આત્માના અંતિમ સંસ્કાર ! - ભાગ-૧૫

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૫

સમર મટકું માર્યા વગર યુવાની સામે જોઈજ રહ્યો ! ઓફ ! આટલી સુંદર આંખો ! આટલું મોહક સ્મિત ! “અંદર આવવું છે કે પછી અહી જ બહાર ઉભા રહેવું છે, કેપ્ટન ?” યુવાનો મધુરો અવાજ એના કાનોમાં પડ્યો અને એ સફાળો જાગી ગયો ! “આ કોણ છે વળી કે જે મારાજ ઘરમાં મને આવકાર આપે છે ?” એણે આશ્ચર્યથી ફરીથી એની સામે જોયું. યુવા ખડખડાટ હસી પડી અને અંદર જતી રહી, એ પાછળ પાછળ ગયો. અંદર એમના વિશાળ ડ્રોઈંગરૂમમાં એક ટેબલ પર ખુણામાં બીજી એક સુંદર યુવતી બેઠી હતી. “હાઈ, આઈ એમ ઝારા” એણે સમર તરફ હાથ હલાવ્યો. ડ્રોઈંગરૂમની બાજુમાં આવેલા હીંચકામાં એની માં બેઠી હતી અને એની સામે જોઇને સ્મિત કરી રહી હતી. “આવો જવાન આવો, બોલ કોણ છે આ ?” રેવાએ યુવા તરફ ઈશારો કરીને પૂછ્યું. સમરે એનો થેલો નીચે મુક્યો અને માથું ખંજવાળ્યું. “આ......આ.....,ઉમ્મ્મ્મ...., કોણ છે માં ?” રેવા મધુર હસી અને ઉભી થઇ ને એણે સમરના માથે ટપલી મારી. “પ્રોફેસર સિન્હા યાદ છે તને ? ઈશિતાઆંટી ? આ એમની પુત્રી યુવા છે, તમે લોકો નાના હતા ત્યારે અહી સાથે રમતા. હવે યાદ આવ્યું ? ઉપર મારા રૂમમાં એનો ફોટો પણ છે !” સમરે આંખો પહોળી કરી દીધી ! “યુવા, આ,,,,,આ અંચાઈડી ? આટલી મોટી થઇ ગઈ ? વાહ ! શું વાત છે ? યુવા,,,,,,,,,,,” યુવા શરમાઈ ને હસી પડી. “શું વાત છે ?! માં, હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું ? આટલા વર્ષો વીતી ગયા ! યુવા, તું,,,તું,,,તું ક્યા હતી ? પ્રોફેસર અંકલ ક્યા છે ?” સમર હજુ પણ આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ હતો.

“હું અહી છું કેપ્ટન, હાવ આર યુ ? યુ લુક હેન્ડસમ.” પ્રોફેસરનો ઘેરો અવાજ આવ્યો અને સમરે પાછળ ફરીને જોયું અને એ પ્રોફેસરને પગે લાગ્યો. પ્રોફેસરે આનંદથી એની પીઠ થપથપાવી અને એને ભેંટી પડ્યા. પ્રોફેસરે સમરની ઓળખાણ ખુણામાં ઉભેલા વિશાળકાય વખત સાથે પણ કરાવી. સમર આશ્ચર્યથી લગભગ સાડા સાત ફીટ ઉંચા વિશાળકાય આખલા  જેવા આદમીને જોઈ રહ્યો. “સમર, તું જલ્દી નહાઈ લે એટલે આપણે બધા જમી લઈએ” રેવાનો અવાજ આવ્યો અને સમર ઉપર એના રૂમમાં નહાવા જતો રહ્યો !

ઉપર રૂમમાં જઈને સમરે એનો થેલો બેડ પર નાખ્યો અને આંખો બંધ કરી દીધી. એ મનોમન હસી પડ્યો. એના માનસપટલ પર યુવાનો ચહેરો ઉભરી આવ્યો. એણે ઝડપથી એના રૂમના કબાટમાં ઉપર મુકેલા જુના આલ્બમ કાઢ્યા અને એ યુવાને એમાં શોધવા લાગ્યો. નાનકડી પરી જેવી સુંદર ગોરી ગોરી યુવા ક્યાંક એનો હાથ પકડીને ઉભી હતી, ક્યાંક એ એના પાપા મેજર સમ્રાટના ખોળામાં હતી, ક્યાંક યુવા અને વિરાટ એક બીજાના વાળ પકડીને લડતા હતા એવા ફોટા હતા ! અરે એક ફોટામાં તો એ પોતે યુવાને તેડીને ઉભો હતો અને યુવાના મોઢામાં લોલીપોપ હતી ! સમર હસી પડ્યો. એણે માથું ધુણાવ્યું અને એ નહાવા જતો રહ્યો. આજે એને ખુબ સારું લાગી રહ્યું હતું. એના હૃદયમાં કૈંક થઇ રહ્યું હતું ! આટલા વર્ષો આર્મીની આકરી ટ્રેનીંગમાં એણે કાઢ્યા હતા પણ આજે પહેલી વાર એ એની ટેવ વિપરીત એકાદ કલાક જેવું આરામથી નહાયો. આપો આપ એના મોઢામાંથી સીટી પણ વાગવા લાગી. એને ખબર નહિ પણ ખુબજ સારું લાગી રહ્યું હતું.

“ઠક ઠક ઠક” એના દરવાજે ટકોરા પડ્યા. “ઓ જવાન, ભૂખ લાગી છે, કેટલી વાર થશે તમને નહાતા ?” યુવાનો અવાજ એના કાને પડ્યો. એણે ઝડપથી કપડા પહેર્યા અને બારણું ખોલ્યું. “હાઈ, સોરી, હું જરા,,,” સમર ખચકાયો અને યુવા અંદર આવી ગઈ અને એનું ધ્યાન બેડ પર પડેલા આલ્બમ પર ગયું. “વાહ વાહ ! તો સાહેબ જૂની યાદો તાજી કરતા હતા ! મને પણ બતાવો” યુવાએ આલ્બમ હાથમાં લીધું. સમર યુવાની બાજુમાં બેસી ગયો અને એને એક પછી એક ફોટાઓ બતાવા લાગ્યો. “તમે મને અંચઈડી કે કીધેલી ? શું હું બહુ જ અંચઈ કરતી હતી નાનપણમાં ?” યુવાએ આંખો મોટી કરીને પૂછ્યું. સમર હસી પડ્યો. “હા, તું અને વિરાટ, મારો નાનો ભાઈ, તમે બંને એક નંબરના શેતાન હતા ! બંને પાછા મારાથી પાંચ વરસ નાના એટલે પાપા અને પ્રોફેસર અંકલ તમને બંનેને ખુબજ પ્રેમ આપતા અને તમારા બધા તોફાનો માફ કરી દેતા.” યુવા  પણ હસી પડી. “વિરાટ ક્યા છે ?” “એ તો દિલ્હીમાં ભણે છે, એને આર્મી જોઈન કરવી નહોતી. એ ત્યાં એમ.બી.એ. કરે છે. એ પણ આવશે અહી, હું એને ફોન કરીને બોલાવું છું. એ તને જોઇને ખુબજ ખુશ થઇ જશે.” સમરે કહ્યું.

