સફળતા કોઈનો ઇજારો નથી

આ જગતના સામાન્યથી સામાન્ય માનવીથી લઈ મહામાનવ સુધી, મૂર્ખથી લઈ વિદ્વાન સુધી, ગરીબ અને ભિખારીથી લઈ ધનવાનો સુધી, અભણથી લઈ ડોકટરેટ કરેલા સ્કોલરો સુધી, રસ્તા ઊપરથી કચરો સાફ કરનાર સ્વીપરથી લઈ આખા દેશની ટીમના સ્કીપર સુધી, મજૂરથી લઈ મેનેજર સુધી, સામાન્ય કાર્યકરથી લઈ મોટા નેતા સુધી, ટૂંકમાં ઝીરોથી હીરો સુધી બધાને એની તમન્ના છે, અને એને પામી લેવા માટેની લાયકાત હોય કે ન હોય, પરીશ્રમ કરવાની ખેવના હોય કે ન હોય, તો પણ બધાને એ જોઈએ છે. અને એ વસ્તુ છે સફળતા !

સફળતા વિશે ભૂતકાળમાં પણ ઘણુંબધું લખાયું હતું, હાલમાં ઘણું લખાય છે અને ભવિષ્યમાં પણ લખાવાનું. કારણ સ્પષ્ટ છે, જ્યાં સુધી માણસ આ ધરતી પર છે બીજા કરતા વધારે આગળ નીકળી જવાની, બીજા કરતા વધારે શ્રેષ્ઠ બનવાની અને બીજા કરતાં વધુ સારૂ જીવન જીવવાની બેઝીક ઇન્સ્ટીકટ-જન્મજાત સહજવૃત્તિ એનામાં હંમેશા ધરબાયેલી રહેવાની. પ્રેમ પામવાની ઉત્કટતા જેટલી જ, કદાચ એનાથી પણ વધારે સફળ થવાની ઝંખના માણસની પ્રકૃતિમાં વણાયેલી છે. એટલે જ કદાચ માણસ કોઈનો પ્રેમ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય તો જેટલો નિરાશ થાય છે એનાથી વધારે નિરાશ નિષ્ફળતા મળે ત્યારે થઈ જાય છે.

માનવજાતની મોટાભાગની પ્રવૃત્તિઓ, ધમપછાડા, પરિશ્રમ કે મહેનતનું કારણ સફળ થવા માટે હોય છે. તો પણ આશ્ચર્યજનક રીતે ઘણા ઓછા લોકો સફળ થાય છે. એનું એક કારણ તો એ છે કે સફળતા માટે હકારાત્મક અભિગમ અને ખંતનો અભાવ હોય છે.

શેક્સપિયરે સફળતા મેળવવા માટે માત્ર ત્રણ બાબતો આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

“બીજા કરતાં વધારે જ્ઞાન મેળવો, બીજા કરતાં વધારે કાર્ય કરો અને બીજા લોકો કરતા ઓછી અપેક્ષા રાખો તો તમે સફળ છો.”

પરંતુ આજે માનવજાતમાં આ ત્રણે લક્ષણો ૧૮૦ અંશના ખૂણે જોવા મળે છે. આજે કોઇને બીજો કરતાં વધારે જાણવું નથી કે જ્ઞાન મેળવવું નથી, બીજા કરતા ઓછું કાર્ય કરવું છે, ઓછી મહેનત કરવી છે અને બીજા કરતાં વધારે ધન,દૌલત, ઇજ્જત અને સફળતા જોઈએ છે! યે મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ!

સફળતા મેળવવા માટે સારો સ્વભાવ હોવો પણ જરૂરી છે.

એક ચાઇનીઝ કહેવત છે કે જો તમને સ્મિત કરતાં ન આવડતું હોય તો તમે સફળ સેલ્સમેન ન બની શકો.

