહ્યા હતા. સાત દિવસથી શહેર જાણે કૃષ્ણમય બની ગયું હતું.

આખરે સવારી મહિલા કૉલેજ અન્ડરબ્રીજ તરફ આવી રહી હતી. હું ફટાફટ જીપમાંથી ઉતરી ભીડ વચ્ચે જગ્યા કરતો કરતો રેલ્વે ટ્રેક પર પહોંચ્યો. અહીંયાં પોલીસે મારું કાર્ડ જોઈને મને જવા દીધો. પહેલેથી જ લાંબી હરોળમાં કેમેરાઓ અહીંયાં ગોઠવાયેલા હતા. મેં બધાની વચ્ચે જગ્યા કરી ગમતાં એંગલ પર કૅમેરો સેટ કર્યો. 'ફ્રીડમ બોક્સ' નું કાર્ડ જોઈને અન્ય કેમેરામેનોએ સન્માનપૂર્વક જગ્યા કરી આપી. આનું કારણ મને સમજાયું નહીં. લાઈફના પહેલા ફોટોશૂટ માટે માટે હું કેમેરા સાથે મને પણ તૈયાર કરવા લાગ્યો.

 ખુલ્લા ટ્રકમાં રહેલી ડિજિટલ બૅન્ડ પાર્ટી સંગીતના સૂરો રેલાવી રહી હતી.જાણે કોઈ રાજાની સવારી શાહી ઠાઠ સાથે આગળ વધી રહી હોય એમ લાગતું હતું. જેમને નાચતાં ના આવડતું હોય એવા લોકોના પણ પગ નાચવા થનગની રહ્યા હતા. એ બે ટ્રકમાં રહેલી બૅન્ડ પાર્ટીની આગળપાછળ પવનચક્કીના પાંખિયાં લઈ જતાં હોય એવડા ટ્રકમાં એક માળ જેટલી ઊંચાઈએ સ્પીકરો ગોઠવેલા હતા. આવા સ્પીકરો ભરેલા દસ ટ્રક આખી શોભાયાત્રામાં સામેલ હતા. એકસરખા સંગીતના સૂરોએ આખા રુટ પર લોકોને નાચતા કરી દીધા હતા. સિસ્ટમ અને બૅન્ડ પાર્ટી સામેની બાજુના ઉંચા રોડ પર ગોઠવાઈ ગઈ હતી.

કેસરી અને પીળા વાઘામાં સજ્જ લોકોનું કિડિયારું ઉભરાયું હતું. મટકીફોડ’ માટે વિવિધ ટુકડીઓએ કસબ અજમાવવાનો ચાલુ કરી દીધો હતો. બીજી ટુકડીઓ અને લોકો પણ તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. આ મટકી શોભાયાત્રાના રૂટ પરની સૌથી ઊંચી મટકી હતી. 15 ગ્રૂપે પોતાનું નિષ્ફળ નસીબ અજમાવી લીધું હતું. હવે બસ અંતમાં ફ્રીડમ બૉક્સ’ ગ્રૂપ જ બાકી હતી. સાગર બધાને સૂચના આપી રહ્યો હતો. જાણે કોઈ જંગ જીતવા નીકળ્યા હોય એટલા ઉત્સાહથી બધા મટકી આંબવા માટે ગોઠવાતા ગયા એક પછી એક... સંગીતના સૂરોની તીવ્રતા લોકોની ઉત્તેજના સાથે વધતી જતી હતી. ફ્રીડમ બૉકસ’ ગ્રૂપ જે ઝડપ અને સાવધાનીથી પોતાની ઊંચાઈ વધારતું જતું હતું એ જોતાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. બધાની આંખો સ્થિર થઈ ગઈ હતી. ગ્રૂપે બનાવેલી મજલોને એક પછી એક વટાવતો સાગર બહુ ધીરજપૂર્વક આગળ વધી રહ્યો હતો.