“ક્યાં છો તમે લોકો ? ભૂખ લાગી છે, ચાલો નીચે, રેવામાં બોલાવે છે” ઝારાનો અવાજ એમના કાને અથડાયો અને એ બંન્ને ઉભા થઇ ગયા. ઝારાએ યુવા સામે આંખો નચાવી. યુવાએ આંખો પહોળી કરીને ગુસ્સાથી ઝારાને ટપલી મારી. ઝારા ખીલખીલ હસી પડી અને સમર નીચે જતો રહ્યો. “મસ્ત છે હો દી, ઉંચો હેન્ડસમ, આપણને તો ગમ્યો હો” “બે યાર તું પણ, શું ગમ્મે તેમ બોલે છે ?” યુવાએ ઝારાને ચીંટીયો ભર્યો અને એ બંને નીચે હસતી હસતી જતી રહી.

જમીને રેવા અને ઝારા ઉપર રૂમમાં જતા રહ્યા. યુવા, સમર, વખત અને પ્રોફેસર ગાર્ડનમાં બેઠા. “અંકલ, કોણ હતા એ લોકો જેમણે યુવા પર હુમલો કરેલો ?” સમરે પૂછ્યું. “બેટા, મને લાગે છે કે કોઈ અમારો પીછો કરી રહ્યું છે. મારા રીસર્ચ પેપરમાં એમને રસ છે અને એને પામવા માટે એ  લોકો મારી છોકરીઓ નું અપહરણ કરવા માંગે છે. મુંબઈમાં પણ એમના ઉપર હુમલો થઇ ચુક્યો છે.” પ્રોફેસરે આંખો બંધ કરીને કહ્યું. “હું ગયો હતો ત્યાં, પણ કોઈ એ લોકોને ઊંચકીને લઇ ગયું હતું ત્યાંથી” વખતે ગુસ્સાથી કહ્યું. “એમને સુરક્ષિત રાખવા તો હું અહી આવ્યો પણ અહી પણ એ લોકો પહોંચી ગયા છે” પ્રોફેસરે ચિંતાથી કહ્યું. “અંકલ, તમે ચિંતા ના કરો, હું અહીના લોકલ પોલીસને ઓળખું છું, હું સાંજે જઈને એમને મળી આવું છું અને આ લોકોની સુરક્ષાની વ્યવસ્થા કરાવી આવું છું. તમે બેફીકર થઇને પાછા જાવ, હું અહી જ છું અત્યારે તો એક મહિના માટે, પછી જોયું જશે. વિરાટ પણ સાંજે આવે છે અહી, મેં એને ફોન પણ કરી દીધો છે.” સમરે પ્રોફેસરને આશ્વસ્ત કર્યા. પ્રોફેસરે માથું ધુણાવ્યું. “હું પણ અહી જ રહીશ આ લોકો સાથે” વખત બોલ્યો. “તમે ચિંતા ના કરો વખતજી, મારા રહેતા આ લોકોનો કોઈ વાળ પણ વાંકો નહિ કરી શકે” સમરે વખત સામે જોઇને કહ્યું. “બંને ઈઝરાયેલી સેનાના ગ્રેડ વન કમાન્ડો છે, સમર, મને એવી કોઈ ચિંતા નથી. હું પરમ દિવસે જઈશ અહીંથી, વખત તું પણ ચાલ મારી સાથે, સમર અને વિરાટ અહી છે અને એમને પોલીસ પ્રોટેક્શન પણ મળશે એટલે ચિંતા નથી” પ્રોફેસરે વાતનું સમાપન કર્યું.

***

સાંજે સમરે એના પિતાજીની જૂની રાજદૂતને સાફ કરીને કિક મારી એટલામાં યુવા ત્યાં આવી પહોંચી. “હું પણ આવું છું પોલીસસ્ટેશન તમારી સાથે” અને એ સમરની પાછળ બેસી ગઈ અને સમરે સાંકડી કેડી પર બાઈક મારી મૂકી.

ઇન્સ્પેક્ટર રહાણે સમરનો જુનો મિત્ર હતો. સમરે એને બધી વાત કરી અને એણે ફરિયાદ લખી લીધી અને બે કોન્સ્ટેબલને એમના ઘેર સુરક્ષા માટે મોકલવાનું વચન આપ્યું. વળતા યુવાએ સમર પાસેથી બાઈકની ચાવી માંગી. સમરે હસીને એના હાથમાં ચાવી આપી અને એ પાછળ બેસી ગયો. યુવાએ બાઈક મારી મૂકી. યુવાના હવામાં લહેરાતા વાળ સમરની આંખોમાં જતા હતા પણ એ આંખો બંધ  કરીને બેસી રહ્યો. એને આહ્લાદક અનુભૂતિ થતી હતી. એક સપાટ મેદાન પાસે એક નાનકડું તળાવ હતું. યુવાએ ત્યાં બાઈક ઉભી રાખી અને એની સાથે લીધેલા કેમેરામાંથી એ ફોટા પાડવા લાગી. અચાનક એણે એના કેમેરાનું ફોકસ ઝૂમ કર્યું અને એને એક મોટા ટેકરા પાછળથી કોઈ આવતું હોય એવું લાગ્યું ! કોઈ નવજુવાન એની તરફ આવી રહ્યોં હતો. એના લાંબા સુંદર વાળ હવામાં લહેરાતા હતા. એના ખભે થેલો હતો અને એ સીટી વગાડતો આવી રહ્યો હતો. યુવાએ વધારે ઝૂમ કર્યું અને એની આંખો પહોળી થઇ ગઈ. ફોટામાં જોયો હતો એનાથી પણ હેન્ડસમ અને કસાયેલી કાયાવાળો ઉંચો ગોરો વિરાટ એની તરફ આવી રહ્યો હતો. “હેઈ” એણે દૂરથી સમર તરફ બુમ પાડીને હાથ હલાવ્યો અને સમરે પણ સામે હાથ હલાવ્યો. એ દોડતો આવ્યો અને સમરને ઉષ્માથી ભેંટી પડ્યો. પછી એણે યુવા તરફ જોયું અને એની સુંદર બિલકુલ રેવા જેવી આંખો પહોળી થઇ ગઈ “યુવાડી, વોટ એ સરપ્રાઈઝ, તું જ છે ને ? યુવા, આઈ કાન્ટ બીલીવ માઈ આઈઝ, મને ભાઈએ ફોનમાં કીધેલું કે તું આવી છે, પણ હું માની જ નાં શક્યો” યુવા આગળ વધી અને એને ભેંટી પડી. વિરાટે એને ઊંચકી લીધી અને ગોળ  ગોળ ફેરવી અને પ્રેમથી યુવાના ગાલ પર ચુંબન કર્યું. સમર આનંદથી બંનેને જોઈ રહ્યો. “તું અદભુત લાગે છે, યુવા, માઈ ગોડ, લાઈક અ દીવા” વિરાટે એની આંખોમાં જોતા કહ્યું. “તું પણ હેન્સમ હંક લાગે છે વિરાટ. નાનપણના તારા ફોટા જોયા પછી અત્યારે તો તું બિલકુલ ઓળખાતો નથી. તું બિલકુલ રેવામાં પર ગયો છે” યુવાએ હસતા હસતા કહ્યું. “હા, સાચી વાત છે, હું માં પર અને આ મોટો પાપા પર ગયો છે, એવોજ ખડૂસ છે, પણ દિલ નો સારો છે હો મારો ભાઈ” વિરાટે સમર સામે આંખો નચાવી  અને સમરે એને ધબ્બો માર્યો. “મારે ખુબ ખુબ વાતો કરવાની છે તારી સાથે યુવાડી” વિરાટે એનો હાથ પકડીને કહ્યું. સમરે હસીને માથું નમાવ્યું અને એણે બાઈકને કિક મારી અને એ ઘર તરફ નીકળી ગયો. યુવા અને વિરાટ હાથ પકડીને સાંકડી કેડી પર ચાલવા લાગ્યા. બંને ખુબજ આનંદિત હતા આજે એક બીજાને મળીને. બંનેએ નાનપણની યાદો તાજી કરી.

