મેથીપાક મેથીપાકમાં પણ ફરક હોય..!

             

 

                    

               મેથીપાક મેથીપાકમાં પણ ફરક હોય...!

 

                                                            પહેલાં તો ચોખવટ કરી લઉં કે, બંદાએ મેથીપાકની હાટડી ખોલી નથી. બીજું, મેથી-પાક પાછળ ‘ પાક ‘ શબ્દ લાગે છે, તેથી  પાકિસ્તાનની પ્રોડક્ટ સમઝવાની  ગેરસમઝ  કરવી નહિ.મેથીપાક એટલે ઘરમાં ચાર-પાંચ બંગડીવાળીએ બનાવેલી એ હિન્દુસ્તાની પ્રોડક્ટ જ છે અમુકને  એ મેથીપાક આપે કે ખવડાવે, એવાં સંવેદનશીલ પ્રશ્નોને  આપણે છંછેડવા નથી. એના કરમ એ ભોગવે. મિયાં-બીબીના મામલામાં અણવરિયાએ માથું નહિ મારવાનું. આ તો શિયાળો આવ્યો એટલે, મેથીપાક યાદ આવ્યો. બાજુવાળો મેથોપાક ખાય, ને આપણે ભર શિયાળામાં બરફગોળો ચાવતાં જોયાં કરવાનું સહન નહિ થયું એટલે મેથીપાક યાદ આવ્યો.  કોઈની મેથી મારવાનું આવડે નહિ, એટલે મેથી –પાક ખાવાના રવાડે ચઢી જવાયું. મેથી ખાવામાં થોડો રસ ખરો,  તે પણ ઓન્લી શિયાળામાં..!  પાડોશી દેશની માફક મેથી મારવી, કે મેથીપાક ચખાડવામાં મુદ્દલે જ્યુસ નહિ..!  હિન્દુસ્તાન એક સિઝનેબલ ને રીઝનેબલ દેશ છે યાર.! શિયાળામાં ખાતાં વધેલો મેથીપાક, ગુંદરપાક,ખજૂરપાક, કે કોપરાપાકને ફ્રોઝન કરી, ઉનાળા સુધી  એની બેલેન્સ એ ક્યારેય ખેંચતો નથી. 

તુંડે તુંડે મતીર ભિન્ના, એમ મેથીપાક, મેથીપાકે પણ ફેર હોય. શિયાળા સિવાય બીજો એક મેથી પાક, ભણતા ત્યારે ચાખવા મળતો, શિક્ષકના હાથનો..!  ભાગ્યેજ કોઈ કમનસીબ હશે, કે જેને મેથીપાક ચાખવા ના મળ્યો હોય..?  એવાં સ્વાદિષ્ટ મેથીપાક મળતાં કે, ધનુષના કામળા થી બરડાઉપર જાતજાતની ડીઝાઈન પણ આવતી. પછી તો જેવો જેવો શિક્ષક ને જેવું જેવું ધનુષ..!  જો ડર ગયા, વો ઘર ગયા, ઔર ઠહર ગયા વો પઢ ગયા...!  પણ એવો માર મળતો કે, ધનુષના કામળા કામળા ભાંગી જતાં. ફૂટપટ્ટીના સપાટા પડતાં તો, ફૂટપટ્ટી એના સ્કેલ ગુમાવી બેસતી.  દોઢ ફૂટની ફૂટપટ્ટી હોય તો, અડધો ફૂટની  થઇ જતી.  એના ઉપરથી  તો કહેવત આવેલી કે, “ સોટી વાગે ચમ ચમ, તો  વિદ્યા આવે ઘમ્મ ઘમ્મ..! “  અમારો ચમનીયો તો ઉનાળામાં પણ જાડા સ્વેટર પહેરીને જ આવતો. ..! કેમ કે, રેકોર્ડબ્રેક માર એને જ વધારે પડતો.  દાદા થાવ કે પરદાદા. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ કહી દે કે, એના શિક્ષક કોણ અને કેવાં જાલિમ હતાં ? એના હાથમાં કેવાં ધનુષ, આંકડી ને ડંડા રહેતાં..?  ભણતર ભૂલી જવાય,  બાકી શિક્ષકનો ખાધેલો મેથીપાક તો મોટી ઉમરે હોસ્પીટલના ખાટલે પણ યાદ રહે. એ માર જ એવો કાતિલ કે, જબ જબ શિયાળા આતા હૈ, તબ તબ સાલા યે ઉભરતા હૈ..!

વસાણાના મેથીપાક ને શિક્ષકના મેથીપાક વચ્ચે તફાવત એટલો જ કે, શિક્ષકવાળા મેથીપાકમાં તેજ આવતું. ત્યારે વસાણાનામેથીપાકમાં મરી-મસાલો ને તેજાનો આવે. જે  શિયાળામાં જ ઉપલબ્ધ. ને પચે પણ શિયાળામાં  જ...!  શિયાળાના મેથીપાકની અસર શરીરની  અંદરથાય.ને શિક્ષકના મેથીપાકની  અસર શરીરની બહાર. શિયાળાનો મેથીપાક  સીઝનલ, ને શિક્ષકવાળો મેથીપાક બારમાસી. માત્ર વેકેશનમાંજ છૂટકારો..!  આટલું વાંચ્યા પછી, વાંચકે જીભ વલવલાવવાની  જરૂર નથી,  કારણ કે હું,બેમાંથી એકેયની રેસીપી આપના હવાલે મુકવા ઉપસ્થિત થયો નથી.

