આત્માના અંતિમ સંસ્કાર-ભાગ-૧૪

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૪

બે હજાર વર્ષ પહેલાના પ્રાચીન ચીનમાં...

“બે વરસ થવા આવ્યા છે, હજુ સુધી લી નો કોઈ પત્તો નથી, હું ક્યા સુધી એની રાહ જોવું ? ચાંગ, તમે જ કહો, પૂર્વના બળવાખોરો નવું સૈન્ય ઉભું કરી રહ્યા છે અને એવામાં મને લાગે છે કે થોડાક વર્ષોમાં એ લોકો આપણા પર આક્રમણ પર કરી દેશે. આપણે આપણા આ મહાન દેશનું રક્ષણ કરવાનું છે, એની સંસ્કૃતિને સાચવવાનું દાયિત્વ આપણા ઉપર છે, તમે કહો ચાંગ, હવે મારે શું કરવું ?” સમ્રાટ હુંગે અધીરા અવાજે ચાંગને કહ્યું. વૃદ્ધ ચાંગે એના સમ્રાટ તરફ જોયું, એ અધીરો થયો હતો એ મહાન શક્તિને પામવા માટે, એની જીદ ખાતર એણે એનો વહાલસોયો ભત્રીજો એ શક્તિની ખોજમાં મોકલી દીધો હતો અને હવે આ જીદ્દી સમ્રાટ વધારે રાહ જુવે એમ લાગતું નહોતું ! “સમ્રાટ, મને ખાલી થોડો વધારે સમય આપો, હું ચોક્કસ તમને એ જગ્યાએ લઇ જઈશ, લી પાછો આવશે, જરૂર આવશે, બસ થોડી વધારે રાહ જુવો” ચાંગે આંખોમાં આશા સાથે કહ્યું. સમ્રાટ હુંગે માથું ધુણાવ્યું. એના દરબારનો સહુથી બુદ્ધિશાળી અને અનુભવી વ્યક્તિ એને હજુ રાહ જોવાનું કહેતો હતો. “બસ ખાલી છ મહિના હું રાહ જોઇશ, પછી વધારે નહિ, તમારે મને ત્યાં લઇ જ જવો પડશે” હુંગે આદેશાત્મક અવાજે કહ્યું અને ચાંગે માથું જુકાવ્યુ.

***

સુંગ યુને બજારમાંથી જોઈતી વસ્તુઓ ખરીદી લીધી. એના દુરના એક સબંધીની દુકાનમાં એને જોઈતું રાશન મળી જતું. વસ્તુઓ લઈને એ એના દુરના કાકા-દુકાનના માલિક જોડે બેઠો. એમણે એને ચુંગી જેવી કોઈ વસ્તુ પીવા આપી પણ સુંગ યુને માથું ધુણાવીને નાં પાડી દીધી. એને ખબર હતી કે એમાં શું હોય છે અને એ સ્વાસ્થ્ય માટે કેટલું ભયંકર હોય છે ! અડધું ચીન અફીણનું વ્યાસની થઇ ગયું હતું. ચારેબાજુ લોકો નશાની હાલતમાં દેખાતા હતા ! અરે કેટલાક લોકોએ તો નાના રૂમ પણ ભાડે આપવાનું શરુ કર્યું હતું કે જ્યાં લોકો આવે, નશો કરે અને આરામ કરે ! સુંગ યુનને એનો મોટો ભાઈ યાદ આવી ગયો ! લી ! ક્યાં હશે એ ? શું કરતો હશે એ ? શું એ મહાન શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ શોધી શક્યો હશે ? એનું મન ખાટુ થઇ ગયું ! એના કાકાએ એને મહાન ચીની સંસ્કૃતિની રક્ષા કાજે હોમી દીધો હોય એવું એને લાગવા મંડ્યું હતું !

***

સમ્રાટ હુંગે એને નજીક ખેંચી, એનું એક માત્ર પાતળું આવરણ પણ એણે ખેંચીને ઉતારી દીધું ! એ હવે ઉત્તેજિત થઇ ઉઠ્યો હતો. એના સાળા અને સેનાપતિ મિંગે એના માટે ખાસ ત્રણ ચાર યુવતીઓની વ્યવસ્થા કરી હતી. હુંગની આજુબાજુ નિ:વસ્ત્ર થઇને એ બધી બેઠી હતી. એમાંની એકે હુંગના વસ્ત્રો ધીરે ધીરે ઉતર્યા અને એનો હાથ પકડીને એમના ખાસ રૂમમાં આવેલા કુંડમાં એને ખેંચ્યો. હુંગની પાછળ પાછળ બધી યુવતીઓ અંદર કુંડના પાણીમાં ઉતરી. હુંગે આંખો બંધ કરી દીધી અને એ ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગ્યો. કુંડની થોડે દુર ત્રણ ચાર જણા વાજિંત્રો લઈને સુર રેલાવી રહ્યા હતા. હુંગને આહ્લાદક અનુભૂતિ થઇ રહી હતી. અચાનક એને એના ખાસ કમરાની બહાર રણશિંગું ફુંકાયું હોય એવું લાગ્યું. એની સૈન્યમાં તાલીમ પામેલી છઠ્ઠી ઇન્દ્રિયે એને સજાગ કરી દીધો. એ તરતજ કુંડમાંથી ઉભો થયો અને એના કમરાની એક માત્ર મોટી બારી પાસે દોડ્યો. એણે નીચે જોયું તો થોડા સૈનિકો આમ તેમ ભાગી રહ્યા હતા અને ઉપર મહેલની ટોચ પર ઉભેલા સૈનિકો રણશિંગું ફૂંકી રહ્યા હતા. આ એક પ્રાચીન ચીની વાજિંત્ર હતું કે જેનો ઉપયોગ માત્ર ભય ઉભો થાય, આગ લાગે કે કોઈ દુશ્મન સેના ત્રાટકે ત્યારે જ કરવામાં આવતો હતો. સમ્રાટ હુંગે તાત્કાલિક એના સેનાપતિને બોલાવવાનું ફરમાન કર્યું અને એ ઝડપથી કપડા પહેરવા માંડ્યો.

***

“પૂર્વના બળવાખોરોએ એક નાનકડું સૈન્ય જમા કર્યું છે ઓ મહાન રાજા અને એ લોકો આપણા પર ચડાઈ કરી રહ્યા છે.” સેનાપતિ મિંગે માથું ઝુકાવીને હુંગને કહ્યું. હુંગે ગુસ્સામાં એની હથેળી મસળી. “આપણા ગુપ્તચરો શું કરતા હતા ? આપણને આની જાણ જલ્દી કેમ નાં થઇ ? ખેર ! સૈન્ય એકત્ર કરો, તમામ સૈન્ય વડાઓને તાત્કાલિક દરબારમાં બોલાવો, મારે રજે રજની માહિતી જોઈએ છે” સમ્રાટ હુંગની એકમાત્ર વધેલી આંખમાંથી અંગારા વરસી રહ્યા હતા.