જેવી સાંકડી કેડી પતી કે દેવદાર વ્રુક્ષોનું ઝુંડ આવ્યું અને એની સામે નીચે એક નાનકડો રસ્તો દેખાયો. બંને વાતો કરતા કરતા એના પર ચાલવા લાગ્યા. વિરાટે આંખો ઝીણી કરીને જોયું તો સામે એના ઘરના દરવાજામાં રેવા ઉભી હતી. રેવા, એની માં, એના માટે જગતની અત્યંત સુંદર વ્યક્તિ. એણે એનો થેલો યુવાના હાથમાં પકડાવ્યો અને એ એની તરફ દોડ્યો અને નજીક પહોંચીને એણે રેવાને ઊંચકી લીધી અને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. રેવા ખડખડાટ હસી પડી. થોડીવારે વિરાટે એને નીચે મૂકી અને રેવાએ ઝુકીને વિરાટના માથે ચુંબન કર્યું. એટલામાં સમર ખભા પર લાકડા લઈને ત્યાં આવ્યો. “આજે રાત્રે આપણે ગાર્ડનમાં બાર્બેક્યુ કરીશું.” “વાહ, ભાઈ હો તો એસા” વિરાટે આનંદથી સમરનો ખભો થાબડ્યો અને જવાબમાં સમરે એણે ઉપાડેલા લાકડાઓ વિરાટના હાથમાં મૂકી દીધા. વિરાટે મોઢું બગડ્યું અને બધા હસી પડ્યા.

***

રાત્રે બધા ગાર્ડનમાં બેઠા હતા. એક ખુણામાં ગ્રીલ પર વિરાટ બાર્બેક્યુ ગોઠવી રહ્યો હતો. પ્રોફેસર અને રેવા એક ટેબલ પર બેસીને ડ્રીન્કસ લેતા હતા. સમર એની મનપસંદ બકાર્ડી એક ફ્લાસ્કમાં ભરી રહ્યો હતો. યુવાએ પણ પાસે આવીને ગ્લાસ ધર્યો અને સમરે હસીને એને એક ગ્લાસ ભરી આપ્યો. ઝારા વિરાટની પાસે ઉભી ઉભી એને મદદ કરતી હતી. વખત પણ એક ખૂણામાં બેઠો બેઠો આ બધાને આનંદથી જોઈ રહ્યો હતો. “તો તમે ઈઝરાયેલી સેનાના કમાન્ડો રહી ચુક્યા છો એમ ? સરસ, તમને સરસ હિન્દી આવડે છે.” વિરાટે ઝારાને કહ્યું. “મને હિન્દી જ નહિ પણ બીજી ૧૨ ભાષાઓ પણ આવડે છે. એ અમારી ટ્રેનીંગનો એક પાર્ટ હતો અને હું એમાં સહુથી વધારે ભાષાઓ શીખી હતી.”ઝારાએ ગર્વથી કહ્યું. “અહી આવીને કેવું લાગે છે ? ભારત ?” વિરાટે પૂછ્યું. “ઓહ ! ભારત ! બહુ મોટો દેશ છે ! બહુ બધા લોકો, ખુબજ પ્રેમાળ, પ્રોફેસર અંકલ મને દીકરીની જેમ રાખે છે. અને તમારી આ જગ્યા, અદભુત છે ! આવી સુંદર જગ્યા મેં ક્યાય જોઈ નથી.” ઝારાએ સ્મિત કરતા કહ્યું. “અરે મેડમ, જગ્યા જ નહી, અહીના લોકો પણ સુંદર છે, અને ટેલેન્ટેડ પણ ! હમણા જુવો હું પરચો બતાવું છું” વિરાટે કહ્યું.

જમીને વિરાટે બધ્ધાને એક સર્કલમાં ખુરશીઓ લઈને બેસાડ્યા અને એ વચ્ચે બેઠો હાથમાં ગીટાર લઈને. એનો અવાજ ખુબ સુંદર હતો, એણે ઘણા ગીતો ગયા અને બધાએ જેવું આવડ્યું એવા સુર પણ પુરાવ્યા. થોડીવાર થઇ એટલે ઝારા  આગળ આવી અને એણે વિરાટના હાથમાંથી ગીટાર લઇ લીધું અને એણે એક બે હિબ્રુ અને અરેબીક ગીતો ગાયા. બધાએ ખુશ થઇને તાળીઓ પાડી. થોડીવાર પછી ઝારાએ ગીટાર યુવાને આપ્યું અને યુવાએ એક બે હિન્દી ગીતો ગાયા અને પછી એણે એક હિબ્રુ ગીત લલકાર્યું કે જે એને બેરુરાએ નાનપણમાં શીખવાડ્યું હતું. બધાએ આનંદથી તાળીઓ પાડી.

અચાનક એમના ઘરની બહાર એક પોલીસ જીપ આવીને ઉભી રહી ગઈ. ઇન્સ્પેકટર રહાણે એમાંથી ઉતર્યો અને એની સાથે બે કોન્સ્ટેબલ પણ હતા. સમર આગળ આવ્યો અને એણે રહાણેનો આભાર માન્યો. એ બંને કોન્સ્ટેબલ ત્યાજ રહેવાના હતા જ્યાં  સુધી યુવા અને ઝારા ત્યાં હતા. સમરે એમની વ્યવસ્થા કરી અને એ પાછો ગાર્ડનમાં આવી ગયો. રહાણે કામ હોવાથી ત્યાંથી પાછો ફરી ગયો હતો. “પોલીસ પ્રોટેક્શન આવી ગયું છે” સમરે કહ્યું અને પ્રોફેસર માર્મિક હસી પડ્યા. “સમર, ભારતીય સેનાનો એક જાંબાઝ જવાન, આ બાજુમાં ઉભા એ, વખત, મહાબલી વખત, આ બંને સામે બેઠી એ જગતની સહુથી ખૂંખાર કમાન્ડો યુવા અને ઝારા, આટલા બધા પ્રતિભાશાળી લોકોને પણ પ્રોટેક્શન જોઈએ છે ! નસીબની બલિહારી છે !” બધ્ધા હસી પડ્યા. “વિરાટને નાં ભૂલશો પ્રોફેસર, એ પણ કઈ કમ નથી, મેં એને સ્પેશીયલ ટ્રેનીંગ આપી છે અને એ પણ એટલો જ તૈયાર છે” સમરે વિરાટની સામે જોતા જોતા કહ્યું. વિરાટે માથું જુકાવીને પ્રતિસાદ આપ્યો. ઝારાએ આંખો ઉંચી કરીને મશ્કરી કરી “જોઈએ તમારી ટ્રેનીંગ કેવી છે” “આવી જાવ મેદાનમાં કાલે સવારે, મેડમ, ભારતીય જવાને આપેલી ટ્રેનીંગ છે, જોઈ લો એમાં કેટલો દમ છે” વિરાટે હસતા હસતા કહ્યું.