                             શિયાળો એટલે લહેરખી. એ કેવો ગુલાબી હોય કે આકરો હોય, એ જાણવું હોય તો ઉમર પ્રમાણે રિમાન્ડ લેવો પડે. શિયાળનું બહુવચન કરવાથી શિયાળો આવતો નથી. પણ મેથીપાક ખાવાની ઈચ્છા થાય, એવી મૌસમ બેસે ત્યારે જ શિયાળો આવે. આપણે ત્યાં સાઉથમાં  બરફ પડતો નથી.  કાચના ગ્લાસમાં સાંજે  પડતો હોય તો,  નોલેજ નથી.  વાત જાણે એમ છે  દાદૂ, કે આજે સવારે ચીણીચીણી આંખવાળા સ્વેટર મફલર વેચવાવાળાને બજારમાં જોયા, ને હું શિયાળાની વિચારધારાની  અડફટમાં આવી ગયો. ચાઇનીશ વિષે લોકો જે કહેતાં હોય તે, બાકી હું તો એમને પરોપકારી પ્રજા જ માનું. એમનો એક જ મકસદ માનવજાત ટાઢમાં થથરવી  નહિ જોઈએ. એટલે  તો શિયાળો બેસતાં જ ટાઢ ઉડાવવા એ લોકો શહેરમાં આવી જાય. ઘરવાળી  કદાચ ઠંડીમાં ગોદડી ઓઢાડવાનું ભૂલી જાય, પણ આલોકોશિયાળો બેસે એટલે પરદેશી ચકલાંની માફક આવવા જ માંડે..!  ધાબળા –મફલર લઈને રસ્તા ઉપર એવાં ઉતરીપડે કે, જાણે ચૂંટણીનો પ્રચાર કરવા ધાડાં નહિ ઉતરી પડ્યાં હોય..? એક બાજુ આ લોકોના માંડવા હોય, ને બીજી બાજુ ઉબાડિયાના માંડવા..!  સમજી જવાનું કે, મેથીપાક ખાવાનો સમય આવી ગયો. શિયાળો શોધવા પંચાંગ જોવાની જરૂર જ નહિ. ઠંડી હોય કે ના હોય, છતાં ઠંડી તૂટી પડી એવું મહેસૂસ તો થવા માંડે.

                                બાર ગાઉએ બોલી બદલાય, એમ શિયાળો પણ બાર ગાઉએ જુદો વરતાય. કોઈને ગુલાબી, કોઈને કકડટી, કોઈને ફફડાવતીતો કોઈને તફડાવતી ઠંડી લાગે. જેવી જેવી જેની સહન શક્તિ, ને જેવાં જેના ભાગ્ય..!  અમુકને તો શિયાળો એવો વળગે કે,મોંઢે બેઠેલાદાંતના ચોગઠા પણ એકબીજા સાથે બાઝવા માંડે. એવાં બાઝે કે, જાણે કોઈ તબલાનો તાલ નહિ વાગતો હોય..? ખુદના વજન કરતાં, ધારણ કરેલાંગરમ વસ્ત્રોનો ભાર વધી જાય..!  ડોહાઓ બિચારા કરકસરી ખરાં.દીકરાના જુના સ્વેટરથી જ ટાઢ ઉડાવવાની ભાવનાવાળા. ઠંડીમાં એની હાલત ભૂંડી થઇ જાય.  ગાદલા ઉપર ઓશિકાનું કવર ચઢાવ્યું હોય, એમ સ્વેટર ચઢાવવા ને ઉતારવા માટે મજુર જ રાખવા પડે..! એ તો સારું છે કે, છોકરાના બળોતિયાં લોકો સાચવતાં નથી નહીં  તો...?  એના કપાળમાં કાંદા ફોડું...!

