chaal Jeevi laiye film review books and stories free download online pdf in Gujarati

ચાલ જીવી લઈએ- ફિલ્મ રીવ્યુ

‘ચાલ જીવી લઈએ’ આ ફિલ્મના ટ્રેલર રિલીઝથી જ ફિલ્મ વિષે લોકોમાં ઉત્કંઠા જાગી હતી. બહુ ઓછી એવી ગુજરાતી ફિલ્મો છે જેના ટ્રેલર પરથી લોકોને ફિલ્મ જોવાની ઈચ્છા થાય. ટ્રેલરમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના સાથી કલાકારોની મસ્તી વધુ જોવા મળી હતી. આ કદાચ ટ્રેલરને આકર્ષક બનાવવા માટે કરવામાં આવ્યું હોય એવું બને, પરંતુ વિશ્વાસ કરજો આ ફિલ્મ તેના ટ્રેલર કરતા સાવ અલગ છે.

મુખ્ય કલાકારો: સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, આરોહી અને અરુણા ઈરાની

ગીત: નિરેન ભટ્ટ

સંગીત સચિન જીગર

નિર્માતા: રશ્મીન મજીઠીયા

નિર્દેશક: વિપુલ મહેતા

કથાનક: બિપીનભાઈ (સિદ્ધાર્થ રાંદેરિયા) નિવૃત્ત છે અને એમના પત્ની હવે આ દુનિયામાં નથી. તેમનો એકનો એક પુત્ર આદિત્ય એટલેકે આદી (યશ સોની) એક IT કંપની ચલાવે છે અને વર્કોહોલિક છે. આદિ એટલો બધો તો કામમાં ખુંપેલો રહે છે કે તેને પોતાના પિતા સાથે વાત કરવાનો પણ સમય નથી. બિપીનભાઈને આ બાબતનો ખૂબ રંજ છે. એક દિવસ ઘરમાં કામ કરતા આદિ બેભાન થઇ જાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે.

હોસ્પિટલના ડોક્ટર (અરુણા ઈરાની) આદિની સાથે સાથે બિપીનભાઈના ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપે છે. આદિના રિપોર્ટ્સ તો ‘નોર્મલ’ આવે છે પરંતુ બિપીનભાઈને એડવાન્સ સ્ટેજનું બ્રેઈન ટ્યુમર થયું હોવાનું નિદાન થાય છે. બિપીનભાઈ પાસે હવે બહુ સમય ન હોવાનું ડોક્ટર આદિને જણાવે છે. બિપીનભાઈ આદિને પોતાની અંતિમ ઈચ્છા તરીકે હૃષીકેશ જવાનું અને ત્યાંની સવારની આરતી કરવાનું કહે છે. આદિ માની જાય છે અને બિપીનભાઈને હૃષીકેશ લઇ જાય છે.

અહીં આવ્યા બાદ પણ બિપીનભાઈ પોતાનો રમુજી અને મસ્તી મજાકવાળો સ્વભાવ બદલતા નથી ઉલટું આદિ સમક્ષ હૃષીકેશથી ચોપતા જવાની જીદ કરે છે જ્યાં તેમણે પોતાની પત્ની સાથે હનિમૂન માણ્યું હતું. આદિને પોતાનું કામ બગડતું હોવાથી આ સફર લાંબી કરવાનું ગમતું તો નથી પરંતુ બિપીનભાઈ તેને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને મનાવી લે છે. ચોપતા જતાં રસ્તામાં તેમને મળે છે કેતકી મહેતા (આરોહી) જે ટ્રેકિંગ કરવા ઉત્તરાખંડ આવી હોય છે પરંતુ ટીમનો સંપર્ક ગુમાવી ચૂકી છે.

કેતકી પણ બિપીનભાઈની જેમજ જીવન આજેજ અને અત્યારેજ જીવી લેવામાં માનતી હોય છે એટલે એનો અને બિપીનભાઈનો મેળ બરોબર જામી જાય છે જે આદિને ઇરીટેટ કરે છે. પછી તો આ ત્રિપુટી સાથે રહીને જ ઉત્તરાખંડને માણવાનું શરુ કરે છે પરંતુ ત્યાં એક ઘટના બને છે, કેટલાક ગુંડાઓ આ ત્રણેયનો મહત્ત્વનો સામાન લૂંટી લે છે. તેમ છતાં બિપીનભાઈ અને કેતકીના હકારાત્મક સ્વભાવને લીધે તેમની સફર આગળ વધે છે અને અનેક વળાંકો બાદ આ ત્રણેય એક સત્યનો સામનો કરે છે!

ટ્રીટમેન્ટ વગેરે...