લગભગ કલાક પછી બધા ટોળે વળીને રેવા પાસે બેઠા હતા. રેવા લગભગ ત્રણ ચાર પેગ મારી ચુકી હતી અને એની સુંદર આંખોમાં નશો છવાઈ ગયો હતો. પ્રોફેસરે એનો હાથ થપથપાવ્યો. એમને ખબર હતી કે રેવા અત્યારે મેજરને ખુબજ યાદ કરી રહી છે. યુવા રેવાની પાસે બેઠી અને હળવેથી એણે એની આંખો રેવાની આંખોમાં નાખી. “રેવામાં, તમને ખરાબ નાં લાગે તો એક વાત પૂછું ? અમને પ્લીઝ તમે મેજર સમ્રાટની વાતો કહો ને, તમે એમને કેવી રીતે મળ્યા હતા ? પ્લીઝ.” રેવાએ એક દર્દભર્યું સ્મિત કર્યું અને સમર અને વિરાટની સામે જોયું. સમરે માથું હલાવ્યું અને રેવાએ કહ્યું “બેટા, મેજર સમ્રાટ અને મારી વાત હું કરીશ. હું એમને ખુબ જ મીસ કરું છું, પણ આજે તમને બધ્ધાને મારી સાથે જોઈને મને સારું લાગે છે. કાશ કે એ પણ અત્યારે અહી હોત.” “એ ક્યા છે રેવામાં” ઝારાએ અચાનક પૂછ્યું. વિરાટે એનો હાથ દબાવ્યો. “એ ક્યા છે એ તો અમને ખબર નથી બેટા, હું તમને માંડીને વાત કહું છું બધ્ધી.” રેવાએ શરુ કર્યું.