દરબારમાં પરિસ્થિતિનો તાગ કાઢ્યા પછી એવું નક્કી થયું કે સમ્રાટ હુંગનું લશ્કર બળવાખોરોને ટક્કર આપવા તાત્કાલિક ધસી જાય અને એની સરદારી સેનાપતિ મિંગ કરે. સમ્રાટના અત્યંત વિશ્વાસુ અને અંગત સૈનિકો અહી મહેલમાં જ રહે અને જરૂર પડે તો જ યુધ્ધમાં જંપલાવે. આમ પણ બળવાખોરોનું સૈન્ય નાનું હતું અને સમ્રાટ હુંગના વિશાળ સૈન્ય સામે ૨૦ બરોબર ૧ ની સંખ્યા ધરાવતું હતું. સમ્રાટ પાસે અનામત એવું લગભગ એક લાખનું સૈન્ય પણ હતું અને એ અન્ય સરહદો પર પહેરો ભરી રહ્યું હતું અથવાતો આરામ કરી રહ્યું હતું પણ એમને અત્યારે સાવધ કરવા જરૂરી નહોતા. ચાંગ અહોભાવથી સમ્રાટ હુંગને જોઈ રહ્યો હતો. એની યુદ્ધ નિપુણતા, કૌશલ અને પરીસ્થીતીનો તાગ કાઢવાની આવડત બિલકુલ એના પિતાજી જેવી જ હતી. એ ક્યારેય ઉશ્કેરાતો નહિ અને અત્યંત કુનેહપૂર્વક અને સાવધાનીથી યુદ્ધ કરતો. આમ પણ આ બધું એને ચાંગે જ શીખવાડ્યું હતું. સમ્રાટે સૂચક નજરે ચાંગ તરફ જોયું અને વૃદ્ધ ચાંગે હકારમાં માથું ધુણાવ્યું અને ચીની સૈનિકો મિંગની આગેવાનીમાં પૂર્વ તરફ ધસી ગયા.

ત્રણ દિવસ પછી યુદ્ધ ક્ષેત્રમાંથી આવેલો ગુપ્તચર માથું નમાવીને ઉભો હતો. એની આંખો ઉજાગરાથી લાલ લાલ હતી. “ઓ મહાન સમ્રાટ, ત્રણ ત્રણ દિવસ થઇ ગયા હતા પણ એ લોકો નમતું નથી જોખતાં ! આપણી મહાન સેના એમનો પ્રતિકાર કરી રહી છે પણ વ્યર્થ !” સમ્રાટ હુંગની આંખોમાં રોષ છવાઈ ગયો ! “આપણી સેના આટલા બળવાખોરોને નાથી નથી શકતી ? મિંગ શું કરે છે ?” ગુપ્તચર માથું નમાવીને બોલ્યો “સમ્રાટ, સેનાપતિ મિંગતો પોતાની પૂરી તાકાતથી લડી રહ્યા છે, પણ આ વખતે આ બળવાખોરો એક નવું શસ્ત્ર લાવ્યા છે ! એમની સેનાની આગળ જટાધારી ભયાવહ અને બીક લાગે એવા તદ્દન નગ્ન-ખાલી માથે પીળું કપડું બાંધેલા હાથમાં ત્રણ આંકાવાળો ભાલો લઈને લડતા લગભગ ત્રણસો જેટલા સૈનિકો છે ! કોઈને ખબર નથી કે એ કોણ છે અને અહી કેવી રીતે આવ્યા છે ! એ લોકો અત્યંત ક્રુરતાથી અને ભયાનક રીતે લડી રહ્યા છે ! આપણી સેના એમને પાછળ ધકેલવામાં અસમર્થ થઇ રહી છે ! ઘા લાગે તો પણ એ લોકો પર કોઈ અસર થતી નથી અને દિવસ રાત થાક્યા વગર એ લોકો લડી રહ્યા છે !” હુંગે આશ્ચર્યથી ચાંગ સામે જોયું. ચાંગે માથું જુકાવ્યુ અને એ ધીરે ધીરે ઉભો થયો. “ઓ મહાન સમ્રાટ, લાગે છે કે હિમાલય પારના કોઈ સુદૂર  દેશના અઘોર શિવપંથીઓ આ લોકોની સાથે છે ! તમારે અને મારે તાત્કાલિક ત્યાં જવું પડશે અને એમને મળીને શું વાત થઇ છે એનું નિરાકરણ કાઢવું પડશે અન્યથા વિનાશ થઇ જશે !” સમ્રાટ હુંગે આશ્ચર્યથી ચાંગ સામે જોયું ! “અઘોર શિવપંથીઓ ? આ વળી કઈ નવી બલા છે ?” પણ એને એના સહુથી વિશ્વાસુ સલાહકાર પર ભરોસો હતો. એણે તાત્કાલિક એના ચુનીંદા સૈનિકોને તૈયાર થવાનું કહ્યું. ચાંગ એની પાસે આવ્યો અને કહ્યું “ઓ સમ્રાટ, તમે મહેરબાની કરીને મને વાત કરવા દેજો, હું આ યુદ્ધ સમાપ્ત કરાવી દઈશ, તમે આપણો ખાસ કમરો ખોલાવીને ત્યાં સોનાના પાત્રમાં મુકેલો રુદ્રાક્ષનો મણકો પણ સાથે લઇ લો. એ કામ આવશે !” સમ્રાટ હુંગે માથું જુકાવ્યુ અને એ તૈયાર થવા નીકળી પડ્યો.

***

બે દિવસના પ્રવાસ પછી સમ્રાટ હુંગ અને ચાંગ એની સાથેના સૈનિકો સાથે પૂર્વ તરફ આવી પહોંચ્યા હતા. સેનાપતિ મિંગ એમનું સ્વાગત કરવા સામો આવ્યો હતો. થોડીવાર પછી હુંગ, ચાંગ અને મિંગ એક તંબુમાં એકઠા થયા હતા. “ઓ સમ્રાટ, મને અત્યંત લજ્જા આવી રહી છે કે આટલી નાનકડી બાબત માટે તમારે અહી આવવું પડ્યું ! તમે મને થોડી વધારે મહોલત આપી હોત તો હું એમનો સફાયો કરી નાખત !” સેનાપતિ મિંગ શરમથી માથું નીચું જુકાવીને કહી રહ્યો હતો. હુંગે ચાંગની સામે જોયું. ચાંગ ઉભો થયો અને બોલ્યો “ઓ સેનાપતિ મિંગ, તમારી શક્તિથી અમે સહુ પરિચિત છીએ, તમે લજ્જા નાં પામશો, આ પરિસ્થિતિ એવી છે કે એ તમારા બસ માં નથી. મને કાલે સવારે તમે યુદ્ધ ભૂમિ પર લઇ જાવ”