ઘણા લાંબા સમયે અને આમ કહીએ તો કદાચ પહેલીવાર આંખોને આરામ આપતા કુદરતી દ્રશ્યો ધરાવતી કોઈ ગુજરાતી ફિલ્મ જોવા મળી. ઉત્તરાખંડ અને ખાસકરીને હૃષીકેશ અને કેદારનાથની કુદરતી સુંદરતાના ભવ્ય દ્રશ્યો ગુજરાતી ફિલ્મમાં જોવા મળે એ આશ્ચર્ય આનંદ પમાડી જાય છે. હા ડ્રોનનો અતિશય ઉપયોગ ક્યાંક ખટકે છે પણ નજર સામેનું દ્રશ્ય જ એટલું મનભાવક હોય છે કે એ ફરિયાદ ભૂલી જવાય છે.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ પ્રકારની વાર્તાઓ પર ગુજરાતીમાં નાટકો જરૂર બનતા હોય છે પરંતુ તેને ફિલ્મી ફ્રેમમાં ઢાળવું સહેલું નથી હોતું જેમાં ફિલ્મના નિર્દેશક સફળ થયા છે એવું કહી શકાય. હા અમુક જગ્યાએ ફિલ્મ ડ્રેગ થતી હોય એવું લાગે કારણકે સફરમાં ત્રણ જ પાત્રો છે અને બાકીના જે પાત્રો આવે છે એ સ્થાનિક લોકોના છે એટલે કોઈ નાવીન્ય લાગતું નથી.

યશ સોની જેને આપણે ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?; જેવી કોમેડી ફિલ્મોમાં જોયા છે તેમનું કદાચ આ પ્રથમ સોલો પર્ફોર્મન્સ એઝ અ સિંગલ હિરો છે. આપણે એમ તો નહીં કહી શકીએ કે યશ સોનીએ જમાવટ કરી છે પણ એને સોંપેલું કામ એણે કરી બતાવ્યું છે. ભાવનાત્મક દ્રશ્યોમાં કે પછી જ્યાં ગુસ્સો દર્શાવવાનો હોય ત્યાં ક્યાંક યશ ઉણા ઉતરે છે એવું દેખાઈ આવે છે. પણ તેઓ તેમના સાથી કલાકાર અને એ પણ દિગ્ગજ કલાકારની આભામાં પણ નથી આવ્યા એ પણ આપણે જરૂરથી નોંધવું જોઈએ.

આરોહીએ લવની ભવાઈમાં પોતાની અદાકારીની ઈમોશનલ સાઈડ ખાસ્સી એવી બતાવી હતી જ્યારે અહીં તેણે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે કોમેડીમાં કદમતાલ મેળવ્યો છે અને બરોબર મેળવ્યો છે. આરોહીના ભાગે એકાદું જ ઈમોશનલ દ્રશ્ય આવ્યું છે પરંતુ તેની વિગત અહીં શેર કરવાથી ફિલ્મ જોવાની તમારી મજા બગાડશે એટલે જાહેર નથી કરતો. ઓવરઓલ આરોહી એ લાંબી રેસનો ઘોડો છે એ લવની ભવાઈથી જ ખબર પડી ગઈ હતી અને એ વિશ્વાસને તેણે ચાલ જીવી જઈએથી મજબૂત બનાવ્યો છે.

સિદ્ધાર્થ રાંદેરિયાને છેલ્લે નટસમ્રાટમાં ગંભીર રોલ કરતા જોયા હતા. અહીં તેમના રોલનું પોત ગંભીર છે પરંતુ તેમણે મન મૂકીને પોતાના જ અંદાજમાં કોમેડી પણ કરી છે જે દર્શકોને જરૂરથી મજા કરાવશે. નટસમ્રાટમાં તેમની એ જ ઈમેજ કદાચ લોકોમાં ધારી અસર ન પાડવા માટે જવાબદાર હતી પરંતુ અહીં તેમને છુટ્ટો દોર આપવામાં આવ્યો છે અને આગળ કહ્યું તેમ તેમની ભૂમિકાનું પોત ગંભીર હોવા છતાં દર્શકને એક સેકન્ડ પણ બોર નથી કરતા.

નાનકડા પરંતુ આખી ફિલ્મમાં ફેલાયેલા રોલથી અરુણા ઈરાની પણ ધ્યાન ખેંચે છે.

છેવટે...

ચાલ જીવી લઈએ એ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોમાંથી એક નથી પણ ન જોઈએ તો કદાચ નુકશાન આપણું જ છે. આમ કહેવા પાછળ બે કારણો છે. એક તો એ કે ફિલ્મ ન જોવાથી ઉત્તરાખંડના મોહક દ્રશ્યો મોટા સ્ક્રિન પર અને એ પણ ગુજરાતી ફિલ્મમાં જોવાથી ચૂકી જવાશે અને બીજું કારણ એ છે કે ફિલ્મનો સંદેશ જાણવો અને સમજવો આપણા દરેક માટે જરૂરી છે.

૦૨.૦૨.૨૦૧૯, શનિવાર

અમદાવાદ