“મેજર સમ્રાટ વિક્રમ શર્મા, ઇન્ડિયન આર્મી, સાડા છ ફૂટ ઊંચા, કદાવર, કોઈ પણ પહેલવાન ને શરમાવે એવું શરીર, સુદ્રઢ બાંધો, પહોળી છાતી, પાણીદાર આંખો, ભરાવદાર મૂછો, ડાબી બાજુએ પાંથી પડેલા ટૂંકા વાળ, લાંબી ડોક, મક્કમ ચાલ અને એનાથી સાવ વિપરીત હોઠો પર ફરકતું આછું સ્મિત.  મેજર જયારે જયારે બોલતા ત્યારે એમનો ધીર ગંભીર અવાજ અને એક એક શબ્દ પર ભાર  મૂકી ને બોલવાની છટા, વાતે વાતે હાથો નો ઉપયોગ  કરી ને બોડી મુવમેન્ટ કરવું, સામેવાળો જો નજીક નો વ્યક્તિ હોય તો એને હસતા હસતા ધબ્બો મારવો એ એમની ખાસિયતો હતી. જેમને એ મિત્ર માની લેતા એને એ દિલ દઈ ને પ્રેમ કરતા અને એના માટે સર્વસ્વ લૂંટાવા તૈયાર રહેતા. હું શિમલામાં એક આર્મી બોર્ડીંગ સ્કુલમાં ભણતી હતી. મારા પિતાજી પણ આર્મીમાં હતા, મારી માતાજીનું હું નાની હતી ત્યારથી જ અવસાન થઇ ગયું હતું. હું ઘણી વખત પિતાજી સાથે આર્મીની પાર્ટીઓમાં જતી અને કાયમ ત્યાં આવતા બેચલર જવાનોની નજર મારી ઉપર રહેતી. મને આની ખબર હતી અને હું એનો આનંદ પણ ઉઠાવતી.” રેવાએ એક શરારતી સ્મિત કર્યું અને બધા ખડખડાટ હસી પડ્યા. રેવાએ આગળ ચલાવ્યું “પણ એક જવાન હતો જે ખુણામાં બેસી રહેતો, કોઈની સાથે બહુ વાતો કરતો નહોતો. એ કોઈ દિવસ મારી પાસે આવીને ડાન્સ કરવાની માંગણી પણ નહોતો કરતો. મને અજુગતું લાગતું અને પેલું કહેવાયને કે રીવર્સ સાયકોલોજી ઈફેક્ટ મુજબ મને એના વિષે જાણવાની આતુરતા થતી. કોઈ ગ્રીક દંતકથામાંથી આવેલા પાત્ર જેવો એ લાગતો. આ સમર બેઠો છે અહી, જોઈ લો એને, બસ એના જેવી જ પર્સનાલીટી, કોઈપણ સ્ત્રીને ગમી જાય એવું વ્યક્તિત્વ. એક દિવસ બહુ વરસાદ પડતો હતો અને હું પિતાજી સાથે એક પાર્ટીમાંથી ઘેર જઈ રહી હતી. શિમલાના નાનકડા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. પિતાજી પાસે જૂની ફોર્ડ કાર હતી અને એ પોતે ડ્રાઈવ કરી રહ્યા હતા. જેવા અમે એક વળાંક પસાર કરીને આગળ વધ્યા કે મેં જોયું કે વરસતા વરસાદમાં એક ઝાડના ખૂણે એક રાજદૂત પડ્યું હતું. બાજુમાં કોઈ નીચે પડ્યું પડ્યું કણસી રહ્યું હતું. મેં પિતાજીને ઈશારો કર્યો અને એમણે કાર આગળ સાઈડમાં ઉભી રાખી અને હું એમની સાથે છત્રી લઈને નીચે ઉતરી. મેં જોયું કે વરસતા વરસાદમાં કેપ્ટન સમ્રાટ-એ વખતે એ કેપ્ટન હતા- નીચે પડ્યા હતા. કદાચ એમનું બાઈક સ્લીપ થઇ ગયું હતું. એમનો ડાબો પગ રાજદૂત નીચે આવી ગયો હતો. એ ઉભા થઇ શકતા નહોતા. પિતાજી અને મેં જોર કરીને રાજદૂતને એમના  પગ ઉપરથી હટાવ્યું અને મેં જોયું કે એમનો ડાબો પગ લોહીથી લાલ લાલ થઇ ગયો હતો. “આ સાડા છ ફીટને આપણે નહિ ઊંચકી શકીએ રેવા, હું પાછો ક્લબ પર  જાઉં છું અને થોડા જવાનોને બોલવું છું, ત્યાં સુધી તું અહી રહે” આટલું કહીને મારા પિતાજી કાર લઈને પાછા ક્લબ તરફ જતા રહ્યા. અચાનક વરસાદનું જોર વધી ગયું. મેં મારી છત્રી સમ્રાટ પર કરી અને હવે એમણે આંખો ખોલી. એ મારા તરફ મટકું માર્યા વગર જોઈ જ રહ્યા. મને ખબર નહિ કેમ પણ શરમ આવી ગઈ અને મેં મારી આંખો જુકાવી દીધી. “હાઈ, આઈ એમ સમ્રાટ, યુ આર રેવા, રાઈટ” આટલી પીડામાં પણ એમણે સ્મિત કરીને મારા તરફ હાથ લંબાવ્યો. મેં મારો હાથ એમના હાથમાં આપી દીધો અને માથું જુકાવ્યુ. “તમને ખુબ વાગ્યું લાગે છે, પાપા ગયા છે મદદ માટે, તમે ચિંતા ના કરો” મેં એમને સાંત્વન આપ્યું. એ ફિક્કું હસ્યા. “થેન્ક્સ, મને સારું છે, કદાચ હાડકું ભાંગી ગયું લાગે છે, પણ હું બચી ગયો. તમે આ છત્રી લઇ લો મારા ઉપરથી, આઈ એમ ઓકે. મને વરસાદ બહુ ગમે છે” હું આશ્ચર્યથી એને તાકી રહી ! આટલી આટલી પીડામાં હોવા છતાં પણ આ માણસ વરસાદનો આનંદ માણી રહ્યો હતો ! મેં એમનો હાથ પકડ્યો અને એમને ત્યાંથી આગળ થોડે ઉપર એક ખડક  પર બેસવામાં મદદ કરી. થોડીવારમાં પાપાની કાર આવીને ઉભી રહી. પાપા એકલા એમાંથી ઉતર્યા. “ડેમ, બધા જતા રહ્યા છે, આપણે એમને કારમાં બેસાડવા પડશે” એ બોલ્યા. આવડા મોટા પહેલવાન જેવા સાડા છ ફૂટના માણસને મેં અને પાપાએ જેમ તેમ ટેકો કરીને ઉભા કર્યા અને કારમાં બેસાડ્યા. પાપા એ કાર હોસ્પિટલ મારી મૂકી. હું પાછળ એમની બાજુમા બેઠી હતી. એમને ખુબ પીડા થતી હતી પણ એમના મુખ પર હાસ્ય ફરકતું હતું. હું એમનો હાથ પકડીને બેસી રહી. મને કૈંક થતું હતું. મારા રોમ રોમમાં કોઈક આનંદની લાગણી અનુભવાતી હતી. એમનો ગરમ ગરમ ઉષ્મા સભર હાથ મારા હાથોમાં હતો. બસ આ હાથ કોઈ દિવસ છૂટે નહિ એવી હું પ્રાથના મનો મન કરવા લાગી” રેવાના સુંદર ગાલો પર શરમનો શેરડો ફૂંટી નીકળ્યો. પ્રોફેસર આગળ આવ્યા અને  એમણે રેવાનો હાથ પકડીને ઉષ્માથી દબાવ્યો. રેવાએ એક ફિક્કું સ્મિત કર્યું અને સમરને ઈશારો  કર્યો એક ડ્રીંક બનાવાનો. સમરે એક ડ્રીંક બનાવીને રેવાને આપ્યું અને રેવાએ આગળ ચલાવ્યું. “એ બે દિવસ હોસ્પિટલમાં રહ્યા. એમને પગમાં ફ્રેકચર થયું હતું. ડોકટરે આઠ વિક આરામ કરવાનું સુચન કર્યું હતું. પાપાએ એમની ખુબ નાં છતાં પણ એમને આર્મી હોસ્પિટલમાં ન રાખતા અમારા ઘેર ટ્રાન્સફર કરવાનું સુચન કર્યું. મને એ સુંદર દિવસ યાદ છે જ્યારે એમને અમારા ઘેર લાવવામાં આવ્યા હતા. મારું રોમ રોમ નાચી ઉઠ્યું હતું. એમને નીચેના રૂમમાં રાખવામાં આવ્યા હતા. રોજ એક નર્સ આવતી અને એમને જરૂરી દવાઓ આપી જતી અને સ્પંજ પણ કરી આપતી. હું બસ એમની આગળ પાછળ ફરતી રહેતી અને એમની સાથે વાતો કરવાનો મોકો શોધતી રહેતી. એક દિવસ પાપા ઘેર નહોતા અને નર્સ પણ ખુબજ વરસાદ પડતો હોવાથી આવી શકી નહોતી. હું એમના માટે કોફી બનાવીને એમના રૂમમાં આપવા ગઈ હતી. “આજે નર્સ નહિ આવે, હમમમ,,,રેવા, તમે મને થોડું ગરમ પાણી કરી આપશો પ્લીઝ ? હું જાતે જ સ્પંજ કરી લઈશ આજે” સમ્રાટ ધીરેથી બોલ્યા. હું ફટાફટ કિચનમાં ગઈ અને ગરમ પાણી લેતી આવી. મેં એમને બેઠા થવામાં મદદ કરી. એમને બહુ કષ્ટ પડતું હતું બેઠા થવામાં. મેં એમનો હાથ પકડ્યો અને ધીરેથી એમનો શર્ટ ઉતાર્યો. એ મારી સામે જોઈ રહ્યા પણ કઈ બોલ્યા નહિ. મેં ધ્રુજતા હાથે કપડું લીધું અને ગરમ પાણીમાં બોળીને એમના કસાયેલા શરીર પર ફેરવવાનું શરુ કર્યું ! મારા ગાલ શરમથી લાલ થઇ રહ્યા હતા ! લગભગ પંદર મિનીટ મેં એમને સ્પંજ કર્યું પણ એ પંદર મિનીટ મારા જીવનની અનોખી પળો હતી. એમણે મારો હાથ પકડ્યો અને મને થેન્ક્સ કહીને મારા હાથ પર એક ચુંબન કરી દીધું. મારું હૃદય જાણે કે હમણા ફાટી પડશે એવું મને લાગ્યું !” યુવા અને ઝારાની સાથે બધા ખડખડાટ હસી પડ્યા. “ટીનેજર લવ, યુ નો ?” વિરાટ આગળ આવ્યો અને રેવાના માથા પર ચુંબન કર્યું. રેવા પણ આંખો મીચીને સ્મિત કરી રહી. “થોડા દિવસોમાં એ જતા રહ્યા પણ મારું દિલ એમની પાસે રહી ગયું. મને ખબર નહોતી કે એ પણ મને પ્રેમ કરે છે કે નહિ પણ મારું આખું જીવન મેં એમના નામે કરી દીધું હતું. હું ખુબજ ઉદાસ રહેવા લાગી હતી એમના વગર અને એ ક્યારે પાછા આવે એની રાહ જોઈ રહી હતી. લગભગ છ મહિનાના લાંબા વિયોગ પછી એક દિવસ પાપા સાથે હું ક્લબમાં ગઈ હતી અને મેં એમને ત્યાં જોયા. એ એક તરફ બેઠા બેઠા ડ્રીંક લઇ રહ્યા હતા. મને જોઇને એમની આંખોમાં પણ ચમક આવી ગઈ. પાપા અને એ ઉષ્માપૂર્વક મળ્યા. પાપાએ બીજે દિવસે રાત્રે એમને ઘેર ડીનર માટે બોલાવ્યા અને એમણે સહર્ષ સ્વીકારી લીધું. ત્યાર પછી ચમત્કાર થયો. મ્યુઝીક ચાલુ થયું અને ઝીન્દગીમાં કોઈ દિવસ નહિ ને આજે સમ્રાટ આગળ આવ્યા અને એમણે મારો હાથ પકડીને મને ફ્લોર ઉપર ડાંસ કરવાનું આમંત્રણ આપ્યું. એ દિવસ મારા માટે ખુબજ ખાસ હતો. અમે અડધી કલાક ડાંસ કર્યો. મારા માટે તો એમના વિશાળ ખભા પર માથું મુકવું, એમની બાહોમાં રહેવું એ જ વધારે મહત્વનું હતું. થોડીવારમાં ડાંસ પૂરો થઇ ગયો. એ મારા પાપા પાસે ગયા અને કૈંક વાત કરીને પાછા આવ્યા. એમના મુખ પર હાસ્ય હતું. “આજે હું તમને ઘેર મૂકી જઈશ, હું તમારા પાપા પાસેથી પરમીશન લઈને આવ્યો છું” એમણે હસતા હસતા મને કહ્યું અને હું ઓલમોસ્ટ બેભાન થતા રહી ગઈ ! ડીનર પછી એમણે મારો હાથ પકડ્યો અને અમે ક્લબની બહાર પાર્ક કરેલી એમની રાજદૂત આગળ ગયા. “ચાલો મેડમ બેસી જાઓ, આજે તમને હું શેરની સવારી કરાવું” એ કિક મારતા બોલ્યા. “હાડકું તો  નહિ તૂટે ને ફરીથી ?” મેં કમર ઉપર હાથ રાખીને બનાવટી ગુસ્સો કરીને પૂછ્યું અને એ હસી પડ્યા. હું એમના ખભે હાથ મૂકીને પાછળ બેસી ગઈ. શિમલાની વાંકી ચુકી ગલીઓમાં એમણે બાઈક મારી મુક્યું. હું એમના  ખભા સજ્જડ પકડીને પાછળ બેસી રહી. મને ખુબજ મજા આવી રહી હતી. થોડીવારમાં અમે એક તળાવના કિનારે આવી પહોંચ્યા. લગભગ અંધારું થઇ ગયું હતું અને બોટિંગ બંધ થઇ ગયું હતું પણ આર્મીનો યુનિફોર્મ જોઇને એક વ્યક્તિ ઝડપથી એમની તરફ  આવ્યો અને એમણે એની સાથે કૈંક વાતો કરી અને એણે અમને એક પેડલ બોટ આપી દીધી. લગભગ એકાદ કલાક સુધી અમે બોટિંગ કર્યું. એમણે જ્યારે બોટ બરોબર વચ્ચે પહોંચી ત્યારે પેડલ એક તરફ મૂકી દીધા અને મારી સામે જોયું. એમની આંખોમાં અઢળક પ્રેમ છલકાતો હતો. “રેવા, હું તમને ખુબજ પ્રેમ કરું છું. તમને કદાચ નવાઈ લાગશે પણ મેં જ્યારે તમને પહેલી વાર જોયા  ત્યારેજ મને પ્રેમ થઇ ગયેલો. સારું થયું કે મારો પગ ભાંગ્યો અને હું તમારા ઘેર રહેવા આવ્યો. મને ખબર નહિ કેમ પણ જ્યારથી હું સાજો થઇને પાછો આર્મી બેઝ કેમ્પ ગયો ત્યારનો ગુમ સુમ રહું છું. મારા સાથીદારોએ મારી ખુબજ મજાક ઉડાવી હતી. એમને ખબર પડી ગઈ હતી કે હું પ્રેમમાં છું. ખુબજ હિંમત ભેગી કરીને હું આજે આવ્યો છું. મને લાગે છે કે તમે પણ મને પ્રેમ કરો છો. તમને જાણી ને આશ્ચર્ય થશે પણ બે દિવસ પહેલા તમારા પાપાનો મને પત્ર આવ્યો હતો અને એમાં એમણે સ્પષ્ટ લખ્યું હતું કે રેવા તમારા વગર સુની પડી ગઈ છે, શી લાઈક્સ યુ અને જો તમને પણ એવું જ થતું હોય તો તમે ક્લબ આવો અને મળો અમને. નહિ તો હું સમજીશ કે તમારા લોકો વચ્ચે એવું કઈ નથી” અને હું પત્ર મળતાજ જેમ તેમ કરીને રજા લઈને અહી આવી પહોંચ્યો છું.” મારી આંખો ફાટી ગઈ ! મારા પાપા મને આટલો પ્રેમ કરે છે ? મને એ હમેશા એક કડક શિસ્તબદ્ધ આર્મી ઓફિસર લાગ્યા હતા, એ મને ખુબ પ્રેમ કરતા હતા એમાં કોઈ શક નહોતો પણ આટલું આગળ વધીને એ મને પ્રેમમાં ઝૂરતી જોઈ ગયા હશે અને સમ્રાટને પત્ર પણ લખી નાખ્યો ! ખરેખર ! આર્મી ઓફિસરમાં પણ દિલ હોય છે અને એ પણ આટલું સુંદર ! મને ત્યારે ને ત્યારેજ મારા પાપાને દોડીને ભેંટી પડવાનું મન થઇ ગયું. પણ અત્યારે તો ઝીંદગી મારી સામે સ્મિત કરતી બેઠી હતી. મારું સર્વસ્વ, મારો પ્રેમ મારી સામે જોઈ રહ્યો હતો. મેં શરમથી આંખો નમાવીને એમનો હાથ પકડી લીધો. મારું રોમ રોમ રોમાંચિત થઇ ઉઠ્યું હતું. એ જુક્યા અને એમણે મારું મુખ પકડીને મને એક ચુંબન કર્યું. મારા હૃદયના ધબકારા જાણે કે બંધ થઇ ગયા. મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને હું એમને ભેંટી પડી.” રેવાની આંખોમાં આંસુ આવી ગયા. યુવાએ એના હાથ રેવાના ગળે વીંટાળી દીધા અને એના ગાલો પર એક ચુંબન કરી દીધું. “હાઉ સ્વીટ, રેવામાં, તમારી પ્રેમકથા તો અદભુત છે !” રેવાએ યુવાનું માથું થપથપાવ્યું અને આગળ બોલી “થોડીવાર અમે એમજ બેસી રહ્યા. હું એમના ખભે માથું નાખીને બેસી રહી. પછી અમે પાછા કિનારે આવી ગયા અને એમણે એમની બાઈક કાઢી અને હું પાછળ બેસી ગઈ. “પાપા રાહ જોતા હશે આપણી” એ બોલ્યા અને એમણે બાઈક અમારા ઘર તરફ મારી મુક્યું.