શિયાળામાં ડોહાઓ  ધ્રુજી ઉઠે યાર..!  શિયાળો બેસે એટલે તડકો લેવા ડોહાઓ સવારે રસ્તા ઉપર આવી જાય. એ દ્રશ્ય તો એવું લાગે કે, જાણે ડોહાઓ  સૂરજને દર્શન આપવા બહાર ના નીકળ્યા હોય..?  સારું છે કે, આપણે ત્યાં ડોહાઓની વસ્તી ગણતરી કરવાનો રીવાજ નથી.  બાકી વસ્તી ગણતરી કરવી જ હોય તો શિયાળા જેવી  ઉતમ સીઝન નહિ. બિચારા જીવતરનો હવાલો નાંખીને ડોહાઓ તડકે જ બેઠાં હોય...!  પણ તડકે બેસવાની મૌસમ માત્ર હિંદુસ્તાનમાં જ.વિદેશના ‘ ઓલ્ડમેન ‘ ના નસીબમાં આ સવલત નહિ. એમણે તો હીટરમાં જ ફીટર રહેવાનું.  કારણ વિદેશમાં તોસૂરજે પણ બહાર નીકળવા વિઝા લેવા પડતાં હોય, એમ ડરતાં ડરતાં ડોકાં કાઢે. ત્યાં સાલો બરફ જ એટલો પડે કે, આખું શહેર  શોકસભા રાખીને બેઠું હોય એવું લાગે.શિયાળાની મૌસમ તો ઘરજમાઈ જેવી લાગે. જુવાનજોધ માનવી પણ ગરમ કપડામાં એવો લપેટાયેલો હોય કે, સાચો ઘરડો શોધવાની  પણ તકલીફ પડે. મેથીપાક તો એમને ‘ બાઈટીંગ ‘ જેવો લાગે. લીમડાના ઝાડના ઝાડ ચાવવા આપીએ તો પણ શિયાળાના ઘેનમાંથી બહાર નહિ આવે, એવી ટાઢ પડે. ચોમાસાની તો વાત જ નહિ કરવાની. વરસાદ વંઠેલ વહુની માફક પડે. ક્યારે આવે ને ક્યારે જાય, એનું કોઈ માપ જ નહિ. અતિથીની માફક આવે, ને અતિથિની માફક જાય. ક્યારેક સત્યનારાયણની કથાના પ્રસાદ જેટલો પણ વરસે ને, ક્યારેક છપ્પન ભોગના પણ દર્શન કરાવે. ક્યારેક તો ફૂટપટ્ટી મૂકી મૂકીને ચરણામૃત વહેંચ્યું  હોય, એટલો પણ પડે. આપણા જેવું નહિ કે,  “ ઊની ઊની રોટલીને કારેલાનું શાક “ ઝાપટવાના નસીબ  એમને નહિ હોય. ભારતનો શિયાળો એટલે જલશા કરોને મામૂ...!  શિયાળાની મૌસમને હું તો ઈશ્વરની વ્યવસ્થા કહું. એટલા માટે કે, આપણા સ્વાસ્થાયનું જનરલ ચેકિંગ આ મૌસમમાં જ થાય. કોના શરીરના કયા ભાગ ક્યાં અને કેટલાં ડચકાં લે છે,એની ખબર શિયાળામાં જ પડે. એટલે તો મેથીપાક,સાલમપાક, ખજૂરપાક, કોપરાપાક, અડદીયુ ના અવતારો શિયાળામાં જ જન્મ ધારણ કરે. નવા વર્ષનું ખાતું ખુલતાં જ વાર, ઓપનીંગ બેટિંગ કરવા માટે પહેલો શિયાળો જ આવે..!  શિયાળો બેસે એટલે રોજમદાર જેવાં પંખાઓ  ને એ.સી. છૂટાં થાય ને, ધાબળા-ગોદડીઓની ભરતી થવા માંડે..!

શિયાળાના આગમનની છડી પોકારાય ચૂકી છે. ઠંડીના ચમકારા વરતાવા લાગ્યાં છે. પ્રકૃતિ પણ સજ્જ થઇ ગઈ છે. સવારો નશીલી બનવા માંડી છે. એ વેગ પણ આપે, ને આવેગ પણ આપે. આવો આપણે એને આવકારીએ....!

 

                         હવાને પણ તોફાન ચઢ્યું ને બરફ થયો શિયાળો

                         અંગેઅંગમાં રોમાંચ આપીને વસી ગયો શિયાળો

                         પ્હો ફાટીને પંખીએ ગગનને પણ ગુંજાવી દીધું

                         આળસ મરડી ને આંગણામાં ઉભો છે શિયાળો

                         તાપણા તાપે અલકમલકની વાત થાતી મઝાની

                        ચાદર વીંટી હુંફ આપી ઉર્જા આપતો એ શિયાળો

                         નવી નવેલી દુલ્હન માફક છમછમતો એ આવે

                         ધુમ્મટ તાણી ઘેરી વળતો વ્હાલસોયો શિયાળો

                          તેજ સાથે તોખાર આપી છલકાવી ગયો શિયાળો

                           હૈયાં સૌના પલ્લવિત કરીને મોહી ગયો શિયાળો                              

                          ઉઠ રસમંજન સ્ફૂર્તિદાયક ફૂલગુલાબી સવાર આવી

                          પંખીઓના કલરવ જાણે છડી પોકારતો આ શિયાળો

 

 હાસ્યકુ

--------------

 

ઉનાળે પણ

બરફ તો પડે છે

સાંજે ગ્લાસમાં

 

--------------------------------------------------------------------------------------------------------

***

Rate & Review

Ramesh Champaneri 1 month ago

Ghanshyam 1 month ago

Shreya 6 months ago

Kishor Rathod 6 months ago

Yash Panchal 6 months ago