તમારો સ્વભાવ ચીડીયો હોય, ઉગ્ર હોય, ઝઘડાખોર હોય તો તમારી સાથે કામ કરતાં લોકો જ તમને ગાળો આપશે, તમારાથી દૂર ભાગશે, પછી બીજા લોકોની તો વાત જ શું કરવી ! ફેસબુક ઉપર અમે વાંચ્યું  હતું કે કડવી જીભ વાળાનું મધ પણ વેચાતુ નથી ને મીઠી જીભ વાળાના મરચાં પણ વેચાઇ જાય છે! સાચી વાત.

અભ્યાસ કે અધ્યયન કરવું એ સફળતાને ટકાવી રાખવા માટે આવશ્યક હોય છે. ખાસ કરીને જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં હોય એમને નવી નવી ટેકનોલોજી વિશે જોણતા રહેવું કે એનું અધ્યયન કરતા રહેવું ખૂબ જરૂરી છે. ડૉક્ટરો, એન્જીનીયરો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો જેવા ટેકનીકલ નિષ્ણાંતો ઉપરાંત વકીલો અને ન્યાયધીશોને પણ નવા નવા ચુકાદાઓ વિશે વાંચવું આવશ્યક હોય છે. જે લોકો સમય અને જમાના સાથે તાલ નથી મેળવી શકતા તેઓ પાછળ રહી જાય છે. નવા નવા વિચારો માટે, નવીનતા માટે લેખકો, કવિઓ કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ ખૂબ વાંચવું આવશ્યક હોય છે.

એવી જ રીતે નવી શોધો કરનારા ‘ઇનોવેટર્સ’ને નવા નવા વિચારો, નવી શોધો માટે ખૂબ વાંચવું, નિરિક્ષણ કરવું લોકોની સુવિધા માટે એમના વિચારો, આદતો વગેરે વિશે અધ્યયન કરવું પડે છે.

માત્ર અધ્યયન કરવાથી જ સફળતા મળતી નથી કે ટકતી નથી. એના પછીનો મહત્વનો તબક્કો આવે છે પ્રેકટીસ. પ્રેકટીસ મેક્સ મેન/વીમેન પરફેક્ટ એવી અંગ્રેજીમાં કહેવત છે. ખેલાડી ગમે તેટલો મહાન બની જાય એને સતત પ્રેકટીસ કરતા રહેવી પડે છે. વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની કે યુવરાજસિંહ - બધાને પ્રેકટીસ કરતા રહેવી પડે છે. લેખકોને સતત લખવાની પ્રેકટીસ કરવી પડે છે. માઇકલ ફેલ્પસ નામના અમેરિકન તરવૈયાએ બેઇજીંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને કુલ ૨૦ ગોલ્ડ મેડલ અને ૨ સિલ્વર મેડલ મેળવીને જીવનમાં અનોખો વિશ્વવિક્રમ સર્જયો છે. એની સફળતાનું કારણ શું હતું ? સતત પ્રેકટીસ. એ સ્વીમીંગ પુલમાં રોજના સતત ૧૦ કલાક પ્રેકટીસ કરતો હતો.

માણસ જે ક્ષેત્રમાં હોય એમાં એણે સતત પ્રેકટીસ કરવી પડે છે. જેઓ સતત પ્રેકટીસ કરતા રહે છે તેઓ જ સફળતા પ્રાપ્ત કરે છે અને એને ટકાવી રાખે છે. પ્રેકટીસ છૂટી તો સફળતા પણ છૂટી સમજો.

 

“જીવનમાં સફળતા મેળવવી હોય તો ખંતને તારો મિત્ર, અનુભવને ડાહ્યો સલાહકાર, સાવધાનીને મોટાભાઇ અને આશાને મેધાવી વાલી બનાવ”

- એવી સોનેરી સલાહ એડીસન નામના વિદ્વાને આપી છે.

સફળ માણસોમાં ઘણીબધી બાબતો અસમાન્ય હશે પરંતુ બધામાં એક સામાન્ય બાબત જરૂરી હતી - ખંતપૂર્વક સખત પરિશ્રમ. જે લોકો સફળ થયા તેમણે ભૂખ્યા તરસ્યા રહી, આરામ અને  મનોરંજન છોડી પોતાના કાર્યમાં વ્યસ્ત રહ્યા. વહેલા ઉઠતા, મોડે સુધી જાગીને કામ કરતા. કોઇ કવિએ સરસ મજાની કવિતા લખી છે,

Life is what you make it. It depends upon the foundation that you lay. It is on the sound basis that you can build. On the trend of your mind -

And on the determination to uphold what you think - and know - is right. Remebering Life’s limits, and opportunities which be.