***

બાઈક પરથી હું ઉતરી અને મેં જોયું કે પાપા ઘરના દરવાજે હાથમાં ડ્રીંક લઈને ઉભા હતા. એમની આંખોમાં અજીબ ચમક હતી અને મુખ પર હાસ્ય. હું દોડીને એમને ભેંટી પડી. એમણે પ્રેમથી મારો ખભો થપથપાવ્યો. “મારી દીકરી મોટી થઇ ગઈ છે હવે તો ભાઈ, કેવો લાગ્યો અમારો જવાન તને ? પ્રપોઝ કર્યું એણે ? કોઈ ગીફ્ટ શિફ્ટ આપી કે નહિ મારી વહાલી દીકરી ને ?” એમણે મને પૂછ્યું. હું શરમથી એમના ખભે માથું નાખીને ઉભી રહી અને મેં નકારમાં માથું ધુણાવ્યું. “શું ? ઓહ નો ! હાવ અનરોમેન્ટિક !!! આજ કાલના નવજુવાનોને પ્રેમ કરતા જ નથી આવડતો, હલો, ઓ મિસ્ટર સમ્રાટ, અમારી છોકરીને તમે કોઈ ગીફ્ટ પણ નાં આપી ? શેમ ઓન યુ” એમણે સમ્રાટને ગુસ્સાથી કહ્યું. સમ્રાટ માથું ખંજવાળતા ત્યાં ઉભો રહી ગયો. “સર, તમારો પત્ર મળ્યો અને હું ભાગમભાગ આવ્યો છું. મને લાગ્યું કે હું નહિ આવું તો તમે રેવાનો હાથ કોઈ બીજાને આપી દેશો. આઈ એમ સોરી સર, હું એને...હું,,,,કૈંક લઇ આપીશ,,,આઈ એમ સોરી સર,,,,” સમ્રાટને લોચા વાળતો જોઈને હું અને પાપા બંને ખડખડાટ હસી પડ્યા. “ઇટ્સ ઓકે જવાન, મને ખુબ ખુશી છે કે રેવા અને તમે સાથે છો, આઈ લાઈક યુ, આઈ હેવ સીન યોર ક્રેડેન્શીયલસ, યોર પ્રોફાઈલ, મને ખબર છે કે તમે એક જાંબાઝ સિપાહી છો અને દેશ માટે મરી ફીટવા તૈયાર એવામાંના એક છો. બિલકુલ મારા જેવા અને રેવા જો તમારી સાથે પરણે તો એ મારા માટે ગર્વની બાબત થશે. રેવાબેટા, પ્લીઝ ગેટ અસ અ ડ્રીંક” એમણે મને કહ્યું અને હું બાર તરફ ચાલી નીકળી.