***

વહેલી સવારે સુરજનાં કિરણો ધરતી પર રેલાઈ રહ્યા હતા. વુદ્ધ ચાંગે હાથમાં રહેલા સોનાના પાત્રને છાતી સાથે અડાડ્યું, એમાં રેશમના કાપડમાં રહેલા રુદ્રાક્ષના મણકાને એણે લીધો અને એ ધીરે ધીરે આગળ વધ્યો. “જો હું પાછો નાં આવું કે મને કઈ પણ થાય તો તમે લોકો યુદ્ધ શરુ કરી દેજો” એણે જતા જતા સમ્રાટ હુંગને વિનંતી કરી હતી. સામે લગભગ અડધો કિલોમીટર દુર માટીમાં ખોસેલા ત્રિશુલ દેખાઈ રહ્યા હતા ! એની આજુબાજુ અસંખ્ય નગ્ન વ્યક્તિઓના ટોળા બેઠા હતા અને એ લોકો પોતાની પાસે રહેલી ચિલમમાંથી દમ લઇ રહ્યા હતા ! કેટલાક એમના શરીરમાં પડેલા ઘા બતાવીને હસી રહ્યા હતા ! એમની જટાઓ, માથા પર લગાવેલી રાખ, આખા શરીર પર ચોપડેલી માટી અને રાખ, ઊંડી લાલ લાલ આંખો એક ભયાવહ દ્રશ્ય ઉભું કરતી હતી. અચાનક એક વ્યક્તિએ એક ઉંચા આસન પર બેઠેલા જટાધારીનું ધ્યાન ખેંચ્યું અને બધા લોકો એક સાથે ઉભા થઇ ગયા ! એમણે જોયું કે ઉગતા સુરજની લાલીમાં એક આકૃતિ એમની તરફ ચાલતી આવી રહી હતી ! એ લોકો સાવધ થઇ ગયા પણ એમણે આશ્ચર્યથી જોયું કે એ કોઈ વૃદ્ધ વ્યક્તિ હતો અને ધીમા ધીમા પગલા ભરતો એ આવી રહ્યો હતો ! જટાધારીઓના નેતા એવા એક વ્યક્તિએ એના હાથમાં રહેલું ત્રિશુલ ઊંચું કર્યું અને એ લોકો ચિચિયારી પાડી ઉઠ્યા ! ચાંગ હવે લગભગ એમની નજીક આવી ગયો હતો. જટાધારીઓના નેતા એવા એ વ્યક્તિએ પણ આગળ ચાલીને એનું ત્રિશુલ લાંબુ કર્યું અને ચાંગના ગળા પર મૂકી દીધું ! ચાંગ માથું જુકાવીને ઉભો રહ્યો ! એ કઈ બોલ્યો નહિ. એ જટાધારી આગળ આવ્યો અને એણે એની નશીલી આંખોથી ચાંગની આંખોમાં જોયું. ચાંગે ચુપચાપ એના હાથમાં રહેલા રેશમના કાપડમાંથી રુદ્રાક્ષ બહાર કાઢ્યો અને એ જટાધારી તરફ ઉંચો કર્યો ! જટાધારીની આંખો ફાટી ગઈ ! એણે એનું ત્રિશુલ નીચે મૂકી દીધું ! એ હવે ધ્રુજવા લાગ્યો ! એને આવું કરતો જોઈને એની પાછળ રહેલા બધા જટાધારીઓ નીચે જુકીને બેસી ગયા. એ જટાધારીએ ચાંગના હાથમાંથી એ રુદ્રાક્ષનો મણકો લઇ લીધો અને “હર હર મહાદેવ” નો મોટેથી નાદ કર્યો ! એના સાથીઓએ એનું અનુકરણ કર્યું ! બધા હવે નતમસ્તક થઇને ચાંગની સામે બેસી ગયા. ચાંગે જમીન પર એક સાફ જગ્યા કરીને ત્યાં રેશમી કાપડ બિછાવ્યું અને એ જટાધારીએ એમાં એ રુદ્રાક્ષ મૂકી દીધો ! બધા વારાફરથી એક પછી એક એના દર્શન કરવા આગળ આવવા  લાગ્યા !  બધાની આંખોમાં આશ્ચર્ય હતું !

“આ તમને ક્યાંથી મળ્યું ? તમે કોણ છો ?” એક દુભાષિયાએ એ જટાધારી વતી ચાંગને પૂછ્યું. “આ મને મળ્યું નથી પણ હિમાલયમાં મારી સફર દરમ્યાન એક ઉંચા જટાધારી રાખોડી રંગના વ્યક્તિએ મને આપ્યું હતું.” ચાંગે કહ્યું અને જટાધારીઓમાં હાહાકાર મચી ગયો ! “આ તમને ખબર છે કે શું છે ? આ શિવ પ્રસાદી છે અને સ્વયં શિવ સિવાય આવો રુદ્રાક્ષ કોણ ધારણ કરે ? તમે ધન્ય છો, અમને માફ કરો, અમને ખબર નહોતી કે અમે એક શિવ ભક્તની સામે લડી રહ્યા છીએ ! આ તો તમારા સૈનિકોએ એક વાર અમારા કેટલાક અઘોરીઓને રંજાડયા હતા અને અમુકને મારી  નાખ્યા હતા એટલે અમે આ બળવાખોરોનો સાથ આપી રહ્યા હતા ! અમને તમારા રાજા પાસે લઇ જાવ તાત્કાલિક” દુભાષિયાએ એ જટાધારી વતી કહ્યું.

લગભગ ત્રણસો જટાધારીઓનું ટોળું આવતું જોઈને હુંગ અને મિંગ અચરજમાં પડી ગયા ! એમની સહુથી આગળ ચાંગ ચાલતો હતો. એ જટાધારીઓએ બળવાખોરોના સરદારને ધમકાવીને ભગાડી મુક્યો હતો. હવે એ લોકો સમ્રાટ હુંગ પાસે આવ્યા હતા. હુંગે ચાંગની સુચના મુજબ ઘણું બધું અફીણ સાથે લીધું હતું એ આ લોકોને ધર્યુ અને એ લોકો પ્રસન્ન થઇ ઉઠ્યા ! એ લોકો એક રાત્રી એમની સાથે રોકાયા અને પરસ્પર સંધી મુજબ સમ્રાટ હુંગની સેના હવેથી એમના લોકોને હેરાન નહિ કરે એવું વચન હુંગે આપ્યું અને જટાધારીઓએ પણ એ લોકો હવે હુમલો નહિ કરે એવી બાહેધરી આપી. જતી વખતે જટાધારીઓના નાયક અને સમ્રાટ હુંગ છેલ્લી વાર અરસપરસ વાત કરવા રોકાયા. વચ્ચે દુભાષિયો પણ હતો. “આપનો ખુબ ખુબ આભાર સમ્રાટ, હવે અમને રજા આપો, અમે અઘોર શિવપંથી છીએ અને જે લોકો પર સ્વયં શિવનો હાથ હોય, શિવજીના રુદ્રાક્ષની પ્રસાદી હોય એને અમે લોકો અમારા મિત્ર ગણીએ છીએ.” હુંગે પાસો ફેંક્યો “શું એ વાત સાચી છે કે હિમાલયમાં શિવજી રહે છે ? એમનુ એક અમોધ શસ્ત્ર એવું ત્રિશુલ કે જે સમગ્ર પૃથ્વીનો વિનાશ કરીદે એ પણ ત્યાં એક મંદિરમાં સુરક્ષિત છે ?” “હા હા હા, તમારા પ્રશ્નોના જવાબ તો તમારા સાથી એવા ચાંગ પાસે જ હશે, આખરે એમને જ આ રુદ્રાક્ષની પ્રસાદી મળી છે. હા, એ વાત સાચી છે અને એ શક્તિ અમોધ છે, અવિનાશી છે, અચૂક છે, ભયંકર છે, એનું વહન દેવોના દેવ એવા મહાદેવ કરે છે. એમના દર્શન દુર્લભ છે, એ મળી જાય તો બેડો પાર થઇ જાય”

“હા હા હા, સાચી વાત છે, એ મળી જાય તો બેડો પાર થઇ જાય” હુંગે મનમાં વિચાર્યું અને હસી પડ્યો.