આખરે એ ક્ષણ આવી પહોંચી. મટકી સાગરની આંખો સામે ઝૂલી રહી હતી. તેણે વીજળી જેવી ઝડપથી મટકીને ડાબા હાથે પકડી. સંગીત અને લોકોના શ્વાસ જાણે એક ક્ષણ માટે થંભી ગયા. મારું મોં પણ ખુલ્લું રહી ગયું. સાગર હજુ કંઈ વિચારે ત્યાં જ નીચેથી અભિમન્યુ કોઠામાં ભંગાણ સર્જાયું. નીચેની આ અસર ઉપર સુધી પહોંચે એ પહેલાં તેણે જમણા હાથની મુઠ્ઠી વડે મટકી પર જોરદાર પ્રહાર કર્યો. સાગર જાણે માખણની છોળોથી નાહી રહ્યો હતો. શું અદભુત દ્દશ્ય હતું. લોકોએ સીટીઓ અને ચિચિયારીઓથી આ મટકી વિજયને વધાવી લીધોસાથે જ આખું ગ્રૂપ ધબાય નમ: થઈ ગયું. સાગર એકલો મટકીનું દોરડું પકડી આમથી તેમ હવામાં ઝૂલી રહ્યો હતો. લોકો તેને ઝીલવા તત્પર હતા. બધા સાગર.... સાગર... સાગર... ની બૂમો પાડી રહ્યા હતાં. તેને વિજય મુદ્રામાં થોડી સેકન્ડો માટે હવામાં ઝૂલ્યા કર્યું. પછી માનવ મેદની વચ્ચે પડતું મૂક્યું. ચારેબાજુ ઊંચાઈએથી તોપો ફૂટવા માંડી. અબીલ-ગુલાલરંગીન પટ્ટીઓફુગ્ગાઓ અને ફૂલો લોકો પર વરસવા માંડ્યા.સામસામી તોપો ગર્જી ઊઠી. ગુલાબી પાંખડીઓથી લઈ અત્તરની સુવાસના ગોળા સાથે સમી સાંજ અવર્ણનીય માહોલમાં ફેરવાઈ ગઈ. મારા માટે આ બધું શબ્દોમાં કહેવું અશક્ય હતું. ઇટ્સ એમેઝીંગઅનફરગોટેબલ. 

એટલામાં સંગીતની ધૂન બદલાઈ... રે કાના.... રે કાના... બધાને જાણે આનો જ ઇંતેજાર હતો. અન્ડરબ્રીજની ઉપરના ભાગમાં લગાવેલી લેસર લાઇટો પ્રકાશી ઊઠી. તોપો હવે પાણીની ઝરમર પિચકારીઓ  છોડતી હતી. ત્યાં હાજર બધા લોકો એક જ ટૅપ્સમાં સેટ થઈ સમૂહ ડાન્સ કરવા લાગ્યા. હવામાં લેસર ટૅકનૉલૉજી પોતાનો કમાલ બતાવી રહી હતી. એક મોટા ગોળાકાર વર્તુળમાં ટૅકનૉલૉજીએ 60 ફૂટ ઊંચા કૃષ્ણ ભગવાન ઉભા કરી દીધા. જાણે બ્રહ્માંડમાંથી સાક્ષાત્ આવીને તેમણે ભક્તોને દર્શન દીધા હોય એવું લાગી રહ્યું હતું. નીચે પાંચેક મિનિટનો ગ્રુપ ડાન્સ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. આટલો મોટો માનવસમૂહ એક જ લયમાં સંગીતનાના તાળે થિરકતો હોય એ જોઈને મારી આંખોમાં આંસુ ઉપસી આવ્યા. જિંદગી દર ક્ષણે કેટલા સરપ્રાઇઝ આપતી રહે છે. શોભાયાત્રા પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધવા લાગી.

અમે બધા રેલ્વે ટ્રેક પરથી વિખેરાયાં. મેં કેમેરાનું શૂટિંગ બંધ કર્યું પણ ત્યાં જ મેં ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો. હું શૂટિંગ ચાલુ કરતાં જ ભૂલી ગયો હતો. આ બધું જોવામાં તેનો હોશ જ ના રહ્યો. મારી આંખોમાં હરખ સાથે દુઃખનાં આંસુઓ પણ ભળ્યા હતાં. સાગરને હું શું જવાબ આપીશ ?


***

Rate & Review

Heena Suchak 4 months ago

ashit mehta 4 months ago

Nipa Upadhyaya 5 months ago

Shailesh Panchal 5 months ago

Palak Vikani 5 months ago