“ચીયર્સ” પાપાએ ગ્લાસ ઉંચો કર્યો અને મેં અને સમ્રાટે પણ અમારા ગ્લાસ એમના ગ્લાસ સાથે ટકરાવ્યા. હું ક્યારેક ક્યારેક વાઈન પીતી અને આજે તો ખાસ મોકો હતો. પાપા કઈ બોલે એમ નહોતા. “ટુ યોર લવ, ટુ યોર હેપ્પી એન્ડ સકસેસફુલ મેરેજ લાઈફ” પાપા એ ટોસ્ટ કર્યો. થોડીવાર આડીઅવળી વાતો કર્યા પછી હું કિચનમાં ગઈ કૈંક બનવા માટે અને સમ્રાટ અને પાપા વાતે વળગ્યા. મને કિચનમાંથી એમની વાતો સંભળાઈ રહી હતી. “કઈ ખબર પડી ? કોની હિંમત થઇ કે ઇન્ડિયન આર્મીના કેપ્ટનને ઉડાવી દેવાની ?” પાપાનો ક્રોધિત અવાજ મને સંભળાયો અને મેં કાન સરવા કર્યા. “ના સર, હું તો મારી રીતે  જતો હતો અચાનક મેં રીઅર વ્યુ મિરરમાં જોયું તો કોઈ ટ્રક ભયાનક ઝડપથી આવી રહી હતી. મેં બચવા માટે બાઈક ડાબી તરફ લીધું પણ ટ્રકનું બમ્પર મારા બાઈકના પાછલા વ્હીલ સાથે અથડાયું અને હું ઉછળીને પડ્યો. વરસાદ ખુબજ હતો એ દિવસે અને મને ખુબજ પીડા થતી હતી, મારો પગ ફ્રેકચર થઇ ગયો હતો એટલે હું એનો પીછો ના કરી શક્યો અને એટલામાં તમે અને રેવા ત્યાં આવી ગયા. એ ટ્રક આગળ જઈને થોડીવાર ઉભો હતો પણ તમારી કાર જોઇને એ ભાગી ગયો હોય એવું મને લાગે છે.” સમ્રાટે કહ્યું. “તારી વાત સાંભળ્યા પછી મને પણ એમજ લાગે છે કે કોઈએ જાણીબુજીને તને ટક્કર મારી છે, ખેર  ! તું સાવધ રહેજે સમ્રાટ, ઇન્ડિયન આર્મીમાંથી માત્ર ત્રણજ જણા આ ખુફિયા મિશનમાં સામેલ કરેલા છે, તું પણ એમનો એક છે. તમારી ટીમે હિમાલયમાં થતી ગેરકાયદેસર અફીણની ખેતી અને ડ્રગ્સડીલરો નો સફાયો કરવાનો છે. છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ કોશિશ કરે છે પણ મેળ પડતો નથી એટલે ‘રો - રીસર્ચ વિંગ એન્ડ એનાલીસીસ’ – ના વડાએ ખાસ આપણી સેનાને વિનંતી કરી છે આ કેસમાં હેલ્પ કરવાની અને આપણી આર્મીએ ત્રણ જવાનોને એમાં મુક્યા છે. તું પણ એક છે અને આ આખું ઓપેરશન લોકલી હું હેન્ડલ કરવાનો છું. આઈ હેટ ડ્રગડીલર્સ, મારું ચાલે તો હું એમને ગોળીએ દઈ દવ, આપણી નવજુવાન  પેઢીઓની પેઢીઓ એમણે બરબાદ કરી દીધી છે ! હું નહિ છોડું એમને” પાપાનો ક્રોધિત અવાજ મને સંભળાયો. મને કઈ બહુ ખબર નાં પડી અને હું માથું ધુણાવીને કિચનમાં કામે લાગી ગઈ.

***

“જય ભોલેનાથ” એક ઘેરો અવાજ આવ્યો અને હું બહાર આવી. એક લાંબો જટાધારી નવયુવાન મારી સામે ઉભો હતો. એણે ભગવા કપડા પહેરેલા હતા. એના કપાળ પર ત્રિશુલ દોરેલું હતું અને એની આંખોમાં કૈંક અજબ ચમક હતી ! એણે મારી સામે સ્મિત કર્યું. “પાપાને બોલાવશો પ્લીઝ ?” એણે શુદ્ધ અંગ્રેજીમાં મને પૂછ્યું અને મેં આશ્ચર્યથી એની સામે જોયું અને હું અંદર પાપાને બોલાવા જતી રહી. પાપા થોડીવારમાં બહાર આવ્યા અને ઉષ્માથી એ યુવાન સાધુને ભેંટી પડ્યા. “આવો શિવ આવો, ક્યા હતા આટલા દિવસ ?” પાપાએ એનો હાથ પકડીને પૂછ્યું. “હું તો ભટકતો જ રહું છું, તમને ખબર જ છે ને ? હિમાલયમાં હતો આ વખતે, એક લોકલ ગેંગને પકડાવી દીધી છે, તમને રીપોર્ટ આપવા જ આવ્યો છું ! બસ આ પછી હું પાછો થોડા દિવસ હિમાલય માં જતો રહીશ.” પાપાએ એનો ખભો થાબડ્યો. “રેવા, બેટા, અહી આવ, જો કોણ આવ્યું છે ? આ શિવાનંદ છે, આર્મીનો છૂપો ગુપ્તચર, એ બેઝીકલી એક અઘોર સાધુ છે પણ એણે પણ આ ડ્રગ્સનો ધંધો બંધ કરવાની કસમ ખાધી છે અને એ આપણને છુપા વેશે મદદ કરે છે.” હું આગળ આવી અને મેં એ યુવાન સાધુની આંખોમાં જોયું. અદભુત આંખો હતી એની. કોઈ અજીબ ચમક, એ મારી સામે હસ્યા અને એમણે મારો હાથ પકડીને માથું જુકાવ્યુ. “શિવાનંદ હાર્વડ ગ્રેજ્યુએટ છે બેટા, એના પિતાજી અહી ખેડૂત હતા અને આર્મીને છુપી ખબર પણ આપતા હતા. આર્મીએ આ યુવાન અને બુદ્ધિશાળીને આગળ ભણવા હાર્વર્ડ મોકલ્યો હતો. એ થોડા વર્ષો પહેલા જ પાછો આવ્યો છે. એને હિમાલયમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાચીન અઘોર વિદ્યા પર રીસર્ચ કરવું હતું. એવામાં આતંકવાદીઓએ એના પિતાજીને પકડી પાડ્યા અને મારી નાખ્યા. ત્યારથી એ એમની જગ્યાએ ગોઠવાઈ ગયો છે ! અમને એણે ખુબજ હેલ્પ કરી છે ડ્રગડીલરોને પકડાવામાં. જા એમના માટે થોડું દૂધ લઇ ને આવ” હું અંદર જતી રહી દૂધ લાવવા અને એ બંને જણા વાતોએ વળગ્યા.