***

બુકાનીધારી ફાટી આંખે જોઈ  રહ્યો ! વખતે પાછળથી આખી વાન ઉંચી કરી દીધી હતી ! અચાનક એણે એક પગથી જોરથી એ બુકાનીધારીને લાત મારી. વખતના પ્રચંડ આઘાતથી એ ફસડાઈ પડ્યો અને એના નાકમાંથી લોહીનો ફુવારો નીકળી પડ્યો. આગળ બેઠેલા બીજા બુકાનીધારીએ કાર બંધ કરી અને એ નીચે ઉતર્યો પણ ઘણું મોડું થઇ ગયું હતું. વખત ચિત્તાની ઝડપે આગળ આવ્યો અને એણે એનું માથું કારના દરવાજા પાસે અથડાવ્યું. એક બોદો અવાજ આવ્યો અને એની આંખો ફાટી ગઈ અને એ નીચે ઢળી પડ્યો. વખતે હવે એની પ્રચંડ તાકાતથી વાનનો દરવાજો હાથમાં ખેંચીને તોડી પાડ્યો ! અંદર બેઠેલા કઈ કરે એ પહેલા યુવા અને ઝારાએ પોતપોતાની બાજુમાં બેઠેલા બુકાનીધારીઓ  પર હુમલો કરી દીધો અને એમને પણ ઢાળી દીધા ! થોડીવારમાં બધું શાંત થઇ ગયું.

“વાહ વાહ મામા, તમારી તાકાત વિષે બહુ સાંભળેલું પણ પરચોતો અત્યારે જ મળ્યો ! તમે પણ માર્શલઆર્ટની ટ્રેનીંગ લીધેલી છે” યુવાએ હસતા હસતા વખતને પૂછ્યું. “આ યોગબળનો પ્રતાપ છે યુવા, કોણ હતા આ લોકો અને તમને કેમ પકડીને લઇ  જવા માંગતા હતા ?” વખતની આંખોમાં અંગારા વરસી રહ્યા હતા ! ઝારાએ ખભા ઉલાળ્યા “અમને કઈ ખબર નથી, અમે આ કોઈને જાણતા પણ નથી”. વખતે માથું ધુણાવ્યું અને એ લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. “પાપાને આ વાતની ખબર નાં પડવા દેશો, એમને નાહક ચિંતા થશે” યુવાએ વખતને કીધું.

***

“આત્મા અમર છે, એનો નાશ થતો નથી, એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ મારી શકતું નથી...” પંડિત શિવાનંદનો ઘેરો અવાજ સ્પીકરમાંથી રેલાઈ રહ્યો હતો. રઘુ આંખો બંધ કરીને એ સાંભળી રહ્યો હતો. એણે સામે દીવાલ પર લાગેલા કેલેન્ડરમાં શિવજીને જોયા અને માથું ધુણાવ્યું અને બહાર નીકળી ગયો. એનું માથું ગરમ થઇ ગયું હતું. એને શિવાનંદે ખાસ તાકીદ કરેલી કે જ્યારે જ્યારે એને ગુસ્સો આવે ત્યારે એણે એમનું કોઈપણ વ્યાખ્યાન ચાલુ કરી દેવું અને સાંભળીને ગુસ્સો ઠંડો કરી દેવો. એના સાથીઓને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા ! હા, એ લોકો બે છોકરીઓને પણ પકડી શક્યા નહોતા. રઘુએ જોરથી રાડ પાડીને એના ખાસ વિશ્વાસુ એવા મદનને બોલાવ્યો. “મદન, આજે રાત્રે તું અને બીજા સાત આઠ જણા જાવ અને એ બંને છોકરીઓને પકડીને મારી સામે લાવો, કોઈ પણ હિસાબે, મદન, આ થવું જ જોઈએ” રઘુ ઉશ્કેરાટથી ધ્રુજતો હતો. મદને માથું જુકાવ્યુ અને એ ત્યાંથી નીકળી ગયો. હિમાલયથી આવતો માલ પોલીસે પકડી લીધો હતો. શિવાનંદ મારફત એને જાણવા મળ્યું હતું કે આ માલ રશીદખાન અને એના મળતિયાઓ એ લુંટી લીધો હતો. રશીદખાન હવે કોઈની સાથે નેપાળમાં ડ્રગ્સનો ધંધો શરુ કરવાની વેતરણમાં હતો. શિવાનંદ અને રઘુ ગુસ્સે ભરાઈ ઉઠ્યા હતા અને શિવાનંદે રઘુને રશીદખાનને ખતમ કરી દેવાનું કહ્યું હતું. રઘુના માણસોએ રશીદખાનની શોધમાં એની હોટેલ સ્કાયલાઈન પર હુમલો કર્યો હતો પણ એના તમામ સાથીઓ માર્યા ગયા હતા અને એ લોકો માત્ર અમજદને ઈજા પહોચાડવા સિવાય કઈ કરી શક્યા નહોતા. પાછું આ આખી વાતમાં કોઈ અજાણી યુવતીઓ પણ ટપકી પડી હતી અને એ લોકોએ એના માણસોને બે બે વાર માત આપી હતી. રઘુથી આ સહન થાય એમ નહોતું. એણે શિવસ્તુતિની સીડી લગાવી અને અગરબત્તી કરી.

***

વખત અને પ્રોફેસરની સામે યુવા અને ઝારા નતમસ્તકે ઉભા હતા ! વખતે યુવાએ નાં પાડી હતી છતાં પણ એમના પર થયેલા હુમલા વિષે પ્રોફેસરને કહી દીધું હતું ! પ્રોફેસરે અત્યંત ચિંતિત થઇ ઉઠ્યા હતા ! “વખત, કોઈ આપણો પીછો કરી રહ્યું છે અને આપણી છોકરીઓને કિડનેપ કરવાની કોશિશ કરી રહ્યું છે ! આપણા ડોક્યુમેન્ટ્સ એમને કોઈપણ ભોગે જોઈએ છે અને એના માટે એ લોકો આ બધું કરી રહ્યા છે ! તારે વધારે સાવધાન થવું પડશે અને સતત યુવા અને ઝારાનું ધ્યાન રાખવું પડશે. એક કામ કર, મારા મિત્ર છે મેજર સમ્રાટ વિક્રમ શર્મા કે જે ઇન્ડિયન આર્મી માં હતા અને થોડાક વર્ષો પહેલા ગુમ થઇ ગયેલા, એમની પત્ની રેવા હિમાલયના પહાડોમાં આવેલા એક ગામમાં રહે છે. એ અમારા ખાસ મિત્રો પણ છે. એમનો મોટો પુત્ર સમર શર્મા પણ ઇન્ડિયન આર્મીમાં છે, મને લાગે છે કે યુવા અને ઝારા થોડા દિવસો ત્યાં સુરક્ષિત રહેશે, આમ પણ ત્યાં સુધીમાં આપણે આ ડોક્યુમેન્ટ્સને બીજે ક્યાંક શિફ્ટ કરી દઈએ. રેવા આમપણ એકલી રહે છે. એમનો નાનો પુત્ર વિરાટ પણ બહાર રહીને ભણે છે. એને પણ કંપની મળી રહેશે. આપણે અત્યારેજ નીકળીએ તો ?  તારું શું કહેવું છે ?” વખતે માથું ધુણાવ્યું. એ આમ પણ કોઈ સુરક્ષિત જગ્યાએ યુવાને દિક્ષા આપવા માંગતો હતો અને સમય પણ અત્યારે એના માટે સારો હતો.