If you start your course with all your force.

Every source of nature will turn toward and help you to achive your true success.

જેનો ભાવાર્થ એવો છે કે જીવનને તમે જેવું બનાવો તેવું બને છે. તમે કેવો પાયો નાખ્યો છે એના ઉપર એનો આધાર છે. તમે જે વિચારો અને જાણો છો અને જે સાચું છે એ તમારા મગજના મજબૂત પાયા ઉપર ઘડતર કરી શકો છો. જીવનની મર્યાદાઓ અને તકો ને યાદ રાખો. તમે ધગશપૂર્વક કોઈ કાર્ય આરંભો તો કુદરતી બળો તમને સફળતા અપાવવામાં મદદે લાગી જાય છે.

જેઓ સફળ થવા માગે છે એમણે દિમાગની બારી ખુલ્લી રાખવી જોઈએ- નવા વિચારો માટે- નવી શક્યતાઓ માટે.એમણે લવચીક અને સર્વોતામુખી, વર્સેટાઇલ બનવું જોઈએ. માત્ર ગધા વૈતરૂં કરવાથી સફળતા મળતી નથી. ‘સ્માર્ટ વર્ક’ કે હોશિયારીપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળે છે. સામાન્ય બુદ્ધિ અને મૌલિક વિચારોની પણ આવશ્યક્તા હોય છે.

સફળતાની આડે સો વિધ્નો હોય છે. જેઓ ધીરજપૂર્વક આ વિધ્નોને દૂર કરી પાર નીકળી જાય છે તેઓ જ મંઝિલે પહોંચે છે. આવું કરનારા વિશ્વના ઘણા મહાપૂરૂષો થઇ ગયા, જેમણે મુશ્કેલીઓ અને સખત હાડમારીઓનો સામનો કર્યો. જો તમારી ઉપર મુશ્કેલીઓ નથી આવી કે તમે હાડમારીવાળું જીવન નથી જીવ્યા તો તમે તમારા ચારિત્ર્યને સુદૃઢ બનાવવાનું ચૂકી ગયા છો એ જાણી લેજો. જીવનમાં બધું જ સરળતાથી મળતું હોય, કોઇ મુશ્કેલીઓ ન હોય અને બધે સુખ જ સુખ હોય તો એનો અર્થ એ છે કે તમે ક્યાંય પણ કોઇ બાબત પાછળ લાગેલા નથી. તમે ક્યાંય જઈ નથી રહ્યા.તેથી તમે કંઇ પણ પ્રાપ્ત કરી શકશો નહીં, કેમકે સખત પરિશ્રમ જ સફળતા અપાવે છે. બીજી બાબત એ છે કે તમારો વિરોધ કરનારા જેટલા વધુ હશે તેમ તમારૂં ચારિત્ર્ય વધુ મજબૂત બનશે.   સફળતા કોઇ એક બાબત કે ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોઇ શકે નહીં. સાચી સફળતા જીવનના બધા જ ક્ષેત્રોને આવરી લે છે. સફળ માણસ મા બાપ તરીકે, પતિ તરીકે, પુત્ર તરીકે, પાડોશી તરીકે, કાર્યકર કે દેશના નાગરિક તરીકે-એમ બધી જ રીતે સફળ હોય છે.

સફળતા એ પર્વતની ટોચનું આખરી મુકામ નથી એ તો છે સતત વિકાસ પામવાની પ્રક્રિયા અર્થાત્‌

સફળતા કોઇ મંઝિલનું નામ નથી, સતત પ્રવાસનું કામ છે.

***

Rate & Review

Mayur Bharvad 3 months ago

Shreya 3 months ago

Mohan Varsani 4 months ago

Lalit Sakhareliya 4 months ago

Harshad Savani 4 months ago