“આ વરસે રેવા અને સમ્રાટનાં લગ્ન લઇ લેવા છે, તું બોલ, તારી તપસ્યા કેવી ચાલે છે ? મળ્યું તને કોઈ ગુરુ બનાવા લાયક ?” પાપાનો અવાજ આવ્યો.

“નાં, હજુ સુધીતો કોઈ નથી મળ્યું પણ મારી કોશિશ ચાલુ છે. ક્યારેક તો મળશે કોઈ મને” શિવાનંદનો અવાજ સંભળાયો. હું દૂધ લઈને આવી અને એમના હાથમાં આપ્યું. એમણે માથું જુકાવીને સ્મિત કર્યું.”

***

સોથી વનદેવીના ચરણોમાં જુકી પડી હતી. એની આંખોમાં આંસુ આવી ગયા હતા. નભુને એ લોકો લઈને આવ્યા હતા. નભુ પણ લંગડાતો લંગડાતો આવ્યો અને વનદેવીને પગે લાગ્યો. એક મહિનાની સારવાર પછી નભુ ઉભો થઇ ગયો હતો. વનદેવીએ આંખો ખોલી અને એક મધુર સ્મિત કર્યું અને સોથીના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. “વચન મુજબ ડોકટરને મધ મોકલાવી આપો” એમના હોઠ ફફડ્યા અને સોથીએ હકારમાં માથું ધુણાવ્યું. વનદેવી ઉભા થયા અને ધીમે ધીમે ચાલતા ચાલતા એમની ઝુંપડીઓની બહાર આવેલા એક વિશાળ મેદાન તરફ ગયા. ત્યાં બાજુમાં એક મોટી ટેકરી હતી. વનદેવીએ હાથની છાજલી કરી અને દુર દુર વાદળાઓ તરફ જોયું. એમની આંખો ચમકી ઉઠી. ચોમાસું પાસે જ હતું. ઠંડી હવાઓ એમના લાંબા વાળને આમતેમ ઉડાડી રહ્યા હતા. એમણે એક નિઃશ્વાસ નાખ્યો અને દુર સુદૂર પહાડો તરફ નજર નાખી. અચાનક એ ઉતાવળા પગલે પાછા ફર્યા અને સોથીને બધાને ભેગા કરવાનું કહ્યું. “બધા સામાન બાંધી લો, ઉતાવળ કરો, એકાદ બે દિવસ જ છે તમારી પાસે” એ એમના શાગિર્દ બની ગયેલા પાંચ ભૂવાઓ તરફ ફર્યા. “તમે લોકો અલગ અલગ દિશાઓ માં જાવ, જલ્દી જાવ અને બીજા ગામ લોકોને ખબર પહોંચાડો, જલ્દી કરો, નાં માને તો મારો આદેશ છે એમ કહેજો, બધાને ઉપરવાસમાં જતા રહેવાનું કહો, કૈંક અજુગતું થવાનું છે. લાગે છે કે અતિવૃષ્ટિ થશે” બધાએ માથું જુકાવ્યુ અને કામે લાગી ગયા. બધાના મનમાં અચરજ હતું કે આવું કઈ થશે ? દર વર્ષે વરસાદ ભરપુર થતો પણ એમને સ્થળાંતર કરવું પડે એવું તો કોઈ દિવસ થતું નહોતું. વનદેવી એમના માટે પૂજ્ય હતા અને એ લોકો એમના આદેશની અવહેલના કરે એમ નહોતા. વનદેવીએ એમને સુરક્ષિત રીતે પહાડોમાં ઉપરની તરફ પ્રયાણ કરવાનું સુચન કર્યું હતું. નીચેવાસમાં રહેતા તમામને ખસેડવાની સૂચના હતી.

બીજા દિવસે બધા ત્યાંથી પ્રયાણ કરી ગયા. એક ઊંચા પહાડ પર આવેલી સાંકડી ગુફામાં વનદેવી રહી ગયા હતા. એ જ પહાડ ઉપર આવેલી સપાટ જગ્યાએ આદીવાસીઓ એ સ્થળાંતર કર્યું હતું. સાંજે ભયંકર વીજળીઓ થવા લાગી અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. જાણેકે આખી ધરતી પાણી પાણી થઇ જશે એવું લાગવા લાગ્યું. અબુધ આદિવાસીઓ આંખો ફાડીને આ જોઈ રહ્યા. આવો ભયંકર વરસાદ અને તોફાન એમણે ક્યારેય જોયો નહોતો ! બદ્ધા મનો મન વનદેવી નો આભાર માનવા લાગ્યા.

વનદેવી એમની ગુફામાંથી બહાર આવ્યા. ભયંકર વરસાદમાં એમનું આખું શરીર પલળી ગયું હતું. એમણે એમના હાથમાં રહેલો લાકડાનો દંડો ઉંચો કર્યો અને આકાશ તરફ કર્યો. આકાશમાં વીજળી અવિરત ચમકી રહી હતી. એ ખડખડાટ હસી પડ્યા. પવનનું જોર હવે વધી રહ્યું હતું. નીચેનો આખો ભાગ પાણી પાણી થઇ ગયો હતો અને આ વરસાદ આવતા પાંચ દિવસ સુધી રોકાવાનો નહોતો. જુન ૨૦ થઇ હતી, અને વરસાદે માજા મૂકી હતી. વનદેવીને પોતાનું આખું શરીર ધ્રુજતું હોય એવું લાગ્યું ! એમને આ દિવસે કઇંક યાદ આવવા લાગ્યું ! કોક એમનો શરીરનો ટુકડો જાણે કે એમનાથી છૂટો પડીને પહાડ પરથી ગબડીને નીચે જતો રહ્યો હોય એવું એમને લાગવા માંડ્યું. એ વરસતા વરસાદમાં નીચે બેસી પડ્યા અને એમણે જોરથી આક્રંદ કર્યું ! દિશાઓ ધ્રુજી ગઈ એમનું આક્રંદ સાંભળીને અને હિમાલયના પહાડો ધ્રુજવા લાગ્યા !

કોઈએ આંખો ખોલી અને એમની આંખોમાંથી એક અશ્રુ બિંદુ રુદ્રાક્ષ બનીને નીચે પડ્યું !

***

ભાગ-૧૫ સમાપ્ત

 

 

  

 

***

Rate & Review

Manish Patadia 2 months ago

Dashrath Sinh Jadeja 3 months ago

Narendra Kansara 3 months ago

Viral 4 months ago

Lajj Tanwani 5 months ago