વખત, યુવા, ઝારા અને પ્રોફેસરે સામાન પેક કર્યો અને એ લોકો સાંજેજ તાત્કાલિક ત્યાંથી ફ્લાઈટમાં દિલ્હી જવા નીકળી ગયા. દિલ્હીમાં પ્રોફેસરનાં એક સબંધી કાળી એમ્બેસેડર લઈને એમને લેવા આવેલા. રાત્રી રોકાણ ત્યાં કરીને એ લોકો પાછા બીજા દિવસે સવારે મેજરના ઘેર જવા નીકળી ગયા. એ વાતથી બેખબર કે એક બીજી કાર એમનો સુરક્ષિત અંતર રાખીને પીછો કરી રહી હતી !

***

રેવાને પ્રોફેસરે ફોન કરી દીધો હતો અને એ દરવાજે એમની રાહ જોતી ઉભી હતી. એણે નાનપણમાં ઢીંગલી જેવી યુવાને જોઈ હતી અને આજે એ ફરીથી એની પાસે આવી રહી હતી ! કારનો અવાજ સાંભળીને રેવાએ આંખો પર છાજલી કરીને ઉપર  જોયું અને થોડીવારમાં એ લોકો આવી પહોંચ્યા. પ્રોફેસર રેવાને ભેંટી પડ્યા. રેવાની આંખોમાં આંસુ આવી ગયા. એ લોકો વર્ષો બાદ ફરીથી મળી રહ્યા હતા. મેજર ગાયબ થયા એના થોડા વર્ષો સુધી પ્રોફેસર એના ઘેર આવતા જતા હતા પણ ત્યારબાદ કામના ભારણને લીધે એમણે પણ આવવાનું ઓછું કરી દીધું હતું. રેવાએ ઝારાનું મુખ પકડીને એના કપાળમાં ચુંબન કર્યું અને પછી એણે યુવા સામે જોયું અને એનું દિલ એક ધબકારો ચુકી ગયું ! ઓફ ! આટલી સુંદર આંખો ! એ જે નાનકડી બાળાને રમાડતી, ખવડાવતી, સુવડાવતી એ એની સામે હવે એક યુવતી બનીને ઉભી હતી. એ યુવાને ભેંટી પડી. “ચાલો ગાર્ડનમાં, કોફી અને નાસ્તો ત્યાં તૈયાર છે” રેવા બોલી. વખતે જોયું કે રેવાની આંખો પણ લાલ લાલ હતી, કદાચ પતિની યાદ માં ! આવી નશીલી આંખો એણે યુવાની પણ જોઈ હતી ! એને કઈ ખબર નાં પડી. બધા ગાર્ડનમાં નાસ્તો કરવા જતા રહ્યા.

“તું સાવ નાનકડી હતી, લગભગ પાંચ વરસની ત્યારે મેં તને જોયેલી ! બાપરે ! અત્યારે કેટલી મોટી થઇ ગઈ છે ! અને સુંદર પણ ! તને કઈ યાદ છે બેટા ?” રેવાએ યુવા તરફ કોફીનો મગ લાંબો કરતા કહ્યું. યુવાએ હાથમાં કોફી લઇ લીધી અને માથું ધુણાવીને નાં પાડી. લાંબા કાળા વાળ, વિશાળ કપાળ, ગોરું સુંદર મુખ અને જંગલી પીળા ફૂલોના કલરનો ડ્રેસ પહેરેલી રેવાને કોઈ પહેલી નજરે જુવે તો પ્રભાવિત થઇ જાય. અત્યારે પણ એ ૩૫ વર્ષની હોય એવી લાગતી હતી. “તમે લોકો અંદર જાવ, ઘર જુવો, ઉપર રૂમ છે ત્યાં આરામ કરો બેટા” રેવાએ યુવાને અને ઝારાને કહ્યું અને એ બંને જણા ઉભા થઇને અંદર  ઘરમાં જતા રહ્યા. યુવા જાણેકે ઘરથી પરિચિત  હોય એવું એને લાગ્યું. આ સુંદર નાનકડું ઘર એણે પહેલા જોયું હોય એવું એને લાગ્યું ! નીચે કિચનની બાજુમાં આવેલા વિશાળ ડ્રોઈંગરૂમમાં મેજર સમ્રાટ શર્માનો ફોટો લટકતો હતો. યુવા અને ઝારા એ ફોટાને જોઈજ રહી. સુદ્રઢ બાંધો, પહોળી છાતી, પાણીદાર આંખો, ભરાવદાર મૂંછો, ડાબી બાજુએથી પાંથી પાડીને ઓળેલા ટૂંકા વાળ અને હોઠો પર આછું સ્મિત ! બાજુમાં મેજર-રેવા અને બે નાનકડા બાળકોનો ફોટો હતો. એક બાળકે મેજરની કેપ પહેરેલી હતી અને એ એટેન્શનની પોઝીશનમાં મેજરનો હાથ પકડીને ઉભો હતો. બીજા નાનકડા બાળકને રેવાએ તેડેલો હતો. રેવા અત્યંત સુંદર લાગતી હતો. એણે મેદાનમાં ઉગેલા ઘાસનાં કલરનું ફ્રોક પહેરેલું હતું. યુવા આનંદથી આ પારિવારિક ફોટાને જોઈ રહી. અચાનક એણે ઝારાનો હાથ પકડ્યો અને જાણે કે ત્યાં વર્ષોથી રહેતી હોય એમ એને એ બાજુમાં આવેલી સીડીમાં થઇને ઉપર લઇ ગઈ. ઉપર ત્રણ રૂમ હતા, એમાંથી યુવા ઝારાને એક રૂમમાં લઇ ગઈ. ત્યાં જતા જ બંનેની આંખો પહોળી થઇ ગઈ. એક લાઈફ સાઈઝ ફોટો ત્યાં ટાંગેલો હતો. રેવા અને નાનકડી યુવા નો ! “વાહ, દી, તું તો બહુ જ ક્યુટ લાગે છે ! અને રેવા આંટી પણ કેટલા સુંદર  છે !” ઝારા બોલી ઉઠી. યુવા અને ઝારાએ રૂમમાં સામાન મૂકી દીધો, ઝારા બાથરૂમમાં નહાવા જતી રહી અને યુવા સામે આવેલા રૂમમાં પહોંચી ગઈ, ત્યાં અસંખ્ય ફોટાઓ એક દીવાલ પર લાગેલા હતા. સમર અને વિરાટ ! રેવાના પુત્રો. યુવાએ દીવાલની ડાબી તરફ જોયું તો ત્યાં સમરનો ફોટો લાગેલો હતો. એ યુનિફોર્મમાં હતો અને બિલકુલ એના પાપાની કાર્બન કોપી જેવો લાગતો હતો. બાજુમાં વિરાટનો ફોટો લાગેલો હતો. એ રેવા જેવો દેખાતો હતો. પાણીદાર સુંદર મોટી આંખો, વિશાળ કપાળ, મધુર સ્મિત, તીખું પાતળું નાક, ક્લીન શેવ ચહેરો અને કપાળ પર છવાયેલા લાંબા વાળ ! કોઈ ફિલ્મના હીરો જેવો લાગતો હતો વિરાટ ! યુવા આનંદથી બધ્ધા ફોટો જોઈ રહી !

“કેમ છે તારી તબિયત રેવા ?” પ્રોફેસરે પૂછ્યું. “મને શું થવાનું હતું વળી ? બસ એકલી પડી ગઈ છું, સમર વર્ષે એક બે વાર આવે  મળવા અને વિરાટ એમ.બી.એ. કરવા દિલ્હી રહે છે, ત્યાં પણ આપણો એક ફ્લેટ છે. ઈશિતા (પ્રોફેસરની પત્ની) પણ નાં રહી, તમારા મેજર પણ ખબર નહિ ક્યા ગાયબ થઇ ગયા છે ! બસ ઝીંદગી કાપી રહી છું પ્રોફેસર ! એ આશામાં કે એક દિવસ એ પાછા આવશે !” રેવાની આંખોમાં ભીનાશ આવી ગઈ. પ્રોફેસરે ઉષ્માથી એનો હાથ થપથપાવ્યો. “રેવા, આવશે મારો દોસ્ત એક દિવસ આવશે પાછો, આપણે  એને ઓળખીએ છીએ ને ? એ પહાડ ચીરીને પણ પાણી કાઢે એવો છે, એ જરૂર પાછો આવશે એક દિવસ, તું ચિંતા ના કર. મારી વાત ધ્યાનથી સાંભળ, યુવાને ખબર નથી કે એ રબ્બીની પુત્રી છે, એ અને ઝારા અહી રહેશે થોડા દિવસો, તને કંપની પણ મળશે, એને તારી પુત્રી સમજીને રાખજે, હું બે ત્રણ દિવસ અહી રહીને પાછો જતો રહીશ. એક્ચ્યુલી મારો કોઈ પીછો કરી રહ્યું છે રેવા, અને મારે આ પુત્રીઓને સુરક્ષિત જગ્યાએ રાખવી છે એટલે હું એમને અહી લઇ આવ્યો છું. મારું રીસર્ચ અને એના ડોક્યુમેન્ટ્સ કોઈના હાથમાં નાં પાડવા જોઈએ. આઈ હોપ કે તને કોઈ વાંધો નહિ આવે !” રેવાએ એની સુંદર આંખો મોટી કરી “કેવી વાત કરો છો પ્રોફેસર ? આર યુ મેડ? તમે જરા પણ ચિંતા ના કરો, એમને હું સાચવી લઈશ. તમે બસ તમારું રીસર્ચ પર ધ્યાન આપો અને તમારી સંભાળ રાખો. આ તમારું પણ ઘર છે અને આ લોકોને જેટલું અહી રહેવું હોય એટલું રહેવા દો, મને ગમશે.” પ્રોફેસરે એમની હોકલી પેટાવી અને એમાંથી ધુમાડો કાઢવા લાગ્યા. ત્યાર બાદ પ્રોફેસરે યુવા અને ઝારાની તમામ કહાણી રેવાને કહી. રેવા અચંભિત થઇને એ સાંભળતી રહી.

***

યુવા વહેલી સવારે ઉઠી ગઈ અને એણે આળસ મરડી. બાજુમાં ઝારા સુતી હતી. એણે ફટાફટ મોઢું ધોયું અને એ નીચે ગઈ. બહાર વરંડામાં રેવા એક નેતરની ખુરશીમાં બેઠી હતી. યુવાને જોઈએ એણે સ્મિત કર્યું અને એને કોફી આપી. “આંટી, આ સામે દેવદારના વ્રુક્ષો છે ને ? ત્યાંથી જે કેડી ડાબી તરફ જાય છે એ ક્યા  જાય છે ?” રેવાએ એક ઘૂંટડો ભર્યો અને કહ્યું “બેટા એ  કેડી જંગલ તરફ જાય છે, ત્યાં સુંદર મજાના ફૂલો  ઉગે છે અને ત્યાંથી આગળ તને દુર સુદૂર પહાડો પણ દેખાશે. તારે જવું છે ત્યાં ? તો હું આવું તારી સાથે” યુવા ઉભી થઇ ગઈ “ના આંટી, આ લોકો હમણા ઉઠશે, તમે અહી જ બેસો, હું જાતે જ જઈ આવું છું. થોડીવારમાં આવી જઈશ” રેવાએ હકારમાં માથું ધુણાવ્યું. “જો જે બેટા, બહુ દુર ના જઈશ, જલ્દી આવી જજે.” અને યુવા ઉભી થઇને મુખ્ય રસ્તાથી ડાબી તરફ આવેલી કેડી પર જંગલ તરફ ચાલી નીકળી.

***

“બોસ, એ જંગલ તરફ ગઈ છે ! શું કરું ?” દૂરબીનથી રેવાના ઘર તરફ નજર કરીને બેઠેલા વ્યક્તિએ પૂછ્યું. “એને પકડી લો અને મારી પાસે લાવો, ત્રણ ચાર જણા જજો, એ ખતરનાક છે ! સંભાળીને એને લાવો મારી પાસે” મદનનો ઘેરો અવાજ ફોનમાં ગુંજ્યો. એ વ્યક્તિએ મોઢા પર બુકાની પહેરી લીધી. ઠેઠ દિલ્હીથી એ લોકો પ્રોફેસરની કારનો પીછો કરતા હતા, કંટાળ્યા હતા, પણ હવે એક્શન ટાઈમ આવી ગયો હતો. એણે એની બંધુક પેન્ટના ખીસામાંથી બહાર કાઢી.

***

સમર ટ્રેનમાંથી નીચે ઉતર્યો, સાથે લાવેલો થેલો એણે જમીન પર નાખ્યો અને પેન્ટના ખીસામાંથી ફ્લાસ્ક કાઢી ને બકાર્ડી નો ઘૂંટડો ભર્યો ! આખું પ્લેટફોર્મ ખાલી હતું, એ એની માં ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. આજે તો એને ખબર નાં પડે એમ ચુપકેદીથી ઘરમાં ઘુસી જાઉં અને એને સરપ્રાઈઝ આપું. સમર મનમાં હસી પડ્યો.

યુવાએ કેડી તરફ ચાલતા ચાલતા સુંદર  મજાના પીળા અને લાલ જંગલી ફૂલો ચૂંટી લીધા ! હવે એ આગળ એક ખુલ્લા મેદાન તરફ આવી ગઈ હતી. અચાનક એના મગજમાં ખતરાની ઘંટડી વાગી, એ ચોંકીને પાછળ ફરી અને એણે જોયું કે ચાર પાંચ બુકાનીધારીઓ હાથમાં ગન અને લાકડી લઈને હસતા હસતા ઉભા હતા !

અચાનક જ ધૂળની ડમરી ઉઠી અને યુવાએ જોરથી ત્રાડ પાડી અને સામે ઉભેલા ને મોઢા પર એક જોરદાર કિક મારી ! હાસ્ય થંભી ગયું અને એ ઘાયલ વ્યક્તિ ચીસો પાડતો નીચે પડી ગયો. એક બીજા એ એને પાછળ થી પકડવાનો પ્રયાસ કર્યો પણ યુવાએ એનું માથું પકડીને એને ખભા પરથી ઊંચકીને નીચે પછાડી દીધો ! અચાનક ત્રીજા વ્યક્તિ એ જોર થી હાથમાં રહેલી લાકડી યુવાનાં માથે ફટકારી અને એ એક કારમી ચીસ સાથે ઉંધા માથે નીચે પડી ગઈ !

અચાનક સમરના પગ થંભી ગયા, એને જોર જોર થી કોઈ ની બુમો સંભળાઈ. આર્મી માં ટ્રેનીંગ પામેલા એના કાન અને એની છઠી ઇન્દ્રિયએ એને સજાગ કરી દીધો. એ અવાજ ની દિશા માં એનો થેલો નીચે નાખી ને દોડ્યો.

થોડેક દુર સુધી દોડ્યા બાદ એણે જોયું કે દૂર એક ઝાડ નીચે બે ત્રણ જણા કોઈ ને ઘેરી ને ઉભા હતા અને જોર જોર થી હસતા હતા !

ત્યાં સુધીમાં સમર ત્યાં પહોંચી ગયો હતો. એણે લાકડી પકડેલી વ્યક્તિ ને પડકાર્યો ! સમરનું કસાયેલું શરીરસૌષ્ઠવ, ઉંચાઈ અને આંખો માં રહેલી વેધકતા ને જોઈ ને એ વ્યક્તિ ડરી ગયો અને લાકડી નીચે ફેંકી ને ભાગવા માંડયો. સમરે અતિ ભયાનક વેગે દોડીને એના ઉપર ડાઈ મારી. એ નીચે પછડાયો અને સમર એના પર ચડી ને બેસી ગયો. એણે એના વાળ પકડી ને એનું માથું નીચે જમીન  પર પછાડ્યું. થોડું તરફડીને એ શાંત થઇ ગયો.

સમર ઉભો થયો અને બીજા ઘાયલ થયેલા વ્યકિતઓ તરફ ગયો અને એણે જોયું કે એમાંનો એક આંખ પર હાથ દબાવીને કણસતો હતો, એની આંખમાંથી લોહી નો ફુવારો નીકળતો હતો. બીજો અચેતન ત્યાંજ પડ્યો હતો. એનું ડોકું એક તરફ વિચિત્ર રીતે વળી ગયું હતું અને આંખો ફાટી ગઈ હતી. સમરે ઉંધી પડેલી વ્યક્તિ તરફ ધ્યાન દોર્યું. એ નીચે બેઠો અને કમરેથી એને સીધી કરી અને એની આંખો પહોળી થઇ ગઈ !

એ કોઈ યુવતી હતી ! એના કપાળમાંથી લોહી નીકળતું હતું અને એના સુંદર વાળમાં ચોંટી ગયું હતું. એના કપાળ પર નાનકડું ત્રિશુલ દોરેલું હતું. એની મોટી મોટી બદામ જેવી આંખો બંધ હતી અને એ ધીરે ધીરે શ્વાસ લેતી હતી. એનું નાક લાંબુ અને પાતળું હતું, એના પરવાળા જેવા હોઠ અને લાંબી ગરદન સામે સમર જોઈ રહ્યોં. એની છાતી ધમણ ની જેમ ઉપર નીચે થતી હતી. એણે આટલી સુંદર સ્ત્રી ક્યારેય જોઈ નહોતી. એ એના થેલા તરફ પાણી લેવા દોડ્યો.

એણે થોડા પાણીના છાંટા એના પર નાખ્યા. એ યુવતીએ થોડો સળવળાટ કર્યો અને આંખો ખોલી ! એની મોટી મોટી બ્લુ આંખો માં સમર મટકું માર્યા વગર જોઈજ રહ્યો ! આટલી સુંદર આંખો? સંમોહિત કરી નાખે એવી !

અચાનક યુવાએ જોર થી ચીસ પાડી ને સમર ના ચેહરા પર એક લાફો મારી દીધો ! અચાનક થયેલા હુમલાથી સમર થોડો પાછો હટી ગયો પણ એના કસાયેલા શરીર ને એટલા પ્રહાર થી કઈજ થાય એમ નહોતું ! યુવા ચપળતાથી ઉભી થઇ ગઈ અને ફરીથી ચીસ પાડી ને ગોળ ફરીને સમર ને મોઢા પર કિક મારી. સમર સાવધ હતો એણે એનો હાથ વચ્ચે લાવી દીધો અને પ્રહાર રોક્યો. એ યુવાના પ્રહાર ને લઈને ફરીથી થોડો હલબલી ગયો હતો. એને એ યુવતી ના પ્રહાર માં રહેલા ફોર્સને લઈને આશ્ચર્ય થયું.

યુવા ફરીથી પ્રહાર કરવા ગઈ પણ એ સાવધ હતો, એણે નીચા વળીને કમરેથી પકડી ને એને નીચે પાડી દીધી અને એના બે હાથ પકડી ને જમીન સરસા દબાવી દીધા. જોર થી હાંફતી યુવાની મોટી મોટી આંખોમાંથી અંગારાઓ વરસી રહ્યા હતા અને એ છટપટતી સમરના બંધનોમાંથી મુક્ત થવા મરણીયો પ્રયાસ કરી રહી હતી. અચાનક એણે સુતા સુતા એનો ડાબો પગ ઉંચો કરીને એની ઉપર બેઠેલા સમરના માથા પર પાછળ જોરદાર પ્રહાર કર્યો. સમર લથડ્યો અને એટલી વાર માં ચપળતાથી યુવા સરકી ને એની બાજુમાંથી છટકી ગઈ.

યુવા હાંફતી હાંફતી ઉભી થઇ ફરીથી એક જોરથી ત્રાડ પાડી ને ઉભો થતા સમર પર હવામાં ઉછળીને ડાબા પગ થી એની છાતી પર જોરદાર કિક મારી !

એ સાવધ હતો, એણે બાજુ માં ડાઈવ મારી ને ચિત્તા જેવી ચપળતાથી કિક ચૂકવી દીધી. “સ્ટોપ ઈટ, વિલ યુ”? એણે ગુસ્સાથી બુમ પાડી અને યુવા ઉભી રહી ગઈ ! “મેડમ, હું તમને મદદ કરવા આવ્યો હતો, નહિ કે નુકસાન પહોંચાડવા, મેં દૂર થી તમને ઘેરીને આ લોકો ને જોયા અને હું દોડી ને હેલ્પ કરવા આવ્યો હતો, નહિ કે તમારા લાફા અને લાતો ખાવા” એ ગુસ્સાથી બોલ્યો !

હવે યુવાએ એની સામે સરખી રીતે જોયું ! ડાબી બાજુ પાડેલી પાંથી માં એના આર્મી કટ વાળ, પાતળી મુછો, પહોળા ખભા, ઘઉંવર્ણો વાન, પાણીદાર આંખો, લાંબી ગરદન અને ગળા માં ઉપસી આવેલું નાનું હાડકું, એ જોતી જ રહી ગઈ, જાણે કે ગ્રીક દંતકથાઓમાંથી કોઈ પાત્ર સીધું ઉતરીને એની સામે ઉભું રહી ગયું હતું ! એની ભીતર કૈંક સળવળાટ થયો. એણે એને ક્યાંક પહેલા જોયો હોય એવું લાગ્યું પણ યાદ ના આવ્યું.

એણે એનો દૂર પડેલો થેલો ઉપાડ્યો અને ચાલવા મંડ્યું ! થોડી વાર તો યુવા જોતી જ રહી ગઈ અને પછી એણે એની પાછળ દોટ મૂકી !

“હેય મિસ્ટર, પ્લીઝ ઉભા રહો, આઈ એમ સોરી, મને ગુસ્સામાં ખબર ના પડી કે તમે કોણ છો, પ્લીઝ ઉભા રહો,” યુવાએ એની પાછળ દોડતા દોડતા બુમ પાડી ને વિનંતી કરી. એ હજુ યાદ કરવા મથતી હતી કે એને એણે ક્યાં જોયો હતો.

એણે રોકાયા વગર ચાલે રાખ્યું ! યુવાને ગુસ્સો તો બહુ આવ્યો પણ સમર  ઉભો જ નહોતો રહેતો ! એણે છેલ્લો દાવ અજમાવ્યો “આ ખૂંખાર ગુંડાઓ ની વચ્ચે એક સ્ત્રી ને છોડીને જતા શરમ નથી આવતી, એટલીસ્ટ મારી મદદ તો કરો” યુવાએ લુચ્ચાઈ વાપરી.

“હા હા હા” એ હસી પડ્યો, “ઓ મેડમ, પ્લીઝ હવે, મેં જોયું કે તમે કેવી રીતે એમને ઠેકાણે પાડ્યા, અને તમારા પ્રહાર મેં પણ ખમ્યા છે. આમાંથી કોઈ ઉભુ પણ થાય એમ નથી. ઝીન્દગીમાં આટલી ચપળતા અને ખુન્નસ મેં ક્યાય જોયું નથી. તમે એક વેલ ટ્રેઇન્ડ માર્શલઆર્ટ માસ્ટર છો, મારી મદદ ની તમારે કોઈ જરૂર નથી” “ખડૂસ, સાલો ભાવ ખાય છે.” યુવાને ગુસ્સો આવ્યો. હવે એ પણ  ઉભી રહી ગઈ અને ત્યાં રસ્તાની બાજુમાં એક પથરાની ઉપર બેસી ગઈ. એને સખ્ખત તરસ લાગી હતી. એના માથામાંથી નીકળતું લોહી જામી ગયું હતું અને થોડું થોડું દુખી રહ્યું હતું. એણે ફરીથી સમરની દિશા માં જોયું પણ એ દેખાતો બંધ થઇ ગયેલો.

અચાનક એની પાસે જોરદાર બ્રેક ની ચિચિયારી સંભળાઈ, એણે ઉપર જોયું તો એક કાળી એમ્બેસેડર કાર આવી ને એની પાસે ઉભી રહી. પ્રોફેસર અને વખત એમાંથી ઉતરીને એની પાસે આવ્યા. એમણે પ્રશ્નોની ઝડી વરસાવી અને યુવાએ  એમને બધી વાત માંડી ને કરી. વખતની આંખો માં ગુસ્સો સળગી ઉઠ્યો, એ દોડીને જ્યાં મારામારી થયેલી ત્યાં પહોંચી ગયો. ત્યાં કોઈ નહોતું ! વખતે માથું ધુણાવ્યું અને એ પાછો કાર પાસે આવ્યો.

પ્રોફેસરે એની સામે સૂચક નજરે જોયું અને એણે આંખોથીજ કૈંક જવાબ આપ્યો અને પછી ગાડી મારી મૂકી.  

સમર એક મોટા ઝાડ ની પાછળ ઉભો રહી ને આ જોતો હતો. જેવી યુવા ગાડી માં બેસી ને જતી રહી એ પાછો ખભે થેલો નાખીને સાંકડી કેડી પર ચાલી નીકળ્યો.

“ગજબ યુવતી હતી યાર” ! એણે મનમાં વિચાર્યું ! એની ભીતર કૈંક સળવળાટ થયો, આટલી સુંદર,મોહક અને ચપળ યુવતી એણે જીવન માં ક્યારેય જોયી નહોતી. એણે એક હાથે એનું માથું પકડ્યું, “સાલું જબરી હતી, શું કિક મારી છે યાર!” એને થયું કે મારે એનું નામ અને એડ્રેસ પૂછવું જોઈતું હતું, પણ હવે શું ? એ રોડ પર બેસી ગયેલી ત્યારે એ ઉભો રહીને એને પાછું મળવાનું વિચારતો હતો ત્યાંજ એ જતી રહી ! એક ઊંડો નિશ્વાસ નાખી ને મન માં ને મન માં મલકાતો એ ચાલી નીકળ્યો. “માં રાહ જોતી હશે”.

એણે રસ્તામાં ઉગેલા જંગલી પીળા ફૂલો ચૂંટી લીધા

સાંકડી કેડી પૂરી થતા જ દેવદાર વ્રુક્ષો નું ઝુંડ આવ્યું અને એની સામે નીચે દૂર એક જરી પુરાણું બેઠા ઘાટ નું ઘર દેખાયું. ઘર ની બાજુમાં રાજદૂત પાર્ક થયેલું હતું અને એની બાજુમાં એક કાળી એમ્બેસેડર પડી હતી. ઘરની ચીમનીમાંથી ધુમાડો નીકળતો હતો. “કદાચ માં એ મારા ફેવરીટ ચીકન કરી અને ભરેલા ભીંડા બનાવ્યા લાગે છે” સમર મનમાં ખુશ થયો. “આજ તો ચુપકેદીથી ગાર્ડનમાં થઇ ને પાછળ ના રસ્તે જઉં અને માં ને ચોંકાવી દઉં” સમરે વિચાર્યું અને ઘર તરફ ચાલી નીકળ્યો.

જેવો એ ચુપકેથી ગાર્ડનમાં ઘુસવા ગયો કે ઘરનું મેઈન ડોર ખુલી ગયું !

“કોનું કામ છે જવાન?” એની માં એની સામે ઉભી હતી. એની આંખો માં સ્મિત હતું, એજ ચહેરો, લાંબા વાળ કે જે થોડા થોડા સફેદ થવા માંડયા હતા, ગાલો માં પડતા ખંજન, વિશાળ આંખો, સમર મટકું માર્યા વગર એની સામે જોઈ રહ્યો “માં ને કેવી રીતે ખબર પડી જતી હશે દર વખતે?”  એણે ઘૂંટણીએ બેસી ને પાછળ સંતાડેલા જંગલી પીળા ફૂલો માં ને આપ્યા. રેવાએ હસી ને એ ફૂલો લઇ લીધા, નમીને સમરના કપાળ પર ચુંબન કર્યું અને ખડખડાટ હસતી હસતી દોડી ને સમર કઈ કહે એ પહેલા દરવાજો બંધ કરીને અંદર ભાગી ગઈ.

સમર ના દિલ માં જૂની યાદો છવાઈ ગઈ. એણે અનાયાસે ગાર્ડન ના દરવાજા તરફ જોયું કે અને એને લાગ્યું કે નાનો સમર અને વિરાટ ત્યાં ઉભા છે અને એને હાથ લાંબા કરીને ઘરની અંદર આવવા માટે બોલાવે છે. એણે માથું ખંખેર્યું અને જેવો ઉભો થયો કે ગાર્ડન નું બારણું ખુલ્યું અને એની આંખો પહોળી થઇ ગઈ !

ત્યાં એ જ યુવતી ઉભી હતી જેને એ થોડી વાર પહેલા મળ્યો હતો. એના માથા પર પાટો બાંધેલો હતો. એની મોટી મોટી આંખો એની સામે જોઈ રહી હતી ! “વેલકમ હોમ કેપ્ટન”, યુવા સમરને જોઈને મલકાઈ.

ભાગ-૧૪ સમાપ્ત.

***

Rate & Review

Golu Patel 3 months ago

Jignesh Garasia 3 months ago

Manish Patadia 4 months ago

Dashrath Sinh Jadeja 4 months ago

Narendra Kansara 4 months ago